Dhaaro te karo ane karine j raho books and stories free download online pdf in Gujarati

ધારો તે કરો અને કરીને જ રહો !

ધારો તે કરો અને કરીને જ રહો !

આપણે ત્યાં એક કહેવત છે કે “ધાર્યું તો ધણીનું જ થાય” અને આ વાક્યમાં ધણી એટલે ઈશ્વર. મોટાભાગે આપણે ભગવાનને પણ નસીબ તરીકે ઓળખીએ છીએ.જયારે આપણે કઈક મેળવવાનું કે કરવાનું નક્કી કર્યું હોય અને એ કામ તે મુજબ થાય નહી ત્યારે આપણે નસીબને દોષ આપીએ છીએ. જેને ઘણા લોકો ભગવાનની ઈચ્છા પણ કહે છે. મનુષ્ય અવતાર અનેક શક્યતાઓની ધરોહર છે. વ્યક્તિ જે ધારે તે કરી શકે છે. આપણી આસપાસ અનેક લોકો છે જેમનું જીવન પ્રેરણાદાયી હોય છે છતાં આપણે માની શકતા નથી. તમે જે ધારો તે કરવા ઇચ્છતા હો તો તમારામાં ક્યાં ગુણો હોવા અનિવાર્ય છે એવું ક્યારેય વિચાર્યું છે? દરેક વ્યક્તિમાં શક્યતાઓ અને મર્યાદાઓ તેના મગજમાં અને વિચારોમાં એકસાથે ચાલતી હોય છે માટે જયારે તમે જેને મહત્વ આપો તેનું પરિણામ બાહ્ય જીવનમાં જોવા મળે. શ્રીદેવી જેવી વ્યક્તિ માત્ર ૫૪ વર્ષમાં ૩૦૦ ફિલ્મોમાં અભિનય કરી શકે અને માનસી જોશી જેવી અપંગ છોકરી પેરા બેડમિન્ટનમાં વિશ્વકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી શકે છે તો શું તમને નથી લાગતું કે માનવી જે ધારે તે કરી જ શકે? પણ હા! આ “ધારવું” એટલે શું? જો તેને એક સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી ભાષામાં સમજીએ તો “ધારવું “ એટલે નક્કી કરવું, નિશ્ચિત કરવું કે મારે આ કરવું જ છે, મારે આ જોઈએ જ છે. આ બન્ને ઉદાહરણો વ્યક્તિમાં રહેલી શક્યતાઓનું ખુબ સરસ ઉદાહરણ છે તો વિચારો તમે કોને મહત્વ આપી રહ્યા છો? તમારામાં રહેલી શક્યતાઓને કે તમે નક્કી કરેલી મર્યાદાઓને? આપણી આસપાસ અનેક લોકો કહે છે કે જે વિચારમાં આવે તે કર્મમાં આવે તો તેના મીઠા ફળ મળે. પણ કર્મ કરવા માટે કઈક “ધરવું”પડે. જો તમે તમારી શક્યતાઓને વિકસિત કરવાનું વિચારો છો તો તમે હકારાત્મક વિચારસરણીવાળા વ્યક્તિ છો અને જો તમે તમારી મર્યાદાઓને યાદ રાખી બેસી રહો છો અને કઈ કરવા માટે શરૂઆત કરવાની હિમત પણ નથી તો તમે નકારાત્મક વિચારસરણીને અનુસરો છો એવું કહું તો અતિશયોક્તિ નહી કહેવાય.

તમે ધારો તે કરવા ઇચ્છતા હો તો સૌથી પહેલા તમારી અંદર રહેલી શક્યતાઓને ચકાસતા અને ઓળખતા રહો. તમારી મર્યાદાઓ જે તમે સમજી લીધી છે તેને એકતરફ મૂકી દો. તમારા વિચારોમાં રહેલી મર્યાદાને તમારા જીવનનો ભાગ બનાવશો નહી. ઈશ્વરની ખરી કૃપા જો મનુષ્ય પર હોય તો એ કે વ્યક્તિ ધારે તો પોતાની મર્યાદાઓને ઓળંગી શકે છે, જેમ માનસી જોશીએ પુરવાર કર્યું તેમ અને પોતાનામાં રહેલી સ્પોર્ટ્સના શ્રેષ્ઠ ખેલાડી બનવાની શક્યતાઓને વધારી શકે છે. બસ તમે રેડી હોવા જોઈએ, તમારી જ જાતને ખેચીને સક્ષમ બનાવવા. કોઈ વિચાર આવવો અને તેને અમલમાં મુકવો એટલે શક્યતાઓ ઉગી નીકળી એવું કહેવાય. તમે તમારી શક્તિને ખીલવાની તક આપી એમ પણ કહેવાય. જો ચકલીનું બચ્ચું પોતાનામાં રહેલી ઉડવાની શક્યતાને એક મોકો નહી આપે તો તેની પાંખો ક્યારેય તેને ઉડવા માટે સક્ષમ બનાવશે નહી. ચકલી જો ભયને લીધે બેસી રહેશે તો પછી તેની પાસે પાંખો હોવા છતાં તે પોતે ઉડી શકતું નથી તે મર્યાદાને ચકલીએ સ્વીકારી લેવી પડશે. માનવી અમુલ્ય શક્તિ અને ક્ષમતાઓનો ભંડાર છે બસ તમે તેને એક મોકો તો આપો!

તમારી કોઇપણ ઈચ્છાને એક તક આપો, તેના પર કામ કરો, ફરી ફરી ઉભા થાઓ અને મંડ્યા રહો એટલે ચોક્કસ તમે કરી જ શકશો. ધારો તે મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ અનિવાર્ય છે. તમારી જાત પર તમારી શ્રધ્ધા વધારી દો. જે મુશ્કેલી આવે કે સ્પીડ બ્રેકર આવે તેને તમે પાર કરી જ શકશો તે હકારાત્મક વિચાર જ તમારી શક્યતાઓને વિસ્તારવામાં મદદ કરી શકશે. મર્યાદાઓનો વિસ્તાર નથી થઇ શકતો પણ તે માનવીને ભયભીત રાખવાનું કામ કરે છે જ્યારેત્મારી શક્યતાઓનો વિસ્તાર થઇ શકે છે જે તમને ઉગવાની તક આપે છે. આજે તમે કોઈ નાનું કામ કરવાનું નક્કી કર્યું અને તે કરી પણ લીધું તો આવતીકાલે આજ કામ વધુ મોટી રીતે અને મોટા પાયે તમે કરી જ શકશો.

તમારે બસ શરૂઆત કરવાની છે, જેમ નાનું તણખલું આખા જંગલને બાળી શકે છે તેવી જ રીતે નાની શરૂઆત મોટા ધ્યેય સુધી પહોચાડી શકે છે. જયારે પણ તમે જે વિચારો અને મનથી નક્કી કરો કે તમારે આ પ્રાપ્ત કરવું જ છે ત્યારે જ એ વિચારને તમારી ડાયરીમાં લખી લેશો. ત્યારબાદ જય પહોચવું છે તેના નાના નાના ધ્યેય નક્કી કરો કે એક મહિનામાં આટલું કામ થવું જોઈએ જ. ત્યારબાદ તમારા ધ્યેય સુધી પહોચવામાં કેટલા લોકોની મદદ જોશે તેનું લીસ્ટ બનાવો, કેટલો સમય અને કેટલા પૈસાની જરૂર પડશે તે નક્કી કરી લખી લેશો. જે કામ કરવું અન્યને અઘરું લાગતું હોય અને તમે તે કરી બતાવો એટલે લોકો પણ તમને શાબાશી આપશે. માનવીની ઇચ્છાશક્તિ સામે બધું જ વામણું છે કારણ કે માનવી ધારે તે કરી શકે છે. તમે જે ધારો તે મેળવવા માટે તમારે ખુબ વધુ પ્રયત્નો કરવા પડશે, જો તમારું પરિણામ વધુ જોઈતું હોય તો. કૃષ્ણ ભગવાન તરીકે પૂજાય છે પણ તમને સામાન્ય માનવી તરીકે જન્મ લઈને માનવજાતને સમજાવવાનો પ્રયત્ન જ કર્યો હતો કે “ માનવી ધારે તે કરી શકે છે.” તમે શીખવાનું અને કરવાનું ક્યારે શરુ કરો છો તેના પર આધાર રાખે છે કે તમને સારા ફળ ક્યારે મળી શકશે. કઈ પણ મેળવવા માટે જેટલો જરૂરી સમય છે તે આપવો જ પડે. જેમ કોઈ શાકભાજી અઠવાડિયામાં ઉગી શકે પણ આંબાને વાવ્યા પછી કેરીના ફળ માટે તો રાહ જોઈ તેને જોઈતો હોય તેટલો સમય આપવો જ પડે. કઈક એવી જ રીતે તમે જે ધાર્યું તે મેળવવા માટે જરૂરી સમય અને મેહનત તો કરવા જ પડે. બે મીનીટમાં મેગી બની શકે, તમારી કારકિર્દી કે વ્યવસાય નહી. અમુક બાબતોને સ્વીકારીને તેને પાર પાડવાની તૈયારી કરવી જ જોઈએ એટલે મુશ્કેલી ઓછી અને સરળતા વધુ મળશે.

આપણા દેશમાં જ એવા અનેક ઉદાહરણો છે જેમના વિષે જાણીએ તો સમજાય કે માનવી કેટલું કરી શકે છે? આપણા વડાપ્રધાન નરેન્દ મોદી હોય કે ભૂતપૂર્વ ર્રાષ્ટ્રપતિ કલામસાહેબ હોય, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય કે ધીરુભાઈ અંબાણી, દરેક લોકોએ પોતાના ધર્યા પરિણામ મેળવી અન્ય માટે ઉદાહરણરૂપ દાખલા બેસાડ્યા છે. શું આટલું જોયા, સાંભળ્યા અને પરિણામ જોયા પછી પણ તમે જીવન ધ્યેય નક્કી નથી કરી શકતા? જો તમારો જવાબ “નાં” હોય તો વિચારો નહી પણ અન્ય તમને જે ધ્યેય આપે તેના પર કામ શરુ કરી ધ્યો. તમે કઈ ક કરશો એટલે દિશા આપોઆપ ખુલશે અને તમે જાતે નક્કી કરવા અને સમજવા સક્ષમ બની જશો. આપણે ત્યાં કહે છે કે “ મામા ન હોય તેના કરતા મામા કાણા હોય તો પણ ચાલે, કારણ કે તમે કહી તો શકો કે તમારે મામા છે” કઈક એવી જ રીતે તમે કઈ જ ન કરો તેના કરતા કઈક કરો એ વધુ મહત્વનું છે અને જે કરવું હોય તે ધરી શકો એવી શુભેચ્છા.

***