Anbanaav - 6 books and stories free download online pdf in Gujarati

અણબનાવ - 6

અણબનાવ-6
ભરઉનાળે બપોરનાં તાપમાં તિલક સાથે ગીરનારનાં જંગલમાં એનાં ગુરૂનાં આશ્રમે જવા નીકળેલા વિમલ અને રાજુ હવે થાકયાં હતા.વિમલને લાગેલી ખુબ તરસ એમને આ કુવા સુધી ખેંચી લાવી.લીલાછમ વૃક્ષો અને પક્ષીઓનો કલરવ વાતાવરણને આહલાદક બનાવતા હતા.પણ તિલકે બધાને થોડું ગોળ ફરીને કુવાથી થોડે દુર ઉભા રાખ્યાં ત્યાંરે કુવા ઉપર રહેલી ધજા તો શાંત હતી.પણ છતા કંઇક હલન ચલન પહેલા તો આંખોને ખટકયું અને પછી મનને ખટકયું.મનનો ખટકાટ બધાનાં શરીરને પણ કંપાવી ગયું.કારણ કે કુવાની બાજમાં આવેલા નીચા કુંડામાં એક ડાલામથ્થો, થોડી ઘેરા કોફી રંગની કેશવાળી વાળો,કદાવર નર સિંહ પાણી પીતો હતો.એના બે પગ કુંડાની પાળી પર હતા.એનો ચહેરો આ બધાની સામે જ હતો એટલે જો પાણી પીવાય જાય તો એની નજર સીધી જ આ બધા પર પડે.એ સિંહ આ લોકોથી લગભગ પચાસ-સાઇઠ ડગલા દુર હતો છતા પાણીમાં ચાલતી એની જીભનો અવાજ ચારે જણ સાંભળી શકતા હતા.રાજુ,વિમલ કે આકાશ તો કંઇ બોલી શકવાની સ્થિતિમાં ન હતા.એટલે તિલકે સાવ ધીમા અવાજે કહ્યું “જોયું....એટલે હું કહેતો હતો કે પાણી માટે થોડી રાહ જોવી પડશે.” વિમલ અને રાજુનાં મનમાં સિંહનો ડર અને તિલક પર ગુસ્સો એમ બંને ભાવ મિશ્ર થયા.આકાશે હળવેથી કહ્યું “વાહ....સિંહ જોવા મળ્યોં એટલે સારા સુકન કહેવાય.” એટલામાં સિંહે પાણી નીતરતા મુખેથી ઉંચું જોયું.એનું પુંછડું પણ ઉંચુ થયું.
“આપણે ભલે આ વૃક્ષો પાછળ સંતાયા પણ હવે એ સિંહને આપણી હાજરી ખબર પડી ગઇ છે.કોઇ ગભરાઇને ભાગતા નહિ.જો ભાગ્યા તો આવી બનશે.” તિલકે ગંભીર બની કહ્યું.અને ત્યાં જ સિંહે એક તરફ થોડું ઉચું માથુ કરી ત્રાડ નાંખી.બધાનાં છાતીનાં પાટીયા ધ્રુજી ગયા.વિમલનાં તો હાથપગ પણ ધ્રુજવા લાગ્યાં.રાજુનાં ગોઢણનો દુઃખાવો બે ઘડી ભુલાઇ ગયો.આકાશ બે ડગલા પાછળ ખસી ગયો.તિલક એક જ બિન્દાસ ઉભો હતો.એક મોટી ત્રાડ પછી લગભગ પચ્ચીસથી ત્રીસ વાર એ સિંહની નાની નાની હુંક ચાલુ રહી.ફરી વાતાવરણ શાંત થયું પછી આકાશે તિલકને પુછયું “ગુસ્સામાં છે?”
“ના....એ કોઇને પાણી પીવા બોલાવે છે.” તિલક તો જાણે જંગલખાતાનો ગાર્ડ હોય એમ બોલ્યોં.થોડીવાર પછી એ સિંહે જે દિશા તરફ ત્રાડ નાંખી હતી એ તરફથી કંઇક આવતું દેખાયુ એટલે રાજુએ કહ્યું “આ તો બીજો સિંહ પણ આવ્યોં.હવે તો પાણી પીવાનો વારો કયાંરે આવશે?”
“એ સિંહણ છે.એ પાણી પીશે પછી એ બંને અહિંથી જશે.” તિલક બોલ્યોં.અને ખરેખર એવું જ થયું.સિંહણે પણ આરામથી પાણી પીધુ.થોડીવાર ત્યાં આરામ કર્યોં.અને પછી બંને ચાલતા થયા.પણ સિંહણનું ધ્યાન આ તરફ ઉભાર રહેલા માનવીઓ પર પડયું.એ ઉભી રહી અને ઉત્સુકતાવશ તિલક તરફ આગળ વધી.તિલક સૌની આગળ ઉભો હતો.એ સિંહણ તો ઉભી રહેવાનું નામ નહોતી લેતી.આકાશ,રાજુ અને વિમલ તો સાબદા ઉભા રહી ગયા.ઝાડ ઉપર ચડવાની તૈયારી પણ ક્ષણભરમાં કરી લીધી.પણ ત્યાં જ તિલક હાથમાં લાકડી લઇ વૃક્ષની ઓથથી બહાર નીકળી સિંહણની સામે ખુલ્લેઆમ થયો.સિંહણે તિલક તરફ દોટ મુકીએણે લાકડી ઉગામી અને પોતાની પુરી તાકાતથી “હુડ” એવા અવાજમાં બુમ પાડી.સિંહણ ઉભી રહી ગઇ અને એના પગેથી ધુળ ઉડી જે તિલકનાં મોઢામાં પણ ગઇ.તિલકનો જાણે ગુસ્સો અને હિંમત બંને બેવડાયા હોય એમ એ લાકડી લઇ સિંહણ તરફ ધસી ગયો.સિંહણ પહેલા ઉંધા પગલે પાછળ ખસી પછી ભાગી ગઇ.થોડી જ ક્ષણમાં આ જોડું વૃક્ષો પાછળ દેખાતું બંધ થયું.તિલક હવે કુવા તરફ ચાલ્યો.એણે પાછળ ફરી જોયું અને બોલ્યોં “ચાલો બધા, પાણી પી લઇએ.” પણ આ દ્રશ્ય જોઇ આ તરફ બધાનાં પગ થીજી ગયા હતા.તિલકે કુવા પાસે પહોંચી પાણી ભરવા માટે આમતેમ કંઇક શોધવા લાગ્યોં.પછી ગરગડી પર લટકેલા દોરડાને ખેચ્યું તો અંદરથી એક ગાગર બહાર નીકળી.એણે પાણી પીધું ત્યાં સુધી આ ત્રણેય માત્ર હજુ એ તરફ ફકત જોઇ રહ્યાં હતા.તિલકે ફરી બુમ પાડી એટલે આકાશ ધીમેથી આગળ વધ્યોં.પછી રાજુ અને વિમલ પણ પાણી માટે કુવા પાસે ગયા.પાણી પીધા પછી થોડો આરામ મળ્યોં એટલે રાજુએ તિલકને પુછયું “આ સિંહણ તમારાથી કેવી રીતે ડરી ગઇ?”
“અમારે તો આ રોજનું થયું.જંગલમાં આવવું-જવું અને આમ સિંહ-દિપડાથી ડરવું અમને ન પોષાય.ચાલો હવે.....ચાલતા થઇએ.આમ ને આમ સાંજ થઇ જશે.” તિલકે કહ્યું ત્યાંરે વિમલે પોતાની ઘડીયાલમાં સમય જોયો.બપોરનાં ત્રણ વાગ્યા હતા.એટલે વિમલે પુછયું “હવે તમારા ગુરુનાં આશ્રમે પહોચતા કેટલી વાર લાગશે?”
“બસ...આવી ગઇને ઉતાવળ.માણસને પોતાનું કામ થઇ જાય એટલે પછી ઉતાવળ જ આવે અને એમાં પાછળનું બધુ ભુલી જાય.” તિલકે આટલું બોલી નીચેથી એક પથ્થર ઉપાડી એક ઝાડ તરફ ફેકયો.આકાશ અને રાજુને પણ ખ્યાલ આવ્યો કે તિલકે ગુસ્સો ઉતાર્યો.પણ તિલક જયાં પથ્થર માર્યોં હતો એ દિશા તરફ ચાલતો થયો.થોડીવારે પોતાના માથે વીંટેલા કપડામાં કંઇક લઇને આવ્યોં.
“લો આ રાયણ.ઉનાળામાં શરીર માટે ખુબ સારી.” એમ કહી એણે કપડામાં ત્રણ-ચાર મુઠ્ઠી જેટલી પીળી અને ચીકણી રાયણ બતાવી.ત્રણેય મિત્રોએ એનું માન જાળવવા લઇ લીધી પછી પોતપોતાના ખીસ્સામાં મુકી દીધી.તિલક ચાલતો થયો અને એણે હાથનાં ઇશારાથી એની પાછળ ચાલવા કહ્યું.
જે ઢોળાવ ઉતરીને કુવા સુધી પહોચ્યાં હતા એ જ પાછો ચડવાનો થયો.રાજુને એક ગોઠણ દુઃખતો હોવાથી એના માટે આ ખુબ અઘરુ થયું.ફરી એકાદ કલાક ચાલ્યાં પછી પેલી છીપ્પર હવે એક ટેકરી ઉપર નજીક દેખાતી હતી.આખરે એક જગ્યાએ તિલક ઉભો રહ્યોં.ફરી એક મોટા પથ્થર પર ચડયો.આજુબાજુ જોઇ નીચે ઉતર્યોં અને બોલ્યોં “હવે આગળ મારા ગુરૂનો આશ્રમ આવશે.લગભગ હવે દસ મીનીટ ચાલશું પછી એક મોટા ઝાડ ઉપર એક ધજા દેખાશે.બસ એજ આશ્રમ.”
હવે ત્રણેય મિત્રોનાં મનમાં અનેક વિચારો દોડી રહ્યાં હતા. ‘કેવા હશે આ તિલકનાં ગુરૂ? શું એની પાસે અમારી આ સમસ્યાનો ઇલાજ હશે? શું એ પેલા બાવાને ઓળખતા હશે? જેના લીધે અમારો એક મિત્ર રાકેશ મૃત્યુ પામ્યો અને બીજો મિત્ર સમીર મરણ પથારીએ પડયો છે.’ આવા અનેક સવાલો સાથે એ લોકો ચાલતા હતા.વિમલ અને રાજુ તો કંઇ બોલવાની હિંમત પણ નહોતે કરતા.પણ આકાશે તિલકને પુછયું “તિલકભાઇ, તમારા ગુરૂ અમને રસ્તો તો દેખાડશે ને? પેલો તાંત્રિક બાવો હવે કોઇને મારે એ પહેલા તમારા ગુરૂ એને શોધી લેશે?” તિલક તો આ સાંભળી ઉભો રહી ગયો.એણે આકાશની સામે ઝીણી આંખે જોયા કર્યું.આકાશની સાથે વિમલ અને રાજુ પણ એ રહસ્યમય નજરોથી ડરી ગયા.પછી તિલકે અટ્ટાહાસ્ય કર્યું અને કહ્યું
“આ ડર જ બધુ કરે છે.આ ડર તમને કર્મમાં ઉતારે છે.આ ડર તમને ગુરૂ સુધી ખેંચી લાવે છે.....તો...આ ડર જ તમને આ તમારા પ્રશ્નનો હલ શોધી આપશે.” વિમલ તો ધીમેથી બબડયો પણ ખરો ‘આ હંમેસા કોયડાની ભાષામાં જ કેમ વાત કરે છે?’ ધીમે ધીમે બધાનાં પગ ચાલુ જ હતા.સુર્યનો તાપ હવે જરાતરા ઓછો થયો હતો.ઘડીયાલમાં હવે ચાર વાગવા આવ્યા હતા.હવે આ લોકો ચારે તરફથી નાનીમોટી ટેકરીઓથી ઘેરાયેલા હતા.આકાશે ઘણીવાર આજુબાજુ જોઇ પાછા જવાનો રસ્તો કયાંથી અનુકુળ આવે એવો તાગ મેળવવા પ્રયત્ન કરેલો.પણ એને કંઇ ન સુઝતું ન હતુ.પણ ત્યાં જ થોડે દુર એક ઝાડ ઉપર ફરકતી એક ધજા દેખાઇ.એ તરફ અને તિલકની પાછળ બધા આગળ વધ્યા.
આખરે વાતાવરણમાં કંઇક ગંધ વર્તાઇ.એ ત્યાં આશ્રમમાં ચાલી રહેલા કોઇ હવનની હોય એવું લાગ્યું એટલે આકાશે રાજુને કહ્યું “આશ્રમ આવી ગયો....જો ત્યાં કોઇ હવન કરે છે.” વિમલે પણ આ સાંભળ્યું.મનમાં અને પછી શરીરમાં થોડી કંપારી એણે પણ થઇ.તિલક હવે ઉભો રહી ગયો.એણે આ ત્રણે મિત્રોને હાથનાં ઇશારાથી ઉભા રાખ્યાં.જાણે કોઇ પ્રવાસમાં એક ગાઇડ કંઇક સમજાવતો હોય એમ એ બધાને સમજાવતા બોલ્યોં “અંદર મારા ગુરૂ સિવાય બીજા બે-ત્રણ સાધુ હશે.તમારે કોઇની સાથે કંઇ વાતચીત કરવાની નથી.ફકત નમસ્કાર કરી અને બેસી જવાનું છે.મારા ગુરૂ પુછે એટલો જ જવાબ આપવાનો છે.સમજી ગયા?..ચાલો.” વિમલને તો ફરી આ તિલકની દાદાગીરી લાગી.પણ પ્રાણપ્રશ્ન આગળ બધુ શાળપણ નકામુ એવું વિચારી બધા ચુપચાપ ચાલતા થયા.સામે એક ભુખરા પથ્થરો જે ફકત એકબીજા પર ગોઠવેલા હતા એની દિવાલ દેખાઇ.એની વચ્ચે એક પાકકુ મકાન હતુ, આજુબાજુ અમુક લાકડા અને ઘાસનાં નાના-મોટા ઝુપડાઓ પણ હતા.એક કુવો અને ઘણાં વૃક્ષો સાથે આ આશ્રમ સુંદર દેખાતો હતો.વચ્ચે થોડો ખુલ્લો વિસ્તાર જેમાં પથ્થરનો ઓટલો,એના પર હવન કુંડ અને આજુબાજુ બે શિવલીંગ અને એક મોટું લોખંડનું ત્રિશુલ.સામેનાં પાકકા મકાનની ડાબી તરફ એક ઝુપડીમાં કોઇ સાધુ કંઇક રસોઇ બનાવતો દેખાયો.એ આ લોકોનું રસોડું હશે.તિલક પહેલા એ રસોડા તરફ ગયો.પાછળ આકાશ પણ ગયો.એ સાધુ અંદરથી બહાર આવ્યોં અને આકાશે એના તરફ,એને ઉપરથી નીચે સુધી નીરખ્યોં.આકાશને જાણે પગ નીચેથી જમીન સરકી ગઇ.એ કંઇ બોલી ન શકયો.આ એજ બાવો હતો જેણે તે દિવસે રાત્રે રાકેશ સાથે ઝગડો કરી અને તાંત્રીક વિધી કરી બધાને જુનાગઢ છોડવાની મનાઇ કરેલી.આ એજ સાધુ છે જેનાથી રાકેશનું એકસીડેન્ટ થયું, સમીરને હાર્ટ એટેક આવ્યોં અને ત્રણેય મિત્રોની આવી કફોડી હાલત થઇ.પણ તે અહિં આ આશ્રમમાં એક રસોઇયા જેવું કામ કરે છે? એવા વિચારે આકાશ સજજડ થયો.
ક્રમશઃ
--ભરત મારૂ