mrutyu pachhinu jivan - 27 books and stories free download online pdf in Gujarati

મૃત્યુ પછીનું જીવન - 27

મૃત્યુ પછીનું જીવન—૨૭

રાઘવ ઓફિસરૂમમાં રાત્રે બે વાગે ઘરની મોર્ગેજ લોનની સમસ્યાનો ઉકેલ શોધતાં સમીરનું ધ્યાન દોરે છે, નકલી સિગ્નેચર તરફ અને અને ફોરેન્સિક લેબમાં અર્જન્ટમાં રીપોર્ટ કઢાવવાની સલાહ આપે છે. સમીરને રસ્તો મળતાં એ રાઘવનો આભાર માને છે. રાઘવને હવે વિશ્વાસ છે કે એનાં બતાવેલ રસ્તે અંશ અને સમીર ઘર પાછું મેળવીને રહેશે.

રાઘવના મનોમય શરીરથી જાણે મોટો બોજો ઉતરી ગયો. ગોમતીની જેમ રાઘવને પણ એનાં ઘરનું વિશેષ આકર્ષણ હતું ,જ્યાં એની બાએ શરીર છોડ્યું હતું ,એ ઘર એ છોડવાં તૈયાર નહોતો. બાનાં આશીર્વાદ કહો કે ગુડ લક ; કંઈ તો હતું જ આ ઘરમાં, જ્યાં દરેક પગલે એ આગળ વધતો જ ગયો અને નાની ખોબલીમાંથી આવું મહેલ જેવું ઘર બનાવ્યું, “રાઘવ સદન” ...! આ ઘરે એને ખુબ બરકત અપાવી.. એનું આ ઘર એની જીવનભરની મૂડી હતી..જે એનાં પરિવાર માટે જાળવી રાખવા માંગતો હતો.

રાઘવ ફરી યાદોમાં સરી પડ્યો, ‘કેશુભા ......! કોણ છે આ કેશુભા..? આજે જે એનાં ઘરની પાછળ પડ્યો હતો એ કેશુભા...? હંમેશા જે એનો ખાસ હતો એ કેશુભા...? પહેલી વાર એને મળ્યો હતો એ કેશુભા ...? ધીમે ધીમે એના દરેક બિઝનેસ સંભાળી લીધાં એ કેશુભા...? એનાં ઘર અને પરિવારને પણ સંભાળી લેતો એ કેશુભા...? અને શું નીકળ્યો આ કેશુભા... ! અને હોઈ શકે કે એનો ખૂની પણ આ જ કેશુભા....! એક માણસના આટલાં બધા અલગ અલગ ચહેરાઓ હોઈ શકે, આજે જોયું ..અને જીંદગીભર જેનો વિશ્વાસ કર્યો ,એનો અસલી ચહેરો તો હવે જોવા મળ્યો, મર્યા પછી ...'

રાઘવ ફરી ભુતકાળમાં સરી પડ્યો, એ સમયકાળમાં જ્યાં એ કેશુભાને મળ્યો હતો...

‘હાજી મસ્તાન સાથે જોડાયા પછી રાઘવ ફરતો જ રહેતો, ક્યારેક તો દિવસો સુધી પાછો નહીં ફરતો, ઘણી વાર મુંબઈથી દુબઈ અને દુબઈથી વળી સિંગાપોર અને ત્યાંથી વળી કલકત્તા...કોઈ વાર તો એનાં માલ પર છાપો પડતાં થોડાં દિવસ જેલની હવા પણ ખાવી પડતી, કોઈ વાર તો ડ્રગ્સની હેરાફેરી વખતે અલગ વેશ અને અલગ આઈ કાર્ડ બનાવીને ફરતો રહેતો. ઘર કેવું છે અને ક્યાં છે એ પણ ભુલી જતો. પણ રાઘવને એનું એ જુનુન યાદ હતું , બસ એને ખુબ જ કમાઈ લેવું હતું, જે પૈસા વિના બાને ગુમાવી હતી,, એ પૈસાથી ઘરને છલકાવી દેવું તું, દુનિયા જીતી લેવી તી. એને રાત-દિવસ, ગરમી –ઠંડી –વરસાદ , કોઈ ઋતુ , કોઈ દેશ , કોઈ મિત્ર – શત્રુ અટકાવી શકતું જ નહી...અને હાજી મસ્તાનને પણ આવા જ માણસની જરૂર હતી. એમની દિશા અને રાઘવની મહેનત ...! હાજી મસ્તાનનું કહેલું પ્રત્યેક કામ રાઘવ કરતો. ૫ વર્ષમાં તો રાઘવે ઘણું કમાઈ લીધું.

ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવતું ગેરકાયદેસરનું સોનું, ઘડિયાળો અને ઈમ્પોટેડ આઈટ્મોને વેચવા બાબા સાહેબે દમણનાં માર્કેટ પર નિર્ભર રહેવું પડતું. એટલે બાબા સાહેબે દમણમાં આવી એક શોપ શરું કરવાનું નક્કી કર્યું. અને ત્યાં મુલાકાત થઇ આ કેશુભાની. શરુઆતમાં તો અમે એમને શોપ સાચવવાં રાખ્યાં હતાં. પણ એમની ધગશ, ચીવટ, કાળજી, એક એક રૂપિયાનો હિસાબ રાખવો ; આ બધી ટેવો થી હું અને બાબા સાહેબ એમની આ ટેવોના ગુલામ ક્યારે બની ગયાં, ખબર જ ન પડી. અને ઉપરથી મીઠી મધ જેવી વાણી ; હું અને બાબા સાહેબ ગમે તેમ બોલતાં કે ગમે તેમ ધંધો કરતાં , પણ કેશુભા બધું યોગ્ય રીતે, ધીમે ધીમે , પણ ચોક્કસ કામ કરતાં. ધીમે ધીમે એવું બનતું કે અમને બંનેને શોપ વિશે જે ખબર ન હોય , એ બધું જ કેશુભાને ખબર રહેતી. અને એમને શોપ સોંપીને અમે બીજા કામમાં વ્યસ્ત રહેતાં .એ શોપ એકલે હાથે સારી રીતે સંભાળવા લાગ્યાં . અને ક્યારે એ શોપના મેનેજર માંથી પાર્ટનર બની ગયાં, યાદ પણ નથી હવે તો ...એ જ રીતે એક પછી એક બીજા નવા બિઝનેસ અમે શરુ કરતાં ગયાં અને કેશુભા સંભાળતા ગયાં; મુંબઈમાં ઈલેકટ્રોનીક શો રુમ, હોટેલ, પેટ્રોલ પંપ....એક પછી એક શરુ કરતાં ગયાં. અને કેશુભા પણ આ બધામાં પ્રવેશતાં ગયાં.

બે મિનિટ સ્થિર થઈને રાઘવ વિચારતો રહ્યો, અમે બંને કેશુભાની નિયત જાણી કેમ ન શક્યા , જયારે અમે અમારા ધંધામાં આવા તો કેટલાયને પકડી પડ્તા?

અને જાણે એને તાળો મળી ગયો હોય એમ એ બે ઘટનાઓ યાદ કરવાં લાગ્યો,

‘પહેલી ઘટના જયારે અમે અમારા બ્લેક મનીની પેટીઓ ને પેટીઓ કેશુભાને હવાલે સોંપીને જતાં રહેતાં અને કેશુભા અમારા સી.એ. સાથે બેસીને એક એક રૂપિયાને સેટલ કરતાં અને અમારા આ બધા બિઝનેસની કમાણી બતાવતાં રહેતાં અને અમે એ બાબતે એકદમ નિશ્ચિંત થઇ જતાં...

બીજી ઘટના, જયારે નાનો સમીર બે વર્ષનો હતો અને દાદર પરથી પડી ગયો હતો. અને એ સમયે હું સિંગાપોર ગયો હતો , બાબા સાહેબનો માલ લેવા ... સમીરને ઘણી ઈજાઓ થઇ હતી , માથામાં પણ વાગ્યું હતું . અને એ સમયે કેશુભા પળનોય વિચાર કર્યા વિના સમીરને હાથમાં તેડીને ભાગ્યા હતાં. જ્યાં સુધી હું ઘરે પાછો નોતો ફર્યો, ખડે પગે ગોમતી સાથે હાજર રહ્યાં હતાં. અને એ દિવસથી કેશુભાએ અમારા ઘરમાં જ નહી , સૌનાં દિલમાં પણ વિશેષ સ્થાન મેળવી લીધું હતું. હું તો અડધા દિવસ બહાર રહેતો, પણ ત્યારે અમારા ઘરમાં કોઈ કામ એને પૂછ્યા વિના નહી થતું !’

પણ રાઘવ ફરી વિચારતો રહ્યો , જે માણસને મેં આટલું ઊંચું સ્થાન આપ્યું, આટલું માન આપ્યું, દરેક ધંધામાં પાર્ટનરશીપ આપીને આટલી કમાણી કરવી, તેને આવી ઓછી હરકત કરવાની જરૂર શું પડી?

અને રાઘવે હવે કેશુભાનો પીછો કરવાનું શરું કર્યું.

શોકસભામાં બધાય જરૂરી માણસોની સાથે યોગ્ય વાતચીતનો વ્યવહાર પતાવી કેશુભા ચાયનાં કાઉન્ટર પર ગયાં , ચાયની ચૂસકી લેવાં. હવે એ રાઘવના શકના ઘેરામાં આવી ચુક્યા હતાં, જે વાતથી કેશુભા અજાણ હતાં. ઉભા ઉભા વિચારી રહ્યાં હતાં , હવે એક અઠવાડિયા પછી કઈ રીતે આ ફેમિલીને ઘરથી દૂર કરવું ? અંશ અને સમીર તો પુરેપુરા એમનાં કહ્યામાં છે, એમને તો ખબર પણ નહી પડશે કે આ કાવતરાનો માસ્ટર માઈન્ડ કેશુભા છે...’ અને એક લુચ્ચું કપટી સ્મિત તેના હોઠોને ખુણે રમી રહ્યું...

ચાય પીને ગોમતી અને અન્ય સ્ત્રીઓને ગાડીમાં બેસાડી કેશુભાની ગાડી નીકળી , એક અલગ રસ્તે...રાઘવ પણ એનો પીછો કરતો રહ્યો એની જ ગાડીમાં...અને આખરે કેશુભાની ગાડી એક વિશાળ બંગલાના ગાર્ડનમાં આવી ઊભી...

અરે....આ શું .......! શક્ય જ નથી, કેશુભા અહીં...! રાઘવનું મનોમય શરીર ખુબ જ ભારે ભારે થઇ ગયું...

-અમીષા રાવલ

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

કેશુભાની ગાડી કોનાં બંગલાની બહાર આવીને અટકી? રાઘવ એ જગ્યા જોઇને કેમ આટલો ચોંકી ગયો? હવે નવો કયો આઘાત રાઘવની રાહ જોઈ રહ્યો છે? તમારી દરેક ઉત્સુકતાનો જવાબ મળશે તમારી પ્રિય નવલકથા , “મૃત્યુ પછીનું જીવન’’ માંથી...વાંચતાં રહો અને રેટીંગ આપતાં રહો...

ALL RIGHTS RESERVED OF THIS BOOK

@UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.