bhasha ane aatmnirbharta books and stories free download online pdf in Gujarati

ભાષા અને આત્મનિર્ભરતા

મોદી સાહેબે પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં આત્મનિર્ભરતા નો ઉલ્લેખ કર્યો એટલે વોટ્સઅપ યુનિવર્સીટીમાં જાત જાતની ભારતીય વસ્તુઓના નામ ફરતા થઇ ગયા. સારી વાત છે. સ્વદેશી સામાન વાપરવાના ફાયદાઓ ગાંધીજી સહિત ઘણા લોકો જણાવી ચુક્યા છે. પરંતુ હમણાં મારા એક મિત્રે સ્વદેશી ભાષા વાપરવા વિશે સરસ પ્રશ્ન પૂછ્યો.

માત્ર સામાન સ્વદેશી વાપરવાથી આત્મનિર્ભરતા તો આવી જશે પરંતુ ભારતીયતા નું ગૌરવ આવશે કે કેમ
એ પશ્ન છે. ખરેખર તો સામાનની સાથે સાથે ભાષા પણ સ્વદેશી જ વાપરવાનો આગ્રહ રાખવો પ્રાસંગિક પણ
છે અને ખુબ જ જરૂરી પણ છે.

ઇતિહાસકારો અને ભાષાનિષ્ણાતો પણ અંગ્રેજી ભાષાના વધતા પ્રભાવ સામે ચેતવણી આપી ચુક્યા છે. કહેવાય છે કે
કોઈ સંસ્કૃતિને નષ્ટ કરવી હોય તો પેહલા તેની ભાષાને ખતમ કરો. આમ થવાથી આપણા પૂર્વજોએ વર્ષોના અનુભવથી
મેળવેલું અને ભાષામાં લખાયેલું જ્ઞાન નષ્ટપ્રાયઃ બની જશે અને આપણું વિદેશો પરનું પરાવલંબન વધતું જશે.આપણું
આપણી માતૃભૂમિ સાથેનું બંધન નબળું થતું જશે તથા આપણા મૂળ પ્રત્યેની ગૌરવની ભાવના ઘટતી જશે.

આજકાલ અંગ્રેજી માધ્યમમાં ભણવાની જરૂરિયાત બની ગઈ છે. એમાં કશું ખોટું નથી. અર્થશાસ્ત્રના નિયમ
મુજબ જો આપણે માંગ પ્રમાણેનો પુરવઠો ન આપીએ તો વેચાણનેઅસર થશે. પણ એ જ અર્થશાસ્ત્ર પ્રમાણે જેની માંગહશે તેનો પુરવઠો વધારવો
જ પડશે!!
( આડવાત -અર્થશાસ્ત્ર પણ સંસ્કૃત ભાષામાં જ રચાયું હતું )
દુનિયામાં જેટલાં મોટા મોટા આવિષ્કાર થયા છે એ બધા જ આવિષ્કારકની માતૃભાષામાં જ થયા છે. મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકીંગ્સ ને જો તેનું પુસ્તક "A Brief History Of Time" ગુજરાતીમાં લખવાનું કહ્યું હોત તો તે આટલું સુંદર અને સચોટ રીતે લખી શકત? ના. ભાષાશાસ્ત્રીઓના મત પ્રમાણે
બાળક માતૃભાષામાં જ વિચારે છે અને પછી એનું ભાષાંતર
કરે છે. તો બાળકોની રચના શક્તિને ભાષાંતર કરવામાં
શા માટે વેડફી કાઢવી?

મારો વિરોધ અંગ્રેજી મીડીયમ માં અપાતા શિક્ષણ સામે નથી પણ માતૃભાષાના ઘટતા મહત્વસામે છે. મુર્ખામી ની હદ
તો ત્યારે આવે છે જયારે માતાઓ ગર્વથી કહે કે મારા
પુત્ર અથવા પુત્રીને તો ગુજરાતી આવડે જ નહીં. એને તો માત્ર ઇંગલિશ માં જ સમજ પડે!!! આ તો એવું થયું કે
આપણે સગી માં ને જીવતે જીવ છોડીને સાવકી માંનું મહત્વ
વધારી રહ્યા છીએ. આમ કહેવામાં મારો આશય માંનું કે કોઈ ભાષાનું અપમાન કરવાનો નથી પણ આપણી માતૃભાષાનું
મહત્વ સમજાવવાનો છે.

માત્ર માતાઓ પર દોષારોપણ કરીને વાત પૂરી નથી કરવાની પણ આવા વર્તન પાછળનું કારણ શોધીને તેને દૂર પણ કરવું
પડશે. તેની પાછળ આપણો સમાજ પણ એટલો જ જવાબદાર છે. ગુજરાતી માધ્યમ માં
ભણતા વિદ્યાર્થીઓને ડોબા સમજવામાં આવે છે. એવું સમજવામાં આવે છે કે એ વિદ્યાર્થીઓને ઇંગલિશ ન આવડતું હોવાથી ગુજરાતીમાં ભણે છે !! અને આ વાત સાચી માનીને આવા વિદ્યાર્થીઓ લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે. શાળાઓમાં મેં માતાઓને ફરિયાદ કરતાં સાંભળી છે કે
અંગ્રેજી માધ્યમમાં ભણવા છતાં અમારા પુત્ર કે પુત્રીઓ
અસ્ખલિત (fluent) અંગ્રેજી નથી બોલી શકતા.
શું એ ખરેખર જરૂરી છે? દુનિયાના મહત્વના
લોકોને અંગ્રેજી ન આવડતું છતાં તેઓનું કામ અટકતું
નથી. ચીનના રાષ્ટ્રપતિ હોય કે જાપાનના, તેઓ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતપોતાની માતૃભાષામાંજ
વાત કરે છે. એનાથી એમને કે એમના દેશને કોઈ નુકશાન થયું હોય એવું ધ્યાને નથી આવતું.

જ્યાં જરૂર છે ત્યાં અંગ્રેજી વાપરવું પડે એ વાત નકારી ન શકાય કદાચ. પણ જરૂર વગર પોતાની વિદ્વતાનું પ્રદર્શન
કરવા અને સામેવાળા પર છવાઈ જવા વપરાતા અંગ્રેજી સામે વાંધો દર્શાવવામાં કોઈ વાંધો જણાતો નથી.
વળી શિક્ષણ ક્ષેત્રે કરાતી દલીલ પણ વ્યાજબી છે કે અમુક વિષયો જેવાકે, રસાયણ વિજ્ઞાન,ભૌતિક વિજ્ઞાન કેશરીરરચના શાસ્ત્ર ગુજરાતી કરતાં અંગ્રેજીમાં વધુ સરળ રહે છે તેમજ તેને લગતું સાહિત્ય પણ અંગ્રેજીમાં જ ઉપલબ્ધ હોય છે.
પરંતુ, અંગ્રેજી અને માતૃભાષાના યોગ્ય સમન્વય કરીને, આ પડકારને પહોંચી વળાય એમ છે. આ વાત માટે આપણે પંજાબીઓ તેમજ મરાઠીઓ પાસેથી પ્રેરણાલેવી જોઈએ. આ બન્ને પ્રજા અંગ્રેજી અપનાવવાની સાથે પોતાની માતૃભાષા નું મહત્વ ભૂલી નથી.
ભલે કોર્પોરેટ મિટિંગમાં અંગ્રેજી ભાષા વપરાય પણ લંચ બ્રેકમાં મિત્રો સાથે ગપાટા તો માતૃભાષામાં મરાયને !
શાળાઓમાં ભણતી વખતે અંગ્રજીમાં ભલે ભણાય પરંતુ
જયારે વિદ્યાર્થીઓ ભણ્યા સિવાયની વાત માટે ગુજરાતી
બોલે ત્યારે તેમને દંડ તો ન જ કરાય ને !!
મારા જ એક સબંધીનાપુત્ર ની હાઈફાઈ અંગ્રેજી મીડીયમ
સ્કૂલના ક્લાસટીચરે તેની માતાને બોલાવીને ફરિયાદ કરી
કે આમતો તમારો પુત્ર હોશિયાર છે પણ તે સામાન્ય
બોલચાલમાં ટ્રકને ખટારો કહે છે !!!પછી તેની માતા એ
એમને સમજાવવા પડ્યા કે અમે ગુજરાતી છીએ અને
મારો પુત્ર ગુજરાતી બોલે તે મારા માટે ગર્વનો વિષય છે, શરમનો નહીં !!!
બસ, આપણે એટલુંજ કરવું છે.

તો ચાલો મિત્રો, પ્રતિજ્ઞા કરીએ કે માતૃભાષા સિવાયની
ભાષાને બિનજરૂરી મહત્વ આપવાનું બંધ કરીએ અને
સામાન્ય બોલચાલ તથા સામાજિક મેળાવડા તેમ જ
પ્રસંગોએ માતૃભાષામાં જ વાત કરીએ.
આત્મનિર્ભર ભારતની સાથે સાથે આત્મગૌરવ વાળા ભારતની રચના કરીએ.

જય હિંદ.
કવર પેજ - ધૈર્ય દાઠીયા