shahadat books and stories free download online pdf in Gujarati

શહાદત

          પહેલાંના જમાનામાં સ્ત્રીનો સ્મશાનમાં પ્રવેશ નિષેધ હતો.  સ્ત્રીને ચાર રસ્તાથી પાછી વાળી દેવામાં આવતી. એવું માનવામાં આવતું કે સ્ત્રી સ્વભાવે એટલી કોમળ ને લાગણીશીલ હોય છે કે તે કોઈપણ વ્યક્તિને બળતાં ન જોઈ શકે તેનું કાળજું આ બધું સહન કરવા સક્ષમ નથી. પરંતુ હવે જમાનો બદલાયો છે. સ્ત્રીની સહનશક્તિ કહો કે ૨૧મી સદીનો પ્રભાવ. એ જે હોય તે પણ સ્ત્રી એ સાબિત કરી બતાવ્યું છે કે તે બધું જ કરી શકે છે. 

          ૠતુજા પણ એક એવી જ સ્ત્રી છે જેણે અંતરમાં ઉમડતા લાગણીના દરિયાને દબાવી દીધોને સમયની થાપટોએ કાળજાને વજ્ર જેવું બનાવી દીધું છે. તેથી જ  આજે એ એક એવી વ્યક્તિને અગ્નિદાહ દેવા જઈ રહી છે. જે આ ઉંમરમાં અેનો સહારો હતો. હાથમાં સળગતું લાકડું લઈને ઊંધા પગે દિનુકાકાના સહારે મડદાની આસપાસ ફેરા ફરવા જઈ રહી છે. પ્રથમ ફેરો લેતાં જ એનું ચંચળ મન ભૂતકાળનાં વિચારોમાં સરી પડ્યું. એની આંખ સામે એક એવું દ્રશ્ય તરવરી રહ્યું જે એની જિંદગીને એક નવા જ વળાંક પર લઇ જાય છે.

           હજુ તો એ માંડ પચ્ચીસની હતી. ખાનગી સ્કૂલમાં નોકરી કરતી હતી ને સાથે સરકારી નોકરી મેળવવાના પ્રયાસો પણ કરતી હતી. ચાર વર્ષૅ સરકારી સ્કૂલમાં નોકરી મળીને તેનો આજે પહેલો જ દિવસ હતો. વર્ગખંડમાં ગઈ ને પાછળ એક છોકરો આવ્યો. સાવ લઘર-વઘર મેલા-ઘેલા કપડાં પહેરેલા ને વાળ પણ ઓળેલા નહિ. જાણે કેટલાયે દિવસથી નાહ્યો ન હોય એમ લાગતું હતું. ઋતુજાને તો પળભર માટે ધૃણાની લાગણી થઇ આવી, પરંતુ બીજી જ ક્ષણે તેના તરફથી ધ્યાન હટાવીને ભણાવવાનું ચાલુ કર્યું. જ્યારે જ્યારે એ છોકરાને જોતી ત્યારે એને થતું કે આ છોકરાને કયાંક જોયો હોય એમ લાગે છે. ૠતુજા એ છોકરાને જોઈ જ રહી. હવે એ છોકરો કોના જેવો લાગે છે તે એને સમજાવવા લાગ્યું. અદ્દલ અતુલ જેવો લાગતો હતો. ૠતુજા ઘૂંટણિયે બેસી ગઈને પૂછ્યું બેટા, તારું નામ શું છે. ૠતુલ, છોકરાએ જવાબ આપ્યો. એના ગળામાં લટકતું માદળિયું ખોલીને ફોટો બતાવ્યો. ૠતુજાની આંખો પહોળી થઇ ગઇ. આ તો મારો દીકરો....હજુ આગળ કંઈ વિચારે એ પહેલાં ખભા પર મુકાયેલા એ હાથની પકડ જરા મજબૂત બની ૠતુજાએ પાછળ નજર ફેરવી તો આંખના ઈશારે બીજો ફેરો ફરવા માટે કહ્યું. મડદાની આસપાસ બીજો ફેરો લેતાં -લેતાં ૠતુજા અગ્નિની સાક્ષીએ અતુલ સાથે ફેરા ફરી રહી હતી તે ઘટના આંખ સામે તરવરી રહી. 

          આર્મીમાં સૈનિક તરીકે ફરજ બજાવતો અતુલ એક મહિનાની રજા હોવાથી ઘરે આવતા જ માતાએ  બે-ત્રણ છોકરીઓ જોઈ રાખી હતી તે બતાવતા અતુલે પસંદગીનો કળશ ૠતુજા પર ઢોળ્યો હતો. બન્નેના ઘડિયા લગ્ન લેવાયા. બન્ને થોડાક દિવસો સાથે હર્યા-ફર્યાને મહિનો પૂરો થતાં ડૂસકાંને હ્રદયમાં સમાવી ભીની આંખે ફરીથી જલ્દી મળવાના વાયદા સાથે અતુલે વિદાય લીધી. બીજો ફેરો પૂરો થયો પણ તેનાથી અજાણ ૠતુજા વિચારોનાં વમળમાં ઘૂમરાતી ત્રીજો ફેરો ફરી રહી હતી. 

          ત્રણ માસના ૠતુલને લઇને ૠતુજા બસમાં એના પિતા સાથે સાસરીમાં જઈ રહી હતી. ત્યાં જ રસ્તામાં ડાકુએ બસને ઘેરી લીધી. ડાકુઓ રોકડ-દાગીના સહિત ડાકુ બનાવવાના આશયથી નાના બાળકોને પણ ઉઠાવી ગયા. ચાકુની અણીએ ડ્રાઈવરે બસ ત્યાંથી ઉપાડવી પડી. ૠતુજા ને એના પિતાજી ખાલી હાથે પાછા ફર્યા. સાસરીમાં પગ મૂકતાં જ અતુલના શહીદ થવાના સમાચાર ને રોકકળ જોઈને ૠતુજા હેબતાઈ ગઈ. તેના પિતાજી આ આઘાત સહન ન કરી શકયા. એક સાથે પતિ -પિતા-પુત્રને ગુમાવવાનો ગમ ૠતુજા માટે અસહનીય હતો. સાત વર્ષ પછી ૠતુલને જોતાં સૂતેલાં સપના આળસ મરડીને બેઠાં થઇ ગયા. તપાસ કરતાં ખબર પડી કે ડાકુમાં એક માણસ એવો હતો કે તે પોતાના દીકરાને ઉઠાવી જનાર ડાકુઓ સામે બદલો લેવા માટે ડાકુની ટોળકીમાં જોડાયો હતો. સાવ ફૂલ જેવા ૠતુલને જોતાં પોતાના દીકરાની યાદ આવી ગઈને તે ૠતુલને લઇને ભાગી છૂટ્યો હતો. ૠતુલના ગળામાં અતુલને ૠતુજાના નામ સહિત ફોટાવાળું માદળિયું અને માદળિયાની ઉપર ૠતુલ નામ લખેલું હતું તેથી ૠતુજા ૠતુલને અને ૠતુલને ઉછેરનાર માણસ દિનુકાકા ૠતુજાને ઓળખી ગયા ને આંખમાં આંસુ સાથે બે હાથ જોડીને નાના બાળકને ૠતુજાને સોંપી દીધો. ૠતુજાએ એ ઘરડાં કાકાને પોતાની સાથે રહેવા આજીજી કરી. ૠતુજાએ પોતાના દીકરાને તેના પિતાજીની જેમ એક બહાદુર સૈનિક બનાવવાના સપના સાથે ઉછેરીને મોટો કર્યો. 

         છેલ્લો ફેરો પૂરો થતાં ખભા પર મુકાયેલા દિનુકાકાના એ હાથે ત્યાંજ થોભી જવા ઈશારો કર્યો. સૂકીભઠ આંખો, અનુભવથી ઉતરી આવેલી વાળોમાં સફેદી, કંઇક કહેવા ઈચ્છતા એ બંધ હોઠો અને મક્કમ મનોબળ ધરાવતી ૠતુજાએ પુલવામામાં  આતંકી હુમલામાં શહીદ થયેલા પોતાના દીકરાને મુખાગ્નિ દેતી વખતે જાણે દીકરાને કહી રહી હતી, તારી શહાદત એળે નહિ જાય દીકરા મને ગર્વ છે કે હું એક શહીદની પત્નીની સાથે એક શહીદની 'મા' પણ કહેવાઈશ. ૠતુજાએ મુખાગ્નિ દેતાં સ્મશાનગૃહમાં ઉભેલી સમુદાયની દરેક વ્યક્તિની આંખો ભીની હતી.


*પ્રીતિ શાહ*   *"અમી-પ્રીત*