મોત ની સફર - 3

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 3

વિરાજ અને એનાં મિત્રો નકશામાં બતાવેલાં ખજાના સુધી પહોંચી ગયાં.. અહીં એમને ત્રણ મૃતદેહો પણ નજરે ચડ્યાં જેમાંથી એકનાં હાથમાં ગુરુ નાં કહ્યાં મુજબ ડેવિલ બાઈબલ નાં ખોવાયેલાં પન્ના હતાં.. તપાસ કરતાં એમાંથી એક મૃતદેહ બ્રિટનનાં કેંટબરી ની લ્યુસી હોવાનું માલુમ પડ્યું.. લ્યુસી સમેત અન્ય બે મૃતદેહોને દફન કરી વિરાજ અને એનાં મિત્રો ગુફાની બહાર નીકળી પહાડી ની ચોટી ઉપર પહોંચી આરામ માટે રાત્રીરોકાણ કરે છે.

સવારે સૂર્ય ની કિરણો ચહેરા પર પડતાં જ બધાં મિત્રોની આંખો ખુલી ગઈ.. ફટાફટ એ લોકો આગળની સફર પૂર્ણ કરવાં તૈયાર થઈ ગયાં.. પહાડી ની બીજી તરફ ઉતરવાનું હોવાથી હવે ગુફા ફરીથી જોવાં નહીં મળે એમ વિચારી બધાં એ પોતાની જીંદગીનાં પ્રથમ ખજાનો શોધવાનાં અભિયાન ની સફળતા ની યાદ અપાવતી ગુફાઓને એક નજર ફેંકી જોઈ લીધી અને પછી રસ્સીઓનાં સહારે પહાડીની બીજી તરફ ઉતરવાનું શરૂ કરી દીધું.

હવે આગળ કયાં રસ્તે વધવાનું હતું એની ખબર હોવાથી ફટાફટ એ લોકો ઝરણાં નાં કિનારે કિનારે જંગલની અંદર થઈને એમની મોટરબોટ જ્યાં મોજુદ હતી એ ખાડી સુધી પહોંચવાનાં રસ્તે બપોરનાં બાર વાગ્યાં સુધી આવી પહોંચ્યા હતાં. બપોરે ત્યાં પહોંચી એ લોકોએ થોડું નાસ્તા જેવું કર્યું અને ઝરણાંનું શુદ્ધ પાણી બોટલોમાં ભર્યું અને આગળની સફર માટે પ્રયાણ કર્યું.

એ લોકો દોઢેક દિવસ ની એકધારી સફર બાદ જંગલ નાં છેવાડા સુધી આવી પહોંચ્યા હતાં જ્યાંથી એમની મોટરબોટ એક દિવસનાં અંતરે હતી.. એ લોકો જંગલમાં થોડી સરખી જગ્યા શોધી રાતે રોકાવાનું વિચારી રોકાયાં.. હજુ એ લોકો આડા પડ્યાં હતાં ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો.. અત્યાર સુધીની એમની એક અઠવાડિયાથી પણ લાંબી સફરમાં ક્યારેય કુદરત દ્વારા એમનાં ઉપર કોઈ જાતની અણધારી આફત આવી નહોતી પણ આજે તો હવામાન સાવ અલગ હતું.

વાદળો નાં ગરજવાની સાથે વીજળીઓ નો પણ ગળગળાટ એ લોકોને ડરાવી રહ્યો હતો.. વાતાવરણમાં આવેલો આ બદલાવ જોઈ વિરાજે પોતાનાં મિત્રોને ઉદ્દેશીને કહ્યું.

"દોસ્તો.. લાગે છે આજની રાત મુશળધાર વરસાદ વરસવાનો છે.. ત્યાં એક મોટો વડ દેખાય છે એની નીચે જઈને આજની રાત આશરો લઈએ.. "

"હા.. વિરાજ.. ત્યાં જઈને આજની રાત ગમે તે કરી પસાર કરવી જ રહી.. "સાહિલ વિરાજની વાત સાથે સહમત થતાં બોલ્યો.

થોડીવારમાં એ લોકો ત્યાં મોજુદ એક વિશાળકાય વડનાં વૃક્ષ નીચે આવીને ઉભાં રહી ગયાં.. પાણીમાં પલળવાથી નુકશાન થાય એવી વસ્તુઓને વિરાજે એક પ્લાસ્ટિક બેગમાં રાખવાનું સૂચન કર્યું.. જેને અનુસરતાં થોડી ચલણી નોટ, લ્યુસી નો પાસપોર્ટ, ડેવિલ બાઈબલ નાં પન્ના અને જરૂરી ડોક્યુમેન્ટ એક પ્લાસ્ટિક બેગમાં રાખી દીધાં.. અચાનક કંઈક યાદ આવતાં વિરાજ પોતાનાં ખિસ્સા ફંફોસવા લાગ્યો અને આંચકા સાથે બોલ્યો.

"અરે ગુફા સુધી આવવાનો જે નકશો હતો એ ક્યાં ગયો.. કોની જોડે છે એ નકશો.. ? "

વિરાજની વાત સાંભળી બધાં પોતપોતાનાં ખિસ્સા ફંફોસવા લાગ્યાં પણ નકશો કોઈનાં જોડે ના નીકળ્યો.. આખરે એ નકશો ક્યાં છૂટી ગયો એ વિશે કોઈને કંઈ યાદ નહોતું આવી રહ્યું.. અચાનક કંઈક યાદ આવતાં ડેની બોલ્યો.

"ભાઈ આપણે જ્યારે ફટાફટ ગુફામાંથી બહાર નીકળ્યાં ત્યારે મેં તારી જોડે હતો એ નકશો અને લ્યુસીની બેગમાંથી મળેલો નકશો ઓટલાં ઉપર જોયો હતો.. "

ડેની ની વાત સાંભળી ગુસ્સામાં પોતાનો હાથ વડ નાં વૃક્ષ જોડે અથડાવી વિરાજ ગુસ્સામાં બોલ્યો.

"યાર.. મેં જ એ મૃતદેહો ને દફન કરવાં માટે જ્યારે ખોદકામ ચાલુ કર્યું ત્યારે બંને નકશા ઓટલાં ઉપર મૂકી દીધાં હતાં.. "

વિરાજનાં ખભે હાથ મુકી સાહિલે એને ધીરજ આપતાં કહ્યું.

"ભાઈ.. આપણી જોડે એટલો તો ખજાનો છે કે આપણી બધાંની જીંદગી ટેસથી પસાર થઈ શકે.. અને આમપણ એ ગુફાની અંદર જવાનાં બધાં રસ્તા બંધ થઈ ચુક્યાં છે.. એટલે તું હવે એ વિષયમાં ના વિચાર.. "

સાહિલનાં હાથ ઉપર પોતાનો હાથ મૂકીને વિરાજે પોતાની ગરદન હલાવી 'its ok' કહીને પોતાની જાતને ધરપત આપી.

એમનાં વડ નીચે પહોંચ્યાંની વીસેક મિનિટમાં તો જોરદાર વાવાઝોડાં સાથે વરસાદ તૂટી પડ્યો.. વરસાદ ની સાથે આવતો જોરદાર પવન અને વીજળીનો ગળગળાટ વાતાવરણને વધુ ભયાવહ બનાવી રહ્યો હતો.. ચારેય મિત્રો મનોમન ભગવાનને પોતે ત્યાંથી સહી-સલામત નીકળી જાય એવી પ્રાર્થના કરી રહ્યાં હતાં.

ગુરુની નજર એ દરમિયાન આકાશની તરફ પડી તો એને જોયું કે વાદળો ની અંદર એક શૈતાન ની આકૃતિ દેખાઈ રહી હતી.. આ શૈતાન ની લાલ રંગની આંખો અંગારાની જેમ એમને જ જોઈ રહી હોવાનું ગુરુને મહેસુસ થયું.. પોતાનાં મિત્રોને આ બધું કહી ગુરુ એમને વધુ ડરાવવા નહોતો માંગતો એટલે એ વડ નાં વૃક્ષનાં ટેકે રાતભર ચૂપચાપ ઉભો રહ્યો.

રાતભર વરસાદ તીવ્ર પવન સાથે વરસતો રહ્યો એ દરમિયાન ચારેય મિત્રો ઘૂંટણભેર વડનાં વૃક્ષની નીચે બેસી ગયાં.. થાક નાં લીધે એ બધાં એ જ અવસ્થામાં સુઈ ગયાં.. રાત નાં લગભગ ચાર વાગ્યાં હતાં ત્યાં વિરાજે મહેસુસ કર્યું કે એમની નજીક કોઈક નાં ઘુરકવાનો અને શ્વાસોશ્વાસનો તીવ્ર અવાજ આવી રહ્યો હતો.. બંધ આંખે જ ડરનાં ભાવ સાથે વિરાજે પોતાની કમર પર ખોસેલાં લેધર પોકેટ તરફ હાથ લંબાવ્યો.

અવાજ પોતાનાથી માંડ ચારેક કદમ દૂર હોવાનું અનુમાન લગાવતાં વિરાજે હાથમાં રિવોલ્વર લઈને અવાજની દિશામાં જોયું.. ત્યાં બે ચમકતી આંખો એની સામે આવી રહી હતી જે જોતાં જ વિરાજ સમજી ગયો કે એ નક્કી કોઈ રાની પશુ હતું.. વધુ વિચારવામાં સમય બગાડવામાં જીવનું જોખમ લાગતાં વિરાજે પોતાની રિવોલ્વર નું ટ્રિગર દબાવ્યું અને ઉપરાઉપરી બે ગોળીઓ ચમકતી આંખોનું નિશાન લઈને છોડી દીધી.

વિરાજે છોડેલી ગોળીનો અવાજ સાંભળી ડેની, સાહિલ અને ગુરુ પણ સફાળા બેઠાં થઈ ગયાં.. ગુરુ એ ફટાફટ ટોર્ચ નીકાળી વિરાજ ભણી પ્રકાશનો સેરડો ફેંક્યો તો એને જોયું કે વિરાજ ભારે શ્વાસોશ્વાસ સાથે પોતાની રિવોલ્વર ને હાથમાં જકડીને બેઠો હતો.. રિવોલ્વરમાંથી નીકળતો ધુમાડો એ વાતની સાબિતી પૂરતો હતો કે હમણાં જ આ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ગુરુ એ ટોર્ચ નો પ્રકાશ વિરાજથી થોડો આગળ ફેંકી જોયું તો ત્યાં દીપડાંનાં આકારનું એક કાળાં રંગનું પ્રાણી જમીન પર પડ્યું હતું.. એનાં ગળામાંથી નીકળતું લોહી એ દર્શાવી રહ્યું હતું કે વિરાજે છોડેલી ગોળી સીધી એ પ્રાણીનાં ગળામાં ખૂંપી ગઈ હતી.. થોડો સમય બધાં મિત્રો ક્યારેક એકબીજાની તરફ તો ક્યારેક ત્યાં મૃત પડેલાં એ પ્રાણી તરફ જોઈ રહયાં.

"આ પ્રાણી જેગુઆર છે.. "ચુપ્પી તોડતાં સાહિલ બોલ્યો.

"પણ મેં તો સાંભળ્યું છે કે જેગુઆર તો ફક્ત અમેરિકા ખંડમાં હોય.. એમાં પણ દક્ષિણ અમેરિકા.. તો પછી અહીં જેગુઆર ની હાજરીનું કારણ.. ? "સાહિલ ની વાત સાંભળી વિરાજ પોતાનાં વધેલાં શ્વાસોશ્વાસ કન્ટ્રોલ કરતાં બોલ્યો.

"મને પણ નવાઈ છે કે દક્ષિણ અમેરિકી ખંડનું આ વિડાલ કુળનું આ રાની પશુ અહીં કઈ રીતે.. લાગે છે બ્રિટિશરો અમેરિકાથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરતાં હશે ત્યારે એમની બોટ ઉપર આ પશુઓ પાંજરામાં કેદ હશે.. અને કોઈ કારણોસર બ્રિટિશરો આ ટાપુ પર ઉતર્યા હશે ત્યારે એમની કેદમાંથી છૂટી અમુક જેગુઆર અહીં આવી પહોંચ્યાં હશે અને એમની વસ્તી અહીં ધીરે ધીરે વધી હશે.. "પોતાની રીતે જ મનોમન અર્થઘટન કરી સાહિલ બોલ્યો.

સાહિલની વાતનાં પ્રતિભાવમાં બધાં ખાલી ડોકું હલાવતાં રહી ગયાં.. હવે આજની રાત એમનામાંથી કોઈ સુવાનું નહોતું એ વાત નક્કી હતી.. આટલી સફરમાં એક જ રાતમાં એમને જોરદાર વરસાદ બાદ જેગુઆર નો સામનો કરવો પડ્યો હતો.. આ કારણોસર ચારેય મિત્રો અજાણ્યાં ભય નીચે જીવી રહ્યાં હોય એવું મહેસુસ કરી રહ્યાં હતાં.

સાહિલ, ડેની અને વિરાજ થી અલગ ગુરુ મનોમન એમ વિચારી રહ્યો હતો કે નક્કી એમની ઉપર આવેલી મુસીબતો નું કારણ નક્કી ડેવિલ બાઈબલ ની સાથે આવેલી શૈતાની શક્તિઓ હતી.. જેનો ભાસ ગુરુને ડેવિલ ની પ્રતિકૃતિ વાદળમાં જોયાં બાદ થઈ ચૂક્યો હતો.

***

સવાર પડતાં જ એ લોકો પુનઃ દરિયા કિનારાની તરફ આગળ વધ્યાં.. હજુ એ લોકો થોડાંક જ આગળ વધ્યાં ત્યાં જમીન પર વરસાદનું કોઈ નામોનિશાન એમની નજરે ના પડ્યું.. જ્યારે થોડે દૂર તો મુશળધાર વરસાદ વરસ્યો હતો.. શાયદ અહીં આ રીતે જ છુટોછવાયો વરસાદ પડતો હશે એમ વિચારી એ લોકોએ પોતાની વાટ પકડી.

સાંજે પાંચ વાગ્યાં આજુબાજુ એ લોકો પોતાની મોટરબોટ બાંધી હતી એ સ્થળે આવી પહોંચ્યા.. આખરે મહામુસીબત વાળો દુર્ગમ રસ્તો પાર કરીને સહી સલામત પોતાની મોટરબોટ સુધી પહોંચવાની ખુશી દરેકનાં ચહેરા પર વર્તાઈ રહી હતી.. બધાં મિત્રો એ હર્ષોલ્લાસ સાથે એકબીજાને ગળે લગાવી દીધાં.

ત્યારબાદ કિનારે મોજુદ વૃક્ષ સાથે બાંધેલી રસ્સીઓ ખોલીને એ લોકો મોટરબોટ માં સવાર થઈ ગયાં.. આ સાથે જ ગુરુએ સાહિલની મદદથી મોટરબોટ ને ચેન્નાઈનાં દરિયાકિનારા તરફ હંકારી મુકી.. જતાં જતાં ચારેય મિત્રોએ સલામ કરતાં ગ્રેટ નિકોબાર ટાપુ ને અલવિદા કહ્યું.. કેમકે એ ટાપુ ની ઈચ્છા હતી ત્યારે જ એ લોકો આટલી મુશ્કેલ સફર બાદ ખજાનો મેળવી હેમખેમ પાછાં ફરી શક્યાં હતાં.

ચેન્નાઇ પહોંચી સાહિલે મોટર બોટ કંપની ને એમની બોટ સુપ્રત કરી અને ચેન્નાઈથી મુંબઈ જતી ટ્રેઈન ની ટીકીટ બુક કરાવી.. કેમકે એમની જોડે જે ખજાનો હતો એને એરપોર્ટ પર લાગેલાં સ્કેન મશીનથી છુપાવી મુંબઈ સુધી પહોંચવું અશક્ય હતું.. આખરે ચેન્નાઈનાં દરિયાકિનારે પહોંચ્યાંનાં એક દિવસ બાદ એ લોકો મુંબઈ આવી પહોંચ્યા.

એ લોકો સીધાં ગુરુનાં ઘરે પહોંચ્યાં.. જ્યાં સાહિલે ગુરુને એનાં ભાગનો ખજાનો સોંપ્યો અને બીજાં દિવસ સવારની શ્યામપુર જતી ટ્રેઈનની ટીકીટ બુક કરાવી દીધી. ગુરુ છેક રેલવે સ્ટેશન સુધી એ બધાં ને વળાવવા ગયો.. ગુરુને એ લોકો સાથે ગજબની આત્મીયતા બંધાઈ ચુકી હતી.

ત્રણ સામાન્ય લાગતાં યુવકો એક એવાં ખજાનાં ની ભાળ મેળવીને પાછાં આવ્યાં હતાં જ્યાં સુધી પહોંચીને હજુ સુધી કોઈ પાછું નહોતું આવી શક્યું.. સાહિલે, વિરાજે અને ડેની એ એમની જોડે લાવેલાં મોંઘા રત્નો અને સુવર્ણ આભૂષણો સરખે ભાગે વહેંચી લીધાં.. સાહિલ નાં પિતા કરોડપતિ હતાં છતાં એની પોતાની મેળે સ્વતંત્ર મેળવેલી એની આ પ્રથમ આવક હતી જેનાં લીધે સાહિલ ઘણો ખુશ જણાતો હતો.

વિરાજ નાં પિતાજી કાન્તિલાલ તો આટલી બધી સંપત્તિ જોઈને વિરાજને ગળે લગાવીને ઘણો સમય હર્ષનાં આંસુ સારતાં રહયાં.. વિરાજની માં ને ગળાનું કેન્સર હતું જેમાં કાન્તિલાલે પોતાની સઘળી સંપત્તિ વેંચી મારી હતી અને અત્યારે એમની જોડે જે દુકાન હતી એનાં દસ્તાવેજ પણ લોન ઉપર બેન્ક જોડે હતાં. વિરાજે પોતાની જોડે લાવેલો ખજાનો એમનાં સઘળાં દુઃખ દૂર કરી દેશે એમ વિચારી કાન્તિલાલ રાજીનાં રેડ થઈ ગયાં હતાં.

ડેની એ તો પોતાનાં દરેક શ્વાસ પણ એટલી તકલીફમાં લીધાં હતાં કે એનાં મન તો આ ખજાનો એની સર્વ તકલીફો દૂર કરનારો હતો.. ખાલી એક જ ડાયમંડ વેંચી પોતે મોટું ઘર અને ગાડી લઈ શકશે એવાં સ્વપ્નમાં રાચતો ડેની પોતાની નાનકડી ઓરડીમાં આવી પહોંચ્યો.. જ્યાં ઘરમાં એક ખાડો ખોદી ડેનીએ પોતાની જોડે લાવેલો સઘળો ખજાનો જમીનની અંદર ગાડી દીધો.

એક જુનાં સાગનાં બોક્સમાંથી મળેલાં એક નકશા એ ચાર યુવકોની જીંદગી ને ધરમૂળમાંથી બદલી દીધો હતો.. આ ખજાનો એમની ખુશીઓની ચાવી બની ગયો હતો. શ્યામપુર પાછા આવ્યાં ને દસ દિવસ થઈ ગયાં હતાં.. આ દસ દિવસ દરમિયાન ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું.

વિરાજે અમુક ઘરેણાં વેંચી બેંકમાં જઇ પોતાનાં પિતાજીની દુકાન છોડાવી લીધી.. કાન્તિલાલ ને વર્ષોથી ઈચ્છા હતી કે પોતાની માટે એક ગાડી ખરીદે.. વિરાજે એક નવી ટાટા XUV લાવીને એમની આ ઈચ્છા પણ પુરી કરી દીધી હતી.. આ ઉપરાંત શહેરનાં પોશ વિસ્તારમાં બહાર નાનકડું ગાર્ડન ધરાવતું મકાન પણ ખરીદી લીધું.

ડેની એ પણ વિરાજની સહાયતાની એની બાજુમાં જ નવું મકાન ખરીદી લીધું અને અંદર સુંદર રાચરચીલું બનાવી ઘરને સુંદર સજાવી દીધું.. સાહિલે પણ પોતાનાં પિતાની જાણ બહાર પોતાની જોડે લાવેલાં રત્નો ને વેંચી પોતાનો પર્સનલ ઈમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરી ચુક્યો હતો.

પંદરેક દિવસ બાદ તો બધાં પુનઃ પોતપોતાની જીંદગીમાં પરોવાઈ ગયાં હતાં.. એક દિવસ વિરાજ ખજાનાં ની જોડે પોતાની સાથે લાવવામાં આવેલી લ્યુસીની હેન્ડ બેગ હાથમાં લઈ પોતાનાં નવાં ઘરની બાલ્કનીમાં ખુરશી ઢાળી બેઠો હતો.. વિરાજે એ બેગની વસ્તુઓ એક ત્રિપાઈ પર રાખી.. આ વસ્તુઓમાં રહેલો લ્યુસીનો પાસપોર્ટ હાથમાં લઈને વિરાજે પાસપોર્ટમાં રહેલો લ્યુસીનો ફોટો ધ્યાનથી જોયો.. ચોવીસ વર્ષની ઉંમરની લ્યુસીની આંખો ફોટોમાંથી પણ વિરાજને જાણે કહી રહી હતી કે મારું કંઈક સપનું અધૂરું રહી ગયું છે.

વિરાજ લગભગ અડધો કલાક સુધી હાથમાં લ્યુસીનો પાસપોર્ટ પકડીને ખુરશીમાં માથું ઢાળી બેસી રહ્યો.. એનું મન એને જાણે કંઈક ઈશારો કરી રહ્યું હતું.. મનનો સંકેત વિરાજને એક એવું કાર્ય કરવાં ઉત્તેજિત કરી રહ્યું હતું જે એની અને એનાં મિત્રોની જીંદગી ધરમૂળમાંથી બદલી નાંખવાનો હતો.. અચાનક વિરાજ એક ઝાટકે ખુરશીમાંથી ઉભો થયો અને મક્કમ નિર્ધાર સાથે બોલ્યો.

"હું કેંટબરી જઈશ.. લ્યુસીની સાથે શું થયું એ એનાં પરિવાર ને જણાવવા.. અને એની છેલ્લી અમાનતો એનાં ઘરનાં કોઈ સભ્ય ને સોંપવા.. "

★★★

વધુ નવાં ભાગમાં.

શું સાચેમાં વિરાજ લ્યુસીનાં ઘરે જશે.. ? વિરાજની સાથે આગળ જતાં શું બનશે.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***

***

Rate & Review

Verified icon

Priyank 3 weeks ago

Verified icon

Manoj Patel 1 month ago

Verified icon
Verified icon

Sudha 1 month ago

Verified icon

Rinkal Mehta 2 months ago