Maut ni Safar - 2 books and stories free download online pdf in Gujarati

મોત ની સફર - 2

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 2

પોતાનાં પિતાજીની એન્ટિક ચીજવસ્તુઓની દુકાનમાંથી મળેલાં ખજાનાનાં નકશા નાં સથવારે વિરાજ પોતાનાં મિત્રો ડેની અને સાહિલ ને પોતાની સાથે આવવાં મનાવી લે છે. સાહિલ હસન નામનાં વ્યક્તિ જોડે આ નકશાની ખરાઈ કરાવે છે. હસન એ લોકોને ગુરુ નામનાં એક વ્યક્તિને સાથે લઈ જવાનું જણાવે છે.. એટલે ગુરુને જોડે લઈ એ ત્રણ મિત્રો ગ્રેટ નિકોબાર ટાપુ ની કેમ્પલ ની ખાડી જોડે આવેલાં જંગલોમાંથી પસાર થઈને નકશામાં બતાવેલી ગુફા સુધી પહોંચી જાય છે.

આ ગુફાની અંદર કોઈકનાં આવવાની હાજરીનાં એંધાણ મળવાં છતાં એ લોકો આગળ વધવાનું જોખમ લે છે.. ગુફામાં અંદર જતાં જ એ લોકો એવી જગ્યાએ પહોંચે છે જ્યાં ખજાનો એમની નજરે ચડે છે. આ ખજાનાની જોડે ત્રણ મૃતદેહો પડ્યાં હોય છે અને એમાંથી એક મૃતદેહનાં હાથમાં હોય છે કોઈ જૂની પુસ્તકનાં પન્ના. જેને જોતાં જ ગુરુ આંખો પહોળી કરી ભયમિશ્રિત ભાવ સાથે બોલી પડે છે.

"કોડેક્સ ગીગાસ.. ડેવિલ બાઈબલ.. "

"શું કહ્યું.. ડેવિલ બાઈબલ.. ? "ગુરુનાં મોંઢેથી નીકળેલાં આ શબ્દો પ્રથમ વખત સાંભળી રહેલો વિરાજ આશ્ચર્ય સાથે બોલી પડ્યો.

"હા દોસ્તો.. આ મૃતદેહનાં હાથમાં જે પન્ના છે એની ઉપર બનેલી આકૃતિ જોવો.. એ આકૃતિ લ્યુસિફર ની છે જેને નર્ક નો સૌથી શક્તિશાળી રાજા કહેવામાં આવે છે... આ પન્ના કોડેક્સ ગીગાસ તરીકે ઓળખાતી ડેવિલ બાઈબલનાં છે.. "ગુરુ એ થૂંક ગળે ઉતારતાં કહ્યું.

"પણ તું આ બધું કઈ રીતે જાણે.. ? "સાહિલે ગુરુની વાત સાંભળી એની તરફ જોઈને સવાલ કર્યો.

"કારણ કે સ્પેનનાં મ્યુઝિયમમાં આવી જ એક બીજી ડેવિલ બાઈબલ છે.. જેમાં આ મૃતદેહનાં હાથમાં છે એવી જ લ્યુસિફર ની પ્રતિકૃતિ બનેલી છે... જાણકારો નાં કહેવા મુજબ સ્પેનનાં મ્યુઝિયમમાં રાખેલી ડેવિલ બાઈબલ ઓરીજીનલ તો છે પણ એ હકીકતમાં ડેવિલ દ્વારા સ્પર્શવામાં નથી આવી.. એટલે એની અંદર એવી કોઈ શૈતાની શક્તિ પ્રવેશી નથી.. પણ.. "આટલું બોલી ગુરુ અટકી ગયો.

"શું પણ.. કેમ અટકી ગયો.. ? "ડેની અધિરાઈપૂર્વક બોલ્યો. સામે પોતે શોધવા નીકળેલાં એ ખજાનો પડ્યો હોવાં છતાં ત્રણેય મિત્રોનું ધ્યાન ગુરુની વાતો અને ત્યાં પડેલાં મૃતદેહ નાં હાથમાં રહેલી ડેવિલ ની પ્રતિકૃતિ પર વધુ હતું.

"પણ રોમન કેથેલીક પાદરીઓનું કહેવું છે કે શૈતાન દ્વારા સ્પર્શવામાં આવેલી ખૂબ જ શક્તિશાળી કોડેક્સ ગીગાસ દુનિયામાં ક્યાંક તો મોજુદ છે જેની હજુ સુધી ભાળ મળી નથી.. શાયદ આ પન્ના એ ખોવાયેલી ડેવિલ બાઈબલ નાં હોઈ શકે.. "નૂર વિહીન ચહેરે ગુરુ એકધારું એ મૃતદેહનાં હાથમાં રહેલાં પન્નામાં બનેલી ડેવિલની આકૃતિ તરફ જોઈને બોલ્યો.

"તો પછી અહીં મોજુદ આ ત્રણ મૃતદેહો કોનાં હશે.. શું એ લોકો અહીં ખજાનો શોધવા આવ્યાં હશે કે પછી ડેવિલ બાઈબલનાં આ પન્ના.. ? "વિરાજ ધીરેથી બબડયો.. શાંત વાતાવરણમાં એનું આમ ધીરેથી બોલવું પણ એનાં બાકીનાં મિત્રોને સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું.

"મિત્રો, ડેવિલ બાઈબલ અને આ મૃતદેહો કોનાં છે એ વિશે પછી વિચારીશું.. પહેલાં જે કામ માટે આવ્યાં છીએ એને ઝટ પૂરું કરી લઈએ.. "ડેની પોતાની બેગ હાથમાં લઈ ત્યાં પડેલાં ખજાનાં તરફ આગળ વધતાં બોલ્યો.

ડેની ની પાછળ પાછળ બાકીનાં મિત્રો પણ એ ખજાનાં તરફ આગળ વધ્યાં.. પોતપોતાની બેગમાં સમાય એટલાં રત્નો અને આભૂષણો ભર્યાં બાદ એ લોકોનાં ચહેરાની ખુશી જોતાં જ બનતી હતી.. અચાનક ગુરુ નું ધ્યાન ખજાનાં ની વચ્ચે આવેલાં ઓટલાં ની દીવાલ પર લખેલાં શબ્દો પર પડ્યું એટલે એને આંખો ઝીણી કરી એ શબ્દોને ધ્યાનથી વાંચ્યા.

"Ultima in pagina Bibliorum diaboli fiunt de lapidibus | archive otalam .. Cautus esto cladis est de caelo.. "

ગુરુ એક પછી એક શબ્દોને ઉચ્ચારતો રહ્યો જે કાને પડતાં વિરાજે એની તરફ જોયું અને પોતાની બેગ ખભે ચડાવતાં બોલ્યો.

"શું લખ્યું છે આ.. ? "

"આ લેટિન માં લખેલું છે જેનો અર્થ છે કે ડેવિલ બાઈબલનાં આખરી પન્ના આ ઓટલા પર બનેલી પથ્થરની પેટીમાં છે.. નીચે હિદાયત આપતાં લખ્યું છે કે આકાશ તરફથી આવનારી મુસીબતથી બચવું.. "ગુરુએ વિરાજનાં પુછાયેલાં સવાલનો જવાબ આપતાં જણાવ્યું.

ગુરુની વાત સાંભળી વિરાજે પણ ઓટલાં પર લખેલાં એ લેટિનમાં લખાયેલાં શબ્દો વાંચી જોયાં.. પણ વિરાજને એમાં ઝાઝી ગતાગમ ના પડી.. છતાં ગુરુએ કહેલી વાતનું મનોમન અર્થઘટન કરતાં વિરાજ થોડો સમય વિચારમગ્ન અવસ્થામાં પથ્થરની એ પેટી અને ગુફાની ઉપરની તરફ જોતો ઉભો રહ્યો.. પછી અચાનક કંઈક ઝબકારો થતાં એ બોલ્યો.

"મને લાગે છે એ ત્રણેય મૃતદેહો જેનાં છે એ લોકો ખજાના માટે નહીં પણ આ ડેવિલ બાઈબલનાં પન્ના માટે જ અહીં આવ્યાં હતાં.. બહાર મળેલું નાસ્તાનું પેકેટ પણ એમને જ ત્યાં ફેંક્યું હશે.. અહીં પહોંચી એ લોકોએ જેવી જ પેટી ખોલી અને આ પન્ના પોતાનાં હાથમાં લીધાં એ સાથે જ ગુફાની ઉપરની તરફથી મોટાં પથ્થરો પડવા લાગ્યાં.. જેને અહીં આ પન્ના છુપાવ્યા એ એવું નહોતો ઈચ્છતો કે આ પન્ના કોઈ અહીંથી લઈ જાય એટલે જ આવી સંરચના એને કરી હશે.. "

"તું સાચું કહી રહ્યો હોય એવું લાગે છે વિરાજ.. આ મૃતદેહો જેનાં છે એમને આ પન્ના જેવાં હાથમાં લીધાં એ સાથે જ મોટી શિલાઓ એમની ઉપર પડી અને એ બચવાનો પ્રયાસ કરે એ પહેલાં જ મોતને ભેટયા.. અહીં સુધી પહોંચવનો રસ્તો પણ આ પથ્થરો ઉપરથી પડવાનાં લીધે જ બંધ થયો હોવો જોઈએ.. "સાહિલે પણ વાતમાં ઝુકાવતાં કહ્યું.

"મને લાગે છે આપણે આ મૃતદેહો કોણ કમનસીબ લોકોનાં છે એ જોવું જોઈએ.. "વિરાજે પોતાનાં દોસ્તો તરફ જોઈને કહ્યું.

વિરાજ ની વાત સાંભળી બધાં દોસ્તો જ્યાં એ ત્રણેય મૃતદેહો મોજુદ હતાં એ તરફ આગળ વધ્યાં.. એમની આંખોમાં પણ એ જાણવાની ઉત્સુકતા હતી કે આખરે ડેવિલ બાઈબલ જેવી ભયાવહ અને રહસ્યમયી વસ્તુનાં ખોવાયેલાં પન્ના માટે પોતાનો જીવ ખોઈ બેસનારાં લોકો આખરે કોણ હતાં.

સૌપ્રથમ તો ગુરુ એ લગભગ કંકાલ બની ગયેલાં મૃતદેહનાં હાથમાંથી ડેવિલ ની આકૃતિ બનેલું એ પન્ના અને એની જોડે રહેલાં બીજાં નવ પન્ના એમ કુલ દસ પન્ના સાચવીને પોતાનાં હાથમાં લીધાં અને તુરંત પોતાની બેગની ઉપરની ચેન ખોલી મૂકી દીધાં.. આ ઉપરાંત ત્રણેય મૃતદેહો ઉપર મોજુદ વીંટીઓ અને બ્રેસલેટ પણ ગુરુએ પોતાની જોડે સાચવીને રાખી દીધાં. આ દરમિયાન વિરાજ, ડેની અને સાહિલ મૃતદેહ ની આજુબાજુ ખાંખાખોળા કરવાં લાગ્યાં.. અચાનક વિરાજની નજર એક બેગ ઉપર પડી.. એ બેગ ડેવિલ બાઈબલનાં પન્ના પકડીને રહેલાં મૃતદેહ ની પાછળ એક પથ્થર નીચે પડી હતી.

પથ્થરો નીચે દબાયેલી એ બેગ વિરાજે મહા મુશ્કેલીથી ખેંચીને બહાર કાઢી અને એમાં રહેલી વસ્તુઓ કાઢીને નીચે ગુફાનાં તળિયે નાંખી.. વિરાજને આમ કરતો જોઈ ડેની, ગુરુ અને સાહિલ અને એની સમીપ આવીને ઉભાં રહી ગયાં. આ એક લેડીઝ હેન્ડ બેગ હતી જેની અંદરથી નીકળેલી વસ્તુઓમાં એક ચાકુ, લાઈટર, અહીં સુધી આવવાનો નકશો, બોલપેન અને એક પાસપોર્ટ હતો.. સૌપ્રથમ વિરાજે નકશો ખોલીને જોયું તો આ બિલકુલ એવો જ નકશો હતો જેવો એમની જોડે હતો.

"વિરાજ, પાસપોર્ટ ખોલીને જો તો ખરો કે એની ઉપર કોનું નામ લખ્યું છે.. ? "સાહિલે પાસપોર્ટ તરફ આંગળી ચીંધીને કહ્યું.

સાહિલની વાત સાંભળી વિરાજે માથું હકારમાં હલાવી બેગમાંથી નીકળેલો પાસપોર્ટ પોતાનાં હાથમાં લીધો અને ધ્યાનથી એની અંદર રહેલું નામ વાંચતાં બોલ્યો.

"લ્યુસી નાથન હેનરી.. એડ્રેસ છે કેંટબરી, લંડન, ગ્રેટ બ્રિટન.. "

એક અંગ્રેજ યુવતી અહીં ભારતનાં છેક છેવાડાનાં ટાપુ પર ડેવિલ બાઈબલ નાં ખોવાયેલાં પન્ના શોધતી કેમ આવી હતી એ વિચારી ચારેય મિત્રો એકબીજાનો ચહેરો તકતાં ઘડીભર ઉભાં રહ્યાં.. વિરાજે બેગમાં મોજુદ વસ્તુઓને પુનઃ બેગમાં ભરતાં કહ્યું.

"આ પન્ના જેનાં હાથમાં હતાં એ શાયદ લ્યુસી હતી.. બાકીનાં બે મૃતદેહ કોનાં છે એ અંગે ની કોઈ ખબર પડે એવી વસ્તુ અહીં મોજુદ નથી.. રખેને એવું બને કે આ બંને મૃતદેહો જેનાં છે એમની બેગ આ પથ્થરો નીચે ક્યાંક દબાઈ ગઈ હોય.. "

"વિરાજ.. મને પણ એવું જ કંઈક લાગે છે.. "ગુરુ બોલ્યો.

"ચલો તો હવે આપણે વધારાની લમણાંઝીક માં પડ્યાં વિના અહીંથી નીકળીએ.. રાત પડ્યાં પહેલાં આપણે ગુફાની બહાર નીકળી જવું જોઈએ.. "સાહિલ રઘવાટમાં બોલ્યો.

"ભાઈ હવે રાત તો પડવા આવી.. અને ગુફામાં આમ પણ રાત હોય કે દિવસ ઝાઝો ફરક નથી પડવાનો.. પણ જતાં પહેલાં આપણે એક નેક કામ કરીએ.. આ ત્રણેય મૃતદેહો ને વ્યવસ્થિત જમીનની અંદર દફન કરી દઈએ.. જેથી એમની આત્મા ને સદગતિ પ્રાપ્ત થાય.. "વિરાજે લાગણીસભર સ્વરે કહ્યું.

વિરાજની વાત યોગ્ય જણાતાં ડેની, સાહિલ અને ગુરુ એ પોતાની બેગમાંથી નાનું ખુરપી જેવું હથિયાર નિકાળ્યું અને વિરાજ ની સાથે મળી ગુફામાં નરમ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું.. કલાક જેટલી ભારે જહેમત બાદ ત્રણ કંકાલ ને દફન કરી શકાય એવો ખાડો ત્યાં ખોદી લીધાં બાદ સાચવીને ત્રણેય મૃતદેહો ખાડામાં ગોઠવી દીધાં.

ત્યારબાદ ખાડામાંથી બહાર નિકાળેલી માટીને પુનઃ મૃતદેહો પર નાંખીને ખાડો વ્યવસ્થિત પુરી દીધાં બાદ ચારેય મિત્રો એ પરમકૃપાળુ પરમાત્માને આ ત્રણેય મૃતદેહો જેનાં હતાં એની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી. પછી થોડાં બિસ્કિટ બેગમાંથી નીકાળ્યાં બાદ એનો નાસ્તો કરીને પાણી પી ચારેય મિત્રો ત્યાંથી નીકળવાની તૈયારી કરવાં લાગ્યાં.

હજુ એમની સામે કરોડો રૂપિયાનો ખજાનો પડ્યો હતો છતાં એ બધાં વધુ ખજાનો લઈ જઈ શકવાની સ્થિતિમાં નહોતાં.. એટલે જેટલો મળ્યો છે એટલામાં સંતોષ માની વિરાજે બધાં ને આવ્યાં હતાં એ જ રીતે પથ્થરો ઉપર સરકીને બહાર નીકળી જવાં કહ્યું.. વિરાજ સૌથી આગળ થયો અને બાકીનાં મિત્રો એની પાછળ આગળ વધ્યાં.. એ સમયે ડેની ની નજર એક મોટાં લાલ રંગના હીરા ઉપર પડી.. આ હીરો કરોડોનો હશે એવી માનવસહજ લાલચમાં આવી ડેની એ હીરા તરફ આગળ વધ્યો.

ડેની એ ઓટલાં જોડે પડેલો એ લાલ રંગનો કદમાં મોટો હીરો ઉઠાવીને પોતાનાં ખિસ્સામાં મુક્યો અને ઓટલાં ને ટેકે ઉભો થવાં ગયો ત્યાં એનો હાથ ઓટલાં ઉપર રાખેલી પથ્થરની પેટીને સ્પર્શયો જેથી ધડામ કરીને પથ્થરની પેટી બંધ થઈ ગઈ.

આમ થતાં જ વાદળ ગરજતાં હોય એવો વિકરાળ અવાજ થયો અને ગુફાની જમીન ધ્રુજવા લાગી.. આ બધું કેમ થયું એ જોવાં વિરાજે નજર ઘુમાવી તો એને ઓટલાં સમીપ બાઘાની જેમ ઉભેલાં ડેનીને જોયો.. ગુફાની ચારેતરફ ની દિવાલોમાંથી નાનાં નાનાં પથ્થર નીચે પડવા લાગ્યાં હતાં.. આ ગુફા નજીકમાં જ જમીનદોસ્ત થઈ જશે એમ વિચારી વિરાજે મોટાં સાદે કહ્યું.

"ડેની, સાહિલ અને ગુરુ.. જલ્દી અહીંથી નીકળો.. નહીંતો આ ગુફા આપણી પણ કબરગાહ બની જશે.. "

વિરાજની વાત સાંભળી ડેની અને બીજાં મિત્રો હરકતમાં આવ્યાં અને ફટાફટ ગુફામાંથી બહાર નીકળવા પથ્થરો ની ઉપર બનેલાં બકોરાં તરફ આગળ વધ્યા.. વિરાજે પહેલાં બધી બેગો અને લ્યુસી ની હેન્ડ બેગ બહાર ફેંકી અને પછી પોતે સરકીને ગુફાની એ બંધિયાર જગ્યાએથી બહાર નીકળી આવ્યો.. વિરાજ ને અનુસરતાં સાહિલ, ગુરુ અને છેલ્લે ડેની એ બકોરામાંથી સહી સલામત બહાર નીકળી આવ્યાં.

"હજુ જોખમ ઓછું નથી થયું.. ભાગો જલ્દી.. અહીંથી બહાર નીકળી જવામાં જ ફાયદો છે.. "વિરાજે પોતાની બેગ ને ખભે ચડાવતાં કહ્યું.

"હા જલ્દી ભાગો.. બહાર ની તરફ.. "સાહિલે પણ ઊંચા અવાજે કહ્યું.

આ સાથે જ ચારેય મિત્રો શક્ય એટલી ઝડપે એ લોકો આવ્યાં હતાં એ રસ્તે ગુફાનાં પ્રવેશદ્વાર તરફ દોડી નીકળ્યાં.. સતત ચાલીસેક મિનિટ જેટલું એકધારું દોડ્યાં બાદ એ ચારેય મિત્રો સાંકડો રસ્તો પાર કરીને ગુફાનાં પ્રવેશદ્વાર ની નજીક પહોંચ્યા એ સાથે જ જોરદાર ધડાકા થયાં અને ગુફાની અંદર જતો એ સાંકડો માર્ગ પથ્થરોથી ઢંકાઈ ગયો.

"હાશ બચી ગયાં.. સાલા ડેની તારાં લીધે હમણાં જીવ ખોઈ બેસવાનો વારો આવત બધાં ને.. "રાહત નો શ્વાસ લેતાં વિરાજે ડેની તરફ જોતાં કરડાકીભરી નજરે જોતાં કહ્યું.

"Sorry.. યાર.. ભૂલ થઈ ગઈ.. "કાન પકડીને ડેની માફી માંગતાં બોલ્યો.

"Its ok.. હવે રાતનાં આઠ થવાં આવ્યાં.. થોડું ચાલી પહાડી સુધી પહોંચી જઈએ પછી કાલે સવારે સમુદ્રકિનારે પડેલી આપણી મોટરબોટ સુધીનો પ્રવાસ આરંભ કરીશું.. "ડેની નાં ખભે હાથ મૂકી સાહિલ બોલ્યો.

સાહિલનાં આમ બોલતાં જ બધાં બહારની તરફ ચાલી નીકળ્યાં.. થોડીવારમાં તો એ લોકો પહાડી ની જોડે આવેલાં ખુલ્લાં ભાગમાં આવી પહોંચ્યા હતાં.. અહીંથી આગળ ઢોળાવવાળો રસ્તો ચડીને પહાડી ની ઉપર ચડતાં બીજો કલાક નીકળી ગયો.. આખરે ભારે મહેનત બાદ ચારેય મિત્રો પહાડી ઉપર આવી પહોંચ્યા.. આખા દિવસની રઝળપાટ પછી બધાં ને કકડીને ભૂખ લાગી હોવાથી સાહિલ અને ડેની એ થોડાં સૂકાં લાકડાં એકઠાં કર્યાં અને તાપણી સળગાવી.

વિરાજે તાપણી ઉપર સૂકી માછલીઓ સેકી અને બધાંએ મસાલો લગાવી માછલીઓ આરોગી.. આ પ્રકારનું ભોજન જ અત્યારે તો ઉપલબ્ધ હતું એટલે મને-કમને ખાધેલું આવું ભોજન પણ એમને તૃપ્ત કરનારું લાગ્યું.. આખરે જમીને એ લોકોએ સુવા માટે લંબાવ્યું. સતત એકધાર્યું ચાલવાનાં લીધે થાકીને લોથપોથ થયેલાં ચારેય મિત્રો પોતાનાં જોડે રહેલી બેગ પર માથું મૂકીને ઘસઘસાટ સુઈ ગયાં.. !

★★★

વધુ નવાં ભાગમાં.

વિરાજ અને એનાં મિત્રો સહી સલામત શ્યામપુર પહોંચી શકશે.. ? લ્યુસીની બેગ અને ડેવિલ બાઈબલ નાં પન્નાનું એ લોકો શું કરશે.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***