Madhubala books and stories free download online pdf in Gujarati

મધુબાલા: એક રહસ્યભર્યું મોહક સ્મિત

મધુબાલા: એક રહસ્યભર્યું મોહક સ્મિત

  • જન્મ અને બાળપણ:
  • વીતેલાં જમાનાની મશહૂર અભિનેત્રી કે જેના એક સ્મિતના આજે પણ લોકો કાયલ જ છે અને આજેય જેને વિશ્વની સૌથી સુંદર અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે, એવી મધુરા સ્મિતની માલિકણ, મધુબાલા એટ્લે એક રહસ્યભરી જિંદગી અને સતત અનુભવાતી પીડા સામે મોહક હાસ્ય વિખેરતી રૂપેરી પરદાની ખૂબસૂરત હિરોઈન.

    ૧૪ ફેબ્રુઆરી,૧૯૩૩માં દિલ્હીમાં એક અત્યંત ગરીબ પરિવારના પાંચમા સંતાન તરીકે એક પરી એટ્લે કે મુમતાઝ બેગમ જહાઁ દેહલવીનો જન્મ થયો, જ્યાં બે ટાઇમના ભોજન માટેના પણ ફાંફાં પડી રહ્યા હતા. અગિયાર બાળકોના પરિવારમાં મોટી થઈ રહેલી બાળકી માટે ચોકલેટ, ઢીંગલી કે રમકડાં નહીં, પણ બે ટાઈમનુ ભોજન મળી જાય તોય ઘરમાં જાણે ઈદ હોય એવું અનુભવાતું.

    અફઘાનિસ્તાનના કાબુલ શહેર સાથેના સંબંધે જોડાયેલા તેના દાદાદાદીને ત્યાંના લશ્કર દ્વારા દેશવટો અપાયો હતો અને એના પિતા એ સમયના ભારતમાં આવેલા પેશાવરની ઈંપિરિયલ ટોબેકો કંપનીમાં નોકરી કરતાં હતા. પણ એક દિવસ આ કંપની બંધ થઈ જતાં તેઓ પરિવાર સહિત દિલ્લી આવીને વસી ગયા.ઈશ્વરે જ્યાં મુસીબત વધારી હતી, ત્યાં ચાર ભાઈ બહેન પણ કાળનો કોળિયો થઈ ગયા. દિવસે દિવસે પરિવારની હાલત બદથી બદતર થઈ રહી હતી. એક વાર એક ફકીરના ધ્યાને મધુબાલા આવી ગઈ. એણે ત્યારે જ એના પિતાને કહ્યું કે “આ છોકરી બહુ મોટું નામ કમાશે. એના માથા પર તેજ છે.” આટલું બોલી જતાં જતાં ફકીરે મુમતાઝના માથે હાથ મૂકીને કહ્યું, “તને જલ્દીથી જ મુંબઈમાં મળીશ.”

    નાનકડી મુમતાઝ બેગમ જહાં દેહલવીને કયાઁ કશી ખબર હતી? પણ એના ચાલાક પિતા અતાઉલ્લાને આ વાત સમજાઈ ગઈ કે મુમતાઝ કોઈ સામાન્ય બાળકી નથી, પણ હીરો છે, જેને જો સાચો ઝવેરી પારખે તો એ કોહિનૂર બનવાની ક્ષમતા રાખે છે. મુમતાઝની માતા આયેશા બેગમના વિરોધ વચ્ચે પણ પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી મુમતાઝ પર નાખી દેવા અતાઉલ્લા નાનકડી મુમતાઝને મુંબઈ લઈ આવે છે. મુમતાઝ પણ ખુશી ખુશી આ જાળમાં ફસાઈ જાય છે, કારણ એનું બાળમાનસ માત્ર ફરવાની જગ્યા તરીકે જ મુંબઇને જુએ છે. ભવિષ્યની એને ક્યાં ખબર હતી?

  • મુંબઈ આગમન અને એની ફિલ્મી પરદે કારકિર્દી:
  • મુંબઈ પહોંચીને મુમતાઝને તેના પિતા બોમ્બે ટોકીઝ લઈ જાય છે, જ્યાં એ જમાનાની મશહૂર અને સફળ અને મશહૂર અભિનેત્રી મુમતાઝ શાંતિની નજરમાં નાનકડી મુમતાઝ વસી જાય છે!એમના કહેવા પર નાનકડી નવ વર્ષની મુમતાઝને મહિને સો રૂપિયા ફી સાથે પહેલી ફિલ્મ ‘વસંત’માં કામ મળી જાય છે.જેમાં નાયિકા મુમતાઝ શાંતિની પુત્રી તરીકે મુમતાઝ એક્ટિંગ કરે છે. મુમતાઝના પિતા પણ પોતાની ચાલાકી કરી મુમતાઝની સાથે રહેવા માટેના મહિને ૫૦ રૂપિયા મેળવી લે છે અને આમ મુમતાઝની અવિરત ફિલ્મી સફર શરૂ થાય છે. બાળ કલાકાર તરીકે મુમતાઝ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગઈ. આ જ અરસામાં દેવિકા રાણીના ધ્યાને પણ મુમતાઝ આવી અને દેવિકા તેના મોહક સ્મિત પર મોહિત થઈ ગઈ અને તેને મધુબાલા નામ આપ્યું.

    પાંચેક વર્ષની ફિલ્મી સફરમાં મુમતાઝ એટ્લે કે મધુબાલા હવે ચૌદ વર્ષની ઉંમરે પહેલીવાર રાજ્ક્પૂર સાથે ફિલ્મી પડદે હિરોઈન તરીકે પદાર્પણ કરે છે. ૧૯૪૭માં નિર્માતા કિદાર શર્મા પોતાની ફિલ્મ ‘નિલકમલ’માં મધુબાલાને લીડ રોલ આપે છે. ફિલ્મ જો કે અસફળ રહી, પણ મધુબાલાની એકટિંગના ખૂબ વખાણ થયા. બસ અહીંથી મધુબાલાના પરિવારની ગરીબીનો પણ અંત આવે છે.

    મુંબઈની ફિલ્મી દુનિયાએ મધુબાલાને ઘણું શીખવ્યું. બે જ વર્ષની અંદર મધુબાલા પોતાના સૌંદર્યને એ રીતે વિકસાવી ગઈ કે ૧૬ જ વર્ષની ઉંમરે તે અશોકકુમાર જેવા નીવડેલ કલાકાર સામે બોમ્બે ટોકીઝની ફિલ્મ ‘મહલ’માં મુખ્ય રોલ ભજવે છે. અને ચારેબાજુથી વાહવાહી અને પ્રસંશા મેળવે છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આ ફિલ્મ ત્રણ આગંતુકોને પ્રસિદ્ધિ અપાવે છે. એક તો મધુબાલાને અને બીજી તરફ લતા મંગેશકરને કે જે આ ફિલ્મથી પોતાની પ્લે બેક સિંગર તરીકેની કારકિર્દી શરૂ કરે છે. સાથે જ કમાલ અમરોહીને પણ આ ફિલ્મે નવી ઓળખ આપી હતી. અમરોહીની કુશળ નજરે મધુબાળાની એક્ટિંગ ખૂબ જ નિખરી. સુરૈયા આ ફિલ્મ માટેની પ્રથમ પસંદગી હતી, જેને અમરોહી ૪૦,૦૦૦ રૂપિયા આપી ચૂક્યા હતા, એ નુકસાન વેઠીને પણ તેમણે ‘મહલ’ ફિલ્મ બનાવી અને ડાયરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મમાં એ પોતે પણ સફળ રહ્યા. એ ફિલ્મનું ગીત આજે પણ કર્ણપ્રિય છે.”આયેગા,આયેગા,આયેગા આનેવાલા....”

  • અચાનક આવેલી માંદગી અને જીવ સાથેની બાજી:
  • ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહેલી મધુબાલાનું જીવન ક્યારેય સરળ ના રહ્યું અને જાણે આ સફળતાનો બદલો ચૂકવવાનો હોય એમ એક દિવસ અચાનક સવારે ખાંસી ખાતાં મોંમાંથી નીકળતા લોહીએ મધુબાલાને જિંદગીની એક એવી હકીકતનો અનુભવ કરાવ્યો કે જ્યાં એની માટે એની માંદગી છુપાવી રાખવાની મજબૂરી હતી. પિતાની સખત જોહુકમી વધી રહી હતી અને મધુબાલાની બિમારી પણ. ૧૯૫૦માં મધુબાલાને થયેલી લોહીની ઉલ્ટીઓ વેંટ્રિક્યુલર સેપ્ટર ખામી રૂપે બહાર આવી. સામાન્ય ભાષામાં જેને ‘હૃદયમાં કાણું’ પડ્યું છે, એમ કહી શકાય. જરૂરી સુવિધાઓ દેશમાં શું વિદેશમાં પણ ઉપલબ્ધ નહોતી. હવેનું જીવન મધુબાલા માટે વધુ અઘરું થઈ પડ્યું હતું. બિમારી છુપાવી રાખવી અને પરિવારના ગુજરાન માટે સતત કામ કરવું. આ બધુ સહન કરતી મધુબાલાની આ માંદગી એક વાર ૧૯૫૪માં અખબારો દ્વારા લોકો સામે આવી ગઈ. મધુબાલા મદ્રાસમાં એસ.એસ. વાસનના ‘બહુત દિન હુએ’ના સેટ પર હતી અને ત્યાં અચાનક ફિલ્મના સેટ પર જ તેને લોહીની ઉલ્ટી થઈ હતી. આ સમયે ડાયરેકટર પતિ-પત્નીએ તેની ખૂબ જ સંભાળ લીધી હતી. અને મધુબાલાએ પણ તનતોડ મહેનત કરી આ ફિલ્મ પૂરી કરી અને પોતાને અગ્રણી હિરોઇનની હરોળમાં સ્થાપિત કરવામાં સફળ રહી. જો કે આ સફળતા પાછળ બિમારીને કારણે નક્કી કરેલું ભોજન અને એક ખાસ કૂવાનું પાણી જ પીવું એવી ઘણી કાળજી મધુબાલાએ રાખી હતી. સતત દસ વર્ષ મધુબાલાએ કાળજી રાખી, પણ હાલત સુધરવાની જગ્યાએ બગડી અને છેવટે એક દિવસ ૧૯૬૯માં જીવ સામેની બાજી હારી જઈને મધુબાલાએ ૩૬ વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. ફિલ્મી દુનિયાનું આ એક એવું નગ્ન સત્ય છે, જે આજે પણ વરવું જ છે. સહેજ પણ તમારી ખામી જો દુનિયાની આંખે ચઢે તો ચમકતી દુનિયામાંથી તમે તરત બહાર નીકળી જાઓ અને રસ્તા પર આવી જાઓ.

  • એક સફળ અભિનેત્રી તરીકેની કારકિર્દી :
  • ‘મહલ’ ફિલ્મ પછી મધુબાલાને ક્યારેય પાછળ વળીને જોવું જ નથી પડ્યું. કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરવાની જહેમતમાં શરૂઆતના ચાર વર્ષોમાં મધુબાલાએ ૨૪ ફિલ્મો આપેલી, જેમાં કેટલીક એની પસંદગી પરત્વે બેદરકારી પણ બતાવે છે. પરિવારની જવાબદારી માટે મધુબાલા કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી, જે એણે કર્યું જ. જો કે ખાસ રોલવાળી ફિલ્મો અને પોતાની અદાકારી સાબિત કરી શકાય એવી ફિલ્મો કરવાની તેની ઘણી ઈચ્છા હતી. જેનો એક કિસ્સો યાદગાર છે. જાણીતા ફિલ્મકાર બિમલ રોય તે સમયે ૧૯૫૪માં ‘બિરાજ બહુ’ બનાવી રહ્યા હતા. મધુબાલાને આ ફિલ્મમાં કામ કરવું હતું. પણ તે સમયે તેનો માર્કેટ રેટ ખૂબ ઊંચો હોવાની ધારણા સાથે બિમલ રોયે કામિની કૌશલને તે ફિલ્મ માટે સાઇન કરી હતી. ત્યારે પોતાની ફી માત્ર એક રૂપિયો રાખીને મધુબાલાએ આ ફિલ્મ કરવા રાજી થઈ જાત એમ કહી પોતાની આ ફિલ્મ માટે ઉત્સુકતા બતાવી.

    એક સફળ અભિનેત્રી તરીકેનો ગ્રાફ સતત ઊંચો રાખવાની જહેમતમાં મધુબાલાએ સારા કલાકારો જોડે સારી ફિલ્મો કરી. જેમાં અશોકકુમાર, રાજ કપૂર, રહેમાન, પ્રદીપકુમાર, શમ્મી કપૂર, દિલીપકુમાર,સુનિલ દત્ત અને દેવ આનંદનો સમાવેશ કરી શકાય. તો બીજી તરફ કામિની કૌશલ, સુરૈયા, નિમ્મી, ગીતા બાલી અને નલિની જયવંત જેવી નાયિકાઓ સાથે પણ તેણે કામ કર્યું અને એ સમયના ઘણા જ પ્રખ્યાત દિગ્દર્શકો સાથે પણ અભિનય કર્યો. જેમાં કમાલ અમરોહી, મહેબૂબ ખાન, ગુરુ દત્ત અને કે.આસિફનો પણ સમાવેશ કરી શકાય.

    બાર વર્ષની ઉંમરે જ ફિલ્મ નિર્માતા મોહન સિંહાએ મધુબાલાને ગાડી ચલાવતાં પણ શીખવ્યું હતું. તો બીજી તરફ હોલિવૂડે પણ મધુબાલાની નોંધ લીધી હતી. મધુબાલાનો ઉલ્લેખ તે સમયના થિયેટર આર્ટ્સ જેવા અનેક મેગેઝિનોમાં થયેલ હતો. ૧૯૫૨ના ઓગસ્ટ મહિનાના અંકમાં મધુબાલાને આખા પેજમાં ફોટા સાથે વિસ્તારીને દર્શાવાઈ હતી, જેનું શીર્ષક ‘ધી બિગેસ્ટ સ્ટાર ઇન ધ વર્લ્ડ(એન્ડ શી ઈઝ નોટ ઇન બેવર્લી હિલ્સ). મધુબાલા પોતે પણ હોલિવૂડની ફિલ્મોની મોટી પ્રશંસક હતી અને તેણે એ ફિલ્મો સમજવા માટે એકદમ કડકડાટ અંગ્રેજી બોલવાનું પણ શીખી લીધું હતું. તેના ઘરના પ્રોજેક્ટર પણ હંમેશા તે અંગ્રેજી ફિલ્મો જોતી રહેતી. આ જ સમય દરમ્યાન હોલીવુડ નિર્માતા ફ્રેંકે મધુબાલાને હોલીવુડ ફિલ્મ સાઇન કરવા આમંત્રણ આપેલું, જે મધુબાલાના પિતાના વિરોધને કારણે શક્ય ના બની શક્યું.

    ૧૯૪૨માં ‘બસંત’ ફિલ્મથી શરૂ થયેલી મધુબાલાની ફિલ્મી યાત્રા ૧૯૪૫માં ‘ધન્ના ભગત’, ૧૯૪૬માં ‘પૂજારી’, ‘ફૂલવારી’,’રાજપૂતાની’ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ચાલે છે. જ્યારે ૧૯૪૭માં ‘નીલ કમલ’થી તેની હિરોઈન તરીકેની સફર શરૂ થાય છે. ત્યારબાદ ‘મહલ’, ૧૯૪૯માં ‘દુલારી’, ૧૯૫૦માં ‘બેકસૂર’, ૧૯૫૧માં ‘તરાના’ અને ‘બાદલ’ આપે છે. જ્યાં તરાનામાં તે પહેલીવાર દિલીપકુમાર સાથે કામ કરે છે. જયારે બાદલમાં પ્રેમનાથ સાથે લીડ રોલમાં કામ કરે છે. ૧૯૫૦ની જ એક ફિલ્મ ‘હંસતે આંસુ’ માટે સેન્સર બોર્ડ તરફથી ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવેલું. ૧૯૫૩માં શમ્મી કપૂર સાથે ‘રેલ કા ડિબ્બા’ અને દેવ આનંદ સામે ‘અરમાન’ ફિલ્મ આપે છે. ત્યારબાદ ૧૯૫૪માં ‘બહુત દિન હુએ’ ફિલ્મ આવે છે, જેના શૂટિંગ દરમ્યાન તેની ગંભીર માંદગીનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખ્યાલ આવે છે. તો બીજી તરફ ‘અમર’ ફિલ્મમાં ફરીથી દિલિપ કુમાર સાથે અભિનય આપે છે. નવા રોલની શોધમાં એક કોમિક રોલમાં મધુબાલા ‘મિ.એન્ડ મિસીસ.૫૫’માં ગુરુદત્ત સામે આવે છે. તો ૧૯૫૬માં પ્રદીપકુમાર સાથે શિરીન-ફરહાદ અને રાજ-હઠ આપે છે. ૧૯૫૬માં જ કિશોર કુમાર સાથે ‘ઢાકે કી મલમલ’ મ્યુઝિકલ કોમેડી આપે છે. બીજી બે ફિલ્મો પણ કિશોર કુમાર સાથે આપે છે. જેમાં ૧૯૫૮માં ‘ચલતી કા નામ ગાડી’, ૧૯૬૧માં ‘ઝૂમરું’ અને ૧૯૬૨માં ‘હાફ ટિકિટ’ સામેલ છે. ૧૯૫૮માં અશોકકુમાર સાથે ‘હાવરા બ્રિજ’ આપે છે. તો ડાયરેક્ટર શક્તિ સામન્થા સાથે ૧૯૫૯માં ‘ઇન્સાન જાગ ઉઠા’ આપે છે, જેમાં સુનિલ દત્ત સાથે કામ કરે છે. તો ‘કલ હમારા હૈ’માં પણ તેની ભૂમિકા નિભાવે છે. ૧૯૬૦માં ‘બરસાત કી એક રાત’માં ભારત ભૂષણ સાથે એક સુપર હિટ કવ્વાલી ગીત અને ફિલ્મ આપે છે. આ જ વર્ષે કે.આસિફની ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં ફરી એકવાર તે દિલીપકુમાર સાથે આવે છે. આ ફિલ્મ સમયે મધુબાલા અને દિલીપકુમારને બોલવાનો પણ સંબંધ નહોતો. કે.આસિફ મધુબાલાના ઠસ્સાથી જ પરિચિત હતાં અને તેમને અનારકલી માટે એવા જ પાત્રની શોધ હતી. આખરે મુઘલ-એ આઝમ શરૂ થયું.

    મધુબાલાના જીવનમાં મુઘલ-એ-આઝમ ઘણું બધુ લઈ આવે છે. મધુબાલાની માંદગીથી અજાણ કે.આસિફ મધુબાલા પાસે સખત કામ લેતા. કલાકો સુધી બુરખો પહેરી બફારામાં બેસી રહેવાનું કે અસલી અને વજનદાર સાંકળથી વીંટળાઇ રહેવાનું મધુબાલાની તબિયત બગાડી રહ્યું હતું. પણ મધુબાલા અનારકલીના પાત્રમાં જાણે પોતાનો પ્રાણ ફૂંકી દેવા તત્પર હતી. આ શૂટિંગ સમયે દિલીપકુમાર અને મધુબાલાના બોલવાના ય સંબંધો નહોતા. ત્યારે બંને સાથે કામ લેવું એક મોટી વાત હતી. એક સીનમાં સલિમ અનારકલીને એક લાફો મારે છે. આ સીનમાં દિલીપકુમાર સાચેજ મધુબાલાને જોરથી લાફો મારે છે અને આખો સેટ સ્તબ્ધ થઈ જાય છે. મધુબાલા પણ સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે થોડી વારે કે. આસિફ મધુબાલાને એક રૂમમાં લઈ જઈને કૈંક સમજાવે છે અને મધુબાલા દિલીપકુમારના એ ગુસ્સાને સમજી શકે છે કે આ ગુસ્સો અને આ તમાચો એ મધુબાલા માટેનો પ્રેમ જ છે! અને પછી મધુબાલા પણ શાંત થઈ જાય છે! ધીમે ધીમે શૂટિંગ સાથે જ બંનેનો પ્રેમ ફરી રંગમાં આવે છે. તેમના આ પ્રેમથી મુઘલ-એ આઝમને પણ નવો રંગ મળે છે અને આ ફિલ્મ દીપી ઊઠે છે. ફિલ્મ દરેક સીનમાં તેમની કેમિસ્ટ્રી જોવા મળે છે અને દિલ ખુશ થઈ જાય એવી અદાકરી પણ. મધુબાલા આ સમયે ખૂબ ખુશ રહેવા લાગી હતી અને બંને ઘણી વાર લોંગ ડ્રાઈવ પર પણ જતાં. પણ મધુબાલાના નસીબમાં દિલીપકુમારનો પ્રેમ અણધારી ગેરસમજના કારણે અટકી જાય છે. આ જ ફિલ્મના અંતિમ દ્ર્શ્યમાં દીવાલમાં ચણતી વખતે અનારકલીનું એકદમ શાંત ઊભા રહેવું જાણે મધુબાલાની અસલી જિંદગીનું જ પ્રતિબિંબ પડે છે કે તેને હવે કશું જ જોઈતું નથી.

    આ ફિલ્મ બનાવવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. જેથી એના પારિશ્રમિક રૂપે મધુબાલાના પિતાએ એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે ખરેખર મધુબાલાને આપવામાં આવ્યા હતાં. એ સમયે દિલીપકુમારને પચાસ હજાર જ આપવામાં આવેલા. જો કે વધુ સમય લાગતાં મધુબાલાને એક લાખથી પણ વધુ અને દિલીપ કુમારને પણ પાંચ લાખ આપવામાં આવેલા. જો કે મધુબાલાના જીવનમાં એક તરફ આ સફળતાએ ને બીજી તરફ બિમારીએ પણ માઝા જ મૂકી હતી, એ પણ ઉલ્લેખનીય છે.

  • મધુબાલાના જીવનના કેટલાક ખાસ મુસાફર:
  • ૧) લતીફ: સૌ જાણે છે એમ મધુબાલાનું બાળપણ દિલ્હીમાં પસાર થયું. દિલ્હીમાં ત્યારે મધુબાલાનો પણ એક બચપણનો મિત્ર હતો. જેનું નામ લતીફ હતું. મધુબાલા મુંબઈ આવવાની હતી, તે વાતે તે ખૂબ ઉદાસ થઈ ગયો હતો, ત્યારે છૂટાં પડતી વખતે મધુબાલાએ તેને એક લાલ ગુલાબ આપેલું. જે તેણે જીવનભર સાચવેલું અને મધુબાલાની કબર પર છેલ્લે એ ગુલાબ મૂકેલું. એક રિટાયર્ડ આઈ.એ.એસ. ઓફિસર લતીફ વર્ષો સુધી ૨૩મી ફેબ્રુઆરીએ મધુબાલાની મૃત્યુ તિથિએ કાયમ તેની સફેદ આરસની કબર પર લાલ ગુલાબ મૂકવા જતો. જો કે મુંબઈમાં એ કબરસ્તાનમાં વધુ જગ્યા બનાવવા માટે આજની તારીખે એ કબરનો નાશ કરવામાં આવ્યો છે.

    ૨) કિદાર શર્મા: આ એ વ્યક્તિ છે, જેણે મધુબાલાને એક ખૂબ જ જરૂરી અને અગત્યનો બ્રેક આપ્યો. મધુબાલા માત્ર ૧૪ વર્ષની વયે હિરોઈન તરીકે પદાર્પણ કરે છે. કિદાર શર્મા મધુબાલાને જોતાં જ એના પ્રેમમાં પડી ગયેલો. પણ સમજદાર મધુબાલા એવું જાણતી હતી કે એની ઉંમર પ્રમાણે એને હજી વધુ સારું પાત્ર મળી શકે એમ છે. આ બાબતે જો કે મધુબાલાની બહેન મધુર એક વાત કહે છે કે મોહન સિંહા હોય કે કિદાર શર્મા, બંને એટલા મોટાં તો હતા જ કે તેના પિતાની ઉંમરે આવી શકે.

    ૩) કમાલ અમરોહી: “ ભવિષ્યમાં આ બેઉના લગ્ન થઈ જાય તોય મને સહેજ પણ વાંધો નથી” આવું કહેનાર મધુબાલાના પિતા અતાઉલ્લા પણ આ સંબંધ માટે રાજી હતા. કમાલ ખરેખર કમાલ જ હતા. મધુબાલા અને કમાલ સેટ પર અને સેટની બહાર કલાકો સાથે ગાળતા અને કમાલની કમાલ, ફિલ્મ ‘મહલ’માં મધુબાલાને એક ઉચ્ચ કોટિની નાયિકા તરફ લઈ જાય છે. કમાલ સાથેના લગ્ન મધુબાલાને બીજી પત્ની બનાવે એ તેને હરગીઝ મંજૂર નહોતું એટ્લે તેણે કમાલને તેની પહેલી પત્ની અને ખ્યાતનામ નાયિકા મીનાકુમારીને તલાક આપવા કહ્યું. પણ કમાલ એમ કરવા રાજી નહોતા. એવી પણ વાત છે કે મધુબાલાએ એ સમયે નવ લાખ રૂપિયા કમાલને આપીને લગ્ન કરવા કહેલું, પણ કમાલ એ કરી ના શક્યા. કમાલે મધુબાલાને પહેલી પત્ની સાથે સેટ થવા કહ્યું જે વાત મધુબાલાને એક મોટાં ડિપ્રેશન તરફ લઈ ગઈ.

    ૪) પ્રેમનાથ: ફિલ્મ ‘બાદલ’ ના સમયે મધુબાલા પ્રેમનાથના સંપર્કમાં આવે છે. મધુબાલા તે સમયે બહુ નામાંકિત હિરોઈન હતી. પ્રેમનાથ સાથેનો તેનો સંબંધ માત્ર છ જ મહિના જ ચાલ્યો અને પછી મધુબાલા પોતે જ પ્રેમનાથથી દૂર રહેવા લાગી. મધુબાલાની બહેન મધુરના કહેવા પ્રમાણે પ્રેમનાથ તેની સાથે લગ્ન કરવા તો તૈયાર હતો, પણ તે માટે મધુબાલાએ ધર્મ બદલવો જરૂરી હતો. જે માટે મધુબાલાએ ઇનકાર કર્યો અને એ સંબંધનો અંત આવ્યો.

    ૫) દિલીપ કુમાર: આ પ્રેમસબંધ તો કોર્ટ સુધી પહોંચી ગયેલો અને બહુ જ ચર્ચિત રહેલો. ફિલ્મ ‘તરાના’ના સેટ પર દિલીપ કુમાર અને મધુબાલા મળે છે. બંનેનો સંબંધ નવ વર્ષ ચાલે છે ને એ પણ ત્યાં સુધી કે બંને એકબીજા સાથે સગાઈ પણ કરે છે. ‘નયા દૌર’ ફિલ્મના શૂટિંગ માટે મુંબઈની બહાર ભોપાલ જવાની બાબતે મધુબાલાના પિતા ડાયરેકટર બી.આર.ચોપરાને ના પાડે છે. આ ફિલ્મ સાઇન કરતી વખતે કરાયેલા એગ્રીમેન્ટમાં ડાયરેક્ટરે આ વાતનો પણ ઉલ્લેખ કરેલો. પણ મધુબાલાના પિતા અતાઉલ્લા આ વાતે વિરોધ કરતાં આખરે ડાયરેકટરને કોર્ટના શરણે જવું પડે છે.મધુબાલાએ દિલીપ કુમારને વચન આપેલું, છતાં તે શાણપણથી પિતાને ટેકો આપે છે. આ ફિલ્મના લીડ હીરો દિલીપકુમાર છે, જેમને પણ આ ફિલ્મ સંદર્ભે ડાયરેકટરને જ સાથ આપવો રહ્યો . છેવટે મધુબાલા આ કેસ હારી જાય છે અને અને બસ આ વાતે બંને વચ્ચેનો સંબંધ પણ તૂટી જાય છે. મધુબાલા ખૂબ રડતી રહી અને દિલીપકુમારને ફોન કરી સમજાવતી રહી. દિલીપકુમારનું કહેવું હતું કે”તારા પિતાને છોડી દે અને આપણે લગ્ન કરી લઈએ.” જ્યારે મધુબાલા દિલીપ કુમારને સમજાવતી રહી કે “તું એક વાર ઘરે આવી મારા પિતાની માફી માંગ, એમને ભેટી જા અને હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.” જો કે હકીકતે મધુબાલાના પિતાએ આવી કોઈ માંગણી નહોતી કરી. પણ બંને પ્રેમીઓની પોતાની જિદે આ સંબંધ મુકમ્મલ ના બની શક્યો.

    આ પ્રેમપસંગમાં એક વાત એવી પણ છે કે મધુબાલા પ્રેમનાથ અને દિલીપકુમાર, બંનેને ચાહતી હતી અને એકવાર તેણે આ બંનેને એકસરખી ચિઠ્ઠી અને લાલ ગુલાબ મોકલ્યા હતા. મધુબાલાની આ વાતથી અજાણ આ બંને કલાકારો ફિલ્મ ‘આન’ના સેટ પર સારા મિત્રો બની ગયા હતા ને એકબીજાની સિગારેટ શેર કરવાથી લઈને સિક્રેટ શેર કરવા સુધી પહોંચ્યા હતા. આવા જ એક સમયે તેઓ બંનેના મોઢે મધુબાલાનું નામ ઓળખાયું અને સાથે જ મધુબાલાની હેર ડ્રેસર દ્વારા મોકલાયેલ પેલી ચિઠ્ઠી અને લાલ ગુલાબ વિષે પણ રહસ્ય ખૂલ્યું. જે બંને માટે આઘાત હતો કે તેમની કો સ્ટાર તે બંનેને ઉલ્લુ બનાવી રહી છે. અધુરામાં પૂરું બંનેએ મધુબાલાને સરખો જ ઉત્તર પણ આપ્યો હતો. જો કે મધુબાલાની બહેન મધુર આ વાતનું ખંડન કરતાં કહે છે કે “જો આ વાત સાચી હોત, તો શું બંને કલાકારો મધુબાલાની અંતિમ વિધિમાં સામેલ થયા હોત?”

    ૬) ઝુલ્ફીકાર અલી ભુટ્ટો: મધુબાલાના જીવનના છેલ્લા પડાવમાં ઝુલ્ફીકાર તેના જીવનમાં આવે છે. જો કે આ રહસ્ય ક્યારેય ઉકેલાયું નથી કે તે શું સંબંધ હતો. પણ ઈન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિ તરીકે ભુટ્ટો મુંબઈ હાઇકોર્ટના વકીલ હતા. ખૂબ જ પૈસાસંપન્ન અને ઘણા બધા એસ્ટેટના તે માલિક પણ હતા. કહેવાય છે કે મુઘલ-એ-આઝમના સેટ પર સજીધજીને આવેલી મધુબાલાને જોવા માટે જ ભુટ્ટો ઘણી વાર સેટ પર જતાં. આ કહેવાતા સંબંધ વિષે જો કે આગળ કોઈ ચર્ચ નથી જોવા મળતી, કારણ કે મધુબાલા દિલીપકુમારના પ્રેમસબંધને હજી ભૂલી જ નહોતી શકી.

    ૭) કિશોર કુમાર: જીવનના છેલ્લા વર્ષોમાં મધુબાલા અસફળ સંબંધોથી થાકી ગઈ હતી. એ એક સ્થાયી સંબંધ અને સાથીદારની તલાશમાં હતી. જે એને એ જેવી છે, તેવી સ્વીકારી લેવા તૈયાર હોય. ‘ચલતી કા નામ ગાડી’ અને ‘હાફ ટિકિટ’ દરમ્યાન મધુબાલા કિશોરદા ને મળે છે. આ સમયે કિશોર કુમાર બંગાળી અભિનેત્રી અને ગાયિકા રુમા ગુહા સાથે લગ્નસંબંધે જોડાયેલ હોય છે. આખરે ૧૯૬૦માં જો કે કિશોર કુમાર તેમની સાથે છૂટાછેડા લઈને બંને હિન્દુ-મુસ્લિમ હોવાથી મધુબાલા સાથે કોર્ટ મેરેજ કરે છે. પાછળથી કિશોર કુમારની માતાને ખુશ રાખવા બંને હિન્દુ વિધિથી પણ લગ્ન કરે છે. પછી મધુબાલા તરત પોતાની સારવાર માટે લંડન જાય છે. જ્યાં તેને તેના હૃદયમાં આવેલા કાણાં વિષે જાણવા મળે છે અને ડોક્ટર ત્યારે તેના જીવનમાં છેલ્લા બે વર્ષ જ વધ્યા છે,એમ સમજાવે છે. મધુબાલાની બહેન મધુર જણાવે છે કે કિશોરકુમાર આ વાત જાણે છે ત્યારે તે મધુબાલાને પોતાના ઘરે લઈ જવાને બદલે મધુબાલાના ઘરે પાછી મૂકી આવે છે અને કહે છે કે “હું ઘરની બહાર રહું છુ ત્યારે ત્યાં તેની સારવાર સારી રીતે થઈ શકશે નહીં.”જો કે મધુબાલા હંમેશા તેની સાથે રહેવા માંગતી હતી. કિશોર દા દર બે મહિને મધુબાલાને મળવા જતાં . કદાચ કિશોર કુમાર મધુબાલાથી અલગ થવાનું શીખી રહ્યા હતા, જેથી મધુબાલાની વિદાય સ્વીકારી શકે. કિશોરકુમારે મધુબાલાનો સમગ્ર ખર્ચો ઉપાડી લીધો હતો.બનેના લગ્ન નવ વર્ષ ચાલ્યા હતા. કિશોર કુમારે મધુબાલાના પિતાને ખુશ કરવા મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કર્યો હતો. આ વાત સાથે જ જે અફવાઑ ફેલાઈ હતી, તેનો પણ મધુર વિરોધ કરે છે કે કિશોર કુમારે મધુબાલાને દગો કર્યો હતો.

  • જીવનનો અંતિમ પડાવ અને મૃત્યુ:
  • ૧૯૬૦માં લગ્ન અને લંડનની સારવાર દરમ્યાન કહ્યા મુજબ મધુબાલા માત્ર બે વર્ષની જ મહેમાન હતી. પણ મધુબાલાનું જોમ તેને બીજા નવ વર્ષ જીવાડે છે. ૧૯૬૦માં જ્યારે તેની બિમારીએ જોર પકડેલું, ત્યારે તેના શરીરમાં વધુ પડતું લોહી પેદા થતું, જે તેના મોં અને નાક વાટે બહાર આવતું.ડોક્ટર ઘરે આવતાં અને વધારાનું લોહી ખેંચી કાઢતાં. સાથે જ મધુબાલા ફેફસાંના પલ્મોનરી પ્રેશરની પણ દર્દી હતી. જેથી આખો સમય તે ખાંસતી રહેતી. દર ચાર પાંચ કલાકે એક વાર તેને બહારથી ઑક્સીજન આપવો પડતો, નહીં તો તે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતી. થોડો સમય આરામ અને સારવાર પછી ૧૯૬૬માં મધુબાલા ફરી એકવાર રૂપેરી પરદે પુનરાગમન કરશે એવી જાહેરાત કરવામાં આવે છે. ફિલ્મ ‘ચાલક’ દ્વારા રાજ કપૂર સામે લીડ રોલમાં મધુબાલા પણ સજ્જ થઈને શૂટિંગ શરૂ કરે છે. પણ થોડા જ મહિનાઓમાં ફરીથી તબિયત લથડતાં આખરે મધુબાલાની આ ફિલ્મ અધૂરી જ રહી જાય છે. જો કે નાયિકા તરીકે હવે ઝાઝું નહીં કરી શકે એ અર્થમાં પણ પોતાની જાતને કામમાં જોડવાના પ્રયત્ને મધુબાલા ૧૯૬૯માં ‘ફર્ઝ ઔર ઈશ્ક’માં દિગ્દર્શન કરવા તૈયાર થાય છે. પણ પ્રિ પ્રોડકશન સમયે જ તેની તબિયત જવાબ આપી દે છે અને ફિલ્મ અટકી જાય છે. નવ વર્ષ સુધી સતત બિમારીના પગલે મધુબાલા હાડકાં અને ચામડીનો એક માળો જ બની રહે છે અને છેવટે માત્ર ૩૬ વર્ષની નાની વયે ૨૩મી ફેબ્રુઆરીના રોજ તે આ દુનિયા છોડી જાય છે. તેના અંતિમ સમયે તે લગભગ બધુ ભૂલી ચૂકી હતી અને તેની એક જ ઈચ્છા હતી કે તે છેલ્લી વાર દિલીપકુમારને મળી શકે. પણ એ ઈચ્છા પણ અધૂરી જ રહી જાય છે!

  • મધુબાલાના જીવન સાથે સંકળાયેલી કેટલીક ખાસ વાતો:
  • ૧) મધુબાલા સેટ પર કાયમ હસી મજાક કરતી રહેતી અને ક્યારેક તો ગંભીર સીન સમયે તેને ખાસ ટોકવી પડતી કે તે અન્ય કલાકારોને તેમનો રોલ ભજવવા દે. એક વાર હસવું શરૂ કર્યા પછી તે અટકતી જ નહોતી.

    ૨) મધુબાલાની મોટા ભાગની ફિલ્મોના ગીતો લતા મંગેશકર કે આશા ભોંસલેના કંઠે અમર બની ગયા છે. જે રૂપેરી પરદે ખૂબ જ હિટ નીવડેલાં હતાં.

    ૩) કુલ મળીને મધુબાલાએ લગભગ સિત્તેર જેટલી ફિલ્મો કરી હતી.

    ૪)મધુબાલાના જીવન પરથી ૨૦૦૭માં ‘ખોયા ખોયા ચાંદ’ ફિલ્મ બનાવવામાં આવેલી.

    ૫) મધુબાલાના નામે ૧૮ માર્ચ, ૨૦૦૮માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવેલ.

    ૬)લંડનના પ્રખ્યાત વેક્સ મ્યુઝિયમની દિલ્હી શાખામાં ૧૦ ઓગસ્ટ.૨૦૧૭માં મધુબાલાના અનારકલી રોલમાં તેનું વેક્સનું પૂતળું પણ મૂકવામાં આવ્યું છે.

    ૭) મધુબાલાના જીવન પર ત્રણ ચરિત્ર લખાયા છે. સાથે જ ઘણા લેખ પણ પ્રકાશિત થયા છે.

    ૮)મધુબાલાની છેલ્લી ફિલ્મ ૧૯૭૧માં ‘જ્વાલા’ નામે રજૂ થાય છે, જે તેના મૃત્યુ પછી બે વર્ષે રજૂ થાય છે. જો કે આ ફિલ્મ છેક ૧૯૫૦ના દશકમાં બની હતી.

    ૯)મોહન દીપ દ્વારા મધુબાલા વિષે એક બાયોગ્રાફી લખવામાં આવી છે જેનું નામ છે: ‘Mystery and Mystique of Madhubala, જે છેક ૧૯૯૬માં પ્રકાશિત થયેલ છે.

    ૧૦)એક ખાસ વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે આટઆટલી સફળતા અને સંઘર્ષ પછી પણ મધુબાલાને પોતાની સમકાલીન સખીઓની જેમ એવોર્ડ મળ્યા એમ કોઈ એવોર્ડ ના મળી શક્યો.માત્ર એક જ વાર તે મુઘલ-એ-આઝમના અનારકલી રોલ માટે ફિલ્મ ફેર પુરસ્કાર માટે નોમિનેટ થઈ, પરંતુ તે પણ મેળવી શકી નહોતી.

    છેલ્લે એક જ વાત કહી શકાય કે એક અપ્રતિમ સુંદરતાની દેવીનું જીવન ખૂબ જ ભયાનક રહ્યું અને આ જીવનમાં તેને શાંતિ તો તે જ્યારે જન્નતનશીન થઈ ત્યારેજ મળી. પણ આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પણ હોલીવુડ પણ જેની સુંદરતના વખાણ કરે એવી અને મેરેલીન મનરો સાથે જેની સરખામણી થાય છે એવી મધુબાલા પોતાના મોહક સ્મિત સાથે હંમેશા આપણા દિલોમાં રાજ કરશે.