Ae aek raat books and stories free download online pdf in Gujarati

એ એક રાત!

બધું છિન્નભિન્ન કરી ગઈ એ એક રાત;
મારુ અસ્તિત્વ છીનવી ગઈ એ એક રાત;
ખુમારીથી જીવતી હતી હું "દોસ્ત", મને લાચારીની મોહતાજ કરી ગઈ એ એક રાત!

મેઘાબા... આજ એ પોતાના ચહેરાને નિરખીને અરીસામાં જોઈ રહ્યા છે. હંમેશા આછા પણ સંપૂર્ણ મેકઅપના શોખીન મેઘાબા ફક્ત મેકઅપ જ નહીં પણ ચાંદલા અને સિંદૂર વિહોણા પોતાના રૂપને જોઈને રોજની માફક પોતાનું દર્દ આજે પણ એ પી રહ્યા છે... ફક્ત દર્દ જ નહીં પણ પોતાના પતિ સાથે વિતાવેલ એ દરેક યાદ જે એના હૃદયના એક ખૂણામાં રહેલ છે એને પણ મહેસુસ કરી રહ્યા છે...

આમ પણ એમનું જીવન ફક્ત યાદોમાં જ તો વીતી રહ્યું છે. ભર જુવાનીમાં વિધવા બનેલ મેઘાબાને આ નવરાત્રીના દિવસો ખુબ આકુળવ્યાકુળ કરી દે છે. ઘરના દરેક નવરાત્રીના ગરબા રમવા ગયા છે, સિવાય કે મેઘાબા! આથી જ મેઘાબા પોતાના ચહેરાને જોતા વિચારના વમળમાં ગુંચવાય ગયા છે. ન ઈચ્છવા છતાં મન એ દિવસોમાં જ જઈને અટકી જાય છે જે દિવસો પોતાના પતિ સાથે વિતાવ્યા હતા. એ પોતાના ભૂતકાળમાં પ્રવેશીને એ જિંદગી એક ક્ષણ માટે હકીકત છે એમ સમજી જીવી રહ્યા છે.

**********

પૃથ્વીસિંહ પોતાની પત્ની મેઘાબાને સુંદર શણગારમાં સજેલા જોઈને ખુબ ખુશ થઈ રહ્યા છે. આમ પણ પૃથ્વીસિંહ મેઘાબાના રૂપના હંમેશા વખાણ કરતા જ રહે છે. વળી આજ ૮માં નોરતાની આરતીમાં બંને દંપતી જોડાવાના હોવાથી મેઘાબા પુરા શણગારમાં કોઈ અપ્સરા થી ઓછા નહોતા લાગતા, ઘરના હર કોઈ મેઘાબાની સુંદરતાના વખાણ કરે છે. આજ મેઘાબા ના રૂપમાં પૃથ્વીસિંહ ખુબ મોહિત બની ગયા છે, તેઓ મેઘાબાને કહે છે," તમે આખી જિંદગી આમ જ પુરા શણગારમાં રહેજો.."

**********

પૃથ્વીસિંહના શબ્દોએ મેઘાબાની ભૂતકાળની યાદોને તોડી, અને મેઘાબા હકીકતને અરીસામાં જોઈને ચોધાર આંસુને વરસાવી રહ્યા છે. મેઘાબાનો ન હવે કોઈ શણગાર છે ન શણગારનું અસ્તિત્વ એવા એમના પતિ પૃથ્વીસિંહ... બસ અમુક મહિનાઓનું એમનું લગ્નજીવન અને એ યાદો જ છે જેને મેઘાબા જીવનનો સથવારો બનાવીને જીવે છે.

મેઘાબાની નાતમાં પુનઃ લગ્ન પ્રથા નથી. પણ મેઘાબાના નણંદ હંમેશા એવું વિચારતા રહે છે કે ભાભીમાઁ ફરીથી લગ્ન ન કરી શકે? પણ ૧૬ વર્ષની બાળાની એવી ક્યાં હિમ્મત કે એ પોતાના વિચારો વડીલો સામે રજુ કરી શકે.. વળી મર્યાદાના દાયરામાં જ રહેવું એવું વડીલોનું સૂચન પણ નિભાવવું જ પડે ને! આથી એમના વિચાર ફક્ત અંતઃ મનમાં જ વલોપાત કર્યા કરે છે.

આજ ફરી એજ ૮મુ નોરતું છે, પણ જેવો ઉત્સાહ વર્ષો પહેલા હતો એ ઉત્સાહની જગ્યા દુખે ઘેરી લીધી છે. મેઘાબા પોતાના કબાટમાં રહેલ રંગબેરંગી સાડી અને નતનવીન ડિઝાઈનના આભૂષણો જોતા ફરી ભૂતકાળમાં ખોવાય ગયા છે.

**********

રાતનાં ૪ વાગી ચુક્યા છે. પૃથ્વીસિંહ હજુ ઘરે પધાર્યા ન હોવાથી મેઘાબા એમની રાહ જોતા આમતેમ ઘરમાં લટાર મારી રહ્યા છે. એમના સસરાજી રાહ જોતા સોફા પર ઊંઘની એક ઝપકી મારી રહ્યા છે. ફોનની રિંગ ઘરના શાંત વાતાવરણમાં ખલેલ પહોંચાડી રહી છે. પૃથ્વીસિંહના પિતાએ ફોન ઉપાડ્યો અને તેઓ વાત કરી રહ્યા છે, પણ આ શું? વાત કરતા કરતા તેમના મોઢા પર પરસેવો થવા લાગ્યો છે, હાથ ધ્રુજવા લાગ્યા છે, એ કઈ બોલી શકવા અસમર્થ છે. આ સ્થિતિ દૂર ઉભા મેઘાબા જોઈ રહ્યા છે. હજુ મેઘાબા કોઈને બોલાવે એ પહેલા જ સસરાજી જમીન પર પડી ગયા.. એમના પડવાનો અવાજ સાંભળી ઘરના બીજા સદસ્યો પણ બહાર હોલમાં આવી ગયા છે. બધા એમને વ્યવસ્થિત સોફા પર બેસાડી રહ્યા છે, મેઘાબાને જોઈને એમનાથી રડતા સ્વરે પૃથ્વીસિંહ એવી ચીસ પડાય જાય છે.

**********

પૃથ્વીસિંહ નામનો ભૂતકાળનો સાદ મેઘાબાને ફરી આજના અસ્તિત્વમાં લાવી દે છે. નવરાત્રીની એ ૮માં નોરતાની રાત મેઘાબાના જીવનમાં કાયમી અંધારપટ કરી ગઈ હતી. મેઘાબા ઊંઘવા માટેની કોશિષ કરી રહ્યા છે છતાં એમને ઊંઘ આવતી નથી. ભૂતકાળ એનો આજ પીછો છોડતું નહોતું.

**********

ઘર આંગણે અમુક પૃથ્વીસિંહના મિત્રો દોડી આવ્યા છે. ઝડપભેર ઘરના પુરુષો એમની સાથે ઘરની બહાર દોડી ગયા છે. ઘરની સ્ત્રીઓ એકબીજાને શું થયું છે એવા પ્રશ્નો પૂછી રહી છે, દરેકના ચહેરા પર કંઈક અનહોની થઈ છે એવી શંકા મજબૂત બની રહી છે. પણ જ્યાં સુધી એ લોકો ઘરે પાછા ન ફરે ત્યાં સુધી એ જાણવું અશક્ય છે. મેઘાબાનો જીવ ઉંચક થઈ ગયો છે, એને ખુબ નેગેટિવ વિચાર આવી રહ્યા છે. સમયની સાથે મેઘાબા ચાલવા અસમર્થ બની ગયા છે. મેઘાબા એમના સસરાજીની એ ચીસ ના ભણકારામાં જ અટવાય ગયા છે.

વહેલી પરોઢ થવા આવી ત્યારે ઘર આંગણે પરિવારના સદશ્યો પૃથ્વીસિંહનો મૃત પામેલો દેહ લઈને ઘરમાં પ્રવેશ્યા છે, પણ મોઢું ઢાંકેલું હોવાથી હજુ બધા વિચારમાં છે કે આ શું બની ચૂક્યું છે?

મેઘાબાના સસરાજી ના હોશ ઠેકાણે નથી. આંખમાંથી આંસુ વહી રહ્યા છે. બાકીના બધા પણ સુજબુદ્ધ ખોયેલા દેખાય રહ્યા છે, દરેકની આંખમાં નમી અને ચહેરા પર મૂંઝવણ દેખાય રહી છે. કોણ હિમ્મત કરીને કહે કે આ ઘરનો એક પુત્ર હવે આ દુનિયામાં નથી, કોણ બોલે કે આ નવવધૂનું સિંદૂર ભગવાને છીનવી લીધું છે... હિમ્મત રાખેલા મેઘાબાના સસરાજી વહુના ચહેરાને જોઈને પોક મૂકીને રડવા લાગ્યા છે. ઘર આખું એ રુદનથી ભયભીત બની ચૂક્યું છે. હવે, મેઘાબાથી ધીરજ ન રહી, એમને પ્રશ્ન પૂછી લીધો કે, "પૃથ્વીસિંહ ક્યાં છે?"

મેઘાબાના જેઠે ભારી હૃદયે રડમસ અવાજે કહ્યું," બેટા એ હવે પ્રભુ ચરણ પામ્યો છે."

મેઘાબા આ શબ્દો સહન કરવા અસમર્થ નીવડ્યા એ ચક્કર ખાયને પડી ગયા, ભાનમાં આવ્યા ત્યારે બધા તેને ઘેરીને ઉભા છે. દરેક વ્યક્તિ ઘાંઘી બનેલી દેખાય રહી છે. મેઘાબા આક્રદ રુદન કરવા લાગ્યા છે. ભગવાને કેમ એમને લઇ લીધા? કેમ મારી સાથે આવું થયું? મને પણ કેમ ભગવાને ન બોલાવી લીધી વગેરે પ્રશ્નો એ જોર જોર થી રડતા રડતા ઉચ્ચારી રહ્યા છે. હું હવે કેમ જીવીશ? એમ બોલતા બોલતા પોતાના માથાને કૂટવા લાગ્યા છે. રડવામાં વાળ, કપડાં વગેરે વિખેરાય ગયા છે. આંસુઓની ધાર બંધ થવાનું નામ જ નથી લેતી.. બસ હર કોઈ રડે છે, એક ભયભીત અને દુઃખદ માહોલ બની ગયો છે. પૃથ્વીસિંહ ની નાની બહેન ઊંઘમાંથી ઉઠીને બહાર આવી આ માહોલ જોઈને એ બાળકી પણ ભયભીત બની રડવા લાગી છે. એ મેઘાબા ને હાથેથી હચમચાવીને બોલાવી રહી છે.

**********

તે દિવસની હચમચાવટ જાણે આજે પણ મેઘાબાને અનુભવાઈ અને તેઓ હકીકતમાં પાછા આવ્યા. પણ આંખમાં એજ દર્દ દેખાય છે. એજ પ્રશ્નો મન પર હાવી થઈ રહ્યા છે. ૧૪ વર્ષ પહેલા બનેલ આ બનાવ હજી મેઘાબા માટે તાજો જ છે. પણ પરિવાર ધીરે ધીરે આ દર્દને સહન કરવા સક્ષમ બની ગયું છે. બધાની જિંદગી આગળ વધી રહી છે, સિવાય કે મેઘાબા...

**********

૧૪ વર્ષ પેલાની આ વાત છે, પૃથ્વીસિંહ અને મેઘાબા ના લગ્ન ખુબ ધામધૂમથી થયા હતા. બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. વળી પૃથ્વીસિંહનો સ્વભાવ એકન્દરે ખુબ મજાકીયો હોવાથી ઘર આખાને આનંદિત રાખતો હતો. મેઘાબા પણ ખુબ સંસ્કારી અને સહનશીલતાની મુરત સમાન હોવાથી ઘરમાં ક્યારેય કોઈ તકલીફ આવી જ નહોતી. ઘરનું વાતાવરણ ખુબ આનંદિત હતું.

સમય ખુબ આનંદમાં પસાર થઈ રહ્યો હતો. એમાં આવનાર નવરાત્રીનો ઉત્સવ બધાને માટે વધુ ખુશીઓ લઈને આવી રહ્યો હતો. કારણ કે, મેઘાબા અને પૃથ્વીસિંહ બંને ગરબા રમવાના ખુબ શોખીન હતા, અને આ તેઓના લગ્ન બાદની પ્રથમ નવરાત્રી હતી. રોજ નતનવીન શણગાર, સુંદર વસ્ત્રો પહેરીને મેઘાબા અંબેમાંની આરતીમાં અને ગરબા રમવા જતા હતા. ૮મુ નોરતું તો વધુ આશા લઇ આવ્યું હતું. આજની આરતી નવદંપતી મેઘાબા અને પૃથ્વીસિંહ કરવાના હતા. ખુબ સુંદર આરતીનો લાભ લઇ પૃથ્વીસિંહ એમના મિત્રો સાથે બાજુના ગામની નવરાત્રી જોવા બાઈકથી ગયા હતા. મેઘાબા એમની ગરબી પુરી થઈ ગયા બાદ ઘરે આવી પૃથ્વીસિંહની રાહ જોઈ રહ્યા હતા. ધીરે ધીરે સમય વધુ પસાર થઈ રહ્યો હતો, પણ હજુ પૃથ્વીસિંહ આવ્યા નહોતા.

બાજુના ગામની ગરબી માણીને પૃથ્વીસિંહ અને તેના મિત્રો સમય સર પરત ફર્યા હતા. પણ જવાનીના જોશમાં અને સ્પીડની મોજમાં હર્ષોલ્લાસમાં, મસ્તી મજાક કરતા બાઈક ને દોડાવતા એ લોકો આવી રહ્યા હતા. મસ્તીમાં વધુ ધ્યાન હોવાથી રસ્તા વચ્ચે ઉભી રહેલી ટ્રક પૃથ્વીસિંહને નજરમાં આવે ત્યાં સુધીમાં બાઈક ટ્રકના પાછળના ભાગમાં ભટકાય ગઈ હતી. ખુબ સ્પીડ હોવાથી બાઈક પરથી પટકાયને એ બધા મિત્રો ત્યાં જ હેમરેજ થવાથી મૃત્યુ પામ્યા હતા. પળભરમાં બધું જ છિન્નભિન્ન થઈ ગયું હતું. મૃત્યુ પામનારના જીવન સાથે જ તેમના જીવનસાથીનું જીવન પણ છીનવાય ગયું હતું. એકનું મૃત્યુ થવાથી એ બધી પીડામાંથી મુક્ત થઈ ગયું હતું જયારે બીજાને આજીવન એકલતાની, દરેક પ્રથાની, તો વળી પોતાના જીવનસાથીના સાથ વગરની એ પીડા સાથે રોજ જીવ વિનાનું જીવન જીવવાનું હતું.

આ વાંચીને પલભર તો આપણને પણ થઈ જાય કે અરે ભગવાન! સાવ આવું?

દરેકનું જીવન સમય સાથે નોર્મલ બની ગયું હતું, કારણ કે દરેક પાસે જીવવાનું કોઈ કારણ હતું. પણ મેઘાબાનું જીવન અંધકારમય બની ગયું હતું. એમના જીવનમાં તો માતૃત્વનો લાભ પણ કુદરતે આપ્યો ન હતો કે એ દ્વારા પણ તેઓ પોતાનું જીવન બાળકને મોટા કરવાના ધ્યેય સાથે જીવી શકે.

જો એક ૧૬ વર્ષની બાળકીને ભાભીમાઁ ના ફરીથી લગ્ન ન થઈ શકે? એ પ્રશ્ન થતો હોય તો વડીલો કેમ આ ન વિચારી શકે? ચાલો એમ પણ માની લઈએ મેઘાબા પોતે પણ ફરી લગ્ન માટે તૈયાર ન થાય પણ પેલા જેવી નોર્મલ જિંદગી તો જીવી શકે કે નહીં? ચાંદલો કે સિંદૂર ન કરે એ પણ સ્વીકારીએ પણ કાળા વસ્ત્રમાં જ રહેવાથી કદાચ ભૂલવાનો પ્રયત્ન કરે તો પણ રોજ તૈયાર થાય ત્યારે એમને અચૂક યાદ આવે જ કે હું હવે વિધવા છું. મારો જીવનસાથી હંમેશ માટે મારાથી દૂર થઈ ગયો છે. આવી પ્રથા શિક્ષિત સમાજ માટે શું કામની? અનેક ઈચ્છાઓ સાથે ઘર આંગણે આવેલ દુલ્હન ના નસીબને, થોડીક છુટછાટ અપનાવી થોડી પ્રથામાં ફેર લઇ ખુશી આપવી એ કોઈ ગુનો છે? અને બધી પ્રથાઓ ઘરના સંસ્કારને મર્યાદાને ઉચિત રહે એ માટે છે, પણ એ પ્રથાથી કોઈનું જીવન વેદનામાં જ વીતે એ યોગ્ય છે? મેઘાબા સહનશીલતાની મુરત સમાન હોવાથી કોઈ જ આશા વગર જીવન જીવી જાય છે, પણ આ જગ્યાએ કદાચ આપણી સાથે થયું હોય તો? કમકમાટી ઉદભવી જાય ને ફક્ત વિચારથી જ..

હું એવું નહીં કહેતી કે પુનઃ લગ્ન જ કરવા પણ એવું અવશ્ય કહું છું કે જો એક વિધવાને જો થોડી પ્રથાઓમાં ફેરફાર કરવાથી એ એના ભૂતકાળને વાગોળતું બંધ થાય તો એ આ મળેલ અમૂલ્ય જીવનને થોડું જીવી શકે...

વાર્તા નો ઉદેશ્ય કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, કોઈને મારી વાત અયોગ્ય લાગી હોય તો હું માફી ચાહું છું.

શું તમે મારી વાત સાથે સહમત છો? કૉમેન્ટ દ્વારા જણાવવા વિનંતી..