Rudra ni Premkahani - 24 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 24

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 24

રુદ્રને નદીમાંથી રાજકુમારી મેઘના ની જે અંગૂઠી મળી આવે છે એને રાજા અગ્નિરાજને સુપ્રત કરવાનાં બદલામાં રુદ્ર કંઈપણ માંગણી કરતો નથી.. રુદ્ર રાત્રી દરમિયાન નદીકિનારે બેઠો હોય છે ત્યાં મંત્રોચ્ચાર સાંભળી એક અઘોરી જોડે જઈ પહોંચે છે.. રુદ્રનો ચહેરો જોયાં વગર એ અઘોરી રુદ્રને નામ દઈને બોલાવે છે જે સાંભળી રુદ્ર ને અચંબો થાય છે.. એ અઘોરી સાથે ની અદભુત મુલાકાત પછી રુદ્ર સમજી જાય છે કે એ અઘોરી સ્વંય મહાદેવ હતાં.. કુંભમેળામાં એક બેકાબુ બનેલો હાથી હડદંગ મચાવતો હોય છે ત્યારે રાજકુમારી મેઘના એ હાથીની સામે આવી જાય છે.

આ બધું એટલી ગતિમાં બની ગયું કે ત્યાં હાજર બધાં આગળ શું કરે એ વિશે વિચારી નહોતાં શકતાં. રાજકુમારી મેઘના મદમસ્ત બનેલાં ગજરાજ ની સંમુખ આવીને જમીન પર પટકાઈ ગઈ હતી.. બસ થોડીક જ ક્ષણો માં એ બેકાબુ બનેલો ગજરાજ મેઘનાનું કચુંબર બનાવી દેશે એવી ભીતિમાં ત્યાં હાજર લોકો મેઘના ને બચાવી લેવાની ગુહાર કરી રહ્યાં હતાં.

ગજરાજ અને મેઘના વચ્ચે ફક્ત પચાસેક ડગલાં નું અંતર હતું ત્યાં રુદ્ર એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર મેઘના ની આગળ આવીને ઢાલ ની જેમ ઉભો રહી ગયો.

"એ તું શું કરે છે..? એ મારી નાંખશે તને..? "રુદ્ર નાં આમ કરાતાં જ શતાયુ અને ઈશાન એને ઉદ્દેશીને જોરજોરથી બોલવાં લાગ્યાં.

હવે વધતી ક્ષણો સાથે ગજરાજ વધુ ને વધુ રુદ્રની તરફ આગળ વધી રહ્યો હતો.. રુદ્રએ આંખો બંધ કરી કંઈક ગહન મનોમંથન કર્યું અને તુરંત જ એ ગજરાજ આવી રહ્યો હતો એ દિશામાં દોડવા લાગ્યો. રુદ્ર હવે આગળ શું કરવાનો હતો એ ત્યાં ઉભેલાં બધાં લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યાં હતાં.

બેકાબુ બનેલાં ગજરાજ ની નજીક પહોંચતાં ની સાથે જ રુદ્ર એ છલાંગ લગાવી પોતાનાં પગ ને ગજ ની સૂંઢ ઉપર રાખી દીધો.. અને જે ગતિમાં રુદ્ર દોડીને ગજરાજ ની તરફ આવ્યો હતો એ જ ગતિમાં ત્રણ ફલાંગમાં તો રુદ્ર એ હાથી નાં ઉપર જઈને બેસી ગયો.. આમ છતાં એ ગજરાજ મેઘના ની તરફ તો પહેલાં જેટલી જ ગતિમાં આગળ વધી રહ્યો હતો.

"ગજરાજ મને માફ કરજો.. "મનોમન આટલું બોલી રુદ્ર એ એ બેકાબુ બનેલાં ગજરાજ નાં કાન ને જોરથી ખેંચ્યા.. શરીર નાં નાજુક અંગ નાં ખેંચાવા નાં લીધે એ ગજરાજે પોતાની દિશા બદલી લીધી અને રુદ્ર નાં ઈશારે એ નદી તરફ દોડવા લાગ્યો.. રુદ્ર એ પોતાની બુદ્ધિ નાં જોરે એ ગજરાજ ને નદીની અંદર ઉતારી દીધો.. નદીનાં શીતળ જળ નો સ્પર્શ થતાં જ એ ગજ શાંત થઈ ગયો.. રુદ્ર એ માથે હાથ ફેરવી એ ગજરાજ ને હૂંફ મળી રહે એવું વાતાવરણ સર્જી દીધું.

"મહાવત.. ગજરાજ હવે શાંત થઈ ગયાં છે.. એમને વ્યવસ્થિત સ્નાન કરાવી તમે લઈ જઈ શકો છો.. "નદી કિનારે પહોંચેલા મહાવત ને ઉદ્દેશતાં રુદ્ર બોલ્યો.

"ના.. ના આ બેકાબુ બનેલાં ગજને મારી નાંખો.. આને ક્યાંક લઈ જવાની જરૂર નથી.. "એટલામાં તો નદી કિનારે આવી ચડેલાં ટોળાંમાંથી એક વ્યક્તિ ઊંચા અવાજે બોલ્યો.

"હા.. હા એવું જ થવું જોઈએ.. આ ગાંડાતુર બનેલાં ગજરાજનાં લીધે હમણાં રાજકુમારી પોતાનો જીવ ખોઈ બેસત.. મારી નાંખો આને.. "એટલામાં એક અન્ય વ્યક્તિ પણ બોલ્યો.

"મારી નાંખો.. મારી નાંખો.. "એકસાથે ત્યાં હાજર થયેલાં હજારો લોકોની ભીડ એકસુરમાં બોલવાં લાગી. લોકોનો આ વ્યવહાર રુદ્ર ની સમજ બહારનો હતો. આ સમયે રુદ્ર એ એ ગજરાજ નાં મહાવત ની આંખોમાં જોયું જેમાં પોતાનાં ગજને બચાવી લેવાની મૌન પુકાર હતી એ સ્પષ્ટ દેખાઈ આવી.

"સારું તમે કહેશો એવું કરીએ... પણ એ પહેલાં મારાં એક પ્રશ્નનો જવાબ આપવો પડશે..? "રુદ્ર નદીમાંથી નીકળી લોકોની ત્યાં એકત્રિત થયેલી ભીડ ની સામે આવીને બોલ્યો.

આ ભીડમાં રાજકુમારી મેઘના, શતાયુ અને ઈશાન પણ આવીને ઉભાં હતાં.. રુદ્ર નાં આમ બોલતાં જ બધાંએ ચૂપચાપ રુદ્ર શું પ્રશ્ન કરવાં ઈચ્છતો હતો એ સાંભળવાં કાન સરવા કર્યાં.

"તમારાં ઘરે બાળકો હોય એ કોઈ દિવસ તોફાને ચડે કે કોઈ જીદ કરે તો તમે એની હત્યા કરો છો. ? ના કેમકે એ મનુષ્ય છે.. પણ તમે બધાં આ ગજરાજ ની હત્યા કરવાની વાત એટલે કરો છો કે એ એક મુક પશુ છે... ધિક્કાર છે તમારાં જેવાં લોકોને. તમને કોઈ સાંકળોથી બાંધીને રાખે, તમારી સ્વતંત્રતા છીનવી લે તો કેવું લાગે..? આવું પોતાની સાથે થયું હોવાં છતાં આ ગજરાજ અને એમની જેવાં સેંકડો પશુઓ સદાય મનુષ્યો ની મદદ કરતાં રહ્યાં છે તો કોઈ દિવસ કોઈ કારણોસર એ અકળામણ અનુભવતાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે એમાં આવો ઉહાપોહ કેમ..? "

"પોતાની જાતને સવાલ કરો કે તમે આ ગજરાજ ની હત્યા માટે હમણાં જોરજોરથી બુમો પાડી રહ્યાં હતાં એ યોગ્ય છે ખરું.. એ તો સમજદાર નથી પણ તમે બધાં તો સમજશક્તિ ધરાવો છો તો પછી આવી અયોગ્ય વાત કેમ..? એમાં પણ જ્યાં પુણ્ય મેળવવા માટે હજારો જોજન યાત્રા કરીને તમે જે કુંભમેળામાં આવ્યાં છો ત્યાં આવું કૃત્ય કરવાનું વિચારવું પણ પાપ છે.. અને હજુ સુધી તમારાં રાજકુમારી જીવિત છે અને સહી સલામત છે.. ચલો એવું હોય તો રાજકુમારી જી ને જ પુછીએ કે આ ગજરાજ નું શું કરવું જોઈએ..? "

આટલું કહી રુદ્રએ રાજકુમારી મેઘના ને ત્યાં મોજુદ ભીડ ની સામે પોતાનું મંતવ્ય રજૂ કરવાં કહ્યું.. મેઘના રુદ્ર ને જોતાં જ ઓળખી ગઈ હતી કે આ એ જ યુવક હતો જેને ગતરોજ પોતાની પ્રિય અંગૂઠી સુપ્રત કરી હતી.. રુદ્રની તરફ જોઈ સ્મિત સાથે મેઘના એ ત્યાં હાજર લોકોને ઉદ્દેશીને કહ્યું.

"આ યુવાન સત્ય કહી રહ્યો છે.. પૃથ્વી પર દરેક સજીવ એ ભલે મનુષ્ય હોય, પશુ હોય, કે પછી પક્ષી હોય દરેક ને સમાન રીતે જીવવાનો અધિકાર છે.. હવે જો તમે કોઈ સજીવ નાં જીવવાનાં મૂળભૂત હકને છીનવવાનું કાર્ય કરશો તો ક્યારેય આવું કંઈક તો બનશે જ.. માટે તમે લોકો પોતપોતાનું કામ કરો અને મહાવત ને પોતાનાં ગજરાજ સાથે અહીંથી જવા દો.. "

મેઘના નાં આમ બોલતાં જ ત્યાં એકઠી થયેલી ભીડ વિખેરાઈ ગઈ.. મહાવતે રુદ્ર અને રાજકુમારી મેઘના નો આભાર માન્યો અને પોતાનાં ગજરાજ સાથે ત્યાંથી વિદાય લીધી.

મહાવત નાં જતાં જ રુદ્રએ હજુ ત્યાંથી જવાં માટે ડગ માંડ્યા જ હતાં ત્યાં રુદ્રનાં કાને મેઘનાનો અવાજ સંભળાયો.

"મહોદય.. જરા ઉભાં રહો.. "

મેઘનાનો ચાસણીમાં ડૂબેલો અવાજ કાને પડતાં જ રુદ્રનાં આગળ વધતાં ડગ અટકી ગયાં.. રુદ્ર મેઘના ની તરફ આગળ વધ્યો અને શાલીનતાથી બોલ્યો.

"બોલો રાજકુમારી, હું આપની શું સેવા કરી શકું..? "

"પહેલાં તો હું તમારો ધન્યવાદ કઈ રીતે માનું એ સમજાતું નથી.. ગઈકાલે તમે મારી અંગૂઠી પાછી આપીને એક ઉપકાર કર્યો અને આજે મારો જીવ બચાવીને એથીય મોટો ઉપકાર કર્યો છે.. શું હું આપનું નામ જાણી શકું છું..? "રુદ્ર ની સામે જોઈને મેઘના મૃદુતાથી બોલી.

"મારું નામ વીરા છે. આજે મેં જે કંઈપણ કર્યું એ મારી ફરજ હતી.. તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો પણ હું આવું જ કરત.. "રુદ્ર એ પોતાનો પરિચય આપતાં કહ્યું.

"આમ છતાં જે રીતે તમે જીવદયા ની વાત કરી બેકાબુ બનેલાં હાથી નો જીવ ગુસ્સે ભરાયેલી ભીડથી બચાવ્યો એ ખરેખર વખાણવા લાયક બાબત છે.. તમને મળીને આનંદ થયો.. "રુદ્ર ની તરફ જોઈ સસ્મિત મેઘના બોલી.

"આ જે કાર્ય કર્યું એમાં તમારો પણ સિંહફાળો છે.. તમે પણ દરેક જીવ ને એકસમાન અધિકાર હોવાની વાત કરીને લોકોને સમજાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.. તો આ સ્તકાર્ય માં તમે પણ સરખાં જ સહભાગી છો.. "રુદ્ર બોલ્યો.

"સારું તો હું હવે નીકળું.. હર મહાદેવ"મેઘના એ આટલું કહી પોતાનાં ઉતારા તરફ ડગ માંડ્યા.

મેઘના તો ત્યાંથી ચાલી નીકળી પણ રુદ્ર હજુ ત્યાં જ ઉભો ઉભો મેઘના ને જતાં જોઈ રહ્યો હતો.. મેઘના એ થોડાં આગળ વધી પોતાની નજર ઘુમાવી એક નજર રુદ્ર ની તરફ ફેંકી.. પોતાની તરફ એકીટશે જોઈ રહેલાં રુદ્ર ને જોતાં જ મેઘનાનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું.. આ સ્મિત નાં પ્રત્યુત્તરમાં રુદ્ર પણ મલકાઈ ગયો.

રુદ્ર અને રાજકુમારી મેઘના વચ્ચે સ્મિત ની જે આપ-લે થઈ એને નિહાળી રહેલાં શતાયુ અને ઈશાન રુદ્ર ની નજીક આવ્યાં અને એને ચીડવતાં હોય એમ બોલ્યાં.

"લાગે છે રાજકુમારી ને પણ આ બહાદુર મહોદય પસંદ આવી ગયાં છે.. "

રુદ્ર શતાયુ અને ઈશાન ની વાત સાંભળી એ બંને પર બનાવટી ગુસ્સો કરતાં બોલ્યો.

"એવું કંઈ નથી.. હવે ચાલો જમવાનો પ્રબંધ કરીએ.. "

****

આમ ને આમ બીજાં ત્રણ દિવસ વીતી ગયાં.. આ ત્રણ દિવસ દરમિયાન મેઘના રોજ પોતાની સખીઓ જોડે કુંભમેળાની રોનક માણવા આવી પહોંચતી.. પણ હકીકતમાં એની નજર સતત રુદ્રને શોધતી રહેતી.. અને જેવો રુદ્ર નજરે ચડી જાય એ સાથે જ રાજકુમારી ની તરસી આંખો ની તરસ જાણે ઘડીનાં છઠ્ઠા ભાગમાં ભરાઈ જતી.

રુદ્ર પણ સમજી ચુક્યો હતો કે રાજકુમારી મેઘના મનોમન પોતાને પસંદ કરવાં લાગી છે.. અને જાણીજોઈને મેઘના રુદ્રને એકાંત માં મળી શકાય એવી વ્યવસ્થા ઉભી કરતી જેથી સારો એવો સમય રુદ્ર સાથે વાતો કરવામાં પસાર કરી શકાય. આ વાતચીત દરમિયાન રુદ્ર અને મેઘના બંને ને ખબર હતી કે એ બંને એકબીજાને પસંદ કરવાં લાગ્યાં છે પણ આ વાતની પહેલ કોણ કરે એ બંનેમાંથી કોઈને સમજાતું નહોતું.

રુદ્ર એ પોતાની સાચી ઓળખ મેઘનાથી છુપાવી પોતાની ઓળખ બાદલપુર નાં એક ખેડૂત વેપારી વીરા તરીકે જ આપી હતી.. પોતે નિમ લોકોનો રાજકુમાર હતો અને મેઘના મનુષ્યલોક નાં સૌથી શક્તિશાળી રાજા અગ્નિરાજ ની દીકરી હોવાં છતાં રુદ્ર મેઘના ને સાચાં મનથી પ્રેમ કરતો હતો. રુદ્ર જાણતો હતો કે એક દિવસ તો મેઘના ને પોતાની સાચી હકીકત વિશે જાણ થઈને જ રહેશે.. પણ જ્યાં સુધી મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ પોતાનાં હાથ નહીં આવે ત્યાં સુધી પોતાની સાચી ઓળખ મેઘનાથી છુપાવવાનાં અટલ નિર્ણય પર રુદ્ર આવ્યો હતો.

સામા પક્ષે રુદ્ર એક સામાન્ય ખેડૂત તરીકે પોતાની વીરા તરીકેની ઓળખ આપી હોવાં છતાં મેઘના ને એ નહોતું સમજાઈ રહ્યું કે કેમ એ આ ક્યારેય પૂર્ણ ના થાય એવાં સંબંધમાં ધીરે-ધીરે બંધાવા લાગી હતી.. કોઈક તો ગૂઢ રહસ્ય હતું જે મેઘના ને એક સામાન્ય ખેડૂત બનેલાં રુદ્ર તરફ આકર્ષી રહ્યું હતું.

છેવટે રુદ્ર અને મેઘના ને પોતાની આગામી મુલાકાતમાં પોતાનાં મનની વાત એકબીજા સમક્ષ જાહેર કરવાનો નિશ્ચય કરી લીધો.. કોઈપણ રીતે મનની વાત એકબીજાને જણાવવી જરૂરી સમજી એ બંને આ નિર્ણય પર તો આવ્યાં હતાં પણ વિધાતા ને કંઈક અલગ જ મંજુર હતું.

રુદ્ર અને મેઘના ની આગામી મુલાકાત શક્ય બને એ પહેલાં રાજા અગ્નિરાજનાં સૈનિકો હાથમાં ઢોલ-નગારાં લઈને એક નવો ઢંઢેરો પીટવા આવી પહોંચ્યાં.

"સાંભળો.. સાંભળો.. સાંભળો.. અહીંયા આવેલાં સમસ્ત ભાવિકો અને શ્રદ્ધાળુઓને મહારાજ અગ્નિરાજ તરફથી વાનુરાનાં મેદાનમાં દર વખતે કુંભમેળા દરમિયાન યોજાતી લડાઈ જોવાનું ભાવભીનું આમંત્રણ છે.. તો દરેક વ્યક્તિ આવતીકાલે સવાર થતાં જ લડાઈ જોવાં આવે એવો અનુરોધ.. સાંભળો... સાંભળો... સાંભળો.. "

અગ્નિરાજ નાં સૈનિકોની આ જાહેરાતે રુદ્ર, શતાયુ અને ઈશાન નાં મનમાં એક સવાલ પેદા કરી મુક્યો કે "આખરે આ વાનુરા નું મેદાન શું છે તથા ત્યાં કોની અને કેવી લડાઈ યોજાવાની છે..? "

★★★

વધુ નવાં અધ્યાયમાં.

આ વનુરા નું મેદાન શું હતું અને ત્યાં કોની કોની વચ્ચે લડાઈ થવાની હતી..? રુદ્રનું મેઘના ની પ્રેમકહાની કઈ દિશામાં આગળ વધશે..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે.? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ શકશે? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***