Khakhi ne salam books and stories free download online pdf in Gujarati

ખાખી ને સલામ

* ખાખીને સલામ *

( સેવા, સુરક્ષા અને શાંતિ )

( દીદી એ દીદી ... આંખો ખોલો...... દીદી એ દીદી ઉઠો.. આંખો ખોલો.. )
મારી બંધ આંખોમાં અનેક અવનવા રંગો બદલાય રહયા હતાં. શરીરનાં તમામ અંગો મારાં મનનું કહ્યું કરવાં તૈયાર ન હતાં. અત્યારે આંખોની પાંપણ પણ ઉચી થઇ શકતી ન હતી. અને જયારે મગજમાં તો બસ એકદમ ખાલી જ ચડી ગઈ હોય તેવું પ્રતીત થતું, તો ક્યારેક ક્યારેક કોઈ મને દુરથી બોલાવતું હોય તેવો આભાસ પણ થઇ રહ્યો હતો. પણ મને એ સાંભળવા કરતાં બસ આમ જ આનંદ આવી રહ્યો હતો. બસ કોણ જાણે કેમ .. ? અત્યારે હું કોઈ એકદમ શાંત જગ્યાએ આવી હોવ તેવું મહેસુસ થઇ રહ્યું હતું. જ્યાં કોઈ પણ માણસ કે વાહનનો ઘોંઘાટ ન હતો. પરંતુ મારી એ ખુશી બહું લાંબો સમય સુધી ટકી શકી નહિ. અને અચાનક મારા ચહેરા પર અનેરો ઠંડકનો અહેસાસ થયો. જાણે વર્ષો પછી મારા દેહમાં જીવ આવ્યો હોય તેવું અનુભવ્યું. તો નજીકથી કોઈનો અવાજ મને સતત બોલાવી રહ્યો હતો. એ પણ કાન દ્વારા બરાબર સંકેત મળી ગયો. બસ ત્યાં અચાનક જ ફરીથી ચહેરા ઉપર ઠંડકનો અહેસાસ થયો. અને એ સાથે હું વર્તમાનમાં આવી પહોચી. હવે માથું ગોળ ગોળ ભમી રહ્યું હોય તેમ લાગવા લાગ્યું. બંધ આંખોની પાંપણોમાં લાલાસ છવાવા લાગી. જયારે શરીરને કઈંક બાળી રહ્યું હતું. જે મને દર્દ રૂપે ધીમે ધીમે મહેસુસ થવા લાગ્યું. થોડીવાર કઈ વધારે અસર ન થઇ. પણ હવે મારાથી રહેવાયું નહિ એટલે થોડી હિમ્મત સાથે હાથને જોર આપતી માથા સુધી લઇ આવી અને ધીમે ધીમે આંખોની પાંપણો ઉચી કરવાની શરૂઆત કરી.
બંને આંખો જેવી ખોલી એજ જડપથી ફરી બંધ કરી દીધી. કારણ કે બળબળતા ઉનાળાનાં બપોરનાં સૂર્યનો સીધો જ પ્રકાશ મારી આંખોને દર્દ આપી રહ્યો હતો. જે સહન ન કરતાં બંધ આંખો ઉપર એક હાથ આ તાપથી બચવા આડો ધરી દીધો. તેમ છતાં પણ આ તાપની અસર તો થઇ જ રહી હતી. અને ત્યારબાદ ફરીથી કોશિશ શરૂ કરી. જયારે બીજી તરફ દેવિકાનું હજી પણ બોલવાનું શરૂ જ હતું. “ દીદી .. દીદી ઉઠો ... ધીમે ધીમે .. હ અ અ અ અ... “ આ વખતે થોડી વધારે તાકાત સાથે શરીરને આમતેમ કર્યું. કારણ કે હવે શરીરના તમામ અંગોને તાપની અસરથી પીડા થવા લાગી હતી. હવે ધીમેકથી હાથ હટાવી ફરીથી આંખો ખોલવાની શરૂઆત કરી. તો થોડીવાર બંને આંખો આ બપોરના સફેદ અજવાસમાં અંજાઈ ગઈ. અને ધૂંધળા પણું આવી ગયું આંખોમાં.... પણ તેમ છતાં હળવે હળવે મેં મારી નજર ઉચી કરીને જોયું. તો બસ સામું જોતી જ રહી ગઈ. અચાનક આ શું બની ગયું ? એકાએક મનમાં વિચારોનો વંટોળ શરૂ થઇ ગયો. અત્યારે આંખ સામે જે કઈ પણ હતું. એ બધું જ મારી સમજ બહાર હતું.
અત્યારે મારું માથું દેવિકાનાં ખોળામાં હતું. અને દેવિકા તેના હાથ રૂમાલથી મને પવન નાખી રહી હતી. તેના ચહેરાં પર ખુબ જ ચિંતા છવાયેલી હતી. જે અત્યારે સાફ નજર આવી રહી હતી. જયારે અમારી ચારેબાજુ મને અને દેવિકાને ઘેરીને કેટલાંક લોકોનું ટોળું ઉભું હતું. જે અંદરો અંદર જ કઈંક વાતો કરતાં હતાં. તેની વારંવાર અમારી બંને તરફ ફરતી નજરથી એટલું તો સાફ દેખાય રહ્યું હતું કે, એ નક્કી અમારી જ વાતો કરતાં હતાં. પરંતુ હું એ બધું જ નજર અંદાજ કરતી દેવિકા સામું જોવા લાગી. ગળું એકદમ અંદરથી સુકાઈ ગયું હતું. અને અતિશય તરસ લાગી હતી. એટલે ધીમેથી દેવિકા પાસે પાણી માગ્યું. દેવિકા પણ મારી વાતનો તરત જ અમલ કરતી આમ તેમ જોવા લાગી. પણ કદાચ તેને ક્યાય પાણી નજરે ન ચડ્યું. એટલે થોડી ઉતાવળી થતી સામે અમને ઘેરી ઉભેલાં લોકો પાસે તેને પાણીની માંગણી કરી. પરંતુ સામેથી કોઈ પણ પ્રતિ ઉત્તર ન મળ્યો. બસ બધા જ અમને તાકી તાકીને એકી નજરે જોઈ રહયા હતાં. એ બધાએ દેવિકાની વાત સાંભળી તો ખરી પણ એકદમ સરળતાથી નજર અંદાજ કરી દીધી. જાણે કે કઈ બન્યું જ ન હોય. આ બધું હવે દેવિકાથી જોવાયું નહિ એટલે એ મને બેઠી કરતી જાતે જ ઉભી થઇ અને લોકોના ઘેરાની વચ્ચેથી પોતાનો રસ્તો કરતી પાણી લેવા માટે ચાલી ગઈ. આ બધું જ જોઇને અત્યારે મને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. પણ અત્યારે બધું જ અંદર ચુપચાપ સહન કરતી એમ જ બેઠી રહી. જયારે ચારેબાજુ ઉભેલા દરેકની નજર હજી પણ મારી ઉપર જ ટકી હતી. અને મારી નજર દેવિકાને પાણી લઈને આવતી જોવા વારંવાર ઉચી ઉઠતી હતી.
“ આ લોકો પોતાનું ધ્યાન નથી રાખી શકતાં તો આપડું શું ખાખ રાખશે. “ “ હા રાઈટ, આ શું ખાખી અને હાથમાં લાકડી લઈને આપણને પ્રોટેક્શન આપવા સિટીના ખૂણે ખૂણે ઉભા રહી ગયા. “ “ ઠીક હવે આ બધું ભાઈ... આપણા દેખાવ ખાતર જ્યાં ત્યાં ઉભા રહી જાય બસ... “ “ હા વળી, આમેય સરકાર તો તેને પગાર આપે જ છે ને .. “ આવી અનેક વાતચીતો લોકોના ટોળામાં અંદરો અંદર એકબીજા સાથે થઇ રહી હતી. જે હું અત્યારે નીચે બેઠી બેઠી ચુપચાપ સાંભળી રહી હતી. એ બધાની આવી ઉશ્કેરી ભરી વાતોથી મને ખુબ જ ખોટું લાગી રહ્યું હતું. અને ખુબ ગુસ્સો પણ આવી રહ્યો હતો. પણ હું શાંત પડતી દેવિકાની રાહ જોઈ રહી હતી. કારણ કે મને ખબર છે આ લોકો સાથે કઈ પણ વાત કરવાનો કશો જ ફાયદો નથી. જેનું મુખ્ય કારણ કહું તો માણસાઈ ... હા.. આ લોકો ભણેલા-ગણેલાં વેલ એજ્યુકેટેડ તો છે. પરંતુ તેમાં થોડી પણ માણસાઈ નથી. જે તેનામાં પહેલી હોવી જોઈએ. તેનામાં પરિસ્થિતિને સમજવાની સમજણ શક્તિ જ નથી. એ ગમે તેટલાં પોતાને સ્માર્ટ સમજે છે. પણ એ બિલકુલ ખોટા છે. આવા લોકોની અમારી પ્રત્યે કેવી માનસિકતા બંધાઈ ગઈ છે એજ કઈ ખબર નથી પડતી. શાં માટે આ લોકો અમારા વિશે આવું અવળું વિચારે છે એજ સમજાતું નથી. તડકામાં બેઠી બેઠી હું આવું કેટકેટલુંય વિચારી રહી હતી. બસ ત્યાં જ દેવિકા હાથમાં પાણીની બોટલ સાથે લોકોનાં ટોળામાંથી ઉતાવળી મારી પાસે આવી. તેને જોઇને થોડી રાહત થઇ. દેવિકાએ આવતાની સાથે પાણીની બોટલ મારા હાથમાં થંભાવી દીધી. અને હું પણ જડપથી બોટલમાંથી ઠંડુ પાણી પીવા લાગી ગઈ.
થોડીવાર પછી લોકોનું ટોળું ધીમે ધીમે વિખાય રહ્યું હતું. ઠંડુ પાણી ગળા નીચે ઉતરતા પેટમાં એકદમ શાંતિ થઇ હતી. જોત જોતામાં હું પાણીની અડધી બોટલ પી ગઈ. વળી ત્યારે જ કઈંક અંદર ઠીક લાગી રહયું હતું. પરંતુ અત્યારે માથા ઉપર સૂર્ય તાપના અંગારા નાખી રહ્યો હતો. એટલે દેવિકાએ મારો હાથ પકડી ધીમેકથી ઉભી કરી. અને બાજુમાં જ એક બંધ દુકાનનાં બાંકડે બેસાડી. આ બાંકડો ગુલમ્હોરનાં વૃક્ષ નીચે હતો. એટલે બાંકડા ઉપર તેના ફૂલો અને છાયડો બંને પથરાયેલાં હતાં. જેથી થોડી તડકાથી રાહત મળી. પરંતુ તેમ છતાં પણ લૂં તો લાગી જ રહી હતી. હું થોડીવાર એકદમ ચુપચાપ બાંકડા ઉપર સ્થિર બેઠી રહી. જયારે દેવિકા મારી સંભાળ લેતી વારંવાર મને પૂછ્યા કરતી કે ‘ હવે કઈ થાય છે ? હજી થોડું વધારે પાણી લઇ આવું ? જ્યુસ કે આઈસ્ક્રીમ .. ? દેવિકા વગેરે વગેરે મારી ચિંતા કરતી બોલી રહી હતી. જયારે હું તો આ બધું કેમ બન્યું એજ વિચારમાં ખોવાયેલી હતી. અને ઉપરથી આ બધી લોકોની વાતો સાંભળીને તો મનમાં ખુબ જ દુઃખ થઇ રહ્યું હતું. પણ શું કરું ? એક હાથમાં પાણીની બોટલ હતી. અને બીજા હાથમાં ગુલ્મ્હોરનું ફૂલ હતું. જેની સામે હું સ્થિર નજર રાખી એ ફૂલને આંગળીઓથી ગોળ ગોળ ફેરવી રહી હતી. જેની સાથે મારું મન પણ ફરી રહ્યું હતું. જે વિચારતું વિચારતું વહેલી સવારે જઈને અટક્યું હતું.
અત્યારે વહેલી સવારના ૬:૨૦ જેટલાં થયા હતાં. અને હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. જો કે આજે થોડો મોડો નાસ્તો બની રહયો હતો. કારણ કે રાત્રે થોડી મોડે સુધી ડ્યુટી હતી. એટલે પછી રૂમ પર આવતાં પણ ખાસ મોડું થઇ ગયું હતું. પછી સવારે ૫ વાગ્યાની જગ્યાએ આજે ૫:૩૦ આજુબાજુ ઉઠાયું હતું. બસ પછી તો ૨૫-૩૦ મીનીટમાં ફ્રેશ થઇ. નાસ્તો બનાવવાં લાગી ગઈ. હવે અહિયાં તો કઈ ઘરની જેમ કોઈને ઓડર કરાઈ નહિ. જે કઈ પણ જમવું હોય તે બસ પોતાના હાથે જ બનાવી જમી લેવાનું થાય. પરંતુ તેમ છતાં સવાર સવારમાં રોજ ઘરની યાદ આવતી રહે છે. આ સમયે તો હું ઘરે એકદમ શાંતિથી આરામ ફરમાવી રહી હોવ. મમ્મી નાં હાથનો નાસ્તો તૈયાર થાય ત્યારે છેક ઉઠાવે મને, જયારે હવે પોલીસમાં જોડાયા પછી બધું જ બદલી ગયું. હું મારા પરિવારમાંથી પહેલી છોકરી છું જે પોલીસમાં જોડાય. પણ મારાં મમ્મી-પાપાની પહેલ જોઇને કદાચ આવનારાં સમયમાં ઘણાં માતા-પિતા પોતાની દીકરીને ખાખી પહેરાવવાની હિંમત કરશે. આ બધું હું જયારે પણ રજામાં ઘરે જાવ ત્યારે અવારનવાર બીજાના મુખેથી સાંભળ્યું છે. જે સંભાળીને મને ખાખી વર્દી ઉપર ખુબ જ ગર્વ થાય છે. ખરેખર સમાજના દરેક માતા-પિતાએ પોતાની દીકરીને આગળ વધારવી જોઈએ. અને તેના સપનાઓ પુરા કરવામાં હિંમત આપવી જોઈએ. જેથી સમાજની દરેક દીકરી સ્વતંત્ર રીતે ઉડીને પોતાના સપનાંઓ પૂર્ણ કરી માતા-પિતા અને પરિવાર-સમાજનું નામ રોશન કરી શકે.
નાસ્તો બની ગયો હતો. અને દૂધ પણ રોજની જેમ સમયસર આવી ગયું હતું. બસ પછી શું .. ? થોડો ઘરેથી બનાવી લાવેલો સૂકો નાસ્તો અને અત્યારનું બધું ભેગું કરીને જડપથી પેટ પૂંજા કરી લીધી. અને ૭ વાગ્યાં પહેલાં પોતાનાં દેશની શાન એવી ખાખી વર્દી પહેરીને ઈશ્વર અને આયના સામે ઉભી રહી ગઈ. ઈશ્વર જે મને હંમેશા હિંમત અને મુશ્કેલીઓ સામે ટકી રહેવાની તાકાત આપે છે. અને આયનો જેમાં હું રોજ એક ખાખી વર્દી ધારણ કરેલી છોકરીને જોઉં છું. જેની ઉંમર તો હજી ઘણી ઓછી છે તેમ છતાં પણ એ પોતાની ફરજ નિભાવવા માટે સંપૂર્ણપણે કાબિલ છે. અને જયારે બંને હાથે આ ખાખીનાં સન્માનની ટોપી માથા ઉપર પહેરું છું ત્યારે ખરેખર મિસવલ્ડ બન્યાની ખુશી કરતાં પણ વધારે ખુશી મળે છે. બસ પછી તો એક ચહેરાં પર હાસ્ય સાથે રૂમ પર રહેતી બધી ખાખી બહેનોને હું બાય.. બાય. કહીને બી.આર.ટી.એસ નાં બસ સ્ટોપ ઉપર જતી રહું છું. જ્યાંથી રોજ મને ૭:૩૦ વાગ્યે મારા વિસ્તારનાં પોલીસ સ્ટેસનની બસ મળે છે. જે રોજ મને સમયસર ડયુટી કરવામાં ખુબ જ મદદ રૂપ બને છે. બાકી મને પોલીસ સ્ટેશન મોડું પહોચવું બિલકુલ પસંદ નથી. કારણ કે હું આ ખાખીની ડીસીપ્લીનમાં માનું છું. જે મને હંમેશા સમય સાથે ચાલવામાં મદદ કરે છે.
હાલ તો અત્યારે મોબાઈલમાં ૭:૨૫ જેટલાં વાગ્યાં હતાં. એટલે હવે હમણાં જ બસ આવતી હોવી જોઈએ. બસ ત્યાં સુધી રોજની જેમ બસ સ્ટોપ પરના આજુબાજુનાં વિસ્તારનું સવારનું નિરીક્ષણ કરવાનું, જેમાં રસ્તાની બંને બાજુ આવતાં જતાં લોકો, ચા ની કેન્ટીન પાસે બિસ્કીટની રાહ જોઈ રહેલા કુતરાઓ, તો તેની બાજુમાં રહેલા ત્રણ ખંડિત બાંકડા ઉપર રોજ અલગ અલગ માણસો બેસીને ચા સાથે વહેલી સવારનાં વર્તમાન પત્રમાં પોતાનું બધું જ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને જયારે અમુક તો નાસ્તાની આખે આખી કેબીન ઘેરીને ઉભા રહી જાય છે. આ બધું તો રોજનું થયું. પરંતુ જયારે ટ્રેનીગ પૂર્ણ કરી અને ડયુટીની શરૂઆત કરી ત્યારે રૂમથી પોલીસ સ્ટેશનનાં અપડાઉનમાં આ બધું જોવું નવું નવું લાગતું, પણ ધીમે ધીમે આ બધાની રોજની કામગીરી જોઇને મનમાં તેની આખી ઘટના છપાઈ ગઈ. એટલે હવે ચારેબાજુ ખુબ જ ઓછું ધ્યાન દોરાઈ. બસ બાકી તો સવાર સવારમાં મોબાઈલમાં બધાના ગુડ મોર્નીગનાં મેસેજ જોવાનાં અને સામ સામે એકબીજાના મેસેજના રીપ્લાય આપવાનાં. આથી વિશેષ એક શહેરની સવાર કેવી હોય શકે ?
પોતાના રોજના નિર્ધારિત સમયે બસ આવી ગઈ હતી. અને હું પણ બધાની જેમ ઉતાવળમાં અંદર બેસી ગઈ. અહિયાથી મારું સ્ટેશન ઘણું દુર થાય. એટલે ૨૦ મિનીટનો રસ્તો તો ખરો જ, માટે કોઈ પણ બારી પાસેની સીટ ઉપર બેસીને ચુપચાપ આ ધીમે ધીમે જાગી રહેલા અમદાવાદને જોયા કરવાનું, અથવા તો મોબાઈલમાં થોડીવાર નજર ફેરવી લેવાની થાય. કારણ કે રોજ બાજુની સીટ ઉપર બેસવાવાળા બદલતાં રહે છે. કોઈ મારી સાથે વાતો કરે તો કોઈ ખાલી એક હળવી સ્માઈલ આપીને આખો રસ્તો પસાર કરી નાખે છે. અને ઘણીવાર તો બાજુમાં કોણ બેઠું છે એ પણ ખબર નથી રહેતી એટલી બધી ખામોશી તેનામાં ભરી હોય છે. વળી ઘણીવાર હાસ્ય પ્રસંગ પણ બને છે. મારી બાજુની સીટ ખાલી હોવા છતાં પણ અમુક છેક સુધી ઉભા રહીને મુસાફરી કરે છે. બસ કોણ જાણે તેને શું મજા આવતી હોય આમ ઉભા ઉભા મુસાફરી કરવાની.. ચાલો કદાચ એવું માનીએ કે કોઈ સ્ત્રીની બાજુમાં કોઈ પુરુષ ન બેસે એ સ્વાભાવિક છે. પરંતુ એક સ્ત્રીની બાજુમાં બીજી સ્ત્રી તો બેસી શકે ને ? બસ કોણ જાણે ત્યારે મનમાં ઘણા સવાલ ઉભા થાય. અને ક્યાંક એવું પણ લાગે કે આ ખાખીનાં કારણે કોઈ બાજુમાં બેસવા રાજી નહિ હોય. પરંતુ કેમ એવું .. ? હવે ખાખી જ બધાની સુરક્ષા માટે છે તો પછી બધા તેનાથી ડરે કે પછી દુર શાં માટે રહે છે ? આવા અનેક સવાલો રોજ થતા જ રહે છે. જેમાંથી ભાગ્યે જ કોઈના જવાબ મળતાં હોય છે. બાકી તો પછી એ સવાલ બસ સવાલ બનીને જ રહી જાય છે. અને ત્યાં મારી મુસાફરી પણ પૂરી થઇ જાય છે. પરંતુ આજે કઈંક અલગ જ અનુભવ કરવાનો હતો.
અડધી બારીમાંથી સવારનો ઠંડો પવન ચહેરાને સ્ફૂર્તિ આપતો હતો. અત્યારે સવાર સવારમાં બસમાં વધારે કઈ ભીડ જેવું ન હોય. અને એકદમ ખાલી પણ ન હોય. બદલાતા સ્ટેશનની સાથે લોકો પણ બદલાતા રહે છે. અને અત્યારે બીજા જ સ્ટેશન પરથી એક બહેન મારી બાજુની સીટમાં મારી સાથે બેઠાં, જયારે મારું ધ્યાન તો બારી બહાર હતું. અને જયારે બાજુમાં કોઈ બેઠાંનો અહેસાસ થયો ત્યારે નજર ફેરવી તો એકબીજાની નજર સામસામે ભેગી થઇ ગઈ. અને તેને મારી સામે એક હળવી સ્માઈલ આપી. તેને જોઇને મેં પણ મારા ચહેરાં પર થોડું હાસ્ય રેડી દીધું. એ પછી થોડીવાર બંને એકદમ ચુપ જ રહયા. અને ત્યારબાદ આખરે તેને વાતની પહેલ કરી. “ મેડમ તમે પોલીસમાં આવવાં શું કર્યું ? ૧૨ પાસ કર્યું હશે ને .. “ ? તેને ખુબ જ સરળતાથી મારી સાથે વાતની રજૂઆત કરી. તો સામે મેં પણ એક સરળ શરૂઆત કરી. “ હા, ૧૨ પાસ તો ખરું, અને કોલેજના ત્રણ વર્ષ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થઇ. બસ ત્યારપછી પોતાની તૈયારીથી પોલીસની પરિક્ષા આપી. “ તેને મારી આખી વાત એકદમ ધ્યાનથી સાંભળી અને ત્યારપછી તેને કહ્યું “ મારી પણ ખુબ જ ઈચ્છા છે. તમારી જેમ પોલીસમાં નોકરી કરવાની, અને મેં પણ પોલીસની ભરતી આવી ત્યારે ફોર્મ ભર્યું હતું. પણ ત્યારે સમય સંજોગો એવા બન્યાં કે હું પરિક્ષા ન આપી શકી. “ આ વાત સાથે તેના ચહેરાં પર અફસોસ નજર આવી રહ્યો હતો. પરંતુ મેં પછી કારણ પૂછવાની કોશિશ ન કરી. પરંતુ આશ્વાસન આપતાં કહ્યું “ કઈ વાંધો નહિ. એ થોડી કઈ છેલ્લી પરિક્ષા હતી. હજી પણ આવશે જ ને ... ત્યારે આપજો.” મારી વાત સાંભળી થોડું મલકાતા બોલ્યા .. “ હા, હવે તો પાક્કું આપીશ.” તેને જોઇને હું પણ હસતાં ચહેરે બોલી “ બેસ્ટ ઓફ લક “ અને સામે તેને પણ “ થેંક્યું વેરીમસ .“
બસ પછી તો એ એકદમ ખુલ્લાં હદયથી મારી ડયુટી વિશે પુછવા લાગ્યાં. એ હાલ તો એક ટીચર તરીકે નોકરી કરે છે. પણ ક્યાંકને ક્યાંક તેની અંદર આ ખાખી પહેરવાનું સપનું છુપાયેલું હતું. તેની ખાખી પ્રત્યેની લાગણી હું જોઈ અને સમજી શકતી હતી. અને તેની આ ખાખીની ભાવના જોઇને મેં મનોમન ઈશ્વરને પ્રાર્થના પણ કરી દીધી કે આ બહેનનું સપનું પૂરું થાય. અને સાથે મેં પણ પોતાનાં ખંભે ખાખી હોવાનો ઈશ્વરનો આભાર માન્યો. બસની સાથે અમારી વાતોએ પણ વેગ પકડી લીધો હતો. જાણે અમે બંને પહેલેથી જ એકબીજાને ઓળખતા હોય તેવો હાલતો સંબંધ બંધાય ગયો હતો. પરંતુ આવી યાદગાર મુલાકાતો અમુક ક્ષણભરની જ હોય છે. અને વાત વાતમાં મારું બસ સ્ટોપ પણ આવી ગયું. અને ફરી એક છેલ્લી વાર મેં તેને હસતાં ચહેરે બાય.. બાય.. કીધા. એ પણ ફક્ત મારા હોઠોથી.. કારણ કે શરૂઆત સામેથી થઇ હતી. પણ અહિયાં સંભળાય એમ બોલવાનો કઈ ફાયદો ન હતો. અમે બંને એકબીજાના ચહેરાનાં હાવભાવ સમજી શકતાં હતાં. આવા મિત્ર રોજ નથી મળતાં, પરંતુ જયારે પણ મળે છે ત્યારે આ ખાખી પહેરનારને ખુબ જ ગર્વની અનુભૂતિ કરાવે છે. ખરેખર તેની સાથે ખુબ જ આનંદ આવ્યો. ઈશ્વર તેની દરેક મનોકામના પૂર્ણ કરે. એ વિચાર સાથે હું મારા પોલીસ સ્ટેશન પહોચી.
જ્યાં દેવિકા મારી રાહ જોઇને જ બેઠી હતી. એટલે પહેલાં તો પોતાની રોજની હાજરીની બધી કામગીરી પૂર્ણ કરી. અને ત્યારબાદ આજે ક્યાં ડયુટી છે એ વિશે દેવિકા સાથે વાત થઇ. બસ ત્યાં જ થોડીવારમાં સ્ટાફની ગાડી આવી ગઈ. એટલે અમે બંને સ્ટાફ સાથે આજની ડયુટીનાં સ્થળે જવા રવાના થયાં. અત્યારે ૯ વાગ્યાંમાં થોડી વાર હતી તેમ છતાં પણ અત્યારથી સુરજ બપોર જેટલો તપવા લાગ્યો હતો. સવાર સવારમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હતું. હવે અમારી સ્ટાફની સરકારી ગાડીમાં તો કઈ A.C ની સુવિધા હોય નહિ. એટલે બારીમાંથી જે હવા મળે તેનાથી સંતોષ માની લેવાનો, રસ્તાઓ પર અત્યારે વાહનો દોડવાના શરૂ થઇ ગયા હતાં. અમદાવાદ એક ગુજરાતનું એવું શહેર જે ૨૪ કલાક જાગતું રહે છે. અહી શું સવાર .. ? શું બપોર .. ? કે પછી શું સાંજ .. ? રસ્તા પર વાહનો ક્યાં કદી દોડતાં બંધ થાય છે. તો વળી રસ્તાની બંને બાજુમાં લાંબી લાઈનોમાં ખડકાય ગયેલી. ચા-નાસ્તા અને પાણીપુરી-ચમોસાની લારીઓ પણ હંમેશા ખુલી જ હોય છે. જ્યાં નાસ્તા માટે લોકોની ભીડ જામેલી જોવા મળતી રહે છે. આ શહેરમાં કોઈની પણ પાસે ફ્ર્રી ટાઇમ નથી. દરેક પોતાનાં રોજીંદા કામમાં વ્યસ્ત રહે છે. આ શહેર એટલું ઝડપથી વિકસી રહયું છે કે બીજા અન્ય તાલુકા અને જિલ્લાઓમાંથી લોકો અહિ નોકરી ધંધા માટે આવે છે. હવે આટલું મોટું શહેર રોજ એકબીજાની હરીફાઈમાં દોડતું રહે છે. પરંતુ આ બધું જેટલું જોવામાં લાગે છે એટલું કઈ સરળ નથી. હવે જ્યાં એકસાથે આટલો મોટો માણસોનો સમૂહ રહેતો હોય. ત્યાં હંમેશા શાંતિ જ રહે એવું તો કઈ બને જ નહિ. આખરે માણસ જો રહ્યો. અમદાવાદની પડદા પાછળની જો કહાની જોઈએ તો અહિયાં અમુક વિસ્તારમાં વાત વાતમાં મારામારી, તોડફોડ અને ઝઘડા શરૂ થઇ જાય છે. રસ્તાઓ પર રોજ કેટકેટલાય અકસ્માતો થાય છે. તો ક્યાંક રાતના અંધકારમાં ચોરી, મર્ડર કે બળાત્કાર જેવા ગંભીર ગુના પણ થાય છે. અને બસ એજ ગુનાહિત પ્રવૃતિને અટકાવવાં અમે ૨૪ કલાક ડયુટી કરીએ છીએ. જેથી આ સુંદર શહેરમાં શાંતિમય વાતાવરણ બન્યું રહે. પણ કોઈ જાણે તેમ છતાં પણ અમુકવાર આ હેરિટેજ શહેરને કોઈની નજર લાગી જાય છે. તેમ છતાં પણ અમે હંમેશા કોઈ પણ પરિસ્થિતિ સામે લાડવા તૈયાર રહીએ છીએ. જેથી અહીના દરેક લોકો સુરક્ષીત રહી શકે. અમે તો અમારું બેસ્ટ આપીએ બાકી તો બધું ઈશ્વરનાં હાથમાં છે.
થોડીવારમાં અમારી આજની ફરજનું સ્ટેશન પણ આવી ગયું. મારી અને દેવિકાની આજે અહિયાં ચાર રસ્તા પર બપોર સુધીની ડયુટી હતી. સ્ટાફની ગાડી અમને અહિયાં છોડી આગળ પેટ્રોલીગ માટે જતી રહી. આ વિસ્તાર આમ તો એકદમ શાંત છે. પરંતુ તેમ છતાં પણ અમારે સુરક્ષાનાં ભાગ રૂપે અહિયાં હાજર રહેવું જોઈએ. એ પણ એકદમ રસ્તાની બાજુમાં એકદમ ખડે પગે, અને નજર હંમેશા આજુબાજુનું નિરીક્ષણ કરતી રહે છે. અમારા માટે આ કઈ નવું નથી. આ અમારી રોજની ફરજનો જ એક મહત્વનો ભાગ છે. આવી ભૂમિકા તો અમે રોજ ભજવતા હોઈએ. રસ્તા પર ઉભા રહેવાનું મૂળ કારણ તો એ કે હાલ ઘણા લોકો પોતાનાં અને બીજાના જીવના ઝોખમે ગાડી એકદમ ફૂલ જડપથી ચલાવતાં હોય છે. જેના કારણે ગંભીર અકસ્માત થાય છે. તો ઘણીવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોય છે. હવે આવું કઈ ન બને એ માટે અમારે એકદમ ખડે પગે પોતાની ફરજ નિભાવવાની હોય છે. તો એ સિવાયના પણ ઘણા બનાવો બનતાં હોય છે. જે ન બને તેવી અમારી પૂરી કોશિશ હોય છે. દરેક લોકો પોતાના રોજીંદા કામમાં આમતેમ જઈ રહયા હતાં. તો ઉપરથી સુરજ દાદા પણ પોતાનો ભરપુર તાપ ધરતી ઉપર પાથરી રહયા હતાં. જેની ગંભીર અસર દરેક જીવને થઇ રહી હતી. બાઈક ચલાવતાં લોકોના ચહેરા કપડાંથી ઢંકાયેલા જોવા મળતાં હતાં. તો પગપાળા ચાલીને જતાં માથા ઉપર રૂમાલ અથવા ઓઢણી ઓઢીને તડકાનાં તાપથી બચવાની કોશિશ કરતાં. તો આજુબાજુમાં કુતરા અને ગાય જેવા મૂંગા જીવો બિચારા કોઈ ઝાડના છાયડે જઈને ઉભા રહી ગયેલાં. અત્યારે હજી બપોરના ૧૨ પણ વાગ્યાં ન હતાં. તેમ છતાં પણ આટલી બધી ગરમી અને આકાશમાંથી પડી રહેલો તાપ શરીરને ખુબ જ કષ્ટ આપી રહ્યો હતો. આ બધું જોઇને લાગતું હતું કે આજે નક્કી અમદાવાદમાં તાપમાનનો રેકોર્ડ તૂટશે. આટલી હદ બહાર વધી રહેલા તાપ પાછળ કોણ જવાબદાર .. ? જેની આમ તો દરેકને ખબર જ છે. પરંતુ તેમ છતાં પણ બસ બધા ચુપ રહેવામાં જ માને છે. અને એટલે જ તો આ બધું ભોગવી રહયાં છે. જેની અસર દિનપ્રતિદિન વધી જ રહી છે.
બધાની સાથે હું અને દેવિકા પણ સંપૂર્ણ રીતે આ તાપથી પીડાય રહયા હતાં. હવે સતત આમ જ ધગધગતા તડકામાં ઉભા રહીએ તો બીજું શું થાય.. ? દેવિકાની તો કઈ ખબર નહિ પણ રોજ કરતાં આજે મારી તબિયત આ તાપમાનથી બગડી રહી હતી. તેમ છતાં પણ હું મક્કમ બની પોતાની ફરજ બજાવવા તૈયાર હતી. બસ હવે એક - દોઢ કલાક સુધીની ડયુટી બાકી રહી હતી. ત્યાર પછી બપોરનું જમીને સાંજે આવવાનું હતું. અને આ સ્થળે અમારી જગ્યાએ બીજા કોઈ સ્ટાફમાંથી ડયુટી કરવાં આવી જશે. અત્યાર સુધીમાં બે થી ચાર વખત પાણી પી લીધું હતું. પરંતુ તેમ છતાં પણ ગળું વારંવાર સુકાઈ રહ્યું હતું. આ બધી જ તડકાની અસર હતી. અત્યારે મારું મન ઘણું બધું ઠંડુ ખાવા-પીવા માટે લલચાઈ રહ્યું હતું. પણ એ અત્યારે તો શક્ય ન હતું. મારી સાથે દેવિકા પણ ક્યારની આઘા પાછી થતી આ લૂં થી કંટાળી ગઈ હતી. પરંતુ એ પણ અત્યારે તો મજબુર જ હતી. રસ્તા ઉપર દોડી રહેલાં વાહનો જે કાળો ધુમાડો હવામાં છોડતાં, એ તો વાતાવરણને અતિગરમ કરવામાં મદદ રૂપ થઇ રહયા હતાં. આમ જ સતત વધી રહેલા તાપથી હવે હું તો એકદમ થાકવા લાગી હતી. આખરે ખાખી પહેરનારમાં પણ જીવ તો હોય જ છે. પરંતુ તેમ છતાં એ પોતાની ફરજ નિભાવે છે. આવી હાલત ફક્ત મારી જ નહિ. દરેક ખાખી ધારણ કરનારની થતી હશે.
આટલા તાપમાં હવે સતત કેટલા કલાકથી ઉભા હતાં. એટલે શરીરને તો થાક લાગવાનો જ છે. અને આખરે મેં થોડીવાર આટલાં તડકામાંથી બાજુમાં છાયડે ઉભાં રહેવાનું નક્કી કર્યું. જે હું દેવિકાને કહેવા જ જઈ રહી હતી. બસ ત્યાં જ તેને પણ મને એજ વાત કહી દીધી. કે “ ચાલો દીદી થોડીવાર રસ્તાની બાજુનાં છાંયડે ઉભા રહીએ. અહિયાં હવે નથી ઉભા રહી શકાય એવું... “ રસ્તાની બાજુમાં જ એક મોટું ગુલમ્હોરનું ઝાડ હતું ત્યાં જઈને ઉભા રહયા તો મન અને શરીરને એકદમ શાંતિ થઇ. પણ અહિયાં કોને ખબર હતી કે આ શાંતિ બહું લાંબો સમય નથી ટકવાની.. અમે બંને તો અહિયાં ઉભા રહીને પણ પોતાની ફરજ નિભાવી રહયા હતાં. બસ ત્યાં જ એક બહેન ત્યાંથી પસાર થયા. જેની નજર અમારી બંને પર સ્થિર થઇ અને અમને સંબોધીને કઈંક આવું બોલ્યા. “ અહિયાં શું એકદમ નવરાં નવરાં ઉભા છો.. કઈંક કામ કરો કામ .. “ બસ અમે હજી વધારે કઈ પણ સમજી એ પહેલાં તો એ રિક્ષામાં બેસીને જતાં રહયા. અને હું દેવિકા સામે અને દેવિકા મારી સામે જોઈ રહી. થોડીવાર તો આટલું સાંભળીને ખુબ જ દુઃખ અને ગુસ્સો પણ આવ્યો. વળી અમે શું કામ કરીએ છીએ એ પણ તે બહેનને કહેવાનું મન થયું. પણ એ ત્યાંથી જતાં રહયા હતાં. એટલે ગુસ્સે થવાનો કશો ફાયદો ન હતો. પણ મારા ચહેરાં નો રંગ જરૂર બદલાય ગયો હતો. કારણ કે એ અમારું કામ ખુબ સારી રીતે જાણે છે તેમ છતાં પણ એ આવું કહે તો શું થાય ? મને જોઇને દેવિકા બોલી ઉઠી. “ દીદી આવું છે આપડી ખાખીનું .. કોને ખબર અમુક લોકો આપણા વિશે શું વિચારીને બેઠાં છે. આપડે સમાજની સેવા, સુરક્ષા કરવાં ઈચ્છીએ છીએ. રાત દિવસ ખડે પગે દોડાદોડી કરીએ છીએ. જેથી બધા શાંતિથી રહી શકે. પણ જુવો અત્યારે એજ સમાજના અમુક લોકો આપણી ઉપર આંગળી ઉઠાવે છે. કે કઈંક કામ કરો કામ .... આપડે અહિયાં પોતાનું કામ નથી કરતાં તો બીજું શું કરીએ છીએ ... શું સમાજની સેવા કરવાનું આપણને આ પરિણામ મળી રહ્યું છે “ ? દેવિકા આ બધું જ મને કહી રહી હતી. અને હું બસ ચુપચાપ તેની બધી જ વાત સાંભળી રહી હતી. મનમાં તો ઘણું બધું આવી રહ્યું હતું. પણ હું એકદમ ચુપ રહી. થોડીવાર પછી એ પણ એકદમ ચુપ થઈને મારી જેમ ઉભી રહી ગઈ. પણ હવે મારાથી અહિયાં ઉભું ન રહેવાયું એટલે હું ફરીથી રસ્તાની બાજુમાં જઈને ઉભી રહી ગઈ. જ્યાં હું સવારથી ઉભી હતી. અને મારી પાછળ પાછળ દેવિકાએ પણ એજ કર્યું. મારા મનમાં સતત એ શબ્દો ગુંજી રહયા હતાં. ખરેખર આ કેટલું યોગ્ય છે ? જેવાં અનેક સવાલો અત્યારે મારા મનમાં ટળવળી રહયા છે. સુરજ એકદમ અમારી ઉપર આવીને સ્થિર થઇ ગયેલો હતો. બંને કાનમાં વાહનોનાં કર્કશ ભર્યા હોર્નનાં અવાજ સંભળાય રહયા હતાં. ચહેરા પર ધૂળ અને ગરમ લૂં સ્પર્શ કરતાં હતાં. ધીમે ધીમે મગજ ચારેબાજુ ભમવા લાગ્યું. શ્વાસ એકદમથી રૂંધાવા લાગ્યો. આંખો હળવે હળવે બંધ થવા લાગી. અત્યારે શું થઇ રહ્યું હતું એ કઈ પણ સમજવા હું ખુદ જ તૈયાર ન હતી. અને બસ ત્યાં જ અચાનક મારા બંને પગે મારા શરીરનો ભાર ઉછકવાનું છોડી દીધું. બસ પછી હું સ્વતંત્ર રીતે ધરતી પર ઢળી પડી. શું થયું કોને ખબર .. ? કેમ થયું કોને ખબર .. ? ક્યારે થયું કોને ખબર .. ? બસ આંખો ખોલી તો દેવિકાના ખોળામાં હતી
.....................................................................................................................................................................................................................................................................................................................

આટલું સવારથી અત્યાર સુધીનું પુનરાવર્તન કરતાં હાથથી પાણીની બોટલ પણ છૂટી ગઈ. અને એ જોઇને બાજુમાં બેઠેલી દેવિકાએ મારાં ખંભે હાથ રાખી દીધો. અને બીજા હાથે તેને બોટલ ઉચકીને ફરીથી મારા હાથમાં મૂકી. ત્યારે મારું બધું જ ધ્યાન મારા બીજા હાથમાં રહેલા ગુલમ્હોરનાં ફૂલ ઉપર હતું. જે અત્યારે મારા ચહેરાની જેમ એકદમ કરમાઈ ગયું હતું. તો મનને પણ હજી કઈ શાંતિ મળી ન હતી. કારણ કે હાલ દુઃખ તો એ વાત વિચારીને થઇ રહ્યું હતું કે મને ચક્કર આવ્યાં ને હું નીચે ઢળી પડી. ત્યાર પછી દેવિકાએ મને સંભાળી. પરંતુ અમારી આસપાસ આટલા બધા લોકો ઉભા હતાં. એમાંથી કેમ કોઈ પણ અમારી મદદ કરવાં ન આવ્યું ? દેવિકા પાણી માટે બધાને વિનંતી કરી રહી હતી તેમ છતાં પણ અમને ઘેરીને ઉભેલા લોકોમાંથી કોઈએ પણ અમને પાણી ન લઇ આપ્યું. કે પછી ન કોઈએ ખોટું તો ખોટું આશ્વાસન આપ્યું. બસ બધા જ કોઈ ખંડિત મૂર્તિની જેમ અમારી દશા જોઈ રહયા. અને ઓછું હોય એમ ઉપરથી પાછું ઘણું બધું સંભળાવ્યું. શું ફક્ત અમારે જ સમાજની મદદ કરવાની .. ? અને બદલામાં અમારે તેની પાસેથી કઈ પણ અપેક્ષા નહિ રાખવાની .. ? અમે પણ આ જ સમાજનો એક મહત્વનો ભાગ છીએ તો કેમ લોકો અમને સહયોગ આપવાને બદલે નજર અંદાજ કરીને અમારા વિશે કર્કશ ભર્યું બોલે છે. અને તેની સલામતી અને સુરક્ષા માટે હંમેશા તત્પર રહીએ છીએ. પણ જયારે અમારી સલામતીની વાત આવે ત્યારે કેમ બધા ટોળું વળીને ચુપચાપ તમાશો જોઈ રહે છે. કેમ કોઈ અમારી મદદ માટે હાથ નથી લંબાવતું ? અમારા જીવના જોખમે અમે કોઈ પણ પરિસ્થિતિમાં પહોચી વળવા તૈયાર રહીએ. ક્યારેક અમને પણ પૂછો કે અમારે અઠવાડિયામાં ક્યારે રજા હોય છે ? ક્યારે અમે તમારી બધાની જેમ અમારા પણ પરિવાર સાથે તહેવાર ઉજવીએ છીએ ? અમારા માટે શું રાત કે પછી શું દિવસ .. ? જે કરીએ છીએ એ બધું જ આ દેશ, સમાજ અને ખાખી માટે કરીએ છીએ. પણ અફસોસ અહિયાં ક્યાં કોઈને અમારી વાત કે વેદના સમજાય છે. ફક્ત અહિયાં તો અમને નજર અંદાજ કરીને ચાલ્યા જાય છે. શું ખરેખર આ જ આપણો સમાજ છે કે જેની અમે સેવા અને સુરક્ષા કરીએ. તો બદલામાં અમારી જ મદદ કરવાથી દુર ભાગે છે. આવા અનેક સવાલો મારા મનમાં થઇ રહયા હતાં. પણ એ બધાં નો કશો જ ફાયદો ન હતો. જે હું બરાબર રીતે જાણતી હતી.
આ બધા વિચારોથી હજી પણ માથું દુખી રહયું હતું. એટલે આખરે દેવિકાની વાત માની ઠંડા પાણીથી ચહેરાને ઠંડક આપી. એ ક્યારની કહી રહી હતી પણ હું જ ઊંડા વિચારોમાં ગુંચવાયેલી હતી. ઠંડા પાણીથી ચહેરાને ઘણી રાહત મળી. પણ મનને આટલી સરળતાથી રાહત મળે તેમ ન હતી. પરંતુ હું કરું પણ શું .. ? ફક્ત સવાલ સિવાય મારી પાસે બીજું કઈ પણ ન હતું. જેથી હવે મનને એકદમ શાંત કરવાની કોશિશ કરવાં લાગી હતી. અને બસ થોડી જ વારમાં ત્યાં અમારા સ્ટાફની ગાડી આવી ગઈ. જે જોઇને મારી કરતાં વધારે દેવિકાને ખુશી થઇ. કારણ કે તેને મારી ચિંતા થઇ રહી હતી. ગાડી આવતાં દેવિકાએ મારો હાથ પકડી મને ઉભી કરી. અને ધીમે ધીમે ગાડી તરફ ચાલવામાં મદદ કરી. જે જોઇને અમારાં સ્ટાફનાં સર તરત જ ગાડીમાંથી નીચે ઊતર્યા અને પુછવા લાગ્યાં. “ શું થયું બેન ને .. “ ? હું બોલવા જઈ જ રહી હતી પણ એ પહેલાં દેવિકા બોલી ઉઠી. “ તડકાનાં કારણે ચક્કર આવી ગયા હતાં. “ એ સાંભળીને સરે પણ ચિંતા વ્યક્ત કરી. અને દવાખાને જવાની વાત કરી. પણ હું એકદમ ઠીક છું એમ કહીને મેં નાં પડાવી. એટલે વધારે કઈ સર બોલ્યા નહિ. અને ધીમેથી ગાડીમાં બેસી પોતાના પોલીસ સ્ટેશન તરફ જવા રવાના થયાં. ગાડીના ખુલ્લા કાચ માંથી આવી રહેલી લૂં પણ મને અમુક અંશે સારી લાગી રહી હતી. કારણ કે એ આ સમાજના અમુક ઝખ્મો કરતાં તો સારી જ હતી. મનને ઘણું શાંત રાખવાની કોશિશ કરી રહી હતી. પરંતુ તેમ છતાં પણ બધું અંદર જ ઘૂંટાય રહ્યું હતું. સમજાતું ન હતું કે મને અત્યારે શું થઇ રહ્યું છે. ગુસ્સો આવી રહ્યો છે કે પછી દુઃખ થઇ રહયું છે. પણ જે કઈ પણ થઇ રહ્યું હતું એ બહું જ ખોટું થઇ રહ્યું હતું. આ ફક્ત મારી એક સાથે જ નહિ. પરંતુ આપણી શાન એવી ખાખી સાથે થઇ રહયું હતું. જેનું મને ખુબ જ વધારે દુઃખ લાગી રહ્યું હતું.
પોલીસ સ્ટેશન પહોચતાની સાથે સરે દેવિકાને મારા રૂમ સુધી મને મુકવા જવાનું કહયું. પણ મેં નાં કહી અને હું જાતે જ જતી રહીશ. મને હવે સારું જ છે. પરંતુ દેવિકા મને ક્યાં એકલી જવા દે એમ હતી. એને તો મનોમન મને રૂમે સહીસલામત પહોચાડવાની જવાબદારી લઇ લીધી હતી. તેથી વધારે તેને નાં કહેવાનો કઈ ફાયદો પણ ન હતો. પોલીસ સ્ટેશનથી સીધા બસ સ્ટોપ ઉપર અને થોડીવારમાં ત્યાં થી પણ બસ મળી ગઈ. એટલે હવે રૂમ કઈ વધારે દુર ન હતો. થોડી ટ્રાફિક વધારે હતી એટલે બસ ધીમી ચાલી રહી હતી. તેમ છતાં પણ વહેલા-મોડા આખરે મારાં રોજ સવારના સ્ટેશને પહોચી ગયા. અહિયાથી રૂમ સામે જ હતો એટલે હું હવે જાતે એકલી જઈ શકીશ. તો એ અહિયાથી જ પછી બસમાં બેસી જાય. એમ દેવિકાને કહ્યું પણ આપણી વાત સમજે કોણ ? એ તો અત્યારે પણ મારો હાથ પકડીને ચાલી રહી હતી. હવે હું એટલી બધી પણ કઈ કમજોર નથી. પણ ત્યારે તડકો જ એટલો હતો કે શરીર તેનો વધારે સામનો ન કરી શક્યું. પરંતુ હવે એકદમ ઠીક છે બધું જ ... અત્યારે રૂમ સુધી પહોચવાનાં પગથિયા પણ મને ખુબ ધીમે ધીમે ચડાવી રહી હતી. હાલ તો રૂમ પર કદાચ કોઈ જ નહિ હોય. બધા જ પોતાની ડયુટી કરવાં જતાં રહયા હશે. એટલે રૂમની એક ચાવી મારી પાસે પણ હોય જ .. દેવિકાના પગ આખરે દરવાજે આવીને અટક્યા હતાં. મેં તેને ઘણું કહ્યું કે અત્યારે મારી સાથે જમીને જ જે.. પરંતુ એ એક ની બે ન થઇ અને પોતાની વાત ઉપર અડગ રહેતી બોલી કે “ મારા રૂમે પણ તૈયાર જ હશે દીદી બસ તમે અત્યારે જમી લ્યો અને બીજું કઈ કામ હોય તો જરૂર કહેજો. હવે હું રજા લઉં “ એમ કહીને તે તેના પગથિયા તરફ અને હું મારા રૂમનો દરવાજો ખોલીને અંદર ગઈ.
રૂમ એકદમ વ્યવસ્થિત હતો. રસોડામાં મારી રસોઈ પણ તૈયાર જ હતી. એટલે સર્વ પ્રથમ તો પહેલાં ફ્રેશ થઈને થોડીવાર આરામ કર્યા પછી પેટ ભરીને જમવું હતું. પરંતુ એ પહેલાં મેં બારી બહાર એક પાણીનું કુંડુ લગાવેલું હતું. જ્યાં દિવસ દરમિયાન કેટલાંય કબુતરો પાણી પીવા માટે આવતાં હોય છે. જેથી પીવાનું ઠંડુ પાણી લઈને તે કુંડુ ભરી દીધું. અને ત્યારબાદ ફ્રેશ થવા માટે જતી રહી. રસોડામાં મારા ભાગની રસોઈ તૈયાર જ હતી. જે હમણાં જ બનાવીને બીજી બહેનો બપોર પછીની ડયુટી માટે ગઈ હતી. જે હવે છેક સાંજે આવશે. અને ત્યાં સુધીમાં હું જમીને થોડું નાનું મોટું કામ પૂર્ણ કરીને. એકદમ શાંતિથી છેક સાંજ સુધી આરામ કરીશ. કારણ કે પાછું રાત્રે ૯ વાગ્યે પણ ડયુટીમાં જવાનું હતું. જે આખી રાતની ડયુટી હતી. માટે અત્યારે આરામ કરવો એકદમ જરૂરી બને છે. જો કે સરે તો મને નાં કહી હતી કે જો તબિયત સારી ન હોય તો આરામ કરજો. પણ મેં જ નાં કહી હતી. પણ એક સવાલ અત્યારે મને ઘણો જ મુજવણમાં મુકતો હતો. કે આજે મને કેમ ચક્કર આવ્યાં ? કારણ કે અગાઉ આવું ક્યારેય નથી બન્યું. આજે પહેલીવાર હું ચક્કર આવવાથી નીચે ઢળી પડી હતી. પરંતુ કેમ ? આવું તો ક્યારેય ટ્રેનીગમાં પણ બન્યું ન હતું. તો પછી આજે કેમ આવું બન્યું ? પરંતુ આ સવાલનો જવાબ શોધતાં શોધતાં મને નીંદર ક્યારે આવી ગઈ એ પણ ખબર ન રહી.
જયારે જાગી ત્યારે સાંજના ૫ વાગી ગયા હતાં. એટલે હવે વધારે આરામ કરવાની ઈચ્છા પણ ન હતી. તેથી ઉઠીને ફ્રેશ થઇ થોડું રૂમનું કામ કર્યું. બસ ત્યાં જ રૂમની બે બહેનો પોતાની ડ્યુટી પૂરી કરીને આવી ગઈ હતી. એ પણ ફ્રેશ થઇ અને અમે બધાએ આજે રાત્રે બહાર જ જમવા જવાનું નક્કી કર્યું. એ બંને ને તો રાત્રે જવાનું ન હતું ડયુટીમાં... કારણ કે તેને કાલે સવારની ડયુટી હતી. જયારે મારે આખી રાતની ડયુટી પૂરી કર્યા પછી કાલ આખો દિવસ આરામ માટેનો હતો. એટલે મેં અત્યારે જ વર્દી પહેરી લીધી હતી. જેથી જમીને ત્યાંથી સીધી પોલીસ સ્ટેશન જઈ શકું. હવે વધારે મોડું કરાય તેમ ન હતું. માટે અમે ત્રણેય જડપથી બસ સ્ટોપ પર પહોચ્યા અને ત્યાંથી એક સારી હોટેલ પર જમવા જવાનું હતું. એટલે એ તરફ જતી બસની અમે રાહ જોવા લાગ્યાં. અત્યારે બસ સ્ટોપ પર ઘણા બધા લોકો અલગ અલગ બસની રાહ જોઇને બેઠાં હતાં. અને એ બધાની સાથે અમે ત્રણેય પણ એક બીજાની સાથે વાતો કરતી બસની રાહ જોઈ રહયું હતું. અને બસ ત્યાં જ અમારી બાજુમાં કોઈ અમારી વાતો કરતું હોય તેવું લાગ્યું. અમે બધાએ એ તરફ નજર ફેરવીને જોયું તો ત્યાં બે કાકા ઉભાં હતાં. જે બંને એકબીજા સાથે વાતો કરતાં હતાં પણ તેની વાતો અમને સંભળાવવા થઇ રહી હોય એમ અમને લાગ્યું.
એક હાથમાં થેલી વાળા કાકા બોલ્યા. “ આ વખતે સરકારે લેડીસની ભરતી બોવ મોટી કરી કા “ ? આ સાંભળી તરત જ મોટી મોટી લાલ દાઢી વાળા કાકા તેના જવાબમાં બોલ્યા. “ હા, પણ લેડીસની શું જરૂર છે આટલી બધી.. ? છોકરાંઓને લ્યો ને તે બધાં બેકાર છે એટલે .. “ આવું ઘણું બધું બોલી રહયા હતાં. અને એ બધી જ વાતો અમે ત્રણેય કાન દઈને સાંભળી રહયા હતાં. આજે કોને ખબર શું થઇ રહ્યું હતું. બપોરથી આવું જ કઈંક સાંભળી સાંભળીને હવે બોલ્યા વિના રહેવાતું ન હતું. મેં બે થી ત્રણ વાર કોશિશ કરી બોલવાની પણ શરૂઆત કરું એ પહેલાં આ બંને બહેનો મને અટકાવી દેતી. પણ હવે મારાથી ચુપ રહેવાય તેમ ન હતું. એટલે પછી બોલી જ ઉઠી. “ હા, એકદમ સાચી વાત કરી કાકા તમે .. જેને જરૂર છે એને જ લેવા જોઈએ ને .. “ ? તો મારી વાત સાંભળી એ પણ ઉતાવળા બની બોલ્યા “ કા સાચી વાત ને “ ? આટલું સાંભળી હું એકદમ તેની તરફ વળી ગઈ. અને થોડાં કટાક્ષ સાથે મેં હા પાડી તો એ હજી આગળ બોલ્યા. “ લેડીસ ડયુટી કરશે તો ઘરના કામ કોણ કરશે “ ? તેને આ વાક્ય જેવું પૂરું કર્યું એ સાથે મેં પણ જવાબ આપી જ દીધો. “ કાકા લેડીસ ખાલી ઘરનું કામ કરવાં જ નથી હો .. “ મારી વાતનો ભાવાર્થ એ સમજી ગયા હોય તેમ “ હું એમ નથી કહેવા માંગતો.. “ તો મેં પણ ખુલ્લા અવાજે કહયું “ પણ જુવો તમારો કહેવાનો મતલબ તો એ જ હતો ને “ મારી વાત સાંભળી એ બંને કાકા એકદમ ચુપ થઇ ગયા.પણ હું બોલતાં ન અટકી.. “ કાકા તમારે દીકરી છે “ ? તો તે કહે “ નાં..” બસ પછી તો ક્યાં કઈ સવાલ જ ઉભો થતો હતો. “ તો પછી તમે કાકા નહિ સમજી શકો. “ મારી વાત સાંભળી બંને એકદમ ચુપ થઇ ગયા. કદાચ તેને તેની ભૂલ સમજાણી હોય. એ બંનેની નજર નીચી જોઇને હું પછી વધારે કઈ બોલી નહિ. અને એજ સમયે તેની બસ આવી ગઈ. તો બંને કાકા એકદમ ચુપચાપ બસમાં ચડી ગયા. અને આજુબાજુમાં ઉભેલાં લોકો મારી તરફ નીરખીને જોઈ રહયા. તો મારી સાથે રહેલી બંને બહેનોએ પણ મારી સામે સ્માઈલ કરી.
થોડીવાર પછી અમારી બસ પણ આવી ગઈ. એટલે ત્યાંથી સીધા હોટેલનાં રસ્તે ... શરૂ બસમાં અત્યારે આજના દિવસની મારી સાથે બનેલી ઘટનાઓ હું મારી બંને મિત્રને કહી રહી હતી. મારી વાત સાંભળીને એ પણ તેની સાથે બનેલા અમુક કિસ્સાઓ મને પણ સંભળાવી રહી હતી. પણ તેને ગમ્યું જે હું હમણાં બોલી એ. પણ શું સમાજમાં દીકરીને કશું જ કરવાનો હક નથી ? શાં માટે લોકો દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રાખે છે એજ નથી સમજાતું. દિકરો જેટલે સુધી ભણે ત્યાં સુધી ઘરેથી છૂટ હોય છે. જયારે દીકરીને ... ? વધી વધીને અત્યારે પ્રાથમિક પૂરું કરાવે છે. અથવા તો ૧૨ ધોરણ સુધી ભણાવી પછી ઘરેથી મનાઈ ફરમાવી દેવાઈ છે. પરંતુ આવું શા માટે ? શું વાંક છે એક દીકરીનો ? કે પછી પોતે એક દીકરી બનીને જન્મી એ વાંક છે તેનો ? લોકોની માનસિકતા જ એવી બંધાય ગઈ છે કે તેની આંખો સાચું જોઈ નથી શકતી. બસ એકબીજાનું આંધળું અનુકરણ કરે છે. અને પોતાની દીકરી સાથે જ અન્યાય કરી પોતે જ ઘોર પાપના ભાગીદાર બને છે.
અમે અમારી નક્કી કરેલી હોટલે પહોચી ગયા હતાં. જ્યાં જમવાનું એકદમ બેસ્ટ હતું. પરંતુ તેમ છતાં ઘરનું જમવાનું તો યાદ આવી જ જાય. જમતા જમતા અલગ અલગ વાતો શરૂ રહી. તેમજ જમવાના ફોટોગ્રાફ્સ ઘરે મોકલાવ્યા. અને ૩૦ મીનીટમાં એકદમ શાંતિથી જમીને બીલ પે કરી. કઈંક ઠંડુ પીવાની ઈચ્છા થતાં અમે રસ્તાની બાજુમાં ચાલ્યા જતાં હતાં. કારણ કે અહિયાં આજુબાજુમાં તો ક્યાંય ઠંડુ ઉપલબ્ધ ન હતું. એ માટે થોડું આગળ ચાલીને જવું પડે તેમ હતું. તો આગળ પહોચતાં એક સર્કલ આવ્યું. જ્યાં અત્યારે થોડી વધારે ટ્રાફિક લાગી રહી હતી. એટલે અમે પણ થોડીવાર બાજુમાં જ ઉભા રહી ગયાં. જેથી અમારી બાજુનાં વાહનો પસાર થઇ જાય. અત્યારે વાહનોની લાઈન ખુબ જ લાંબી હોવાથી બધાં જ એકદમ ધીમે ધીમે આગળ વધી રહયા હતાં. મારું ધ્યાન અત્યારે આકાશ ઉપર હતું. અને વિચારતી હતી કે આખો દિવસ ઉપર નજર ન નાખી શકાય, તેવો તપતો તડકો અને અત્યારે સમગ્ર આકાશમાં ચંદ્રની શીતળ રોશની ફેલાયેલી. જે અત્યારે આંખોને મોહિત કરી રહી હતી. એ જોઇને આખા દિવસનો થાક ઉતરી જાય. જાણે એક નવા જ જીવનની શરૂઆત થઇ હોય તેવું લાગે. હું અત્યારે સંપૂર્ણ પણે આકાશમાં ખોવાય ગઈ હતી. અને બસ ત્યાં જ અચાનક બંને બહેનોએ મને ટકોર કરીને સામે રસ્તા ઉપરની એક વી.આઈ.પી. કાર જોવાનું કહયું. મેં તેના કહેવાથી જોયું પણ હું કઈ સમજી શકી નહિ. કે શાં માટે આ બંને મને ત્યાં જોવાનું કહે છે.
હવે એ કોઈ નવી કાર તો હતી નહિ કે જે હમણાં જ બજારમાં આવી હોય. પરંતુ જોયાંમાં હતી તો નવા જેવી જ ... હવે મને કઈ સમજાણું નહિ, એટલે મેં આ બંને સામે જોયું તો તેને ફરીથી એ કાર સામું જોવાનું કહ્યું. પરંતુ આ વખતે હું થોડું નીરખીને જોવા લાગી ગઈ. અને બસ ૧૦ જ સેકેન્ડમાં બધી હકીકત મારી આંખ સામે આવી ગઈ. અત્યારે હું જે કઈ પણ જોઈ રહી હતી. એ મારી કલ્પનાથી પણ વિશેષ હતું. તેને જોઇને મારી બંને આંખોમાં ભીનાશ આવી ગઈ. અને પોતાએ પહેરેલ ખાખી ઉપર ઔર ગર્વ થવા લાગ્યો. અને કેમ ન થાય. જયારે કોઈ ૫-૬ વર્ષનો નાનો છોકરો એક કારમાં બેઠો બેઠો આ ખાખી વર્દીને હાથ ઉચો કરી સલામ કરતો હોય. તો આથી વિશેષ બીજું શું બની શકે. હા અત્યારે રસ્તા ઉપર ઉભેલી એક કારમાં અંદાજે ૫-૬ વર્ષનો એક નાનો છોકરો હતો. જેની સતત નજર મારી ખાખી વર્દીમાં પરોવાયેલી હતી. અને મને જોઇને એ વારંવાર તેના એક નાજુક હાથે સલામી આપી રહ્યો હતો. આ અદભૂત દ્રશ્ય જોઇને હું તો ખુબ ખુબ આનંદમાં આવી ગઈ. ફક્ત ૧૦ જ સેકેન્ડ માં આખા દિવસનો થાક ઉતરી ગયો હોય તેવું લાગ્યું. અત્યારે તેની નમણી આંખોમાં ખાખી પ્રત્યેનો પ્રેમ જોઇને હું ખુબ ખુશ થઇ રહી હતી. અત્યારે મારી નજર પણ સતત તેને જ જોઈ રહી હતી. પણ આ અદભૂત દ્રશ્ય બહું લાંબો સમય ચાલે તેમ ન હતું. કારણ કે હવે ટ્રાફિક ધીમે ધીમે ઓછું થઇ રહ્યું હતું. તો આ કાર પણ ધીમે ધીમે આગળ વધી રહી હતી. અને તેની સાથે મારી અને પેલા નાના છોકરાની નજર પણ કારની ચાલ પ્રમાણે ચાલતી હતી.
એ કારનાં કાચની અંદરથી ખાખીને એક સુંદર સ્માઈલ સાથે સલામી આપી રહ્યો હતો. તેનો આ પ્રેમ અત્યારે મારી નજરે જોઇને ખરેખર હું ધન્ય થઇ ગઈ. આજે દિવસ દરમિયાન જે કઈ પણ સારા-કડવા અનુભવો થયા. પણ આ દ્રશ્ય હું મારી જિંદગીભર નહિ ભૂલી શકું. બપોરે ખુબ જ દુઃખ અને ગુસ્સો આવ્યો હતો. તો હમણાં કાકાની વાત સાંભળીને પણ એજ થયું હતું. શું કિંમત છે આ ખાખીની .. ? સમાજ અમને શું ગણે છે ... ? પરંતુ અત્યારે સમજાય છે કે ખરેખર શું કિંમત છે હા ખાખીની .. ! આ દ્રશ્ય જોઇને એટલું તો જરૂર સમજાય ગયું કે અત્યારનો સમાજ બદલે કે ન બદલે પરંતુ આવનારો સમાજ જરૂરથી ખાખીની કદર કરશે. અને બસ એજ સમાજની સુરક્ષા માટે અમે હંમેશા તૈયાર છીએ. તેનું આવનારું ભવિષ્ય ખુબ જ મહત્વનું સાબિત થશે. જેના માટે કઈ પણ કરવાં તૈયાર છીએ. અમે હંમેશા અમારી ફરજ નિભાવીશું. જેથી આ સમાજમાં કાયમી સુખ શાંતિ બની રહે. બસ બદલામાં અમને સમાજનો પણ મહત્વનો સાથ સહકાર જોઈએ છે. જેથી આપણી આન બાન અને શાન એવી આ ખાખીનું હંમેશા ગૌરવ વધતું રહે. આથી વિશેષ અમારે બીજું શું જોઈએ.
મારી આંખો સામેથી અત્યારે તો એ કાર પસાર થઇ ગઈ હતી. પરંતુ એ નાનો છોકરો હજી પણ મારી આંખોમાં સલામી સાથે દેખાઈ રહ્યો હતો. થોડીવાર પછી હું ફરી વર્તમાનમાં આવી અને બંને બહેનો સામું નજર ફેરવી તો એ પણ મારી સામે સલામી સાથે ઉભી હતી. એ જોઇને મારા ચહેરાં પર અનેરી સ્માઈલ આવી ગઈ. અને હું એ બંનેને ભેટી પડી. મારા આજના દિવસનો બધો જ ભાર અત્યારે આ સલામીએ ઉતારી દીધો હતો. જે ખાખી માટે આજે આટલું બધું સાંભળ્યું એ જ ખાખીએ મને ફરીથી ચિંતા મુક્ત કરી કરી દીધી. અને મનોમન વિચાર કરતી હતી કે સમાજના અમુક લોકો ભલે ખાખીને આદર્શ કે સન્માન ન આપે. પરંતુ અમે તો અમારી ફરજ જરૂરથી નિભાવીશું. કારણ કે આ એ ખંભો છે જે ખાખીએ પસંદ કર્યો છે. અને બસ એજ હિંમત સાથે અમે બધા આગળ વધીશું. અને સમાજ માટે સેવા સુરક્ષા અને શાંતિ કાયમ કરીશું. કારણ કે આવનારા સમાજની પણ અમારી જ જવાબદારી છે...... અને ખાસ સમાજમાં બધા લોકો સરખાં નથી હોતા.
અત્યારે ત્રણેયનાં ચહેરા પર એક અનેરું હરખનું હાસ્ય તરી રહ્યું હતું.. અમારા માટે આ એક સન્માન અને ગૌરવનું દ્રશ્ય હતું. જે હંમેશા અમને તાકત અને નવી હિંમત આપે છે. અમે ખાખી ધારણ કરીએ છીએ તેનો અહેસાસ કરાવે છે. અમને અમારી જવાબદારીઓ યાદ અપાવે છે. જેથી અમે અમારી ડયુટી પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. હવે ધીમે ધીમે ફરીથી અમારા પગલાં આગળ વધવા લાગ્યાં. જે ઠંડુ પીવા માટે ઉપડી રહયા હતાં. બસ ત્યાર પછી હું ત્યાં થી સીધી જ પોતાના પોલીસ સ્ટેશન જતી રહીશ. અને ફરીથી પોતાની ખાખીની ફરજ હું આખી રાત નિભાવીશ. આવું રોજ ચાલ્યા જ કરશે. કારણ કે અમે ખાખી પહેરી છે. જે હંમેશા આ દેશ – સમાજ અને મારી સુરક્ષા કરતી રહેશે. સો સલામ આ ખાખીને અને તેથી પણ વધારે આ દરેક ખાખી ધારણ કરનારને ............. જય હિન્દ ... જય ભારત .. .. જય જય ગરવી ગુજરાત ........

* આપનો હદયથી ખુબ ખુબ આભાર *


( ખાખીને ધારણ કરનારી મારી બહેન વનિતાનાં જન્મ દિવસ નિમિત્તે તેના નાના ભાઈ વાઘેલા અરવિંદ “ નલીન” તરફથી સપ્રેમ )