Hava books and stories free download online pdf in Gujarati

हवा

એક કોર્પોરેટ વાર્તા
હવા
મુકેશ પંડયા
કંપનીમાં નવા વર્ષનાં ઇન્ક્રીમેન્ટનો સમય વિત્યે લગભગ બે મહિના થઇ ગયા હોવા છતાં તે ન મળ્યું એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપનીમાં જાતજાતની હવા ચાલવા લાગી હતી “બોસ,આવતા મહિનાના પગાર માં આવી જશે,બસ થોડા દિવસ પછી કંપની ડિકલેર કરી દેશે.” “ યાર એવી હવા છે કે આ વખતે માત્ર સાત કે આઠ ટકા જેટલું જ ઇન્ક્રીમેન્ટ છે ” “જોકે મને તો આ વખતે યાર જોરદાર ઇન્ક્રીમેન્ટ આવે એવું લાગે છે. તને શું લાગે છે?” “મને લાગે છે આ વખતે ઇન્ક્રીમેન્ટ દિવાળી પહેલા નહીં આવે ” “કાલે એકાઉન્ટ ઓફિસમાં મોટા સાહેબોની મીટિંગ થઇ હતી , મને આપણા એક ખાસ માણસે કહ્યું આ વખતે બહુ સારુ ઇન્ક્રીમેન્ટ નથી.” “ઉપર મેઇન ઓફિસવાળાઓ નું કહેવું છે બસ એક બે દિવસમાં ડીકલેર થઇ જશે,નહિં તો પછી સપ્ટેમ્બર-ઓકટોબરના ઇન્ટરીમ ની સાથે આપશે.” દર વરસે ઇન્ક્રીમેન્ટનાં સમયે કંપનીમાં આવી વાતો ઉડતી અને જાતજાતના પડીકાઓ ઉડયા કરતા,જોકે શાણા અને જાણકારો તેઓને આવી હવા ઉપર ધ્યાન ન આપવા સમજાવતા અને કહેતા આવી હવા કંપની મેનેજમેન્ટ અને તેમના ચમચાઓ,મળતિયાઓ જ ફેલાવતા હોય છે જેની પાછળ કંપનીના અંગત કારણો હોય છે,કંપની લોકોની મન:સ્થિતિ જાણવા માંગતી હોય છે,પોતાના કર્મચારીઓને આ રીતે માનસિક તાણમાં રાખી ઇન્ક્રીમેન્ટ તરીકે પોતાની ઇચ્છીત રકમ કે ટકાવારી આપીને તે લઇ લેવા આવી રીતે મજબુર કરે છે .વળી આવા મહત્વનાં નિર્ણયો એમડી ઓફિસમાંથી જ લેવાતા હોય એટલે બાકીના મેનેજમેન્ટને કશીજ ખબર ન હોય અને એટલે જ આવી વાતો નો બહુ વિશ્વાસ કરવો નહીં. જયાં સુધી હાથમાં પગારની રકમ ન આવે ત્યાં સુધી આવી હવા પ્રત્યે બહુ ઘ્યાન આપવું નહીં. પણ હવા માં વાતો કરનારાઓને આવી વાતો વધારે પીડાકારક લાગતી હોવાથી તેમની વાતો તરફ ધ્યાન આપવાને બદલે ચાલતી હવામાં રહેવાનું વધારે પસંદ કરતા અને તેમાં વહેતા રહેતા.અંતે હંમેશની માફક જયારે પણ જેવું પણ ઇન્ક્રીમેન્ટ આવતું તેવું સ્વીકાર કરીને બળાપા કે આનંદ વ્યકત કરતા કરતા પોતાના રોજીંદા કામમાં ગુંથાઇ જતા.
એમડી ઓફિસમાં છેલ્લા કેટલાય દિવસથી મીટિંગો નો દૌર ચાલી રહ્યો હતો. ઇન્ક્રીમેન્ટનો સમય હોવાથી મીટિંગમાં દરેક વિભાગની કામગીરી,આઉટપુટ,નવાપ્રોજેકટ,સ્ટાફ કામકાજ રિપોર્ટ,સ્ટાફ ઇન્ક્રીમેન્ટ વગેરે ચર્ચાના મુદ્દાઓ હતા.આ મિટીંગમાં કંપનીના ચેરમેનએ સમગ્ર સ્ટાફને દર વર્ષ કરતાં થોડું વધારે અને સમયસર ઇન્ક્રીમેન્ટ આપવાનો ઇશારો કર્યો હતો.જો કે આ વાત સ્ટાફ કે કર્મચારી વર્ગમાં જાણ ન થાય તેવી તેમણે ખાસ સુચના આપી હતી.
પરંતુ કંપનીમાં ઇન્ક્રીમેન્ટની જાહેરાત લગભગ ચાર મહિનાના અંતરાલ બાદ કરવામાં આવી. ઇન્ક્રીમેન્ટ દર વર્ષ મુજબજ આપવામાં આવ્યું હતું સાત થી દસ ટકા જેટલું જ. સમગ્ર સ્ટાફ કર્મચારીઓ બળાપા કે રાજીપા સાથે ખાસ કોઇપણ પ્રકારનાં વિરોધ વગર પોતાને મળેલ ઇન્ક્રીમેન્ટ અને તેનાથી પ્રાપ્ત બેનીફીટની ગણતરીમાં લાગી ગયા.
લોકોનાં પગાર વઘારામાં દરવર્ષની માફક સામાન્ય પગાર વધારો જ થયો હતો.જે વાત કંપનીનાં યુનિયન લિડરને ખટકી રહી હતી,કેમકે અંતિમ મીટિંગમાં એમડી દ્વારા આ વર્ષે દર વર્ષ કરતાં થોડું સારું એટલે કે વધારે ઇન્ક્રીમેન્ટ આપવાની વાત કરી હતી અને અચાનક જ એમડીએ તેમને વિશ્વાસમાં લીધા વગર ઇન્ક્રીમેન્ટ દર વર્ષે આપવામાં આવે છે તેટલું જ આપવાનો નિર્ણય લઇ લીધો હતો.જો કે તે એટલું તો સમજી રહ્યા હતા કે આમ કરવા પાછળ એમડી સાહેબનું કોઇ ચોક્કસ કારણ અને તર્ક હશે.પણ શું કારણ કે પોલિસી હોઇ શકે તે વિષે કશું તેમની સમજમાં આવી રહ્યું ન હતું. મેનેજર બે-ત્રણ દિવસો વિચારતા રહયાં પણ કશુંજ ન સમજાયું એટલે તેમણે એક દિવસ એમડી સાહેબને સમય અને તક જોઇને આમ કરવા વિષે પુછી લીધુ.સાહેબ,મને એક વાત જાણવાની બેહદ ઇચ્છા છે કે આપણે આ વર્ષે સ્ટાફને દર વર્ષ કરતાં થોડું સારુ ઇન્ક્રીમેન્ટ આપવાનું નક્કી કર્યું હતું તો પછી આમ અચાનક નિર્ણય બદલવા પાછળનું કારણ કે તર્ક મને સમજાયો નથી.
મેનેજરની વાત સાંભળી એમડી સાહેબે એક નિશ્વાસ નાખ્યો,હાથનો મોબાઇલ ટેબલ પર એક બાજુ મુકી શરીરને ખુરશી પર પાછળની તરફ પછાડતાં બોલ્યા,મી.મેનેજર તમે કંપનીની દરેક કામની બાબતોનું ઘણી ચોકસાઇ,નિષ્ઠાપૂર્વક ધ્યાન રાખો છો.લગભગ કોઇ બાબત તમારા ધ્યાન બાહર નથી હોતી પણ લાગે છે તમે માણસની સાયકોલોજી,વિચારસરણી કે માનસિકતા આપણે જે કાંઇ કહીએ તે તરફ તમે થોડુંક કે પછી જરાય પણ ધ્યાન નથી આપ્યું.
સાહેબ આપની વાત મને જરા વિસ્તારપૂર્વક અને દાખલા સાથે સમજાવો તો સારું રહેશે.
તમારી વાત સાચી છે કે મેં આ વર્ષે થોડું વધારે ઇન્ક્રીમેન્ટ આપવાની વાત કરી હતી અને તે આપવાની મારી પૂરેપૂરી ઇચ્છા પણ હતી.પરંતુ ઇન્ક્રીમેન્ટનાં એક સપ્તાહ પહેલાં મેં કંપનીના લેબર મેનેજર અને લેબર ઓફિસરોની શુભેચ્છા મુલાકાત ગોઠવી હતી.તે સમયે કેટલાક લેબર ઓફિસરોની વાતો,જવાબો અને તેમની સાથેની ચર્ચા પરથી કંપનીનાં કર્મચારીઓમાં ફેલાયેલી ઇન્ક્રીમેન્ટ વિષેની હવા વિષે જાણવા મળ્યું એટલે મેં વિચાર્યું કે આપણા કર્મચારીઓએ સારુ ઇન્ક્રીમેન્ટ નહીં મળવા વિષે માનસિક તૈયારી કરીજ લીધી છે તો પછી મારે વધારે ઇન્ક્રીમેન્ટ આપવાની જરૂર શું છે ? જો આ લોકો આટલી રકમમાં રાજી થઇ જવાના હોય કે કશુંજ ન કરવાના હોય તો પછી તેમને વધારે ઇન્ક્રીમેન્ટ આપવાની જરૂર નથી. પણ હા, આપણે આ ઇન્ક્રીમેન્ટ ત્રણ મહિના બાદ સરપાવ તરીકે કે વચગાળાનું ઇન્ક્રીમેન્ટ તરીકે આપીને તેમને આપણા અહેસાનમંદ બનાવીને વઘારે કામ લઇને કંપનીને ફાયદો કરાવી શકીએ.
એમડી સાહેબની વાત સાંભળી મેનેજરે માથું ખંજવાળતા પોતાની કેબીન તરફ ચાલતી પકડી.