Sahitya ne sathware preet ni sharuaat - 2 books and stories free download online pdf in Gujarati

સાહિત્યને સથવારે પ્રીતની શરૂઆત - ૨

            એક એક કરીને બધા વક્તાઓએ આભારવિધિ પછી પોતાના અંદાજમાં કવિતા, સાયરી અને વક્તવ્યો આપ્યા. કરિશ્મા બધાને સંબોધતી ગઈ અને મહેમાનો એક પછી એક આવીને શ્રોતાઓનું મનોરંજન કરાવતા ગયા.

"તો દોસ્તો હવે હું જેને આમંત્રિત કરી રહી છું. જે આજની આ મહેફિલ આખરી વક્તા છે. જે આજનો કાર્યક્રમ માણવા અને આપ સૌને મનોરંજન પૂરું પાડવા લંડનથી આવ્યા છે. આપણા માટે ખુશીની વાત એ પણ છે કે એ આપણા સાહિત્યમાં પોતાનું સારું એવું યોગદાન આપી ચૂકેલા ઈરફાન જુણેજાના સન છે. પોતે કઈ ખાસ લખતા નથી પણ એમના સુરીલા કંઠથી પિતાની કવિતાઓ એ રજૂ કરે છે. ભવિષ્યમાં બૉલીવુડમાં તમને એમના દર્શન થાય એવી એમની મહેનત ચાલી રહી છે. તો પ્લીઝ વેલકમ અર્ઝાન જુણેજા..." કહી કરિશ્માએ ખુબ જ ઉત્સાહથી અર્ઝાનને આમંત્રિત કર્યો.

            અર્ઝાન સોફાપરથી ઉભો થઇ વક્તવ્ય આપવા આવ્યો. બધા શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું. અર્ઝાનના ચહેરા પર શ્રોતાઓની તાળીઓની અસર વર્તાઈ રહી હતી. એ હર્ષોલ્લાસ સાથે માઇક સામે ગોઠવાયો.

"મારા પ્યારા દોસ્તો,
હું સૌથી પહેલા તો આયોજક ટીમનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને અહીં વક્તા તરીકે સ્થાન આપ્યું. હું ના કવિ છું ના લેખક. સાહિત્યનો પ્રેમ મને વારસામાં મળ્યો છે. મારા પિતાજી તરફથી. તો આજે હું એમની એક કવિતા આપ સૌની સમક્ષ રજૂ કરીને આપ સૌનું મનોરંજન કરવાની કોશિસ કરીશ. કવિતાનું ટાઇટલ છે. "સતત એકબીજા માટે લખતા રહીએ.."

સતત એકબીજા માટે લખતા રહીએ,
આમ જ પ્રેમ જતાવતા રહીએ,
કોઈ મળે ન મળે જીવન પંથે,
એકબીજાનો સહારો બનતા રહીએ...

હું લખું ભાવ થી, ને તું લખે ઉમંગ થી,
ચાલને આમ જ સ્નેહ પાથરતા રહીએ,
સખી બન તું મારી કલમની, ને હું બનું તારો શબ્દ,
રચનાનાં એ ભાવમાં એકબીજાની મીઠાસ બનતા રહીએ...

તું લખે કવિતા અને હું લખું વાર્તા,
ઉદ્દેશ એક જ , એકબીજાને સારું લગાડતા રહીએ,
તું કહે મન થી ને હું કહું અંતરથી,
પ્રણયને આમ જ ફેલાવતા રહીએ...

સતત એકબીજા માટે લખતા રહીએ,
આમ જ પ્રેમ જતાવતા રહીએ,
કોઈ મળે ન મળે જીવન પંથે,
એકબીજાનો સહારો બનતા રહીએ...

તારા શબ્દો મધુર , ને મારા શબ્દો સોહામણા,
માનવતાની રાહે આમ જ દિલ જીતતા રહીએ,
પ્રેમ , ક્રોધ ને માણસાઈ,
આપણી રચનામાં કંડારતા રહીએ...

લોકો ગમાંડે આપણી રચના,
એવા શબ્દોના પ્રહાર કરતા રહીએ,
તું ચાલે જીવનમાં આમ જ સાથે,
તો ગુજરાતી ને મહેકવતાં રહીએ...

સતત એકબીજા માટે લખતા રહીએ,
આમ જ પ્રેમ જતાવતા રહીએ,
કોઈ મળે ન મળે જીવન પંથે,
એકબીજાનો સહારો બનતા રહીએ...

"

            અર્ઝાને એના પિતાની કવિતા રજૂ કરતા. લોકો ખુબ જ પ્રભાવિત થયા. અર્ઝાનના સ્વરમાં એ તાકાત હતી કે એ આ કવિતાના શબ્દોને ચાંદ લગાવી ગઈ. કરિશ્મા પણ અર્ઝાનને ધ્યાનથી સાંભળી રહી હતી. કરિશ્માને મનમાં ન જાણે કેમ આજે જીવનમાં પહેલીવાર આવો લગાવ થયો હતો. કોઈ વ્યક્તિ પ્રત્યે એ આકર્ષાઈ હોય એવું એને મન પહેલીવાર બન્યું હતું. અર્ઝાન ફરીથી પોતાના સ્થાને ગોઠવાયો. કરિશ્મા જાણે સ્વપ્ન માંથી બહાર આવી હોય એ રીતે સ્વસ્થ બનીને પોતાનું એન્કરિંગ કરવા લાગી. દરેક શ્રોતાઓને પોતાના સુરીલા કંઠ અને મધુર શબ્દોથી આભારવિધિ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી.

            બધા શ્રોતાઓના ગયા પછી અર્ઝાને દરેક વક્તાઓ સાથે મુલાકાત કરી. બધાએ એમના વખાણ કર્યા અને આ રીતે કાર્યક્રમોમાં હાજરી આપતા રહેવાની રજુઆત કરી. અર્ઝાને પણ દરેકનો આભારવ્યક્ત કર્યો અને હસતાં મોઢે વિદાય લીધી. અર્ઝાન યુવિકા પાસે ગયો અને પોતાને હવે નીકળવું જોઈએ એમ કહીને રજા લઇને નીકળ્યો. અર્ઝાન જેવો પાર્કિંગમાં પહોંચ્યો તો ત્યાં કરિશ્મા પોતાની હ્યુન્ડાઇ આઈ ટ્વેન્ટી સ્ટાર્ટ કરી રહી હતી. કોઈ ટેક્નિકલ ખામીને કારણે એ સ્ટાર્ટ નહોતી થતી. અર્ઝાન એની પાસે ગયો.

"હાય કરિશ્મા, તું ચિંતિત લાગે છે. કોઈ પ્રોબ્લેમ.." અર્ઝાને કરિશ્મા પાસે જઈને કહ્યું. કરિશ્મા ગાડી ચાલુ નહોતી થતી એ કારણે ચિંતિત હતી પણ અર્ઝાનને સામે જોઈ મનમાં થોડી ખુશ થઇ અને બોલી.

"ના, મોટી કોઈ પ્રોબ્લેમ નથી. બસ ગાડી સ્ટાર્ટ નથી થતી.."

"લાવ, હું ટ્રાય કરું?"

"સ્યોર.." કહી કરિશ્મા ગાડીની બહાર આવી. અર્ઝાને ગાડી સ્ટાર્ટ કરવાની કોશિસ કરી પણ એ નાકામ રહી. અર્ઝાન બહાર આવ્યો. ગાડીનું બોનેટ ખોલી થોડું ચેક કર્યું પણ કઈ સમજાયું નહીં. થોડા પ્રયાસો બાદ કરિશ્મા અને અર્ઝાનને લાગ્યું કે હવે તો કોઈ મિકેનિકને જ બોલાવવો પડશે.

"અર્ઝાન લાગે છે આ નઈ થાય. હું મિકેનિકને કોલ કરું. એ આવીને કરી જશે."

"હા, મને પણ એવું જ લાગે છે. તું મિકેનિક બોલાવી લે."

કરિશ્માએ મિકેનિકને કોલ કરીને આવવા કહ્યું. મિકેનિક થોડો બીઝી હોવાથી એ બે કલાક પછી આવશે એવું જણાવ્યું.

"શું કહ્યું મિકેનિકે.." અર્ઝાને કરિશ્માને ફોન મુકતા જ પૂછ્યું.

"એ થોડો વ્યસ્ત છે. બે કલાકમાં આવશે. તું નીકળ તારે મોડું થશે..."

"અરે એક કામ કર મારી પાસે કાર છે. હું તને ડ્રોપ કરી દઈશ. તું મિકેનિકને કહે કે એ ગાડી રીપેર કરીને તારે ત્યાં મૂકી જાય." અર્ઝાનની આ ઓફર સાંભળી કરિશ્મા ખુશ થઇ. પણ એને ડાયરેક્ટ હા પાડવામાં થોડું અતડું લાગ્યું.

"ના, અર્ઝાન તું ખોટી તકલીફ ન લે. હું પહોંચી જઈશ.."

"અરે, એમાં તકલીફ શેની. હું ડ્રોપ કરી દઈશ. મારે આમ પણ કોઈ કામ નથી.." અર્ઝાનની આજીજીથી કરિશ્માએ ફાઇનલી હા કહી અને અર્ઝાનની કારમાં બંને નીકળ્યા.

"ક્યાં રહે છે તું?"

"હું હાલ તો મારા મામાને ત્યાં રહું છું. જુહાપુરા વિસ્તારમાં..."

"ઓહ, તો તો મારે નજીક પડશે. હું પણ અહીં સરખેજ મારા એક રિલેટિવને ત્યા જ રોકાયો છું.."

"ગુડ.. અર્ઝાન તું ખોટું ન લગાડે તો એક વાત પૂછું?" કરિશ્માએ અર્ઝાન સામે એક પ્રશ્નાર્થ ભાવે જોઈ કહ્યું.

"હા, પૂછને.." અર્ઝાન ટ્રાફિકને કારણે ગાડી ચલાવતા રસ્તા સામે જોઈ બોલ્યો.

"તને લંડનમાં ફાવે છે ખરું?"

"આ, કેવો સવાલ છે. ફાવે જ ને. છેલ્લા પંદર એક વર્ષથી ઓલમોસ્ટ ત્યાં જ છું..."

"પણ આજે તારી સાહિત્ય પ્રત્યેની રુચિ જોઈ એવું લાગ્યું નહીં કે તને વિદેશમાં ફાવે.."

"કરિશ્મા સાચું કહું તો મને ઇન્ડિયા અને ખાસ કરીને ગુજરાતની એક માયા છે. માટીનો નાતો છે. માતૃભૂમિ તો મારી આ જ છે એટલે યાદ તો આવે. પણ ભારતમાં હવે રેહવું મુનાસિફ નથી લાગતું.."

"આવું કેમ?"

"અહીંના રાજકારણમાં ગંદગી છે. ભાઈચારો દૂર કરી વોટ બેન્કના નામે કોમવાદ, જાતિવાદ, ભ્રષ્ટચાર એટલું છે કે કેટલાની સામે અન્યાય માટે લડો.."

"હા એતો છે. આજકાલ લોકો લોકશાહીનો ગેરફાયદો ઉઠાવતા થઇ ગયા છે. પણ આપણે આપણું જીવન જીવવાનું. આ બાબતમાં રસ જ નઈ લેવાનો."

"હા, એ વાત છે. પણ એ જિંદગી માટે એટલા પૈસા અને સારું કરિયર જોઈએ. જેથી બીજા વ્યક્તિઓની હરકત અસર ન કરે."

"હા, તો તારો લાઈફ ગોલ શું છે.."

"મને એક્ટિંગનો શોખ છે. હું એ શીખી પણ રહ્યો છું. ઈચ્છા છે કે સારી એક્ટિંગ કરીને નાના પાયે બૉલીવુડમાં શરૂઆત કરું ..."

"પણ એ બહુ અઘરું છે. બૉલીવુડમાં એટલો ટ્રાફિક છે કે લોકો દસ દસ વર્ષથી પેન્ડિંગમાં ચાલે છે."

"હા, એ ખ્યાલ છે મને. પણ કોશિસ કરતો રહીશ. ક્યારેક બ્રેક મળી જાય.."

"હા, એ વાત તો ખરી. એક્ટિંગ સિવાય કોઈ કામ ખરું?"

"હા, પપ્પા મમ્મીના કહેવાથી મેં એક સ્મોલ બિઝનેસ પણ કરેલો. જેમાં ગુજરાતી કલ્ચરની વસ્તુઓ જેમ કે કપડાં, આપણા તહેવારોના સેલિબ્રેશન વગેરેની ઇવેન્ટસ હું લંડનમાં કરું છું. ગુજરાતી લોકો એને ખુબ એન્જોય કરે છે અને પૈસા પણ મળી રહે છે."

"વાઉ થેટ્સ ગ્રેટ.. અને તારા પિતાજી?"

"પપ્પા તો લખવાનું અને ફ્રી ટાઈમમાં સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે."

"ઓહ, આ ઉંમરે પણ ?"

"હા, એમને ઘણો શોખ છે. નવી ટેક્નોલોજી શીખવાની, નવા સોફ્ટવેર બનાવવાના અને રચનાઓ લખવાની.."

"ગ્રેટ, હેપી ફેમિલી યાર.."

"હા, ગુજરાતીમાં કહું તો મોજે...મોજ હો.." બોલતા જ બંને હસી પડ્યા.

"કરિશ્મા તારા ફેમેલીમાં કોણ છે?"

"હું એકલી જ છું. મારા મોમ-ડેડ એક એક્સિડન્ટમાં એક્સપાયર થઇ ગયેલા. ત્યારે હું પાંચ એક વર્ષની હતી. મારા મામાએ મને ઉછેરીને મોટી કરી અને હું એમની સાથે જ રહું છું. મારા મામા-મામીને સંતાન નહોતા થતા એટલે એમને મને ઓફિશિયલી દત્તક લીધી છે. મામી સગી મા ની જેમ મને રાખે છે. મામા પણ મને કોઈ જ વાતની ખોટ નથી પડવા દેતા.."

"સોરી.. અલ્લાહ તારા મોમ-ડેડને જન્નત નસીબ કરે. અને તારા મામા મામીને પણ હંમેશા ખુશ રાખે.."

"આમીન... સુમ્મા આમીન.. અર્ઝાન બસ આગળથી રાઈટ લઇ લેજે. મારુ ઘર આવી ગયું.."

"ઓકે.." અર્ઝાને કાર કરિશ્માની સોસાયટી તરફ વાળી અને કરિશ્માએ ઘર આવતા ઇસારાથી ગાડી રોકવા કહ્યું.

"ચાલ ઘરે, ચા નાસ્તો કરીને જા.."

"અરે, ના બસ કરિશ્મા થેંક્સ, પછી ક્યારેક આવીશ.."

"અરે, પછી ક્યારે આવીશ? તું તો લંડન જતો રહીશ.."

"ના, ના હવે યુવિકાએ કહ્યું છે મને કે આવા કાર્યક્રમોમાં હું આવતો રહું.. અને મને પણ ખુબ ગમે છે. તો મુલાકાત થતી રહેશે. હું જરૂર આવીશ."

"ઓકે, જેવી તારી મરજી. ધ્યાન રાખજે.. અલ્લાહ હાફિઝ.."

"અલ્લાહ હાફિઝ.." કહી અર્ઝાન ગાડી પાછી વાળીને જ્યાં રોકાયો હતો ત્યાં રિલેટિવને ત્યાં પહોંચ્યો. ગાડી પાર્ક કરી ફ્રેશ થઈને ટી.વી. સામે ગોઠવાયો.