Pratiksha 25 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૨૫

“શું કામ છે? કોણ બોલે છે?” રઘુને કંઇજ સમજણ નહોતી પડી રહી
“ઉર્વા રેવા દીક્ષિત...”
“ઉર્વા...? રેવાની દીકરી ઉર્વા!!” રઘુને હજુ માનવામાં નહોતું આવતું કે ઉર્વાએ તેને ફોન કર્યો. અને શું કામ કર્યો?
“યસ, મારે મળવું છે તમને... પોસીબલ થશે?” ઉર્વાનો અવાજ ધીમો હતો પણ મક્કમ હતો.
“હા ભલે તું કહે ત્યાં અને ત્યારે મળી લઈએ. બોલ ક્યાં મળવું છે?” રઘુએ વધુ વિચાર્યા વિના જ મળવાની હા કહી દીધી
“હું અમદાવાદમાં જ છું. તમે કહો ત્યાં હું આવી જઈશ.” હવે રઘુ ચોંકી ગયો કે ઉર્વાને કેમ ખબર પડી કે પોતે અમદાવાદમાં છે અને તે પોતે અહિયાં શું કરતી હતી?? ક્યાંક ઉર્વિલને લીધે...!! રઘુના મસ્તિષ્કમાં એક પછી એક અટકળો ચાલી રહી હતી
“હેલ્લો રઘુભાઈ...” રઘુના વિચારો વચ્ચેથી ઉર્વાનો અવાજ આવ્યો
“હા... હા... તો બપોરે ૧ વાગે સી. જી. રોડ હેવમોર” બધા પ્રશ્નોના જવાબ ઉર્વા પાસેથી જ લેવા રઘુને યોગ્ય લાગ્યા.
“ઓકે આવતીકાલે મળીએ અને હા, એકલા જ આવજો પ્લીઝ” ઉર્વાએ વાત પૂરી કરી ફોન કાપી નાંખ્યો પણ રઘુને એકસાથે સેંકડો વિચારોએ ઘેરી લીધો

***

ઉર્વિલ થોડીવાર એમનામ ત્યાં જ બિનબેગ પર પડ્યો રહ્યો અને પછી ઉભો થઇ ફ્લેટમાં આંટા મારવા લાગ્યો. તેણે તરત જ નોટીસ કર્યું કે ફ્લેટમાં ક્યાંય પણ સહેજેય ધૂળ નથી. રોજ સફાઈ થતી હોય એવો ચોખ્ખો અને વ્યવસ્થિત રીતે ગોઠવેલો ફ્લેટ છે. તો રેવાના ગયા પછી પણ કોણ ધ્યાન રાખતું હશે આ ફ્લેટનું અને શું કામ?? તે લીવીંગ રૂમથી નીકળી કિચનમાં આવ્યો સ્ટવ, ફ્રીઝ, ઓવન, જ્યુસર, મિક્સર, કુકર, નાના મોટા વાસણ બધું જ સજાવેલું હતું. કોઇપણ વ્યક્તિ આવીને અહીં તરત રહેવાનું શરુ કરી દે તો જરાપણ તકલીફ ના પડે તે રીતની બધી વ્યવસ્થા હતી.
કિચનથી નીકળી તેણે એક પછી એક ત્રણેય દરવાજા ખોલી જોયા ત્યાં પણ બેડ, બેડશીટ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, હેર એક્સેસરીઝ બધું જ હતું.
ઉર્વિલ હજુ નહોતો સમજી શકતો કે કોણ હશે જે આ બધું આટલું મેઇન્ટેઈન રાખતું હશે.
નીચે તો બધે ઉપરછલ્લી નજર નાંખી લીધી હતી તેણે એટલે હવે ઉપર શું હશે તે જોવા તે પગથિયા ચડી રહ્યો.
છેલ્લા પગથીયે ઉભા રહી દરવાજો ખોલતા જ હવાની ઠંડી લહેરખી તેની આરપાર નીકળી ગઈ. તે ખુલ્લી અગાશી હતી પણ તેને કલાત્મક રીતે ગાર્ડનનો ઓપ અપાયો હતો. આર્ટીફીશીયલ ઘાસ અને નાના મોટા છોડના કુંડાઓથી રાતે અંધકારમાં પણ ગાર્ડનની શોભા નીખરતી હતી. અને તેમાં પણ સાઈડમાં બનાવેલા ત્રણ કોફી ટેબલ અને વચ્ચોવચ્ચ લોખંડનો કોતરણી વાળો હિંડોળો સોના પર સુગંધ હતા
ઉર્વિલનો હાથ લાઈટ શોધતા જ દીવાલ પર ગયો. તેણે ત્યાં રાખેલી સ્વીચ ઓન કરી દીધી. તે સ્વીચ ઓન થતા જ અલગ અલગ શેડ્સની લાઈટીંગથી અગાશી ઝળહળી ઉઠી અને તે આભો થઇ ગયો. તેના મુખમાંથી સ્વતઃ જ વાઉ સરી પડ્યું. એક તો આટલું સરસ ગાર્ડન ને ઉપરથી દિલધડક લાઈટીંગ. તે મનોમન બિરદાવી રહ્યો રેવાની રચનાત્મક વિચારધારાને.

તે હિંડોળા પાસે આવ્યો અને તેના સળિયાને સ્પર્શી રહ્યો તેને તરત જ મનસ્વી યાદ આવી ગઈ. એને કેટલું ગમ્યું હોત આ ગાર્ડન... ઉર્વિલને યાદ આવ્યું કે તેણે મનસ્વી સાથે થોડી વધારે જ તોછડાઈ કરી હતી. તેણે પોકેટમાંથી ફોન કાઢ્યો અને વિચારી રહ્યો કે ફોન કરે કે નહી ત્યાં જ ડોરબેલ વાગી.

***

રઘુ સાથે વાત કરીને ઉર્વા ઘણી શાંતિ અનુભવી રહી હતી. તે પોતે પણ સમજતી હતી કે રચિતને કહ્યા વગર આમ ડાયરેક્ટ રઘુને મળવા ના જવાઈ. કઇંક ને બદલે કંઇક થઇ ગયું તો સંભાળવું બહુ જ અઘરું પડશે. પણ તે વધારે રચિતને નહોતી ઢસડવા માંગતી આ બધામાં. એટલે જ જયારે રચિતે કહ્યું કે તે ૨ દિવસ મુંબઈ જાય છે ત્યારે જ તેણે નક્કી કરી લીધું કે રચિતના રીટર્ન આવતા પહેલા જ તે રઘુભાઈ સાથે વાતચિત પતાવી લેશે.

તેને એહસાસ હતો કે તે ઉતાવળ કરી રહી છે પણ તે પોતે જ પોતાના મનને દિલાસો આપતી રહી કે જે કરી રહી છે તે સાચું કરી રહી છે.
તે મનસ્વીના ઘરમાં અંદર આવી ત્યારે મનસ્વી હજુ ત્યાં સોફા પર જ બેઠી હતી.
“થાકી ગઈ હોઈશ ને બેટા??” મનસ્વીએ ઉર્વાના બેસતા જ વાત શરુ કરી દીધી
“હા” ઉર્વાનો સંકોચ સાફ દેખાઈ રહ્યો હતો
“હા, નાહવું હોય તો નાહી લે ગરમ પાણી આવે જ છે અને થોડી વાર સુઈ જા એટલે તું ફ્રેશ ફિલ કરીશ બેટા.” મનસ્વી બહુ સહજતાથી બોલી રહી હતી. તે પણ સમજતી હતી કે ઉર્વા સંકોચાય છે એટલે તેને બને તેટલો ખુલવાનો મોકો આપવા માંગતી હતી
“હા, એ બરાબર રહેશે... બાથરૂમ ક્યાં છે?” ઉર્વા પણ પુરતો પ્રયાસ કરી રહી હતી એડજસ્ટ થવાનો
“ચાલ તને તારો રૂમ જ બતાવી દઉં... ” મનસ્વીએ ઉભી થતા કહ્યું અને પછી આમતેમ નજર કરતા ઉમેર્યું, “અરે તારો સામાન ક્યાં છે? કારમાં છે?”
મનસ્વીનો પ્રશ્ન બહુ સાહજિક હતો પણ ઉર્વાને જવાબ શું આપવો એ સમજાતું નહોતું.
“મારા બાયોલોજીકલ ફાધરને મારી મમ્મીનો ઓબ્સેસિવ લવર મારી નાખવાનો હતો એ વાત મારા બોયફ્રેન્ડે મને ના કીધી એટલે ગુસ્સામાં હું સામાન લીધા વગર જ મુંબઈ છોડીને મારા બાયોલોજીકલ ફાધરને બચવવા આવતી રહી...” ઉર્વાના મગજમાં જવાબ આવીને રહી ગયો. તે પણ ધીમેથી હસી પડી અને પછી મનસ્વી સામે જોઈ બોલી
“અરે, બહુ ઉતાવળમાં આવવાનું થયું તો સામાન લેવાનો ટાઈમ ના રહ્યો, ઇટ્સ ઓકે હું આ જ પહેરી લઈશ...” અને પછી સલુકાઇથી ઉમેર્યું, “હા, એક ટોવેલ એક્સ્ટ્રા હોય તો જોઇશે...”
“કોઈ વાંધો નહિ, ચાલ બધું આપી દઉં” કહી મનસ્વી સોફાથી પાછળના ભાગમાં આવેલા પગથિયા ચડવા લાગી અને ઉર્વા પણ તેની પાછળ પાછળ દોરવાઈ.

સામસામે પડતા બે દરવાજામાંથી એક દરવાજો ખોલી મનસ્વી અંદર ગઈ. રૂમમાં બધું જ ગોઠવાયેલું હતું પણ ત્યાં કોઈ જ રહેતું ના હોય તે સાફ વર્તાતું હતું.
“જો સામે બાથરૂમ છે. અંદર સાબુ, શેમ્પુ બધું જ છે. તું આરામથી નાહી લે.” મનસ્વી બોલી અને પછી બીજા રૂમમાંથી એક ટોવેલ અને નાઈટ ડ્રેસ લઇ ઉર્વાને આપતા ઉમેર્યું, “આ ટોવેલ છે અને નાઈટ ડ્રેસ પણ નવો જ છે. તું મસ્ત ફ્રેશ થઇ જા...”
“અરે નહિ આની જરૂર નહી.” ઉર્વાએ ફક્ત ટોવેલ જ મનસ્વીના હાથમાંથી લીધો
“અરે, પ્લીઝ મને ગમશે... લઇ લે ને.” મનસ્વીએ બહુ પ્રેમથી કહ્યું અને ઉર્વા ઇનકાર ના કરી શકી. તે બધું જ લઇ બાથરૂમમાં ન્હાવા ચાલી ગઈ.

***

નાહીને નાઈટ ડ્રેસ પહેરીને તે બહાર આવી ત્યારે તે પોતાનું જ શરીર હળવું ફુલ જેવું થઇ ગયું હોય તેવું તે અનુભવી રહી હતી. રાત ઘણી થઇ ગઈ હતી પણ તે નવી જ તાજગી અનુભવી રહી હતી. તેણે જોયું કે રૂમના બેડ પરની બેડશીટ બદલી ગઈ હતી. ત્યાં પાણીનો જગ પણ મુકાઈ ગયો હતો.
તે અરીસામાં વાળ સુકવતા સુકવતા મનસ્વી વિષે વિચારી રહી
“કેટલી સ્વીટ છે રચિતની આંટી... કેટલી કેરીંગ છે. મારે બે દિવસ જ રહેવાનું છે તો એમની સાથે પ્રેમથી રહેવું જોઈએ. થોડું હળવું મળવું પણ જોઈએ. મારે સુડો અને ડેલીકેટ બનીને ના રહેવાય.” ઉર્વા પોતાના જ અક્સને કહી રહી હતી.
મનસ્વી સાથે વધુ વાત કરવાના આશયથી તે રૂમની બહાર આવી સામે જ પડતા મનસ્વીના રૂમમાં ચાલી ગઈ. પણ મનસ્વી ત્યાં હતી જ નહી
“આંટી...” ઉર્વાએ ધીરેથી અવાજ કર્યો પણ કોઈ પ્રત્યુત્તર ના આવ્યો. તે ફરીને રૂમમાં જોવા લાગી ત્યાં જ તેની નજર દીવાલ પર પડી. નવોઢાના રૂપમાં શોભતી મનસ્વીની બાજુમાં રહેલો ચેહરો જોઈ એક પળ માટે તેના હોશ ઉડી ગયા.
તે સીધી જ પોતાના રૂમમાં આવી અને રૂમ અંદરથી બંધ કરી દીધો અને ફોન પર નંબર ડાયલ કર્યો.
“મને અત્યારે ને અત્યારે અહિયાંથી લઇ જા...”
“શું થયું ઉર્વા??”
“મને બસ લઈ જા અહિયાંથી અત્યારે જ” કોઈ સાંભળે તેમ ઉર્વા બોલી રહી હતી
“હું નીકળી ગયો છું. બરોડા ય વટી ગયું છે... શું થયું એ તો કહે”
“હું ઉર્વિલના ઘરે છું...”

***

(ક્રમશઃ)