Rupali jaal books and stories free download online pdf in Gujarati

રૂપાળી જાળ

“જય શ્રી કૃષ્ણ!”

રૂપાની ઘંટડી જેવો સુરીલો અવાજ સાંભળીને શ્યામ અટક્યો હતો અને માથું તેત્રીસ ડીગ્રી ઘુમાવી પાછળ જોયું હતું. પાછળ રૂપનો કટકો નહિ આખેઆખું રૂપ જ ઉભું હતું. શ્યામે હવે આખા શરીરને એ રૂપ તરફ ઘુમાવી દીધું. એ કંઈ કહે એ પહેલા જ ઘંટડી ફરી રણકી હતી..

એ યુવતી બોલી હતી, “મારું એકટીવા ચાલુ નથી થઇ રહ્યું. તમે પ્લીઝ કિક મારી આપશો? મારાથી કિક મારીને એ કોઈ દિવસ ચાલું નથી થયું.’’

શ્યામ આજે ઉતાવળમાં હતો. કોલેજથી નીકળીને એને એની દીદી અને જીજાજી માટે ફિલ્મની ટીકીટો લાવવાની હતી. મમ્મીએ સાંજ માટે ગાજરનો હલવો બનાવવાનું નક્કી કરેલું. આજે ઘણા દિવસો બાદ દીકરી જમાઈ ઘરે આવેલા, હલવા માટે માર્કેટમાંથી ગાજર અને માવો લઇ જવાનો હતો. એ કોઈના માટે અત્યારે ના ઊભો રહેત પણ એ ઊભો રહી ગયો યાર! આટલી રૂપાળી છોકરી સામેથી મદદ માંગે ત્યારે કયો જુવાન છોકરો એને “ના” કહેવાનો. શ્યામે ચારે બાજુ નજર ફેરવી જોઈ લીધું, ત્યાં કોઈ કામદેવ હાથમાં તીર કામઠું લઈને ઊભો નહતો ઊભો! ને છતાયે તીર વાગેલું અને સીધું નિશાના પર વાગેલું! પહેલી નજરે જ શ્યામ એ છોકરીના પ્રેમમાં પડી ગયેલો...

બાઈક બાજુએ રહેવા દઈ શ્યામ એ છોકરીની સાથે જ્યાં એનું એકટીવા પાર્ક કરેલું હતું ત્યાં ગયો. મનમાં તો એને થયું કે કાશ આ એકટીવા ચાલુજ ના થાય અને પોતે આ સુંદરીને એની બાઈક પર લીફ્ટ આપે. હાયરે કિશ્મત! એક જ કિકમાં એ બગડેલું વાહન ગુર્ર્ર કરતુક ચાલુ થઇ ગયું. શ્યામને એ વાહનને બીજી બે કિક મારવાની તીવ્ર ઈચ્છા થઇ આવી પણ, એ એની મનોકામના પૂરી કરે એ પહેલા તો પેલી યુવતી થેંક્યું... કહેતી ભાગી ગઈ. શ્યામને હવે યાદ આવ્યું કે પોતે એ છોકરીનું નામ પૂછવાનું તો ભૂલી ગયેલો! એ ક્યાં રહેતી હશે? ફરી ક્યારે મળશે? એકપળ માટે એણે મન બનાવી લીધું એ છોકરીનો પીંછો કરવાનું ત્યાં જ એનો ફોન રણકેલો... એની દીદીનો ફોન હતો. દિલ પર પથ્થર રાખીને એને બાઈક બીજી બાજુ ઘુમાવ્યું હતું.


બીજે દિવસે એ જ્યારે કોલેજથી બહાર જવા નીકળી રહ્યો હતો ત્યારે એની નજર પેલી યુવતીને જ શોધી રહી. એ ક્યાંય ના દેખાઈ પણ એનું એકટીવા એની કાલની જગાએ જ પાર્ક કરેલું હતું. શ્યામને અત્યારે એ વાહન પર પ્રેમ ઉભરાઈ આવ્યો. અડધો કલાક પાર્કિંગમાં આંટા માર્યા પછી એ કાલવાળી યુવતી જોવા મળી. શ્યામની અને એની આંખો મળી. શ્યામે સામે સ્મિત રેલાવ્યું. એ જરાક હસીને આગળ નીકળી ગઈ. શ્યામને સહેજ ખોટું લાગ્યું પણ એ બોલ્યો નહિ. ચુપચાપ જઈને એણે બાઈક પર બેઠક લીધી જ હતી કે ફરી ઘંટડી રણકી, “આજે પાછું ચાલુ નથી થતું!”

શ્યામનાતો સાતે કોઠે દીવા થઇ ગયા. એણે જઈને પ્રેમથી, ધીરેથી કિક મારી, ગુર્રર... તરત ચાલું થઇ ગયું. આજે એને એ વાહન પર એટલો બધો ગુસ્સો નાં આવ્યો. કાલની ભૂલ પરથી સબક લઈને આજે શ્યામે પહેલા જ એ યુવતીનું નામ પૂછી લીધું.

“તોરલ.“ એ યુવતીએ કંઈ નખરા વગર તરત જવાબ આપ્યો. શ્યામ ખુશ થઇ ગયો. એણે પોતાનો ફોન નંબર આપ્યો અને ગમે ત્યારે જરૂર પડે તો એક કૉલ કરી દેવા કહ્યું. પેલીએ સામે એક રીંગ મારી અને એનો નંબર આપ્યો.

થોડાક દિવસોમાં જ બંને ફોન પર વાતો કરતા થઇ ગયા. પછી સોસયલ સાઈટ્સ પર મળવા લાગ્યા. ચેટીંગ કરતા કરતા એકબીજાને પ્રેમ કરતા થઇ ગયા. પછી એ લોકો બહાર મળવા લાગ્યા. શ્યામની જિંદગીનો આ સૌથી સુખદ ભાગ હતો. જેને એ દિલોજાનથી ચાહતો હતો એ અત્યારે એની સાથે હતી. એની બાહોમાં! દિવસ એક સુંદર સપનાની જેમ વીતી રહ્યા અને રાતે સપનામાં તોરલને બાહોમાં ભરીને સુતો શ્યામ સવારે ઓશીકાને એના હાથમાં જોતો. આખરે એને એક દિવસ કહી જ નાખ્યું,

“તોરલ આપણે ઘરે વાત કરીએ અને લગ્ન કરી લઈએ. હવે તારાથી દુર રહેવું મને નથી પાલવતું."

“લગ્ન!” તોરલ ચમકી ગઈ. “આશુ વાત કરેછે તું? આપણી જ્ઞાતિ અલગ છે. એ ભૂલી ગયો? મારા પપ્પા મને મારી નાખે પણ તારી સાથે ના પરણાવે.”

“તો આપણે પહેલા મારા ઘરે વાત કરીએ. પછી પપ્પા બધું સંભાળી લેશે.”

“તું સમજતો નથી મારી મમ્મી ક્યારેય આ વાત માટે રાજી નહિ થાય. એણે એની બેનપણીના છોકરાને મારી સાથે લગ્ન કરવા પસંદ કર્યો છે. એની આગળ મારું કંઈ નહિ ચાલે.”

“તારા લગ્નમાં તારું નહિ ચાલે? તું કઈ દુનિયામાં જીવે છે? અને જો ખરેખર એમ જ હોય તો આપણે ભાગીને લગ્ન કરી લઈએ પછી બાકીનું જોયું જશે.”

બંને વચ્ચે આ વાતે દિવસો સુંધી માથાકૂટ ચાલી. છેલ્લે ભાગી જવાનું નહિ પણ છુપાઈને લગ્ન કરવાનું નક્કી થયું. શ્યામની પાસે એમના ફ્લેટની ચાવી હતી જેના માટે એણે કોઈ ભાડવાત શોધવાનો હતો. શ્યામે નક્કી કર્યું કે પોતે કોઈ પાર્ટ ટાઈમ કામ કરીને ભાડા જેટલા રૂપિયા કમાઈ લેશે અને એના બાપાને નિયમિત ભાડું મળતું હશે તો એ ફ્લેટ સુંધી લાંબા થવાની જહેમત ક્યારેય નહિ કરે. શ્યામ અને તોરલે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. કોલેજના સમયે બંને એમના ફ્લેટમાં મળતા અને પતિપત્નીની જેમ સાથે જીવતા. સાંજ ઢળે તોરલ એના ઘરે અને શ્યામ એના ઘરે. કોઈક વખત પીકનીક તો કોઈક વખત બહેનપણીના લગ્ન આવી જતા! ક્યારેક એક્ષ્ટ્રા ક્લાસ તો ક્યારેક સખી સાથે બેસીને આખી રાત વાંચવાનો પ્લાન બની જતો.

અ તમામ સમય દરમિયાન શ્યામ તોરલને સાચવતો. એના મોબાઈલના રીચાર્જને લઈને એના નવા કપડા, પર્સ, હલકા સોનાના ઘરેણા સુંધી શ્યામે એને અપાવેલા. કોલેજનું હવે આ છેલ્લું વરસ હતું. થોડા સમયમાં પરીક્ષા અને ભણવાનું પૂરું. શ્યામે વિચાર્યું કે હવે તોરલના માબાપ વિરોધ કરે તો પણ વાંધો નહિ આવે. તોરલ અને પોતે પતિ પત્નીની માફક આટલા વખતથી રહે છે, એ જાણ્યા પછી કોઈ બીજો તો તોરલ સાથે લગ્ન કરવા રાજી નહિ જ થાય. છેવટે એ લોકો જખ મારીને તોરલને પોતાની સાથે પરણાવશે ! એ લોકો તોરલને પહેર્યા કપડે વળાવી દે તોય પોતાને કોઈ વાંધો નથી. મમ્મી પપ્પા થોડા દિવસ સમાજની ચિન્તા કરશે પછી એ લોકોય માની જશે. શ્યામે હવે એના પપ્પાને ખુશ કરવા એમના ધંધામાં પણ ધ્યાન દેવાનું શરુ કરી દીધું હતું. અત્યાર સુંધી એણે પપ્પાનો ધંધો નહતો કરવો, પોતાનું ભાગ્ય પોતાની જાતે ઘડવું હતું પણ હવે તો તોરલ જ એનું ભાગ્ય હતી.

“ શ્યામ...” શ્યામના દોસ્ત કિશને શ્યામને જોઇને બુમ મારેલી. “ક્યાં ફરે છે યાર? કેટલા દિવસોથી મળ્યો નથી? શું ચાલે છે? કોઈ નવા જૂની..?” કિશન શ્યામનો મિત્ર અને પિતરાઈ ભાઈ થતો હતો. બંને લગભગ સરખી જ ઉમરના હતા. કિશન શહેરના બીજા છેડે રહેતો એટલે શ્યામને મળવાનું ઓછું થતું.

“કશુંય ખાસ નથી યાર! કોલેજથી છૂટીને પપ્પા સાથે દુકાને બેસું છું એટલે બહાર નથી નીકળતો.”

“અરે વાહ! એટલે બાપાનો ધંધો જ કરવાનું નક્કી કરી લીધું એમને? સારું છે, પણ એય કોઈ છોકરી પટાવી કે નહિ? કોલેજ લાઈફનો પૂરો અનુભવ લીધો કે!” કિશને આંખ મારી.

“પૂરે પૂરો લીધો. તારી ભાભી શોધી પણ લીધી અને બનાવી પણ લીધી હવે બસ, મમ્મી પપ્પાને મળાવવાની છે!” પછી શ્યામે એણે બધી વાત કરી.

“અરે તૂ તો ઘણો આગળ વધી ગયો સાલા ! બોલ ભાભીને ક્યારે મળાવે છે ?”

“આજે જ ચાલ.” શ્યામ કિશનને તોરલ પાસે લઇ ગયો.

તોરલને જોઇને કિશન ઉદાસ થઇ ગયો હતો. એકલા પડતા જ એણે કિશનને કહ્યું, “તું છેતરાઈ ગયો યાર! આ છોકરી તારો ફાયદો ઉઠાવી રહી છે.”

“તું કહેવા શું માંગે છે?” શ્યામે પૂછ્યું.

“એ પરણેલી છે. એનો ઘરવાળો પેલા શ્રીધરકાકાની ઓફિસમાં કામ કરે છે. સીધો સાધો છોકરો છે અને આના ખર્ચા પહોંચી નથી વળતો એટલે બંને વચ્ચે વારંવાર ઝઘડાં થાય છે. હમણા જ એ કહેતો હતો કે એની પત્નીએ એક બકરો ફસાવ્યો છે. એ એના દરેક મોજશોખ પુરા કરે છે એટલે પોતાને શાંતિ છે. એનેય એ વાતથી જરાય ફરક નથી પડતો કે એની પત્ની કોઈ પુરુષ સાથે ફરે! બંને એક નંબરના સ્વાર્થી અને લોભી છે!”

કિશનની વાતો સાંભળીને શ્યામના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ! એ માની જ નહતો શકતો કે એની તોરલ આટલી હલકટ હોઈ શકે. એણે તો એના મા બાપની ઈજ્જત કેટલી વ્હાલી હતી, એટલે તો એ ભાગી જવાની ના કહેતી હતી. આખરે એક દિવસ શ્યામે તોરલને વિધિવત લગ્ન કરી લેવા કહ્યું. એ ના માની. શ્યામે ગુસ્સે થઈને કહી દીધું કે પોતે એની અસલિયત જાણે છે. એના લગ્ન થઇ ગયેલા છે એ વાત એ જાણી ગયો છે. તોરલ હસી પડી,

“હા મારા લગ્ન થઇ ગયેલા છે તો? ફરિયાદ કરીશ? કોને? મારા પતિને? જા કરીલે, તારાથી થાય એ કરી લે.”

“તું આટલી હલકટ હશે એવું વિચારેલું પણ નહિ? અત્યાર સુંધી મારી સાથે ફક્ત પૈસા માટે સંબંધ રાખેલો! પૈસાની લાલચી ડાકણ!”

“ચાલ એય બહુ થયું તારું ભાષણ હો! હું પૈસાની લાલચી તો તુયે દુધે ધોયેલો નથી. તે મને રૂપિયા મફતમાં નથી આપ્યા. એની પુરેપુરી કીમત વસુલ કરી છે સમજ્યો! મારી સાથે જે મજા કરીને એના બદલામાં રૂપિયા આપ્યા એમ સમજી જજે.” તોરલ ચાલી ગઈ.

શ્યામ હજી વિચારે છે, એણે તોરલને સાચો પ્રેમ કરેલો. એની સાથે જે મજા કરી એ વખતે મજા પોતે એકલાએ કરેલી? એય પણ તો ભાગીદાર હતી એમાં સરખે સરખી, તો પછી પ્રેમ કેમ એને એકલાને જ થયો? આ દર્દ, આ તડપ એણે એકલાનેજ કેમ મળી? આખી જીંદગી હવે એ કોઈ બીજી યુવતીને ક્યારેય પ્રેમ નહિ કરી શકે! એના માટે ગુનેહગાર કોણ?

થોડો સમય રહીને તોરલે શ્યામને ફોન કરેલો, ફરીથી પહેલા જેવો સંબધ રાખવા. શ્યામે હવે એને ‘ના’ કહી દીધી. એકવાર એ છેતરાઈને ફસાયો હતો રૂપાળી જાળમાં પણ હવે ફરી એ રસ્તે એ ક્યારેય નહિ જાય.

તોરલ આજેય શ્યામને યાદ કરે છે, શ્યામ એને ભૂલ્યો નથી બરોબર યાદ રાખી છે!