ADRESS OF FREGRANCE books and stories free download online pdf in Gujarati

સુગંધ નું સરનામું..

સુગંધનું સરનામું.......દિનેશ પરમાર નજર
----------------------------------------------------------------------------
પથ્થરો બસ પથ્થરો છે પંથ પર ચોપાસમાં
હું સતત ચાલ્યા કરું છું આંધળા વિશ્વાસમાં
છો ચણો દીવાલ ઊંચી, બંધ દરવાજા કરો
પણ અનુભવ એમનો તો થાય શ્વાસોચ્છ્વાસમા
- બકુલ રાવલ
-----------------------------------------------------------------------------
આજ વહેલી સવારે 'કતાર એરલાઇન્સ' માં આવી, શહેરની પ્રખ્યાત હોટેલ ' રોયલ રાજ મહલ ' માં રોકાયેલ પ્રિન્સ અવિનાશ, અમેરીકા થી અમદાવાદ ની વીસ - બાવીસ કલાકની જર્ની થી ખુબ થાકી ગયો હતો, એટલે ખુબ મોડો ઉઠયો. લંચના સમયે ઉઠી, તૈયાર થઈ સીધોજ હોટેલના ભોજન ખંડમાં પહોંચી ગયો.
ભોજન પતાવી સીધોજ કાઉન્ટર પર ગયો, " મારે એન આઈ ડી ની પાછળ ના ભાગે સાબરમતી નદીના કિનારે વર્ષો પહેલાં બનેલી જુની સોસાયટી" અવંતિકા પાર્ક " પર જવું છે તો કોઈ ટેક્સીની વ્યવસ્થા કરાવી રાખો ને? હું જરા રૂમ પર ફ્રેશ થઈ આવી જાઉં છું".
ફ્રેશ થઈ આવેલા પ્રિન્સને જોઈ, સિક્યોરિટી મેન સાથે વાત કરતો ડ્રાઇવર ઈસારો કરી પોતાની ગાડી તરફ દોરી ગયો. ગાડીમાં બેસતા જ પ્રિન્સ બોલ્યો," ભાઈ, એન આઈ ડી થઈ પ્રભુદાસ ઠક્કર કૉલેજ ની તરફ આવેલી ' અવંતિકા પાર્ક ' સોસાયટીએ જવાનું છે. "
" જી, સર " કહીને ડ્રાઇવરે જી પી એસ ચાલુ કરી ગાડી સ્ટાર્ટ કરી હંકારી મુકી...
પ્રિન્સ જે કામથી આવ્યો હતો તે યાદ કરી વિચારે ચઢી ગયો.
" આજથી લગભગ વીસ વર્ષ પહેલાં અમેરીકાનું ગ્રીનકાર્ડ ધરાવતા તેના નાનાએ, તેના મમ્મી-પપ્પા અને તેને કાયમ માટે અમેરિકા સેટલ થવા બોલાવી લીધા ત્યારે તે દસ વર્ષનો હતો.
અહીં ગુજરાતીમાં ભણેલો ને ત્યાં અંગ્રેજી એટલે શરૂઆતમાં થોડી તકલીફ પડેલી પણ પછી સેટ થઈ ગયેલો.
તેના પપ્પા અવિનાશ તે દાદા કસ્તુરચંદ ગુલાબરાય આત્તરવાલાના એકના એક દીકરા હતા. પણ અમેરીકા ગયા પછી તેના પપ્પાએ તેને જે વાત કહેલી તે જાણીને તેને ખુબ દુઃખ થયેલું. તે અમદાવાદમાં દાદા સાથે બહુ રહ્યો નહોતો કારણકે તેના મમ્મી-પપ્પાએ પ્રિન્સને હોસ્ટેલમાં ભણવા મૂક્યો હતો.
પપ્પાના કહેવા મુજબ-
તેમના મમ્મી ગુજરી જતા દાદાએ બીજા લગ્ન કરી લીધા હતા. તેમના સ્ટેપ મધર શરૂશરૂમાં પપ્પાને દાદાની ગેરહાજરીમાં મારતા, ડરવતાં, ધમકાંવતા ને ખાવાનું પણ બરાબર આપતા નહોતા. પછી તો દાદાને પણ ધમકાવી નાખતા એટલે પપ્પાને, દાદાની હાજરીમાં હેરાનગતિ થતી તો દાદા આંખ આડા કાન કરતા.
પણ પપ્પા ને ભણવું ગમતું, પેહલા થીજ હોશિયાર, એટલે પપ્પાએ અમેરિકાની કેમ્બ્રિજ ત્થા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આગળ ભણવા દાદાએ પૈસા આપવાની ના પાડતાં, પપ્પાનો નાનપણનો ખાસ મિત્ર જે ખુબ માલદાર હતો તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટી માં એડમિશન કાન્ફોર્મ થતાં ફી ભરી પપ્પાને ભણવા મોકલ્યા હતા.
ડ્રાઈવરે નેહરૂ સર્કલથી ગાડી વળાવી જમણી બાજુ વાળી, ત્યારે બહાર સહેજ નજર નાખી પ્રિન્સ પાછો વિચારે ચઢી ગયો.
મમ્મીના પપ્પા એટલે કે નાના તો વર્ષો પહેલાં, અમેરિકાના
ન્યુયોર્કમાં સેટલ હતા, મમ્મી-પપ્પા કેમ્બ્રિજ યુનિવર્સિટીસાથે અભ્યાસ કરતા પરિચયમાં આવ્યા અને પ્રેમ થતા બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
અભ્યાસ પછી પરત ફરેલા પપ્પાએ, અમેરિકામાં સેટલ થયેલા મૂળ રાજસ્થાન, જોધપુરના ગ્યાંનચંદ જૈન ના એકના એક પુત્રી નિહારિકા સાથે લગ્ન કરવાની વાત કરતા, ખુબ હોબાળો મચાવ્યો. પણ પપ્પા મક્કમ હતા એટલે, મિત્રોની મદદથી કોર્ટ મેરેજ કરી લીધા.
દાદાને પપ્પા સિવાય કોઈ બાળક નહોંતુ, એટલે પપ્પાએ આટલું ભણ્યા પછી દાદાના માનખાતર દુકાને બેઠા.
જુનાશહેરમાં, બાદશાહના સમયમાં સદીઓ પુરાણી બાંધવામાં આવેલી વિશાળ મેડીબંધ ઇમારતને અડીને આવેલી હારબંધ દુકાનોમાં,'ગુલાબરાય અત્તરવાલા 'ની ઝગમગાટ મારતી અને જુદાજુદા અત્તરોની, મનમોહક સુગંધિત હવામાં ફેલાયેલા વાતાવરણનો , શહેરનાં ને આજુબાજુના ગામડાંમાંથી ખરીદી કરવા આવેલા ગ્રાહકો આનંદ લેતા ને અત્તર ખરીદવા ખેંચાતા.
દુકાનના અમુક બાંધેલા કાયમી ગરાગ હતા.
દાદી તો અવિનાશ અમેરિકાથી પરત આવે તેની રાહ જોતા હતા, અવિનાશના લગ્ન તો તેમની ઇચ્છા મુજબ અગાઉથી નક્કી કરી રાખેલી છોકરી સાથે કરાવા હતા જેથી પોતાનું આધિપત્ય જળવાય રહે. પરંતુ તેમની બાજી ઉંધી વળતા તે નારાજ અને ગુસ્સે ભરાયેલા. તે કાયમ દાદાની કાનભંભેરણી કરતા રહેતા. સાસુ - વહુને ત્થા બાપ-દીકરાને કાયમ બોલાચાલી થતી, વર્ષ પછી પ્રિન્સનો જન્મ થયો, પણ તે દાદીને નહોતું ગમ્યું.એટલે અવિનાશે, પ્રિન્સને હોસ્ટેલમાં રાખી ભણાવ્યો.
તેનાં પપ્પાએ કહેલી આ વાતો યાદઆવતા, પ્રિન્સનું હદય ખિન્ન થઈ ગયું, તેને દાદા-દાદી પર કાયમ ગુસ્સો આવી જતો, અત્યારે પણ તેણે વિચારી રાખેલું કે જઈને પહેલા તો, મારા મમ્મી-પપ્પાને કેમ આટલો બધો અન્યાય કર્યો? તેનો જવાબ આપો? તમારા જેવા સ્વાર્થીના ત્યાં જન્મ એજ મોટામાં મોટી કમનસીબી નહીં તો શું?
ગાડીને બ્રેક મારીને ઉભી રાખતા જ ધ્યાનભંગ થઈ પ્રિન્સે ઉપર જોયું. સામે " અવંતિકા પાર્ક " કો. ઓ. હા. સો. લી. સ્થાપના સને ૧૯૬૨" નું ખુબ જુનું ને ઝાંખું થઈ ગયેલું બોર્ડ દેખાયું.
સોસાયટીની બહારના ભાગે મુખ્ય દરવાજા ની બાજુમાં ઝાડ નીચે પસ્તીવાળો લારી લઈને ઉભો હતો.
"ભાઈ, આ સોસાયટીનો ૭ નંબર નો બંગલો ક્યાં હશે?"
પસ્તીવાળો પરસેવો લુછતાં દરવાજા તરફ હાથ કરી બોલ્યો," આ દરવાજામાં સામે જમણા હાથે પાંચ બંગલા પછી સામેની તરફ જે બંગલા છે તેની લાઇનમાં જમણી તરફના અંદરના રોડ તરફ આગળ જતાં ડાબે હાથે છેલ્લો બંગલો છે."
ડ્રાઇવરે ગાડી સોસાયટીમાં લીધી ને સાત નંબરના બંગલા પાસે ઉભી રાખી.
સાવ ઉજ્જડ અને અવાવરુ બંગલો જોઈ પ્રિન્સને નવાઈ લાગી. વર્ષોથી, સાવ બંધ હાલતમાં પડી રહેલા બંગલામાં આગળ ના ભાગે જ્યાં બગીચો હતો ત્યાં ચારે તરફ જંગલી ઘાસ ઉગી નીકળ્યું હતું આજુબાજુ બાવળ અને બીજા ઝાડ-ઝાંખરાં ફેલાયા હતા અને કમ્પાઉંડ વોલ ત્થા બંગલાની દિવાલો પર અજાણી વેલીઓએ ભરડો લીધો હતો. સાવ રંગહીન બંગલો, ઠેરઠેર પોપડા દેખાતા હતા, વરસો સુધી સતત વરસાદમાં પલળી, દિવાલો લીલવાળી અને કાળી પડી ગઈ હતી. ઝાંપામાં કાટ લાગી ગયો હતો.
એક ના એક વારસદારની રૂઈએ, પ્રિન્સ દાદાદાદી પાસે આ બંગલા ત્થા શહેરની દુકાનનો હક્ક (ભાગ) લેવા આવ્યો હતો જેથી, અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી, પેરાલીસીસમાં પથારીવશ થઈ ગયેલા પિતાની દવાનો ખર્ચ ઉઠાવી શકે. તેના નાના-નાની તો થોડા વર્ષો પહેલા ગુજરી ગયા હતા. તેની મમ્મી પહેલા નોકરી કરતા હતા પણ તેમને બન્ને પગના ઢીંચણમાં પુષ્કળ દુઃખાવો થતો હોય તેમણે નોકરી છોડી દીધી હતી.
અમેરિકા જેવા દેશમાં દવાના ખર્ચાને પહોંચી વળવા તેની મમ્મીએ, તેના પપ્પાની જાણ બહાર પ્રિન્સને અમદાવાદ મોકલ્યો હતો.
બીજે દિવસે પ્રિન્સ મજુરો લઈ બંગલે ગયો. કમ્પાઉંડના ઝાડી-ઝાંખરાં દુર કરતા કમ્પાઉન્ડ ગેટની બાજુના પિલ્લર પરની ઝાંખી પડેલી જુની તકતી પર ઝાંખા અક્ષરમાં ' સુગંધ' લખ્યું હતું, તેની નીચે 'કસ્તુરચંદ ગુલાબરાય અત્તરવાલા' વંચાતુ હતું.
સુગંધ વાંચી બંગલા તરફ નજર નાખી નાકનું ટેરવું ચઢાવી પ્રિન્સ મનમાં હસ્યો. તેનું ધ્યાન અંદરની તરફ ઝાંપાને અડીને કોર્ટ તરફથી લગાડેલા કાળાબોર્ડના સાવ ઝાંખા પડી ગયેલા ન વંચાતા અક્ષરો તરફ સહજ ગયું ન ગયું ત્યાં , કાટખાઇ ગયેલા ઝાંપા પર સાવ તૂટવાની અણીપર લટકી રહેલા લેટર-બોક્સ પર ગયું. ધુળ ચોંટેલા કાચમાંથી કેટલાક લેટર્સ દેખાતા હતા. વળી
કુતૂહલવશ તેણે લેટર-બોક્સમાંથી, આસરે વીસથી બાવીસ વર્ષ પહેલાં લખેલો પત્ર જોયો , સાવ પીળો પડી ગયેલો , બેત્રણ કોર્ટની નોટિસ હતી . પત્ર તેના દાદાએ લખેલો જે તેના પપ્પા અવિનાશને સંબોધી લખ્યો હતો . તેને નવાઈ લાગી, "તેના દાદા તો આ ઘરમાં હતા, તો આ સરનામે પત્ર ? અને તે પણ તેના પપ્પા જે અમેરિકા રહેતા હતા તેમને ઉદ્દેશીને? "
મજુરો તેમનું કામ કરતા હતા. તે સામે પાર્ક કરેલી ગાડીમાં ગયો નોટિસો ને બાજુની સીટ પર મૂકીને, આશ્ચર્યથી પત્ર વાંચવા લાગ્યો.
" પ્રિય અવિ બેટા,
તુ, વહુ નિહારિકા, મારો લાડલો પ્રિન્સ મજામાં હસો, તમે ખુશ રહો તેવી ઇશ્વરને મારી ત્થા તારા મમ્મી તરફથી પ્રાર્થના....
બેટા આ પત્ર લખતા ખુબ દુ:ખ અનુભવી રહ્યો છું. મારી અને તારી બાની તારા ઉછેરમાં એવી તે શું ખામી રહી ગઈ કે તું આ રીતે અમને આ વૃધ્ધાવસ્થામાં છોડી ગયો.
આપણી દુકાન સંભાળવા હું દબાણ કરતો તો તારા બા આડા આવતા ને કહેતા, "એને જેટલું ભણવું છે તેટલું ભણવા દો, આપણે ક્યાં બે ચાર છોકરા છે તે ખર્ચાની ચિંતા કરો છો."
તારે આગળ ભણવા અમેરિકા જવું હતું તો મારો સજ્જડ વિરોધ હતો પણ, તારા બાના કહેવાથી બંગલાને ગીરવે મૂકી લોન લીધી હતી.
તુ ભણીને પરત આવ્યો ત્યારે વિદેશમાં અમારી જાણ બહાર લગ્ન કરી લીધા હતા પણ તારા બાએ મને એક પણ અક્ષર બોલવાની ના પાડી હતી.
થોડા વરસો તુ દુકાને આવ્યો પણ તારા સસરા અને વહુ નિહારિકાના દબાણથી તારે અમેરિકા જવું હતું એટલે મને વિશ્વાસમાં લઇ બંગલાની અને દુકાનની 'પાવર ઓફ એટર્ની' મારી પાસેથી સ્ટેમ્પ પેપર પર લખાવી બારોબાર બેંકમાંથી, અમારી જાણ બહાર ધંધાના વિકાસના નામે મોટી લોન લઈ તુ, નિહારિકા ને નાના ભૂલકા પ્રિન્સ સાથે અમેરિકા ઉપડી ગયો.
તને એ વિચાર પણ ના આવ્યો કે જે દિવસે બેંક ની ટાંચ આવશે ત્યારે અમે ઘરડા માબાપ ક્યાં જઇશું? શું ખાઇશું?
ઠીક છે જેવા અમારા નસીબ.....
તુ અમેરિકા ગયા પછી ક્યા શહેરમાં છે? કે તારો ટેલીફોન નંબર શું છે? એ કાંઈ અમને જણાવ્યું નથી એટલે અમને ખબર પણ નથી. આ પત્ર લખવા પાછળનો આશય ક્યારેક તારા દિલમાં રામ વસે ને અમદાવાદ આવે તો તારા અમેરિકા ગયા પછી અમારી પરિસ્થિતિનો તને અંદાજ આવે.આથી આ મૂળ ઘર જેની પહાડ જેવી ભારેખમ લોન અમે ભરી શકીએ તેમ નથી તેની પર ટાંચ આવે ને લોકો ભેગા થાય તો મારી રહીસહી ઇજ્જતના ચિંથરા ઉડી જાય એટલે આ મારા દાદાએ વસાવેલું ઘર જે તે એક વસ્તુ સમજી બજારમાં મૂકી તે, અમે બે મહિના પહેલા છોડી દીધું છે.
લી.
તારા જેવા અભાગી દીકરા ના માં બાપ થવા બદલ દુ:ખથી પીડાતા...
કસ્તુરચંદ ગુલાબરાય
સુધા કસ્તુરચંદ
મુકામ : મનસુખલાલ આત્મારામ સંતોષી વૃદ્ધાશ્રમ
સોક્લી રેલવે ક્રોસિંગ થી આગળ, નર્મદા જિનિંગ મિલ
ની બાજુમાં, તા. વિરમગામ જી. અમદાવાદ.
પત્ર વાંચતાની સાથે પ્રિન્સને ચક્કર આવી ગયા. તે આખેઆખો કોઈ અજાણી ના સમજાય તેવી લાગણીમાં ક્યાંય સુધી ધ્રુજતો રહ્યો. તેણે ગાડીમાં આગળ ની બે શીટ વચ્ચે મુકેલી પાણીની બોટલમાંથી પાણી પીધું. પછી તે ગાડીની બહાર નીકળી પોતાના દાદાદાદીના કારચલીઓવાળા વૃધ્ધ, નંખાય ગયેલા ચહેરા જેવા સાવ અવાવરુ હવડ ને એકલા પડી ગયેલા લાચાર બંગલાને, તથા કોર્ટ તરફથી લગાડેલા કાળા બોર્ડને રડમસ આંખે ક્યાંય સુધી જોતો રહ્યો...

*****

બીજે દિવસે તેની ગાડી સાણંદ રોડ પર થઈ દાદાના પત્રમાં જણાવેલ મનસુખલાલ આત્મારામ સંતોષી વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી હતી.
વૃદ્ધાશ્રમ પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે તેના દાદાદાદી છેલ્લા વીસ બાવીસ વર્ષથી તે આશ્રમમાં રહેતા હતા. એક દિવસ એવો નહોતો ગયો કે બન્નેએ તેમના પૌત્ર પ્રિન્સને યાદ ના કર્યો હોય. તેઓ બન્ને છેલ્લા શ્વાસ સુધી યાદ કરતા રહ્યા. દાદા ગયા વર્ષે અને દાદી ત્રણ વર્ષ અગાઉ ગુજરી ગયા ત્યારે મરતા મરતા કહેલું મારો પ્રિન્સ હોત તો... તો જરૂર અગ્નિદાહ દેવા દોડતો આવતો.... .
આ વાતો સાંભળીને પ્રિન્સનું હદય ભરાઈ આવ્યું ને દાદાની ઉંમરના સંચાલકના ખોળામાં માથું મૂકી ખુલ્લા મને રોઈ પડ્યો.
તેના દાદાદાદી ના છેલ્લા ફોટો આશ્રમમાંથી મેળવી પરત અમદાવાદ ફરતા તે વિચારી રહ્યો, અરે! મારા મમ્મી-પપ્પા આટલા બધા સ્વાર્થી હતા? તેમણે મારા મગજમાં દાદા-દાદી માટે અત્યંત જૂઠું અને નફરત ભરેલું ચિત્ર નાંખી, કાયમ માટે દિલ - દિમાગથી દૂર રાખ્યો. એની સજા આજે તેઓ બન્ને અમેરિકામાં ભોગવી રહ્યા છે.
હોટલ પર આવતા પહેલાં તેણે એક નિર્ણય કર્યો...
*****
પપ્પા-મમ્મી,
નમસ્કાર.... અમદાવાદથી પત્ર લખનાર તમે જેને જન્મ આપી ઉપકાર કર્યો તે પ્રિન્સ ના જયશ્રી કૃષ્ણ..
મને આજે તમને મારા મમ્મી-પપ્પા કહેતા દુ:ખ થઈ રહ્યું છે અને હું શરમ અનુભવી રહ્યો છું.
તમે તમારા અંગત સ્વાર્થ માટે નાનપણથી મારા કુમળા માનસમાં દાદા-દાદી વિશે નફરતની ગંધ ફેલાવતા રહ્યા. તમે તમારા ભૌતિક સુખ અને શોખ માટે, દાદા-દાદી થી દુર રાખી મારા બાળપણને તેમના પ્રેમથી વંચિત રાખ્યો તે બદલ હું ક્યારેય માફ નહીં કરું.
મારા દાદા-દાદી મૃત્યુ પર્યંત મને જોવા તડપતા રહ્યા તરફડતા રહ્યા.
મને તમે અત્યાર સુધી બનાવટ ભરી લાગણીની ગંધમાં પૂરી રાખ્યો, પણ મને પ્રેમ અને લાગણીની મહેંકતી સાચી સુગંધનું સરનામું મળી ગયુ છે. હવે હું, દાદાદાદીએ ભોગવેલા અસહ્ય, પારાવાર દુ :ખના પ્રાયશ્ચિત રૂપે અહીંજ રોકાઈ, ખરા અર્થમાં તેમને અંજલિ આપીશ. મારા ત્યાંના ખાતામાંથી મારી બચત મેળવી બંગલા અને દુકાનની વર્ષો જુની વ્યાજ સાથેની, મારા પપ્પાએ લેણાંપેટે છોડી ગયેલ રકમ ભરપાય કરીશ. હું મારા પિતૃના મકાન જે એક જમાનામાં જાજરમાન હતું તે પાછું મેળવીશ અને તે દુકાન જે સુગંધથી ભરપૂર હતી પણ તમારા દ્વારા તે કાયમ માટે છીનવી લેવામાં આવી. તે હું પાછી સુગંધથી ભરી દઈશ.
અલવિદા
પ્રિન્સ અત્તરવાલા તે
કસ્તુરચંદ ગુલાબરાય અત્તરવાલા ના પૌત્ર
સુગંધ નિવાસ
અમદાવાદ.
****************************************************