Ame suki dal na pankhi books and stories free download online pdf in Gujarati

અમે સુકી ડાળ ના પંખી

સૌરાષ્ટ્ર પંથકની આ ઉનાળાની ભર બપોરે કાળો તડકો એક જ જગ્યાએ સ્થિર બની થંભી ગયેલો. આ વર્ષનો તડકો એટલે ભલભલાને જીવતા અંદરથી જ બાળી નાખે, આમ તો દર વર્ષે ધરતી પર તાપનું પ્રમાણ સતત વધતું જાય છે. તેથી જ આ સળગ રસ્તા પર દુર સુધી મૃગજળનાં ખાબોચિયા દેખાય છે. અને તેની ઉપરથી કેટકેટલાય વાહનો ભીના થયાં વિના ફૂલ જડપે દોડી રહયા છે. તો વાહનો પાછળથી નીકળતો ઝેરી કાળો ડામરીયો ધુંવાડો અત્યારની લૂં માં અત્યંત વધારે કરે છે. રસ્તાની બંને બાજુ મોટાભાગે બાવળનાં અડીખમ વૃક્ષ ઊભા છે. તો ક્યાંક વચ્ચે બીજા વૃક્ષને પણ કહેવા પુરતું સ્થાન મળ્યું છે. તપતો સુરજ એકદમ આકાશના મધ્યમાં આવીને ઉભો રહી ગયો. પવન વિના ઝાડનું એક પાંદ પણ હલતું ચલતું ન હતું. આવા સમયે હરકોઈ સજીવ ચૂપચાપ બનીને બેસી ગયાં હતા. જાણે પોતે બોલશે તો કેમ તેને લૂં ભરખી જવાની હોઈ ! તેમ છતાં કોઈની પણ બીક રાખ્યા વિના આ લહેરાતો ગુલમહોર રસ્તાની ડાબી બાજુથી જમણી બાજુ કોઈ સામું એકલો હસી રહયો હતો. આ હર્યાભર્યા ફૂલોને જોઈ કોઈ પોતાની માતાને ઠપકો આપી રહયું હતું. જયારે માતા તો કોઈ ઉંડા ખ્યાલમાં ખોવાઈ પોતાના બાળની વાતને ક્યારની નજર અંદાજ કરતી હતી. કોણ જાણે એક સૂકાં ઝાડ ઉપર બેઠેલાં લીલા પંખીને શું વિચાર આવતાં હશે ?


આ પહોળા રસ્તાની જમણી બાજુ ગુલમહોરની એકદમ સામે લાંબી ચાર ડાળો વાળું એક સૂકાયેલું ઉચું વૃક્ષ ઉભું હતું. જેની બે ડાળો રસ્તા પર નમેલી અને બીજી બે સ્થંભની માફક સીધી હતી. જેમાંની એક પાતળી ડાળી ઉપર કાળાકોશી (Black Drongo)નો નાની નાની સળીઓથી ગુંથેલો ગોળ વાટકી જેવો સુંદર માળો હતો. આ માળામાં હાલતો માદા પોતાના ઈંડા ઉપર બેઠી હતી. અને નર તેની દેખરેખ માટે બાજુની ડાળીએ બેઠો બેઠો વટથી બોલી રહયો હતો. બસ તેનાથી થોડી જ નીચેની ડાળીએ ૩૫-૪૦ સાઠીકડા આમતેમ ગોઠવી મુકીને તૈયાર કરેલા માળા ઉપર તેનાં બે બચ્ચાં સાથે એક હરિયલ(Yellow-Footed Green Pigeon) બેઠી હતી. આમ તો બચ્ચાંની પાંખોમાં નાનાં નાનાં પીંછા આવી ગયાં હતા. પણ હજી તેને આકાશમાં ઉડવાની થોડી વાર લાગશે. વૃક્ષ કારણ વિના સુકાય નહિ. પરંતુ હાલની પરિસ્થિતિ જ એવી ગંભીર બની છે કે, કારણ શોધવાની પણ ક્યાં જરૂર રહે છે. બધું જ આંખ સામે તો બને છે. આમ જોતા ભલે આ સુકું વૃક્ષ દુઃખી કે કરમાયેલું લાગતું હોય. પણ તેમ છતાં તે પોતાને ભાગ્યશાળી માનતું હશે. કારણ કે આવી હાલતમાં પણ તે બીજાનો સહારો બનીને ઉભું હતું. અને તેની સુકાયેલી ડાળીએથી હજી પણ કોઈ લીલા અને કાળા પંખીનો અવાજ આવી રહયો હતો. આવા સમયે પણ પંખી અને વૃક્ષે એક બીજાને સાથ આપ્યો છે. બાકી સૂકાં ઝાડવે કોને બેસવું ગમે ? આ તો એક બીજા પ્રત્યેની પવિત્ર લાગણી છે. જે તેને આટલા પાસે ખેચી લાવે છે. આ ને હકીકતમાં લાગણી કહીએ કે મજબુરી ?


બપોરની તડકી ખરેખરની તપી ગયેલી હતી. હરિયલ પોતાના બચ્ચાંને સુર્યનાં તાપથી બચાવવા બંને પાંખો પહોળી કરી બચ્ચાંને ઢાંકવાની કોશિશ કરી રહી હતી. જયારે બચ્ચાંને તો તાપની જગ્યાએ સામેના લહેરાતા ગુલમહોરને જોઈ અંદરથી જ દુઃખ થતું હતું. અહિયા કેવો સૂર્યનો તાપ સીધો ઉપર આવે. જયારે પેલા ગુલમહોરનાં ઠંડા છાંયડે કેવું બુલબુલ (Red Vented Bulbul) ગાઈ રહયું છે. આપણું ઘર જ કેમ આવા સુક્કાં ઝાડ ઉપર હશે ? એ પણ એક રસ્તાની બાજુમાં કે જ્યાંથી સતત ઘોંઘાટ પસાર થાય છે. રાત દિવસ પોતાના ઘરમાં થોડો પણ આરામ નહિ, બસ થોડીવાર આંખ બંધ થાય ત્યાં કોઈ ફુલ જડપે ઘોંઘાટ કરતુ આવી જાય. પછી તો નીંદર પણ ક્યાં જાય ? કોને ખબર ? વળી આખો દિવસ ગરમ લૂં માં પસાર કરવાનો, આવું તો કઈ હોતું હશે ? આવા ખામી ભર્યા ઠપકા બંને બચ્ચાંની આંખોમાં સાફ જોઈ શકાતાં હતા. વળી તેની આંખોમાં નીરખી જોવે પણ કોણ ? આ બધું જ બસ એક માતા જાણતી હતી. પરંતુ તે પણ કઈંક કરવા મજબુર હતી. બસ પોતાના બચ્ચાં સાથે આંખોના ઈશારે વાતો થતી હોય છે. જે કદાસ આપણી સમજની એકદમ બહાર છે. બચ્ચાંનું બાળપણ કેવું સુંદર અને મજાનું હોય છે. અવનવા નખરાં અને આકાશમાં ઉડવાની ઘેલસા અદભુત ને અનેરી હોય છે. ખોબા જેવડા માળામાં બેઠાં બેઠાં તૈયાર ખાવા-પીવાનું મળી રહે. આથી વિશેષ બીજું શું જોઈએ ? શું આને જ ખરું બાળપણ કહેવાય ?


આજે પણ બપોર થતાની સાથે બંને બચ્ચાંઓનું બોલવાનું શરૂ થઇ ગયું. એ સાથે માતા પણ સમજી ગઈ કે હવે તેને ભુખ લાગી છે. હવે થોડો પણ વિલંબ કર્યાં વિના તે બચ્ચાં માટે ખાવાનું શોધવા ઉડી ગઈ. માળામાં બચ્ચાં હવે એકલાં બેઠાં હતા. તેની નજર હવે ઉપરની ડાળીએ બેઠેલાં કાળાકોશી પર પડી. તે કાળા તડકામાં ક્યારનો બોલી રહયો હતો. પરંતુ તેનું બોલવું હરિયલનાં બચ્ચાંને થોડું પણ ગમતું ન હતું. તેને હાલતો ભુખ લાગી હતી. અને વળી ઉપરથી પાછો આવો લાવા વરસાવતો તડકો, આવી કપરી હાલતમાં કોઈ અવાજ કરે તો કેવું લાગે ? આમ પણ કેટલાય દિવસથી અણસમજુ બચ્ચાંને તેનાથી ઉપરની ડાળીએ કાળાકોશીનો માળો જોઈને ઈર્ષા થતી હતી. કેમ તેનો માળો આપણાથી પણ ઉચો ? ત્યાં આપણું ઘર હોત તો કેટલું દુર સુધી જોઈ શકત ? હવે બચ્ચાંનું આ નિરાકરણ પણ કેવી રીતે લાવવું ? આખરે તે એક બાળ છે તેને કેટલી ખબર પડે ? જીવનના આગળના પડાવમાં તેને આ બાબતનો જવાબ પણ જરૂરથી મળી જ રહેશે. જયારે કુદરત તો તેનો જવાબ તરત જ આપે છે. આખરે માતા દુરથી બચ્ચાં માટે ખોરાક શોધીને પાછી ફરી, આ સમયમાં પંખીઓને પોતાના પેટ માટે ખોરાક શોધવો ખુબ જ કપરો બની ગયો છે. કારણ કે મોટા ભાગના પંખીડા નાની જીવાંત, ઈયળ, ફળ-ફૂલ વગેરે ખાતા હોય છે. પરંતુ હાલ ખેતીવાડીમાં વપરાતી રાસાયણિક દવાને પગલે આવી જીવાંત અને ઈયળ નાશ પામે છે. જે પંખીઓનો ખોરાક છે. તેમજ ફળ-ફૂલને પણ દવાથી વિકસાવે છે. હવે આવા સમયે પક્ષી પાસે ખાવા કશું પણ રહેતું નથી. આખરે તે પોતાના બચ્ચાંને શું ખવડાવી મોટા કરશે ? પોતાનો બધો જ ખોરાક તો નાશ પામ્યો છે. જેથી આવા સમયે પક્ષી કુદરતનો સહારો લેતું હોય છે. અમુક મોટા ઝાડ હોય ત્યાં ખોરાકની શોધ કરે છે. આ કામ એટલું પણ સરળ નથી હોતું. આ માટે કેટકેટલાય વૃક્ષ ફરવા પડે છે. ત્યારે જઈને પેટનો ખાડો પુરાય છે. આ માટે ઘણી જ ઉર્જાની જરૂર રહે છે. શું પક્ષી બનવું સરળ છે ?


દુરથી પોતાની માતાને આવતી જોઈ બંને બચ્ચાં માળામાં જ ઉછળવા લાગ્યા. અને જેવી હરિયલ ડાળીએ આવીને બેઠી એટલે તરત જ બચ્ચાંઓએ ચાંચ ખોલવાનું શરૂ કર્યું. જાણે કહેતા હોય કે ‘ પહેલાં મને, પહેલાં મને ‘, હવે માતાએ થોડો પણ વિલંબ કર્યાં વિના બંને બચ્ચાંને વારાફરતી થોડો થોડો ખોરાક ચાંચમાં આપ્યો. ખોરાક માટે હંમેશા બચ્ચાંઓ એકબીજા સાથે લડતાં હોય છે. આ બધું તો ખાલી પેટ કરાવે છે. વળી શરીરના વિકસતા કદને કારણે ધીમે ધીમે ખોરાકની પણ વધારે જરૂર પડે છે. આ માટે બાળપણથી જ હરીફાઈ શરૂ થઇ જાય છે. જે સમય સાથે લડવા સક્ષમ બનાવે છે. બંને બચ્ચાંઓને પ્રમાણસરનો ખોરાક આપી દેવાયો હતો. હરિયલ હવે ફરીથી આરામ માટે માળામાં ગોઠવાય ગઈ. રસ્તા પર વાહનો ઝડપથી જઈ રહયા હતા. ઉનાળો ક્યારની લૂં ફેકી રહયો હતો. ગુલમહોરનાં ફૂલ ઉપર એક શકકરખોરો(Sunbird) ક્યારનો ઝૂલી રહયો હતો. જયારે બચ્ચાં તો ફરી પાછા પહેલાં જેવા બનીને બોલતા કાળાકોશીને જોવા લાગ્યા. શું કાળાકોશીનું ગાન એટલું શૂર વિનાનું હશે કે જે હરિયલનાં બચ્ચાંને નહિ ગમતું હોય ?


બસ ત્યાં જ અચાનક શકકરખોરાએ પણ બોલવાનું શરૂ કર્યું. તેનું ગાન કોઈ આજુબાજુની માદા માટેનું હતું. પરંતુ એ પહેલાં તેનાં ગાને બચ્ચાંનું ધ્યાન ખેચી લીધું હતું. બચ્ચાંને પણ ઘણી ઈચ્છા થતી હતી ત્યાં ઝૂલવા જવાની, પણ તે શક્ય ન હતું. તેથી તેની સામે જોઈને જ આનંદ મેળવવો રહયો. આખરે નરનું ગાન રંગ લાવ્યું. અને ગુલમહોરે માદાનું આગમન થયું. માદાને જોઈ નર વધારે ઉત્સાહી બની નાચતો ગાવા લાગ્યો. તેનાં આવા પ્રણય ગીતથી વાતાવરણમાં અનેરો રોમાન્સ ફેલાવા લાગ્યો. તેનો અવાજ દુર સુધી સંભળાય રહયો હતો. આજુબાજુના દરેક જીવનું (માણસ સિવાય) તે ધ્યાન આકર્ષિત કરતો હતો. આવા તપતાં ઉનાળાના ભરબપોરે કેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાય રહયું હતું. ધીમે ધીમે ગુલમહોર ઉપર બંનેની સંતાકુકડી શરૂ થઇ. જયારે માળામાં બેઠેલાં બચ્ચાંઓનું મન તો ‘ ગુલમહોર ઉપર માળો હોત તો કેવું સારું હોત ‘ ત્યાં અટક્યું હતું. વળી મોટા થઈને ત્યાં જ બેસવા જવાની ઈચ્છા પણ સાફ નજર આવી રહી હતી. એ દિવસને પણ હવે ક્યાં બહું વાર છે. કાલ સવારે મોટા પીંછા આવી જશે એટલે આકાશે ઉડીશું, અને ગુલમહોરની ઝૂલતી ડાળીએ મીઠા ગીત ગાઈશું. પ્રણય ઘેલો નર ક્યારનો માદાને આકર્ષવા માટે ઉચેથી ગાઈ રહયો હતો. પરંતુ માદા નખરાં કરતી તેને આમતેમ તડપાવી રહી હતી. પણ આમ કઈ નર શકકરખોરો સરળતાથી હાર માને તેમ ન હતો. તે પ્રણયમાં એટલો બધો ઘેલો થઇ ગયો કે, હાલની પરિસ્થિતિનું બધું જ ભાન ભૂલી ગયો. શું સાચે જ પ્રણયમાં આવું થાય છે ?


ઉનાળાની બપોર એકાએક હળવીફૂલ બની ગઈ હતી. આખાય ગુલમહોરનાં ઝાડ પર શકકરખોરાનાં પ્રણય ભર્યા નખરાં જોઈ બુલબુલ પણ શરમાય જતું રહયું. તેથી હવે આખાય ઝાડ ઉપર પોતાનું જ પ્રભુત્વ હોવાનો રંગ નરને લાગ્યો હતો. તેનાં ઘાંટા જાંબલી શરીર ઉપર બે પીંછા ઉપર પીળાશ ચમકી રહી હતી. જે તેની સુંદરતામાં અનેરો વધારો કરી રહયો હતો. હાલ તો હરિયલનાં બંને બચ્ચાંનું મન આ શકકરખોરાની પ્રણયલીલા જોવામાં પરોવાયેલું હતું. બસ ત્યાં જ ફરીવાર અચાનક કાળાકોશીએ મોટેથી બોલવાનું શરૂ કર્યું. તે જોઈને બચ્ચાંનાં રંગમાં ભંગ પડ્યો. તો આ બાજુ કાળાકોશીનાં બોલવાથી શકકરખોરાને કશો જ ફેર ન પડ્યો. અને વળી ઓછું હોય તેમ પ્રણયનાં ઉત્સાહમાં અનેરો વધારો થયો. જયારે કાળાકોશીએ તો થોડું પણ થંભ્યા વિના આમ જ બોલવાનું શરૂ રાખ્યું. તેનું આવું કર્કશ ભર્યું સતત બોલવું બચ્ચાંઓ માટે કંટાળાજનક હતું. પરંતુ માળામાં બેઠેલી માતા બધું જ સમજી ગઈ હતી. તેની ટુંકી ડોક ચિંતા સાથે આજુબાજુમાં જોવા લાગી. અને ઉપરની ડાળીએ માળામાં બેઠેલ માદા પણ, આ એક સંકેત હતો, તમારી આજુબાજુમાં શિકારી હોવાનો, કાળાકોશીનાં અવાજથી કદાસ આજુબાજુમાં બધાને ખબર પડી ગઈ હશે. પરંતુ હજુ સુધી આ બંને અણસમજુ બચ્ચાં અને પ્રણય ઘેલો શકકરખોરો કઈ પણ સમજી શક્યા ન હતા. એક ગાવામાં અને બીજા બે તેને જોવામાં પાગલ બન્યા હતા. હવે આ પ્રણય ઘેલા નરને કોણ સમજાવે કે તે કોઈ શિકારી પક્ષીની નજરમાં આવી ગયો છે. શું બંને બચ્ચાંઓ નરને પ્રણયમાં નાચતો અને ગાતો જોઈ તેનાં તરફ એટલા બધા આકર્ષિત થઇ ગયાં હતા ?


શિકારી પક્ષી તેની આજુબાજુમાં જ ક્યાંક આટાફેરા કરી રહયું હતું. તેથી એક ચેતવણી રૂપે કાળાકોશીએ બોલવાનું શરૂ કર્યું હતું. જે માદા હરિયલ ખુબ સારી રીતે જાણતી હતી. એટલે જ તેની ટુંકી ડોક ચારેબાજુ જોવા ફરતી હતી. જયારે ગુલમહોરે તો ક્યારનો પ્રણયનો ગુલાલ ઉડતો હતો. હવે આ ઘેલા શકકરખોરાને કોણ સમજાવે કે આ સમય પ્રણયનો નથી, પોતાનો જીવ બચાવી સલામત જગ્યાએ ભાગવાનો છે. પોતે જો જીવિત હશે તો ફરીવાર માદા સાથે નાચી શકશે. બાકી જો પોતાનો શિકાર થયો તો બે ક્ષણમાં બધો જ ખેલ ખત્મ સમજવાનું, વળી સામે સૂકાં ઝાડ ઉપરથી પ્રણયઘેલું નુંત્ય જોઈ બંને બચ્ચાં પણ મોહિત થઇ ગયાં હોય, તેમ એકી નજરે તેની સામું જોઈ રહયા હતા. બચ્ચાંની કોમળ આંખોમાં શકકરખોરો આનંદથી નાચી રહયો હતો. બસ ત્યાં જ એકાએક કોઈ મોટું પક્ષી ઝડપથી ગુલમહોર તરફ જતું દેખાયું. બચ્ચાઓ વધારે કઈ પણ સમજે કે પછી શકકરખોરો કઈંક ભાગવાનો રસ્તો બનાવે ત્યાં તો તે શકરા(Shikra)નાં બંને તીક્ષ્ણ પંજામાં જકડાય ગયો હતો. આ બધું એટલું ઝડપથી બની ગયું કે બચ્ચાં તો જોતા જ રહયા. આ દરમિયાન માદા ત્યાંથી જીવ બચાવવામાં સફળ રહી હતી. પરંતુ આ દ્રશ્ય જોઈને બંને બચ્ચાંઓ તો ખુબ જ ગભરાય ગયા હતા. બે ક્ષણમાં આ શું બની ગયું ? આવું થશે તેવી તો બચ્ચાંએ કદી કલ્પના પણ નહિ કરી હોય. બે પળમાં તો મોતનો પવન ફૂંકાઈ ગયો. શું ગુલમહોર હજી પણ લહેરાતો હસી રહયો હતો ?


સમય અને તડકો ફરી પહેલાની માફક થંભી ગયાં. કુદરત પોતાનું કાર્ય કરી રહી હતી. હમણાં થોડી જ વાર પહેલાં જે ગુલમહોરની ડાળ ઉપર શકકરખોરો મન મુકીને થનગનાટ કરી નાચી રહયો હતો. ત્યાં હાલ ભૂખ્યો શકીરો શકકરખોરાનું લાલ માંસ તેનાં નાનકડાં પેટમાંથી ખેચી રહયો હતો. આ તો કુદરતનો નિત્યક્રમ છે. જેમાં કોઈને મારીને પોતાનો જીવ બચાવે છે. જો તમારે જીવવું હોય તો હંમેશા ચાલાક રહેવું પડે. અને તો જ તમારું જીવન થોડું વધારે ચાલશે. બાકી તમે થોડાં પણ બેફિકર બન્યા તો ગયાં સમજો, આ જીવન-મરણની હરીફાઈ તો હંમેશા શરૂ જ રહેવાની છે. આમ પણ જે જીવે છે તેનું મૃત્યુ પણ નક્કી જ હોય છે. નામ છે તેનો નાશ જરૂરથી થવાનો છે. બંને બચ્ચાંઓ ચુપચાપ આ કરુણતા ભર્યું દ્રશ્ય જોઈ રહયા હતા. હવે કદાસ તેને ગુલમહોરથી અણગમો થવા લાગ્યો હતો. અને કેમ ન થાય ? જે કોઈનો જીવ ભરખી ગયું હોય તેનાં પ્રત્યે કદી થોડો પણ મોહ રહે ખરો ?


કાળાકોશીનું બોલવાનું શરૂ જ હતું. તો માળામાં બેઠેલી માદા હરિયલ પણ ક્યારની ઉચા-નીચી થતી હતી. આમ તો એક નાનકડાં શકકરખોરાથી કઈ શકિરાનું પેટ થોડું ભરાય ? તેથી હવે તેની તિક્ષ્ણ નજર હરિયલનાં બચ્ચાં ઉપર પડી હતી. તેની નજરમાં બંને બચ્ચાંઓ ક્યારના આવી ગયાં હતા. બસ હવે થોડી જ વારમાં ત્યાં હુમલો કરવાની યોજના ઘડાઇ રહી હતી. આ યોજનાથી કદાસ બચ્ચાંઓ પણ અજાણ ન હતા. અને જાણતા હોય તો પણ શું કરવાના હતા ? ઉડતા તો કઈ શીખ્યા ન હતા કે ઉડીને પોતાનો જીવ બચાવી શકે. બસ હવે તો કુદરતે જે ધાર્યું હશે તે થશે. બાકી હરિયલ તો એકદમ ભોળું પંખી, કોઈ સામે હિંમતથી ઝગડવા ઉભું પણ ન રહી શકે. પરંતુ ચતુરાઈ તો તેની જ પાસે, પોતાના રક્ષણ માટે કુદરતે તેને એટલી તો ચાલાકી આપી છે કે તે પોતાના બચ્ચાંનો બચાવ કરી શકે. શકિરાએ શાકકરખોરાનું બાકીનું હાડપિંજર ત્યાં જ ગુલમહોરની ડાળીએ લટકતું રહેવા દીધું, થોડી જ વારમાં ફૂલ અને તેનું શબ એક સરખા જ દેખાય આવશે. કેવું કરૂણ દ્રશ્ય ખડું થતું હતું. બસ હવે તે પોતાનું અડધું પેટ ભરવા બચ્ચાંને પોતાનો શિકાર બનાવવા તૈયાર હતો. શિકાર અને શિકારી રસ્તાની સામસામે જ હતા. કોણ જાણે થોડીવાર પછી શું ઘટના ઘટવાની હતી. બંને બચ્ચાંઓનો તેની માં એક માત્ર આધાર બની બેઠી હતી. તેમ છતાં હદયના ધબકારા ઝડપી બન્યા હતા. શું માતા પોતાના બાળને છોડીને ઉડી જશે ? કે પછી શકિરાનો સામનો કરી પોતાના બચ્ચાંનો જીવ બચાવશે ?


બસ હવે શકીરો કોઈ મોકાની રાહ જોવે તેમ ન હતો. તે બચ્ચાં પર ત્રાપ મારવા તૈયાર હતો. તેની આંખોએ તો બચ્ચાંનો ક્યારનો શિકાર કરી નાખ્યો હતો. નજર એકદમ સામે સ્થિર રાખી શકિરાએ પાંખો પહોળી કરી ઉડવાની શરૂઆત કરી. બસ હવે તે સીધો જ બચ્ચાંને પંજામાં લઇ જતો રહેશે. બચ્ચાં અને માતા આ શિકારીને પોતાની તરફ ધસી આવતાં જોઈ રહયા હતા. તે પણ કરે છું ? મોત બસ ઝડપથી બચ્ચાંની પાસે પહોચવા આવી જ ગયું હતું. બસ ત્યાંજ કઈંક અજુગતું બની ગયું. જેની માદા હરિયલને કદાસ અગાઉથી જ ખબર હતી. એટલે જ તે એમ જ સ્થિર બની બચ્ચાં સાથે બેઠી હતી. કારણ કે જ્યાં કાળાકોશીનું રાજ હોય ત્યાં કોઈની હિંમત નથી હુમલો કરવાની. શકીરો જેવો તેની પાસે આવતો જણાયો એટલે તરત જ તેને આવતો રોકવા કાળોકોશી ઝડપથી તેની સામો હુમલો કરવા ઉડ્યો. માળામાં બંને બચ્ચાં આ બધું જ ચુપચાપ જોઈ રહયા હતા. પોતાની સામેથી કાળાકોશીને આવતો જોઈ શકીરાની યોજના નિષ્ફળ નીવડી, અને એજ ક્ષણે પોતાની આગળ વધવાની દિશા ફેરવી લીધી. તો લડાકુ બનેલો કાળોકોશી શકીરાની પાછળ જઈ પોતાની હદમાંથી બહાર કર્યો. અને થોડીવાર પછી પોતાના વિજયી અવાજ સાથે પોતાના માળા તરફ પાછો ફર્યો. શું શકીરાએ તેનાથી હાર માની લીધી હતી ?


મોર, દૂધરાજ, રાજાલાલ, પીળક, અધરંગ, શોબિગી કે પછી હંસ જેવી સુંદરતા કાળાકોશીમાં ભલે ન હોય. કે પછી કોયલ, દૈયડ, ચંડુલ અને શામા જેવો કંઠ ન હોય. વળી ગરુડ જેવું દમામદાર વ્યક્તિત્વ પણ તેનામાં નથી. તો સુગરી, કલકલિયા, લરજી, કપાસી, દરજીડો અને કાબરા જેવી તેની ઉડાન અને માળો બનાવવાની આટલી બધી કુશળતા તેનામાં ન હોય. તેમ છતાં ત્રીસ-બત્રીસ સેન્ટીમીટરની તેની કાળી પાતળી કાયા બીજા પક્ષીઓ કરતાં તદ્દન અલગ તરી આવે. કારણ કે નહીં મોટો, નહીં નાનો, એકવડિયા બાંધાનો, ખાંચાવાળી અને પ્રમાણમાં લાંબી પૂંછડીવાળો કાળોકોશી મનોહર દેખાય આવે છે. તેમજ જન્મજાત ચપળ અને હિંમતબાજ તો ખરો જ, આમ તો કાળાકોશીના દેહમાં કાળા રંગ સિવાય બીજો એક પણ રંગ નથી. તેમ છતાંય તે એક નમણું અને નખરાળ પક્ષી છે. તો ધીમા પવનમાં ઉડતી ઊંડા ખાંચાવાળી લાંબી પૂંછડી તેની મોહકતામાં વધારો કરે છે. તેની એક એક દેહછટા નિરાળી છે. તો જયારે ઝાડની આગળ પડતી ડાળી પર ટટ્ટાર પૂંછડીભર બેઠો હોય, ત્યારે ભારે જીવરો અને દમામદાર લાગે. મોટાભાગે ધીરે ધીરે પૂંછડી હલાવતો હલાવતો જીવડાં માટે ચારે બાજુ ઊંચે નીચે નજર નાખ્યા કરે. વાળી ક્યાંક જમીન પર નાનું-મોટું જીવડું જુએ તો લોભામણી તીરછી ઉડાન કરી નીચે આવી તેને પકડીને ખાઈ જાય. ત્યારબાદ પોતાની બેસવાની જગ્યાએ પાછો પહોંચી જાય. બોલ્યા વિના ન રહેવાતું હોય તેમ, ત્યાં બેઠાં બેઠાં પુરા ઉલ્લાસ સાથે ભરપુર અવાજે બોલવાનું શરૂ કરે. જાણે પોતાનાં સામ્રાજ્યની જાણ બધાને કરતો હોય. પ્રજનન ઋતુમાં પોતાના માળાવાળા વૃક્ષ આસપાસનાં કેટલાક વિસ્તારમાં તે ઈંડા કે નાનાં બચ્ચાંઓને ખાઈ જનાર માંસાહારી પક્ષીઓને ફરકવા ન દે. અને જો આવે તો કાગડા, શકરા, ખેરખટ્ટા અને સમડી જેવા શિકારીઓને સીધાદોર કરી પોતાના વિસ્તારમાંથી દુર ખદેડી મુકે. તેમને દુરથી આવતાં જુએ કે પડકાર ફેકતો, જરાય અચકાયા વિના હુમલો કરવા સામે ધસી જાય. એટલે જ હરિયલ, હોલા, બુલબુલ વગેરે જેવા ગભરુ પંખીઓ તેનાં માળાવાળા વૃક્ષમાં કે તેની બાજુમાં કોઈ બીજા ઝાડે પોતાનો માળો બનાવે છે. જેથી પોતાની સલામતી જળવાય રહે. આ નીડર પક્ષીને પોતાની જાત ઉપર એટલો બધો વિશ્વાસ હોય કે ગમે ત્યાં બધાને દેખાય તેમ માળો બનાવેલો હોય છે. તે કોઈથી પણ ડર્યા વિના માળો બનાવે છે. તે પીળકની જેમ સંતાયને માળો નથી બનાવતો. હુમલાં દરમિયાન તેની ઉડવાની સાચી કળા દેખાય આવે. શિકારીને ખદેડવા તેની પાછળ આડીઅવળી ગમે તેવી લોંકી ખાઈ અચાનક દિશાપલટ કરી હુમલો કરવાની કોશિશ કરે છે. તો હવામાં ગુલાંટબાજી કરવામાં પણ તે એટલો જ પારંગત છે. અને જયારે એક જગ્યાએથી બીજે જતો હોય ત્યારે ઊડતા ઊડતા ડોક આજુબાજુમાં કરી બંને તરફ નજર ફેરવતો જાય. આ દરમિયાન બંને પાંખો થોડી વાર ફફડાવી બંધ કરે, ફરી ચલાવે, ફરી બંધ કરે. તેની ઉડાનમાં જ દરિયાના મોજાં હલેચા ખાતા જોઈ શકાય છે. વળી લાંબી પૂંછડીને લીધે તેની ઉડાનની રંગત ઓર વધી જાય છે. આ દરમિયાન ક્યારેક તેનું ઢેંચુ-ઢેંચુ ટહુકવાનું પણ શરૂ હોય છે. જે બીજા પંખીઓનાં અવાજ કરતાં તદ્દન અલગ તરી આવે છે. ભલે તેને કુદરતે ગાયક પક્ષી ન બનાવ્યું હોય. તેમ છતાં તેનાં જાતજાતનાં અવાજમાં ઘણી જ મીઠાશ છે. એટલે જ તે જયારે બોલતો હોય ત્યારે એવું લાગે કે તે પોતાના જીવનનો મન મુકીને આનંદ લઇ રહયો છે. તે સમયે વાતાવરણમાં બધે જ સહજતા ભરી પ્રફૂલતા ફેલાવે છે. વળી વધારે લહેરમાં હોય ત્યારે જાતજાતની ભરપૂર મીઠાશવાળી સિસોટીઓ મારે છે. તો જુદાં જુદાં પક્ષીઓનાં અવાજની નકલ કરવામાં પણ તે પાવરધો છે. આવું છે એક કાળાકોશીનું જીવન ચરિત્ર .... પરંતુ આ બધુ હરિયલનાં બચ્ચાંઓને કોણ સમજાવે ?


થોડીવાર પહેલાં ગંભીર બનેલા વાતાવરણમાં હવે થોડી સહજતા આવી. કાળોકોશી હવે થોડો શાંત થયો. જયારે બચ્ચાંનો શ્વાસ તો હજી પણ ચડેલો જ હતો. હવે કદાસ તેને ઘણું બધું સમજાય ગયું હશે. કે શાં માટે ઉચી ડાળીએ પોતાનું ઘર ન બનાવાય. કારણ કે ત્યાંથી જ બધા શિકારીઓની નજરમાં વહેલા ચડી જવાય છે. એટલે ઉચું રહેવાનો મોહ કરીએ તો હંમેશ માટે ઉપર ચાલ્યા જઈએ. માટે જ્યાં હાલ પોતાનું ઘર છે તે એકદમ બરાબર જ છે. અને રહી વાત પેલા લહેરાતા ગુલમહોરની તો ત્યાં સુંદરતાનો મોહ લેવા જઈએ. તો ત્યાં જ હંમેશ માટે ડાળીએ લટકી જઈએ. તેથી આ સુક્કું વૃક્ષ જ તેનાં માટે યોગ્ય છે. કે જ્યાં કાળાકોશી જેવો બહાદુર લડાકુ સિપાહી હોય. ભલે આખો દિવસ તે બોલ્યા કરતો હોય. પરંતુ એ પાછળ કઈંક તો કારણ રહેલું જ હોય છે. હવે કદાસ બચ્ચાંનાં બધા જ સવાલોના જવાબ તેને મળી ગયાં હશે. કારણ કે કુદરત રોજે કઈંક નવું શીખવતી હોય છે. બસ તેની પાસેથી શીખવું જરૂરી છે. બાકી ત્યાં સિવાય જીવનની હરીફાઈમાં ટકી રહેવું ખુબ જ મુશ્કેલ છે. માદા હરિયલ બચ્ચાંનું તાપથી રક્ષણ કરતી આકાશ સામે જોઈ રહી હતી. કોણ જાણે હવે ક્યારે વરસાદ આવશે ?


આખો દિવસ આમ જ તાપમાં વીતતો હતો. માતાને તો વરસાદની વાટ હોય. પરંતુ બચ્ચાં તો હમણાં આ દુનિયામાં આવ્યા જ હતા. તેને શું વરસાદની ખબર હોય ? તેનાં માટે તો આખો દિવસ આવો જ ગરમ હોતો હશે. આવા ખુલ્લાં આકાશમાં એક માત્ર સુર્યનું રાજ ચાલતું હતું. અત્યારે તો એ પોતાની મરજીનો માલિક હતો. તેને કહેવાવાળું પણ કોણ હોય ? જયારે બચ્ચાંને તો વહેલા મોટા થઈને અહિયાંથી ઉડીને છાંયડે જવું હતું. સતત આવા આકરા તાપમાં કેટલુંક બેસી શકાય. પરંતુ એક દિવસ અચાનક જ તેને આકાશમાં સફેદ વાદળું દેખાયું, તે ધીમે ધીમે આગળ આવતું સુર્યની આડું આવી ગયું. હવે એકાએક ગરમ કિરણો અદ્રશ્ય થઇ જતાં, બચ્ચાં નવાય પામ્યા, સુર્ય કિરણો પોતાની ઉપર ન પડતા શરીરમાં થોડી શાંતિ થઇ. પરંતુ થોડીવાર પછી ફરી વાદળું ત્યાંથી હટી આગળ ચાલ્યું ગયું. આ બચ્ચાંઓ માટે એકદમ નવી ઘટના હતી. તેને આજુબાજુમાં બધે જ નજર ફેરવી લીધી પણ બીજે ક્યાંય આવું એકપણ વાદળું દેખાયું નહિ. ચાલો કોઈ તો હતું, જે તાપને ઓછો કરી શકતું હતું. પરંતુ બચ્ચાં માટે તે હતું શું ?


એક દિવસ સવારના સમયે ફરી તેને વાદળા જેવું કઈંક લાગ્યું. પરંતુ તે એક જ જગ્યાએ સ્થિર હોય તેવું જણાતું હતું. આ શું હશે ? કે જેનાથી તાપ ઓછો થઇ જાય. લૂ ધીમે ધીમે આવી રહી હતી. તેની સાથે વાદળે પણ પોતાની જગ્યા બદલી આગળ વધ્યું, બચ્ચાંઓને પણ તેની જ રાહ હતી. બસ થોડીવારમાં એકદમ ઉપર સુર્યની નીચે આવી જતાં, હવે બચ્ચાંઓથી પોતાની માતાને પૂછ્યા વિના રહેવાયું નહિ, તેથી પોતાનાં સંકેતોથી તેને માતાને પૂછ્યું ‘ આ શું છે ‘ ? માતા એ પણ ખુબ સહજતાપૂર્વક સમજાવ્યું કે ‘ તે વાદળ તરીકે ઓળખાય છે ‘ બંને બચ્ચાંઓ ખુબ જ ધ્યાનથી સમજી રહયા હતા. ‘ જેમાં પાણી હોય, અને વરસાદ સ્વરૂપે આપણને મળે છે ’ એક જવાબ સામે બીજો સવાલ તૈયાર રાખતા, ‘ તો વરસાદથી શું થાય છે ‘ ? ‘ વરસાદથી જ આપણને પાણી મળે છે. આ તાપ ધીમે ધીમે એકદમ ઓછો થઇ જાય છે. ચારેબાજુ હરિયાળી ફેલાય છે. આપણને ખાવા-પીવાનું સરળતાથી મળી રહે છે. બચ્ચાંઓ બીજું તો કઈ ન સમજ્યા, પરંતુ તેને તો આ તાપમાંથી છુટકારો જોઈતો હતો. અચાનક જ બીજા બચ્ચાંની થોડે દુર નજર ગઈ, તેને આંખોના ઈશારે કહયું’ માં જો ત્યાં વાદળ બની રહયા છે ’ માતાએ તે તરફ નજર ફેરવી જોયું. તેને જોઈને ઘણું જ દુઃખ થયું. અને એક વેદના સાથે બોલી ઉઠી ‘ નાં બેટા ત્યાં વરસાદના વાદળ નથી બની રહયા, ત્યાં તો મુશીબતના વાદળો બની રહયા છે. જે માણસ બનાવી રહયો છે. એ કારખાનાઓનો ઝેરી ધુવાડો છે. અને તે જ ધુવાડાથી આપણને આટલો તાપ લાગી રહયો છે. વળી પુરતું ખાવા-પીવાનું પણ નથી મળતું, અને આવા સૂકાં ઝાડ પર આપણે વિસામો કરવો પડે છે. એ બધું જ હાલનો માણસ કરી રહયો છે. ‘ આ બધું સાંભળી બચ્ચાંઓ સ્તબ્ધ થઇ ગયાં. ‘ પણ એ માણસ છે કોણ અને શાં માટે આવું કરી રહયો છે ‘ ? બચ્ચાંએ આંખો પહોળી કરીને પૂછ્યું. અને સામે માતાએ દુઃખી થતા કહયું ‘ માણસ પણ આપણી જેવો જ એક જીવ છે. પરંતુ તેનાં સ્વાર્થ તેને ગેરમાર્ગે દોરી મુક્યો છે. ભગવાને તેને ઉડવા આપણી જેમ પાંખો નથી આપી. અને એટલે જ હવે આપણી પાંખો કાપવાનું કામ કરી રહયો છે’. માણસ એટલો બધો ક્રૂર કેમ બની શકે ?


‘ આ મોટા કારખાના જોઈ રહયા છો. ત્યાંથી જ બધી પ્રદુષણની શરૂઆત થાય છે. સૌપ્રથમ તો તેને બનાવવા માટે તેને જમીનની જરૂર પડે છે. જે વૃક્ષો કાપીને ત્યાં આ ફેક્ટરી નાખવામાં આવે છે. તો તેને ચલાવવા માટે અસંખ્ય લાકડાંની જરૂર રહે છે. તેથી હવે તે કારખાનું જેટલા સમય સુધી શરૂ રહે, ત્યાં સુધી લાકડાં માટે વૃક્ષો કાપતાં રહે છે. જે આપણું ઘર છીનવવાનું કાર્ય કરે છે. ઝાડ દિનપ્રતિદિન ઓછાં થવાથી આપણને સરળતાથી ખોરાક નથી મળતો, અને મળે તો પણ નહીવત પ્રમાણમાં મળે છે. એટલે જેનાથી ન તો આપણે મરી શકીએ. કે ન તો સુખેથી જીવન જીવી શકીએ. એટલે કે આપણે ખોરાકમાં પાકા ફળની જરૂર પડે છે. જે આપણને ફક્ત ઝાડ ઉપર જ મળી શકે છે. પરંતુ તે ઝાડ ઉપરથી કાચાં ફળ જ તોડી રાસાયણિક દવાઓથી તેને પાકા કરે છે. તેથી આપણી માટે કઈ ખોરાક વધતો નથી. તમારા માટે સલામત ઘર પણ નથી બનાવી શકાતું, કારણ કે જ્યાં માળો બનાવું તે વૃક્ષ જ તે કાપી નાખે છે. તેને થોડી પણ આપણી દયા નથી આવતી, બસ તે ફક્ત પોતાનું હિત ઈચ્છે છે. પરંતુ એ નથી જાણતા કે તે પોતાના પગમાં જ કુહાડી મારી રહયા છે. જંગલ ધીમે ધીમે કપાતા કપાતા વિરાન વગડામાં પરિવર્તિત થઇ ગયાં છે. હવે જ્યાં સુધી ધરતી ઉપર વૃક્ષ નહિ હોય ત્યાં સુધી વરસાદ કેવી રીતે આવશે ?


કારખાનામાં લાકડાથી પણ વધારે પાણીની જરૂર પડે છે. હવે પાણીની અછત તો અહિયા પહેલેથી જ છે. તેમ છતાં તે વપરાશ તો કરે છે. પરંતુ તે પાણી ઉપયોગ કર્યાં પછી દુષિત થઇને બહાર નીકળે છે. તે એટલું તો ઝેરી બની ગયું હોય છે કે તેને જ્યાં પણ છોડવામાં આવે તે જગ્યાએ જેટલા પણ વૃક્ષ કે વનસ્પતિઓ હોય તે બધી જ સુકાયને નાશ પામે છે. તે જમીન ઉપર કઈ પણ ઉગી શકતું નથી. તે હંમેશને માટે બિનઉપજાવ બની જાય છે. તો ઘણીવાર તે ઝેરી પાણી તળાવ, ડેમમાં ભળી જતાં તેમાંના અસંખ્ય જીવો નાશ પામે છે. અને આપણાથી જો પીવાય ગયું હોય તો આપણું પણ મૃત્યુ થાય છે. તેનાથી કોઈ બચી શકતું નથી, ખુદ તેને બનાવનાર માણસ પણ નહિ. તે જાણે છે કે આ કેટલું નુકશાનકારક છે. તેમ છતાં તે અટકતો નથી. અને જે ઉચા ઉચા સ્તંભમાંથી કાળો ધુવાડો દેખાય છે. તે હવાનું તાપમાન વધારી વાતાવરણમાં પ્રદુષણ ફેલાવે છે. જેથી જીવવા માટે સારી હવા પણ નથી મળી શકતી. દર વર્ષે તડકામાં સતત વધારો થાય છે. વરસાદ મોડો અને ઓછો થાય છે. તેથી પીવાનું મીઠું પાણી ઘટી રહયું છે. જંગલો કારખાના ચલાવવા વૃક્ષ ઘટી રહયા છે. તેનાં દુષિત પાણી અને ધુવાડાથી અસંખ્ય જીવ મરી રહયા છે. માણસે જાતે જ પોતાના માટે ખાડો ખોદી નાખ્યો છે. હવે આ બધું તેને કોણ સમજાવે ?


કારખાનાની સાથે અત્યારના રસ્તાના પર દોડી રહેલા વાહનો પણ એજ કરે છે. ધુવાડાથી વાતાવરણને નુકશાન તો પહોચાડે છે. પરંતુ સાથો સાથ અવાજનું પણ એટલું જ પ્રદુષણ કરે છે. તેનાં ઘોંઘાટથી અનેક નાનાં-મોટા જીવને તકલીફ થાય છે. ૨૪ કલાક સતત તેનાં આવી રહેલા અવાજથી તમે શાંતિથી આરામ પણ નથી કરી શકતાં. તો ઘણા ખરા જીવો મૃત્યુ પણ પામે છે. સતત આવા ઘોંઘાટમાં કેવી રીતે જીવન જીવી શકાય. રાત-દિવસ ક્યારેય શાંતિ નહિ. અને કેટલાય તો રસ્તો પસાર કરવામાં અકસ્માતથી મરી જાય છે. તેનું શરીર સપાટ રસ્તો બની ગયું હોય છે. આપણા જીવની એટલી જ કિંમત છે ? આ બધું જ હાલ તો માણસ કરી રહયો છે. જે એક બુદ્ધિશાળી જીવ તરીકે ઓળખાય છે. અને પોતાના ફાયદા માટે કોઈ પણ હદ સુધી તે જઈ શકે છે. માટે તમારે તો તેનાથી દુર રહેવામાં જ સારું છે. બાકી આપણી સાથે પણ તે શું કરે કોને ખબર ? તે કોઈને પણ છોડતો નથી. તેની વચ્ચે જે કોઈ પણ આવે, તેનો સંપૂર્ણ નાશ કરી નાખે છે. જાણે સમગ્ર પૃથ્વી પર તેનું એકનું જ રાજ હોવું જોઈએ. પણ શું તે યોગ્ય છે ? બંને બચ્ચાંઓ આ બધું જ સાંભળી ખુબ હેરાન થઇ ગયાં. અત્યારે તેને પેલા શિકારી શકીરા કરતાં માણસ નામના જીવથી વધારે ડર લાગી રહયો હતો. તે કેવો જીવ હશે ? જે આટલો બધો ક્રૂર અને દયાહીન હશે. શું તેને થોડો પણ કુદરત સાથે લગાવ નહિ હોય ? કે તે આટલો બધો આંધળો બની ગયો છે. કુદરતે આપણને જે કઈ પણ આપ્યું હોય, તેની જાળવણી કરવી આપણી જવાબદારી બને છે. તેને નુકશાન પહોચાડવાથી આપણું જ નુકશાન થવાનું છે. અહિયા અસંખ્ય જીવો વસવાટ કરી રહયા છે. પણ માણસ જેવું વર્તન કુદરત સાથે બીજું કોણ કરે છે ?


વાતાવરણમાં એકદમ શાંતિ છવાયેલી હતી. બંને બચ્ચાંઓ તડકાથી હેરાન થતા આંખો બંધ કરી ચુપચાપ આરામ કરતાં હતા. માદા હરિયલ ખોરાકની શોધમાં બહાર ગયેલી હતી. બસ ત્યાં જ અચાનક ઝાડ નીચે કઈંક અવાજ આવ્યો. બચ્ચાંની આંખો ખુલી ગઈ. તેને ચારેબાજુ નજર ફેરવી પણ કોઈ દેખાયું નહિ. એવામાં હરિયલ ખોરાક સાથે આવી પહોંચી. પરંતુ તે હંમેશની જેમ સીધી બચ્ચાં પાસે ન આવી. તે બાજુના બીજા ઝાડ ઉપર આવીને બેસી ગઈ. બચ્ચાંને ખબર હતી કે તેની માતા ખોરાક લઈને આવી ગઈ છે. પરંતુ તે બીજા ઝાડ ઉપર કેમ બેઠી છે ? અમારી પાસે કેમ નથી આવી રહી ? થોડીવાર બંનેએ તેનું નિરીક્ષણ કર્યું. તો તેની નજર ઝાડની નીચે રહેલી હતી. તેને જોઈ બચ્ચાંએ પણ નીચે નજર કરી તો, કોઈ માણસ જેવું લાગી રહયું હતું. જે ખરેખર તો માણસ જ હતા. તેને જોઈ એકલાં બચ્ચાં માળામાં જ હલનચલન કરવા લાગ્યા. તેને કદાસ માણસ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. પણ અહિયા માણસ શાં માટે આવ્યા હતા ?


ઝાડ નીચે ત્રણ વ્યક્તિઓ આવીને માળા તરફ જોઈ રહયા હતા. એકના હાથમાં કેમેરો અને બીજા બે બસ આમ જ ખાલી હતા. થોડીવાર તેને અંદરોઅંદર કઈંક વાતો કરી. અને પેલાએ બચ્ચાંઓની નીચેથી કેમેરામાં તસ્વીર લેવાનું શરૂ કર્યું. કેમેરામાંથી થઇ રહેલાં પ્રકાશને જોઈ બચ્ચાંઓ અંજાય ગયાં. કારણ કે સુર્યનાં કિરણો કેમેરાના લેન્સ ઉપરથી સીધા બચ્ચાં ઉપર પડતાં હતા. તસ્વીર લેતા સમયે પણ તે ચૂપચાપ ધીમે ધીમે વાતો કરી રહયા હતા. જે બચ્ચાંઓને ભાગ્યે જ સંભળાતી હતી. બે ક્ષણમાં તો તેને ઘણી તસ્વીરો લઇ લીધી હતી. એટલે હવે તે પાછા ફરતા રસ્તા તરફ ચાલ્યા ગયાં. આ બધું જ બચ્ચાંઓ જોઈ રહયા હતા. તો બીજા ઝાડ ઉપર બેઠેલી હરિયલ પણ નીચેનું નિરીક્ષણ કરી રહી હતી. જયારે બચ્ચાંઓનાં મનમાં અનેક સવાલો ઊભા થઇ રહયા હતા. શું આ જ માણસ હતા ? થોડીવારમાં માદા પોતાના બચ્ચાં પાસે આવી પહોંચી. આવતાની સાથે તેને પહેલાં તો ખોરાક આપ્યો. પણ બચ્ચાંઓને તો કઈંક પૂછવું હતું. એટલે ખાધું ન ખાધું તેને પૂછી જ લીધું કે ‘ આ કોણ હતું ‘ ? સામે માતાને પણ ખબર જ હોય કે હમણા સવાલ કરશે. ‘ આ માણસ હતા’ તે સાંભળી બંને બચ્ચાંઓ થ્રીજી ગયાં. ‘ શું આજ માણસ હતો. તે અહિયા શાં માટે આવ્યો હતો. તો તો હવે તે આ ઝાડને પણ કાપી નાખશે ને, આપણને નુકશાન પહોચાડશે ને ‘ ? આ બધું જ તેને એક શ્વાસે માતાને સમજાવી દીધું. શું પક્ષીઓ માણસથી એટલા બધા ડરી રહયા છે ?


બચ્ચાંનો ડર સ્વાભાવિક હતો. તેને માણસ નામના જીવથી ડરવું જ જોઈએ. કારણ કે માણસે જ તેને ડરવા મજબુર કર્યા છે. પછી તો તેનાથી દુર રહેવામાં જ પોતાની ભલાઈ સમજે છે. બસ ત્યાં જ પેલા ત્રણ માણસો પાછા ઝાડ નીચે આવીને ઊભા રહી ગયાં. તેને ફરી આવતાં જોઈ બચ્ચાં તો વધારે ગભરાય ગયાં. હવે પેલા માણસો નક્કી આપણને કઈંક નુકશાન કરશે. બચ્ચાં સાથે બેઠેલ માતા પણ ક્યારની ડોક ઉચી કરીને નીચે પેલા માણસોને જોઈ રહી હતી. પેલો કેમેરાવાળો ફરીથી હરિયલની તસ્વીર લેવા લાગ્યો. કેમેરાનો કટ,કટ,કટ અવાજ માળામાં સંભળાય રહયો હતો. અત્યારે માળામાં ત્રણેય ગંભીર બનીને બેઠાં હતા. જેમાં બચ્ચાંનો તો શ્વાસ જ હૃદયમાં સમાતો ન હતો. હવે આગળ શું થવાનું હતું એ તો કુદરત જાણે, થોડીવાર કેમેરો માળા તરફ મંડરાયેલો રહયો. અને ત્યારબાદ તેઓની વાતો શરૂ થઇ ગઈ. તો અત્યારે તો પેલો કાળોકોશી પણ કશું બોલ્યો કે હુમલો કરવા આગળ વધ્યો નહિ. બચ્ચાંને તો ક્યારની તેની રાહ હતી. કે તે આપણી સુરક્ષા કરશે. પરંતુ અહિયા તો એ પણ ચૂપચાપ બની ગયો હતો. શું આ માણસ એટલો બધો તાકતવર હશે, કે તેનાથી લડાકુ કાળોકોશી પણ ડરી ગયો ?


થોડીવાર ઉપર નીચેથી એકબીજાને જોતા રહયા, અને આખરે એ ત્રણેય વ્યક્તિઓ હસતાં હસતાં ત્યાંથી જતાં રહયા. આ બધું જ જોઈ રહેલાં બચ્ચાં તેનાં વિશે વિચારતા રહયા. આ માણસ આમ તો દેખાવે અને વર્તને સારા જણાતા હતા. તો પછી માતા કેમ તેનાં વિશે બીજું કઈંક જ બોલી રહી હતી. એ પણ તેને પૂછી જ લીધું, ‘ અહીના બધા જ માણસો એક સરખા નથી હોતા, તેમાંથી ઘણા એવા લોકો છે જેને આપણી ખરેખર કદર હોય છે. તે આપણી આડકતરી રીતે મદદ કરે છે. આપણા ભવિષ્યની ચિંતા કરે છે. આપણી માહિતી એકઠી કરી, તકલીફોને સમજી દુર કરવાની કોશિશ કરે છે. અને અત્યારે આપણે થોડાઘણા સુરક્ષિત છીએ તો એવા લોકોને કારણે જ, બાકી આપણું અસ્તિત્વ કયારનું ભુંસાઈ ગયું હોત. આવી ક્રૂર દુનિયામાં પણ એવા ઘણા છે જે આપણને મુશીબતમાં સહાય રૂપ બને છે. અને હમણાં જે અહિયાંથી ગયાં તે પણ એવા લોકોમાંથી જ હતા. કે જે ખરા અર્થમાં આપણને હૃદયથી ચાહે છે. અને આપણી અંતરની વેદના સમજે છે ‘ હવે બચ્ચાંને પણ થોડી રાહત થઇ. કોઈ તો છે જે અમારી ફિકર કરે છે. તો પછી ખરા અર્થમાં તે માણસ જ છે કે ?


દિવસો આમજ વીતી રહયા હતા. બચ્ચાંઓનો વિકાસ ધીમે ધીમે થઇ રહયો હતો. બસ હવે તે થોડાં જ દિવસોમાં આ માળો છોડીને જતાં રહેશે. કારણ કે તેની પાંખો હવે ઉડવા માટે તૈયાર થઇ રહી હતી. કાળાકોશીનાં માળામાં અત્યારે બે બચ્ચાં હજી હમણાં જ ઈંડામાંથી બહાર નીકળ્યા હતા. વાતાવરણમાં હમણાંથી થોડો પલટો આવ્યો હતો. આખુય આકાશ અત્યારે ઘેરા વાદળોથી ભરાયેલું હતું. તેથી લૂ નું પ્રમાણ હવે નહીવત થઇ ગયું હતું. કાળાકોશીનું જોડું ડાળી પર પોતાની અદામાં જ બેઠાં બેઠાં બોલી રહયું હતું. તો હરિયલનાં બંને બચ્ચાંઓ માળામાં જ પોતાની પાંખ ખુલી કરી ફફડાવી રહયા હતા. બસ ત્યાં જ અચાનક ચારેબાજુ અંધકાર ફેલાવા લાગ્યો. અને જોત જોતામાં તો ધરતી પર વરસાદનું આગમન થઇ ગયું. બચ્ચાંનો વરસાદી પાણી સાથે આ પહેલો સ્પર્શ થયો હતો. તો કાળાકોશીએ બચ્ચાંને પોતાની પાંખથી ઢાંકી દીધા, તે હજી એકદમ નાનાં હોવાથી વરસાદમાં પલળે તે યોગ્ય ન હતું. બચ્ચાંઓને આજે લૂ પછી પલળીને ખુબ જ આનંદ થયો. ચારેબાજુ ધીમી ધારે વરસાદ વરસી રહયો હતો. ખેતરમાં નાચતા મોર છીવાઈ હરકોઈ શાંત હતું. બધાને વરસાદના આગમનથી ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. જેની ખુશી બધાના ચહેરાં પર સાફ નજર આવી રહી હતી. તો આ સુક્કું ઝાડ હોવાથી વરસાદ સીધો જ તેની ઉપર પડતો હતો. તેમ છતાં શું આંખો બંધ કરીને બચ્ચાંઓને પલળવાની મજા આવી રહી હતી ?

( એક રસ્તાની બાજુમાં સુકાયેલા ઝાડ ઉપર હરિયલ અને કાળાકોશીનો બાજુમાં માળો જોઈને. )


* એક સત્ય ઘટના ઉપર આધારિત ( ૨-૬-૨૦૧૭ = ૩-૭-૨૦૧૭ )

= Vaghela Arvind “ Nalin”


- Poet, Writer, Photogr,,, And Wildlife Yoga / Netur Instructor.


આપનો હદયથી ખુબ ખુબ આભાર ....