Rang Rasiya books and stories free download online pdf in Gujarati

રંગ રસીયા

રંગ રસીયા
15 ડિસેમ્બર ૨૦૧૭માં ચિંતન પંડયા અને અન્ય કલાકારો સાથે સરદાર વલ્લભભાઇ પટેલના સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે ઇતિહાસ અને રાજકીય કટાર લેખક નગીનદાસ સંઘવી દાદા તથા ગુજરાત અને દેશનાં જાણીતા કથાકાર મોરારી બાપુની હાજરીમાં સરદાર સાહેબનાં જીવન પરનાં વાચીક્મની તક મળી હતી. વાચિકમ બાદની વાતચીત દરમ્યાન નગીનદાદાએ કહ્યું હતુંકે આપણી પાસે રામાયણ,મહાભારતમાં દુનિયાભરની કથા,વાર્તાઓનો ખજાનો પડયો છે.રામાયણ,મહાભારતે ભારત સહિત દુનિયાને અનેકવિધ કથા-વાર્તાઓ,જ્ઞાન-વિજ્ઞાન,વિચાર, સમજ, બોધ,તર્ક આપવા સાથે ગીત-સંગીત,ગાન,પ્રેમ-નફરત,કરૂણા, ફરજ,જવાબદારી,મિત્રતા,દુશ્મની,ભાતૃત્વ,સ્વધર્મ સહિત એનેકવિધ બાબતોની સમજ આપી છે.જેને દેશ અને સમાજ સામે લાવવાની ખાસ જરૂર છે.આ વાત મને માનવા વિશેષ રીતે મજબુર કરી ગઇ જયારે મેં કેતન મહેતા દ્વારા નિર્દેશિત મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનાં જીવન પર બનાવેલ હિન્દી ફિલ્મ ‘’રંગ રસીયા’’ જોઇ.
ફિલ્મ ‘’રંગ રસીયા’’એ કોઇ કલાકારની કલ્પના કે ફિલ્મી પરદા પર જીવાતી કાલ્પનીક વાર્તા માત્ર જ નથી તેમાં દેશનાં ઇતિહાસ અને ધાર્મિક આસ્થાની વાત જેવા ભારતીય પ્રજાને સીધા સ્પર્શતા મુદ્દાઓ છે.ફિલ્મ જોયા બાદ વિચાર કરવા મન મજબુર થઇ જાય છેકે આપણાથી કેટલુ બધુ છુપાવવામાં આવ્યું છે અને સમય આવે તે વાતો,પ્રસંગોને યોગ્ય રીતે પ્રજા સમક્ષ પ્રસ્તુત કેમ નથી કરાયું? આમાં આપણી પ્રજા તરીકેની લાપરવાહી છેકે પછી કેટલાક રાજકીય,સામાજીક સ્થાપિતોની જાણી જોઇને છુપાવવાની ખરાબ નિયતને કારણે આમ થયું છે?
દક્ષિણ ભારતમાં કેરલનાં કિલિમનુર નગરમાં ૧૮૫૦માં એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રાજા રવિવર્માએ દોરેલા ચિત્રોએ સમગ્ર ભારતમાં ક્રાંતિ કરી હતી.એક તરફ લોકો તેમના બનાવેલા દેવી-દેવતાઓના ચિત્રોને પોતાના પૂજાઘરમાં મૂકીને પૂજન કરવા લાગ્યા હતા.તેમના ચિત્રો એ ભારતના આત્માને જાણે પુનઃજીવિત કરી દીધો હતો.ભારતની મહાનતમ વાર્તાઓ ફરીથી લોકોના જીવન સાથે વણાઇ રહી હતી.ત્યારે કેટલાક લોકોને તેમાં ધર્મની હાની અને અપમાન લાગવા સાથે અશ્લીલતા લાગી રહી હતી.એક સામાન્ય નગરવધુને મોડેલ બનાવીને તેમણે બનાવેલ માતા સરસ્વતીની છબીથી સમાજના કેટલાક લોકોએ તેમની વિરૂધ્ધ કોર્ટ કેસ કર્યો હતો.જોકે કોર્ટ કેસમાં રાજા રવિવર્માની તો જીત થઇ હતી.પરંતુ ત્યારબાદ પણ તેમના વિરોધીઓનો ગુસ્સો ઠંડો થયો ન હતો અને તેમના પર શારિરીક હુમલો પણ કર્યો હતો.તેમના ચિત્રોના પ્રદર્શન સ્થળ પર વિરોધ કરવા સાથે સાથે તેમનો પ્રેસ બાળી નાખીને તેમને બરબાદ કરી દીધા હતા.આ સાથે ફિલ્મમાં તેમની પ્રેમકથા સહિત દેશના મહાન ચિત્રકાર બનવા અને બરબાદ થવા સહિત જીવનનાં સંઘર્ષની કથા પણ છે.
જોકે જોવા જેવી બાબત એછે કે આજે પણ દેશભરમાં જેટલા પણ ભગવાન સહિત દેવી-દેવતાઓના ફોટા,કેલેન્ડર છે તે રાજા રવિવર્મા દ્વારા બનાવેલા છે.તેમણે અદ્રશ્ય દેવી-દેવતાઓને ચહેરો આપી,ધરતી પર ઉતારીને જાણે લોકો સમ્મુખ લાવી દીધા છે.આપણા દેશમાં નાગા પગે ફરનાર એક ભાગેડુ, થોપેલા સરકારી મહાન પેન્ટરે અભિવ્યક્તિના નામ પર દોરેલા આપણા દેવી દેવતાનાં ચિત્રો માત્ર ડ્રોઇંગરૂમની સજાવટ માટે બની રહ્યા છે તેની સામે રાજા રવિવર્માનાં આ ચિત્રો આજે પણ પૂજનીય બની રહ્યા છે.
આ એક કથા થઇ બીજી ઐતિહાસિક બાબત તેમની સાથે એ જોડાયેલી છેકે તેમના એક શિષ્ય હતા અને તે તેમની સાથે લાંબો સમય રહ્યા હતા.જોકે તે પોતો પણ પેઇન્ટીંગ,ફોટોગ્રાફી અને કેલીગ્રાફી આદી નાં ખુબજ સારા જાણકાર હતા. તેમને આજે દુનિયા અને દેશ ભારતીય ફિલ્મોના જનક તરીકે ઓળખે છે.રાજા રવિવર્માએ પોતાના કોર્ટ કેસમાં બધું બરબાદ ન થઇ જાય તે માટે પોતાનો પ્રેસ પોતાના જર્મન પાર્ટનરને વેચી દીધો હતો અને તેને પોતાના ચિત્રો પણ નિશુલ્ક આપી દીધા હતા.પ્રેસનાં વેચાણ બાદ જે થોડા પૈસા વધે તે પોતાની પાસે ન રાખતા તે પૈસાનો વિદેશમાંથી કેમેરો લાવીને ફિલ્મ બનાવવા માટે તેમના શિષ્ય દાદા સાહેબ ફાળકેને આપી દેવા તેમના જર્મન પાર્ટનરને કહ્યું હતુ.આપણે જયારે પણ કોઇ ભારતીય ફિલ્મ જોઇએ ત્યારે આપણે અનાયાસે આપણો ધર્મ અને ઇતિહાસ સાથે જીવતા હોઇએ છીએ.
અહીં ફિલ્મમાં દર્શાવેલ ટાયટલનો ઉપયોગ કરેલ છે.