Vaarasnu Karj books and stories free download online pdf in Gujarati

વારસનું કર્જ

**વારસનું કર્જ **

દિલ્હીથી ઉપડેલી સ્પાઇસ જેટની એર બસે ખૂબસુરત પહાડોથી ઘેરાયેલા નાનકડા કુલ્લુ-મનાલી એરપોર્ટ પર સવારના સાત વાગે ઉતરાણ કર્યું ત્યારે મે મહિનાની ઉકળાટભરી સવાર હતી. પહાડી ઇલાકો હોવા છતાં વાતાવરણમાં ઉકળાટ વાર્તાતો હતો. એરપોર્ટથી મનાલી હિલ સ્ટેશન લગભગ પચાસ કિલોમિટર જેટલું દૂર આવેલું છે. વિવેકે ભાડે લીધેલી ટેક્સી મનાલી તરફ દોડી રહી હતી. રોડ સુધારણાનું કામ પ્રગતિમાં હોવાથી ટેક્સી ધીરે ધીરે આગળ વધી રહી હતી તે ઉપરાંત ટ્રાફિક જામ હોવાના કારણે બે કલાકનો રસ્તો ચાર કલાક થવા છતાં હજુ પૂરો થયો ન હતો. વિવેકની સાથે તેનો નોકર ભોલુ પણ હતો. એ.સી. ટેક્સીમાં બેઠાં બેઠાં વિવેકને થાક લાગ્યો હતો. તેણે ડ્રાઇવરને પૂછ્યું, “ અભી કિતની દૂરી બાકી હૈ, નરેશ ...?”
નરેશ :“ સર, વૈસે કરીબ સાત આઠ કિલો મીટર બાકી હોગા. પન્દ્રહ મિનટમે પહોંચ જાએંગે”

વિવેકે ભાડે રાખેલ હોલીડેહોમનો નંબર ડાયલ કરી તે અડધા કલાકમાં પહોંચી જશે તેવું જણાવી દીધું. અડધા કલાક પછી નરેશે ટેક્સી સોલંગવેલીમાં આવેલ “પેરેડાઈઝ” હોલીડેહોમના પોર્ચમાં ઊભી કરી દીધી. હોલીડેહોમના ચોકીદારે વિવેકનો માલસામાન તેના રૂમમાં પહોંચાડી દીધો. નોકર ભોલુએ હોલીડેહોમના આઉટ હાઉસમાં આવેલ સર્વન્ટ ક્વાર્ટરમાં તેનો સામાન રખાવી દીધો. વિવેક એક અતિ મહત્વના કામે આવ્યો હતો એટલે આ હોલીડેહોમ છ માસ માટે ભાડે લઈ લીધું હતું .
મોટાભાઇ જીવણલાલ ખૂબ ધનવાન હતા. તેમનું મૂળ વતન બાડમેર રાજસ્થાન હતું. જીવણલાલે કમાવા માટે ગુજરાત પસંદ કર્યું હતું. અમદાવાદમાં તેમણે ભાગીદારીમાં મશીનરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. દસ વર્ષમાં તેમનો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો હતો. તેમના ધંધા માટે દેશનો ઉત્તર પશ્ચિમ વિસ્તાર ખૂબ અનુકૂળ હોવાથી તેઓ અમદાવાદ ખાતેના વ્યવસાયમાંથી રાજીખુશીથી છૂટા થઈ દિલ્હીમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો. દિલ્હીમાં તેમનો ખૂબ મોટો કારોબાર હતો.

જીવણલાલ અને તેમની પત્ની ઉમાદેવી પચીસ વર્ષ પહેલાં વેકેશન પૂરું કરી સિમલાથી દિલ્હી પરત આવી રહ્યા હતા. બપોર પછીનો સમય હતો. રસ્તામાં “કચ્ચી ઘાટી” પાસે એક સરકારી મુસાફર બસને અકસ્માત નડયો હતો. રસ્તાના ઢોળાવ પરથી બસ નીચે ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માત થયાને લગભગ બે કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો હતો. સરકારની રેસક્યું ટીમે અકસ્માતમાં ઘાયલ થયેલા અને મૃત્યુ પામેલા લોકોને નજીકની હોસ્પીટલમાં પહોંચાડ્યા હતા. મુસાફરોનો સમાન આમતેમ વેરાયેલો પડેલો જોઈ જિજ્ઞાસાવશ જીવણલાલ પોતાની ગાડી રોકી નીચે ઉતર્યા અને અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું. ખીણમાં ભંગાર હાલતમાં બસ પડેલી દેખાતી હતી. તેમના પત્ની ઉમાદેવી પણ તેમની બાજુમાં ઊભા હતા. બંને જણા અફસોસ સાથે પાછા ફરતા હતા ત્યાં ઉમાદેવીના કાને કોઈ બાળકના રડવાનો અવાજ પડ્યો. ઉમાદેવીએ જીવણલાલનો હાથ પકડીને રોક્યા. જીવણલાલને પણ કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. તેમણે નીચે નજર નાખી. લગભગ પાંચ ફૂટ નીચે ઢોળાવમાં એક નાના છોડના થડમાં ફસાયેલા કોઈ નાના બાળકનું હલનચલન નજરે પડ્યું. તે સંભાળીને નીચે ઉતર્યા. હળવેથી તેમણે તે બાળકને પોતાના હાથોમાં લીધું અને સાચવીને ઉપર લઈ આવ્યા. બાળક ખૂબ રડતું હતું. ઉમાદેવીએ તેમના હાથમાં લઈ બાળકને શાંત કરવા પ્રયત્ન કર્યો. તે બાળકી હતી. અંધારું થવા આવ્યું હતું. કદાચ બાળક ભૂખ્યું થયું હશે એટલે રડતું હશે તેવું અનુમાન કર્યું પરંતુ તેમની પાસે નાના બાળકને આપવા કઇં ન હતું. ઉમાદેવીએ પાણીની બોટલમાંથી પાણી લઈ તેમની આંગળીના ટેરવાં વડે કેટલાક ટીપાં બાળકીના નાજુક હોઠ પર મૂક્યા. બાળક ચપ..ચપ..ચપ.... પાણીના ટીપાં ચૂસી ગયું. જીવણલાલે ગાડી દોડાવી. તેઓ નજીક એક ઢાબા પાસે આવી રોકાયા. ઉમાદેવીએ ઢાબામાં દૂધ ગરમ કરાવી બાળકીને પાયું. ઉદર તૃપ્તિ થવાથી બાળકી ઊંઘી ગઈ.

“ આ બાળકીનું હવે શું કરીશું... ઉમા ? “ જીવણલાલે પ્રશ્ન પૂછી ઉમાદેવી સામે જોયું.
“ભગવાનની ભેટ ગણીને આપણે આ બાળકીને ઉછેરીશું” કહી ઉમાદેવીએ બાળકીના નાજુક ગાલ પર એક હળવું ચુંબન લીધું. બાળકી ઉંઘમાં મીઠું મલકાઈ. બાળકીનો મીઠો મલકાટ જોઈ જીવણલાલના હ્દયમાં પિતૃત્વનો ઉમળકો ઊભરી આવ્યો. તેમણે સંમતિ આપી.
જીવણલાલ સાથેના લગ્નના બીજા વર્ષે જ ઉમાદેવી એક પુત્રની માતા બન્યા હતા. બાળક અધૂરા દિવસોએ જન્મ્યું હતું. કમનસીબે તેમનો પુત્ર હ્દયમાં કાણાં સાથે જન્મ્યો હતો. તેથી થોડા દિવસોમાં જ મૃત્યુ પામ્યો હતો. સુવાવડ પછી ઉમાદેવીને ખૂબ લોહી વહેતું હોવાના કારણે તેમનું ઓપરેશન કરવું પડ્યું હતું તેથી ઉમાદેવી બીજીવાર મા બનવાની ક્ષમતા ગુમાવી બેઠાં હતા. પંદર વર્ષ પછી તેમને બાળકની ભૂખ જાગી તેથી એક બાળક દત્તક લેવાનું વિચારતાં હતા ત્યાં જાણે ભગવાને તેમને આ બાળકીની ભેટ ધરી હોય તેવું માની તેને અપનાવી લીધી હતી. તેમણે બાળકીનું નામ પૂનમ રાખ્યું હતું.

જીવણલાલના નાનાભાઈ પ્રાણલાલની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. રાજસ્થાનમાં તેમનો સાધારણ ધંધો હતો. જીવણલાલ ખૂબ સારું કમાતા હતા એટલે તેમણે પોતાના નાનાભાઇને તેમની સાથે ધંધામાં જોડાઈ જવા દિલ્હી બોલાવી લીધા હતા. તેમને એક દીકરો હતો. જેનું નામ વિવેક હતું. પ્રાણલાલ તેમની પત્ની અને દીકરા સાથે દિલ્હી આવી ધંધામાં જીવણલાલ સાથે જોડાઈ ગયા હતા.

જીવણલાલ અને ઉમાદેવીની છત્રછાયામાં પૂનમ ઉછરતી હતી. પૂનમ જેટલી દેખાવડી હતી તેનાથી વધુ ભણવામાં હોંશિયાર હતી. પુનમે ધોરણ-૫ ની પરીક્ષા આપી દીધી હતી. તેણે વેકેશનમાં કુલુ-મનાલી ફરવા જવાની જીદ પકડી હતી. જીવણલાલે તેની જીદ પૂરી કરવાનું નક્કી કર્યું. જીવણલાલ થોડા દિવસ માટે ધંધો ભાઈના હવાલે કરી કુલુ-મનાલીના પ્રવાસે ઉપાડી ગયા.

જીવણલાલ, ઉમાદેવી, પૂનમ અને તેમના ડ્રાઇવરે કુલુમાં રાત્રિ ભોજન પતાવી મનાલી તરફ જવા આગળ પ્રવાસ શરૂ કર્યો. ગાડી ડ્રાઈવર ચલાવતો હતો. પહાડી વિસ્તાર શરૂ થયો હતો. અંધારું થવા આવ્યું હતું. એકાદ કલાકના પ્રવાસ પછી સામેથી ધસમસતી આવતી ખાનગી લક્ઝરી બસે જીવણલાલની ગાડીને ટક્કર મારી. તેમની ગાડી નીચે ખીણમાં પડી. પડતાંની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી.

સુખરૂપ પહોંચી જવાનો સંદેશો ન મળતાં પ્રાણલાલે જે હોટલમાં જીવણલાલનું બુકિંગ હતું ત્યાં ફોન જોડ્યો. હોટલમાંથી હજુ જીવણલાલ મનાલી પહોંચ્યા ન હોવાનું જાણી તેમને જીવણલાલની ફિકર થઈ. તેમણે ટી.વી ચાલુ કર્યું. એક ખાનગી લક્ઝરી અને કારના આકસ્માતના સમાચાર પ્રસારિત થતા હતા. પ્રાણલાલ તાબડતોડ અકસ્માતના સ્થળે જવા રવાના થયા. બીજા દિવસે સવારે ખીણમાં ભાઈની સળગી ગયેલી કાર જોઈ તે મૂર્છિત થઈ ગયા. કારમાંથી ભળથું થઈ ગયેલી ત્રણ લાશ મળી હતી. પૂનમની લાશ મળી ન હતી. તેમણે આજુબાજુના વિસ્તારમાં ખૂબ શોધખોળ કરી પરંતુ પૂનમનો કોઈ પત્તો ન લાગ્યો.

જીવણલાલના અવસાન પછી તેમના સોલીસીટરે પ્રાણલાલને તેમનું વિલ વંચાવ્યું.... જે મુજબ તેમની ન હયાતીમાં આખા ધંધાની માલિક પૂનમ બનતી હતી. પૂનમનો કોઈ પત્તો ન હોવાથી કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી. પ્રાણલાલે જ્યાર સુધી પૂનમનો પત્તો ન લાગે ત્યાં સુધી જીવણલાલનો ધંધો સંભાળવા દેવાની પરવાનગી માંગતી પિટિશન કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટે જીવણલાલની સંપત્તિનું ટ્રસ્ટ બનાવ્યું અને ટ્રસ્ટી તરીકે પ્રાણલાલ, તેમનો પુત્ર વિવેક અને તેમના સોલિસિટરની નિમણૂંક કરી હતી. ટ્રસ્ટીઓને નવી મિલ્કત વસાવવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ હયાત મિલ્કતમાંથી કોઈ મિલ્કત વેચવાની મનાઈ ફરમાવી હતી. જો ચૌદ વર્ષ સુધી પૂનમનો પત્તો ન લાગે તો પ્રાણલાલ અને તેમના વારસદારો આપોઆપ જીવણલાલની સંપત્તિના માલિક બની જશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
પૂનમના લાપતા થયાને તેર વર્ષ વીતી ગયા હતા. આ સમય દરમ્યાન પ્રાણલાલ અને તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું. વિવેકે આખો કારોબાર સંભાળી લીધો હતો. વિવેકે ધંધામાં ખૂબ પ્રગતિ હાંસલ કરી હતી પરંતુ વારસની સાચી હકદાર પૂનમનો તે કર્જદાર હતો. હજુ સુધી પૂનમનો પત્તો મળ્યો ન હોવાથી તેના દિલમાં ખટકો હતો. તેને લાગ્યું કે પૂનમને શોધીને જ્યાં સુધી આ ધંધો તેના હવાલે નહીં કરે ત્યાં સુધી તેને સુખ-ચેન પડશે નહીં. તેણે પોલીસ સ્ટેશને ઘણી વાર તપાસ કરી હતી પરંતુ પોલીસે તેને સંતોષ થાય તેવો કોઈ જવાબ આપ્યો ન હતો. તેનું અંતરમન પૂનમ જીવતી હોવાનો પડઘો પાડતું હતું તેથી તેણે જાતે પૂનમની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. આ તપાસ માટે જ તે મનાલી આવી પહોંચ્યો હતો.

બીજા દિવસે સવારે બારીમાંથી રેલાતા સૂર્યના સોનેરી કિરણોથી વિવેકની ઊંઘ ઊડી હતી. લાંબી ઊંઘના કારણે શરીર જકડાઈ ગયું હતું પરંતુ તેનું મન પ્રફુલ્લિત હતું. નિત્યક્રમથી પરવારી તે વિલાના દીવાનખંડમાં દાખલ થયો ત્યારે હોલીડેહોમના ચાકરો ડાઈનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ ગોઠવી રહ્યા હતા. ભોલુ પણ હાજર હતો. સૌએ નાસ્તાને ન્યાય આપ્યો. નાસ્તા પછી વિવેક મનાલી શહેરના માલરોડ સ્થિત પોલીસ સ્ટેશને પહોંચ્યો. થાણા પ્રભારીને મળીને તેણે તેર વર્ષ પહેલાં થયેલા અકસ્માતની વિગતો જાણવા ચાહી. થાણા પ્રભારી આધેડ વયના અને સ્વભાવે ખૂબ મળતાવડા હતા. અકસ્માતની ફાઇલ વાંચી તેમણે વિવેકને હકીકતથી વાકેફ કર્યો. પૂનમની ગુમશુદગીની ફરિયાદમાં આગળ કોઈ પ્રગતિ થઈ નહતી. પૂનમના કોઈ વાવડ હજુ સુધી મળ્યા ન હતા. વિવેક હોલીડેહોમ પર પરત ફર્યો.
વિવેક એક માસ સુધી પૂનમ અને અકસ્માતની વિગતો મેળવતો રહ્યો. તેને સંતોષ થાય તેવી કોઈ માહિતી તેની પાસે ન હતી.

વિવેકે થોડા દિવસોથી હોલીડેહોમમાં કામ કરવા માટે એક નોકરાણી રાખી હતી. તેનું નામ શર્મિલી હતું. તે વિવેકના રૂમની સફાઈ અને કપડાં ધોવાનું કામ કરતી હતી. શર્મિલી અનાથ યુવતી હતી. તે બાલ્યાવસ્થા માં જંગલમાંથી બિનવારસી હાલતમાં મળી હતી. તે બાજુના ગામની રહેવાસી હતી પરંતુ નોકરીએ રહ્યા પછી તે હોલીડેહોમના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી હતી. શર્મિલી સુંદર અને સંસ્કારી યુવતી હતી. તે ઝાઝું ભણેલી ન હતી પરંતુ ચકોર અને ચાલાક હતી. થોડાક દિવસોના સહવાસમાં વિવેકને શર્મિલી તરફ કુણી લાગણી પેદા થઈ હતી.
નોકર ભોલુને શર્મિલી સાથે દોસ્તી થઈ ગઈ હતી. એક દિવસે ભોલુએ વિવેકને કહ્યું,“ સાહેબ! શર્મિલી મોટાબાપાને જ્યાં અકસ્માત થયો હતો તે સ્થળની બાજુના ગામની છે.” ભોલુની વાત સાંભળી વિવેકે શર્મિલી સાથે તે સ્થળની મુલાકાત લેવાનું નક્કી કર્યું. વિવેક, ભોલુ અને શર્મિલી રસ્તો સારો હતો ત્યાં સુધી ઓટોમાં ગયા. ત્યાર પછીનો પ્રવાસ ખૂબ કઠીન હતો. સાંકળી ઉખડ-ખાબડ પગદંડીઓ પસાર કરી સૌ શર્મિલીના ગામ પાસે આવી પહોંચ્યાં. અકસ્માતના સ્થળે પહોચ્યાં ત્યારે બપોરનો સમય થયો હતો.

નીચે તળેટીથી ઉપર નજર કરતાં લગભગ ત્રણસો ફૂટ જેટલી ઊંચાઈ જણાતી હતી. આખો વિસ્તાર ગીચ વૃક્ષોથી ઘેરાયેલો હતો. સળગી ગયેલી ગાડીના બચેલા કેટલાક અવશેષો જોઈ વિવેકની આંખો ભરાઈ આવી. તેણે બે મિનિટ માટે પોતાની આંખો બંધ કરી મૃતાત્માઓને શ્રદ્ધાંજલી આપી.

અકસ્માતના સ્થળથી થોડેક દૂર એક દરગાહ હતી. સડી ગયેલા પતરાના શેડથી ઢંકાયેલી દરગાહમાં કોઈ હોય તેવું લાગતું ન હતું. વિવેક દરગાહ પાસે પહોંચ્યો અને ભાવથી કબર પર ઓઢાડેલ લીલા રંગના કપડાને તાકી રહ્યો.
તેણે શર્મિલીને પૂછ્યું: “ અહીં કોઈ રહે છે ?”
શર્મિલી: “ હા, એક ફકીર બાબા રહે છે. અત્યારે તે કદાચ ગામમાં ભીખ માંગવા ગયા હશે. થોડીવારમાં આવી જશે. “
થોડાક સમય પછી કાળી કફની પહેરેલા લાંબી સફેદ દાઢીધારી વયોવૃધ્ધ ફકીર બાબા આવ્યા. વિવેકે તેમને સલામ કરી.
બાબાએ “ માલિક તેરા ભલા કરેગા “ કહી વિવેક તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિ કરી. વિવેકે તેના આવવાનો મકસદ જણાવ્યો અને તે અકસ્માત બાબતે કોઈ બાબતની જાણકારી હોય તો તેને જણાવવા વિનંતી કરી. ફકીર બાબાએ કહ્યું કે અકસ્માત વખતે તેઓ આ દરગાહમાં રહેતા ન હતા પરંતુ એક યુવતી ઘણીવાર અહીં આવે છે અને આ બળી ગયેલી કાર પાસે બેસી મરનાર માટે પ્રાર્થના કરે છે. પછી અહીં દરગાહમાં આવીને ઊભી રહે છે. પોતાના હાથ ઊંચા કરી દુઆ પણ માંગે છે. તે જ્યારે અહીં આવે ત્યારે મારા માટે ખાવાનું અચૂક લેતી આવે છે.“
વિવેક બાબાની વાત સાંભળી ઉત્સાહથી બોલ્યો: “ બાબા! તે છેલ્લે ક્યારે આવી હતી અને હવે ક્યારે આવશે તેની કોઈ જાણકારી છે ?”
બાબા થોડુંક વિચારીને બોલ્યા: “ દસેક દિવસ પહેલાં આવી હતી. હવે કયારે આવશે તે નક્કી નહીં. ઘણી વાર તો બે ત્રણ મહિને આવે છે. “
વિવેક: “ બાબા! તમે તેનું નામ જાણો છો ?”
બાબા : “ હા, તેનું નામ પૂનમ છે “
પૂનમ નામ સાંભળી વિવેક વિહવળ થઈ ગયો. તેને લાગ્યું, તે જે મકસદ માટે આવ્યો છે તે જરૂર પૂરો થશે. તેણે બાબાને પૂછ્યું: “ બાબા! પૂનમ ક્યાં રહે છે તેની તમને જાણકારી છે ?”
બાબા: “ પૂનમ , ક્યાં રહે છે તે ખબર નથી પણ તે ફરવા આવનાર લોકોને “ યાકની સવારી કરાવે છે. તેની પાસે બે યાક છે. તે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષા જાણે છે. જ્યાં વધારે ટુરિસ્ટ હોય ત્યાં સડકની બાજુ નાનો તંબુ બાંધી રહે છે. “
વિવેક માટે આ માહિતી પુરતી હતી. તે સમજી ગયો હતો કે પૂનમ જીવતી છે માટે હવે તેને શોધી તે ઋણ મુકત થઈ શકશે. તે બાબાનો આભાર માની રવાના થયો.
તેની સાથે ભોલુ અને શર્મિલી મૌન ચાલી રહ્યા હતા. વિવેકનું મગજ કોઈક ગહન વિચારોમાં અટવાયેલું હતું. અચાનક શર્મિલી બોલી: “ સાહેબ! મારા ગામમાં એક કુટુંબ છે. જે યાકની સવારીનું કામ કરે છે. આપણને તેમની પાસેથી કદાચ પૂનમની માહિતી મળી જશે. ચાલો મારી સાથે.” કહી શર્મિલી ઉતાવળા પગલે ચાલવા માંડી.
શર્મિલીના ગામમાંથી વિવેકને પાકી માહિતી મળી.પૂનમ નો હાલ સોલંગવેલીમાં ઉડનખટોલા જવાના રસ્તા પાસે પડાવ હતો.

બીજા દિવસે સવારે વિવેક ત્યાં પહોંચી ગયો. બે યાક સાથે પૂનમ ઊભી હતી. વિવેક અને ભોલુ તેની પાસે પહોંચ્યા. વિવેક પૂનમ ને ઓળખતો નહોતો તેમ છતાં યાક લઈ ઊભેલી યુવતી પાસે જઈ તેણે ગુજરાતીમાં કહ્યું :” તારું નામ પૂનમ છે ?” પૂનમ ગુજરાતીમાં પોતાની સાથે વાત કરતાં યુવાનને તાકી રહી અને બોલી :“ હા, મારુ નામ પૂનમ છે પણ હું તમને પહેલાં કહી દઉં કે યાકની સવારી માટે હું પૂરા બસો રૂપિયા લઇશ ... હું એક પણ રૂપિયો ઓછો લઇશ નહીં... તમે ગુજરાતીઓ ખૂબ સુખી છો તોય ખૂબ કસ કરો છો ... અમારે ય ખાવા માટે જોઈએ કે નહીં સાહેબ .. સાચું કે ખોટું ?”
વિવેક પૂનમને તાકી રહ્યો. તેની બોલીમાં તીખાશ જરૂર હતી પરંતુ વિવેક હતો. વિવેકની આંખો ભરાઈ આવી. એક કરોડપતિની દીકરી પોતાનું પેટ ભરવા માટે વળખાં મારી રહી હતી.જ્યારે તે તેની સંપતિનો માલિક બની એશઆરામની જિંદગી ગુજારી રહ્યો હતો.
પૂનમ : “ એય.. સાહેબ ક્યાં ખોવાઈ ગયા. બસો રૂપિયા વધારે પડયા હોય તો.... ચાલો દોઢસો આપજો બસ..” કહી તેણે વિવેક સામે જોયું. વિવેકની આંખોમાં આસું જોઈ તે ચૂપ થઈ ગઈ. વિવેકે ગળું સાફ કરી કહ્યું: “ પૂનમ! હું વિવેક છું .. જીવણલાલ શેઠનો ભત્રીજો... પ્રાણલાલ શેઠનો દીકરો ... તારો પિતરાઇ ભાઈ ”

વિવેકના મોંઢે જીવણલાલનું નામ સાંભળી પૂનમ વિહવળ થઈ ગઈ. તેને વિવેકનું નામ યાદ આવતું ન હતું પરંતુ પ્રાણલાલ નામ યાદ હતું. પૂનમ મોટેથી રડવા લાગી. તેને રડતી જોઈ પૂનમની સાથે જુદો જુદો વ્યવસાય કરતાં લોકો તેની પાસે આવી પહોંચ્યા અને વિવેક તેમજ ભોલુ તરફ શંકાની નજરે જોવા લાગ્યા. એક યુવાન પહાડી લહેકામાં બોલ્યો :“ પૂનમ, ક્યા હુવા ... ક્યું રોતી હૈ .. કોઈ ગડબડ હૈ ક્યા ..?” પૂનમે હાથના ઇશારાથી ના પડી. વિવેકે લોકોને સમજાવ્યું કે તે પૂનમનો ભાઈ છે અને તેને દિલ્હી લઈ જવા આવ્યો છે. વિવેકની વાત લોકોની સમજમાં ન આવી. પેલો યુવાન વિવેક સામે શંકાશીલ નજરે જોઈ રહ્યો. દૂર ઊભેલી એક વૃધ્ધ પહાડી સ્ત્રી બોલી :“ મૈ જાનતી હું .પૂનમકે મા-બાપ દિલ્હીકે થે ઔર એક એક્સિડંટમે મર ગયે થે. ઉસકા કોઈ ભાઈ ભી થા વો મુજે માલૂમ નહીં હૈ . “
વિવેકે લોકોને પૂનમનો ભાઈ હોવાની ખાતરી આપી અને પૂનમને પોતાના હોલીડેહોમ પર લઈ આવ્યો. તે પૂનમ માટે થોડાક નવાં કપડાં ખરીદ કરી લઈ આવ્યો. તે દિવસે વિવેકે શર્મિલીને પૂનમ સાથે સૂઈ રહેવા પોતાના હોલીડેહોમમાં રોકી રાખી.

રાત્રે જમ્યા પછી પૂનમે જણાવ્યું કે તે ગોઝારી રાત્રે ખાનગી લક્ઝરી બસની ટક્કરથી જીવણલાલની ગાડી નીચે ખાઈમાં પડી ગઈ હતી. ગાડી તળેટીમાં પહોંચે તે પહેલાં ગાડીનો દરવાજો ખૂલી ગયો એટલે તે ગાડીની બહાર ફેંકાઇ ગઈ હતી. તેનું માથું પછડાવા કારણે તે બેહોશ થઈ ગઈ હતી. તે હોશમાં આવી ત્યારે તેણે જાણ્યું કે ગાડી સળગી ગઈ હતી અને તેના માતા-પિતા અને ડ્રાઈવર તેમાં સળગી ગયા હતા. તે રડતી રડતી ગામ તરફ જતી હતી ત્યારે દયા આવવાથી એક વૃધ્ધ ખેડૂત તેને પોતાના ઘરે લઈ ગયો હતો. તે એકલો હતો. થોડો સમય તેણે તેનો ઉછેર કર્યો પણ જ્યારે તે પંદર વર્ષની થઈ ત્યારે તેમનું વૃધ્ધાવસ્થાના કારણે મૃત્યુ થતાં તે ફરી નોંધારી થઈ ગઈ હતી. તે ટુરિસ્ટોને યાકની સવારી કરાવી પોતાનું ગુજરાન ચલાવા લાગી હતી.
વિવેક :“ પૂનમ! તું દિલ્હી કેમ ન આવી ?”
પૂનમ :“ મમ્મી-પાપા પછી ત્યાં મારું કોણ હતું ? એટલી નાની ઉંમરે મને બીજું કઇ સુઝ્યું પણ ન હતું. “
રાત્રે મોડા સુધી વાતો કરતાં કરતાં બધાં સૂઈ ગયાં.

બીજે દિવસે સવારે હોલિડેહોમના નોકરને બોલાવી વિવેકે તેઓ આવતી કાલે બંગલો ખાલી કરી જઈ રહ્યા છે તેની જાણકારી આપી. વિવેકની અહીંથી જવાની વાત સાંભળી વિવેકે શર્મિલીના ચહેરા પર વિષાદ ફરી વળેલો જોયો. વાતચીત કરતાં કરતાં વિવેકે પૂનમને કહ્યું :“ પૂનમ! તને ખબર છે જીવણલાલ અને ઉમાદેવી તારા સાચા માતાપિતા ન હતા “ વિવેકની વાત સાંભળી પૂનમ અચંબિત થઈ ગઈ. તેને આજે જ ખબર પડી કે તે જીવણલાલ અને ઉમાદેવીની દત્તક પુત્રી હતી. તે ખામોશ થઈ ગઈ. વિવેકે જીવણલાલ અને ઉમાદેવીને પૂનમ કેવી રીતે મળી હતી તે આખી વાત જણાવી. તેમની વાત સાંભળી રહેલા ચોકીદારે વિવેકને કહ્યું :“ સાહબજી! શેઠજીકો પૂનમ શિમલાકી “કચ્ચી ઘાટી” સે મિલી થી ? “ વિવેકે હા કહેતાં તેણે ફરી પૂછ્યું :“ પૂનમ અકેલી હી મિલીથી યા ઉસકે સાથ ઉસકી જુડવા બહેનભી થી ?”
વિવેક : “ શાયદ અકેલી હી મિલી થી. પર તુમ યે સબ ક્યું પૂછ રહે હો ?”
ચોકીદાર બોલ્યો :“ પૂનમ કા અભાગી બાપ મૈ હું “ કહી રડી પડ્યો.
ચોકીદારે જણાવ્યું કે તે દિવસે તે અને તેમની પત્ની તેમની જોડિયા દીકરીઓને લઈ બીજા ગામે જવા માટે બસમાં બેઠા હતા. બસને અકસ્માત થતાં તે ખીણમાં જઈને પડી હતી. તેઓ ઘાયલ થયા હતા એટલે તેમને દવાખાને દાખલ કર્યા હતા. તેમની પત્નીને માથામાં ચોટ આવી હતી એટલે તે બચી ન શકી. તેમની દીકરીઓ તેમનાથી છૂટી પડી ગઈ હતી. તેમના કોઈ સગડ ન મળવાના કારણે સાજા થયા તે તેમની શોધખોળ કરવા અકસ્માતના સ્થળે ગયા હતા.તેમને દીકરીઓ તો ન મળી પરંતુ તેમના ગાળામાં પહેરાવેલું એક માદળિયું મળ્યું હતું. પાસેના એક ઢાબાના માલિક પાસેથી તેમને જાણવા મળ્યું હતું કે અકસ્માતના સ્થળેથી એક શેઠને એક બાળકી મળી હતી.જે તેઓ ઉછેરવા લઈ ગયા હતા. મારું મન કહે છે કે આ પૂનમ મારી જ દીકરી છે. “ કહી તેમણે પૂનમના માથે હાથ ફેરવી વહાલ કર્યું.

ચોકીદારની વાત સાંભળી શર્મિલી અચાનક ઊભી થઈ તેના ક્વાર્ટર તરફ દોડી. બે મિનિટમાં તે પાછી આવી ત્યારે તેના હાથમાં એક માદળિયું હતું. તેણે કઇ પણ બોલ્યા વિના તે માદળિયું ચોકીદાર સમક્ષ ધર્યું. તે માદળિયું જોઈ ચોકીદારની આંખો ઉભરાઇ આવી. તે શર્મિલીને પોતાની છાતીએ વળગાડી રડતાં રહ્યા. આજે અનાયાસે તેમને તેમની બંને પુત્રીઓ મળી ગઈ હતી.

બીજા દિવસે એક લક્ઝુરિયસ ટેક્સીમાં વિવેક, પૂનમ, ભોલુ, શર્મિલી અને તેમના પિતા હસતા ચહેરે દિલ્હી તરફ જઈ રહ્યા હતા. ગાડીની સ્ટીરિયો સિસ્ટમમાંથી લવારીસ હિન્દી ફિલ્મનુ મશહૂર ગીત “ કબકે બીછડે હુએ હમ..... આજ કહાં આકે મિલે .....” ગીત રેલાઈ રહ્યું હતું.
આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)
05-03-2020