shradhdha books and stories free download online pdf in Gujarati

શ્રધ્ધા.

આજે ફરી એ નિત્ય ક્રમ થી પરવારી ને પંપા સરોવર નાં કિનારે બેઠી હતી..આંગણું અને ઝૂંપડી વાળી ચોળી ને સાફ થઈ ગયા હતા. ઝૂંપડી થી સરોવર સુધીનાં રસ્તા પર એણે ફૂલ ની જાજમ પાથરી દીધી હતી. પાણી નો ઘડો ભરીને ઝૂંપડીમાં રાખી દીધો હતો. સામે ની બોરડી એ થી તાજા બોર તોડી ને ટોકરી ભરી રાખી હતી.. આજે તો એ આવશે જ...અને એની નજર દૂર દૂર સુધી ફરી વળી.. એની ઝૂંપડી શોધતા શોધતા રામ આવે અને કોઈ એની ઝૂંપડી ના બતાવે તો.. એ બીકે એ નિત્ય ક્રમ થી પરવારી ને હંમશા પંપા સરોવર નાં કિનારે બેસી દૂર સુધી નજરો દોડાવતી રહેતી.. રામ આવે ત્યારે એને પોતાને શોધવામાં સહેજ પણ તકલીફ ના પડે એનું પણ એ પૂરું ધ્યાન રાખી રહી હતી. એની વ્યાકુળ આંખો દૂર દૂર સુધી ફરી વળી.. 

એટલામાં થોડા નાના બાળકો રમતાં રમતાં ત્યાં આવી ચડ્યા.. કાંકરી લઇ ને સરોવર માં નાખતા અને વમળો થતાં એને જોતાં અને હસતાં હતાં. એમાં થી એક બાળકે આની તરફ પણ કાંકરીચાળો કર્યો. અને એ પગલી ડોશી... પગલી ડોશી... કહી ને એને ચીડવવાનો પ્રયત્ન કર્યો.. એણે બધાં ને હસી ને ટાળ્યા.. 

સરોવર નાં કાંઠે જ એક ઝાડ હતું. જેનાં પર ઘણા સમયથી એક પક્ષીનું યુગલ માળો બનાવી રહ્યું હતું. એણે ઈંડા પણ મુક્યા હતા. ઈંડા સેવવા માટે એ યુગલ વારાફરતી ત્યાં આવ-જા કર્યા કરતું હતું.

થોડી વાર માં એક મહિલાનું ટોળું સરોવર પાસે પાણી ભરવા આવ્યું... બધા ખિલખિલાટ હસતા અને વાતો કરતા હતા.. 
"અલી ચંપા...! ઓલી ભીલડી તો જો.. રોજ આવી ને બેસી જાય છે અહીંયા.. મુઈ ને કંટાળો ય નહીં આવતો હોય..! હું નાની હતી તેદુની જોઉં છું એને આમ અહીંયા રોજ બેસી ને વાટ જોતા.. એક વાર પૂછ્યું કે કોની વાટ જુએ તો કયે દશરથ પુત્ર રામ ની..! એ મારી ઝૂંપડીએ આવવાના છે એટલે એને તકલીફ ના પડે એટલે.." બધા ખડખડાટ હસી પડ્યા...

 "હા અલી! મારા બાપુજી પણ કેતા કે મારો જનમ ય નોતો થયો તે દિવસ ની એ ત્યાં બેઠી હોય છે. એને એનાં ગુરુ એ કીધું છે કે ઈશ્વર અવતાર લેશે અને એનાં ઘરે આવશે.. ત્યારે તો મહારાજા દશરથ નાં ઘરે પુત્ર જન્મ પણ નહોતો થયો... રામ નાં જન્મ પછી એને ક્યાંય ઋષિમુનિઓ પાસે થી વાત મળી છે કે રાજા દશરથ નાં ઘરે ઈશ્વર નો રામ રૂપે જન્મ થયો છે... તો હવે આખો દિવસ રામ ની વાટ જોયા કરે છે.. ક્યાં રાજા દશરથ નો પુત્ર રામ...! અયોધ્યા નાં મહેલ માં રહેવા વાળો.. ને ક્યાં આ ભીલડી.. પંપા સરોવર ને કાંઠે રામ આની ઝૂંપડી માં આવશે?" ફરીથી એક ખડખડાટ હાસ્ય...

"મુઈ જુવાની માં તો રૂપાળી ય બહુ હતી.. મેં તો ખુદ જોઈ છે..આખી જુવાની એણે વેડફી નાખી." એક વયોવૃદ્ધ મહિલા બોલી.

"અલી..! મેં સાંભળ્યું છે કે એનાં લગન ના દિવસે જ એ માંડવે થી ભાગી ગઈ હતી. બલિ નો રિવાજ ના પાળવો પડે એટલે.. પિતા નું ઘર છોડી એનાં ગુરુ નાં આશ્રમ માં રહેતી ને ગુરુ સેવા કરતી. એમાં ગુરુ એ મરતી વખતે એને આશીર્વાદ આપ્યા છે કે ઈશ્વર એનાં ઘરે આવશે..!"

"હેં..! શું વાત કરે છે..! હું ય એ જ વિચારું કે આની ડગળી આમ છટકેલી કેમ છે.. આપણી ઘરે પણ એવા તો ઘણા ઋષિઓ પધારતાં હોય છે.. ઋષિઓનું તો કામ છે આશીર્વાદ આપવાનું તે આપે . એમાં આશીર્વાદ ઉપર ભરોસો કરી ને આખી જિંદગી થોડી કઢાય છે.. લગન નથી કર્યા એમાં જ મુઈ નું છટકી ગયું છે.... કોઈ હારે વાત ચીત ય નથી કરતી અને આખો દિ બસ એક જ રામની ધૂન લઇ ને બેઠી છે...હશે ત્યારે.. આપણે શું..! એનાં નસીબ માં આમ જ જુરી જુરી ને જિંદગી કાઢવાનું હશે બીજું શું..! આપણે તો આપણે ભલા ને આપણું કામ ભલું.. પારકી પંચાત શું કરે...!"

આ પારકી પંચાત સાંભળવી એ એનો રોજ નો ક્રમ બની ગયો હતો. ગાંડી, પાગલ જેવા શબ્દો ને જ હવે તો એ પોતાનું નામ પણ સમજવા લાગી હતી.. સરોવર નાં પાણી માં પડતાં પોતાના પ્રતિબિંબ પર એનું ધ્યાન ગયું.. વાળમાં ચાંદી ની ચમક આવી ગઈ હતી.. ચહેરા પર ની કરચલીઓ પણ વીતી ગયેલી ઉમર ની ચાડી ખાતી હતી...નાની હતી ત્યાર ની પિતાનું ઘર તો છોડી દીધેલું. ગુરુ નાં વચન પર એને અપાર ભરોસો હતો એટલે તો નાની હતી ત્યાર થી વાળ માં સફેદી આવી ત્યાં સુધી બસ અહીં જ ઝૂંપડી બાંધી ને રહેતી અને વાટ જોતી.. રામ અહીં જ આવશે એની એને અપાર શ્રદ્ધા હતી. અને એ શ્રદ્ધા માં સહેજ પણ ઓટ આવી નહોતી.. એને ઘણાં ડાહ્યા લોકો એ સમજાવી પણ ખરા કે " તારે રામ નાં જ દર્શન કરવા હોય તો એ માટે ની વ્યવસ્થા કર અને અયોધ્યા જા.. રામ થોડાં છેક અયોધ્યા નો મહેલ છોડી તારી  ઝૂંપડી એ આવશે..! પણ એ એક ની બે ના થઈ.. મારા ગુરુ એ એમ જ કીધું છે કે અહીં જ આવશે.. મારે ક્યાંય જવાનું નથી.. હું ક્યાંય જાઉં ને પાછળ થી રામ અહીં આવે તો..! એ બીકે એ ક્યાંય એની ઝૂંપડી ને છોડી ને ગઈ જ નહોતી..

બધાં ડાહ્યા લોકો એ એને શરૂ માં ખૂબ સમજાવી કે એક વચન પર આટલો ભરોસો કરી ને જીંદગી બરબાદ ના કરાય.. પરણીને ઠરીઠામ થઈ જા.. એટલે આ ભૂત તારા માથા પર થી ઉતરી જાય.. પણ હવે તો એ લોકો પણ થાક્યા હતાં આને સમજાવી સમજાવી ને.. હવે તો બધા એ સ્વીકારી લીધું હતું કે આ ગાંડી છે.. 

પણ રોજ શ્રદ્ધા પૂર્વક રાહ જોતી એ, આજે થોડી ઉદાસ હતી. આજે એને પેલી મહિલાઓ ની વાતચીત પણ તીર સમાન વાગી. આજે એ વિચારવા લાગી કે "બધા સાચું જ તો કહે છે.. હું શા માટે આ રીતે એક આશીર્વચન પર આધાર રાખી ને મારી આખી જિંદગી બરબાદ કરી રહી છું. મારી હાલત બિલકુલ ધોબીનાં કૂતરાં સમાન છે. નથી ઘર ની કે નથી ઘાટ ની.. એક અજાણી આશ માં આખી જિંદગી ચાલી ગઈ. ના સંસાર કર્યો કે ના ઈશ્વર નાં દર્શન કરી શકી. હવે તો વાળ પણ ધોળા થયા. ખબર નહીં કેટલો સમય જીવીશ.. અને જેટલું જીવું એમાં ઈશ્વર દર્શન થશે કે કેમ..! રામ મુજ ગરીબ ની ઝૂંપડીએ પધારશે કે કેમ..!  આનાં કરતાં સારું હોત કે મેં પણ બધી મહિલાઓ ની જેમ સંસાર માંડયો હોત.. મારું પણ પોતાનું કોઈ હોત..! બીજું કંઈ નહીં તો મને ઘડપણ નો સહારો તો મળી રહેત..!

એ વિચાર ની સાથે જ એને પોતાના નિ:સહાય ઘડપણનો ભયાવહ વિચાર આવી ગયો. ઘડપણ માં જ્યારે એનાં હાથ પગ કામ કરવાનું બંધ કરશે ત્યારે કોનાં સહારે એ જિંદગી કાઢશે..! અત્યારે તો ઠીક છે કે હજુ એ પોતાની સંભાળ લઇ શકે છે. પણ ઘડપણ નું શું..! અને ઈશ્વર સંભાળ લેશે એવું બધા કહે તો છે.. પણ આ ઈશ્વર નામ નું કંઈ અસ્તિત્વ હશે ખરા... કે એ કેવળ માનવ મન ની કલ્પના જ છે...!
જો ઈશ્વર જેવું કંઈ હોય તો સંસાર માં આટલા દુઃખો શાને..! હું આટ આટલા વર્ષો થી પુરી શ્રદ્ધા થી ઈશ્વર ની રાહ જોઉં છું. જો ઈશ્વર જેવું અસ્તિત્વ હોત તો ચોક્કસ એ મને દર્શન આપત.. મને તો લાગે છે હવે કે આ સંસાર નાં બધા લોકો કહે છે એ સાચું જ છે. એક ભ્રામક માન્યતા પાછળ મેં મારી આખી જિંદગી કાઢી નાખી. એક સ્ત્રી નાં બધા ઓરતાઓ ને ભરજુવાની માં જ ભેગા કરી ઈશ્વર નાં ચરણે ધરી દીધા. હવે તો ઓરતા માં પણ હરિ દર્શન ની એક જ ઈચ્છા છે. બીજું કંઈ ખપે નહીં.. પણ હરિ એનાં ભક્તો પ્રત્યે દયાળુ હોય છે, કૃપાળુ હોય છે એ બધી વાત ખોટી.. જો એવું હોત તો એક વાર તો મારા પ્રભુ એ મારી સામે જોયું હોત... આખી જિંદગી મેં માંગ્યું પણ શું છે એનાં વિના..! ગરીબી, એકલતા આ બધા પરિબળો એક માણસ ને અને એમાં પણ સ્ત્રી જાત ને ભાંગી નાખવા પૂરતાં હોય છે.. એમ છતાં આ બધા પરિબળોનો હસતાં મોં એ સામનો કર્યો અને આખું જીવન રામ દર્શન ની અભ્યર્થના માં જ વિતાવી દીધું.. 

પણ એમ છતાં એક વિચાર એમ પણ આવે છે કે હરિ દર્શન થવા શું એટલાં સહેલાં થોડા છે! કેટ કેટલા ઋષિ મુનિઓ એ ઊંધે માથે લટકી, એક પગ પર ઉભા રહી ને, નિરાહારી રહી ને કે એ રીતે સદીઓ સુધી કેટ કેટલી તપસ્યા કરી છે.. આમાંનું કશું મેં ક્યાં કર્યું છે.. મને શું આ જન્મ માં હરિ દર્શન થઈ શકશે! અને નહીં થાય તો....!

આ વિચાર એને પગ થી માથા સુધી કંપાવી ગયો.. જે એક જ ખેવના પાછળ આખી જિંદગી ખરચી નાંખી, ને ક્યાંક હરિ દર્શન થાય જ નહીં તો...!

એનાં કરતાં તો સારું છે કે આ પંપા સરોવર માં જ ડૂબી ને જીવ આપી દઉં.. જે દેહ ઈશ્વર દર્શન કરી ન શક્યો એને ટકાવી ને શું ફાયદો... આ આંખ કાઢી ને સરોવર માં પધરાવી દઉં.. જે આંખો એ આખી જિંદગી એ ચરણો નાં દર્શન ના કર્યા એ આંખ નું કામ પણ શું..! જે કાન પર હરિનો સુમધુર અવાજ ના સંભળાયો.. જે નાસિકા ક્યારેય  પ્રભુ નાં દેહ ની દિવ્ય સુગંધ ના પામી... જે જીભ દ્વારા હરિ ચરણામૃત નું પાન ના થઈ શક્યું એ બધા નું કામ પણ શું..! આ દેહ ને વધુ ટકાવી ને ફાયદો પણ શું..?
આમ વિચારી ને એ દેહ ને પંપા સરોવર માં સમર્પિત કરી દેવા માટે નો નિશ્ચય કરી ને ઉભી થઈ...

ત્યાં.. ઝાડ પરનાં પેલા પક્ષી યુગલ પર એનું ધ્યાન ગયું. એ ચીસાચીસ કરી રહ્યા હતાં અને આમ થી તેમ ઉડી રહ્યા હતાં. વાત જાણે એમ બની હતી કે એ પક્ષીયુગલે એ ઝાડ પર માળો બાંધ્યો હતો. અને એમાં ઈંડા મુક્યા હતા.. પવન નાં જોર થી માળો નીચે પડી ગયો હતો અને સાથે એનાં ઈંડા પંપા સરોવર માં જ ગરકાવ થઈ ગયા હતા. હવે પક્ષી યુગલે ઈંડા પાછા મેળવવા મહેનત આદરી હતી. આ થોડું હાસ્યાસ્પદ હતું. સરોવર આખું છલોછલ ભરેલ હતું. એમાં ઈંડા પડ્યા બાદ એ બચવાની શક્યતા જ નહિવત હતી ત્યારે આ પક્ષી યુગલ તો એને પાછા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.. બંને પક્ષી વારાફરતી એની ચાંચ માં પાણી લઇ થોડે દૂર જઈ ત્યાં પાણી નાખી આવતા.. ફરી સરોવર પાસે જતાં, ફરી ચાંચ માં પાણી લઇ દૂર નાખી આવતાં.. 

એને આ દ્રશ્ય જોવાની મજા પડી ગઈ.. ક્યાં સુધી આ પક્ષી યુગલ એમની આ વ્યર્થ મહેનત ચાલુ રાખશે.. આ પાગલપન નહીં તો બીજું શું છે... જે ઈંડા પાછા મળવાની શક્યતા જ નથી એવી એક અજાણી આશ પાછળ એ પક્ષી યુગલ પોતાનો સમય અને શક્તિ બંને વેડફી રહ્યા હતા. કારણ માત્ર એક જ.. એ ઈંડા એનાં પોતાનો અંશ હતા અને એમને જીવથી પણ વહાલા હતાં.. આ દ્રશ્ય અથાક લંબાયું.. સવાર ની બપોર થઈ અને હવે સુરજ આથમવાની ઘડી આવી ગઈ પણ પેલું પક્ષી યુગલ ન થાકયું... અમે સરોવર ખાલી કરી લેશું અને અમારાં ઈંડા અમને પાછા મળશે જ એવી દ્રઢ શ્રદ્ધા થી બંને આ કામ કરી રહ્યા હતાં. એમને બીજી કશી પરવા નહોતી. કોઈ એમની સામે જોઈ ને હસી રહ્યું છે કે કોઈ કંકારીચાળો કરી રહ્યું છે, કોઈ પાગલ કહી રહ્યું છે એની સાથે પક્ષીઓ ને જાણે કોઈ સંબંધ જ નહોતો.. અને ઈંડા મેળવવા એ લોકો જે મહેનત કરી રહ્યા હતાં એ વ્યર્થ જશે એવી ચિંતા પણ એ પક્ષીઓ ને નહોતી.. સરોવર ખાલી ન થઈ જાય ત્યાં સુધી આ મહેનત કરવાનો તેઓ એ નિર્ધાર કર્યો હોય એમ અવિરત એમની મહેનત ચાલુ જ હતી.. 

આ દ્રશ્ય થી અચાનક જ એને કોઈ પ્રેરણા મળી હોય એમ એ ઉભી થઈ ગઈ. હતાશા નિરાશા નાં વાદળો એનાં ચહેરા પર થી હટી ગયા હતાં. શું મારો ઇશ્વર પ્રત્યેનો પ્રેમ આ પક્ષીઓનો એનાં ઈંડા પ્રત્યે પ્રેમ છે એનાં કરતાં પણ ઓછો છે...? પ્રેમ શું પરિણામ ની અપેક્ષા રાખે છે? પ્રેમ સાધન નથી. ખુદ સાધ્ય છે. હવે ફરી એક દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, નિશ્ચય પૂર્વક એ પોતાની ઝૂપડી તરફ આગળ વધી. કાલે રામ આવશે એ માટે તૈયારી કરવાની હતી ને...

ક્ષિતિજ પર સુરજ આથમી રહ્યો હતો પણ એનાં હૃદય માં અનેક આશા નાં સુરજ નો જાણે ફરી ઉદય થઈ રહ્યો હતો..



ડો. આરતી રૂપાણી