DIWALI NI SAFAI books and stories free download online pdf in Gujarati

દિવાળીની સફાઈ

‘જો રાજુ આજે શરદપૂનમ છે, હવે દિવાળીને પંદર જ દિવસની વાર છે એકાદ બે દિવસ ઓફિસે જઈ આવ પછી દિવાળીનું કામ કાઢવું છે અને સાફ સફાઈમા તારે મને મદદ કરવાની છે.’ ટિફિન ભરતા ભરતા સ્મિતા એક શ્વાસે બોલી ગઈ. ‘હા, સ્મિતા મને ખબર છે શનિવારથી રજા મૂકી દિધી છે. લગ્ન પહેલા મેં વચન આપ્યું તુ કે, હું તને કામમાં મદદ કરીશ’ એ મને બરાબર યાદ છે.’ શર્ટના બટન બંધ કરતા કરતા રાજેશે વળતો જવાબ આપ્યો. સાત મહિના પહેલા લગ્ન ગ્રંથીથી જોડાયેલું નવયુગલ પહેલી દિવાળીની તૈયારીઓ કરી રહ્યું હતું.

‘બાય રાજુ, તારું ધ્યાન રાખજે, બાઈક ધીમી ચલાવજે, અને હા સમયસર જમી લેજે. લવ યુ....’ સ્મિતા રોજની માફક બારણે ઉભી-ઉભી પ્રેમ અને કાળજી ભરી ચિંતાનો વરસાદ વરસાવતી રહી. અને રાજેશ દેખાતો બંધ થયા પછી ઘરમાં આવી.

રાજકોટના મિડલ ક્લાસ એરિયામાં ત્રીજા માળે ૨ બીએચકે નાં ફ્લેટનુ મેઈનડોર બંધ કર્યું અને સ્મિતાને રોજની માફક એકાંત વળગ્યું. રાજેશ વિનાનું ઘર જાણે બંધ પડી ગયેલી ઘડિયાળની માફક સુનું થયું. ટી.વી.માં ચેનલ ઓન કરી તેણે એકલતાને ભરવા પ્રયત્ન કર્યો. નવા ફિલ્મી ગીતો સાંભળતા-સાંભળતા કામે વળગી. હજી રાજુ ઓફિસે નહિ પહોચ્યો હોય ? રાજેશનો મેલો શર્ટ હાથમાં આવતા જ સ્મિતા વિચારે ચડી. રોજ તો કોલ કે મેસેજ આવે જ છે. આજે કેમ કાંઈ સમાચાર નહિ ? કાંઈ થયું તો નહિ હોય ને ? અવનવા વિચારો કરતી સ્મિતા ચિંતાતુર બની. કપડા ધોતા-ધોતા ઉભી થઈ, રાજેશને ફોન લગાવ્યો. ‘તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તે પહોંચની બહાર છે.’ ત્રણેક વખતના આવા પ્રયત્ન પછી સ્મિતાની ચિંતામાં વધારો થયો. બાથરૂમના પથ્થર ઉપર ફોન મૂકી તે ફરી કપડા ધોવા લાગી.

‘યુ હેવ અ થ્રી મિસ્ડકોલ’ ની એલર્ટ વાંચી રાજેશે તરત જ કોલબેક કર્યો. સ્મિતાનો મોબાઈલ રણક્યો...., વાઈબ્રેશનથી ધ્રુજ્યો....., અને સીધો... જ... પાણીની ડોલમાં..!! રીંગ સાથે-સાથે મોબાઈલ પણ બંધ, રામ નામ સત્ય..!! હવે રાજેશની ચિંતાનો ગ્રાફ હાઈ લેવલ ઉપર હતો. તે સત્તર વખત મોબાઈલ સ્વીચ ઓફની રેકર્ડ સાંભળી ચુક્યો હતો. સાડા બાર સુધી પ્રયત્ન કર્યા પછી રાજેશ અકળાયો. અડધી રજા લઈ, ભરેલું ટિફિન બાઈક સાથે લટકાવી તે ઘરે આવ્યો. લિફટની રાહ જોયા વિનાં ત્રણ માળનાં પગથીયા એકી શ્વાસે ચડી ગયો. ઉપરા ઉપરી છ વખત ડોર બેલની સ્વીચ દબાવી, નિરંતર વાગતા ડોરબેલના અવાજમાં રાજેશની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

સ્મિતાએ બારણું ખોલ્યું બંનેએ એકબીજાને હેમખેમ જોયા અને બારણામાં જ પરસ્પર ભેટી પડ્યા.

શબ્દો મૌન થયા; પ્રેમી યુગલની આંખો એકબીજાની ડોક પલાળતી રહી. બાઈકમાં પડેલા પંક્ચર અને પાણીમાં પડેલા મોબાઈલની કથા સાંભળ્યા પછી એકમેકનો હાથ પકડી મિનિટો સુધી તેઓ બેસી રહ્યા. પછી બંને સ્વસ્થ થયા, હળવા થયા. ‘ચાલ સ્વીટી ચા બનાવ, માથું ચડ્યું છે.’ રાજેશે બેડરૂમમાંથી બુમ પાડી. ‘ચા નહિ, જમવાનું છે. હું રોટલી બનાવું છું, તુ હાથ-પગ ધોઈ ફ્રેશ થઈ જા.’ રસોડાનું બારણું ખોલતા સ્મિતા બોલી. ‘લે....., તુ હજી નથી જમી ?’ ડ્રોઈંગરૂમની ઘડિયાળ તરફ જોઈ રાજેશે કુતુહલતાથી પૂછ્યું. ‘મિસ્ટર રાજેશ..!! તમારી બાઈકમાં ભરેલું ટિફિન લટકતું હોય, ને તમારી સ્વીટી જમી લે ખરી ?’ સ્મિતાના જવાબે રાજેશની તંદ્રા તોડી. ‘ઓહહહ..!! ટિફિન તો હું ભૂલી જ ગયેલો, તું...?? ‘હા, હું લઈ આવી છું ચાલ, તુ ઉતાવળ રાખ, મને બહુ ભૂખ લાગી છે.’ એમ બોલતા બોલતા સ્મિતાએ સ્ટવ ચાલુ કર્યો. ગરમા-ગરમ રોટલી બનાવી, દાળ-શાક ગરમ કર્યા. રાજેશ હાથ-મોં ધોઈને આવે એ પહેલા તો તેણે થાળી પણ પીરસી દિધી. આજે બંને એક જ થાળીમાં જમ્યા અને એ પણ પેટ ભરીને.

‘સારું થયું આજે તુ વહેલો આવી ગયો. આપણે દિવાળીનુ કામ આજથી જ શરુ કરી દઈએ તો?’ રાજેશના પહોળા ખભા ઉપર માથું ટેકવીને સ્મિતા બોલી. ‘હા, તુ શરૂઆત કર, હું તારો મોબાઈલ રીપેરીંગમાં આપીને અડધો કલાકમાં આવું છું. સ્મીતાનાં ગાલ ઉપર હાથ ફેરવીને ઉભા થતા રાજેશે કીધું. સ્મિતાએ રાજુના ગાલ ઉપર પ્રેમ ભર્યું ચુંબન આપ્યુ અને બોલી. ‘ઓહહ.. થેન્ક્સ યાર, ઓકે રાજુ.’ સ્મિતાનો પાણીમાં પડી ગયેલો મોબાઈલ લઈ રાજુ ગયો અને સ્મિતાએ ધૂળ-ઝાળાનાં શ્રી ગણેશ કર્યા.

વિશ મિનિટમાં જ ડોરબેલ વાગ્યો. બારણું ખોલતા જ સ્મિતા બોલી, ‘વાવ..!! સરસ તું વેલો આવી ગયો?!! માળીમાથી મને આ ડબો ઉતારી આપને, ધ્યાન રાખજે હો.. વજન બહુ છે, આખો ભર્યો છે.’ આવતા વેત જ સ્મિતાએ રાજુને કામે વળગાડ્યો. ‘ઓય.. કેમ કાંઈ બોલતો નથી ? મોબાઈલનું શું થયું ? ક્યારે રીપેર થશે ?, કેટલો ખર્ચો થશે ?’ સ્મિતા એક સાથે અઢળક સવાલો બોલી ગઈ, પરંતુ રાજેશ હજી સુધી મૌન હતો. ‘શું થયું છે, બોલને.. કેમ ચુપ છો ?’ સ્મિતાના અવિરત સવાલોથી રાજેશ ઉંડા વિચારમાંથી બહાર આવ્યો. ‘કાંઈ નહિ, એમ જ ઓફીસના કામ અંગે વિચારતો હતો’ વજનદાર ડબો ઉતારતા-ઉતારતા રાજેશ વજન વગરનું ઢીલું ઢીલું બબડ્યો.

બંને એ સાથે મળીને કામ ઉપાડ્યું ગાદલા-ગોદડા, કબાટ, શો-પીસ બધું એક પછી એક ઝપાટો બોલાવ્યો. સાંજના છ સુધીમાં તો લગભગ આખો બેડરૂમ સાફ થવા આવ્યો. ‘રાજુ તારા ડ્રોવરની ચાવી આપ તો આપડા બંનેનાં ડ્રોવર સાફ કરી નાખું’ હાથ લંબાવતા સ્મિતા એ કહ્યું. ‘નાં-નાં રે’વા દે, તુ થાકી ગઈ હોઈશ, કાલે સાફ કરી નાખશું’ રાજુએ નકાર ભણ્યો. સ્મિતાએ બે-ચાર વાર પૂછી જોયું પણ રાજેશ એક નો બે ન થયો. સ્મિતા કંટાળીને રસોડામાં ચાલી ગઈ.... રાત્રે જમ્યા પછી તરત જ બંને જાણા સીધા જ બેડરૂમમાં. પથારીમાં પડતા ભેગી જ થાકને કારણે રાજુને ઉંઘ આવી ગઈ પરંતુ રાજુના ડ્રોવરનાં રહસ્યએ સ્મિતાની ઉંઘ ઉડાડી દિધી. ડ્રોવરમાં એવું તે શું છે, કે એ મને ચાવી આપવાની નાં પાડે છે ? એ સવાલનો જવાબ ખોળવા, રાતના બે વાગે સ્મિતા ઉભી થઈ. લેપટોપની પાસે ટેબલ ઉપર પડેલા રાજુના વોલેટમાં તેણે ધાડ પાડી.

છેક અંદરના ખાનામાં સાવ નાની અમથી ચાવી નાઈટ લેમ્પનાં પ્રકાશમાં ચમકી આવી. ચોરની માફક તેણે ડ્રોવર ખોલ્યું, અને આખે આખું ખાનું લઈને તે ડ્રોઈંગરૂમમાં આવી. ચેકબુક, પાસબુક, હોમ લોનની ફાઈલ, વિમાની પોલિસી, બાઈકનાં કાગળો વગેરે વગેરે બધું જ ફેંદી માર્યુ. પણ રહસ્ય જેવું કશું જ મળ્યું નહિ. તેથી વિખેલા બધા જ કાગળો તે ગોઠવવા લાગી, હોમ લોનની વાદળી ફાઈલ ઊંચકી કે તરત જ તેમાંથી એક ગુલાબી ડાયરી સરકી આવી. સ્મિતાના જાણે શ્વાસ થંભી ગયા. એક-એક પાનું સ્મિતાના પ્રેમભર્યા જીવનમાં જાણે દાવાનળ ફૂંકતું હતું. ડાયરીના પાને-પાને પ્રેમ ટપકતો હતો, ને સ્મિતાના શ્વાસે-શ્વાસે નફરત. ગુલાબી ડાયરીના પીળા પડી ગયેલા પાનાઓમાથી માધુર્ય વરસતું’તુ, રાજુ અને સપનાની આખે આખી પ્રેમ કથા રાજુના અક્ષરોમાં ચિતરાયેલી હતી. આંસુ ભરેલી આંખોએ સ્મિતા વાંચતી રહી, સાડા ત્રણે સપનાનું પ્રકરણ પૂરું થયું. થાકેલી અને હારેલી સ્મિતા સોફા ઉપર માથું ઢાળી પડી રહી.

સાતના ટકોરે રાજેશ જાગ્યો, સ્મિતા વહેલી જાગી ગઈ હશે એમ માની આંખો ચોળતો-ચોળતો બહાર આવ્યો. પણ આ શું ? ડ્રોઈંગરૂમમાં વિખરાયેલા કાગળો પડ્યા છે. ગુલાબી ડાયરીના પાનાઓ રૂમના ટેબલફેનની હવામાં ફડફડે છે અને એ જોઈ રાજુનું હૈયું પણ. પોતાની અંગત ડાયરી આમ જાહેર થઈ ગયેલી જોઈને તેની ઉંઘ એક ક્ષણમાં ઉડી ગઈ. રાજેશની ચહલ-પહલથી સ્મિતા જાગી, જાગી એવી જ ભડકી, નીચે પડેલી ડાયરી ઉઠાવી તેણે આક્રોશમાં બોલવાનું શરુ કર્યું ‘આવો સપનાના રાજકુમાર.., આવો..!!, તો આ છે તારો ભૂતકાળ!, તારી રાસલીલાનો જીવતો જાગતો પુરાવો મારા હાથમાં છે. તારી આ સપનાએ મારી આંખોના સપના સળગાવ્યા છે, તે મને દગો દિધો છે, મારો વિશ્વાસ તોડ્યો છે.’

હવે રાજેશની ધીરજ ખૂટી, એ બરાડ્યો. ‘જેના ઘર કાચના હોય એણે બીજાના ઘર ઉપર પથ્થરો ફેંકવાની ભૂલ ન કરવી જોઈએ, એમ બોલતા જ તે સ્મિતાનો હાથ પકડી બેડરૂમમાં ઢસડી ગયો, ટેબલ ઉપરનું લેપટોપ ઓન કર્યું, એક સોહામણા યુવકનો ફોટો બતાવી સ્મિતાને એક વેધક સવાલ પૂછી નાખ્યો. ‘કોણ છે આ ?’ સ્મિતાએ થોડા ખચકાટ સાથે જવાબ આપ્યો ‘હું નથી ઓળખતી’ સ્મિતા એ નાં પાડી એવો જ એક તમાચો તેના ગાલ ઉપર પડ્યો. બેડરૂમ ગાજી ઉઠ્યો, અને સ્મિતાના ગુલાબી ગાલ ઉપર રાજેશની ચાર આંગળીઓ ઉપસી આવી. ‘નપાવટ, આ છોકરા સાથેના તારા સાડી ચારસો ફોટા મારી પાસે છે, અને વળી પાછી તું એને ઓળખવાની ના પાડે છો ? આ છે વિરેન!!, વિરેન જોશી. છેલ્લા ચાર વર્ષથી તારો પ્રેમી છે, હવે ઓળખાણ પડી ??!!’ રાજેશનો ગુસ્સો સાતમાં આસમાને હતો, રાજેશ બોલતો રહ્યો, સ્મિતા રડતી રહી.

બપોર સુધી ઘરને જાણે સાપ સુંઘી ગયો. લેપટોપ ઉપર ડિસ્પ્લે થતો વિરેનનો ફોટો અને ડ્રોઈંગરૂમમાં ખુલ્લી પડેલી સપનાની પ્રેમકથા, રાજેશ અને સ્મિતાના લગ્નજીવન ઉપર રાહુ –કેતુની જેમ ગ્રહણ લગાડતી હતી.

‘ચાલ, દિવાળીનું કામ પૂરું કરીએ’ એમ કેતા રાજેશે સ્મિતા તરફ હાથ લંબાવ્યો. ‘પણ મારો ભૂતકાળ ?’ રડતી આંખોએ સ્મિતા બોલી. રાજેશે કહ્યું ‘ભૂતકાળ તારો પણ છે અને મારો પણ, દિવાળીના ધૂળ-ઝાળાની સાથે એને સાફ કરી નાખીએ.’ ‘સાચું...!!!’ આશ્ચર્ય સાથે સ્મિતા બોલી ઉઠી. જવાબમાં રાજેશે હાથ ફેલાવ્યા, એક પ્રેમ ભર્યા આલિંગને ભૂતકાળને ભસ્મીભૂત કરી નાખ્યો. એજ સાંજે બેડરૂમના કચરા ભેગી રાજેશની ડાયરી અને પલળેલા મોબાઈલમાથી નીકળેલું સ્મિતાનું મેમરી કાર્ડ બંનેની હોળી થઈ.