True Celebration books and stories free download online pdf in Gujarati

સાચું સેલિબ્રેશન

                              સાચું સેલિબ્રેશન

     વૅકઅપ વૅકઅપના મોબોઇલ કૂકડાથી ઉત્સવ સફાળો જાગ્યો અને ભાગ્યો વિચારકક્ષમાં (ટોયલેટ).ગઈકાલે રાતે પત્ની અને બાળકો સાથે થયેલી મગજની કઢી અને ખાઉગલીમાં પેટમાં નાંખેલા કચરાને દૂર કરવા. થોડીવારબાદ વિચારકક્ષમાંથી એટલે કે ટોઈલેટમાંથી ઉત્સવ બાહર આવ્યો ત્યારે એનો ચહેરો ખીલેલો હતો જાણે શારીરિક અને માનસિક કચરો ફ્લશ થઇ ગયો હતો વિચારકક્ષમાં! અંદર અને બહાર શાંતિનો અનુભવ થતો હતો. એણે બહાર આવીને એલાન કર્યું કે આપણે કુલુ-મનાલી ફરવા જઇશું પરંતુ એ પહેલા બે દિવસ ગામડે બા-બાપુજીને મળવા જઈશું, જો મંજૂર હોય તો ગાડી બુક કરાવું અને બધા જ એને વળગી પડ્યાં.

       તારીખ, સમય બધું જ નક્કી થઇ ગયું. બાળકો અને પત્નીને થયું કે બે દિવસ જઇશું, ખાઈશું-પીશું, ગામડે ટીવી છે એ જોશું અને પાછા આવીશું. બાળકોએ પીએસપી અને મોબાઈલમાં જરૂરી ગેમ્સ ડાઉનલોડ કરી લીધી જેથી ગામડે સમય પસાર થઈ શકે અને બધા ઉપડ્યાં ગામડે.

     ઘણાં સમયે ઉત્સવ એની પત્ની ખુશાલી તેમજ બાળકો પ્રસંગ અને હેલી સાથે ગામડે ગયો હતો. આજુબાજુના લોકો ભેગા થઇ ગયા અને એમને પોતાના ઘરે આવવા આગ્રહ કરવા લાગ્યાં. ઉત્સવે બઘાને કહ્યું કે ચોક્કસ આવશે. થોડીવારમાં બધા ગયાં એટલે ખુશાલીએ એઝ યુઝવલ ટીવી ઑન કર્યું તો એના પર દૂરદર્શન આવતું હતું કારણ પૂછતાં બાપુજીએ કહ્યું કે સિરિયલોમાં પાંચ પાંચ લગન, મરીને ફરી જીવતાં થવું - કાવા-દાવા જોઈને કંટાળો આવે છે. એમાં આપડી લાઈફની તો કોઈ વાત જ નથી હોતી. આ સાંભળીને ખુશાલી ઉદાસી બની ગઈ અને બબડી- મારી તો બે દિવસની લાઈફ બગડી... હવે શું કરીશ? મારી ઇશિતા, મારી ગોપી, મારી સોનાક્ષીનું શું થયું... એ કેવી રીતે ખબર પડશે?

      ઉત્સવ બા સાથે વાત કરતો હતો ત્યાં જ બચ્ચા પાર્ટી ધૂંઆ-પૂંઆ થતી ઉત્સવ પાસે આવી. પ્રસંગે પૂછ્યું, “ પપ્પા મોબાઈલ ક્યાં?, મારું પીએસપી ક્યાં?” ઉત્સવે કહ્યું, “ગાડીમાં”. પ્રસંગે કહ્યું , “ગાડીમાં નથી. મેં તમને કહ્યું હતુંને કે આ પાઉચમાં મારું પીએસપી અને મોબાઈલ છે. તમે એ મુક્યું હતું?” ઉત્સવે કહ્યું, “સૉરી એ તો હું ભૂલી જ ગયો.” પ્રસંગે ગુસ્સામાં કહ્યું, , “ઓહ ડૅડ! મારા બે દિવસ વેસ્ટ કરી નાંખ્યાં. હવે હું કેવી રીતે પસાર કરીશ આ ગામડાં ગામમાં બે દિવસ.” એણે ખુશાલીને કહ્યું, “મૉમ તારો મોબાઈલ આપ.” અને હેલીએ ઉત્સવ પાસે મોબાઈલ માંગ્યો. ઉત્સવે કહ્યું કે હું ભૂલી ના જાઉં એટલે અમારા મોબાઈલ પણ એ જ પાઉચમાં મુક્યાં હતાં જે ઘરે રહી ગયું અને બધાનો મૂડ ઑફ થઈ ગયો. ઉત્સવે બધાને મનાવ્યાં અને કહ્યું, ચલો ટાઈમપાસ કરવા બધાએ આમંત્રણ આપ્યું છે ત્યાં જઈએ. એ બધાને પાડોશીઓના ઘરે લઈ ગયો. બધાએ ‘ચા તો પીવી જ પડે, ચા તો પીવી જ પડે’ કરીને એક-એક રકાબી ચા પીવડાવી. બધા ચા પી-પીને ધરાઈ ગયા.

    ગમે તેમ કરી રાત પડી ત્યાં જ ગામમાં લાઈટ ગઈ. શહેરમાં લાઈટ વગર એક ક્ષણપણ ના રહેનારની હાલત કફોડી થઇ! ત્યાં દાદા બોલ્યાં, ચાલો ધાબે જઈને સૂઈએ. પ્રસંગ અને હેલી જેવાં ધાબે પહોંચ્યાં તો બોલ્યાં આટલા બધા તારા, આવું આકાશ તો અમે ક્યારેય જોયું નથી. દાદાએ કહ્યું, બેટા શહેરમાં આર્ટિફિશિયલ લાઈટની ચમકમાં ભલભલા ચમકતાં તારા ખોવાઈ જાય છે અને ઉત્સવની નજર નીચી થઈ ગઈ. દાદાએ પ્રસંગ અને હેલીને ધ્રુવનો તારો, શુક્ર, મંગળ, હરણી, સપ્તર્ષી વગેરે બતાવ્યાં. પ્રસંગ અને હેલી દાદાના આ નોલેજથી અચંબામાં પડી ગયા કે દાદાને તારા વિશે આટલું બધું નોલેજ છે. દાદાએ કહ્યું આ તો વારસાઈ જ્ઞાન છે. એમના જમાનામાં ક્યાં ઘડિયાળ હતી, બસ તારા, ચંદ્ર અને સૂરજની ગતિ જોઈને કેટલાં વાગ્યાં એનો અંદાજ આવે. તારા જોતાં-જોતાં હેલી અને પ્રસંગ દાદાની સાથે જ સુઈ ગયા.

     કોયલ, મોર, કૂકડા અને પક્ષીઓના કલરવ સાથે તાજગીસભર સવાર પડી. ગાય-ભેંસના આંચળમાંથી દૂધની સેર બોઘેણા, ઘડાં અને ડોલમાં પડવાથી થતો તાલબદ્ધ સુરીલો અવાજ સાંભળવાની અને આંચળમાંથી સીધી ધાર મોંમાં લેવાની પ્રંસગને તો મજા પડી ગઈ. એને જાણે પોતે સલમાન અને શાહરુખ હોય એવું લાગ્યું!

      દાદીએ શિરામણ કરવાનું કહ્યું એટલે હેલી બોલી, શિરામણ? ઉત્સવે એને કહ્યું બ્રેકફાસ્ટ. દાદીના હાથની કરકરા લોટથી ચુલાપર માટીની કલાડી પર બનેલી કૂરકૂરેને ભુલાવે એવી કૂરકૂરી ભાખરી અને દૂધનું શિરામણ કર્યું. દાદાએ ઉત્સવને કહ્યું, ચાલ તળાવે જઈએ. યાદ છે ને નહાવાની કેવી મજા આવે? પછી ઉત્સવ, પ્રસંગ, દાદા અને હેલી કુદરરતે બનાવેલાં ખુલ્લા સ્વિમિંગ પૂલમાં પડ્યાં. ઉત્સવને જુના દિવસો યાદ આવી ગયા. એ તો તળાવ કિનારે આવેલા જુના વડલા પર ચઢી ગયો અને જાણે સ્પ્રિંગ બોર્ડ પરથી સ્વિમિંગ પૂલમાં જંપલાવતો  હોય તેમ ડાળી પરથી કુદ્યો. પ્રસંગ અને હેલીએ પપ્પાનું આ સ્વરૂપ પહેલીવખત જોયું. પછી તો એમણે પણ ઝાડને સ્પ્રિંગ બોર્ડ બનાવીને મજા કરી.

     બહાર નીકળ્યાં એટલે દાદાએ કહ્યું, ચાલો ખેતરે પણ નાહ્યાં પછી બરાબર ભૂખ ઉઘડી હતી એટલે હેલી અને પ્રસંગે કહ્યું બહુ ભૂખ લાગી છે. દાદાએ કહ્યું રોંઢા સમયે દાદી અને મા ભાથું લઇને આવશે. પ્રસંગ અને હેલી રોંઢો અને ભાથુ સાંભળીને દાદા સામે આશ્ચર્યથી જોવા લાગ્યાં એટલે ઉત્સવે ફોડ પાડ્યો કે રોંઢો એટલે બપોરનું જમણ-લંચ અને ભાથુ એટલે પૅકલંચ.

      ખેતરે જતાં રસ્તામાં કેસરી કેસરી ગોળીઓ ઉગેલું ઝાડ દેખાયું. હેલીએ પૂછ્યું, દાદા આ શું છે? તો એમણે કહ્યું ગુંદા. પ્રસંગે કહ્યું પણ ગુંદા તો મોટા હોય, મમ્મી એનું અથાણું લાવે છે, આ તો નાના છે. દાદાએ કહ્યું આ મીઠા ગુંદા છે- ગુંદી અને એમણે તોડીને આપ્યાં. બંન્નેને ખાવાની મજા પડી ગઈ અને એમણે ધરાઈને ગુંદા ખાધા. રસ્તામાં કાતરા, કોઠાનું ઝાડ, ગોરાસઆમલી અને રાયણ પણ આવી, ધરાઈને ખાધી. ખેતરે પહોંચ્યાં એટલે ભાગિયાએ એમનું સ્વાગત કર્યું અને બાફેલી તુવેરો ખવડાવી. પ્રસંગ અને હેલી તો ફોલીફોલીને તુવેરો ખાવા લાગ્યાં. તુવેરની દાળ હોય પણ એને આ રીતે ખવાય એ તો એમને ખબર જ નહોતી. દાદાએ એમને રોક્યાં, બહુ ખાશો તો વાયુ થશે અને પછી જમવાનું કોણ ખાશે?

       બપોરે ખુશાલી અને દાદી ભાથુ લઇને આવ્યાં અને બધા દૂરથી કૂવામાંથી પાણી ખેંચતી મોટરના અવાજ કૂક..કૂક... કૂક...કૂક...ના મ્યુઝિક સાથે લીમડાના ઝાડ નીચે બેસી પ્રકૃતિના ડાયનિંગ હોલમાં જમ્યા. પછી ભેગા મળી ખેતરમાં ઉગેલા દેશી ટામેટાં, રવૈયા અને તુવેર ચૂંટ્યાં. સાંજ ક્યાં પડી ખબર જ ના પડી. સાંજે ગોધૂલી સમયે ઘરે આવ્યાં. ગામને પાદર ઉત્સવના જુના મિત્રો મળ્યાં. ઉત્સવ વાતે વળગ્યો. પ્રસંગ અને હેલી ઉત્સવને એકીટસે જોઈ રહ્યાં કારણ કે ઉત્સવ એની દેશી સ્ટાઈલમાં હતો. એ જ દેશી બોલી- લહેકો અને એ જ દેશી ખુશી. પ્રસંગ અને હેલીએ સોફિસ્ટિકેટેડ પપ્પાને જ જોયા હતા. આ તો દેશી પપ્પા હતા, પપ્પાને એમણે આટલા ખુશ ક્યારેય નહોતા જોયા.

        ઘરે આવી દાદાએ લાઈટ કરી તો હેલી બોલી, રહેવા દો દાદા, લાઈટ વગર કેટલું સરસ લાગે છે. દાદીએ તુલસી ક્યારે દિવો કર્યો. બધાએ સાથે વાળુ કર્યુ, ઉત્સવે વાળુનો અર્થ ના સમજાવવો પડ્યો. એ દિવસે ગામમાં ભવૈયા આવ્યાં હતાં ભવાઈ કરવાં, ભુંગળ વાગ્યાં એટલે પ્રસંગ અને હેલીને લઈને દાદાજી ભવાઈ જોવા ગયા. મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોતાં પ્રસંગ અને હેલીને ભવાઈ જોવાની બહુ મજા પડી. રાતે અગાશી પરના તારા જોતાં જોતાં અને દાદાએ કહેલી એક વાર્તા-સોનબાઈની વાર્તા સાંભળતાં- સાંભળતાં ક્યારે ઉંઘ આવી ગઈ એ ખબર પણ ના પડી.
   
         સવારે બધા પાછાં જવા તૈયાર થવા લાગ્યાં, સામાન ગાડીમાં મુક્યો અને ગાડીએ ગામની ઘુળીયા કેડી, સિંગલ પટ્ટી રોડ અને ગામના સીમાડાં મુકી હાઈવે પકડ્યો. બધા શાંત હતા અને શાંતિને તોડતી ઉત્સવના મોબાઈલ પર રિંગ વાગી, બધા એને જોવા લાગ્યાં, એમની આંખોમાં પ્રશ્ન હતા. ઉત્સવે કહ્યું તમારા મોબાઈલ, પીએસપી બધુ પાછળ જ છે, લઇ લો. પ્રસંગ – હેલીએ કહ્યું, ના પપ્પા રસ્તા જોવાની મજા આવે છે. ખુશાલીએ ઉત્સવની સામે જોયું... એ નજરમાં ઘણાં સવાલોના જવાબ અપાઈ ગયા. ત્યાં જ પ્રસંગ બોલ્યો પપ્પા આપણી કુલુ-મનાલીની ટિકિટ કેન્સલ ના થાય? ઉત્સવે ગાડીની બ્રેક મારીને સાઈડમાં લીધી. હેલી બોલી પપ્પા, જો મોબાઈલ હોત તો આ બે દિવસમાં અમે  જે એન્જોય કર્યું એ ના કર્યું હોત. થેંન્ક યુ. હવે આપણે કુલુ-મનાલી નહીં પણ ગામડે જ દિવાળી મનાવીએ તો? ઉત્સવે ગાડીને ટર્ન માર્યો અને કહ્યું ચાલો તમને ગામની અસ્સલ દિવાળી સેલિબ્રેટ કેવી રીતે થાય એ બતાવું. ઉત્સવ માટે આજનો દિવસ સૌથી મોટો ઉત્સવ હતો કારણ કે દિવાળીનો પ્રસંગ ખુશાલીની હેલી સાથે ઉજવવાનો હતો. એણે ત્રણેયને થેંન્ક યુ કહ્યું.

-જિગર બુંદેલા
  SWA- Ragistration NO. - 032928