head and tell books and stories free download online pdf in Gujarati

હેડ ઓર ટેલ ( ટોસ )

અંકિતાને જરાયે ટેન્શન નહોતુ. એ એના પપ્પાને એકદમ ઓળખતી હતી. એટલે જ તો ખાતરી હતી કે ધ્યેયને એકવાર મળી લે પછી ચોક્કસ ....પોતાની દીકરીની પસંદ બદલ ચોક્કસ ગર્વ અનુભવશે.

ત્યાં રિંગ વાગી. અંકિતાએ ધ્યાન આપ્યુ, પપ્પા વાત કરી રહયા હતા. "આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને આવી વાત, કરી જ લેવા દો બન્નેને લગ્ન , આપણી પાર્ટીને એ લોકોના પણ વોટ મળશે. થોડી હોહા થશે પણ, ધીમે ધીમે શાંત પડી જશે...થોડા દિવસ બહાર ફરવા મોકલી દેવાના બન્નેને."

મમ્મીએ પ્રશ્નાર્થ સૂચક આંખે જોયું. પપ્પાએ જવાબ આપ્યો, " આપણી પાર્ટીના કાર્યકર છે, એમનો દિકરો બીજા ધર્મમાં પ્રેમલગ્ન કરવાનો છે..જયંતભાઈ ખચકાય છે ...પણ કંઇ વાંધો નહીં આવે થોડી હોહા થશે..પણ થોડા દિવસ બહાર મોકલી દેવાના બન્નેને." અંકિતાને જાણે કોઇક ખુશખબર મળ્યા હોય એવુ લાગ્યુ. ધ્યેય તો પોતાના જ ધર્મનો હતોને, બસ જ્ઞાતિ અલગ હતી.

આટલા આધુનિક વિચારો વાળા પપ્પા પર એ મનોમન ગર્વ અનુભવતી. એની અને ધ્યેયના સમ્બન્ધનું નીમીત્ત એની સખી નીમીતા બનેલી. એનો ભાઈ હતો ને ધ્યેય. એટલે તો ઘરમાં કોઈને શંકા ન ગયેલી. નીમીતાને ત્યાં બધાને ખબર હતી અને અંકિતા તો ગમે જ ત્યાં બધાને..પોતે હતી જ એવી ને..બન્ને ગાલમાં ખંજન..નાજુક, નમણી..અને આજકાલની છોકરીઓમાં ન જોવા મળે એ વિવેક. રાજકુમારી જ લાગતી અંકિતા.

મમ્મી ઘણી વાર કહેતા કે તારા માટે તો રાજકુમાર શોધવો છે. પોતે મનમા વિચારતી કે ધ્યેય ક્યાં કમ છે કોઈ રાજકુમારથી...ધ્યેય તો એના પર ઓળઘોળ હતો. એ કહેતો કે," તને પસંદ નથી ને તો લસણ ડુંગળી છોડી દઈશ. તું કહે તો રાત તું કહે તો દિવસ." ધ્યેય સોફ્ટવેર કંપનીમાં જોબ કરતો હતો. પોતે કહેતી કે એવો ત્યાગ માંગે એ પ્રેમ જ ન કહેવાય.

રાત્રે એને પપ્પાએ બોલાવી, મમ્મી પપ્પા બન્ને સાથે બેઠેલા. અંકિતા ને લાગ્યું કે કઈક ગંભીર વાત છે, પપ્પાએ વાત માંડી...સારૂ છે ચીફ મિનિસ્ટર આપણી જ જ્ઞાતીના છે, મને આ ચૂંટણીમાં ટીકીટ મળવાની જ. અંકિતા તો ખુશ થઈ ગઇ. ત્યાં પપ્પાએ કહ્યુ.."ચીફ મિનીસ્ટરનો ભત્રીજો છે..તુ ઓળખે જ છે ને..વિનય...તારા માટે માંગુ છે એનુ." અંકિતાને સખત અણગમો થયો..એ વિનયની તો બધા મજાક ઉડાવતા. વિદ્યા વિનયથી શોભે છે ને એવું બધુ. અધવચ્ચે દસમામાં ફેલ થઈને ભણવાનું છોડેલુને. આ તો સી.એમ.નો ભત્રીજો થયો એટલે ભાઈ રૂવાબ મારવા માંંડેલા. એક બે વાર વિનયે એ નીકળતી હતીને ભળતી સળતી કોમેન્ટ કરેલી. અંકિતા વીફરેલી અને બરાબરની ચોપડાવેલી... એ વિનય ભણવામાં તો ઢ હતો એટલે વહેલો બેસી ગએલો એના પપ્પાના બિઝનેસમાં.. મેનર્સ પણ નહોતી. પપ્પાને કેમ વિચાર જ નહી આવતો હોય...આવા ઢંગઘડા વગરના છોકરા માટે...એના કરતા ધ્યેય ક્યાંય સારો. કેટલું માન આપતો હતો પોતાને. એને તો સિડનીમાં કોઈ પ્રોજેક્ટ માટે ટ્રાન્સફર પણ મળવાની હતી.

અંકિતાની એક ફ્રેન્ડ અક્ષરા સિડની હતી. ગયા વર્ષે જ પરણી ને ગયેલી. એ ફેસબુક..વહોટસપથી ટચમાં હતી. ત્યાંની વાતો, ત્યાંનો બીચ...એના મસ્ત પીકસ જોઈને અંકિતા એ કલ્પનાઓમાં પોતાને ગોઠવી દીધી હતી. ધ્યેય સાથે પોતે સિડનીમાં..સપનાઓમાં ખોવાઇ જતી. પોતે બીચ પર શુ પહેરશે..વિચારતી. અહિયાં તો પપ્પાને પોતે બહુ ફોરવર્ડ કપડા પહેરે એ ગમતુ નહીં. એને યાદ આવ્યુ, વિનયની ભાભી દૂરના સગામાં હતી નમીતાના તો નમુ કહેતી કે બિચારી ફસાઈ ગઇ છે...સ્લિવ્લેસ કપડા નહીં પહેરવાના..ગળેથી દુપટ્ટો ન હટવો જોઈએ..એની ઇચ્છાનુ તો મહત્વ જ નહી..જેમ એના સાસુ કહે એમજ કરવાનું. પિયર જવાની રજા પણ બબ્બે વર્ષ ન મળતી એને. પોતે થથરી ગઇ...આવા બંધિયાર વાતાવરણમાં ..પોતે...ના બાબા ના.

એણે મમ્મીને વાત કરી.. કે આ લોકોતો બહુ સંકુચિત છે...તો મમ્મીએ તો આઘાત આપ્યો પોતાને...મમ્મી કહે "એ બધુ બે ચાર વર્ષ ચલાવવું પડે. પૈસા અઢળક છે, સમાજમાં નામ છે ને હવે તો સી. એમ. ના સગ઼ા છે, તારા પપ્પાને ટીકીટ તો જ મળશે જો તું હા કહીશ." ઓહ તો આ સોદો હતો. અંકિતા માથે હાથ દઇને બેસી પડી.

એણે સવારે મમ્મીને વાતમાંથી વાત કરી જોઇ...કે એક છોકરો મને ગમે છે..ત્યાં મમ્મી તો ઉપડી જ પડ્યા.. જાણે પપ્પાને ટીકીટ અપાવવાની, અને એ માટે વિનયને પરણવાની જવાબદારી પોતાની હોય એવુ વર્તન કરવા લાગ્યા.

અંકિતાએ નમિતાને વાત કરી..." ઓહ નો"... નમુ કહે, "એ રૂઢિચુસ્ત કુટુંબમાં ને એ પણ વિનય સાથે...નો વે...હુ તો કલ્પના પણ નથી કરી શક્તી." ધ્યેય તો માની જ નહોતો શકતો. અંકિતાએ પુછ્યુ " શુ કરવું...મારા ઘરે તો જાણે ફિક્સ જ હોય એવુ વાતાવરણ છે. "ધ્યેય કહે "તો પરણી જા."

અંકિતા કહે, '"કોને એ વિદ્યા વગર શોભતા વિનયને? ના હો હું મરી જઈશ પણ." ધ્યેયે હોઠે હાથ મુકી દીધાં. તારે જીવવાનુ છે મારી સાથે. હજીતો ઓસ્ટ્રેલિઆ, પેરિસ, યુએસએ...કેટલાએ હનીમૂન મનાવવાના છે.'

અંકિતા એકદમ હતાશ થઈ ગયેલી. ધ્યેય કહે "તારે સાચા હીરાના કન્ગન પહેરીને વિનય શાહનુ રસોડું સભાળવું કે મારી સાથે સિડની આવીને બીચ પર ડુબતો સૂરજ જોવો...એ નક્કી તો તારે જ કરવુ પડે...હા હું એટલી ખાત્રી આપુ કે જો તુ મને મળે તો તને તારા નિર્ણય પર પસ્તાવો થાય એવુ કઇ જ નહી કરૂ. જીંદગી ભર તારો દોસ્ત કમ પ્રેમી બનીને રહીશ...પતિ બનીને અધિકાર બતાવવાનો પ્રયત્ન ક્યારેય નહી કરૂ. "

અંકિતા થોડા દિવસ અવઢવમાં રીબાતી રહી ...ઘરમાં વાતો થતી હતી કે બસ ભાદરવો જાય એટલે સગપણ કરી દઈએ...અને દિવાળીએ લગ્ન. અંકિતાએ કેટલી વાર વિચારી જોયુ....ધ્યેય વગરની જીંદગી...વિનય સાથેની જીંદગી...પપ્પાની આજ્ઞા...આબરૂ...નિર્ણય જ નહોતો લઇ શકાતો.

એક વાર ટીચરે કહેલી વાત યાદ આવી. સરલા ટીચર એના ફેવરિટ હતા એ કહેતા કે " જ્યારે તમે મૂંઝવણમાં હો, નિર્ણય ન લઇ શકતા હો ત્યારે ટોસ કરવો, સિક્કો હેડ કે ટેલ જે સાઈડ પડે, પણ એે પહેલા જ તમારુ દિલ કહી દેશે કે તમારે શુ કરવુ જોઈએ." એ હળવી થઈ ગઇ.

વહેલી ઉઠી, નહાઈને સીધી ઘર મંદિરમાં, આંખો બન્ધ કરીને પ્રાર્થના કરી અને સિક્કો ઉછાળ્યો. હેડ ટેલ કઇ જોયા વગર હાથ ફેરવી ને લઇ લીધો અને સીધો ધ્યેયને ફોન કર્યો. બીજા દિવસે આર્ય સમાજમાં નક્કી થઈ ગયુ, કોલેજ જવાની બદલે નમુને ઘરે, ત્યાં તો નમુએ એને દૂલ્હન બનાવે જ છોડી. એ તો આભી રહી ગઇ. એક સ્ટોરમાં એણે આ લહેંગા જોયેલા પણ પ્રાઈઝ પૂછીને આંચકો લાગેલો. તો ધ્યેયે પાછળથી જઇને લઇ લીધેલો..ફેરા ફરતી વખતે માં અને પપ્પા બહુ યાદ આવ્યા પણ સાથે ટીકીટ અને વિનય પણ યાદ આવ્યા. લગ્ન પતાવી, જરુરી ફોર્મ્સ વગેરે ભરી, ચેંજ કરીને ઘરે આવી ગઇ.

મમ્મી એને જોઇ રહી..." આજે કેમ જુદી, આટલી ખુશ લાગે છે"....એણે વાત ફેરવી નાંખી. મેરેજ 3 દિવસમાં રજીસ્ટર્ડ થઈ ગયા, પાસપોર્ટ તો એણે ધ્યેયને આપી જ રાખેલો.

ઘરે વિનયનું આવવાનુ વધી ગયેલું, પણ એ બહુ સાહજિક રીતે વર્તતી... જોકે નજીક પણ ન આવવા દેતી. પપ્પા ટિકિટના સપના જોતા....અને ધ્યેયનો ફોન આવ્યો," વિઝા આવી ગયા!"

ધ્યેયના ફેમિલીની ઇચ્છા હતીકે...એ લોકો નીકળી જાય પછી જ ન્યુઝ બ્રેક થાય તો સારુ. પપ્પાની રાજકીય વગથી ડરતા હતા એ લોકો. ધ્યેયે કહી દીધેલું કે પૈસા, ડેબિટ કાર્ડ, પોતે પહેરતી હતી એ ગોલ્ડ ચેન, બધુ જ મુકીને આવે, એક રૂપિયો પણ સાથે ન હોવો જોઈએ. ખરીદી તો નમુ સાથે થોડી થોડી કરી લીધેલી.

પ્લેનની વિન્ડોમાંથી ઇન્ડિયા જતુ જોઈને એ રડી પડી. ધ્યેયે એને શાન્તિથી રડવા દીધી.

એનો ફોન સ્વીચ ઓફ કરી દીધેલો, સિડની પહોંચીને જ ઓન કરવાનું નક્કી કરેલુ. ઇંન્ટરર્નેશનલ રોમિંગ પણ પહેલા જ કરાવી લીધેલુ.

ત્યાં ધ્યેયના કઝીને ફ્લેટ બુક કરી રાખેલો એમના માટે એટલી જ ખબર હતી. થોડુ અડવુ લાગ્યું, આમ સાવ ખાલીખમ ગૃહપ્રવેશ..પણ પહોંચતા તો છકક થઈ ગઇ. આરતીની થાળી...કન્કુ..ચોખા બધુ તૈયાર હતુ. અને ભાવિન...ધયેયનો કઝીન..એની પત્ની રિયા..બધાએ બહુ દિલથી આવકાર્યા. રિયાએ હસતા હસતાં કહ્યુ કે ઘર ગમ્યુ કે નહીં...એ તો છકક થઈ ગઇ...બધુ એની પસંદ પ્રમાણે પિન્ક કલરમાં શણગારેલૂ. ઘરમાં એકે વસ્તુ કે સાધનની કમી નહી. જમવામાં ખાંડવી, ફ્રુટ સલાડ અને પનીર ટીક્કા...બધુ જ લસણ ડુંગળી વગર...જોઈને એ અભિભૂત થઈ ગયેલી, અક્ષરાએ તો એને કહેલું કે ઘર સેટ કર્યું ત્યાં સુધી બ્રેડ બટર ખાઈને ઉબાઇ ગયેલી..અને આમણે અહિયા ઓસ્ટ્રેલિયામાં આવતા પહેલા જ આ બધુ પરફેક્ટ એરેન્જ કર્યું.. ધ્યેય આ હદે એની પસંદ સાચવે...ખુશી સમાતી નહોતી.

સન સેટ જોવા બીચ પર ગયાને અચાનક યાદ આવ્યુ. ફોન ડરતા ડરતા ઓન કર્યો. તરત રિંગ વાગી. એણે કટ કરીને વહોટસપ પર લગાવ્યો.. પપ્પાનો ઉશકેરાએલો અવાજ એ સાંભળી રહીં...."ક્યાં ગાયબ થઈ ગઇ છો કાલની.... જયાં છુપાઈ હો ત્યાંથી બહાર નીકળ...હા ના કઇ નથી કરવાનુ... વિનય સાથે હસતા મોઢે રિંગ પહેરી લેવાની છે...આટલા વર્ષે ટીકીટ મલે એમ છે ને તે નખરા શરૂ કર્યા...ખબર છે એ વિન્યો થોડોક ઝાંખો પડે તારી સામે, વાણીયા જેવી અક્કલ પણ નથી... પણ એટલુ તો મારા માટે ચલાવી લે. ન ગમે તો ચૂંટણી પછી ડીવોર્સ લઇ લેજે."

પપ્પાની આટલી સ્વાર્થી... શરમજનક વાત સાંભળીને અંકિતા જડ બની ગઇ.

ધ્યેયે એના હાથમાંથી મોબાઇલ લઇને શાંતિથી લગ્ન, અહિયા સિડની આવવું, બધી જ વાત કરી દીધી, અને મોબાઇલ કટ કરી અંકિતાના ખમ્ભે હાથ વીંટાળી સનસેટ બતાવવા લાગ્યો. અંકિતાની આંસુ તગતગતી આંખોમાં જાણે સૂર્યોદય થઈ રહ્યો હોય એવું લાગ્યુ.