Sasraji ne patra books and stories free download online pdf in Gujarati

સસરાજીને પત્ર

ઋજુતાને પરણીને આવ્યે સાત વરસ થવા આવ્યા. પણ હજુ એને એની અને પલાશ વચ્ચે કઈંક ખૂટતું હોય એવું સતત લાગતું. ઘરમાં સાસુ સસરા અને એક પ્યારી દીકરી પીહુ હતી. સાસુ સસરા નો સ્વભાવ પણ સારો હતો. કોઈ ખાસ મનભેદ નહોતો ઘરમાં પણ જાણે પલાશ સાથેનો સંબંધ એને અધુરો જ લાગતો. ભલે એના લવ મેરેજ નહોતા પણ એ પોતે હવે પલાશને પ્રાણથી વધુ પ્રેમ કરવા લાગી હતી અને એટલેજ સામે પ્રેમ ની અપેક્ષા રાખતી હતી. એને પલાશના હાથમાં હાથ નાખીને રિવરફ્રન્ટ પર ચાલવું હતું. કેન્ડલ લાઇટ ડિનર પર જવું હતું. દરિયાકિનારે રેતીમાં એકબીજાના નામ લખવા હતા. એવું નહોતું કે પલાશ ક્યાંય ફરવા ના લઈ જતો પણ એકલા જવાનું બહુ ઓછું થતું. ઘરમાં કોઈનો બર્થડે હોઈ તો બધા સાથે ડિનર માટે જતા. રવિવારે પીહુને લઈને ફરવા જતા પણ ઋજુતા પીહુની ફરમાઈશ પુરી કરવામાં પડી હોય અને પલાશ ફોન પર પોતાની બહેન કે કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતો હોય.

શરૂઆતમાં તો ઋજુતા જ નહોતી સમજી શકતી કે પોતે શું ઈચ્છે છે પણ ધીમે ધીમે એને સમજાવા લાગ્યું. એણે પલાશને કહ્યુકે તારા બર્થડે પર ઠીક છે પણ મારા બર્થડે અને આપણી લગ્નતિથી પર આપણે એકલા ડિનર પર જઈએ. પલાશ ને ગમ્યું તો નહીં પણ આ બંને દિવસે ઋજુતાને નારાજ કરવી ઠીક નહીં સમજી હા પાડી. પરંતુ જ્યાં પણ જાય અજાણપણે મમ્મી અદ્રશ્ય સ્વરૂપે સાથે જ હોય. “મમ્મીને દરિયામાં નહાવાનું બહુ ગમે . એક વાર એને પણ અહીં લાવીશું હેને?” કે પછી “મમ્મીને ચાટ બહુ ભાવે.” ઋજુતા સમજી જ ન શકતી કે એનો પ્રેમ ક્યાં ઓછો પડે છે. અંતે એણે મૂળ સુધી પહોંચવાનું નક્કી કર્યું. એ માટે સૌ પ્રથમ પલાશના ત્યારબાદ સાસુજીના મન નો x ray લીધો. ત્યારે સમજમાં આવ્યું કે નાનપણથી દીકરાને તું જ અમારો સહારો છે કહીને ઉછેરવામાં આવ્યો છે. સસરાજી નોકરી અને નાણાભીડ ને કારણે જે મોજમજા નથી કરાવી શક્યા એબધું દીકરાએ કરાવવું જોઈએ એ જ અપેક્ષા છે. પણ દીકરાનું પોતાનું પણ અંગત જીવન હોય એ કોઈ સમજવા કે દીકરાને સમજાવવા તૈયાર નથી. સવાલ પૈસાનો નથી. દીકરાના સમયનો છે. એની પાસે પણ 24 કલાક જ છે. જેમાં 12 કલાક તો નોકરીના જ હોય બાકીના કલાકો માં એ કોને કોને સમય આપીને ખુશ કરે એ જોવાનું છે. બહુ જ ગૂંચવાઈ છે ઋજુતા. કઇ રીતે કહે પલાશને કે મને તારા પૈસા નહીં તારો સમય તારી હૂંફ જોઈએ છે. અંતે ધડકતા હૃદયે એ એના સસરાજીને પત્ર લખે છે.

પૂજ્ય પાપાજી,
પ્રણામ. સૌ પ્રથમ તો તમને ખરા હૃદયથી thank you. સૌ જાણે છે કે જ્યારે પણ મને સાથ ની જરૂર હોય તમે સૌથી પહેલા આપ્યો છે. આજે પણ તમને દીકરી બનીને કઈંક કહેવાની હિમ્મત કરી રહી છું.
પાપાજી, અત્યાર સુધી તમે નોકરી કરવામાં અને મમ્મીજી સંબંધોની જાળવણી કરવામાં જીવન ખર્ચી નાખ્યું. બધા બાળકો મોટા થઈ ગયા અને જીવનમાં સફળ પણ છે જે તમારી અને મમ્મીજીની મહેનત અને સંસ્કારનું ફળ છે.
પરંતુ, આ બધું કરવામાં ક્યાંક તમારા અને મમ્મીજી વચ્ચેના સંબંધો ગૂંચવાઈ ગયા કે દબાઈ ગયા છે એવું લાગે છે. તમે એકબીજાના પૂરક જરૂર બની ગયા પણ મિત્ર ના બની શક્યા.

કદાચ તમને એ લાગશે કે તમે તમારા લગ્નજીવનથી ખુશ છો. પણ હું તમને કેટલીક વાત પૂછું.
1.શુ નાનામાં નાની વાત મમ્મીજી પહેલા તમને કહે છે? ના, એ પલાશને કહે છે.
2.મમ્મીજીને પોતાના માટે કઈંક લેવું હોય તો એ તમારી બદલે મને કે પલાશને કેમ કહે છે?
3.તમને ક્યારેય મમ્મીજી સાથે બહાર ફરવા જવાનું મન નથી થતું?
4.તમને ક્યારેય મમ્મીજી સાથે મૂવી જોવાનું, કોઈ સારી બુક ઉપર ચર્ચા કરવાનું કે પછી બસ એમ જ સાથે કોફી પીવાનું મન નથી થતું?
પાપાજી, જો તમને આ બધું કરવાનું મન થાય છે અને તમે માત્ર લોકોની શરમે કે પછી આ ઉંમર માં આવા ધખારા ના કરાય એવું વિચારીને ના કરતા હો તો એકવાર વિચારો કે શામાટે તમે તમારી કે મમ્મીજીની ઈચ્છાઓ દબાવો છો. તમે તમારી પત્ની સાથે મુક્ત મને કેમ ના રહી શકો?  આપણા રીતરિવાજ પ્રમાણે સહુની હાજરીમાં હસ્તમેળાપ થયાં પછી કેમ એક પતિ કે પત્નીને એકબીજાનો હાથ પકડતા શરમ આવે? લગ્નસમયે સહુની હાજરીમાં સાથે બેઠા પછી કેમ એક હિંચકા પર બેસતા વિચારવું પડે? લગ્નમાં એકબીજાના હાથે કંસાર ખાધા પછી એક થાળીમાં કેમ ના જમી શકાય?
પાપાજી, તમને થશે કે અચાનક આ બધું શુ છે? મને અચાનક તમારા લગ્નજીવન માટે કેમ ચિંતા થવા લાગી તો હું ખોટું નહીં બોલું પણ હું બહુ જ સ્વાર્થી છું. મને તમારા નહીં પણ અમારા લગ્નજીવન માટે ચિંતા થાય છે. મમ્મીતમારી સાથે રહ્યા તેમ હું પલાશ સાથે રેલની પટરી ની જેમ નહીં જીવી શકું. સાથે ને સાથે તો પણ અલગ જ. મારે તો વાદળ બની વરસવું પણ છે અને ગરજવું પણ છે. ઝરણાની જેમ ઉછળવું પણ છે અને નદીની જેમ સાગરમાં સમાવું પણ છે. પરંતુ પલાશ માટે સામાજિક અને નૈતિક રીતે તમેજ એના આદર્શ છો. એ પણ એ જ રીતે રહેશે જે રીતે તમે મમ્મીજી સાથે રહેશો.
પાપાજી, આજે તમે બધીજ જવાબદારી માંથી મુક્ત થઇ ગયા છો તો એક વાર ફરીથી લગ્નજીવન જે કદાચ તમારા અને મમ્મીજીના જીવન નું એક સુખદ સ્વપ્ન હશે એ જીવવાનું શરૂ કરો. તઅમારું પેંસન જે આવે છે એમાંથી એક ચોક્કસ રકમ માત્ર તમારી અને મમ્મીજીની ઈચ્છાઓ માટે વાપરો. મમ્મીજીની ગિફ્ટ અમે નહીં તમે હવેથી પસંદ કરો. ભલે તે એક નાનું એવું ફૂલ હશે તો પણ એ એમની માટે સોનાના દાગીના કરતા કિંમતી બની જશે. એમનો હાથ પકડીને તમે એને પાણીપુરીની લારીએ લઇ જશો તોપણ એ એના માટે ફાઈવસ્ટાર હોટેલ જેવો આનંદ આપશે.

લિ. આપની દીકરી બનવાની કોશિશ કરતી વહુ.

ધ્રુજતા હાથે સસરાજીની ચા ની ટ્રે માં પત્ર રાખી ઋજુતા આપવા ગઈ. સાસુજી ભજન માં ગયા હતા. પરંતુ પત્ર આપ્યા પછી ત્યાં ઉભા રહી શકવાની હામ ના રહી. ચૂપચાપ રસોડામાં ઘુસી ગઈ. સાત વાગવા આવ્યા પરંતુ સસરાજી બહાર ન આવ્યા. દરરોજ તો સાડા છ થાય એટલે બગીચામાં ટહેલવા જતા રહે. ઋજુતાને ચિંતા થવા લાગી. સાડા સાત થયાં હવે ઋજુતાની ધીરજ ખૂટી. એમનો જે પણ પ્રતિભાવ હોય સહન કરી લઈશ એમ મનને સમજાવી સસરાજીને ઓરડામાં ગઈ. પરંતુ બારણામાં જ સડક થઈને ઉભી રહી ગયી. સસરાજી પોતાના લગ્નનું આલબમ પાથરીને તથા કેટલાક પત્રો પથારી પર પાથરીને મૂઢ થઈને બેઠા હતા. ઋજુતા દોડીને તેમને ખભેથી હલાવવા લાગી. “પાપાજી, પાપાજી.” અચાનક એનો હાથ પકડી સસરાજી નાના બાળકની જેમ રડવા લાગ્યા. “બેટા, આ જો. લગ્ન પહેલા મેં એને કહ્યું હતું કે હું એને દરરોજ એક ફૂલ આપીશ. એને માથામાં ગજરો નાખવો બહુ ગમતો. પણ ગજરાના પૈસા તો નહોતા.  આજે આ પત્ર માં મેં એને અમિતાભની બધી ફિલ્મ દેખાડવાનું વચન આપ્યું હતું. અને આમાં, તેને દર રવિવારે આઈસ્ક્રિમ ખવડાવવાનું.” આંખ ના આંસુ લૂછતાં કહ્યું, “બાળકોના ઉછેર, માતાપિતાની ચાકરી અને સગા સંબંધીઓને સાચવવા જતા જે સૌથી નજીક હતું એનાથી જ દૂર થઈ ગયો.” એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, “પણ હવે નહીં. હવે મારી માત્ર એક જ જવાબદારી, મારા અને તારી મમ્મીના સપના પુરા કરવા. મારી, બાળકોની અને મારા માતાપિતા માટે જેણે પોતાની ખુશીને અવગણી એના મોં પર હવેથી હંમેશા ખુશી ઝળકે એ મારી જવાબદારી. બેટા, thank you very much. નહીંતર જીવતર આમ જ વહયું જાત અને મૃત્યુ સમયે આ વસવસો મારી સાથે જ રહેત.”

બીજા દિવસની સવાર કઈંક નવી જ હતી. દરરોજ પલાશના નાસ્તા સમયે એની સાથે વાતો કરવા હાજર જ રહેતા સાસુજી આજે સસરાજી સાથે લગ્નનું આલબમ જોવામાં વ્યસ્ત હતા. પલાશ એમને બોલાવવા ઉભો થયો પણ ઋજુતાએ હાથ પકડી રોકી લીધો. એની આંખોમાં ફરીથી એજ મસ્તી એ જ માદકતા હતી જે લગ્નની પ્રથમ સવારે હતી.