Ambulance books and stories free download online pdf in Gujarati

એમ્બ્યુલન્સ...

એમ્બ્યુલન્સ. . વાર્તા…. દિનેશ પરમાર નજર
-----------------------------------------------------------
બસ એટલી સમજ મને પરવર દીગાર દે
સુખ જ્યાંને જ્યારે મળે ત્યાં બધાના વિચાર દે
મરીઝ
-----------------------------------------------------------

બોપલની આજુ બાજુનો વિસ્તાર હજુ વિકસતો હતો. નવી પડેલી ટાઉન પ્લાનીંગ સ્કીમમાં ટાઉનશીપ અને સોસાયટીઓ બનવાની શરૂઆત થઈ હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રજાને જરૂરી એવી એમેનીટીઝ નું આયોજન અને અમલવારી ચાલી રહી હતી. પણ ખૂબ ઝડપથી આ બધું થઈ રહ્યું હતું.
બોપલ - શીલજ રોડપર પ્રખ્યાત બહુચર માના મંદિરથી આગળ જતાં વિશાળ પ્લોટસવાળા બંગલાઓની નવીજ બનેલી નામે 'અનન્ય સોસાયટી' માં બંગલા નંબર ૧૩ માં રહેતા સુખલાલ હરીલાલ પટવારી સવારે સાડા નવ વાગ્યે રોજની જેમ પોતાની ફેક્ટરી જવા નીકળ્યા.
શેઠ રોજ સવારે જમીને ફેક્ટરી જવા નિકળતાં ત્યારે બંગલાના પોર્ચમા આવી શેઠાણી જયશ્રી કૃષ્ણ બોલી વિદાય આપતા. તેમનો કાયમી નોકર નારણ રામા કોડીયા બંગલાનો ગેટ ખોલતો ને બંધ કરતો.
બે મહિના પહેલા જ છોડાવેલી હોન્ડા સિટી કાર ચલાવી રહેલા તેમના કાયમી અને ઈમાનદાર ડ્રાયવર ગનિખાન પઠાણ તરફ ફ્રંટમિરર માંથી જોઈ શેઠ સુખલાલજી બોલ્યા, " ગની આપણે અગિયાર વાગ્યે ફેક્ટરી પહોંચવું છે."
ગાડી હંકારતા ગની એટલું બોલ્યો, " જી.. શેઠ" ને ગાડીની થોડી સ્પીડ વધારી.
છત્રાલ- કડી ના મેઈન રોડ પર આવેલી જી. આઇ. ડી. સી. માં સુખલાલજીની "કોરોના પ્રાઇવેટ કંપની" નામે અક્રેલિક ઈલેક્ટ્રીકલ પૅનલ્‌સ બનાવવાની ફેક્ટરી હતી. રોજની જેમ જ ત્યાં પહોંચવાનું હતું.
અચાનક બ્રેક મારી ને ગનીએ ગાડી ધીમી પડતા, પાછલી સીટપર છાપું વાંચી રહેલા સુખલાલજીએ છપામાંથી મોઢું બહાર કાઢીને પ્રશ્નાર્થ નજરે ગની તરફ જોયું.
ગાડી ઉભી રાખી કાચ સ્હેજ નીચે કરી ગની બોલ્યો, " એ છોકરા તને ખબર નથી પડતી? આમ રસ્તા વચ્ચે આવીને ઉભો રહી જાય છે તે?"
છોકરો બે હાથ જોડીને રડતાં રડતાં કરગરવા લાગ્યો, " મારી બેનને બચાવી લો, તેનો સમયસર ઈલાજ નહીં થાય તો તે મરી જસે... તે રસ્તા પર બેભાન થઈ ગઈ છે.."
શેઠ અને ગનીએ જોયું તો આગળ રસ્તા પર દસેક લોકોનું ટોળું એક બેભાન શરીરની ફરતે ઉભું હતું. આ વિસ્તારમાં હજુ વિકાસ શરૂ થયો હોઈ રીક્ષા, ટેક્ષી, ને અન્ય વાહનો ખુબ ઓછા દેખાતા હતા.
સામેના ભાગે બનેલા કોમ્પ્લેક્ષમાં જઈ એક ભાઈએ તાત્કાલિક એમ્બ્યુલન્સ માટે ફોન કરતા જવાબ મળેલ કે, "જો શક્ય હોય તો તમે ત્યાંથી જે મળે તે સાધનમાં આવી જાવ, કારણ કે હાલ બે એમ્બ્યુલન્સમાંથી એકજ ચાલુ છે અને તે ઇમરજન્સી કેસમાં નિકોલ ગઈ છે જે આવતા વાર લાગે તેમ છે."
છોકરો ફરી બે હાથ જોડીને વલોપાત કરવા લાગ્યો , "શેઠ હું સામેની ચાલીમાં રહું છું, મારા વાલીદ બે વરસ પહેલાં ગુજરી ગયા છે, મારી અમ્મીજાન લોકોના ત્યાં ઘરકામ કરે છે. હું... "
તે આગળ કાંઇ બોલે તે પેહલા તેને રોકતા શેઠ સ્હેજ મોટે અવાજે બોલ્યા," ગની એને કહી દે અમારે મોડું થાય છે, એવું લાગે તો એમ્બ્યુલન્સ સેવા લેવી જોઈએ ને? આમ રસ્તા વચ્ચે કોઈની પણ ગાડી રોકવાનો શો મતલબ? "
ગનીએ કાચને ઉપર ચઢાવતા કહ્યું," છોકરા સાંભળ્યું ને! એમ્બ્યુલન્સ બોલાવી લે."
છોકરો રોતો કકળતો રહ્યો ને ગનીએ શેઠની સૂચના મુજબ ગાડી હંકારી મુકી.

********************

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ડિસેમ્બર મહિનામાં પણ દિવસે સહનના થાય તેવી ગરમી અને રાત્રે હાડ થીજાવતી ઠંડી...
શેઠ સુખલાલજી, ગઈકાલે રાત્રે શહેરની પ્રખ્યાત હોટલમાં તેમના વેપારી ગ્રુપની યોજાયેલ બાકી ગેટ ટુ ગેધર પાર્ટીમાં ગયેલા ને થોડું વધારે પડતું જમાય ગયેલું. આખી રાત છાતીમાં મૂંઝારો થયો. સવારે પણ ચેન પડતું નહતું. સવારે લગભગ દસ વાગે અચાનક તેમને ઉલ્ટી થઈ ને શરીર પરસેવેથી રેબઝેબ થઈ ગયું.
તેમને થયું કે કોઈ છાતી ભીંસી રહ્યું છે. તેઓથી ના રહેવતા જોરથી પત્નીને બૂમ પાડી, તેમની પત્ની ની સાથે સાથે ડ્રાઇવર ગનીખાન અને કામવાળો નારણ રામા પણ દોડતો અંદર આવ્યો.
શેઠની હાલત જોતા શેઠાણી ગભરાય ગયા, ગની તરફ જોઈ તેમણે કહ્યું કે, "ગની, તાત્કાલિક ગાડી કાઢ, ડૉક્ટરની રાહ જોવી નથી, આપણે તાત્કાલિક શહેરની હાર્ટ હોસ્પિટલ પહોંચી જઈએ."
ગની રીતસર ભાગ્યો ને ગાડી પોર્ચ પાસે લઈ આવ્યો. પાછો અંદર ગયો, ગની ત્થા નારણ બંને જણા શેઠને ઉચકી ગાડીમાં લઈ આવ્યા. શેઠાણી પણ પાછળ શેઠની જોડે બેસતા નારણને સૂચના આપી," હું આવું નહીં ત્યાં સુધી તું ઘરનું ધ્યાન રાખજે. "
પછી ડ્રાઇવરની શીટ પર બેસતા ગનીને સૂચના આપી, "ગની લાઈફ-ટાઈમ હૉસ્પિટલ લઈ લે."
"જી....બા.." કહેતા'ક ગનીએ ગાડી સ્ટાર્ટ કરી દોડાવી મૂકી.
લગભગ થોડે આગળ ગયા ને આ શું! ગાડી આંચકા ખાઈ ને ઉભી રહી ગઈ...
"ગની... શું થયું? કેમ ગાડી અટકી ગઈ. " શેઠાણી ચિંતામાં પડી ગયા.
ગાડીમાંથી બહાર નીકળતા "બા, હું જોઉં છું. કેમ અચાનક બંધ પડી? "કેહતો ગની આગળ ગયો ને બોનેટ ખોલી જોવા લાગ્યો.
લગભગ બે મિનિટ સુધી મથામણ કરવા છતાં ચાલુ ના થતા શેઠાણી ગભરાયા. "ગની શું થયું છે કેટલી વાર લાગશે? "
એટલામાં સામેથી એક છોકરો પાના-પક્કડ લઈ દોડતો આવ્યો.
ને ગની સામે જોઈ બોલ્યો," લાવો મને જોવા દો મામુ. "
" અરે! અફઝલ તુ! સારું થયું તુ આવી ગયો, મારા શેઠને એટેક આવ્યો લાગે છે, તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું પડે તેમ છે."
"સારુ, મામુ તમે ગાડીમાં બેસો હું કહું એટલે સેલ મારજો." અફઝલ એટલું બોલી રીપેરીંગ ના કામે લાગ્યો.
અડધી મિનિટ થતાં સુધીમાં તેણે કહ્યું," મામુ સેલ મારો "
ને સેલ મારતાજ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ.
ગની એ બહાર જોઇ," પછી મળું છું " કહીને ગાડી હોસ્પિટલ તરફ મારી મુકી.

*********************

રસ્તામાં બંધ પડેલી ગાડી એક છોકરાએ સમયસર રીપેરીંગ કરી ચાલુ કરી આપી તે વાત ત્થા સમયસર સારવાર ના મળી હોત ને મોડા પડ્યા હોત તો શેઠ બચી ના શક્યા હોત. તે વાત હોસ્પિટલમાંથી રજા આપવાના દિવસે શેઠને, શેઠાણીએ કરી. ત્યારે ભાવવિભોર બની ગયેલા શેઠે ગની ને બોલાવ્યો, " જા ગની ઇમર્જન્સીમાં આપણી ગાડી રીપેર કરીઅપનાર છોકરાને બોલાવી લાવ."
ગની જ્યારે તે છોકરાને બોલાવી લાવ્યો તો તેને જોતાની સાથેજ શેઠની આંખો પહોળી થઈ ગઈ.
"અરે ગની આ તો પેલો છોકરો છે જેની બેન રસ્તા પર બેભાન થઈ ગયેલી...? તો આ છોકરાએ ગાડી ઠીક કરેલી..?"
ગની બોલ્યો," હા શેઠ.. તેનું નામ અસલમ છે. તે મારો ભાણિયો થાય ને નાનપણથી ગેરેજમાં કામ કરી ને એક્સપર્ટ થઈ ગયો છે, પેલા દિવસે જે છોકરી રસ્તા પર બેભાન થઈ ગયેલી તે મારી ભણી આલિયા હતી."
શેઠ બોલ્યા, "હતી એટલે...?"
"શેઠ તેને નાનપણથી વઈ નો રોગ હતો. તે દિવસે તેને વઈ આવેલી ને સમયસર તેને સારવારની જરૂર હતી પણ ના મળવાથી તે ગુજરી ગઈ. " ગની દુ:ખ સાથે બોલી ગયો.
" શેઠ તે દિવસે એકજ એમ્બ્યુલન્સ ચાલુ હતી અને તે બીજા દર્દીને લેવા ગઈ હતી. " અસલમની બોલતા બોલતા આંખો ભરાઈ આવી.
" અરે ગની તારેતો મને તે વખતે કહેવું જોઇએ ને કે તે તારો ભાણિયો છે? "શેઠ ગ્લાનિ સાથે બોલી ઉઠ્યા.
" પણ શેઠ, તમે તો મને અગિયાર વાગ્યે ફેક્ટરી પહોંચવાની સૂચના આપી હતી, પછી હું મારી ફરજ પ્રત્યે કેવી રીતે ઢીલ કરી શકું? "
પોતે મદદરુપ થઈ શકે તેમ હોવા છતાં જેને પોતે મદદ કરી ન હતી અને જેનાં કારણે તે વ્યક્તિએ પોતાની બહેન ગુમાવેલી તે સાવ સામાન્ય વ્યક્તિ કોઈ પણ જાતની મનમાં કડવાસ કે બદલો લેવાની ભાવના રાખ્યા સિવાય જે અમૂલ્ય મદદ કરી હતી તે વિચારે જ શરમ અનુભવતા સુખલાલજીનું માથું શરમથી ઝૂકી ગયું.
તે બે હાથ જોડીને એટલુંજ બોલી શકયા, " હું તારી માફી માગું છું મને માફ કરી દે..."
વાતાવરણમાં એક પ્રકારની ઉદાસીનતા ફરીવળી હતી. સામે ગનીભાઇ અને અસલમ પણ વધુ રોકાયા વિના બહાર નીકળી ગયા.

********************

થોડા દિવસ પછી 'અનન્ય સોસાયટી' ના કૉમન પ્લોટમાં સુખલાલજી દ્વારા એક ફંકશનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શહેરની જુદી જુદી હોસ્પિટલોને સુખલાલજી દ્વારા દસેક જેટલી એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓની સેવા માટે અર્પણ કરવામાં આવી. ત્થા તેના ડ્રાઈવરોનો વર્ષનો જે ખર્ચ આવે તે આપવાનું પણ સુખલાલજીએ જાહેર કર્યું.
તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે દરેક એમ્બ્યુલન્સ હૉસ્પિટલ
તરફ રવાના થવા લાગી ત્યારે દરેક એમ્બ્યુલન્સ પર મોટા અક્ષરે લખેલા 'આલિયાના સ્મરણાર્થે " ના બેનર જોઈ ગનીખાન, અસલમ અને તેની અમ્માજાનની આંખો તેની યાદમાં આંશુંથી છલકાઈ રહી હતી........
**************************************************
દિનેશ પરમાર' નજર '