satadhar books and stories free download online pdf in Gujarati

સતાધાર

ટક ટક કરતાં પગથિયાં ચડીને શ્યામ અંધારામાં મોબાઇલની ફ્લેશ લાઇટના આંજવાળાની મદદથી દરવાજા પરનું તાળું ખોલીને સ્ટોપર ખોલી ચૂક્યો હતો. પ્રવેશ કરતાંની સાથેજ અંદરની ટ્યુબલાઇટ ચાલુ કરી. સવારના 5 વાગી રહ્યા હતા. બ્લૂ રંગના સોફા અને પથારી પર ઉતાવળમાં જતાં વેંત મૂકેલી વસ્તુઓનો ઢગડો અસ્ત વ્યસ્ત પડ્યો હતો. ફ્રીજ ખોલી અને શ્યામે તેમાથી એક થમ્સ અપનું ટીન કાઢ્યું. તેને પીતા પીતા વિચારોના વમળમાં ખોવાય ગયો.

શ્યામ રાજકોટની એક ટ્રેડિંગ કંપનીમાં કામ કરી રહ્યો હતો. ઘડિયાળના કાંટા ઉપર જીવન જીવતી કંપનીનો એક મહત્વનો કર્મચારી હોવાને લીધે વર્ક લોડ બહુ રહેતો. પાછો ડબલ શિફ્ટ કરવાવાળો એટ્લે દિવસના ભારતના કોલ્સ એટેન્ડ કરતો અને રાત્રે વિદેશના. જેને કારણે તે થાકીને લોથપોથ થઈ જતો. આજે તો વર્કલોડ એટલો બધો હતો કે 3 વાગ્યાને બદલે 5 વાગી ગયા હતા. ત્રણેક વર્ષ પહેલાજ એકની એક માતાના અવસાન બાદ શ્યામ પોતાના ગામને છોડીને રાજકોટ આ કંપનીમાં દિલ અને જીવ લગાવીને કામ કરી રહ્યો હતો. શું દિવસ શું રાત ? શું દિવાળી શું દશેરા ? શું શિયાળો શું ઉનાળો ? આ બધુ ભૂલીને શ્યામ આ કંપનીમાં પોતાના ત્રણ વર્ષ હોમી ચૂક્યો હતો. હાથમાં થમ્સ અપનું કેન લઈને પોતાના ઘરના ઝરૂખા પાસે જઈને શ્યામ વિચાર કરી રહ્યો હતો. ત્યાંજ ફોનની રિંગ વાગી. નિકુંજે સ્ક્રીન પર નામ વાંચ્યું જેમાં અંગ્રેજીમાં લખેલ હતું ‘Nikunj office.’ પોતાના કલીગ નિકુંજનો ફોન હતો.

“હા, નિકુંજ બોલ”

“સૂતો નથી યાર પાછું 9 વાગ્યે પહોંચવાનું છે ખબર છે ને ?” નિકુંજે કહ્યું.

“બસ હમણાં સુવાની જ તૈયારીમાં હતો પણ તે શું આ કેવા ફોન કર્યો હતો ?” શ્યામે કહ્યું.

“ના હવે, તારા ગયા પછી બોસે મને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે શ્યામનું કામ ખુબજ ફાઇન છે હવે તેને જનરલ મેનેજરની પોસ્ટમાં બઢતી આપવી છે. મે કીધું પહેલા ગૂડ ન્યૂઝ આપી દઉં ભાઈને પછી સુવા જઉં.”

“ઓહ, થેન્ક યૂ નિકુંજ”

ફોન બાજુ પર મૂક્યા પછી તરત જ નિકુંજે જરૂખામાંથી સૂર્યનું અંજવાળું જોયું. એકીટશે બાજુના ઘરના ચોગાનમાં ઉગાડેલા ઝાડને તે જોવા લાગ્યો. જનરલ મેનેજર બનવાથી તેનો પગાર દોઢો થઈ જશે અને વધુમાં કંપની તરફથી કેટલીય સુવિધાઓ મળે તે તો ગણી પણ ના શકાય. આ ખુશખબર હોવા છતાં શ્યામના ચેહરા પર ખુશીની એક પણ રેખા ઊભરી આવતી ના દેખાઈ. ઊલટાનો ઉદાસ થઈ ગયો. અમુક સ્વપ્નોને કેટલાયે દૂર મૂકી ચૂકેલો 35 વર્ષનો શ્યામ કહી શકાય એવી બધી સુવિધાઓ ધરાવતો હતો. ટૂકમાં પૈસે ટકે અને બધી રીતે સારું હતું. પણ કોઈ મિત્ર, સંબંધી કે સ્નેહી એવું નહોતું જેની પાસે જઈને ખભે માથું રાખીને રડી શકે. એનું કારણ શ્યામનો સ્વભાવ નહીં પણ સમયનો અભાવ હતો. અમુક આઘાતોને જીરવવા તેણે ડબલ શિફ્ટ તો કરી પણ આમાંને આમાં તેને બીજું કઈ પણ કરવાનો સમય જ ના મળ્યો. ક્યારેક પછતાવો પણ થતો પણ કામનું ટેન્શન બધુ ભૂલવી દેતું. પણ આજે તો હદ થઈ હતી. તે અડધી કલાક સુધી આમને આમ ઝરૂખા પાસે ઊભો રહીને બસ તાકી જ રહ્યો હતો. નિરાશાના વાદળો આજે વધુ ઘેરા બની વરસવાની તૈયારીજ કરી રહ્યા હતા. કોઈક ઊંડા દલદલમાં ફસાતો જતો હોય તેવું તેને લાગવા લાગ્યું. પોતાના હાથમાં રહેલ ટીનનો હવામાં જોરદારનો ઘા કર્યો. ઝરૂખામાથી રૂમમાં આવીને દીવાલ પર ટિંગાડેલી પોતાનીજ તસવીર પર એક મુક્કો માર્યો. મોબાઈલ પલંગ પર ફગાવ્યો. દરવાજો ખીજમાં ને ખીજમાં ખોલીને પગથિયાં ઉતારી શ્યામ રસ્તા પર બસ ચાલવાજ લાગ્યો, ચાલવાજ લાગ્યો. સવારનો પહોર અને રાજકોટના રસ્તા પર થતી ભાગદોડ જોતો જોતો તે બસ ચાલ્યો જ જતો હતો. તેવામાં રેલ્વે સ્ટેશન દેખાયું. ટિકિટ કાઉન્ટર પાસે જઈને કહ્યું,
“આગામી કલાકમાં એકેય ટ્રેન ઉપડી રહી છે ?”

“હા, સોમનાથ જવા એક ટ્રેન ઉપડી રહી છે પણ સાસણ જંગલના રસ્તેથી ચાલશે એટ્લે સાંજે મોડી પહોંચાડશે.” સામેથી ટીસીએ જવાબ આપ્યો.

“એક ટિકિટ આપી દો” શ્યામે કહ્યું.

ટિકિટ લઈને શ્યામ ગાડીમાં બેઠો લગભગ ટ્રેન ખાલીજ હતી. પોતાની સીટ પર જઈને બસ સૂઈ જ ગયો. થાકને કારણે 8 કલાક કેમ નીકળી ગઈ ખબર જ ના પડી. સાંજનાં 5 વાગ્યે બહારથી ‘ખારી સિંગ, ખારી સિંગ’ એવા ફેરિયાઓના અવાજને કારણે તે જાગ્યો. સામેની સીટ પર એક ભાઈને જોઈને પૂછ્યું,

“ભાઈ ક્યૂ સ્ટેશન આવ્યું ?”

“ખબર નહીં ભાઈ પણ આગળ પાટામાં થોડી ખરાબી છે એટ્લે ટ્રેન અહી 2 કલાક રોકાશે.

તમારે ક્યાં ઉતરવાનું છે ?”

કઈં જવાબ આપ્યા વગર જ શ્યામ ટ્રેનમાથી ઉતર્યો.

નાનું એવું એક સ્ટેશન અને પીળા રંગના પાટિયા પર લખેલ હતું ‘જાંબુડી’ સ્ટેશનની બાજુમાજ એક ચાની મઢૂલી હતી. ત્યાં જઈ શ્યામે ચા મંગાવી અને પીવાનું શરૂ કર્યું. ત્યાં જ ચા વાળાએ કહ્યું કે ભાઈ તમારે જો સતાધાર જવું હોય તો આ છેલ્લી રિક્ષા છે. ઉપડી ગઈ તો ચાલીને જવું પડશે. શ્યામે પોતાના પર્સમાથી એક 10ની નોટ કાઢીને તે ચા વાળાને આપ્યા તે રિક્ષા વાળા પાસે ગયો. રિક્ષા વાળો કઈ પૂછ્યા વગરજ ચલાવવા લાગ્યો. શ્યામે સતાધાર ક્યારેય જોયું નહોતું. રિક્ષામાથી બહારની તરફ આંબાજળ નદીનો પુલ અને ચારેકોર આટલી બધી હરિયાળી શ્યામે ક્યારેય જોય નહોતી. રિક્ષાવાળો તેની બાજુમાં બેઠેલા એક ભાઈ સાથે વાત કરતો હતો અને આવી બધી હરિયાળી અને પ્રકૃતિની ભવ્યતા જોઈ શ્યામે તે ભાઈની વાતમાં રસ દાખવ્યો.
રિક્ષાવાળો પોતાની ગામઠી ભાષામાં બોલી રહ્યો હતો,
“આ તો ભાઈ શ્રદ્ધાનો વિષય છે, વર્ષો પહેલા આપાગિગાએ નાનું એવું ઝૂપડું બાંધીને આંધળા, કોઢિયાં, ગરીબ, તવંગર બધાની સેવા કરી હતી. આ એની સેવાનો જ પરતાપ સે કે ક્યાં ક્યાંથી માણસો આવે સે, લખલૂટ પૈસા આપે સે, પાડાપીરની કથા કેવા બેસું તો તો હતાધારને બદલે જૂનાણું આવી જાય.”

સતાધાર આવ્યું ને શ્યામ ઉતર્યો. જેવો ઉતર્યો કે તરત જ લાઉડસ્પીકરમાં અવાજ સંભળાયો....

‘બોલો આપા ગિગાની......જય”

બધા લોકોની પાછળ પાછળ મંદિરમાં અંદર પ્રવેશીને આજ શ્યામ 3 વર્ષ પછી કોઈ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યો હતો. શ્યામ મંદિરમાં પહોંચ્યો ત્યાં આરતી શરૂ થવાની તૈયારી થઈ રહી હતી. બધાની સાથે જ કતારમાં તેને જિંદગીમાં ક્યારેય નાં જોયું હોય તેવું મોટું નગારું વગડતાજ ઝાલરો ઝણઝણવા લાગી. એના કંપનો શ્યામના હૃદયને કંપાવવા લાગ્યા. આરતીની દિવ્યતા, મંદિરની ભવ્યતા જોઈને શ્યામનું મન પ્રફુલ્લિત થઈ ચૂક્યું હતું. ખૂબ મન ભરીને દર્શન કર્યા. બહાર નીકળતા અંધારું થઈ ચૂક્યું હતું. હજુ તો ચપ્પલ પહેર્યા ત્યાં જ એક સફેદ રંગનો ખેસ અને માથે સફેલ ફેંટો વાળેલ બાપા બોલતા કઈંક બોલતા હતા તે તરફ શ્યામનું ધ્યાન ગયું. શ્યામે કાન દઈને સાંભળ્યુ તે બોલતા હતા ‘ચાલો હરિહર, હરિહર’ શ્યામને સમજાયું નહીં. તે ચાલતો થયો તરતજ પહેલા બાપા તેની પાસે આવ્યા અને ખુબજ કોમળ સ્વરે શ્યામને પૂછ્યું,
“ભાઈ જમ્યા”

“નાં નાં”

“ચાલો આ તરફ આવતા રહો”

મંદિરની બાજુ માથી જ એક કેડીમાથી શ્યામ પસાર થયો અને વિશાળ ભોજનાલયમાં પ્રવેશ્યો. આવડું મોટું ભોજનલાય તેણે જિંદગીમાં ક્યારેય નહોતું જોયું. હાથમાં થાળી લઈને આગળ ચાલ્યો. જમવાનું સાદું હતું ખિચડી અને કઢી. પણ શ્યામે ખિચડી અને કઢી ખાધા હોય એનો પણ જમાનો થઈ ચૂક્યો હતો. કોઈ આડે દિવસે પણ આટલા બધા લોકોને જમાડતા આ સ્થળમાં તહેવારના દિવસે શું થતું હશે ? આવા પ્રશ્નો શ્યામને સતાવી રહ્યા હતા. પોતાની થાળી જાતે જ સાફ કરવાનો નિયમ હોવાથી શ્યામ થાળી મૂકવા રસોડામાં ગયો તો એની આંખો ચાર થઈ ગઈ. તેને એવડું મોટું તપેલું જોયું કે જેમાં શાક તો શું એક સાથે 15 માણસોને વઘારવા હોય તોય વઘારાય જાય.

શ્યામે મંદિરની બહાર રહેલી ઓફિસમાં રૂમ બૂક કરાવ્યો. કશો જ સામાન સાથે નહોતો લાવ્યો. પોતાના મોબાઈલ ફોન સહિતની બધી વસ્તુને પાછળ મૂકીને આવનાર શ્યામ કેમ ગીરના આ ડણક સમાં ધામમાં રોકાયો હતો તેની તેને પોતાને પણ ખબર નહોતી. રાત્રે કામ કરવા માટે 11 વાગ્યે ચા પીવાની ટેવ ધરાવતા શ્યામે જમ્યા પછી થોડો આરામ કર્યો અને પછી ચા પીવા માટે નીકળ્યો. મંદિરની બાજુમાહજ તેનો રૂમ હતો. તાળું મારીને તે બહાર નીકળ્યો. ચાવી કાઉન્ટર પર આપીને તેને ચા પીવા જાવ છું તેમ કહ્યું. પણ સામેના વડીલે તેને કહ્યું કે ચા તો મારેય પીવી છે. ચાલો સાથે જઇયે. બંને સાથે ત્યાંથી નીકળ્યા. વાતાવરણમાં થોડી ઠંડી હતી એટ્લે પેલા વડીલે એક કાળા રંગનો ધાબળો ઓઢયો હતો. મંદિરના પટાંગણથી સામે જાત જાતની દુકાનો હતી પણ બધી બંધ થઈ ચૂકી હતી.

શ્યામે કહ્યું, “આ દુકાનો તો બંધ થઈ ગઈ છે.”

“કોઈ વાંધો નહીં ખોલાવી લેશું” સામેના વડીલે કહ્યું.

બંને ચાલતા ચાલતા એક ખખડધજ દુકાન પાસે પહોંચ્યા.
ત્યાં પહોંચીને પેલા વડીલે અવાજ કર્યો, “ એલા કરમણ જાગસ કે હુય ગ્યો”
“જાગુ જ સુ કોણ” સામેથી અવાજ આવ્યો.

“હું ગોરધન કાકા, થોડો સા બા પાને મારા વાલા આપોગીગો મેર કરસ્યે તારે ઉપર”

લાકડાનું બારણું ખોલીને એમાથી લાલ રંગનું ફાટેલું ગંજી પહેરીલો એક માણસ બહાર આવ્યો. તેણે ચૂલો પેટાવ્યો. લાકડા નાખ્યા. બંને જાણે ઘરના જ સભ્યો હોય તેમ વાતો કરવા લાગ્યા. વાતો ખૂટતા વાતોનો દોર શ્યામ બાજુ લંબાયો.
કરમણે પૂછ્યું, “આ ભાઈ કોણ સે ?”
ગોરધનભાઈ, “ઉતારે રોકાણાં સે, એને સા પીવો તો, હવે તને ખબયર સે કે સાનું નામ પડે અટલે મારે પીવો જ પડે”
જવાબ સાંભળી બંને હસી પડ્યા. એને જોઈને શ્યામ પણ પોતાનું હાસ્ય રોકી ના શક્યો. તેને તેના કલીગ યાદ આવવા લાગ્યા કે જેની સાથે ચા પિતી વખતે આવીજ રીતે મસ્તી કરતો.
ગોરધનભાઈએ શ્યામને પૂછ્યું, “તમારું નામ હું સે અને કઈ બાજુના રેવાસી, ભાઈ ?”
શ્યામે કહ્યું, “આમ તો અમે મૂળ પાલનપૂરના પણ મમ્મીના મૃત્યુ પછી હું રાજકોટ સ્થિર થયેલો. ત્યાં એક કંપનીમાં કામ કરું છું”
“અરે મારો રામો પીર તમારી માતાના આયતમાંને શાંતિ આપે. પણ શામ ભાઈ તમે લગન બગન નથી કયરા ?” ગોરધનભાઈએ કહ્યું.
“મારી મમ્મીની બહુ ઈચ્છા હતી કે એ મારા લગ્નમાં નાચે પણ હું મારી કારકિર્દી બનાવવામાં એને ભાડાના મકાનમાથી છોડાવી પણ ના શક્યો. મારા પપ્પાના અવસાન બાદ મને ભણાવવા મકાન અને છેલ્લે એના કાનની બુટી પણ વેંચી નાખી. પણ હું.....”
શ્યામ વાક્ય પૂરું કરતાં પહેલા જ એની આંખ ભીની કરી ચૂક્યો હતો. અંધારાને કારણે અશ્રુ તો ના દેખાયા પણ ગોરધનભાઈ તેના અવાજમાં રહેલ પશ્ચાતાપના પંખીને તડપી રહેલું નિહાળી રહ્યા હતા.
“મન નાનું ના કાર ભાઈ શામ, તારા માતુસરીએ તને ખુશ જોવા આટલું બલિદાન આપી સુયકા સે. હવે તારી આંખ્યુંમાં જો એ આહુડાં જોહે તો તો જે લોકમાં હસે ન્યા દુખી થાહે, અમે તો ભાઈ બૌ નાના માણહ અમને તમારા ભણેલ ગણેલ છોરાવની જેમ કઈ બીજુતો ના આવડે પણ તને ખુશ જોવા તારા બા યે બધુ ત્યાગી દીધું તો હવે નોકરી બોકરી કર, બાયડી ગોતીને ઘર માંડ. મોજું કર્ય મારા વાલા.” ગોરધનભાઈની ગામઠી છતાં ઊંડી ફિલોસોફી શ્યામના હ્રદયને અડી ગઈ.
“પણ કાકા, હું ગમે એટલા પૈસા કમાઉ છું. બધુ છે પણ છતાં કઈંક ખૂટતું હોય એવું લાગે છે” શ્યામે ક્યારેય પોતાના મિત્રોને પણ ના કહેલી મનની વાત આજ પેલા વડીલ ગોરધનભાઈની સામે ઠાલવી દીધી.
“જો બેટા, તારું કોઈ બેન્કમાં ખાતું તો હઇસે જ ને ? એમાં તે પૈસા મૂક્યા હોય તો જ ઉપાડી હકે ને. ટૂકમાં કૌ તો બેલેન્સ હોય તોજ તું ઉપાડી હકે ને ?” ગોરધનભાઈ બોલ્યા.
“હા, પણ એને આ વાત સાથે શું લેવા દેવા, કાકા ?”
“સમાજ તરફથી તારે કઈંક જોતું હોય તો કઈંક આપવુય પડે ભાઈ. જેવુ તું આપે એવુજ તને મળવાનું. તારા મનને પૈસો કમાવ્યા પસીય શાંતિ નથ મળતી. પણ મને એક વાતનો જવાબ દે કે તે ક્યારેય બીજાને માટે કઈં કર્યું ? જે કર્યું તે તારી હારુ જ ને ? કોઈ દી બીજા માટે ઘહાણો હોય તો કોક બીજો તારા હારુ ય ઘહાય. આ સતાધારમા વર્ષોથી આપાગિગાથી શરૂ કરીને વિજયબાપુ સુધીની ગાદીઓમાં કેટલાયના દુખો દૂર કર્યા સે. તને ખબર સે રોજ કેટલા જણા આયા જમે સે ઈ ? તોય કોઈ દિવસ આયા અનાજ તો શું પૈસો તો શું કઈ ખૂટયું જ નથી ઊલટાનું વધતું જ જાય સે, ક્યાથી મારો નાથ આપી દ્યે સે ખબરજ નથી પડતી. સરકારના ભંડારો ખૂટે પણ આ હતાધારમાં કોઈ દી મારો આપોગીગો નય ખૂટવા દ્યે. એનું કારણ આયા બીજા માટે કામ થાય સે”
ગોરધનભાઈના વેણ શ્યામના હ્રદયની આરપાર જઈ રહ્યા હતા. કોક ગૂંચ નો છેડો મળી ગયો હોય એવો અનુભવ શ્યામને થઈ રહ્યો હતો. એવામાં ચા બની ગઈ અને દુકાનવાળા કરમણ સહિત ત્રણેયે રકાબીમાં ચા નાખીને પીવાની શરૂઆત કરી. ચા પીતાં જ હતા ત્યાં એક ભાઈ સતાધારના મુખ્ય ગેઇટ બાજુથી બાઇક લઈને જ્યાં આ ત્રણેય ચા પી રહ્યા હતા ત્યાં આવ્યો અને એની સ્પીડ જોઈને એમ લાગી રહ્યું હતું જાણે કે પાકિસ્તાન સાથે ભારતે યુદ્ધ જાહેર કરી દીધું હોય. તરતજ આવી ને એ બોલવા લાગ્યો,
“એલા ભાઈ સિંહ નું ટોળું એક લીલને ઓલા સેલામાં પકડીને લઈ ગયું આઘડી જ હાલો જટ...”
“હેં, શું વાત કરો છો સિંહ અહી ખુલ્લા માં ?” શ્યામે ઉદગાર કર્યો.
“એતો એકાતરા આવું થાય મારા ભાઈ, આ ગાંડી ગયર સે. તે કોઈ દી નથી જોયોને હાલ જોય આવીએ” ગોરધનભાઈ પોતાની લાકડી લઈને ઉપાડ્યા. શ્યામ પોતાની જગ્યાએ જ બેસી રહ્યો. એને પાછળ આવતો ના જોઈને ગોરધનભાઈ ફરીથી બોલ્યા, “હાલ હવે હાવજ નથી જોવા”
“ના, કાકા ના આપડું કામ નહીં એ. તમે જોઈ આવો.”
“અરે અમારું તો રેવાનુજ આની હારે સે તું તારે ડરમાં હાલ મારે વાંહોવાહ” બહુ કહેવાથી શ્યામ તૈયાર થયો. કરમણ અને ગોરધનકાકા આગળ આગળ હળવા લાગ્યા. આવો અનુભવ શ્યામે પહેલા ક્યારેય કર્યો નહોતો. ડરની સાથે નવો અનુભવ એને થઈ રહ્યો હતો. તેને પ્રાણીસંગ્રહાલય સિવાય ક્યાય સિંહ જોયા નહોતા. અને આજે આ મારણ કરેલા સિંહો જોવાની થોડીઘણી બીક અને એની ચિંતા અંદરથી તેને કોરી ખાઈ રહી હતી. ચાલતા ચાલતા ગેઇટ પાસે પહોંચતા જ સિંહની ત્રાડ સંભળાણી. આવો ગગનભેદી અવાજ શ્યામના રૂવાડા ઊભા કરી ચૂક્યો હતો. ગેઇટ પાસે આસપાસના ખેતરો વાળા એકઠા થઈને સાંજનું ભોજન કરતાં સિંહોને નિહાળી રહ્યા હતા. કરમણે હાથબત્તી સાથે લીધી હતી. સતાધારમાં પ્રવેશતાજ આવતા ગેઇટની બાજુમાં એક નાળુ હતું. સિંહોએ નીલગાયનો શિકાર તો રોડ પર કર્યો હતો પણ પછી તેને ઢસડીને નાળામાં લઈ ગયા હતા. જેવી કરમણે બત્તી કરી કે શ્યામની આખો ફાટી ગઈ. 5 સિંહો એક સાથે નીલગાયને આરામથી ખાઈ રહ્યા હતા. લોહીથી લથબથ તેમનું મો અને દાંતમાં ચવાતા માંસના ટુકડાઓ ગમે તેને અચંભો પમાડી દે. શ્યામે ખુલ્લા સિંહો પહેલી વાર જોયા હતા અને એ પણ આ રીતે. બે ત્રણ હાથબત્તીઓની ફ્લેશ તે સિંહોની આખોમાં પડી રહી હતી જેથી તેની આખો લાલાશ પડતાં રતુંબડા રંગની લાગી રહી હતી. જે તેની હિંસકતા સિદ્ધ કરી રહી હતી. એને જોઈ મનમાં શ્યામે વિચાર્યું કે આ જોતો ખરી કઈ ચિંતા છે આને કોઇની ? જિંદગી હોય તો તો આ ડાલામથા સિંહ જેવી હો.
કલાક સુધી સિંહોને મન ભરીને નિહાળતા નિહાળતા ઘણીબધી વાતો શ્યામે અને ગોરધનભાઈએ કરી. રાતના 1 વાગ્યે શ્યામ પોતાના રૂમમાં આવ્યો અને સુવાની કોશિશ કરવા લાગ્યો. પોતાની પાછળની ઝિંદાગીથી પૂરેપૂરો કંટાળેલો શ્યામ આજે એક નવી ઉર્જાનો સંચાર પોતાનામાં અનુભવતો હતો. મનમાં થોડીઘણી ગાંઠો ઉકેલાવા લાગી હતી. નવો રસ્તો અંધારા પછી તેને સૂર્યના કિરણ પડવાને કારણે દેખાતો હતો. કાચ આ સ્ટેશને તે ના ઉતાર્યો હોત તો આવું ના પણ થાત. ભગવાન આપગીગનો પાદ માનતા માનતા તેની આંખો મીંચાણી.
સવારે ગોરધનભાઈ જ તેને જગાડવા આવેલા. વહેલો તૈયાર થઈને તેણે સતાધારની બાજુમાં રહેલ શિવમંદિરે દર્શન કર્યા અને ગોરધનભાઈને જઈને પૂછ્યું, “કાકા, મને ક્યાય ATM મળી શકશે ?”
ગોરધનભાઈએ કહ્યું, “ઓલું પૈસા ઉપડે ઓટોમેટિક ઈજ ને ?”
શ્યામે હસતાં હસતાં જવાબ આપ્યો, “હા કાકા એ જ.”
“હવે તારે એક કામ કરવાનું. હમણાં અહી 8 વાગ્યે જૂનાગઢની બસ ઉપડશે. તેમાં બેહી જજે. 8 કિલોમીટર પસી વિહાવદર આવશ્યે ઞ ઉતરીને કોકને પુસી લેજે.” ગોરધનભાઈએ શ્યામને બધુ સમજાવ્યું. શ્યામની યાદશક્તિ અને આયોજન ગજબના હતા જે તેને હમેશા કંપનીમાં પણ કામે આવતા. બધુ સમજીને શ્યામ બસમાં બેઠો અને બસ ઉપડવાની વાટ જોવા લાગ્યો. સૂર્યના આછા પ્રકાશની ઝાય તેના કાળા વાળ પર પડી રહી હતી. બસની બારી પરથી સતાધારની ચારેબાજુ આવેલા ડુંગરોને તે નિહાળી રહ્યો હતો. પ્રકૃતિના દર્શન કરવામાં ખોવાયેલ શ્યામનો ધ્યાનભંગ કંડકટરે આવીને કર્યો. વિસાવદરની ટિકિટના 9 રૂપિયા આપીને શ્યામ ફરી બારી પરથી પ્રકૃતિનું નિરીક્ષણ કરવા લાગ્યો. રાજકોટના કોંક્રિટના જંગલો, હરિયાળીને ગોટવા માટે તરબતર હોય છે જ્યારે અહી પ્રકૃતિને છૂટે હાથે લ્હાણ કરી હોય એવું શ્યામ મનોમન બોલી રહ્યો હતો.
એટલામાં વિસાવદર આવી ચૂક્યું હતું. નાની નાની બજારોમાં ભીડ, ટ્રાફિક અને રસ્તા વચ્ચે ચાલતા રાહદારીઓને જોતો જોતો શ્યામ એક ATM પાસે પહોંચ્યો. થોડા પૈસા ઉપાડીને વિસાવદરની બજારમાં એક કાપડની દુકાન પર જઈ પોતાના માટે થોડા કપડાં ખરીદ્યા. એક નાનો થેલો અને ઉપયોગી સામાન લઈને ફરી તે બસ સ્ટેશન બાજુ ચાલવા લાગ્યો. બસ સ્ટેન્ડ ખુબજ મોટું હતું. ત્યાં એક ટેલિફોન પાસે જઈને તેણે નબર લગાવ્યો ‘90335 65465’ આ નંબર નિકુંજ નો હતો. રિંગ વાગી રહી હતી. ચારેક રિંગ વાગ્યા પછી સામેથી અવાજ આવ્યો, “હેલ્લો, નિકુંજ બોલું છું તમે કોણ ?”
“તારા કાકા” જ્યારે શ્યામ રમતના મૂડમાં હોય ત્યારે નિકુંજને આવું કહીને જ સંબોધતો.
“અરે તારી આઘડિયે કહું એ...શ્યામલા ક્યાં મરી ગ્યો તો તારામાં નહીં નહીં તો 100 રીંગો મરી હશે. 2 દિવસથી તારા ક્લાએંટ્સને એટેંડ કરી કરીને મારા મગજની વાટ લાગી ગઈ છે.” નિકુંજ એક સાથે આ બધુ બોલી ગયો.
“અરે યાર નિકુંજ, હું જે જગ્યા પર છું તે સ્વર્ગથી કમ નથી. શું પ્રકૃતિ અને તેની રમ્યતા, લોકોની નિખાલસતા, કેટલીક બાબતો ગણાવું યાર”
“ગણાવા વાળી આવે છે કેદી હવે ?” નિકુંજે કહ્યું.
“બસમાં બેસું જ છું. આજે સાંજે પહોંચી જઈશ. બોસને કહી દેજે કે પર્સનલ કામે ગામડે આવ્યો હતો પ્લીઝ. આવીને બધી વાત કરું ચલ મૂકું છું.” શ્યામે જવાબ વાળ્યો.
“ઓકે એન્ડ ટેક કેર ડૂડ”
“હા હા ભાઈ. તું પણ ધ્યાન રાખજે.”
શ્યામ ફોન મૂકીને જેવો ફર્યો ત્યાંજ આશ્ચર્યના ઉદગાર સાથે એક આનંદનો અવાજ સંભળાયો.
“અરે, યાર સેમ તું અહિયાં ?” આવું બોલીને જ તે શ્યામને ભેટી ગયા.
“મયુર ?” શ્યામે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યો.
શ્યામ અને મયુર રાજકોટ એક સાથે ભણતા. બન્ને એકજ બેન્ચ પર બેસવા વાળા અને એક બીજાના જિગરી હતા. આજે અચાનક બન્નેનો અહી ભેટો થસે એ શ્યામે અને મયુરે બે માથી કોઈએ વિચાર્યું નહીં હોય. મયુર કઈંક પૂછે અને શ્યામને તેનો ખોટો જવાબ દેવો પડે એટલે શ્યામે જ સામેથી પૂછ્યું,
“મયુર તું અહી શું કરે છે ?”
“તને ખ્યાલ છે 2 વર્ષ પહેલા તલાટિની પરીક્ષા ભરવા આવ્યો હતો ત્યારે તારી જ ત્યાં રાત રોકાયેલો રાજકોટ ?
“હા” શ્યામે સૂર પુરાવ્યો
“એ પરીક્ષામાં હું પાસ થઈ ગયેલો અને અત્યારે અહી બાજુમાં જ ગામ છે નાની મોણપરી ત્યાં તલાટી તરીકે ફરજ બજાવું છું” મયુરે કહ્યું.
“વાહ ધેટ્સ ગ્રેટ” શ્યામે કહ્યું.
“ગ્રેટ બ્રેટ મૂક પહેલા એ કે મારા લગ્નમાં કેમ નહોતો આવ્યો ? તને ખબર છે તારી કેટલીય વાટ જોય”
“હા, પણ એ સમયે માર્ચ એન્ડિંગ હતો અને ટાર્ગેટ પૂરા કરવાના હતા એટ્લે મે ફક્ત ગિફ્ટ મોકલાવી દીધી. મે કીધું પછી મળી આવીશ.” શ્યામે ખુલાસો કર્યો.
“મારે કઈ નથી સાંભળવું. તારે અત્યારે જે કામ હોય એ પછી પતાવજે પણ મારી ઘરે તારે અત્યારે આવવું જ પડશે એમાં નહીં ચાલે.” મયુરે કહ્યું.
શ્યામે ઘણીબધી બાંધછોડ કરવાનો પ્રયત્ન કર્યો પણ મયુર એક નો બે ના થયો આગ્રહ હઠાગ્રહમાં પરિણમી ચૂક્યો હતો. છેવટે લાગણી તરફ ઝૂકીને શ્યામ તૈયાર થઈ ગયો. મયુરની બાઇકમાં બેસીને બન્ને બસ સ્ટેશનેથી ચાલ્યા ગયા.

શ્યામ ઘણા સમય પછી કોઈની ઘેર આવી રીતે જઈ રહ્યો હતો. મયુર વિસાવદરના જીવાપરા વિસ્તારમાં ભાડે રહેતો હતો. ઘર આવતાજ બન્ને અંદર ગયા. મયુરના પત્નીએ ખબર અંતર પૂછીને બન્નેને ગરમા ગરમ ચા પીવડાવી 11 વાગી ચૂક્યા હતા એટ્લે મયુરના કહ્યા વગર જ તેની પત્નીએ શ્યામની રસોઈ બનાવી નાખી હતી. બપોરનું ભોજન લઈને બન્ને અગાસી ઉપર આરામ કરવા ગયા. આજે મહિનાનો બીજો શનિવાર હતો એટ્લે મયુરને ઓફિસે રજા હતી. મયુર અને શ્યામ એક બીજાની બાજુમાજ લંબાવીને પોતે સાથે ભણતા ત્યારની વાતો ઉખેળીને બેસી ગયા હતા. કેવી રીતે પ્રોફેસરોને હેરાન કરતાં, છોકરીઓની કેટલીય ફરિયાદો એના વિરુદ્ધ આવતી, જ્યારે કમલેશ બીજી કોલેજના છોકરાઓ સાથે માથાકૂટ કરીને આવ્યો ત્યારે આપદે બધાયે એ લોકોની સાથે ગયા હતા ઝગડો કરવા પણ સમાધાન કરીને પાછા આવતા રહ્યા આવી તો કેટલીય વાતો બને કરતાં કરતાં ક્યારે સૂઈ ગયા ખબરજ ના પડી. શ્યામ અરસાઓ સુધી સૂતો ના હોય એમ આરામ કરતો હતો. કોઈ પંખી પીંજરુ તોડીને ઊંચા આકાશમાં ઉડવા લાગ્યું હોય અને પોતાના જૂના સાથીદારોને મળી રહ્યું હોય એવો આનંદ આજે તેના ઘસઘસાટ બોલતા નાખોરા દેખીતી રીતે સ્પષ્ટ કરી રહ્યા હતા. 5 વાગ્યે બન્ને ઉઠ્યા. બન્ને ઘરેથી કહીને નીકળી ગયા કે સાંજે મોડું થશે અને અમે બહાર જમીને આવશું.
પોતાની અલગારી સવારી લઈને મયુર ઘણીવાર નીકળી પડતો ડુંગરાઓને રગદોળવા. એવા 3-4 સ્થાન હતા કે જ્યાં મયુર નવરાશની પળોમાં જઈને પોતાનો ભારેભરખમ બોજ વાળો દિવસ પણ હળવીફૂલ રીતે વિતાવી શકતો. વિસાવદરથી બન્ને નીકળી પડ્યા. વિસાવદરથી સતાધાર જતી વખતે એક સાઈડમાં રસ્તાનો ફાંટો પડતો જે દૂધાળા ગામે જતો. વચ્ચે એક સ્થળ આવતું ‘મંડોરીયા.’ ઘેઘૂર વનરાજીની વચ્ચે એક હનુમાનજીનું મંદિર અને ખૂબજ રમણીય સ્થળ ત્યાં બન્ને જૂના મિત્રો મયુર અને શ્યામ જય રહ્યા હતા. ત્યાં પહોંચ્યા અને ત્યાર બાદ દર્શન કરીને એક કાચા રસ્તે થઈને કટિંગધાર કહેવાતી એક ટેકરી પર ચડ્યા ત્યારે સાંજ ના 6 વાગી ચૂક્યા હતા. ઉપર ચડતા વેંત જ શ્યામને 2 વર્ષ પહેલા સાપુતારા બિઝનેસ ટ્રીપમાં ગયો હતો ત્યાનું દ્રશ્ય મનમાં તરવારવા લાગ્યું. આવડું મોટું કુદરતી દ્રશ્ય તેની પહોળી થયેલ આંખોમાં પણ સમાતુ નહોતું. ડુંગરાઓની વચ્ચે રતુંબડો ડૂબતો સૂર્ય, ચારેકોર પીળાશ અને કેસરીયો રંગ, પાણીથી ભરાયેલ આંબજળ ડેમમાં પડતાં સૂર્યના કિરણો, પોતાના ગંતવ્યથી ઘરે જતાં પક્ષિઓ અને ગઈકાલે જ્યાં તે રોકાયો હતો, દર્શન કર્યા હતા તેવું જંગલની વચ્ચોવચ આવેલું સતાધાર ધામ. આ એ જ ડુંગર હતો જે તેણે સવારે બસમાંથી દૂરથી નિહાળ્યો હતો. આ દ્રશ્ય શ્યામના માનસપટ્ટ પર પીંછીની જેમ ફરીને કેટલાય રંગો પૂરી ચૂક્યું હતું.
“જ્યારે હું કઈક મુસીબતમાં હોઉને ત્યારે આ સમયે અહી આવીને બસ બેસીને ચાલ્યો જાઉં. હવે આને શામજીબાપુની કૃપા કહે કે પછી પ્રકૃતિનું આપદા મન પર પડતું પ્રતિબિંબ પણ કોઈ પણ મુસીબતનો રસ્તો મને અહી આવીને સૂઝવા લાગે.” મયુરે કહ્યું.
શ્યામ કશું બોલવા નહોતો માંગતો કારણકે હજુ એ દ્રશ્ય જોઈને ધરાણો નહોતો. એટ્લે ફક્ત ‘હમ્મ’ એમ બોલ્યો અને બસ દ્રશ્યને જોતો જ રહ્યો.
થોડીવાર બન્ને ડૂબતાં સૂર્યને જોતાં રહ્યા. ફરી મયુરે વાત શરૂ કરી.
“ભાઈ શ્યામ, એતો કહે કે તું આ બાજુ કેમ ?”
“શું કહું ખબર જ નથી પડતી. તું માનીશ હું મારા ઘરેથી બધુ પાછળ મૂકી કંટાળીને અહી આવ્યો છું. મેં તો ધાર્યું પણ નહોતું કે હું આવી જગ્યાએ આવી પહોંચીશ” શ્યામે મિત્ર સામે હ્રદય ઠાલવ્યું.
“આ જગ્યા જ એવી છે દોસ્ત. પણ શું હતું એતો કહે” મયુરે ચિંતા વ્યક્ત કરી.
“બસ ડબ્બા જેવી લાઈફથી કંટળ્યો હતો. પણ હવે ઘણી બધી કેડીઓ મને દેખાય છે. ફરી પાછો રાજકોટ જઈશ આવતી કાલે. અમુક પ્લાનિંગ્સ ઘણા સમય પેલા મગજમાં દબાવી દીધા હતા એ ફરી પાણી મળતા ઉગ્યા છે. જોઈએ હવે એ કેટલાક પોષણ પામે છે.” શ્યામે જવાબ આપ્યો.
“બધુ બરાબર થઈ જશે. જિંદગીને મન ભરીને જીવવામાં જ મજા છે. હું તારા માટે કઈં કરી શકું ?” મયુર બોલે છે.
“હા, કરમણની ચા પીવી છે સતાધારમાં, પીવડાવીશ ?” શ્યામે રમૂજ સાથે કહ્યું.
“અરે કેમ નહીં ચાલ ચાલ. તારા માટે તો જીવ હાજર છે મારા યાર” મયુરે કહ્યું.
અંધારું થયે બન્ને કરમણ પાસે પહોંચ્યા. ત્યાંથી ગોરધનભાઈને પણ બોલાવ્યા. બધાયે સાથે ચા પીધી અને છૂટા પડ્યા. મયુર અને શ્યામ ઘરે પહોંચ્યા. બીજે દિવસે સવારે શ્યામ રાજકોટ માટે નીકળી ગયો. રાજકોટ જઈને પ્રમોશન ઠુકરાવી દીધું અને જેટલા પૈસા બેન્કમાં પડ્યા હતા તેમાથી અમુક રકમ ઉપાડી અમુકની બેન્ક પાસેથી લોન લઈને પોતાની માલીકીની ટ્રેડિંગ કંપની નાખી. આ એક આંધળું સાહસ હતું જે સફળ થયું અને આખા ગુજરાતમાં આ કંપનીનું નામ થયું. પોતે ટ્રેડિંગની દુનિયાનો બાદશાહ કહેવાવા લાગ્યો. પહેલા પોતાના માટે મથ્યો અને પછી બીજાના માટે. કેટલીય સંસ્થાઓમાં ફાળા આપ્યા, કેટલાય ગરીબોને રોજી રોટી આપી, કેટલાય અભિયાનોમાં પોતાનો કીમતી સમય આપ્યો. પોતાની સંસ્થાનું નામ ગુજરાત તો શું આખા ભારતમાં ગુંજતું કર્યું. એ સંસ્થાનું, કંપનીનું નામ હતું. “સતાધાર”
આજે આટલો મોટો માનસ થઈ ગયેલો શ્યામ દર મહિને એક વાર અવશ્ય સતાધારની મુલાકાત લે છે, આરતીના દર્શન કરે છે, સૂર્યાસ્તને માણવા ડુંગર ઉપર જાય છે, મયુરે કહ્યું હતું એમ બધી મુસીબતોમાથી બચવાની કેડી ગોતવા અને આ બધાથી ખાસ ગોરધનભાઈ અને કરમણ સાથે ચા પીવા.

● નરેશ પરમાર

Email : nareshparmar609@gmail.com.
mobile : 9016297597..,

સુચનો અને પ્રતિભાવો આવકાર્ય છે..!!