Calender books and stories free download online pdf in Gujarati

કેલેન્ડર

દિનેશ પરમાર 'નજર '
------------------------------------------------------------------------------
નજર સામે ન જાણે કેટલાં શહેરો તરી આવ્યા,
ડૂબેલા વ્હાણને જ્યારે કિનારા સાંભરી આવ્યા.
સવારે નીકળ્યા’તા જે કુંવારી લાગણી લઈને,
એ લોકો સાંજ ઢળતામાં ઉદાસીને વરી આવ્યા.
- યોગેશ વૈધ
-------------------------------------------------------------------------------
હજુ અઠવાડિયા પહેલાજ કોલેજમાં ભજવેલા નાટકની, દરવખત ની જેમ ખુબ પ્રાપ્ત થયેલ પ્રશંસા નો નશો ક્યાં ઉતર્યો હતો ?
પણ નાટક ભજવાયું તે રાત્રે મોડે સુધી કોલેજના ખાસ દોસ્તો સાથે લો-ગાર્ડન ખાણી-પીણી બજારમાં પાર્ટી કર્યા પછી ફ્લેટ પર પરત ફરતા તકલીફ પડેલી. જો કે તકલીફ તો ઘણા સમયથી હતી પણ રુદ્રદત્તને નાટક ભજવવાનો જે રોમાંચ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજમાં પ્રોફેસસૅ અને સ્ટુડન્ટસ અને ખાસ તો તેના હૃદયની રાણી શિવપ્રિયાને ઇમ્પ્રેશ કરવા, નાટક ની વાર્તા, સ્ક્રિપ્ટ ને ડાઈલૉગ ડિલીવરી ના થ્રો કેમ કરવા તે માટે રાત દિવસ સતત વિચારો વિચારો ને સિગારેટ પર સિગારેટ ના ઊંડાં કસ ને ધુમાડાના ગોટેગોટા.....
સતત ત્રણ વર્ષ કૉલેજના વાર્ષિક ઉત્સવ માં ભજવાયેલા , પોતાના નાટકને દર વર્ષે ઉત્કૃષ્ઠ નંબર અપાવવાની ઘેલછાએ ઉપરા છાપરી સિગારેટ પર સિગારેટના ઉંડા કશોએ એનો અસલી રંગ બતાવ્યો.
સવારે મોડા ઉઠેલા રુદ્રદત્તને બેચેની લાગતી હતી. તેનો અવાજ બેસી ગયો હતો. સતત ખાંસી તો ઘણાં સમયથી આવતી હતી. પણ જવાની નો નશો જ એવો હોય કે તે સમયે બધું જ ઉપેક્ષિત... કેટલાય સમયથી ભૂખનું સ્થાન ઉપરા ઉપરી પીવાતી ચા એ લઈ લીધું હતું. આ બધી વાત ની ગંભીરતા તો આજે સમજાયી અને અંદરથી આખેઆખો છળી ઉઠયો, જ્યારે વૉશ-બેસિનમાં ગળું સાફ કરતા ગળફામાં લાલ લોહી જોયું.
તે તરત તેના ખાસ મિત્ર રવિપ્રકાશ ને મળ્યો, રવિપ્રકાશના પપ્પા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર હતા. હોસ્પિટલમાં જઈ રવિપ્રકાશનો રેફ્રન્સ આપી તેના પપ્પાને બધી વાત કરી. પ્રાયોરીટી આપી હોસ્પિટલમાં છાતીનો એક્સ-રે કઢાવી, જોયા પછી, ગંભીરતા સમજી સીટી-સ્કેન ને, બ્રોન્કોસ્કોપથી તપાસ કરી, જરૂર લાગતા લંગ્સના શંકાશીલ લાગતા કોષની બાયોપ્સી કરાવા મોકલી.
પરિણામ સામે હતું. બાયોપ્સીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
રુદ્રદત્તને લંગ-કેન્સર ડીટેકટ થયું હતું. ફેફસાં ની લેબોક્ટોમી સર્જરી થી ખરાબ ભાગ દૂર કરવો પડે તેમ હતો.
જ્યારે આ સત્ય રુદ્રદત્તને જણાવ્યું ત્યારે તે આખેઆખો સર્વાંગ ધ્રૂજી ઉઠયો. તેને આંખે અંધારા આવી ગયા. તેણે ડૉક્ટરના ટેબલ પર માથું ઢાળી દીધું. હવે તેને શિવપ્રિયા સાથે ને શિવપ્રિયા માટે જીવવું હતું.
તેનાં મા-બાપ અને ભાઈ બેન સાથે તો, તે કોલેજના બીજા વર્ષેમાં આવ્યો અને શિવપ્રિયા સાથે ના સબંધ ની વાત જાણી ત્યારે, બાપાએ આપેલા ઠપકાથી લાગી આવતાં તે ઘર છોડી તેની સાથે કોલેજના મિત્રો જે બહારગામના હતા ને બોપલમાં એક ભાડાંના ફ્લેટમાં પી. જી. તરીકે રહેતા હતા તેમની સાથે રહેવા આવી ગયો હતો. પોતાને થયેલા રોગની જાણ શિવપ્રિયાને થશે તો? તેના પ્રત્યાઘાતના વિચારો કરતા રુદ્રદત્ત અંદરથી છળી ઉઠતો...
આટલા દિવસ તે કોલેજ નહોતો ગયો ને પી. જી. તરીકે રહેતા મિત્રોને પોતાના રોગ વિશે કાંઈ પણ જાણ નહોતી કરી, ફક્ત પોતે બીમાર છે તેમ કહેલું. ને શિવપ્રિયા તેની સતત ગેરહાજરી જોઈ બોપલ આવી ના ચઢે એટલે મિત્રો ને કહેલું કે તમને કોલેજમાં શિવપ્રિયા પૂછે તો, રુદ્રદત્ત અગત્યના કામ થી થોડા દિવસ માટે બહારગામ ગયો છે તેમ જણાવજો.
અમદાવાદમાં તેના બધાજ અંગત લોકોની જાણ બહાર, મુંબઈ જેવા શહેરની સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેંટ લેવાનો રુદ્રદત્તે નિર્ણય કર્યો....
*****
ટ્રેન આવવાને હજુ વાર હતી. શહેર છોડવાની કસકથી, ઉદાસ થઈ ગયેલા રુદ્રદત્ત આચાર્યએ પ્લેટફોર્મ નંબર બે ના સીડીની નજીકના કાઉન્ટર પાસેના બાંકડા પરથી, પાછળની તરફ ડોક ઘુમાવી એક નંબર પર લાગેલા મોટા ઘડિયાળમાં નજર કરી મનમાં બબડ્યો, " હજુ આવતા અડધો કલાક લાગસે!" છઠ્ઠા પ્લેટફોર્મ પર એકલા ઉભેલા એન્જિને યાર્ડમાં જવા, શરૂ થતા પહેલા વ્હીસલ મારી ને પૂરા જોસ થી ધુમાડો કાઢ્યો, અડધું એન્જિન ધુમાડાના આવરણથી ઢંકાઈ ગયું.
" સાલું આ જબરું! એન્જિન ધુમાડો કાઢી તાકાત ભરે ને માણસ ધુમાડો કાઢી તાકાત ગુમાવે?"રુદ્રદત્ત મનમાં બોલ્યો ને હસ્યો.
ટ્રેન આવતા તે ધીરે ધીરે તેના ડબ્બા તરફ ગયો ને ગોઠવાયો. સહેજ વારમાં તો થાક લાગ્યો.
પોતાના લક્ષ્ય તરફ જવા ધીરેધીરે ટ્રેન શરૂ થઈ પ્લેટફોર્મ છોડવા લાગી ત્યારે રુદ્રદત્ત પાછળ છૂટી રહેલા, પોતાના અમદાવાદને ભરી આંખે જોઈ રહ્યો....
તેનો જન્મ થયો ત્યારથી લઈ... . ...થોડા દિવસ અગાઉ કોલેજમાં ઉજવાયેલ વાર્ષિક ઉત્સવના સફળતા પૂર્વકનો અંત અને, પછી તેની નાટયમંડળી ત્થા તેની પ્રેમિકા શિવપ્રિયા સાથે તે રાત્રીના મોડે સુધી નાટક વિશેની સફળતા, લોકો નો પ્રતિભાવ, તાળીઓના ગડગડાટ ની વાતો થતી રહી હતી તે બધીજ ઘટના એક ચલચિત્ર ની જેમ રુદ્રદત્ત પાટા પર દોડી રહેલી ટ્રેનમાં સ્મરી રહ્યો.
ટ્રેન સતત પાટા પર, રુદ્રદત્તના વિચારો ની જેમજ દોડી રહી હતી. તે સતત ટ્રેન સાથે દોડતા સમયની આંગળી પકડી ભુતકાળને વાગોળતો રહ્યો ........
લાલદરવાજા બહુમાળી બિલ્ડીંગમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા શિવશંકર આચાર્ય, અમદાવાદની શાહઆલમની સરકારી વસાહતમાં રહેતા હતા. તેમને બે પુત્ર અને એક પુત્રી હતી, તેમાં મોટો વિષ્ણુદ્ત્ત બેંકમાં લાગ્યો હતો, નાની પુત્રી બારમાં ધોરણમાં ભણતી હતી ને બીજો પુત્ર રુદ્રદત્ત કોલેજના છેલ્લા વર્ષમાં હતો.
રુદ્રદત્તને સ્કુલજીવનથી જ લખવામાં ને એક્ટિંગમાં રસ હતો. સ્કુલમાં થતી નાની નાની સ્પર્ધામાં ભાગ લેતો રુદ્રદત્ત, કોલેજમાં આવતા ભણવામાં લાગી ગયો, પરંતુ ડિસેમ્બર માસમાં દર વર્ષે ની જેમ કૉલેજના વાર્ષિક ઉત્સવમાં યોજાયેલી નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરતા, સિનિયર સ્ટુડન્ટસ દ્વારા તેની ઠેકડી ઉડાવવામાં આવી.
તેણે પણ પોતાનું કેલીબર બતાવી દેવા ને બધાના મોઢા બંધ કરવા રાત-દિવસ મહેનત કરી ' પથ્થર ના ચહેરા' નાટક લખ્યું. તેની સ્ક્રીપ્ટમાં જબ્બર ડાયલોગ લખ્યા. આ બધામાં મગજ દોડાવા તેના ગ્રુપના લોકો સાથે મોડે સુધી ચર્ચાઓ થતી તેમાં તેને સિગારેટ ની લત લાગી.તેના ક્લાસમાં ભણતી શિવપ્રિયા ઝવેરી, જે સેટેલાઈટમાં કોહિનૂર જ્વેલર્સ નામનો ભવ્ય શો-રૂમ ધરાવતા ધીરૂભાઈ ઝીંઝૂંવાડીયા ની એક ની એક દીકરી હતી.તે ખુબજ સુંદર હતી, નાગણ જેવા કાળાં- ભમ્મરવાળ છુટ્ટા રાખીને , ટાઈટ જીન્સ પર જુદા જુદા રંગનાં કુર્તા પેહરી તે જ્યારે કૉલેજ આવતી, જેવી તે, પરસનલ હોન્ડા સિટી ગાડી માંથી ઉતરતી, કોલેજીયનો ના હૈયા નો પારો ઉપર ચઢી જતો. કેટલાયે તેની પર મરતા, ને પ્રેમની પ્રપોઝલો ને મોકલનારને બિન્દાસ ઠુકરાવી દેતી , શિવપ્રિયાને ગાયન, નૃત્ય ને એક્ટિંગમાં રસ હતો.
એટલે હિંમત કરી, રુદ્રદત્તે જ્યારે તેને પોતાના નાટકમાં એક્ટિંગ કરવા પૂછ્યું તો, પહેલા મોઢું માચકોડી ચોખ્ખું ના પાડી દીધી. પણ રિસેસ સમયે તેણે હોલના ખૂણામાં તેના ગ્રુપને રિહર્સલ કરતા જોયા, ત્યારે વેધક શબ્દોવાળા ડાઈલોગ્સ, ડાઈલોગ્સની ડિલીવરી, ને રુદ્રદત્તની એક્ટિંગ જોઈ ઇમ્પ્રેશ થઈ ગઈ. તે સામેથી રુદ્રદત્તને મળી ને નાટકમાં કામ કરવા તૈયાર થઈ. તે વર્ષે તેનું નાટક મેદાન મારી ગયું. જે લોકોએ તેને અંડરએસ્ટીમેટ કરી હાંસી ઉડાવી હતી. તે બધા હોલમાં ગુંજતી તાળીઓના અવાજમાં મોંમાં આંગળાં નાખી શાંત થઈ ગયા.
તે દિવસથી શિવપ્રિયા, રુદ્રદત્તની અદાકારી, બોલવાની છટા, તેનામાં રહેલી હીરોગીરીથી એટલી બધી પ્રભાવિત થઈ કે તેના પ્રેમમાં અનાયાસ પડી ગઈ.
આવી સુંદર, વળી આર્થિક સદ્ધર છોકરી કોને ના ગમે? રુદ્રદત્ત પણ મનમાં તેને ચાહવા લાગ્યો હતો. જોકે કોલેજમાં તો આ નાટક પછી બન્ને ને આખી કૉલેજ પ્રેમી-પ્રેમિકા તરીકે જોતી હતી. પણ રુદ્રદત્તને વધારે પડતી સિગારેટ પીતા જોઈ તે નારાજ થઈ જતી ને દિવસભર ના બોલતી. બીજે દિવસે રુદ્રદત્ત રેપરમાં,શાયરી લખેલા કાગળ સાથે સોરી લખી કેડબરી-ચોકલેટ મોકલતા માની જતી આમને આમ વગર બોલ્યે તેમનો પ્રેમ આંખોથી બોલતો રહ્યો ને એકરાર થતો રહ્યો.....
બીજા વર્ષે નાટક " આંખ નો અફીણી" તેનાથી પણ ચડિયાતું સાબિત થયું. આમાં પણ રુદ્રદત્ત અને શિવપ્રિયા મેદાન મારી ગયા.
વિચારો ને વિચારોમાં વલસાડ ક્યારે છુટી ગયું ખબર ના પડી ટ્રેન પોતાની ગતિમાં મસ્તી થી દોડયે જતી હતી.. ને રુદ્રદત્ત પણ વિચારો માં ભુતકાળ પાછળ....
રુદ્રદત્ત અને પ્રિયાનું કોલેજમાં આ છેલ્લું વર્ષ હતું, આ વાર્ષિક ઉત્સવમાં દર વર્ષની જેમ યોજાયેલી નાટ્ય સ્પર્ધામાં, રુદ્રદત્ત અને શિવપ્રિયા મેદાન મારી ગયા. વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અન્ય ખાસ વી આઇ પી ને અતિથિ વિશેષ થી ભરચક કોલેજનો હોલ તાળીઓથી ક્યાંય સુધી ગુંજતો રહ્યો.
આ વખતના નાટક " ઓગળતા અસ્તિત્વનો ધુમાડો" જેની સ્ક્રિપ્ટ, ડાયલોગ તો રુદ્રદત્તે લખેલા પણ, રુદ્રદત્ત અને શિવપ્રિયા અભિનિત આ નાટકનું ડાયરેક્શન આ વખતે રુદ્રદત્તે કરેલું.
શું કેન્સર પીડિત દર્દી તરીકેની એક્ટિંગ કરેલી રુદ્રદત્તે?
ને પ્રેમિકા તરીકે શિવપ્રિયા નો શું વલોપાત... આહા... એકેએક સંવાદ પર તાળીઓ ગુંજતી રહી.
કાર્યક્રમ પત્યા પછી દરવખતની જેમ તેમની નાટયમંડળી, રાત્રે મોડેથી લો - ગાર્ડન ખાણી - પીણી બઝાર પહોંચી ગઈ. ક્યાંય સુધી ખાતા-ખાતા નાટકની જ વાતો થતી રહી. શિવપ્રિયા ના પાડતી રહી ને દરવખત કરે છે તેમ આ છેલ્લી કહેતો રુદ્રદત્ત આજના મળેલા માનના ઉન્માદી-નસા મા એક પછી એક સિગારેટ ફૂંકતો ગયો. રાત્રીના બે ક્યારે વાગ્યા તે ખબર જ ના પડી!
*****
મુંબઈ માં ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં, રુદ્રદત્તના રીપોર્ટ જોઈ તેને દાખલ કરવામાં આવ્યો. ને તેને પ્રાથમિક સારવારમાં જરૂરી દવા અને સાથે સાથે બોટલ ચઢાવવાની ચાલુ કરી હતી. ઑપરેશન કરતા અગાઉ સ્ટેમિના અને ઑપરેશન બાદ જરૂરી પ્રતીકારક શક્તિ માટે આ જરૂરી હતું. સમય સમય પર જરૂરી રીપોર્ટ લેવામાં આવી રહ્યા હતા.
તેને તો અહીં આવ્યે કેટલા દિવસ થયા તે પણ યાદ આવતું નહોતું. તેનો રૂમ વિઝિટ કરવા આવતી ગુજરાતી સિસ્ટરને તેણે પૂછ્યું, "સિસ્ટર કઈ તારીખ થઈ આજે?"
સિસ્ટરને નવાઈ તો લાગી કે અઠવાડિયા પહેલા તો ઉતરાણ ગઈ છે પણ તેઓ આવા દર્દીની હાલત સમજતા હોય છે, તેઓ થોડે આગળ ડાબી તરફની દિવાલ પાસે લટકતા કેલેન્ડર પાસે ગયા ને, પછી રુદ્રદત્ત તરફ ફરી બોલ્યા, "આજે બાવીસ તારીખ થઈ છે."
તેને અમદાવાદ ખુબ યાદ આવ્યું હતું, તેને કંટાળો આવતા તે ધીરેધીરે પથારીમાં બેઠો થયો અને બહાર નું દ્રશ્ય જોવા બારી તરફ ગયો.
ત્રીજા માળેથી નીચે દર્દીઓ, તેના સગા, એમ્બ્યુલન્સ, અન્ય ગાડીઓ વિગેરે ની દોડાદોડી જોઈ રહયો. તેણે આકાશ તરફ મીટ માંડી.. આ પિંજરામાંથી તેણે ઉડવું હતું. બહાર નીકળવું હતું....પણ???
ડૉક્ટર સાહેબે હજુ સુધી ક્યારે ઑપરેશન કરશે તે અંગે જણાવ્યું ન હતું. થોડી વાર પછી તે બેડ તરફ પરત ફરવા ગયો ત્યાં તેનું ધ્યાન બાજુની દિવાલ પર લટકતા કેલેન્ડર તરફ જતાજ તે ચમકી ગયો. એક પળ માટે તેના શુષ્ક શરીરમાંથી બરફના ઠંડા પાણી જેવો પ્રવાહ પસાર થઈ ગયો.
તે કેલેન્ડર પાસે ગયો.. કોઈ દવા બનાવતી કંપની ના કેલેન્ડરમાં તે અપલક નેત્રે જોઈ રહ્યો. તેના હદયમાં ઉઠેલા વિરહ ના આવેગથી તેની આંખો ભીની થઈ... વ્હાલપૂર્વક કેલેન્ડર પર હાથ ફેરવતા ભૂતકાળમાં સરી પડ્યો...
એક દવા બનાવતી કંપની માટે કેલેન્ડર તૈયાર કરવા એક પ્રખ્યાત ફોટો સ્ટુડિયો દ્વારા સુંદર ચહેરો પસંદ કરવા, છાપામાં જાહેરાત આવી હતી, તેમાં શિવપ્રિયાએ રુદ્રદત્તને સરપ્રાઇઝ આપવા તેને જાણ કર્યા વગર ભાગ લેતા પસંદગી પામી, દિવાળી પછી ફોટો સ્ટુડિયો દ્વારા શિવપ્રિયા ને તે પસંદગી પામી હોવાનો ફોન આવતા તે હર્ષની મારી આ વાત લાંબો સમય સુધી રુદ્રદત્તથી હવે છૂપી રાખી શકે તેમ ના હોઈ, તેની ઈચ્છા નાટકની સફળતાની ખુશીને બેવડાવવા વાર્ષિક ઉત્સવ પછી કહેવાની હોવા છતાં તે પોતાની જાતને રોકી ના શકી. જો કે રુદ્રદત્ત આ સરપ્રાઇઝથી ખુશ થવાને બદલે દુ:ખી થયેલો, શિવપ્રિયા અને તેની વચ્ચે કોઈ પરદો ન હોવા છતાં આ બાબતે, શિવપ્રિયાએ લીધેલા સ્વતંત્ર નિર્ણયથી તે રાજી નહોતો થયો. પણ આ વાત તેણે શિવપ્રિયાને કળવા નહોતી દીધી...... પછી તો કોલેજના છેલ્લા વાર્ષિક ઉત્સવના નાટકની તૈયારીમાં આ આખી વાત ભુલાઈ ગઈ હતી.
શિવપ્રિયાનું, એક પ્રેમિકા તરીકે તેના હ્રદયમાં એક ચોક્કસ સ્થાન હતું. તે આજની તારીખે પણ શિવપ્રિયાને બેહદ પ્રેમ કરતો હતો. ને એટલેજ તે આવી તેની અવસ્થા શિવપ્રિયા જોઈ નહીં શકે કે સહન પણ નહીં કરી શકે તે વિચારે જ રુદ્રદત્ત અમદાવાદ થી દુર મુંબઈ ચાલ્યો આવ્યો હતો.
અહીં પણ...નવા વર્ષના કેલેન્ડરમાં, દવામાં ઉપયોગમાં લેવાતા, ઝાડ અને છોડના ફૂલ કે ફળ ની ડાળખી પકડેલા મહિના ના અલગ અલગ, અત્યંત સુંદર, મોહક, કમનીય અદાના પોસ્ટરમાં તે શોભી રહી હતી.
રુદ્રદત્તને લાગ્યું કે શિવપ્રિયા તેની મારકણી આંખે જાણે કહી રહી છે "કેટલે દૂર ભાગસો? હું તમારી પાછળ પાછળ ચાલી આવીશ."
રુદ્રદત્તે કેલેન્ડરમાં રહેલી શિવપ્રિયાના ચહેરા પર હાથ ફેરવતા,લાગણી ના આવેશમાં આવી તેના રતુંબડાં અધર-દ્વય પર પોતાના શુષ્ક હોઠ ચાંપી દીધા.
બરાબર તે સમયે જ સિસ્ટર ચેકિંગ માટે રૂમમાં દાખલ થતા આ ચેસ્ઠા જોતા, પાછા પગે પરત ફરી ગયા. આવું બે થી ત્રણ વાર બન્યું. સિસ્ટર ને આ દર્દી રુદ્રદત્ત થોડો સાઈકી લાગ્યો.
*****
ઓપરેશનનો પ્રોગ્રામ આવી ગયા મુજબ ની તૈયારી કરી દેવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા અને તેની જોખમતા ની બાબતે કોઈ સગો ના હોઈ રુદ્રદત્તને અવગત કર્યો હતો.
ઓપરેશનના દિવસે, રુદ્રદત્ત થોડો ઉદાસ હતો. ને બેડ માંથી એકીટસે કેલેન્ડર તરફ તાકી રહ્યો હતો. સિસ્ટર રૂમમાં આવ્યા તે પણ તેને ખબર ના પડી. સિસ્ટર તરફ અચાનક રુદ્રદત્તનું ધ્યાન જતાં, પળવાર તે ક્ષોભિલો પડી ગયો. પણ સિસ્ટરને મનમાં મરક મરક હસતાં જોઈ, તે સિસ્ટર સામે જોઈ બોલ્યો, " પેલા કેલેન્ડરમાં જે મોડૅલ છોકરી છે તે મારી પ્રેમિકા છે નામ તેનું શિવપ્રિયા જે અમદાવાદમાં છે. તેને દુ:ખના થાય તેથી, તેની જાણ બહાર તેને છોડીને આવી ગયો છું."
ઓપરેશન લગભગ ખુબ લાંબુ ચાલ્યું. અને પરિણામ સ્વરૂપ થીએટરમાં જ રુદ્રદત્તે દમ છોડી દીધો.
પછીના દિવસે તેનાં રૂમમાં જ્યારે બીજા દર્દીને દાખલ કરતા પહેલા, રૂમની બેડ શીટ, કુશન કવર, વિગેરે બદલવા નું ચાલી રહ્યું હતું , ત્યારે આવી ચઢેલા સિસ્ટરે કામ કરી રહેલા લેબરને સુચના આપી ," ભીખા,આજે મહિનો બદલાઈ ગયો હોઈ સાથે સાથે પેલા કેલેન્ડરનું પાનું ફેરવી દેજે." પછી પીઠ ફેરવતા
આંખના ખૂણા લુછી રૂમ છોડી ગયા......
********
દિનેશ પરમાર 'નજર '