Dhartinu Run - 10 - 3 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 10 - 3

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

ધરતીનું ઋણ

ભાગ - 3

ઘનઘોર રાત્રીનો અંધકાર છવાયેલો હતો. મોસમનો મિજાજ બદલાયેલો લાગતો હતો. આકાશ કાળાં વાદળોથી ઘેરાયેલું હતું. થોડી થોડી વારે આકાશમાં એક દિશાથી બીજી દિશા તરફ વીજળીના લિસોટા થતા હતા.

ઘુઉઉઉ...બાવળની ઝાડીઓને ચીરતો સુસવાટાભર્યો પવન વાઇ રહ્યો હતો. થોડી થોડી વારે ચારે દિશામાંથી શિયાળોની લાળીઓના ચિત્કારના અવાજો આવતા હતા.

કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ શર્મા ઘનઘોર જંગલમાં આગળ વધી રહ્યા હતા. રાત્રીના ભયાનક વાતાવરણની તેઓના ચહેરા પર કોઇ જ અસર જણાતી ન હતી.

ધડડડ...ધડુમ, ટર...ટર… ટરરર...વીજળીના પ્રકાશપુંજ સાથે આકાશમા ગર્જનાનો ભયાનક શોર ગુંજ્યો અને પછી સાંભેલાધાર વરસાદ શરૂ થઇ ગયો. થોડીવારમાં જ સૌ પલળીને તરબોળ થઇ ગયા.

‘સાલ્લા...એક આફત જાય છે અને બીજી આફત ટપકી પડે છે. ભગવાન જાણે આ આનંદ શર્માને તેના સાસરે વળાવવા સુધી હજી કેટલી આફતનો સામનો કરવો પડશે...’ કદમ બબડતો હતો.

‘ભાઇ કદમ...આફત તો આપણી જિંદગી સાથે વણાયેલી છેં. તું ખામખા આનંદને દોષ દે છે. તને આ લાઇફમા મઝા ન આવતી હોય તો પડ્યો જ શું કામ...?’ હસતાં...હસતાં પ્રલય બોલ્યો.

‘હા...ભાઇ, તને તો મઝા આવે છે. તું તો દુનિયાનો મહાન જાસૂસ બનવા માંગે છે. પણ હું તો તમને સૌને હેમખેમ કચ્છ પહોંચાડી દઉં એટલે મારી ફરજ પૂરી, પછી તો સીધો જ કાકા સોમરસના હાથમાં મારા રાજીનામાનો ફળફળિયો પકડાવી દઇશ શું સાલ્લી આ જિંદગી છે, ન રોમાંસ, ન લગ્ન, બસ એક દિવસ કચ્છ જઇ રણની રેતી ફાકો તો એક દિવસ ચાઇના બોર્ડરમાં જઇ બરફ ફાકવાનો તો ક્યારેક આ સાલ્લા પાકસ્તાનના બાવળના જંગલમાં કાંટાના હાર પહેરો અને સાથે જુઓ તો ખરા જ્યારે મિશનમાં જઇએ ત્યારે ભયાનક વરસાદ અને તોફાન તો સાથે જ હોય...’ કદમ બબડ્યો જ જતો હતો.

‘પણ કદમ તને તો વરસાદ...આવું વાતાવરણ ખૂબ ગમે છે. એમ તું અવાર-નવાર કહેતો હોય છે,’ આદિત્યે પૂછ્યું.

‘અરે ભાઇ...વરસાદ ગમે, આવું વાતાવરણ ગમે પણ જો આપણે કોઇ હિલ સ્ટેશન પર હોઇએ સાથે સુંદર છોકરી હોય, રોમાંસ હોય તો જ...’

ધડડડ...ધડુમ...વીજળીના તેજલિસોટા સાથે આકાશમાં ભયાનક ગર્જના થઇ.

વીજળીના તેજ પ્રકાશથી આખું જગત ઉજાગર થયું અને સૌથી આગળ ચાલતા અને બળ-બળ કરતા કદમના મોંમાંથી એક ચીસ સરી પડી અને તે બે કદમ પાછળ હટી ગયો, અને પ્રલય સાથે ભટકાયો.

‘બાપ રે...’

‘શું થયું કદમ...’ પોતાની સાથે ભટકાયેલા કદમનાં બંને બાવડાંને હાથના પંજાથી પકડતાં પ્રલય આશ્ચર્ય સાથે બોલ્યો.

‘અજગર...જુઓ સામે બાવળના વૃક્ષ પર જડબું ફાડીને અજગર લટકી રહ્યો છે. વીજળીનો પ્રકાશ થયો ન હોત તો ચોક્કસ મારું માથું તેના ફાડેલા જડબામાં સમાઇ ગયું હોત, સાલ્લા આવા ને આવા...જીવો કોણ જાણે કેમ મારા સાથે જ ભટકાય છે.’

સૌ ચમકીને સામે જોવા લાગ્યા.

એક વિશાળકાય અજગર તેના રસ્તા પર આગળ એક વૃક્ષ પર લટકતો હતો. તેનું મોં શિકારને પકડવા માટે પહોંળું થયેલું હતું. તેના પહોળા થયેલ મોંની અંદર લબકારા મારતી જીભ આમથી તેમ સરી રહી હતી. તેનું માથું થોડી-થોડી વારે ડોલી રહ્યું હતું. અને ભયાનક સળગતા કોલસાન અંગારા જેવી તગતગતી લાલ આંખો અંધકારમાં પણ ચમકી રહી હતી.

‘અરે...મારા બાપ, તારા રસ્તામાં આવવાનો મારો કોઇ જ ઇરાદો ન હતો. આ બધો વાંક આ સાલ્લા...આનંદ શર્માનો છે. વગર કારણે રઘવાયા ઢોરની જેમ પાકિસ્તાનમાં ઘૂસી આવ્યો. નહીંતર મને સ્વપ્ન નહોતું આવ્યું કે ભાઇ કદમ તું પાકિસ્તાન જા અને આ ભયાનક જંગલમાં રખડ. મારા બાપ...તારે માંસ ખાવું હોય તો આનંદ શર્માનું ખા અને ખરેખર તેનું માંસ મીઠું હશે અને હું રહ્યો કચ્છનો વતની, ખારા અરબી સમદ્રની પેદાશ યાર...મારી અંદર જોખી...જોખી...ને નક્કર ભર્યું છે...ભાઇ મને તો માફ કર...’ બે હાથ જોડી કદમ બબડતો હતો.

અને જાણે તેની વાત સાંભળતો હોય, સમજતો હોય તેમ અજગર આમથી તેમ ડોકું ધુણાવતો તેની સામે જોતો હતો.

‘હવે તારો બબડાટ બંધ કર અને ચાલ...’ પાછળથી શર્ટ ખેંચતાં પ્રલય બોલ્યો.

‘શું જમાનો આવ્યો છે. કોઇની સાથે વાત કરવા પણ દેતા નથી, આ ગુનો છે...? પ્રલય ભારત ચાલ એટલીવાર છે. તારા પર તો હું કેસ કરવાનો છું.’

‘હવે કેસવાળી...ચાલને આમે, હવે બબડાટ કર્યો છે તો અંતરે ચક્કર લગાવી આગળ વધ્યા. ’

અને સૌ જે સ્થળ પર અજગર લટકતો હતો તેનાથી થોડા અંતરે ચક્કર લગાવી આગળ વધ્યા.

સૌ એકદમ પલળી ગયા હતા. ભયાનક અંધકાર ભરી રાત્રીના ગાઢ જંગલમાં બાવળની ઝાડીમાં રસ્તો કરતા-કરતા આગળ વધતા રહ્યા તેઓનાં કપડાં ચારે તરફથી બાવળના કાંટા લાગવાથી ચિરાઇ ગયાં હતાં.

લગભગ સવારના ચાર વાગ્યાના ટાઇમે વરસાદ બંધ થયો. આખી રાત પલળતા-પલળતા ચાલી-ચાલીને સૌ થાકીને લોથ-પોથ થઇ ગયા હતા. ત્રણ-ચાર કલાકનો રસ્તો કાપવામાં તેઓના પાંચ કલાક વીતી ગયા હતા. લગભગ જંગલ પૂરું થવા આવ્યું હતું. સામેની દિશામાં ઘૂઘવાતો સમુદ્ર નજરે પડતો હતો. તેના ઘુઘવાટનો ભયાનક શોર સંભળાઇ રહ્યો હતો.

જંગલમાંથી બહાર આવ્યા બાદ સૌ સમુદ્ર તરફ આગળ વધ્યા અને સમુદ્ર કિનારે રેતીમાં લેટી પડ્યા. સૌ થાકીને લોથ-પોથ થઇ ગયા હતા. આંખો બળતી હતી. વરસાદમાં આખી રાત પલળવાથી શરીર પૂરું જકડાઇ ગયું હતું.

‘હાશ...છૂટ્યા...’ રેતીમાં ઊંઘા સૂઇ જતાં કદમ બોલ્યો.

‘છૂટ્યાવાળી...દિવસનો ઉજાસ થાય તે પહેલાં બોટ ચોરાવી અહીંથી ભાગી છૂટવાનું છે, સમજ્યો.’

‘’હાય...રે નસીબ, સાલ્લું શું જિંદગી છે... કદમ બબડતો રહ્યો.

વરસાદ બંધ પડી ગયો હતો, પણ આકાશ પૂરું વાદળોથી છવાયેલું હતું. તેની લીધે હજી પણ ચારે તરફ ગાઢ અંધકાર છવાયેલો હતો.

પ્રલય, કદમ, આદિત્ય અને આનંદ ખૂબ જ સાવચેતીપૂર્વક સમુદ્ર તટ પર આગળ વધી રહ્યા હતા. વાતાવરણમાં છવાયેલી ચિર શાંતિમાં દરિયાનાં ઊછળતા મોજાનાં ઘુઘવાટને અવાજ ભયાનક લાગતો હતો.

જુઓ ત્યાં બે-ત્રણ બોટ પડેલી દેખાય છે...કદમે દરિયા તરફ આંગળી ચીંધી, છવાયેલા ધુમ્મસ પેલે પાર ખૂબ જ ધૂંધળી ર્દશ્યમાન થતી અને પાણીનાં મોજાં પર હાલક-ડોલક થતી બોટો બતાવતાં ધીરા અવાજે બોલ્યો.

હા...ધુમ્મસમાંથી ધૂંધળી-ધૂંધળી દેખાય છે. આપણે ચૂપાચૂપ દરિયામાં તરીને તે બોટ પર પહોંચવું પડશે, પહેલાં હું તે બોટ પર જઇશ. કદાચ બોટ પર કોઇ માણસની હાજરી હોઇ પણ શકે છે. હું જઇ તપાસ કરી આવું, મને માચીસ આપ, હું દીવાસળી સળગાવીને તરત પાણીમાં ઘા કરી દઇશ, એટલામાં તમે ‘‘બધું બરોબર છે’’ તે સમજી જજો અને તરત આવી પહોંચજો.

‘પ્રલય...ખ્યાલ રાખજે ભાઇ જરૂર પડે તો તરત હું પહોંચી આવીશ...’ પ્રલયના હાથમાં માચીસ આપતાં કદમ બોલ્યો.

‘ઓ...કે...’ કહી પ્રલયે માચીસને રૂમાલ માથા પર બાંધી તેમાં ખોસ્યો જેથી તે પાણીમાં પલળી ન જાય પછી કમર-પટામાંથી ખંજર કાઢી હાથમાં લઇ તે દરિયાના ઊછળતા પાણી તરફ આગળ વધી ગયો.

કાદવ-કીચડમાં ધીરે-ધીરે પગ માંડતો પ્રલય આગળ વધી રહ્યો હતો. હ્રદયને કોરી ખાતા ભયાનક ઘુઘવાટના અવાજ ભયાનક અંધકારભર્યા વાતાવરણમાં મક્કમતાથી પ્રલય આગળ વધ્યો. ધીરે ધીરે તે દરિયાના પાણીમાં પ્રવેશી ગયો. આ તરફનો દરિયો છીછરો હતો, દરિયાના પટ તરફ બહુ પાણી ન હતું.

‘‘મા ભવાની’’ બસ સૂર્યોદય થાય તે પહેલાં પાકિસ્તાનની ધરતી થોડી દઇએ, તેવા આશીર્વાદ આપજો મા, પ્રલય મનમાં માને પ્રાર્થના કરતો હતો.

હવે દરિયાનાં પાણી તેની કેડ સુધી આવતા હતાં. તે માંડ-માંડ આગળ વધી શકતો હતો. સમુદ્રમાં ઊછળતાં મોજાં તને વારંવાર પાછળ ધકેલતાં હતાં.

થોડા આગળ વધ્યા પછી તેણે તરવા માડ્યું. તે દરિયાના પાણી પર તરતો આગળ વધી રહ્યો હતો. ત્યાં પડેલી બોટથી ખૂબ નજદીક આવી ગયો હતો.

બોટો પાસે પહોંચી તેણે એક બોટનો કઠોળો પકડી લીધો. અને ત્યાં ઊભા રહીને બોટ પર છવાયેલા અંધકારમાં ઝીણી આંખોએ નિરીક્ષણ કરવા લાગ્યો. તે થોડે-થોડે ક્ષણે સમુદ્રનાં મોજાં સાથે ઉપર-નીચે ઊછળતો હતો. તેણે હાથમાં પકડેલા ખંજરને કમરપટા પર ખોસ્યુ.

બોટ પર કોઇ હોય તેવું તેને લાગ્યુ નહી, તે બોટના પાછળ પાછળના ભાગ તરફ સરક્યો અને ત્યાં બોટના પાટિયાને હાથના પંજાથી પકડીને હાથના પંજાના જોર પર શરીરને ઊંચકીને બોટ પર ચડી ગયો. અને મગરની જેમ બે હાથ-બે પગથી બોટના ફર્શ પર સૂતાં-સૂતાં આગળ વધ્યો. બોટ પર પાણીના ઘુઘવાટના અવાજ સિવાય સન્નાટો છવાયેલો હતો. બોટ ખાલી હતી, ત્યાં જ કોઇ જ ન હતું. તે બોટની પાસે બે બોટ પડી હતી. પણ તેનું અંતર થોડું વધારે હતું. બોટની પૂરી તપાસ કર્યા બાદ તે બોટના ડેક પર આવીને ઊભો રહ્યો અને માથામાં બાંધેલા રૂમાલમાં ખોસેલ માચીસ બોક્સને બહાર ખેંચી તેણે એક દીવાસળી સળગાવી અને ઝડપથી પાણીની અંદર ઘા કરી.

એક ક્ષણ માટે પ્રકાસપુંજ ફેલાયો પણ બીજી જ ક્ષણે ફરીથી અંધકાર છવાઇ ગયો.

‘ચાલો… ચાલો… જલદી… પ્રલયનો સંકેત મળી રહ્યો છે. તે બોટ પર પહોંચી ગયો છે.’ દરિયાના પાણી તરફ આગળ વધતાં કદમ બોલ્યો.

અને થોડી જ વારમાં સૌ બોટ પર પહોંચી ગયા. પ્રલયે હાથ લંબાવી એક પછી એક કરી સૌને બોટ પર લીઘા, ત્યારબાદ પાણીની અંદર પડેલા લંગરને ખેંચી ઉપર લીધું અને બીજી બોટો સાથે બાંધેલ એક રાંઢવાને પ્રલયે છૂરાથી કાપી નાખ્યો, બોટ પર લાગેલા સઢને છોડી ઊલટી દિશા તરફ ફેરવી સૌ હલેસાં મારવા લાગ્યા.

બોટ ધીરે-ધીરે દરિયાન પાણીમાં સરકવા લાગી. સૌના મોં પર અતિરિક્ત આનંદ છવાયેલો હતો. હવે બસ થોડી જ વાર પછી તેઓ કચ્છની બોર્ડરમાં ઘૂસી જશે.

દસ-દસ વર્ષથી કરાંચીની જેલમાં સડતો આનંદ શર્મા તો બેહદ ખુશ દેખાતો હતો.

સૂર્યનું પહેલું કિરણ ધરતી પર પડ્યું, ત્યારે તેઓ કરાંચીથી ઘણા દૂર નીકળી ગયા હતા, સૂર્યનો લાલા સિંદોરિયો ગોળો દરિયાના પાણીની સપાટી પરથી ધીરે-ધીરે ઉપર આવી રહ્યો હતો. ચારે તરફ સૂર્યનો લાલ પ્રકાશ જાણે વિજયનો ગુલાલ ચારે તરફ ઉછાળ્યો હોય તેમ વાતાવરણમાં છવાયેલો હતો. મંદ-મંદ ઠંડો પવન વાઇ રહ્યો હતો. આકાશમાં વાદળો દોડી રહ્યાં હતાં અને તેની સાથે જાણે રેસ લગાવી હોય તેમ મુક્ત ગગનમાં પક્ષીઓ ઊડી રહ્યાં હતાં. તેમના માટે કોઇ સરહદ ન હતી, ન પાકિસ્તાન ન હિન્દુસ્તાન બસ...ગગનમાં છવાયેલી ઠંડી આલ્હાદકતા ભરી મૂકતી. માનવજાત કરતાં બેહતર હતી, તેઓની મુક્ત જિંદગી.

ઘરરર...અચાનક સમુદ્રની ક્ષિતિજમાં અવાજ સાથે દૂર-દૂર એક ટપકું દેખાયું. સૌ ચોકી ઊઠ્યા અને આશ્ચર્ય સાથે તે દૂરદૂર દેખાતું ટપકું મોટું થતું જોઇ રહ્યાં.

‘સૌ સાવધાન થઇ જાવ...કદાચ કોઇ મોટરબોટ આપણા તરફ આવી રહી છે.’ ગંભીર મુદ્રા સાથે પ્રલય બોલ્યો.

‘જોયું ને સાલ્લું...આફતો આપણને છોડતી જ નથી..ચલો ભાઇ કદમ ફરીથી મરવા માટે થા તૈયાર ભાઇ...’’ કદમ બબડ્યો

‘કદમ..જો...જો...સામેથી આવતી મોટર-બોટ ખૂબ ઝડપથી આપણા તરફ જ આવી રહી છે. તે બોટ પર પાકિસ્તાનો ધ્વજ પણ ફરકે છે. મને તે પાકિસ્તાન નેવીની બોટ લાગે છે.’ હોઠ ચાવતાં પ્રલય બોલ્યો.

ખરેખર તે પાકિસ્તાન નેવીની બોટ હતી, અને બોટના આગળ ડેકના ભાગમાં ઇ.આફ્રિદી એક હાથે બોટ પરનું રાંઢવું પકડીને બેલેન્સ જાળવતો ઊભો હતો. બીજા હાથમાં તેની સર્વિસ રિવોલ્વર ચમકતી હતી.

પ્રલયે પોતાની રિવોલ્વર કાઢી.

નહીં પ્રલય જરાય ઉતાવળ ન કરતો રિવોલ્વર છુપાવી દે. તેઓ પાસે હેવી રેન્ઝની દૂરબીન ગન સાથે હશે. તેઓ આપણા પર નજર જમાવીને બેઠા હશે. જેવી તેમી નજરમાં તારા હાથમાંની રિવોલ્વર આવી ગઇ. એટલે તરત ફાયર કરશે અને આપણી આ રિવોલ્વરથી તું એક્જેકટ નિશાન નહીં લઇ શકે...આવવા દે સલ્લાઓને પડશે તેવા દેશું’ કદમ બોલ્યો.

‘તારી વાત તદ્દન સાચી છે.’ કમરમાં રિવોલ્વરને ખોસતાં પ્રલય બોલ્યો.

‘અરે...જુવો બોટ પર ઇ.આફ્રિદી ઊભો છે...’ આદિત્ય ચિલ્લાયો.

‘અરે...હા...તે ઇ.આફ્રિદી જ છે.’ બોટ નજદીક આવી જતાં તેના પરનું ચિત્ર હવે સ્પષ્ટ દેખાતું હતું.

ફક્ત પાંચ જ મિનિટમાં પાકિસ્તાન નેવીની બોટ તેઓની ખૂબ જ નજદીક આવી ગઇ.

ડેક પર પાકિસ્તાન નેવીને લગભગ છથી સાત કમાન્ડો ગન તાકીને ઊભા હતા, સૌથી આગળ ઇ.આફ્રિદી ઊભો હતો. તેના ચહેરા પર કાતિલ સ્મિત છવાયેલું હતું.

‘તમે સૌ પાકિસ્તાન નેવીના કમાન્ડો વચ્ચે ઘેરાયેલા છો. જરાય ચંચુપાત કર્યા વગર ઊભા રહેજો. નહીંતર આ ગનધારી કમાન્ડો તમારા શરીરને ગોળીઓથી છલની કરી નાખશે.’ સત્તાવહી અવાજ ઇ.આફ્રિદી બોલ્યો.

પાકિસ્તાન નેવીની બોટ, પ્રલયની બોટની ખૂબ જ નજીક આવી અને સ્થિર થઇ.

ભાગી છૂટવાનો કોઇ સવાલ જ પેદા થતો ન હતો કારણ કે પાકિસ્તાન નેવીની બોટ હેવી એન્જિનવાળી પેટ્રોલ બોટ હતી અને પ્રલય પાસે માછીમારોની સાદી હલેસાંવાળી બોટ હતી.

પાકિસ્તાન નેવીના કમાન્ડો તરત પ્રલયની બોટનો કબજો લઇ લીધો અને પ્રલય, કદમ, આદિત્ય અને આનંદને નેવીની બોટની અંદર લઇ લેવામાં આવ્યા.

અત્યારે સૌ લાચાર અવસ્થામાં કમાન્ડો વચ્ચે ઘેરાઇને નિશસ્ત્ર હાલતમાં ઊભા હતા. તેઓની સામે ઇ.આફ્રિદી રિવોલ્વર તાકીને ઊભો હતો.

‘તમને સૌને એમ હતું કે ઇ.આફ્રિદીને હાથતાળી આપી ભાગી છૂટીશું નહીં...?’ પણ માંરા બાળકો તમે મને ઓળખવામાં થાપ ખાધી છે. તમારા જેવા તો કેટલાય મગતરાઓને મેં કચડી નાખ્યા છે...’ ખંધુ હસતાં ઇ.આફ્રિદી બલ્યો.

‘અ...અ...અ… અરે...લ્યો બાપ એવું થોડું બને ? દીકરા બાપને ઓળખે નહીં...પણ બાપા...અમારી માને ક્યાં મૂકી આવ્યા છો, હેં...? મને મારી અમ્મા ખપે રે...અમ્મા...’ કદમ પોક મૂકીને સાચેસાચ રડવા લાગ્યો.

‘એય...સુવર...ચુપ...’ ક્રોધે ભરાયેલો ઇ.આફ્રિદી બોલ્યો. ‘તારી સવારી બંધ કર...અને સાંભળો હવે ઉંદર-બિલ્લની રમત હું અત્યારે ખતમ કરવા માંગુ છું. તમે કોણ છો. તે જલદી જણાવી દ્યો કેમ કે હવે હું તમને જલદી શૂટ કરી નાખવા માગું છું. તમે જણાવો તોય ભલે, ન જણાવો તોય ભલે, હવે ફક્ત દસ મિનિટનો જ સમય છે. તમારી જિંદગીનો, દસ મિનિટ પછી હું સૌને શૂટ કરી નાખીશ ને આ દરિયાના હવાલે કરી દઇશ. ખરેખર દરિયાઇ માછલીઓને સ્વાદિષ્ટ ભોજન મળશે.’

‘અબે ઓ ઉંદર...સાલ્લા...ઉંદર...બિલ્લીની રમતમાં ઉદરને જ ખત્મ થવાનું હોય છે. પણ ઉંદર મારી...અમ્મા...’ શરારતથી કદમ બોલ્યો.

‘ચુપ...હરામખોર...’ આફ્રિદી ક્રોધથી લાલ-પીળો થઇ ગયો.

‘ઇ.આફ્રિદી...અમે અહીં બોટમાં ભાગી છૂટ્યા છીએ તેની તમે કેમ ખબર પડી...’ પ્રલયે પ્રશ્ન કર્યો.

‘સાંભળ...કાલ જામા મસ્જિદ આગળની ચેક પોસ્ટ પાસે જ મેં તમને ઓળખી લીધા હતા. પણ ત્યારે તમે ઝડપથી મારી બાજુમાંથી પસાર થઇ ગયા હતા. તમારી ગાડીનો નંબર તો ત્યાં નોંધી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ અમે તમારો પીછો શરૂ કર્યો. પણ તમારી ગાડી અમારા હાથમાં ન આવી. આજ સવારના તે જ ગાડી મચ્છાર કોલોની પાસે ચેંકિગમાં પકડાઇ ગઇ અને તે ગાડીના ડ્રાઇવરને ધમારિયો પણ તેની જુબાન ન ખૂલી એટલે છેલ્લે તેને ગોળી મારી કરાંચીની ખાડીમાં ફેંકી દીધો.’

‘હરામખોર...જલીલ...તેં એક નેક ઇન્સાનને મારી નાખ્યો, સુવ્વરની ઓલાદ...’ ક્રોધથી બેકાબૂ બની કદમ ઇ.આફ્રિદી તરપ લપક્યો પણ પ્રલયે તેને પાછળ ખભાથી પકડી રાખ્યો, ‘નહીં. કદમ...શાંતિ રાખ.’ મૂક આશ્વાસન આપતાં પ્રલય બોલ્યો.

‘સુવર...હરામખોર...કમીના...કૂતરા... અરે...દે ભાઇ દે જેટલી ગાળો દેવી હોય તેટલી દે. પણ પાંચ મિનિટ પછી તું સદાને માટે ખામોશ થઇ જવાનો છે..’ ક્રૂર અટ્ટહાસ્ય રેલવતાં ઇ.આફ્રિદી બોલ્યો.

‘ઇ.આફ્રિદી, હું મારા મિત્રના સોંગદ ખાઇને કહું છું જો હું જીવતો રહ્યો તો આપણી ફરીથી મુલાકાત થશે અને તે મુલાકાત તારી જિંદગીની છેલ્લી મુલાકાત હશે...’ કદમ બોલ્યો.

‘ભલે ભાઇ એમ રાખ..બસ રાજીને પણ જો જીવતો રહે તો, બાકી તને મળવા માટે ઉપર હું તારી પાછળ આવવાનો નથી.’ હસતાં-હસતાં ઇ.આફ્રિદી બોલ્યો. પછી ઘડિયાળ સામે જોઇ બોલ્યો ‘ફક્ત ચાર મિનિટ મઝા કરો ભાઇ મઝા..’

‘ઇ.ચાર મિનિટ પછી જો મરવાનું હોય તો મને છેલ્લો એક સિગારેટ પીવા દે...’

‘વા...સરસ...એક કામ કર તું એક સિગારેટ પી લે અને હું પણ તારી સાથે એક સિગારેટ પી લઉં...’ પેન્ટના ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ બહાર કાઢતાં ઇ.આફ્રિદી બોલ્યો.

‘ચાલ લે પી લે છેલ્લી સિગારેટ...’ પાકિટમાંથી સિગારેટ બહાર કાઢી તેણે એક સિગારેટ પોતાના હોઠ વચ્ચે દબાવીને બીજી સિગારેટ કદમ તરફ ધસી સામી કરતાં ઇ.આફ્રિદી બોલ્યો.

‘મને...મને...મારી બ્રાન્ડની સિગારેટ પીવી છે. જે મારા પેન્ટના ખિસ્સામાં પ્લાસ્ટિકના ઝભ્ભામાં રાખેલી છે. શર્ટના ખિસ્સામાં મૂકેલી સિગારેટ તો પલળી ગઇ છે. જો મને સિગારેટ પિવડાવવા માંગતો હોય તો તારા કમાન્ડોને કહે કે મને આ મારા ખિસ્સામાંથી સિગારેટ કાઢી આપે...’ કદમ શાંત અવાજે બોલ્યો.

ઇ.આફ્રિદીએ એક કમાન્ડો ઇશારો કર્યો, તે કમાન્ડો કદમ તરફ આગળ વધ્યો.

‘જો, જે...જરાય હોશિયારી કરવાની કોશિશ ન કરતો...ચેતવણીભર્યા સ્વરે ઇ.આફ્રિદી બોલ્યો.

‘હવે શું હોશિયારી કરું મારા ભાઇ, હવે તો જિંદગી ચંદ પળોની રહી છે,’ વિલાયેલા મોંએ કદમ બોલ્યો.

તે કમાન્ડોએ ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની નાની કોથળી બહાર કાઢી જેમાં સિગારટનું પાકિટ પડ્યું હતું.

અને એ પાકિટ કે જેમાં બે સિગારેટ પડી હતી. કોથળીમાંથી પાકિટ બહાર કાઢી ચેક કરીને તેણે અંદરથી એક સિગારેટ બહાર કાઢી અને કદમના હાથમાં મૂકી પછી પોતના ખિસ્સામાંથી લાઇટર કાઢી ચાલુ કર્યું અને કદમને સિગારેટ સળગાવી આપી.

‘થેંક્યું...દોસ્ત...સિગારેટનો એક ઊંડો કશ ખેંચીને કદમ બોલ્યો, પછી તે ચૂપાચૂપ સિગારેટ પીવા લાગ્યો.

‘બે મિનિટ...હવે જલદી સિગારેટ પીવાય તેટલી પી લે ફક્ત તારી જિંદગીની બે મિનિટ જ બાકી છે. ઇ.આફ્રિદીએ પોતના ઘડિયાળ સામે નજર કરી બોલ્યો અને સિગારેટનો દમ ભરી મોંમાંથી ધુમાડાના ગોટા કદમના મોં પર ફેંક્યા.

ઇ.આફ્રિદીના બોલ્યાની અડધી મિનિટ બાદ કદમેં સિગારેટને હોઠ વચ્ચે બરાબર દબાવી અને એક ઊંડા શ્વાસ સાથે જોરથી દમ ભર્યો.’

સિગારેટના સળગતા આગળના ભાગમાં અગ્નિનો જોરદાર લાવા ભભૂક્યો ત્યારબાદ ધીમો સ્પાર્ક થયો. તે જ ક્ષણે કદમે સિગારેટને બંને હોઠથી બરાબર દબાવી અને હોઠને મોંના અંદરની તરફ વાળ્યા પછી ખૂબ જ જોર સાથે હોઠની મદદથી સિગારેટને ઇ.આફ્રિદી તરફ ‘‘ઘા’’ કરી.

કમાનમાંથી છટકેલી ઇસ્પ્રીંગની જેમ સિગારેટ ઇ.આફ્રિદી તરફ ફેંકાઇ અને ત્યાતબાદ

એક જોરદાર ધમાકો થયો સાથે કદમનો ‘કૂદી જાવ’ નો ચીસ ભર્યો અવાજ સંભળાયો.

જોરદાર ધમાકા સાથે સિગારેટની અંદરનો માઇક્રો બોમ્બ ફાટ્યો અને ચારે તરફ ગાઢ ધુમાડો છવાઇ ગયો.

ઇ.આફ્રિદી અને નેવીના કમાન્ડો કાંઇ સમજે તે પહેલાં જોરદાર ધડાકાના અવાજ સાથે એકદમ ધુમાડો છવાઇ ગયો. સૌને ગૂંગળામણ થવા લાગી. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ત્યારબાદ ધીરે-ધીરે સૌની ચેતના લુપ્ત થઇ ગઇ.

‘કૂદી જાવ’ના કદમના ચીસ ભર્યા અવાજ સાથે જ કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ શર્મા બોટમાંથી દરિયામાં કૂદી પડ્યા અને પાણીની અંદર તરતા-તરતા પાકિસ્તાન નેવીની બોટની દૂર-દૂર જવા લાગ્યા.

***