Hruday parivartan books and stories free download online pdf in Gujarati

હૃદય પરિવર્તન

ભગાની માં રમાબાઈ મીઠા મધુર સ્વરે ઉત્સાહભેર " લ્યો, પેંડા લ્યો, રાજીબુન પેંડા " કહેતી આખાય વણકરવાસમાં ફરી વળી. રાજીડોશી વળતો પ્રશ્ન કરતાં બોલતી કે, " શીના પેંડા સ રમાબુન ? " ત્યાં સુધી તો રમાબાઈ છેક બીજા-ત્રીજા ઘરમાં પેંડા વહેંચતા-વહેંચતા અદ્રશ્ય થઈ જતાં. આખોય વણકરવાસ ઉત્સાહનાં અગાધ મહાસાગરમાં ગળાડૂબ થઈ ગયો. વળતાં આવતી વખતે રમાબાઈ રાજીડોસીને કહેતા,
" તમન અ ખબર જ નહી ડોહી ! મારો ભગો ગોમની ઇસ્કોલ મ દહમાં ધોરન મ પેલો નંબર લાયો સ, પેલો ! " રાજીડોસી ખુશીનો કટોરો બહાર ઠાલવતાં ટહુકતા , " તારો ભગો હો વરસનો થાય અન ઈનું ભગવોન ભલું કર, ઓપણા વોસ મ ભગો જ સ કે ઈ ભણ સ, બાકીનાં તો બીડી-સિગારેટ ફૂંકવમોથી જ ઉંચા નથ આવતાં ! "

ભગો વણકરવાસનો એકમાત્ર છોકરો હતો, જે ભણતો. વાસનાં બાકીનાં છોકરાં માતા-પિતાની સાથે ૫૦૦ વીઘાનાં ભુદેવ નરસંગભા ને ત્યાં ખેતરોમાં મજૂરી કરતાં. નરસંગભાનો રુઆબ આંખો આંજી દે એવો રાજાશાહી હતો. ગામની સૌથી ઊંચી અને ઉજળી મેડી એમની હતી. આવા રુઆબવાળો વ્યક્તિ કોઈને ધારે ખરો ? ભલ-ભલા અધિકારીઓ તેમની મેડીમાં નીચું મોં રાખી અને પગરખાં ઉતારીને પ્રવેશી, બાપુ ! બાપુ ! કહેતાં ચરણ સ્પર્શ કરે. રણસંગભાની સામે ભૂલે-ચૂકે ખુરશીમાં બેસ્યા તો મર્યા જ સમજો !

વણકર અને ચમાર પ્રત્યેનાં રણસંગભાનાં તોછડા સ્વભાવને કારણે ભગાનાં પિતાએ ત્યાં મજૂરીકામ કરવાનું છોડી દીધું. આ  ઉપરાંત બીજાને પણ સ્વાભિમાનથી જીવવા તથા રણસંગભાને ત્યાં મજૂરી ન કરવાનું કહેતાં મારી-મારીને તેમને પથારીવશ કરી દીધાં. કરોડરજ્જુ ભાંગી ગઈ અને ત્રીસ જ દિવસમાં યમરાજે તેંડુ મોકલ્યું. ભગાના પિતા સ્વાભિમાનથી જીવ્યા અને સ્વાભિમાનથી મર્યા. તેઓનું એકમાત્ર લક્ષ્ય હતું કે, વણકરવાસનાં તમામ છોકરા ભણે અને ખુબજ પ્રગતિ કરે પણ ભગાના પિતાની જે હાલત થઈ એ પછી કોઈ જ તેમનાં દર્શાવેલા માર્ગે ચાલવા તૈયાર ન હતું. આખા વણકરવાસને મહુડાનો કેફ એક-એક કરીને ગળી ગયો.

ભગાનાં પિતા વધુ ભણ્યાં ન હતાં પણ પોતાનાં હક અને અધિકાર વિશે જાગૃત હતાં અને આઝાદી બાદની દલિત ચળવળોમાં સક્રિય હતાં. આથી જ તેઓ ભણતરનું મહત્વ જાણતા હતાં અને ભગાને ઉચ્ચ શિક્ષણ આપી ડોક્ટર બનાવવાનાં રૂડા સ્વપ્ન જોયાં. આજે તેઓ દસમાં ધોરણમાં ભગાની પ્રથમ નંબર લાવ્યાની સફળતા નરી આંખે નિહાળવા જીવિત નથી પણ કદાચ ઉપરથી જોઈ રહીને પોતાનાં સ્વપ્ન પુરા થશે તેવો આનંદ માણી રહ્યા હશે. તેઓ હંમેશા પત્ની રમાબાઈને કહેતાં, " રામુ, કોઈની યે આગળ નમતું નઈ જોખવાનું. ઈય મોણસ સ અન ઓપણેય મોણસ સિયે. એક ટંક ભૂખે મરવું પોહાય પન મોન-સમ્મોન ગીરવે મેલી ગધા-મજૂરી કરવી ન પોહાય " ભગાનાં પિતાનાં કલેજામાં દલિત ચેતનાની જવાળા પ્રસરી રહી હતી. દશ બાય દશનાં માટી અને છાણના મિશ્રણથી લિપડેલા ઘરમાં આખી જિંદગી ગુજારી પણ સ્વમાનભેર જીવ્યાં. રણસંગભાને ભગાના પરિવાર સાથે છત્તીસનો આંકડો હતો.

ભગો ભણવામાં એટલો હોંશિયાર કે, જો શિક્ષક અને ભગાની બુદ્ધિમત્તા માપવામાં આવે તો ભગાનો IQ ટેસ્ટ ઊંચો જ આવે અને આ વાતની ખુદ શિક્ષક રમણભાઈ દુહાઈ આપતા. ભગાએ પાસેનાં ગામમાં જ ધોરણ ૧૨ સાયન્સ ૭૮% સાથે પાસ કર્યું. હવે, આસપાસ કોલેજ ન હોવાથી વધુ ભણવા અમદાવાદની વાટ પકડી. સરસ રિજલ્ટ હોવાથી અમદાવાદની પ્રખ્યાત બી.જે.મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. રમાબાઈ પણ થોડા ભણેલાં અને જાગૃત હતાં તેથી વાસનાં છોકરાઓને ભણવા માટે સમજાવતાં તથા સિલાઈ મશીન ચલાવી, જે થોડું-ઘણું કમાતાં તેનાથી જેમ-તેમ ઘર ચલાવતા.

ભગો અમદાવાદમાં ભણતો હતો અને સિવિલ હોસ્પિટલમાં તેની પ્રેક્ટિસ ચાલતી હતી. તે ઘરની પરિસ્થિતિ જાણતો હોવાથી નોકરીની શોધમાં હતો. એક દિવસ ભગો સિવિલ હોસ્પિટલમાં જ સફાઈ કરતાં ધુળાને જુએ છે અને ધુળાની નજર પણ ભગા પર આવીને અટકી જાય છે. ભગો ઉત્સાહભેર " ધુળા, તું ! ઘણાં વર્ષો બાદ મળ્યો ભાઈ " કહીને મુન્નાભાઈ M.B.B.S માં સંજય દત્ત જેવી " જાદુકી જપ્પી " ધુળાને લગાવે છે. ધુળો વણકરવાસની પાછળ જ દૂર રાયણોમાં આવેલ વાલ્મિકી વાસનો હતો. ધુળો દરરોજ સાંજે વણકરવાસમાં વાળું લેવા આવતો, સરળ અને રમુજી સ્વભાવ હોવાથી ભગાને તેની જોડે મિત્રતા હતી. આમ તો વાલ્મિકી સમાજના લોકો પ્રત્યે અન્ય લોકોમાં ગંદી માનસિકતા હતી અને તેમને અડતાં પણ નહીં આથી જ આ માનસિકતા તોડવા ભગો અનેકવાર ધુળાના ઘરે જમીને પણ આવેલો. ધુળાને પણ આજ સુધી બીજા કોઈ તરફથી આટલો સ્નેહ અમે પ્રેમ નહતો મળ્યો તેથી તેને પણ સારું લાગતું. ક્યારેક રમાબાઈ ભગા અને ધુળાને એક જ થાળીમાં જમવાનું પીરસતા અને બંને એટેસથી જમતાં અને સુખ-દુઃખની વાતો કરતાં.

વાલ્મિકી સમાજમાં શિક્ષણનો અભાવ હોવાથી ૧૪ વર્ષની વયે ધુળાના લગ્ન થઈ ગયા હતાં અને બંને પતિ-પત્ની સાથે વાળું માંગવા જતાં. ૧૯ વર્ષની ઉંમરે ધુળાની પત્ની પ્રેગનન્ટ થતાં, તે પિયરે ગઈ હતી અને ધુળાને સહકાર આપવા માટે ભગાએ ધુળાની સાથે ૨ મહિના સુધી ગામમાં ફરી-ફરીને વાળું માંગ્યું હતું અને ભગાને જરાપણ ઓછપ નહોતી વર્તાણી.

ભગો કહે " ધુળા મને ક્યાંક નોકરી હોય તો કહેજે, મારે પૈસાની ખપત છે માટે કરવી છે, ભલે ગમે-તેવી હોય,
હું કરીશ " ધુળો ઉદાસ બની કહેતો, " ભગા, મારે ક્યાં આટલી ઓળખાણ હોય કે, હું કોઈને નોકરી રખાવી શકું ! " ત્યારબાદ પણ ધુળો થોડો મુરજાયેલો લાગતાં ભગો બોલ્યો, " કંઈ વાંધો નહીં ધુળા, ચાલશે " ધુળો બોલ્યો, " ભગા, એક નોકરી છે પણ સફાઈ કામદારની, અહીજ સિવિલ હોસ્પિટલમાં અને મારી સાથે " ભગો ખુશ થઈ બોલ્યો, " લે ! તો પેલા ન કેવાય ! એમાં શું ? મને તારી સાથે અહીજ નોકરી મળતી હોય તો સારામાં સારું કેવાય "

ધુળો થોડો ખુશ થઈ બોલ્યો, " આતો તું હતો એટલે મેં તને આ નોકરીની વાત કરવાની હિંમત કરી, બાકી એક વખત એક ભાઈને અહીં સફાઈ કામદારની નોકરીની વાત કરી તો મને છટાક દેતાંનો લાફો ઝીંકી દીધો ને કહે, ' તું મને આવી નોકરી કરવાનું કહે છે સાલા ભંગી ' અને હું તો તરત જ ગભરાઈને ભાગી ગયો "

ધુળાએ ૫ વર્ષ સિવિલ હોસ્પિટલમાં પ્રેકટીસ કરી અને ત્યાંજ પાંચ વર્ષ ધુળાની સાથે સફાઈ પણ કરી. આ તથ્ય સિવિલના હર કોઈ ડોકટરને અચંબિત કરી દેતું. ભગાએ M.B.B.S પ્રથમ ક્રમે પાસ કર્યું. આખરે ભગો ડોક્ટર ભગરાજ બન્યો. તેના પિતાએ જોયેલું સ્વપ્ન ભગો સાકાર કરીને જ જંપ્યો. ધુળો સરકારી પરીક્ષા પાસ કરી સિવિલમાં જ ડૉકટર તરીકે નોકરી લાગ્યો. હવે ભગાએ સફાઈ કામદારની નોકરી છોડી. સરકારી નોકરીમાં સારો પગાર મળવા લાગ્યો. શહેરનાં પોશ વિસ્તારમાં બંગલો ખરીદ્યો. ગામડેથી માતા રમાબાઈને અમદાવાદ બોલાવી લીધી. ભગો હવે પ્રખ્યાત સિવિલ સર્જન થઈ ગયો. લોકોની ભાષામાં કહીએ તો, " ભગાનો હાથ સારો હતો " ભગો આખો દિવસ બિઝી રહેતો. ડોક્ટરની સરકારી નોકરીની સાથે બીજી પણ ઘણી હોસ્પિટલમાં તે સેવા આપતો. ધુળાને સફાઈનું કામ છોડાવી પોતાનો ડ્રાઇવર રાખ્યો અને તેને પોતાના બંગલામાં એક ઓરડી રહેવા આપી. ધુળાએ પત્નીને અને ૪ વર્ષના છોકરાને અમદાવાદ બોલાવી લીધા. ધુળાના છોકરાનો ભણતરનો તમામ ખર્ચ ભગાએ ઉપાડ્યો. ધુળાની પત્ની રમાબાઈ પાસેથી સિવવાનું કામ શીખી. આ રીતે ભગાએ ધુળાની લાઈફ સેટ કરી આપી.

ધુળો હવે ઘણાં દિવસ બાદ ગામડે જાય છે. પોતાનાં પિતૃક ઘરનું સમારકામ કરાવે છે. એક દિવસ અચાનક અમાસની અંધકાર મધરાતે રણસંગભાની દીકરી સ્મિતબાને કોઈક એરું કરડી જાય છે. રજપૂતવાસ આખોય ભેગો થઈ જાય છે. રણસંગભાએ ઓળખાણથી અમદાવાદ ડૉક્ટરને વાત કરતાં તત્કાલ એડમિટ કરવાની સલાહ આપી પણ અહીં હોસ્પિટલ છેક ૩૦ કિલોમીટર અળગી છે અને ત્યાં સુધી ભગવાન ન કરે ને શુ થઈ જાય ? ગામના વડીલ ભગાને બોલાવવાની વાત કરતાં રણસંગભા કાળ-જાળ થઈ જાય છે ને રણકી ઉઠે છે, " હું એ ઢેડની કણે મારી દીકરીની સારવાર કરાવું ! જા, જા ! મરી જવું કબૂલ પણ ઈના દરવાજે ટકોરો ન મારુ " ગામનાં વડીલ કહે, " સમજદારીથી કામ લો ભા ! ગરજ પડતાં ગધેડાને પણ બાપ કેવું પડે "

રણસંગભાની પત્ની અંદર રડતાં-રડતાં બેભાન થઈ જાય છે. રણસંગભાને કંઈજ સૂઝતું નથી. અડધો કલાક વીતી જાય છે. ગામનાં વડીલ હવે ધીરજ ખૂટતાં ગુસ્સામાં રણસંગભાને કહે છે, " સમજો ભા, નહીં તો આજે મેડીમાંથી બે હાટડી કફનમાં વીંટળાઈને નીકળશે અને એવું હોય તો અમે બોલાવવા જઈએ ભગાને, તમે એને ફિ આપી દેજો, જો તમારે એનો ઉપકાર માથે ન રાખવો હોય તો " આ સાંભળી રણસંગભા ઢીલા પડ્યા અને ઉદાસ સ્વરે પસ્તાવો કરતાં બોલ્યાં, " ઈના બાપનાં મોતનો કલંક સે મારે માથે એટલે ઈ નય જ આવ અને આવ તોયે આખી જિંદગી મન ટોન મારીયા કરશે "  જીવથી પણ વહાલી દીકરી આગળ ભલ-ભલો રુઆબ પાણી ભરે તેથી અંતે રણસંગભા હારી-થાકી બોલ્યા, " જાઓ, આવે તો ઇન લઈ આવો "

પાંચ માણસ ભેગા થઈ ભગાને ઘરે જઈ તેને બોલાવી લાવ્યાં. ભગાએ કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર એક ડૉકટરનો ધર્મ નિભાવ્યો. તેણે તુરંત ટ્રીટમેન્ટ ચાલુ કરી. પંપ દ્વારા ઝેર બહાર કાઢ્યું. હજી પણ ઝેરનાં અમુક અંશ તેના પગની એડીમાં બતાવી રહ્યાં હોવાથી ભગાએ મોં પર માસ્ક પહેરી સ્મિતાનો પગ મોંમાં લઈ ઝેર ખેંચી કાઢ્યું. હવે ફેર પડવા લાગ્યો. સ્મિતાબાનાં તાવમાં થોડો ઘટાડો થયો પણ હજી હોશ આવ્યો નહતો. ઝેરની સામે રક્ષણ આપતી રશી ગ્લુકોઝમાં મેળવી બાટલો ચઢાવવામાં આવ્યો. ટ્રીટમેન્ટ પુરી થઈ પણ હોશ હજી આવ્યો ન હતો પણ દવા તેનું કામ ઉત્તમ રીતે કરી રહી હતી. ભગાએ સ્મિતાબાનાં શયનકક્ષમાંથી બહાર નીકળી પરિવારનાં સભ્યોને ચિંતા ન કરવા જણાવ્યું.

અડધો કલાક મહામહેનત કર્યા બાદ ભગાને તરસ લાગતાં પાણી માંગ્યું. તમામ એકબીજાની સામે જોવા માંડ્યા. થોડીવારમાં નોકર હરજી બાજુનાં ગલ્લેથી મિનરલ વોટર લઈ આવ્યો અને ભગાને આપી. આટલું બધું કર્યા બાદ ભગાને આ આશા ન હતી. ભગાને તેના પિતા સ્વાભિમાનથી જીવવાનું કહી ગયાં છે. ભગાએ મિનરલ વોટરનું પાણી ન પીધું અને તરસ મટી ગઈ એમ કહ્યું. ભગાની મમ્મી હોશમાં આવી ગઈ હતી. તેના માટે તો ભગો વહાલસોયી દીકરીને બચાવનારો ભગવાન હતો. તેણે ઉભી થઈ પરિવારિક તાંબાના લોટામાં પાણી ભરી સ્નેહભરી રીતે ભગાને આપ્યું. લોકો એકબીજા સામે આશ્ચર્યતાથી જોવા માંડ્યા. રણસંગભા પણ એકચિત્તે જોતા જ રહ્યાં. ભગાએ સહજતાથી હસી જળનો સ્વીકાર કર્યો અને ઊંચેથી આખો લોટો ગટગટાવી નાંખ્યો.

થોડી જ વારમાં સ્મિતબાને હોશ આવતાં આખીયે મેડીમાં હર્ષોલ્લાસનું મોજું ફરી વળ્યું. તમામ એકબીજાને અભિનંદન આપવા લાગ્યાં. ફક્ત બે જ જણ ચૂપ હતાં, નરસંગભા અને ભગો. વાજતાં ઢોલની વચ્ચેથી ભગો પોતાની ફરજ નિભાવ્યા બાદ નીકળી ગયો. બીજા દિવસે નરસંગભાનો નોકર હરજી ભગાની ગેરહાજરીમાં ઘરે ફી રૂપે મોંઘીદાટ કિંમત આપી ગયો. ભગો આ પૈસા પાછા આપવા ગયો પણ રણસંગભાની પત્નીએ પાછા ન લેતાં ભગાએ આ પૈસા સ્મિતાબાના નામે ગામની શાળામાં દાન કરી દીધાં. ભગાના આ કામની અને સ્મિતાબાને બચાવવાની બંને કામની ગામમાં વાહવાહી થવા લાગી.

રણસંગભાની બંને ભવિષ્યવાણી ખોટી પડી. ભગો પૂર્વગ્રહ રાખ્યા વગર સ્મિતાબાનો જીવ બચાવવા આવી પણ ગયો અને પોતે નરસંગભાને ઉપકાર કર્યાનો ટોન મારશે, એ વાત પણ ખોટી પડી. ભગો સ્વભાવે પ્રેમિલો, સહજ અને
હળી-મળીને રહેનારો હતો. તે કોઈને નીચા દેખાડવામાં સમજતો પણ નહતો.

ભગાનાં ઘરનું સમારકામ પૂરું થતાં તે પાછો અમદાવાદ જવા ઉપડે છે. ૩ જેટલા બેગમાં સામાન ભરી ભગો ગામનાં સ્ટેશને ઉભો છે. બસ આવતાં તેનો સામાન ચઢાવવા તે કોઈની મદદ લેવા આમતેમ જુએ છે ત્યારે પાછળથી રણસંગભા ભગાના ખભે હાથ મૂકી તેને જાણે સહારો આપતાં હોય છે. ભગો આશ્ચર્ય પામે છે. રણસંગભા બધો સામાન જાતે જ બસની ઉપર ચડાવે છે. ભગો સહજતાથી રણસંગભાને નિહાળે છે. અંતે ભગાને બસમાં ચઢાવી રણસંગભા પત્નીએ બનાવેલા ચોખ્ખા ઘીના લાડુનો ડબ્બો ભગાને પ્રેમપૂર્વક હાથમાં આપી, ભગાને હાથ જોડી રડતી આંખે રણસંગભા પાછા મેડી તરફ આંખો લૂછતાં-લૂછતાં પ્રયાણ કરે છે. આ ઘટનામાં ભગા અને રણસંગભા વચ્ચે કોઈજ વાતચીત થતી નથી. આંખો જ મુખ્ય પાત્ર ભજવે છે. ભગાની નજર હજી દૂર સુધી દેખાતા રણસંગભા ઉપરથી હટી નથી. સૂર્ય આથમી રહ્યો છે ને ભા દૂર ચાદર ઓઢેલી રાતમાં અદ્રશ્ય થઈ ગયાં. પવન કચવાટ કરતો ફૂંફાડા મારતો ફૂંકાઈ રહ્યો છે. ભગો ભયંકર અંધકારમાં તેજ આંખે એ જ જુના તેજાબી રુઆબવાળા રણસંગભાને શોધવાનો પ્રયત્ન કરે છે પણ તે જડતાં નથી. એક નાનકડી ઘટનાએ રણસંગભામાં કરેલું " હૃદય પરિવર્તન " ભગાના મોં પર બિયુટીફૂલ સ્માઈલ છોડી જાય છે.