madi jayo books and stories free download online pdf in Gujarati

માડી જાયો

" અલ્યા મીનકી ના બાપા, આ ફળિયામાં આટલું બધું પાણી કેમ ભરાણું છે? જોવો તો જરાક. પોર આખુ વરાહ આવ્યો નહીં, ને ઓણ જાણે બેય વરાહ નું ભેગુ વરહી જાવું હોય એમ કરેસ. બંધ્ય થાવાનું નામ જ લેતો નથી અભાગ્યો." દેશી ઘરના રસોડામાંથી ધાનુબા બોલ્યા.


ઓસરીમાં જોળી જેવા સુતરના ખાટલામાં કેસરી માથે બાંધવાના રૂમાલને કમર અને બંને પગના ગોઠણ ફરતે બંધ મારી વરસાદ જોવા માં લીન થઈ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ હતી. સામેથી આવતી વાછટને લીધે કેસરી આમ તો ભીંજાઈ ગયેલો જ હતો. ખેતીનું મહેનત ભરેલું કામ કરી કરીને તેની કાયા કસાયેલી થઈ ગઈ હતી. ૪૫ વરસ નો કેસરી લગભગ છ ફૂટ ઊંચાઈનો છે. ચોરણો અને પહેરણ પહેર્યું છે. મોઢે મૂછોનાં આંકડા વળ લઈ ગયા છે.વરસાદ જોતા જોતા કંઈક વિચારમાં લીન થઇ ગયો છે. એટલે તો તેને ફળિયામાં ભરાતું પાણી ના દેખાયું.!

રસોડામાંથી ધાનુબા નો અવાજ આવતા કેસરી ઊભો થયો. ભીંજાઈ ગયેલું પહેરણ કાઢી ઓસરીમાં લાકડાની ખીતીએ લટકાવ્યું.તેની નીચે તેણે ગામડામાં પહેરે છે તેવું સિવડાવલું ગંજી જેવુ ઉપવસ્ત્ર પહેરેલું હતું. તેમાંથી તેનું કસાયેલું શરીર બહાર ડોકિયાં કરતું હતું.

" ખાળમાં કાકય ભરાણું હહે. "

એમ કહી કેસરી એ ખૂણામાં પડેલી કોદાળી એક હાથે ઊંચકી ખભે મૂકી. ભરાયેલા પાણીમાં ખબ ખબ પગલાં ભરતો ખૂણામાં ખાળ બાજુ હાલ્યો.

જઈને જોયું તો ખાળમાં ખરેખર નીરણનાં પાંદડા, કાગળ, કુવળ જેવો કચરો ભરાયો હતો. ખાળની એક બાજુ દિવાલના ટેકે સાંતીડા ઉભા મુકેલા હતા. ને બીજી બાજુ સાણા નું મોઢવું હતું. કેસરી એ કોદાળી થી બધો કચરો ભેગો કરી લીધો. ખાળમાં કોદાળી નો હાથો નાખી સફાઈ કરી. ખાળમાં પાણી ખળખળાટ કરતું જવા લાગ્યું. જેના લીધે ખાળની ઉપર પાણીમાં ફીણની ભમરી પડવા લાગી.

હજી છાણાના મોઢવા ની પડખે ઓવળ જમા થયેલો કેસરી એ જોયો. તે હાથથી લેવા લાગ્યો. ને દિવાલ બહાર ફેંકવા લાગ્યો. દિવાલ અને મોંઢવા વચ્ચે હાથ નાખી કચરો લેવા ગયો ત્યાં જાણે આંગળીમાં કોઈકે જસતની ખીલી ભોકી દીધી હોય તેવું લાગ્યું. કેસરી એ ઝડપથી પોતાનો હાથ ખેંચી લીધો. હાથની હારોહાર તેના હાથ જેવો જ જાડો કાળોતરો પણ ખેચાઇ આવ્યો. કેસરે હાથ તરછોડ્યો ત્યારે માંડ ફણીધરે આંગળી છોડી. આંગળી તો ફાડી નાખી હતી. કેસરની આંગળીમાંથી લોહી ની ધારા થવા લાગી. કેસરીને છેક મગજમાં ઝટકો લાગ્યો. તે સમજી ગયો, આ તો નક્કી કાળ છે.

કાળોતરો બીકનો માર્યો ભાગ્યો. પણ કેસરી ની કોદાળી ના એક ઘા એ તો તેને મુક્તિ મળી ગઈ. કેસરી એ તેને પુછડી થી પકડી ઊંધો લટકાવ્યો. સાદ દીધો.

" મીનકી ની મા જો તો જરાક. "

ધનુબા એ રસોડામાંથી બહાર આવી જોયું તો તેની આંખો ફાટી રહી. કેસરી ના જમણા હાથમાં દંશમાંથી ને ડાબા હાથમાં કેસરીનો ઘા ખાઈ ગયેલ કાળોતરા ના મોઢામાંથી લોહીની ધારા ફૂટી ગઈ હતી. આ દ્રશ્ય જોઈ ધનુબા નાં મોઢામાંથી રાડ નીકળી ગઈ. "અરે... માતાજી, તમને તો કાળોતરો કરડી ગ્યો છે."

ચારે બાજુ દોડાદોડી થઈ ગઈ. લોકો ભેગા થઇ ગયા. કેસરી ના જમણા હાથે દોરડું બાંધી દીધું જેથી ઝેરની અસર આગળ ન વધે. ગામડામાં તાત્કાલિક વાહનમાં ટ્રેક્ટર હોય. ને આ વરસાદી હેલી માં બીજા નાનાવાહનો ચાલે પણ નહીં. કેસરી નો નાનો ભાઈ વરજાંગ ટ્રેક્ટર લઇ આવી ગયો. બીજા ચાર-પાંચ જુવાનિયા ટ્રેક્ટરમાં ગોઠવાઈ ગયા. ધાનુબા ના આગ્રહ છતાં તેને સાથે ન લીધા. વરજાંગે ટ્રેક્ટર દાબી મૂક્યું તળાજાના રસ્તે. સાથે મરી ગયેલો કાળોતરો પણ થેલીમાં લઇ લીધો. તેને જોઈ ડૉક્ટરને ખબર પડે કે કઈ દવા કરવી.

વરજાંગ રોદા ઠેકાવતો ને કીચડમાંથી કાઢજો, ધસમસતાં ઓકળા પાર કરતો ટ્રેક્ટર ભગાવે જાતો હતો. ઘડી ઘડી કેસરી નાં મોંઢા સામે જોતો જતો હતો.તેની આ અથરાઈ જોઈ કેસરી બોલ્યો,

" ભાઈ મને કાઈ નહિ થઈ જાય તું ધ્યાન રાખી નિરાંતે ટ્રેક્ટર હાક."

પણ વરજાંગ ને આજ નિરાંત કેમ રહે? તેણે મરેલો કાળોતરો જોયો હતો. હવે વરસાદ બંધ થઇ ગયો હતો. થોડા થોડા છાંટા પડતા હતા. બધા ટ્રેક્ટરમાં પલળી ગયા હતા. કેસરી ના સર્પદંશમાંથી હજી લોહી ટપકતું હતું. વરજાંગ ના માથે બાંધેલ રૂમાલ માંથી પાણી ટપકતું હતું. એટલે તેના આંસુ તેમાં ભળીને છુપાવી શકાતા હતા.

દવાખાને પહોંચતા પહોંચતા પોણો કલાક લાગી ગયો. તળાજાના પોઈઝન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાહેબ ને ત્યાં આવી પહોંચ્યા. સાહેબ તાબડતોબ હાજર થઈ ગયા. સાથે લાવેલ મરેલો સાપ જોઈ સાહેબ સમજી ગયા કે આ કિંગ કોબરા નો વાર છે. ઝેર શરીરમાં ફેલાઇ ચૂક્યું હતું. સાહેબે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. સાહેબ કેસરીના બીપી થી ચિંતિત હતા. બીપી સતત ડાઉન આવતું હતું. ડોક્ટર સાહેબ ખૂબ કોશિશ કરી રહ્યા હતા પણ તેની કોઇ કારી ફાવતી ન હતી. સાહેબને પણ પરસેવો છૂટવા લાગ્યો હતો.

" આ બીપી કંટ્રોલ થશે તો જ આપણે સફળ થઈશું નહીંતર........."

સાહેબ નું ધ્યાન બીપી કાઉન્ટ પર ચોટેલું હતું. મક્કમ મનનો કેસરી પણ હવે થોડો ઢીલો પડ્યો. તેના શરીરમાં ફેલાતા ઝેરથી અસર તે પણ અનુભવી રહ્યો હતો. સાથે આવેલ જુવાનિયાઓ પણ નિરાધાર થઈ ઉભા હતા. બહાર વરસાદ થંભી ગયો હતો. વરજાંગ ની આંખો માં ચાલુ હતો. હવે કેસરી એ વરજાંગ ને પાસે બોલાવ્યો,

"ભાઈ, દાક્તરની વાત ઉપરથી મને એવું લાગે સે કે હવે મારો બાજરો ખૂટી ગયો સે. મારે તને થોડીક ભલામણ કરવી છે. મારી લેતી-દેતી ના હસાબ નો સોપડો મારા કપાટમાં ગોદડાના પડ માં સે, ઈ જોય લેજે. મારી મીનુ નું ને એની મા નું ધયાન રાખજે, બળદ્યા ને ભેહું ભૂખ્યું નો રે ઈ જોજે......."

હજી તો કેસરી આ ભલામણો કર્યે જતો હતો ત્યાં વરજાંગ દોડીને કેસરી ને ભેટી ગયો. બન્ને ભાઈઓએ એકબીજાને બાથમાં ભીડી દીધા. ડોક્ટર સાહેબ નું ધ્યાન હજી ટી.....ટી......ટી...... કરતું નીચે જતા બીપી પર જ હતું. વરજાંગે કેસરી ને બાથ માં ભીંસી નાખ્યો.

" મોટાભાઈ માતાજી તને કાય નો થાવા દે, ભાય તુ આવડો ડુંગરા જેવડો હિંમત હારી જાશ તો અમારું હું થાહે?"એમ બોલતાં બોલતાં તે રડી પડ્યો.

વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું.સાથે આવેલ જુવાનિયાઓની આંખોમાં પણ આંસુ છલકી ગયા. ફક્ત વરજાંગ ના હીબકાં ને બંને ભાઈ ના ભેટવાથી દબાયેલા હૃદયના ધબકારા સંભળાતા હતા. ડોક્ટર સાહેબ પણ સતત ડાઉન થતાં બીપી તરફ તાકી રહ્યા હતા.

એટલામાં બીપ...... બીપ...... બીપ...... અવાજ આવવા લાગ્યો. ડોક્ટર સાહેબ ના આશ્ચર્ય વચ્ચે બીપી લેવલ પકડવા લાગ્યું. ને નોર્મલ નજીક આવી ગયું. ડોક્ટર સાહેબ ઝડપથી ઊભા થઈ ગયા.

વરજાંગ કહેવા લાગ્યો, "સાહેબ, મારા માડી જાયા ને બસાવી લ્યો, સાબ, જિંદગી ભર તમારો ગુલામ થઈને રશ."

સ્થિર થયેલા બીપી ને જોઈ ડોક્ટર સાહેબ ના મોઢા પર હવે સ્મિત આવ્યું. "તું ચિંતા કરમાં તારા માડી જાયા ને હું હવે કંઈ નહીં થવા દઉં."

ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન આપી ફટાફટ સારવાર ચાલુ કરી દીધી, બહાર ફરી વરસાદ ચાલુ થઈ ગયો. વરજાંગ અને બધા જુવાનિયાઓની આંખોમાં પણ ખુશીનો વરસાદ ટપકવા લાગ્યો.....

લેખક: અશોકસિંહ એ. ટાંક..
( સત્યઘટના પર આધારિત)
કથાબીજ: હઠીસિંહ બી. મકવાણા