Munjavan - 1 books and stories free download online pdf in Gujarati

મૂંઝવણ - 1

'મને ગમે છે ને એ?!'

એટલું બોલતા જ આંસુ દડ-દડ ગાલ પરથી વહેવા લાગ્યા. એવું લાગતું હતું કે જો કોઈ નહીં સંભાળે કે આલિંગનમાં નહીં લે તો હૃદય ધબકારા ચૂકી જશે.

આ શબ્દો પરાક્રમ, અતિશયોક્તિ કે ગાંડપણમાં બોલાયા હોય એવું તો રિધમને જોઈને લાગતું ન હતું. આ એક નરી સહજતા હતી જે રિધમને ભેટ સ્વરૂપે મળી હતી. એવું પણ ન હતું કે ભાવાવેશમાં આવીને એને ખબર ન હતી કે આ શબ્દો કોની સામે બોલાઇ રહ્યા છે. એની એક ખાસિયત હતી કે સહજતાથી એ કોઈ પણ પ્રશ્નને કે કોઈ પણ સંબંધને સરળ બનાવી દેતી.

દીવાનખંડમાં એક પ્રકારનો સન્નાટો છવાયેલો હતો. સોફાની ઉપર રહેલી ઘડિયાળનો ટક-ટક અવાજ પોતાની હોવાની હાજરી પૂરાવતો હતો. સમય જાણે વર્ષોથી થાક્યો હોય એમ ધીમી ધારે આગળ વધતો હતો. ઘરના દીવાનખંડનું દ્રશ્ય કોઈએ પહેલા જોયેલું ના હોય એવું હતું. એક બાજુ રિધમના માસી, એક બાજુ રિયાઝના મમ્મી-પપ્પા, અને એક બાજુ નિરાશા અને આશા વચ્ચે હાલક-ડોલક થાતી રિધમ.

રિધમની આંખો હમણાં જ આંસુ સુકાયા હોય એની સાબિતી આપતી હોય એમ થોડી ભીની હતી. હાસ્ય તો હમણાં ઘણા દિવસથી એના મોઢા પરથી ગાયબ હતું. ઓફિસના કપડામાં એની પર્સનાલિટી વધારે મનમોહક લાગતી. ખભાથી નીચેના મોટા ભાગે છૂટા રખાયેલા વાળ, સપ્રમાણ શરીર અને એક વાર જોઈને યાદ રહી જાય તેવો ચહેરો. ઓફિસને અનુકૂળ એવા બ્લેક શર્ટ અને જિન્સમાં અત્યારે એ વધારે પ્રતિભાશાળી અને પ્રભાવશાળી લાગતી હતી. આમ પણ એનું વ્યક્તિત્વ હજાર માણસોમાં ઉભરી આવે એવું હતું.

આ બધા દિવસો આમ ચકડોળની માફક હતા. ક્યારેક ઉપર અનુભવાતો રોમાંચ તો ક્યારેક નીચે જવાનો ડર, ખબર નહીં સમય જાણે અટકી જતો. રિયાઝ અને રિધમ માટે જ નહીં, એ બંને સાથે જોડાયેલા બધા જ લોકો માટે.

જોવા આવ્યા'તા, રિયાઝના મમ્મી-પપ્પા, અંદરથી તૂટીને ધરબાઈ ગયેલી એક સાધારણ છોકરીને! ના, અહીં કોઈના ચહેરા પર ખુશી ન હતી, પ્રશ્નો હતા કે હવે શું?

યુવક-યુવતી એકબીજાને જોવા આવે ત્યારે કુટુંબમાં એક પ્રકારનો માહોલ સર્જાતો હોય છે. થોડો ડર કે નર્યો આનંદ કે નવા સંબંધની ઉત્સુકતા - યુવક કે યુવતી કરતા કુટુંબીજનો વધારે આતુરતા દર્શાવીને આ ઘટનાને પ્રસંગમાં રૂપાંતરિત કરી દેતા હોય છે.

અહીં વાતાવરણ કંઈક અલગ હતું. રિયાઝના મમ્મી-પપ્પા આશ્વાસન દેવા આવ્યા હતા. એ સાંત્વના દેવા આવ્યા હતા કે રિધમ બધું ભૂલીને સ્વસ્થ થઈ જાય. રિયાઝને ભૂલી જવાનું? કેવી રીતે શક્ય બનશે? રિયાઝ તો અહીં આવ્યો ન'તો તો આ એને કહેવડાવ્યું હશે? આશા છોડી દીધી એને? હવે મારે બધું ભૂલી જવાનું? સ્વગત પ્રશ્નો ઘેરી વળ્યાં રિધમને.

'ગમે છે પણ શું થઈ શકશે બેટા, તું જ કહે, તું જાણે છે ને તારા પપ્પાનો સ્વભાવ!'

'હા માસી, ખબર છે મને પણ હું મનાવી લઈશને એમને, હું એમની લાડકી દીકરી છું. નહીં ટાળે મારી વાત.'

'બેટા, તારા મમ્મી-પપ્પા રિયાઝને જોઈ ગયા, મળી ગયા, ઘરે એના મમ્મી-પપ્પાને પણ મળી આવ્યા. એમની ઈચ્છા નથી આ સંબંધ માટે. '

'જાણું છું માસી, પણ મને થોડો સમય જોઈએ છે. હું મનાવી લઈશ એમને.'

'તારી આ જીદ ખોટી છે રિધમ, તે જ કહ્યું હતું ને કે પપ્પાની હા એ હા અને ના એ ના. પછી ખોટી જીદ નથી આ?'

'ના, માસી.'

'બેટા, સમય જતાં બધું બરાબર થઇ જશે. રિયાઝના લગ્નમાં આવજે. રાહ જોઈશું અમે તારી. અને અમે એને પણ સમય આપી રહ્યા છીએ આમાંથી સ્વસ્થ થવા માટે.'

આટલું બોલતાં જ અવાજ ઢીલો પડી ગયો અને રડી પડાયું. સંબંધમાં અલ્પવિરામની જગ્યા એ આજે પૂર્ણવિરામ મૂકવા આવ્યા હતા અને એ પણ એમની ઈચ્છા વિરુદ્ધ, એ વિચારીને આંસુ પર કાબૂ ના મેળવી શક્યા અજિતભાઈ. છોકરાના પપ્પા થઈને આમ રડવું બધાની સામે એ લાચારી નહીં પણ લાગણીની જીત હતી. લાચારી પણ કંઈક અજીબ પ્રકારની જ હતી આ. કોઈ પણ હ્રદયને સ્પર્શી જાય એવું દ્રશ્ય હતું એ.

'અંકલ, તમે ઢીલા ના પડો. રિયાઝ માટે છોકરી જોવા જાવ ત્યારે મને પેલા બતાવજો. એને કોઈ જેવી-તેવી સમજી નહીં શકે. સ્વીકારવાના પહેલા પગલાં પર ચડી રહી હોય એમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.'

'હા દીકરી, હવે તમે બંને સ્વસ્થ થઈને પોત-પોતાના રસ્તા પર આગળ વધો બસ એટલું જ,' આગળ ના બોલી શકાયું એમનાથી.

'ના અંકલ, હું લગ્ન તો નહીં જ કરું. રિયાઝને તમે પરણાવો પણ હું તો નહીં જ કરી શકું. નહીં થાય એવું મારાથી. '

'બેટા, બધા મા-બાપને પોતાના દીકરી-દીકરાના લગ્નના અરમાન હોય અને એમની ઈચ્છા સાથે અને સરસ પાત્રતા જોઈને પરણી જવાશે, સમય આવશે અને બધું ઠેકાણે પડી જાશે.'

શબ્દો ખૂટતા હતા અને અજિતભાઈથી અને આમ અજાણ્યા ઘરે બેસવું વધારે શક્ય ન હતું. અજાણ્યું જ તો, રિયાઝને ગમતી છોકરી અને એની સાથે પરિચય પણ આમ નહિવત જેવો. પણ રિયાઝને ગમતી છોકરી અને ખબર પડી કે મમ્મી-પપ્પાથી દૂર રહે છે. થોડા દિવસો પહેલા જ રિયાઝને જોઈને અને મળીને એના મમ્મી-પપ્પાની આ સંબંધ માટે ના આવ્યા પછી રડીને પોતાના દિવસો કાઢે છે ત્યારે એમ થયું કે એક વાર મળીને આશ્વાસન તો આપી જ શકાય ને, ભલેને માનવતાના આધારે! પત્ની આશાબેન પણ ગળે ડૂમો બાઝી ગયો હોય એમ વધારે બોલી શકતા ન હતા. કંઈક તો એવું હતું એ છોકરીમાં. તમે મને પહેલા છોકરી બતાવજો - આ વાક્ય એમને સ્પર્શી ગયું. રિયાઝને કેટલું જાણી ગઈ હશે એ!

ઔપચારિક આવજો કહીને ઉભા થયા અને રિધમને પણ લાગ્યું કે હવે આ વાત પર ચર્ચા-વિચારણાને કોઈ અવકાશ નથી પણ એનું માનવા તૈયાર ન હતું કે રિધમે પણ હાર સ્વીકારી લીધી? કેમ એવુ કર્યું હશે એણે? કોઈએ કંઈ કીધું હશે એને? આટલી જલ્દી ભૂલી જશે એ મને? વાત પણ ના કરી? મારી ભૂલ થઈ છે એને ઓળખવામાં?

ઢગલો થઈને બેસી પડી સોફા પર. આંખ બંધ કરી અને ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું. જાણે એના જીવનમાં રિયાઝ વગર કંઈ છે જ નહીં. ના એ એવું ના કરી શકે. એ મને વાત તો કરે જ. હું ફોન પર વાત કરી લઈશ. ના, એ ભૂલવા માંગતો હશે તો? અરે પણ પૂછી તો શકાયને? ના, જ્યાં આગળ વધવાનું જ નથી ત્યાં પૂછીને પણ શું કરું?

મેસેજના ટોને તંદ્રામાંથી જગાડી. કોઈ સાથે વાત કરવાનો મૂડ ન હતો. પણ સ્ક્રીન પર નામ વાંચીને ઉભી જ થઈ ગઇ સોફા પરથી.

(ક્રમશ:)