મહેકતા થોર.. - ૨૪

ભાગ- ૨૪

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ શહેરમાંથી પાછો આવ્યો, શંકરના પાણે નવું કૌતુક જોવા કાળું વ્રતીને બોલાવવા આવ્યો. હવે આગળ....)

આસ્થા ને અફવા સગી નહિ તો માસિયાઈ બહેનો તો થતી જ હશે, વ્યક્તિની આસ્થા જોડાયેલી હોય એની સાથે અનેક લોકવાયકાઓ આપોઆપ જોડાતી જ જાય છે શંકરનો પાણો પણ એવી જ એક બીનાનો સાક્ષી હતો. ગામમાં એક જુના કુવા પાસે ખોદકામ કરતા કરતા એક પથ્થર મળેલો. જેના પર કોદાળી વાગતા મંદિરના ઘંટ જેવો અવાજ આવ્યો. ખોદકામ કરતા ખેડૂતે એ પથ્થર બહાર કાઢી એના પર પોતાની આસ્થાનું આરોપણ કર્યું. એણે એ પથ્થરનું નામ શંકરનો પાણો આપી દીધું. ને કોઈ પણ સૂચન વગર એ જગ્યા ગામની આસ્થાનું કેન્દ્ર બની ગઈ. શંકરના પાણે વિશાળ મેદાન હતું. એ મેદાન પર આમ કોઈનો અધિકાર નહિ ને આમ આખા ગામનો હક. ગામના સારા પ્રસંગો ત્યાં ઉજવાતા. એક નાનકડી દેરી પણ ગામ લોકોએ ભેગા મળી બનાવી લીધી હતી. 

આજે આ જગ્યાએ શું નવું થઈ રહ્યું છે એ જોવા વ્રતી કાળું સાથે ગઈ. વિશાળ સમિયાણા ગોઠવાઈ રહ્યા હતા. ગામ લોકોની ભીડ જામી હતી. કોઈને ખબર ન હતી કે આ શું થઈ રહ્યું છે ને કોણ કરી રહ્યું છે. કોઈની હિંમત પણ નહતી ચાલતી કે ત્યાં જઈને પૂછે કે આ બધું શું થઈ રહ્યું છે. વ્યોમ ત્યાં બધું કેમ ગોઠવવું એ સમજાવી રહ્યો હતો. વ્યોમને જોઈ વ્રતી ને સૃજનભાઈ ત્યાં ગયા. વ્યોમને પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. વ્યોમે વિગતવાર વાત કરી.....

"સૃજનકાકા અહીં એક મેડીકલ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. બધા લોકોને મફત સારવાર મળી રહે એ માટે. હું એક દિવસ ઘરે ગયો ત્યારે પપ્પાને મારો વિચાર રજૂ કર્યો ને એમણે બધી વ્યવસ્થા કરી દીધી. આ કેમ્પમાં જ જાહેરાત કરવાની છે કે આ ગામમાં એક મોટી હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે જ્યાં બધા દર્દીઓને મફત સારવાર મળી રહે એ પણ કાયમ માટે....."

વ્રતી બોલી, 
"આ બધા માટે આર્થિક વ્યવસ્થા કઈ રીતે થશે પણ ??"

"એ બધું થઈ જશે....." વ્યોમ એકદમ દ્રઢતાથી બોલ્યો.

વ્યોમને જોઈ બીજા ગામલોકો પણ મદદ કરવા દોડી આવ્યા. સાંજ સુધીમાં તો બધું તૈયાર થઈ ગયું કાલ સવારે ડૉકટરોની કતાર લાગવાની હતી ને સાથે દર્દીઓની પણ.....

રાત પડી વ્યોમની તો ઊંઘ ઊડી ગઈ હતી. જવાબદારી કઈ વ્યક્તિને આમ પણ સુવા દે છે ને જ્યારે બેજવાબદાર વ્યક્તિ જવાબદાર બને છે ત્યારે તો વાત જ અલગ હોય છે. વ્યોમ રાત આખી ત્યાંને ત્યાં જ બેસી રહ્યો. સવારે થયું એટલે ગામલોકોની ભીડ જામવા લાગી. પ્રમોદભાઈએ કરેલી વ્યવસ્થામાં કોઈ કમી થોડી હોય! વડોદરાની હોસ્પિટલના નામી ડૉકટરો હાજર થઈ ગયા. પ્રમોદભાઈ ને નિસર્ગભાઈ બોલાવે ને કોઈ ના પાડે એવું તે કઈ બની શકે. સાથે મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. ધૃતી ને નિશાંત તો ખૂબ ઉત્સુક હતા વ્યોમને મળવા માટે, વ્યોમને જોવા માટે..

ગામલોકો માટે તો આ બધું ખૂબ નવું હતું. આટલા બધા ડૉકટરો એ પણ એક સાથે કઈ રીતે આવી શકે. પણ જે પણ થતું હતું એ વ્યોમને કારણે જ થતું હતું એ બધા જાણી ગયા હતા. વ્યોમ આજે બધાને ભગવાન જેવો લાગતો હતો. ભોળા લોકો વ્યોમને પગે પડી પડી આભાર માનતા હતા. દર્દીઓની બધી દવાઓનો ખર્ચ પણ પ્રમોદભાઈ આપતા હતા. વ્યોમ કહી આવ્યો હતો કે મારા વારસામાં જે દોલત આવવાની છે તે આમાં વાપરી નાખજો. પ્રમોદભાઈ ને કુસુમ તો સાંભળીને છક થઈ ગયા કે આ ચમત્કાર થયો કઈ રીતે. પણ જે પણ થયું ખૂબ સારું થયું એમ વિચારી પ્રમોદભાઈએ પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી હતી. ને એટલે જ આ બધુ શક્ય બન્યું હતું. આજુબાજુના ગામમાંથી પણ માણસોનો ધસારો આવી રહ્યો હતો. 

વ્રતી આ બધું જોઈ ખૂબ ખુશ થતી હતી. આટલું વિશાળ તો એ ખુદ પણ વિચારી શકતી ન હતી. વ્યોમના આ બધા પ્રયત્નો ગામમાં એક મોટી હોસ્પિટલ બનાવવા માટે હતા. જુદા જુદા રોગોના સ્પેશ્યલિસ્ટ સર્જનો અહીં આવ્યા હતા ને આ બધાનું મોનીટરીંગ હતું ડૉકટર આયુષના હાથમાં. શહેરના નામી સર્જન કે જેના નામ માત્રથી રોગ ગાયબ થઈ જતો હતો....

ડૉકટર આયુષના હાથમાં સમગ્ર સંચાલન હતું. પ્રમોદભાઈએ ખાલી ફોન કર્યો ને ડૉ. આયુષ પોતાની ટિમ લઈને હાજર થઈ ગયા હતા. એમની એપોઇન્ટમેન્ટ લેવા પડાપડી થતી એ ડૉકટર અહીં એક સામાન્ય ગામમાં આવવા કેમ તૈયાર થયા એની પાછળ પણ એક રસપ્રદ વાત છે. એ વાત આવતા ભાગમાં જોઈશું.......

© હિના દાસા

***

Rate & Review

Yakshita Patel

Yakshita Patel 2 weeks ago

bhavna

bhavna 2 months ago

Abhishek Patalia

Abhishek Patalia 2 months ago

Heena Suchak

Heena Suchak 3 months ago

Minal Sevak

Minal Sevak 3 months ago