MANGAL - 11 books and stories free download online pdf in Gujarati

મંગલ - 11

મંગલ

Chapter 11 -- સમુદ્રમધ્યે સંગરામણ

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ અગિયારમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે જંગલમાંથી સાથીદારો સાથે પરત ફરેલા મંગલનું શાનદાર રીતે પેઢીમાં સ્વાગત થાય છે. મંગલનો દરિયા પ્રત્યેનો પ્રેમ પણ આપણે જોયો. આગલા પ્રકરણમાં સમુદ્રમાં ઉત્પાત મચાવનારા ચાંચિયાઓએ કેવી રીતે વહાણ પર કબજો જમાવ્યો એ પણ જોયું. વહાણનું શું થશે ? મંગલ કે વિક્રમ તેને બચાવી શકશે ? શું ચાંચિયાઓ તેની મેલી મુરાદ્દ પાર પાડવામાં સફળ નીવડશે ? આગળની સફર કેવી રહેશે ? જાણવા માટે વાંચો...

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું અગિયારમું પ્રકરણ

મંગલ Chapter 11 -- સમુદ્રમધ્યે સંગરામણ

Chapter 11 -- સમુદ્રમધ્યે સંગરામણ

ગતાંકથી ચાલું...

મંગલ સારી રીતે જાણતો હતો કે જો આ વહાણ ઉપર ચાંચિયાઓનો સંપૂર્ણ અધિકાર આવી જશે તો પોતાનો અને બીજા કેટલાંય મજૂર માણસોનો જીવ જોખમમાં મૂકાઈ જશે. આમ પણ અત્યાધુનિક હથિયારોનાં બળે તો તેઓએ વહાણ પર લગભગ કબજો જમાવી જ લીધો હતો. સોમાલિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી અને ગરીબી આખા દેશને ભરડો લઈ ચૂકી હતી. ઉપરથી ચાંચિયાઓ પણ બેકાબુ બની ગયા હતા. તેને કાબુમાં રાખવા સોમાલિયાનું કોઈ અસરકારક અને સક્ષમ વ્યવસ્થાતંત્ર ન હતું. સામાન્ય માછીમારોમાંથી સતત લૂંટને કારણે સમૃદ્ધ બનેલા ચાંચિયાઓ આજે મંગલનાં વહાણ પર બધા સામે AK – 47 જેવા ખતરનાક અને સામુહિક સંહારક્ષમતા ધરાવતા જીવલેણ હથિયારો તાકીને બેઠા હતા.

જો આ સરદારનાં એક હુકમ સામે ચાંચિયાઓની આંગળી AK – 47 જેવા ખતરનાક હથિયારનાં ટ્રીગર પર દબાવાઈ ગઈ પર તો આજે આ વહાણ પર કોઈ જીવતું બચશે નહિ. આ વહાણ લૂંટાઈ જશે અને ચાંચિયાઓ મોગાદિશુ તરફ તેને હંકારી જશે. આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ પણ અજબ ગજબની હતી. કોઈ વેપારી વહાણ કે જહાજ પોતાની સાથે હથિયારો સાથે રાખી ન શકતા અને જો રાખે તો વહાણ જે દેશની દરિયાઈ સીમા પરથી પસાર થતું તે દેશ તરફથી તેનો કબજો લઈ લેવાતો કે વહાણને અટકાયતમાં લેવાઈ જતું. ચાંચિયાઓ આવી ચિત્રવિચિત્ર નીતિઓને પોતાની છટકબારી સમજી મન ફાવે તેમ વર્તતા હતા. હિન્દી મહાસાગરમાં સર્વત્ર હાહાકાર હતો.

મંગલે આ બધું સમજી વિચારી ચાંચિયાઓને પા ભાગ આપી જહાજને સુરક્ષિત કરી લેવાનો નિર્ણય કર્યો. મંગલ આવું ઈચ્છતો ન હતો પણ તે લાચાર હતો. આસપાસમાં બીજા કોઈ દેશનું લશ્કરી જહાજ પણ દેખાતું ન હતું કે કોઈ મદદ મળી શકે. મંગલે ચાંચિયાઓને તેની ભાષામાં સમજાવ્યું કે આટલા ભાગમાં પણ તેઓની ઘણી ખરી જિંદગી આરામથી નીકળી જશે.

ચાંચિયાઓ વિચારમાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે એક તરફ સોનાનો અઢળક ભંડાર અને બીજી તરફ માત્ર ચોથો ભાગ ? આમ પણ આ સોદો આ લોકો ક્યા આધારે કરે છે ? આ લોકોનાં હાથમાં તો કંઈ છે નહિ. આનાં કરતાં તો પૂરી લૂંટ જ કરી લેવી.

સરદારે એક વાર ખજાનો પોતાની આંખે જોવાની ઈચ્છા દર્શાવી. પોતાનાં ચાંચિયાઓને ત્યાં જ હથિયારો દ્વારા વહાણ પર ઉભા લોકોને બાનમાં રાખવા આદેશ આપ્યો. મંગલ અને એક માણસને પોતાની સાથે આવવા કહ્યું. સરદારે પોતાની સુરક્ષા માટે એક હથિયારબંધ ચાંચિયાને પણ સાથે રાખ્યો. તેઓ બંને પાછળ રહી હથિયારો દ્વારા મંગલ અને તે માણસને તેઓનાં બંને હાથ ઉપર લેવડાવી આગળ કરી ખજાના તરફ ચાલવા કહ્યું. મંગલે આદેશ પ્રમાણે વર્તવા લાગ્યું. તેઓ બંનેને વહાણનાં નીચેનાં ભાગ તરફ જ્યાં ખજાનો રાખ્યો હતો તે તરફ લઈ ગયો.

સોનાનાં મોટા ભંડારો જોઈ સરદાર ગાંડો ઘેલો થઈ ગયો. અત્યાર સુધીની સૌથી મોટી લૂંટ તેઓ કરવા જઈ રહ્યા હતા. અત્યાર સૂધીનો સૌથી મોટો ખજાનો તેમને હાથ લાગ્યો હતો. પોતાનાં માણસોની પૂરી લૂંટ કરવાની વાત તેમને સાચી લાગી. વહાણનો સુકાની તેમનાં કબજામાં હતો. કોઈ હથિયાર તો તેમની પાસે ન હતું. જો સુકાનીને જ અહીં પતાવી દઈએ તો વહાણ આખું ધણીધોરી વગરનું થઈ જશે, એમ વિચારીને પોતાની સાથે રહેલા માણસને ઈશારો કરી બંનેને પકડી મારીને દરિયામાં ફેંકી દેવા કહ્યું.

સરદારનાં એક આદેશથી પેલા ચાંચિયાએ પોતાની રાઈફલ લઈ મંગલ તરફ નિશાનો તાક્યો. પળ વારમાં જ હતું ન હતું થઈ જાત. આ બાજુ મંગલ સાથે રહેલો માણસ ઘડીભર ગભરાઈ ગયો પણ પછી તેને થયું કે કોઈ પણ રીતે મંગલ તથા વહાણને બચાવવું જ પડશે. પણ કઈ રીતે ? ત્યાં જ અચાનક તેમની નજર પાસે રહેલા એક હથોડા પર પડી. ચુપચાપ તે હથોડો હાથમાં લઈ તેજ ગતિથી તે ચાંચિયા સામે છૂટો ઘા કર્યો. ચાંચિયો કે તેનો સરદાર આ અણધાર્યા હુમલા માટે તૈયાર ન હતા. હથોડાનો ઘા લાગવાથી ચાંચિયાનાં હાથમાંથી રાઈફલ નીચે પડી ગઈ. એ જ ઘડીએ મંગલે સરદાર પાસે ધસી જઈને પૂરી તાકાતથી મુક્કાનો પ્રહાર કર્યો. તેનાં આવા પ્રહારથી સરદાર નીચે પડી ગયો અને મંગલે પોતાનાં પગ સાથે બાંધેલું પેલા આદિવાસીઓનાં સરદારે પોતાનો જીવ બચાવવા બદલ આપેલું એક ખંજર ઉગામી સરદાર પર પ્રહારો કરી તેને ઘાયલ કરી મૂક્યો. પેલા માણસે રાઈફલ પોતાનાં હાથમાં લઈ લીધી અને ચાંચિયા તથા તેનાં સરદારને ચૂપચાપ ઊભા રહેવા કહ્યું. જો કે તેને કેમ ચલાવવી એનાં વિશે તો તેને કશી ગતાગમ ન હતી પણ સ્વબચાવ માટે આ અસરકારક યુક્તિ હતી. એક દોરડા વડે તે બંનેને બાંધી રાઈફલનાં ઈશારે બંનેને વહાણનાં તૂતક પર લાવ્યા.

પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. હજુ અડધી કલાક પહેલા તેઓ ભયનાં ઓથાર તળે, અનિશ્ચિતતાનાં આવરણો વચ્ચે ઘેરાયેલા હતા. તૂતક પર હજુ મજૂરો અને બીજા માણસો ચાંચિયાઓના કબજામાં જ હતા. પણ જયારે તેઓએ મંગલ અને તે માણસનાં કબજામાં સરદાર તથા ચાંચિયાને જોયા ત્યાં જ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ચાંચિયાઓનો સરદાર ઘાયલ અવસ્થામાં હતો. ચાંચિયાઓ અડધી હિંમત ત્યાં જ હારી ગયા પણ આક્રમકતા તેઓનાં સ્વભાવમાં હતી. સરદાર કદાચ મરે તો પણ તેની સરદારી લેવાવાળા બીજા ચાંચિયાઓ હજુ જીવતા હતા.

મંગલે બધા ચાંચિયાઓને હથિયાર નીચે મૂકી દેવા આદેશ કર્યો. પહેલા આદેશમાં તો કોઈ ના માન્યું એટલે મંગલે નાછૂટકે પોતાનાં કબજામાં રહેલા ચાંચિયાને પોતાનાં ખંજરનો ઘા કરી મારી નાખ્યો. ચાંચિયાઓએ તરત જ રાઈફલ એ તરફ ઘુમાવી કે મંગલે ખંજર તેઓનાં સરદારનાં ગળે ધરી દીધું.

“હજી કહું છું, હથિયાર નીચે મૂકી દો, નહીંતર....” મંગલે ધમકીનો સૂર ઉચ્ચાર્યો.

ચાંચિયાઓ પામી ગયા કે આ કોઈ લુખ્ખી કહેવા ખાતરની ધમકી નથી. જે કહ્યું એ પહેલા જ અડધું તો કરી બતાવ્યું છે. બધા ચાંચિયાઓએ હથિયાર નીચે મૂકી દીધા. મંગલનાં ઈશારે આસપાસ રહેલા મજૂરોએ રાઈફલ ઉંચકી લીધી. બીજા એક મજૂરને બોલાવી મોટા દોરડાઓ લઈ આવવાનું કહ્યું. થોડી વારમાં બધા ચાંચિયાઓને થોડા મજબૂત દોરડાઓથી બાંધી નીચેનાં એક ઓરડામાં પૂરી દેવામાં આવ્યા. આ બધું એક વહાણ પરનાં એક માણસને ના સમજાયું.

“મંગલ, આ શું કરી રહ્યા છો ? આ ચાંચિયાઓ બહુ ખતરનાક છે. તેને અહીં જ મારી નાખો.”

“ના ભુવન, એવી ભૂલ અહીં કરાય એમ નથી. માન્યું કે ચાંચિયાઓ આપણા કબજામાં છે. પણ જોખમ હજુ ટળ્યું નથી.” મંગલે પોતાની વાત કહી.

“એટલે ?”

“મંગલ, આ ચાંચિયાઓને જીવાડીને આપણને શું ફાયદો ?” બીજા એક વૃદ્ધ માણસે કહ્યું.

“લખમણકાકા, હું જાણું છું કે આ ચાંચિયાઓ જીવતા રાક્ષસ જેવા છે. એને બચાવવાનો કોઈ ફાયદો નથી પણ તેને મારવામાં આપણું જ નુકસાન છે.”

“હું સમજ્યો નહીં, મંગલ ! આ લોકોને મારવાથી આપણને શું નુકસાન ?”

“કાકા, આપણી ફરતે જુઓ. દૂર દૂર કોઈ નાના વહાણ દેખાય છે ?” મંગલે ચારે બાજુ એ નજર ફેરવી પોતાનું દૂરબીન એ વૃદ્ધ માણસનાં હાથમાં મૂક્યું.

“હા, પેલી આથમણી દિશામાં અમુક વહાણ હોય તેવું લાગે છે.” લખમણકાકાએ દૂરબીનથી જોઈને કહ્યું.

“કાકા, એ વહાણ પણ ચાંચિયાઓનાં જ હશે.”

“હે રામ ! બધા વહાણો તેમનાં જ હશે ?” કાકાએ ચિંતા વ્યક્ત કરી.

“હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. કાકા, હજુ આપણે સોમાલિયાની જળસીમામાં છીએ. કમ સે કમ અત્યારે તો તેઓનાં વિસ્તારમાં તો આપણે ચાંચિયાઓને મારવાનો કોઈ અખતરો ના જ કરી શકીએ. તેઓ આ દેશનાં જ નાગરિક છીએ. એની હદમાં રહી એને મારવા એ હિસાબથી આપણે ગુનેગાર ઠરી જઈએ. થોડી હદની બહાર તેનાંથી દૂર જઈ આ લોકોનું શું કરવું એ વિચારીશું. આપણે વેપારીઓ છીએ. સમુદ્રમાં યુદ્ધ કરવા માટે આપણી પાસે કોઈ ખાસ હથિયારો પણ નથી.” મંગલે પોતાનું કારણ રજૂ કર્યું.

“જો એ દૂર રહેલા વહાણમાં ચાંચિયાઓ હશે તો ?” ભુવન ગભરામણથી બોલ્યો.

“એટલે જ આપણે આ લોકોને કેદ કરેલા છે, માર્યા નથી.”

“એટલે ?”

“અરે ભુવન ! આ ચાંચિયાઓ અને તેનો પેલો સરદાર જ્યાં સૂધી આપણા કબજામાં છે ત્યાં સૂધી એ આપણા માટે ખતરા કરતાં ખતરા સામે રક્ષણ આપતી ઢાલનું કામ કરશે. સમજ્યો ?”

“કેવી વાત કરો છો મંગલભાઈ, આ ચાંચિયાઓ આપણને શું કામમાં આવે ?” ભુવન હજુ પણ સમજી શકતો ન હતો કે મંગલનાં મનમાં શું ચાલી રહ્યું છે.

“અરે ભુવન્યા, તું બોલે ઝાઝું અને સમજે થોડું. જો સમજાવું, પેલા દૂર દેખાય એ જો ચાંચિયાઓ હશે અને આ બાજુ આવશે અને ફરીથી આપણને બાનમાં લેવાનો પ્રયત્ન કરે તો તેને તેનાં જ હથિયારોથી માત આપી શકાય, અને આપણી કેદમાં રહેલાં ચાંચિયાઓને આપણને બચાવવા ઢાલ તરીકે વાપરી શકાય.” લખમણકાકા મંગલ કંઈ સમજાવે એ પહેલા ભુવનને સમજાવવા લાગ્યા.

“અરે વાહ ! હવે સમજ્યો. તમારી બુદ્ધિને દાદ દેવી પડે હો મંગલભાઈ ! આ કેવી અલગ બંદૂક ચાંચિયાઓ ઉપાડી લાવ્યા છે.” કહેતા હાથમાં AK – 47 લઈ તેની રચનાઓ જોઈ થોડી હેરાનીથી ભુવન તેને જોઈ રહ્યો. ભુવને રાઈફલ બીજા એક માણસ સામે રાખી. અજાણતાં જ તેની આંગળી ટ્રીગર તરફ પહોંચી ગઈ.

મંગલ એ જોઈ જતા તરત જ રાઈફલ તેની પાસેથી આંચકી લીધી. ભુવન મંગલની આવી પ્રતિક્રિયાથી તરત જ આંચકો ખાઈ ગયો.

“એ શું કરે છે ભુવન ! ભૂલથી પણ આ ટ્રીગર દબાવી દેત ને તો એકાદ ડઝનની તો સમાધિ તો અહીં જ થઈ જાત.”

“શું વાત કરો છો ? બાપ રે ! એક જ વારમાં એક ડઝન ? એવું શું છે આમાં ?”

“અરે ! આ કોઈ સામાન્ય રાઈફલ નથી. અને હા, એક ડઝન તો શું, આનાંથી આપણા બધાનો ખાત્મો એક સાથે થઈ શકે તેમ છે. એક સાથે ખૂબ મોટી સંખ્યામાં ગોળીઓ છોડી શકાય એવી આ રાઈફલ છે. આમ તો યુદ્ધ માટે પહેલા આ વપરાતી, પણ આ ચાંચિયાઓ લૂંટફાટથી એટલા તાકાતવર થઈ ગયા છે કે તેઓ પણ AK - 47 રાખતા થઈ ગયા છે. આ રાઈફલો સાચવીને એવી જગ્યાએ રાખી દો જેથી સમય આવ્યે કામમાં આવે. આ હથિયાર બહું ખતરનાક છે એટલે આને વાપરવા માટે હાથ કરતાં બુદ્ધિ પહેલા વાપરવી.”

તૂતક પર બધા હવે મંગલની વાત સમજી ચૂક્યા હોય એવું લાગતું હતું. દરિયામાં પણ ક્યારેક આવા સમરાંગણો ખેલવા પડે છે. અહીં કોઈ રણમેદાન નથી, અહીં કોઈ યુદ્ધ માટેનો શંખનાદ નથી થતો. આ અફાટ સમુદ્રમાં ચારે બાજુએ બસ પાણી જ પાણી છે. આ વિશાળ મહાસાગરનાં જળને ચીરતા કેટલાંય વહાણો પોતાની સફર કાપતા હોય છે. પરંતુ આ સફરમાં અવરોધ જેવા સમુદ્રી રાક્ષસો સદીઓથી ચાંચિયાઓના સ્વરૂપે વિશ્વનાં મહાસાગરોમાં પોતાની હાજરી નોંધાવે છે. વિશ્વનાં બાહુબલી રાષ્ટ્રો વિશ્વમાં પોતાની ધાક બેસાડવા આવા ચાંચિયાઓને છૂપું પ્રોત્સાહન આપે છે. ઘણી વાર બીજા રાષ્ટ્રોનાં વહીવટમાં બિનજરૂરી દખલગીરી કરવાનાં પરિણામસ્વરૂપ પણ જે ખુંવારી સર્જાય તેમાંથી ચાંચિયાઓ જન્મે છે. સોમાલી ચાંચિયાઓ પણ આવા જ કોઈ કારણોસર પેદા થયેલા અને તેની વાત આગળ કરી હતી.

થોડી કલાકોમાં વહાણ સોમાલિયાની સીમાથી દૂર નીકળી ગયું હતું. વહાણો પણ દૂર દૂર સૂધી દેખાતા ન હતા. બધાને થોડો હાશકારો થયો હતો. જો કે જોખમ ટળ્યું ન હતું, પરંતુ હવે બધા સાબદા થઈ ગયા હતા. હવે ઘડી હતી આખી અથડામણમાં મૃત્યું પામેલા એ બે મજૂરોની અંતિમવિધિની. સૌની આંખો ભીની હતી. એક ઓર શબ હતું પેલા ચાંચિયાનું. જેની સાથે રહીને આ કેટલીય દરિયાઈ સફરો કાપી હોય એવા આ બે મજૂરોનાં મૃતદેહ જોઈ તેનાં સાથી મિત્રોએ ખૂબ મોટેથી પોક મૂકી. અંતિમવિધિ માટે કોઈ જમીન પણ ન હોવાથી અંતિમસંસ્કાર કે દફનવિધિની શક્યતાઓ પણ ન હતી. બંનેની અંતિમવિધિ દરિયામાં કરવાનું નક્કી થયું.

વાતાવરણ કંઈક અંશે બદલાઈ ગયું હતું. મોસમે મિજાજ બદલ્યો. બધા તૂતક પર ભેગા થયા. બંને હતભાગી મજૂરોને દરિયાને સમર્પિત કરવામાં આવ્યા. મૃત્યું પછી તો ચાંચિયા સાથે કોઈ દુશ્મની નથી એ હિસાબે તેને પણ મોટું મન રાખીને ફેંકી દેવાને બદલે તેને પણ યોગ્ય રીતરસમથી દરિયામાં પધરાવવામાં આવ્યો. દરિયાઈ સફર ઈરાન તરફ આગળ વધી. બધા થોડા શોકમાં હતા પણ પોતપોતાનાં કામે વળગ્યા. અમુક માણસો ખજાનાની ચોકી કરવા ચાલ્યા ગયા. અમુક ચાંચિયાઓને જે ઓરડીમાં પૂરી દીધેલ હતા તેની બહાર ઊભા રહી ગયા. વિક્રમ સુકાન સંભાળવા ચાલ્યો ગયો. વિક્રમે બીજા મજૂરોને સઢ અને બીજા નુકસાન પામેલા ભાગોને સમારવા કામે લગાડ્યા. મંગલ આખા ઘર્ષણમાં લાગેલા થાકને કારણે થોડો આરામ કરવા ચાલ્યો ગયો. ધીમે ધીમે સમુદ્રને રાત્રીએ પોતાની કાળી ચાદરથી ઘેરી લીધી.

To Be Continued…

Wait For Next Part…