Mangal - 12 books and stories free download online pdf in Gujarati

મંગલ - 12

મંગલ

Chapter 12 -- તોફાનની ઝપટે...

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ બારમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે ઈરાનની દરિયાઈ સફરે નીકળેલા વહાણને સમુદ્રમાં આતંક મચાવનારા સમુદ્રી રાક્ષસો – ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. સામાન્ય માછીમારો ખતરનાક ચાંચિયાઓ કેવી રીતે બને છે, હિન્દી મહાસાગરમાં તેમનો પ્રભાવ કેવો છે એ પણ આપણે જોયું. ચાંચિયાઓની પકડ અને તેમનો સામનો વહાણનાં માણસો કઈ રીતે કરે છે તે પણ આપણે જોયું. રસ્તામાં કેવા વિઘ્નો આવશે ? વહાણની આગળની સફર કેવી રહેશે ? જાણવા માટે વાંચો...

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું બારમું પ્રકરણ મંગલ Chapter 12 -- તોફાનની ઝપટે...

Chapter 12 -- તોફાનની ઝપટે...

ગતાંકથી ચાલું...

વહાણ પોતાની એકધારી ગતિથી ચાલ્યું જતું હતું. અંધકાર ગાઢ બનતો જતો હતો. વહાણ પરનાં સૌ માણસો પોતપોતાનાં કામમાંથી પરવારી રહ્યા હતા. વિક્રમે વહાણનું સુકાન સંભાળેલું હતું. મંગલ અને લખમણ બીજા માણસો સાથે બેસી વાતોએ ચડ્યા. આગળનાં આયોજન વિષે ચર્ચાઓ ચાલી રહી હતી. થોડી કલાકો પહેલા બધાએ એક ભયંકર ઘટનાનો સામનો કરેલ હતો. વહાણમાં અમુક લોકો જે ખાસ લાંબી દરિયાઈ સફરનો અનુભવ ધરાવતા ન હતા તે થોડા ડરેલા હતા કારણ કે હિન્દી મહાસાગરનાં વિશાળ સમુદ્ર પટ પર આતંકનો પર્યાય બનેલા ચાંચિયાઓ અનાયાસે આજે પોતાનાં મહેમાન બની ગયા હતા. હવે તેનું શું કરવું એ તેની ચર્ચા કરવા લાગ્યા.

બધામાં ગણગણાટ થવા લાગ્યો. બધાને શાંત કરતાં મંગલે ઊભા થઈને કહ્યું, “જુઓ ભાઈઓ, હું જાણું છું કે ચાંચિયાઓને અહીં આપણી વચ્ચે રાખવાનો મારો નિર્ણય તમને અમુકને ખૂંચી રહ્યો છું. કદાચ મારો નિર્ણય ખોટો પણ હોઈ શકે પણ ત્યારે જો તેમને મારીને દરિયામાં ફેંકી દેત તો આપણે જ જોખમમાં મૂકાઈ જાત.”

“એ બધું તો ઠીક, પણ હવે આ લોકોનું શું કરવું એ તો કહો.” દેવજી નામનાં એક મજૂરે કહ્યું.

મંગલ પણ મૂંઝવણમાં મૂકાયો હતો. તે સ્વગત બોલ્યો, “શું કરવું ? છોડી દેવા ? પણ ક્યાં ? આ દરિયામાં ? જીવતા જ ?”

“બોલો તો ખરા, આ લોકો ગમે તેમ કરીને આપણને ફરીથી બાનમાં લેશે તો ? બે માણસો તો મરી ગયા છે. હવે આ લોકો ફરીથી વીફરશે તો ભારે પડી જશે.”

માણસોની વાત પણ ખોટી ન હતી. જોખમ તો ઘણું હતું. પણ મંગલ માટે કોઈ માણસોને મારી નાખવા એ સરળ કામ ન હતું.

“લખમણકાકા, આખા વહાણમાં તમે રહ્યા વડીલ માણસ. તમે જ કહો, આ લોકોનું શું કરવું ? મને તો કંઈ જ સૂઝતું નથી.” મંગલે પોતાની મૂંઝવણ રજૂ કરી.

“આપણાથી કોઈ માણસોને મારી નાખવું કોઈ સહેલું કામ નથી. મંગલે જંગલમાં આદિવાસીઓનાં સરદારને જીવનાં જોખમે બચાવ્યા હતા. બદલામાં સરદારે મંગલ કે તેનાં કોઈ સાથીદારોને થોડું પણ નુકસાન કર્યા વગર જવા દીધા હતા. યાદ રાખો કે એ સરદાર કે આદિવાસીઓ ક્યારેય બીજા લોકોને તેનાં વિસ્તારમાં ઘૂસીને મારવા કે લૂંટફાટ કરવા જતા નથી. બહારનાં લોકો જ વધારે પડતા તેને હેરાન કરતાં હોય છે. જયારે આ ચાંચિયાઓ છે. ચાંચિયાઓ જંગલમાં નથી રહેતા પણ પૂરી રીતે જંગલી છે. લૂંટફાટ માટે તેઓને કોઈ અફસોસ નથી.” લખમણકાકાએ કહ્યું.

“કાકા, પણ એક તક આપીને કોઈ નજીકનાં ટાપુ પર જીવતાં છોડી દઈએ તો ?” મંગલે વચગાળાનો રસ્તો બતાવ્યો.

“મંગલ, વાત ખોટી નથી પણ વ્યાજબી નથી, વ્યવહારિક નથી.” લખમણકાકાએ પોતાનાં અનુભવનાં જોરે કહ્યું.

“એટલે ?” મંગલે પ્રશ્ન પૂછ્યો.

“જો મંગલ, આ દરિયામાં મેં મારી અડધી જિંદગી કાઢી છે. ચાંચિયાઓની હોશિયારી અને તેઓની દાનતને સારી રીતે ઓળખું છું. આપણે થોડું મોટું દિલ રાખીને છોડવા જશું ત્યાં કોઈ હોશિયારી કરીને વહાણનાં બીજા કોઈને મારી નાખ્યા તો ? આપણી જવાબદારી આ લોકો છે. તેનાં જીવને જોખમમાં મૂકી ચાંચિયાઓને બચાવવા એ મૂર્ખાઈ છે.”

લખમણકાકાની શીખામણથી મંગલની મૂંઝવણ દૂર થઈ. મંગલે બધાને સંબોધીને કહ્યું, “મને હવે લાગે છે કે લખમણકાકા સાચું કહે છે. તમારા જીવ ખાતર એ ચાંચિયાઓને હવે મારી દરિયામાં ડૂબાડી જ દેવા જોઈએ. હવે હું કોઈ ખોટું જોખમ ઉઠાવવા નથી માંગતો.”

વહાણમાં સૌ કોઈને હવે હાશકારો થવા લાગ્યો. મંગલે બધાને પેલી આધુનિક રાઈફલો સાચવી રાખવા કહ્યું અને તેનો ખોટો ઉપયોગ ન થઈ જાય તેની તકેદારી રાખવા કહ્યું. બધાને તેનાં ઉપયોગ વિષે પણ જણાવ્યું. વખત આવ્યો હતો ચાંચિયાઓને કાયમી મુક્તિ આપવાનો. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. હવામાનમાં પલટો આવી રહ્યો હતો. કાજળઘેરા આકાશમાં વાદળાઓ ઘેરાવા લાગ્યા. વીજળીનાં ગડગડાટથી ગગન ગૂંજવા લાગ્યું. દરિયાનાં પેટાળમાં સળવળાટ થયો. વિધાતા જાણે મધદરિયે રહેલા એ વહાણ અને તેનાં ચાળીસ મુસાફરોની પરીક્ષા લેવા માંગતા હોય તેમ એક પછી એક એમ આફતો આવી રહી હતી.

આ દરિયાનું પેટ ખૂબ વિશાળ છે. ન જાણે કેટલાંય નિર્દોષ જીવોને પોતાનાં ગર્ભમાં સમાવીને રાખ્યા છે. સેંકડો જહાજોનું અંતિમ મુકામ જ આ દરિયો બની ચૂક્યો હતો. ઓગણીસમી સદીમાં ગુજરાતનાં પેલા વિખ્યાત એસ.એસ. વૈતરણા નામનાં જહાજ જેની ઉપર પહેલી વાર વીજળીનાં દીવા મૂકવામાં આવ્યા હતા અને લોકમુખે ‘વીજળી’નાં હુલામણા નામે ઓળખાતું હતું એ પણ આવા જ કંઈક દરિયાઈ તાંડવનો ભોગ બન્યું હતું. ‘વીજળી’ એ પોતાની સાથે સાતસોથી પણ વધુ હતભાગીઓને દરિયાની અંતિમ સફર કરાવી હતી. આવા તો કેટકેટલાંય દાખલાઓ ઈતિહાસની તવારીખમાં મોજૂદ છે પણ ‘વીજળી’ તો આજે પણ લોકગીતો અને લોકસાહિત્યમાં અજરાઅમર રહી ગયું છે. લખમણકાકાને આ કાળનો સંકેત લાગતો હતો. કંઈક અપશુકનનાં અણસાર થવા લાગ્યા હતા. પવનનું જોર વધવા લાગ્યું હતું. શું પોતાનું વહાણ ‘વીજળી’ કે સેંકડો જહાજોની જેમ બદનસીબીને જ વરી જશે ?

“વિક્રમ, મને કંઈક ના બનવાનું બનશે એવું લાગી રહ્યું છે.” લખમણકાકાએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“કાકા, પવનનું જોર વધુ છે એટલે કદાચ તોફાન આવી શકે. જો એવું થાય તો આજની રાત થોડી આકરી જશે. બધાને તૈયાર કરી દઈએ.” સુકાન સંભાળતા વિક્રમે કાકાને કહ્યું. લખમણકાકાએ બધાને સાબદા રહેવા કહ્યું.

દરિયો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. દરિયાનાં પાણી ઊંચે ઊંચે ઉછળવા લાગ્યા. પેટાળમાંથી ઘુમરીઓ ઘાલતા, સાગરને હચમચાવી નાખતાં પાણી સૌની પરીક્ષા લઈ રહ્યા હતા. મહાસાગરનાં પાણી હિલોળે ચડ્યા અને આખું વહાણ તેમાં હાલક ડોલક થવા લાગ્યું. પવનનાં સૂસવાટાઓ વાઈ રહ્યા હતા. વીજળીનાં ચમકારા હવે તેજ બનતા જતા હતા. તેનાં ચમકારાથી કાળુંડિબાંગ આકાશ ઘડીભર એકદમ ચમકી જતું હતું. પ્રકાશનાં આ આ તેજ ચમકારામાં લખમણકાકા દરિયાનો તાગ મેળવવા લાગ્યા. તે તરત જ માણસોને આદેશ કરવા લાગ્યા, “એ ભુવન, વીરજી, તમે બધા ભેગા મળી કલમી મૂકાવી દ્યો.”

બંને કલમી અને પછી કાતરો મૂકવા લાગ્યા. ત્યાર બાદ બંનેએ સઢને બાંધી મૂક્યા. સઢનું બધું કામ પતાવી દેવાયું. વીજળીનાં ગડગડાટ વચ્ચે વરસાદ ધોધમાર વરસી પડ્યો. વહાણ વીજળી, વરસાદ અને તોફાનો વચ્ચે હિલોળા લેતા અને ગાંડા થયેલા મહાસાગરો વચ્ચે પોતાનાં અસ્તિત્વનો જંગ લડી રહ્યું હતું.

હાલકડોલક થતાં વહાણમાં બધાનો જીવ અધ્ધર થઈ ગયો. શું થશે પોતાનું ? જીવ બચી તો જશે ને ? વિક્રમ, મંગલ અને લખમણકાકાને પોતાનાં જીવ કરતાં વહાણની અને તેની પરનાં મજૂર માણસોની ચિંતા વધારે હતી. વિક્રમ સઢનું સુકાન સંભાળી રહ્યો હતો. વહાણનો ઘણો ખરો આધાર કૂવાથંભ પર હતો. જો એને કંઈ પણ થઈ જાય કે તૂટી પડે તો વહાણનું આવી બને. આવા તોફાનોમાં કેટલાંય વહાણોનાં કૂવાથંભ તૂટી પડતાં તેઓ આ મહાસાગરનાં વિશાળ પેટમાં અંતિમ મુકામ બની ચૂક્યા હતા.

એક બાજુ વહાણને મહામહેનતે કાબુમાં લેવા સૌ મજૂરો અને સુકાનીઓ એક બાજુ મથી રહ્યા હતા જયારે બીજી બાજુ નિયતિ કંઈક બીજું જ વિચારી રહી હતી. વહાણની નીચેની બાજુએ એક ઓરડામાં બંધ રહેલા ચાંચિયાઓએ છૂટવા માટે પ્રયત્નો આદર્યા. તેઓને પણ અણસાર આવી ગયો કે આ વહાણ હવે કદાચ આ તોફાનનો સામનો કરી શકશે નહિ. એક ચાંચિયાએ જેમ તેમ કરીને દોરડા છોડી પોતાને મુક્ત કરી દીધો. ત્યાર બાદ સરદાર અને બીજા ચાર ચાંચિયાઓને મુક્ત કરી દીધા. બધા ચાંચિયાઓ ઓરડાનાં દરવાજા ખોલવા માટે ખૂબ મથામણ કરી. જો કે કાળમુખા તોફાનમાં ઊછાળા મારતાં સમુદ્રનાં પાણીનાં અવાજમાં નીચે શું ચાલી રહ્યું છે તેનો કોઈને અણસાર સુદ્ધા ન આવી શક્યો. કોઈ મજૂર માણસ કે મંગલ, વિક્રમ કે લખમણકાકાને પણ ચાંચિયાઓ શું કરી શકે છે તે ધ્યાનમાં ન આવ્યું. આમ પણ તેઓને દરિયામાં પધરાવી દેવાની યોજના હતી પણ કમનસીબે તોફાન આ યોજનામાં બાધક બન્યું. બધા વહાણને તોફાનમાંથી બહાર કાઢવા મથામણ કરી રહ્યા હતા, બરાબર એ વખતે ચાંચિયાઓ લપાતા છૂપાતા આગળ વધી રહ્યા હતા. થોડે આગળ વધતા જ તેઓનાં હાથે પોતાની રાઈફલો આવી ચઢી.

ચાંચિયાઓનાં હાથમાં હથિયારો આવી ચૂક્યા હતા. એક બાજુ સમુદ્ર બેકાબુ બની રહ્યો હતો. ઉપરથી આસમાની આફત જેવો વરસાદ અને બીજી બાજુ જીવલેણ હથિયારો સાથે કાળ બનેલા ચાંચિયાઓ ! અચાનક આકાશમાં એક મોટો ભડાકો થયો. અચાનક થયેલાં ગોળીનાં અવાજે સૌને ચોંકાવી દીધા. બધાએ પાછળ જોયું. ચાંચિયાઓ હાથમાં રાઈફલો સાથે ખૂંખાર ચહેરે મંગલની સામે જોઈ રહ્યા હતા. સરદારની આંખોમાં ખુન્નસ હતું. તેમણે નક્કી કર્યું કે મંગલ અને વિક્રમને ઠાર મારી, મજૂરોને બાનમાં લઈ સુકાન જાતે સંભાળી વહાણને સોમાલિયા ભણી લઈ જવું. પહેલા તો આ તોફાનમાંથી તેમને ગમે તેમ બહાર કાઢી લેવું.

સરદારનાં એક ઈશારાથી રાઈફલો મજૂરો સામે તાકવામાં આવી. ચાંચિયાઓએ ઘણા ખરા મજૂરોને બાનમાં લઈ નીચેનાં ભાગમાં મોકલી દીધા. સરદારે રાઈફલ હાથમાં લઈ મંગલ અને વિક્રમ તરફ તાકી ગોળી છોડી....

“કાકા...” મંગલ અને વિક્રમનાં મુખમાંથી ચીસ પડી ગઈ. બંનેને બચાવવા લખમણકાકા આડા પડ્યા. રાઈફલમાંથી છૂટેલી ગોળીઓએ લખમણકાકાનાં શરીરને ચાળણીની જેમ ચાળી દીધું હતું. લોહીલુહાણ હાલતમાં તે પડ્યા હતા. તેનાં શરીરમાંથી નીકળતા લાલ લોહીએ વરસાદનાં પાણી સાથે મળી વહાણને લાલ રંગે રંગી દીધું. વર્ષો સૂધી જે માણસે દરિયાની ખારાશને પોતાનામાં ઉતારી દરિયામાં જ પોતાનું આયખું વિતાવ્યું હતું તે આધેડ લખમણે પોતાનાં અંતિમ શ્વાસ પણ આ દરિયાનાં ખોળે લીધા. મંગલે અને વિક્રમે પોતાનાં બાપ સમાન માણસ ગુમાવ્યા હતા. મંગલની આંખો ગુસ્સાથી લાલ થઈ. વાતા ઠંડા વાયરામાં પણ તેમનાં રોમે રોમમાં અગનજ્વાળાઓ ફૂંકાવા લાગી. પરદેશની ધરતી પર સગા બાપની જેમ જેણે આશરો આપ્યો અને ધંધો શીખવ્યો એવા હરખચંદ શેઠ અને લખમણકાકા પૈકી આજે એક છત્ર છીનવાઈ ગયું. લખમણકાકાએ માત્ર પોતાને જ નહિ પણ આખા વહાણને બચાવવા જીવ આપી દીધો. તેનાં બલિદાનનું ઋણ ચૂકવવું જ રહ્યું.

“ભાઈઓ...! વખત આવી ગયો છે આ ચાંચિયાઓને તેમની જગ્યા બતાવી દેવાનો, વખત આવી ગયો છે આ દરિયાનાં રાક્ષસોને દરિયામાં જ સમાવી દેવાનો... તૂટી પડો. જય દરિયાદેવ...” મંગલે પોતાનો અવાજ બુલંદ કર્યો.

“જય દરિયાદેવ”, તેનાં એક હાકલા પડકારા સામે મજૂરો એક થઈ ચાંચિયાઓ પર તૂટી પડ્યા. મધદરિયે સંગ્રામ ખેલાયું. મજૂરો નમવાનાં મૂડમાં ન હતા. ચાંચિયાઓનો સરદાર ગમે તેમ કરી તેમાંથી નીકળી થોડે દૂર પડી ગયેલ રાઈફલ ઉઠાવવા આગળ વધ્યો પણ ત્યાં જ મંગલે તેને જોરદાર લાત મારી નીચે પછાડી દીધો. બંને વચ્ચે રસાકસીની લડાઈ જામી. બાકીનાં ચાંચિયાઓએ તો ત્યાં જ દમ તોડી દીધો. પણ સરદાર અને મંગલ વચ્ચેની લડાઈમાં કશું નક્કી થઈ શકતું ન હતું. આછા અંધારામાં ગોળી પણ ચલાવી શકાતી ન હતી અને વહાણમાં કોઈ ખાસ કુશળ નિશાનેબાજ પણ ન હતો. મંગલે એ સરદારનો ખેલ ખતમ કરવા પગની સાથે બાંધેલ ધારદાર કટાર કાઢી તેનાં પેટમાં હુલાવી દીધી. ઘાયલ થયેલ સરદાર વહાણનાં કૌંચને પકડી જેમ તેમ કરી ઊભો થયો ત્યાં મંગલ બીજો વાર કરી આગળ ધસવા ગયો અને અચાનક ઊછળતા દરિયામાં વહાણે સંતુલન ગુમાવ્યું અને...!!

વહાણનાં આમ એક બાજુ વધારે નમી જવાથી સરદાર કે મંગલ – બંનેમાંથી કોઈ પોતાનું સંતુલન જાળવી શક્યું નહિ. મંગલનો પગ લપસવાથી તે વહાણની બહાર ફેંકાઈ ગયો. ચાંચિયાઓનો સરદાર પણ તેનો ધક્કો લાગવાથી દરિયાનાં પાણીમાં પડીને ગરક થઈ ગયો.

પળ વારમાં જ તોફાને વહાણનાં બે બે મુખ્ય માણસોને છીનવી લીધા. બધા મજૂરો અને વિક્રમ વહાણની એક બાજુએ આવી ઊભા પણ મંગલનાં કોઈ સગડ મળ્યા નહિ. પળ વારમાં હતું ન હતું થઈ ગયું. આખા વહાણમાં સૌનાં ચહેરા હતપ્રભ બની ગયા હતા.

“મંગલ...” મંગલનાં નામથી વહાણ ગૂંજી ઊઠયું.

********

“મંગલ...” મધરાત્રે કોઈ બિહામણું સપનું જોયું હોય તેમ ઝબકીને ધાની પથારીમાંથી સફાળી બેઠી થઈ ગઈ. તેનો હાથ હવામાં અધ્ધર રહી ગયો. મોઢેથી મંગલનાં નામની મોટી ચીસ નીકળી ગઈ હતી. આંખોમાં ગભરામણ વધી રહી હતી. મંગલ સાથે કંઈક અમંગળ ઘટનાનાં આ સંકેત તો ન હતા ને ! કે પછી સાચે જ ના બનવાનું બની રહ્યું છે ? તેનાં હૃદયનાં ધબકારા વધી ગયા હતા. શરીરે પરસેવો વળી ગયો હતો.

To be continued,

Wait for next part…