sharat books and stories free download online pdf in Gujarati

શરત

ઈશાએ મોબાઇલમાં જોયું, 10માં 5 મીનીટ બાકી હતી, પણ હજી બસ નહોતી આવી, અકળામણ થઈ, એક તો ગરમી અને ઉપરથી મોડા પડવાનો ડર, ત્યાં ખીચોખીચ ભરેલી બસ આવી. મુશ્કેલીથી ચડી શકી. ત્યાં જ "એ " દેખાયો. એ શાંતીથી મોબાઇલમાં નજર માંડીને બેઠેલો, ઈશાને આદત પડી ગઇ હતી બસમાં એની હાજરીની.

અચાનક ધક્કો લાગ્યો ને ઈશા આપોઆપ આગળ વધી પડી. એની નજર પડી એનાં મોબાઇલ સ્ક્રીન પર, ઓહ એ તો પોલિઆના નોવેલ ઓનલાઈન વાંચતો હતો, આટલી ભીડમાં પણ જાણે બગીચામાં ફૂલો વચ્ચે બેઠો હોય એવી શાંતી હતી એના ચહેરા પર. ઈશાનુ મન રાજી થઈ ગયું, આ રાજી થવાની કળા આ જ બુકમાંથી તો શીખી હતી એ.

એને યાદ આવ્યુ, ક્યારેય પણ એ ઊભી હોય અને કોઈના સ્ક્રીન પર નજર પડે તો યા તો ફેસબુક, વહોટસ એપ, વાહિયાત જોક્સ અને કોઈ કોઈ તો બિન્દાસ પોર્ન જોતા હોય, પોતે દુર હટી જતી સંકોચાઈને.

ફરીથી નજર "એ" પર પડી. રોજ એ આજ બસમાં આવતો અને એના જ સ્ટોપ પર ઉતરતો, રીટર્નમાંયે મોટેભાગે એવુ જ.

પણ એ કોણ હતો કયાં કામ કરતો કાંઈ જ ખબર નહોતી ઈશાને. બહુ હેન્ડસમ તો નહોતો, પણ એની આંખોમાં, ચહેરા પર કંઈક તો એવું હતુ કે એને બહુ ગમતુ.

ત્યાં એની બાજુમાં જ જગ્યા થઈ અને હાશ કરતી પોતે બેસી પડી. એનુ ધ્યાન ગયુ જરા સ્મિત જેવું કર્યું અને ફરીથી વાંચવા લાગ્યો.

ઈશા એને નજીકથી જોઇ રહી. કપડાનો કલર સુંદર, એકાદ દિવસ પહેલા જ કરાવેલા હેર કટ, સૌમ્ય ડીઓની સુગંધ, લાંબી લાંબી આંગળીઓ, એ સંમોહીત થઇને જોઇ જ રહી, અને ત્યાંજ બસ ઊભી રહી, ઓહ સ્ટોપ આવી ગયુ હતુ, ઈશા જલ્દી ઊભી થઇ પાછળ એ પણ હશે, એણે પાછળ ન જોયુ, ઝડપભેર ચાલવા લાગી.

આખ્ખો દિવસ કામમાં, પૂછપરછના જવાબ આપવામાં નીકળી ગયો, એ કોર્પોરેટ વર્લ્ડમાં રીસેપ્સનીસ્ટ હતી ને. ત્યાં ભાઈનો ફોન આવ્યો, "પપ્પાનુ પોર્ટ્રેેટ બનાવવા આપ્યુ છે એ તારી ઓફીસની આસપાસ જ છે, એડ્રેસ, નંબર મેસેજ કરૂ છુ, લઈ આવજે." ઈશા મેસેજમાં અડ્રેસ જોતા પહોંચી ગઈ, બસ સ્ટોપ પાસે જ તો હતુ. એને રાહ જોવાનું કહેવામાં આવ્યુ...આરામદાયક સોફા પર એ ઢીલી થઇને બેસી પડી.

આવતા વીકમાં પહેલી પુણ્યતીથી હતી, ઓહ તો ભાઈની લાગણી હજી અકબંધ છે એમને, એનુ દિલ પપ્પાની યાદમાં રડુ રડુ થઈ ગયું. એક વર્ષમાં તો બધુ જ બદલી ગયુ હતુ. પપ્પા જતા જ ભાભીએ પોતાનુ જોર બતાવવાનુ શરૂ કરી દીધુ હતુ.

પપ્પાનુ એ વીલ કે જેમાં ઈશા અને અમીષ એના ભાઈને સરખે હિસ્સે ફ્લેટ લખ્યો હતો. 2 કરોડનો આ ફ્લેટ, ભાભીને જચ્યુ નહોતુ. હા મમ્મીના નામે હોતે તો વાત અલગ હતી મમ્મીના પાસે સાઈન કરાવવી મોટી વાત નહોતી..પણ ઈશા? એ થોડી સાઈન કરી આપશે, અને ભાભીએ ઉપાય શોધી કાઢ્યો હતો. ભાભીનો ભાઈ ધવલ કે જેને સહન પણ નહોતી કરી સકતી એની સાથે ઈશાની વાત શરુ કરી દીધી હતી.

ધવલ સતત માવા ચાવતો રહેતો, કોઇક મોટા સ્ટોરમાં નોકરી કરતો અને વાતે વાતે ગંદા જોક્સ ને કોમેન્ટ્સ કર્યાં કરતો.

ઈશાએ મચક નહોતી આપી પણ એનો બદલો મમ્મી સાથે લેવાતો. સાંજે ઘરે પહોંચતીને મમ્મીની અસહાય નજર, લાલ આંખો બધુ જ કહી દેતી. ડાયાબીટીસના પેશન્ટ મમ્મી ને કહ્યા વગર ભાભી કલાકો ગાયબ થઇ જતી અને બપોરે 2-3વાગે પાર્સલ સાથે પ્રગટ થતી, મમ્મી ન ખાઇ શકે એવુ તીખુ, મીઠુ કંઇક લાવતી, મમ્મી બીચારા ધ્રુજતા હાથે, વધેલા સૂગર સાથે બે કોળીયા ખાઇ લેતી. ઈશાએ ટિફિન સાથે થોડુ વધારે બનાવવા માંડ્યું હતુ તો એ કામવાળીને અપાઈ જતુ. ઈશાને ખબર પડી ત્યારથી એ સૂકો નાસ્તો મમ્મી માટે લઇ જતી, ભાઈ તો આખો દિવસ હોય નહીં, એની હાજરીમાં ભાભીની જીભ મધ બની જતી. એટલે જ આજકાલ મમ્મીની ચિંતા પોતાને કોરી ખાતી.

એને થતુ કે આ વિશાળ લક્ઝરીયસ ફ્લેટ વેચીને આરામથી એક બેડરૂમના બે ફ્લેટ આવી જાય અને એ અનેે મમ્મી અલગ રહેવા જતા રહે, પણ મમ્મી ન માનતી, એને જલ્દી ઈશા ને પાનેતરમાં જોવી હતી અને આટલી સુંદર સુશીલ, શિક્ષિત દિકરીને ધવલ સાથે, ના એ પણ રાજી નહોતા. ઈશાને એક વીચાર વારેવારે આવતો, કોઈ એવું ના મળી જાય જે મમ્મી સાથે જ મને સ્વીકારી શકે. ભગવાન પાસે એ માંગતી રહેતી કે આગલા જન્મમાં મને છોકરો બનાવજે. મા પાપાથી દુર તો ન જવુ પડે.

અવાજ આવ્યો 'ઈશા ઠક્કર' અને એ ચમકી. વીચારોના ઘોડા પૂરમાં એ ભૂલી જ ગયેલી કે પપ્પાનુ પોર્ટ્રેઈટ લેવા આવી હતી. છોકરીએ એને દરવાજો બતાવ્યો ને એ અંદર ગઇ.

એ આશ્ચર્યચકિત થઇ ગઇ. સામે "એ" હતો, સામે મોટા કેનવાસ પર અવનવા રંગો...હાથમાં બ્રશ. ઓહ એ લાંબી આંગળીઓ તેજીથી ફરતી હતી, એનુ ધ્યાન પડ્યુ અને અટક્યો. આંખોમાં એ જ ચમકારો આવ્યો અને ઘેરા અવાજે પુછ્યું "યસ?" ઈશા અચકાઈ ગઇ..એનો અવાજ પણ કેવો સૌમ્ય હતો. તો એનુ નામ આનંદ હતુ. ઈશાને હોશ આવ્યા અને એણે પોરટ્રે્ઇટ માટે કહ્યુ. એણે પુછ્યું "અનિલ ઠક્કરનુ? એ તો અમિષ ." ઈશાએ કહ્યુ 'હુ એમની સિસ્ટરછુ.. ઈશા ઠક્કર. અનિલ પાપા મારા.'

'ઓહ ઓકે 'એ સ્મીત સાથે બોલ્યો. અને એક પેઇન્ટિંગ બતાવ્યુ.' ઓહ માય ગોડ હુબહુ પાપા.' એની આંખો ભીની થઈ ગઇ. ત્યાં પાણી આવ્યુ. એણે પુછ્યું 'કોફી પીશો ને?'

ઈશા કાંઇ બોલે એ પહેલા મોબાઇલ રણક્યો. એ વાત કરવા લાગી. 'ઓહ અમીષનો એક્ષિડન્ટ.'એના હાથમાંથી મોબાઇલ પડી ગયો.

આનંદ જાણે વર્ષોથી એને ઓળખતો હોય એમ બોલ્યો 'કઈ હોસ્પિટલ? ' એણે મંદ અવાજે જવાબ આપ્યો. 'સીટી હોસ્પિટલ.' અને આનંદે પરીસ્થીતી સંભાળી લીધી, એની સાથે હોસ્પિટલ આવ્યો. ભાભી અને મમ્મી રડી રહ્યા હતાં. સીરીયસ તો નહોતો અમીષ પણ એનું બ્લડ ગ્રુપ રેર હતુ...બ્લડ મળી નહોતું રહ્યુ. સદભાગ્યે આનંદનુ પણ એ જ નીકળ્યું... એણે બ્લડ આપ્યુ .અને એનાં ભત્રીજા સ્મિત માટે ચોકલેટ, બધા માટે સેન્ડવીચ અને ચા લાવ્યો. આગ્રહ કરીને હક્ક સાથે પીવડાવી. મમ્મી એને જોઇ રહી હતી..'તું ઉષા બેનનો આનંદ તો નહી બેટા ?' એ આશ્ચર્યથી જોઇ રહી. ઓહ તો એ અમિષનો જૂનો મિત્ર હતો..આછુ આછુ યાદ આવ્યુ..વર્ષોથી સંબંધ ઓછો થઈ ગએલો. એ લોકોએ જુદા એરિયામાં ઘર બદલ્યુ .. અને કામમાં બીઝી..અમિષથી 3 વર્ષ નાનો પણ બન્ને સાથે રમેલા.

ત્યાં ડોક્ટરે કહ્યુ કે 'હવે અમિષને મળી શકો છો.' હાશ થઈ. પગમાં ફ્રેક્ચર આવેલુ..બાકી કાલે ડિસ્ચાર્જ મળી જશે.

એક મહીનો અમિષ ઘરે રહ્યો, પગમાં તિરાડ સાથે અને આનંદ આવતો રહ્યો. એના પપ્પાતો હતા નહીં, નાનો હતો ત્યારેજ ગુજરી ગયેલાં. મમ્મી પણ ગયા વર્ષે જ..એટલે એક્દમ એકલો પડી ગએલો. અહીંયા મમ્મી અને ભાઈ સાથે એને બહુ ગમવા લાગેલુ. ક્યારેય ખાલી હાથે ના આવતો એટલે ભાભીને પણ ગમતુ.

ધીમે ધીમે ઈશા નજીક આવવા લાગી. બસમાં બન્ને સાથે જતા. ક્યારેક છૂટીને એ સ્ટુડિયો જતી ક્યારેક બન્ને ગાર્ડનમાં બેસતા. બસ ને બદલે ટેક્સીમાં જતા. વરસાદમાં આનંદ કાર લઇને આવવા લાગ્યો. એની પાસે હતી પણ ચોમાસા સીવાય બહુ યુઝ ના કરતો. ટ્રાફિકમાં ડ્રાઇવ કરવા કરતા બસમાં શાંતી સાથે વાંચવું ગમતુ એને." આર્ટીસ્ટ તો લઘર વઘર હોય તું આર્ટીસ્ટ હોય એવી તો કલ્પનાએ નહોતી." ઈશા કહેતી. આનંદ હસતો અને કહેતો "મને બધુ સુંદર, સૌમ્ય અને વ્યવસ્થિત ગમે તારા જેવુ." ઈશા શરમાઈ જતી. આનંદ સાથે એ એક્દમ સિક્યોર્ડ મહેસુસ કરતી, વળી આનંદ વગર કહ્યે એના વીચારો જાણી જતો.

શનીવારે ઈશાનો બર્થ ડે હતો. આનંદે ડીનર માટે પૂછેલું પણ ઘરે શુ કહેવું એટલે ના પાડેલી. હાફલીવ મુકીને નીકળી પડેલી એની સાથે એ પહેલા સ્ટુડિયો લઈ ગયો અને સરપ્રાઈઝ આપી. ઈશાનું જ પેઈન્ટિંગ પણ કોઈ ટ્રેડીશનલ ગેટઅપમાં. એ જોતી રહી ગઇ..'પોતે આટલી સુંદર છે ?'

'પેઈન્ટિંગ ભલે તારી પાસે રહ્યુ.' કંઈક વીચારીને ઇશાએ કહ્યુ. આનંદ હસી પડ્યો આંખોમાં ચમક સાથે પુછ્યું 'તું ક્યારે રહી જઈશ મારી સાથે ?' ઈશાએ કહ્યુ.. 'ઘોડે ચડીને લેવા આવવું પડે.' અને ઈશાએ અચાનક પુછ્યું 'હું જોબ ચાલુ રાખું પછીએ? ' આનંદનો જવાબ લાજવાબ હતો. 'તુ મારી જીવન સંગીની બનવાની છે કે મારી પ્રાઇવેટ પ્રોપર્ટી? મારે પણ પૂછવાનુને કે પેઇન્ટિંગ ચાલુ રાખું કે નહીં !' અને ઈશા ખુશ ખુશ થઈ ગયેલી.

ઈશાનો જન્મદિવસ ખરેખર બહુ જ સુંદર ગયો, ઘરે ગઈ તો ફરીથી નવુ આશ્ચર્ય પામી. ભાભીએ એની મનભાવન વાનગી બનાવી રાખી હતી. ખરેખર ભાઈના એક્સિડન્ટ પછી ભાભીનું દિલ થોડું કૂણુ પડ્યુ હોય એવુ લાગતુ હતુ.

રાત્રે મમ્મીએ સમાચાર આપ્યા 'ધવલ જેલમાં છે, સ્ટોરમાં ઘણા સમયથી તફડંચી કરતો હતો. હવે ભાભી હિમ્મત ન કરે તારી વાત કરવાની.' ઈશા ને થયુ હવે આનંદ વિશે વાત કરી જ દઉં અને.....વાત સાંભળીને મમ્મી તો ખુશ થઈ ગયા...'પણ' ઈશાએ કહ્યુ 'મને તારી ચિંતા છે.'

મમ્મીએ વાત અનસૂની કરી નાખી. અમિષને તો આનંદ વિષે જાણીને બધો બોજ ઉતરી ગયૉ હોય એવુ લાગ્યું.

બીજે દિવસે આનંદને જમવા બોલાવ્યો અને મમ્મીએ વાત છેડી. આનંદે કહ્યુ, 'પણ...મારી એક શરત છે. ' ઈશા તો સ્તબ્ધ થઈ ગઈ, વાતાવરણ ભારેખમ થઈ ગયું.

ત્યાં આનંદે સસ્મીત કહ્યુ 'આટલા ડરવાની જરૂર નથી. ઈશા જેવી સાથી મલતી હોય એતો સૌભાગ્ય છે મારુ, પણ મને મમ્મીની એ જરુર છે.' "ઓહ" ઈશા બોલી પડી, એના ચહેરા પર વહેલી સવારનો ઉજાસ પથરાઈ ગયો જાણે!