Parseve Pani books and stories free download online pdf in Gujarati

પરસેવે પાણી

શરીર પર વળતો પરસેવો સાફ કરતાં કરતાં ઝડપથી ડૉ.પવને હાથમાં મોજા પહેર્યા મોઢા પર માસ્ક લગાવ્યું અને પ્રયોગશાળામાં પહોંચ્યા. સૌમ્ય સ્વભાવ ધરાવતાં ડૉ.પવનના અચાનક બદલાયેલા વ્યવહારથી તેનાં સાથીઓ અકળાઈ ઉઠ્યા પણ જ્યાં સુધી ડૉક્ટર સાહેબ કશું ન બોલે ત્યાં સુધી પૂછવું કઈ રીતે કે શું થયું ?

અધેડ ઉંમરના ડૉક્ટર પવનનાં શરીર પર વળેલા પરસેવા પર લાગેગી માટી થી એવું લાગતું હતું જાણે કે તેઓ કીચડમાં સ્નાન કરીને આવ્યા હોય. તેમની ટીમના યુવા સભ્ય ડૉ.મંથન તેમના સૌથી નિકટ હતાં પરંતુ ડૉક્ટર પવનના બદલાયેલા વર્તનને કારણે તેમણે પણ કશું પૂછવાની હિંમત ન કરી.

થોડીવાર પ્રયોગશાળાનાં સૂક્ષ્મદર્શક યંત્રમાં એકીટશે ગંભીરતા થી નિહાળતા ડૉક્ટરે અચાનક બડબડાટ શરૂ કર્યો.

"શક્ય છે..!

જો.. મંથન ! આ શક્ય છે…!

આપણે કરી શકીશું..!

હા, બધું થઈ જશે..!

જુઓ બધાં જુઓ..!"

ડૉ.પવન હરખાતાં હરખાતાં બાજુમાં પડેલાં કુંડામાં કેળના આકારનાં પ્લાસ્ટિકનાં પાંદડાંને ભેટીને નાચવા લાગ્યાં, ત્યાર બાદ જેણે જેણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું તે દરેક પણ ખુશીથી ડૉ.પવન સાથે નાચવા લાગ્યાં…

---

વિદ્યા આ પુસ્તક આગળ વાંચે તે પહેલાં અચાનક પવન તીવ્ર થયો પુસ્તક પર પાણીનું એક ટીપું પડ્યું. પુસ્તક ભીનું ન થાય માટે વડ નીચે બેસીને વાંચતી વિદ્યાએ વનરાજી વચ્ચે ગાયનાં છાણ થી લીપણ કરેલા પણ મજબૂત ઘર તરફ દોટ લગાવી, થોડું આગળ વધી, ત્યાં વડની વડવાઈ વચ્ચે થી પસાર થતાં પવનના ધ્વનિને સાંભળવા તે અટકી ગઈ. હાથ માંથી પુસ્તક સરી પડ્યું અને વડવાઈ માં ફસાઈ ગયું. તેનાં પર વિદ્યાનું ધ્યાન પણ ન ગયું. વીજળીના ભયંકર ગડગડાટ પણ વિદ્યાનું ધ્યાન ભંગ ન કરી શક્યા. એ વડલો જાણે કશું કહેવા માંગતો હોય તેમ તેની જમીન સુધી ન પહોંચેલી વડવાઈ ડોળાવીને વિદ્યાનું ધ્યાન ભંગ કરવાં સફળ રહ્યો.

વિદ્યા વિચારવા લાગી કે સૂક્ષ્મદર્શક યંત્રમાં તે લોકો શું જોઈને ખુશ થતાં હતાં? જાણવાની ઉત્કંઠા સાથે વિદ્યાએ ફરી પુસ્તક ઉઠાવી મકાન તરફ દોટ લગાવી. ઝડપથી મકાનમાં જઈને પુસ્તકનાં પાનાઓ ખોલી આગળ વાંચવાનું શરૂ કર્યું. પરંતું પુસ્તક જ્યારે હાથ માંથી પડી ગયું હતું ત્યારે તેનાં અમુક પાનાંઓ ભીના થઈ ફાટી ગયાં હતાં. વિદ્યાને એ જાણવાની ઉત્સુકતા ખૂબ વધી ગઈ કે એ સૂક્ષ્મદર્શક યંત્રમાં શું દેખાયું હતું? કોઈ કોયડો ઉકેલતી હોય તે પ્રકારે વિદ્યાએ ખરાબ થયેલાં પાનાંઓને અવગણી આગળ વાંચવાનું શરૂ કર્યું.

---

"જો મંથન એક બીજ અંકુરિત થશે તો વન બનતાં સમય નહીં લાગે. સવાલ એ છે કે મસ મોટાં ખર્ચે આપણે એક વૃક્ષ લગાવીને રણને લીલુ બનાવવા મથીએ છીએ તેનાં માટે પાણી જોઈશે ઘણું પાણી અને પાણીનો સૌથી મોટો સ્ત્રોત છે પરસેવો…

ડૉ.પવને " ડૉક્ટરે મંથનને સમજાવતાં કહ્યું.

"સર, પણ પરસેવે પાંદડા ન ખીલે. પરસેવામાં 90 % ક્ષાર હોય છે અને આપણું શરીર એક વૃક્ષ ઉછેરવા જોઈએ તેટલો પરસેવો ન આપી શકે અને એમ ઉગે પણ નહિ આપ આવી વાત કરશો તો કેમ ચાલશે?..."

ડૉ.મંથને ગંભીરતાથી કહ્યું.

"અરે ! પણ હું માણસનાં પરસેવાની વાત નથી કરતો?" ડૉક્ટર પવન હજી આગળનું વાક્ય બોલે તે પહેલાં જ ડૉ.મંથન બોલ્યાં.

"આપની વાતો અને આઈન્સ્ટાઈનનાં વાળ ઓળાવવાની પદ્ધતિ બંને કોઈ સમજી ન શકે, આપે વૈજ્ઞાનિક બનવા કરતાં ભાષાનાં પ્રાધ્યાપક બનવાની જરૂર હતી."

ડૉક્ટર પવને હસીને કહ્યું "સમજાવું છું ભાઈ, આટલો અધીરો ન બન, મારી પાસે એટલો પરસેવો સાચવેલો છે જેનાથી આ બંજર મૃતપાય જમીન સુંદર વન બની જશે અને તારી દીકરી અહીંયા ઉગેલા વડની વડવાઈ નીચે બેસીને આપણા વચ્ચેનો સંવાદ વાંચતી હશે, વાત ભલે અશક્ય લાગે પણ તે થશે જરૂર..."

ડૉ.મંથને વાતનો મજાક ઉડાવતાં કહ્યું "સાહેબ, આપ જે વિચારો છો તેને કાગળ પર નહીં હકીકત બનાવવાનું છે, આ ડૉક્ટર બનવામાં તો મારી અડધી જિંદગી નીકળી ગઈ અને જે છોકરી મને પસંદ હતી તેનાં બાળકો હવે મને મામા કહે છે, હું કુંવારો છું માટે આપ મારો મજાક કરો છો?"

ડૉ.પવને ખડખડાટ હસતાં કહ્યું "તું લગનની ચિંતા ન કર આ પ્રોજેક્ટ પૂરો થાય એટલે મારી દીકરી જાહ્નવીનાં લગન તારી સાથે જ ગોઠવવા છે, હવે મજાક છોડ અને વાતની ગંભીરતા સમજ, પરસેવો એટલે આ ધરતીનો પરસેવો, ધરતીને તાપ લાગે ત્યારે તે સવારે ઝાકળ રૂપી પરસેવો છોડે, આપણે તેનો ઉપયોગ આ રણમાં કરવાનો છે."

ડૉ.પવનની વાત સમજાતી હોય તે રીતે માથું ધુણાવતાં ડૉ.મંથન બોલ્યો "આપે આટલું સૂક્ષ્મ ચિંતન કર્યું છે તો આ કઈ રીતે શક્ય બનશે તેની યોજના પણ જણાવી દયો."

ડૉ.પવને પુરા વિશ્વાસ સાથે કહ્યું "હું યોજનાઓ કાગળ પર નથી ઉતારતો તેને પ્રયોગશાળાનાં સાધનોની મદદથી સાર્થક કરીને બતાવવામાં માનું છું, કરીશ આ પણ સિદ્ધ કરીશ એ પણ થોડાં વર્ષોમાં, હું આ બંજર જમીનમાં જન્મયો મારાં માતા પિતા બંને પાણી વગર મર્યા હતા, એ બંને તો અહી ઉગી ન શક્યા પણ હું આ જમીન પર મર્યા બાદ પણ વડ બનીને જીવવા માંગુ છું, એવો વડ જેની દરેક ડાળીને પણ વડ બનીને ઉગવાનો અને વડવાઈ થી વડ બનવાનો અધિકાર મળે."

ડૉ.પવનનાં હાથ પર હાથ મૂકીને ડૉ.મંથને કહ્યું "આપે જોયેલું સપનું હવે સાર્થક થઈને જ રહેશે" આમ બંને વાતો કરતાં કરતાં પ્રયોગશાળામાં ગયાં.

--

વિદ્યાની આંખો છલકાઈ ગઈ હતી અને આગળ વાંચતી રહી અંદરનાં કમરા માંથી અવાજ આવ્યો. "વિદ્યા… વિદ્યા… તે મારી ડાયરી જોઈ છે?"

વિદ્યા પોતાનાં હાથમાં રહેલી ડાયરી છુપાવતાં બોલી "કઈ ડાયરી?" વાક્ય પૂરું થયું તેટલાં સમય માં ડૉ.મંથન ત્યાં પહોંચ્યા બોલ્યાં "અરે..! અહીંયા હતી? બેટા આ જ ડાયરીની વાત કરતો હતો."

ડાયરી તરફ ઈશારો કરી તે બોલ્યાં. હાથમાં પકડેલી ડાયરી વિદ્યાએ વધુ જોરથી પકડી. ડૉ.મંથને ચહેરાના ભાવ બદલ્યા વિના જ વિદ્યા સામે ડાયરી લેવાં હાથ લંબાવ્યો, વિદ્યાએ ડાયરી આપવામાં અણગમો દર્શાવ્યો છતાં ડાયરી આગળ કરતાં પૂછ્યું "પિતાજી, આ ડૉ.પવન મારાં નાના હતાં? તમે આજ સુધી મને કેમ હજી સુધી તેમનાં વિશે કશું નથી જણાવ્યું? આજે હું બહાર બેસીને આ ડાયરી વાંચતી હતી વરસાદનાં કારણે અહિયાં આવવાં માટે દોડી તો ડાયરી વડવાઈમાં ફસાઈ ગઈ તેનાં અમુક પાનાંઓ ખરાબ થઈ ગયાં છે. તે બદલ માફ કરજો. શું આપ મને જણાવી શકશો કે એ સૂક્ષ્મદર્શક યંત્ર માં આપે શું જોયું જેથી આપ બધાં ખુશ હતાં?"

ડૉ.મંથને વિદ્યા સામે હસીને કહ્યું "બેટા, તારા થી હું કશું છુપાવવા માંગતો નથી. હવે સમય થઈ ગયો છે તને આ ડાયરીની બધી વાતો જણાવવાનો અને ડૉ.પવનનાં 'પરસેવે પાણી' પ્રોજેક્ટ વિશે સમજાવવાનો કેમ કે હવે ડૉ.પવનનાં બધાં સપનાઓ પુરા થયાં છે. જ્યારે તું વટવૃક્ષ નીચે બેસીને આ ડાયરી વાંચતી હતી ત્યારે ડૉ.પવનનું છેલ્લું સપનું પણ પૂરું થયું..."

ડૉ.મંથનનું ગળું ભરાઈ આવ્યું તે આગળ કશું બોલી ન શક્યો. વિદ્યાએ તેનાં આંસુઓ સાફ કર્યા. મેજ પર પડેલો પાણીનો પ્યાલો ડૉ.મંથન તરફ કર્યો. પાણી પીધા બાદ સ્વસ્થ થઈ ડૉ.મંથન આગળ બોલ્યો.

--

"એ દિવસે સૂક્ષ્મદર્શક યંત્રમાં અમે વડના બીજને અંકુરિત થતાં જોયું હતું. દૂર સુધી પાણી ન મળી શકે તેવાં રણને જંગલ બનાવવાનું સ્વપ્ન જોવું અને તેને પૂરું કરવું, આ બંજર જમીનને પાણી પાણી કરવી એ કાર્ય તો એક ઈશ્વર જ કરી શકે ડૉ.પવન અમારાં માટે ઈશ્વર જ હતાં. ચાલ આપણે બહાર તેમનાં પરસેવે નિર્મિત આ બંજર રણ પર બનેલાં લીલા વનનો આનંદ માણીએ.

વિદ્યા અને ડૉ.મંથન બંને કમરા માંથી બહાર નીકળ્યા, ડૉ.મંથન વિદ્યાને સમજાવવાં લાગ્યાં.

આજથી લગભગ 35 વર્ષો પહેલાં અહીંયા રણ હતું એવું રણ કે તેમાં વૃક્ષો તો શું થોર કે બાવળ પણ ન ઊગી શકે. ડૉ.પવનનો જન્મ આ કાલ પ્રદેશ માં થયો, તેમનાં માતા-પિતા આ વિસ્તારમાં તરસથી મર્યા તેનો વસવસો તેમને હતો. તેમનાં જીવનનું એક માત્ર લક્ષ્ય હતું આ બંજર જમીનને પાણી પાણી કરવી. માણસનાં માથે તાલ પડે તો પણ તેમાં ફરી વાળ ન ઊગી શકે આ તો આટલો વિશાળ કાલ પ્રદેશ.

અમે તો આ પ્રયોગ માં આર્થિક ફાયદાથી જોડાયેલા હતાં પણ તે હૃદયથી, આ પ્રયોગનાં તે પ્રણેતા હતાં. અહીંયા પ્રયોગશાળામાં સ્થાપવા અને કામ શરૂ કરાવવા માટે તેમણે ખૂબ મહેનત કરી અંતે સરકારે પણ તેમને આર્થિક મદદ કરી અને પ્રોજેક્ટ શરૂ થયો. આ પ્રયોગ હતો ! રણને સુંદર વન બનાવવાનો કાલ પ્રદેશમાં કાલીંદી ખોજવાનો.

અમારી ટીમે રાત દિવસની મહેનતથી અનેક પ્લાસ્ટિકના વૃક્ષો બનાવી લગાવ્યાં અને તેનું કામ હતું સવારની ઝાંકળ ઝીલીને નીચે મુકેલા બીજ સુધી પહોંચાડવું, દરેક પ્લાસ્ટિકના મૂળમાં વડનું એક બીજ રાખતા. જેથી ઝાંકળબિંદુ પાણી રૂપે નીચે ઉતરીને જમીનમાં રહેલાં બીજને ભીનાશ આપે, અમે આવા એક હજાર નકલી વૃક્ષો બનાવ્યા અને આ વિસ્તારમાં લગાવ્યા. કાળી માટી નમીને વધુ સમય સાચવી શકે માટે હજારો ટન કાળી માટી પાથરી. બે વર્ષ બાદ એક હજાર બીજ માંથી માત્ર એક અંકુરિત થયું, સૂક્ષ્મદર્શક યંત્રમાં અમે જે બીજ અંકુરિત થતું જોયું એ બીજનું નામ ડૉ.પવને 'જાહ્નવી' આપ્યું. કારણ કે જાહ્નવી એટલે પૃથ્વીને તૃપ્ત કરવા ભગીરથની કઠોર મહેનતનું ફળ ગંગા, ભગીરથની મહેનતથી સ્વર્ગથી ગંગા જો પૃથ્વી પર આવી શકે તો ડૉ.પવનની મહેનતથી બીજ અંકુરિત કેમ ન થઈ શકે? તેમણે જે સ્વપ્ન જોયું તે સિદ્ધ પણ થયું.

ડૉ.મંથનને વચ્ચે અટકાવતાં વિદ્યા બોલી "એક મિનીટ તેમની દીકરીનું નામ જાહ્નવી હતું માટે તેમણે એ અંકુરિત બીજ ને પણ જાહ્નવી નામ આપ્યું, પ્રોજેક્ટ પૂરો થયાં બાદ તમારાં લગ્ન થયાં અને મારો જન્મ થયો બરાબર?"

ડૉ.મંથન બોલ્યાં "ન તો મારાં લગ્ન થયાં છે, ન તો ડૉ.પવનને કોઈ બાળકો હતાં."

"તો હું ?" વિદ્યા ફરી કોઈ રહસ્યમાં અટવાઈ હોય તેવાં ગંભીર સ્વરે બોલી.

"તું પણ ડૉ.પવનના સૃષ્ટિ સર્જનનો પ્રયોગ જ છો, તારો જન્મ માતાનાં ગર્ભથી નહીં પણ ડૉ.પવનની પ્રયોગશાળામાં જ થયો હતો. અહિયાં જેટલું પણ છે તે બધું ડૉ.પવને પોતાનાં પરસેવે બનાવ્યું છે. તું આ વૃક્ષ, આ નદી, આ જંગલ બધું જ તેનાં પર સેવા અને પરસેવાના કારણે જ છે. માટે જ એ ઈશ્વર છે અને હા, આ બધું માત્ર ડૉ.પવનના પ્રયોગોનું માત્ર 0.01 % સફળતા થી થયું છે. તેમનાં વિશે તને હજી તારે ઘણું જાણવાનું બાકી છે. બસ તું વાંચતી આમ જ રહેજે અને જ્ઞાન વધારતી રહેજે એટલે જ તું વિદ્યા છો."

વાક્ય પૂરું થયું વિદ્યા અને ડૉ.મંથન એક બીજાને જોતા રહ્યાં.

બીજ રૂપી ભગીરથી મળી , વિદ્યા રૂપી સરસ્વતી હવે યમુના કયા રૂપે મળે તે બીજી કોઈ વાર્તા માં…

ફરી મળીશું...

#સાચો.