Shraddha ni safar - 9 - last part books and stories free download online pdf in Gujarati

શ્રદ્ધા ની સફર - ૯ - છેલ્લો ભાગ

શ્રદ્ધાની સફર-૯ જીવનની સફર

નિત્યા ના લગ્ન હવે સંપન્ન થઈ ગયા હતા. એ એના સાસરે વિદાય થઈ ગઈ હતી. બે દિવસ પછી કુશલ પણ પાછો બેંગલોર જવાનો હતો. નિત્યાના લગ્ન પછી બધાં ને ખૂબ થાક લાગ્યો હતો. દીકરી ના લગ્ન નો પ્રસંગ પત્યા પછી નો થાક પણ ખૂબ હોય છે, કારણ કે દીકરી ના લગ્નમાં કામ પણ ખૂબ વધુ હોય છે.
કૃષ્ણકુમાર અને કુસુમબહેન હવે એક દીકરી ની જવાબદારીમાંથી મુક્ત થયા હતા. સરસ્વતી બહેન પણ નિત્યા નો અભાવ અનુભવતાં હતાં. નિત્યા વિનાનું ઘર આજે જાણે સાવ સૂનું લાગી રહ્યું હતું. હંમેશા બાળપણની હસતી રમતી નિત્યા પળભરમાં તો એક યુવતી બની ગઈ હતી. સમય કેટલો જલ્દી વીતી જાય છે નહીં!!!
શ્રદ્ધા ને તો નિત્યા વિના બિલકુલ ગમતું જ નહોતું, પણ સમય ને જતાં કયાં વાર લાગે છે? એમ કરતાં કરતાં એક વર્ષ જેટલો સમય વીતી ગયો. શ્રદ્ધા નું પણ ભણવાનું પૂરું થઈ ગયું હતું. અને કુશલને એની કંપનીના પુના હેડક્વાર્ટરમાં પ્રમોશન મળ્યું હતું અને હવે પછીની નોકરી એણે પુનામાં કરવાની હતી. એટલે એ પણ હવે બેંગ્લોર થી પુના શીફ્ટ થઈ ગયો હતો.
બધું બરાબર ગોઠવાઈ ગયું હતું. એવામાં કૃષ્ણકુમારના એક મિત્ર બકુલભાઈ કે જે એમની સાથે નોકરી કરતા હતા એ એમને ઘરે મળવા આવ્યા.
એમાં વાતવાતમાં એમણે કહ્યું, "કૃષ્ણ, હમણાં ઈવેન્ટ મેનેજમેન્ટ નો એક કોર્ષ થાય છે. આ ખૂબ સરસ કોર્ષ છે. માત્ર એક જ વર્ષનો કોર્ષ છે . મારી દીકરી પણ ત્યાં એ કોર્ષ શીખવા જાય છે તો તું પણ શ્રદ્ધા ને ત્યાં મોકલ. મારી દીકરી ને પણ કંપની મળી જશે અને શ્રદ્ધા નું હવે ભણવાનું પૂરું થઈ ગયું છે તો આગળ એને કેરિયર બનાવવામાં સારો અવસર મળશે. આ કોર્ષ કરવા જેવો તો ખરો હો મારી દ્રષ્ટિએ. અને એનો લોકો જોડેનો સંપર્ક પણ વધશે ને એ થોડી બહિર્મુખી પણ થશે. વિચારી જોજે. યોગ્ય લાગે તો મને કેજે. શ્રદ્ધા નું એડમિશન કરાવી આપીશ."
"હા, સારું, હું તને વિચારી ને પછી કહું." એમણે કહ્યું.
બકુલભાઈ ના ગયા પછી કૃષ્ણ કુમાર એ વિચાર્યું કે, શ્રદ્ધા ના સારા ઘડતર માટે આ કોર્ષ કરાવવો જોઈએ. એણે કુસુમબહેન અને પોતાની માતાનો પણ અભિપ્રાય લીધો. બધાં ને કૃષ્ણ કુમાર ની વાત યોગ્ય લાગી એટલે બધાં એ ભેગા મળીને શ્રદ્ધા ને આ કોર્ષ કરાવવાનું નકકી કર્યું. અને કૃષ્ણ કુમાર એ શ્રદ્ધા નું એડમિશન લઈ લીધું.
શ્રદ્ધા ને પણ આ કોર્ષ માં મજા આવવા લાગી. બકુલભાઈ ની પુત્રી રેવા તો ટૂંક સમયમાં જ શ્રદ્ધા ની ખાસ મિત્ર બની ગઈ હતી. આ કોર્ષ કરવાનો શ્રદ્ધા ને બીજો ફાયદો એ થયો કે, હંમેશા ઓછું બોલતી શ્રદ્ધા બધાં જોડે ભળતી થઈ. એ મિત્રો બનાવતી થઈ. એની સંવાદ કરવાની કળા વધુ નિખરી. અને એની આ કળા જ એને આગળ જતાં ખૂબ કામ આવવાની હતી, એ વાત થી તો ખુદ શ્રદ્ધા પણ અજાણ હતી.
અને એ જ સમય દરમિયાન નિત્યા એ પણ એક દીકરી ને જન્મ આપ્યો હતો. અને કુશલ એ પણ પોતાની જોડે નોકરી કરતી દિયા નામની એક મરાઠી કન્યા જાતે જ પસંદ કરી લીધી હતી. જ્યારે એણે ઘરમાં બધાં ને આ વાત જણાવી ત્યારે બધાં ખુશ થયા અને પછી રંગેચંગે કુશલ ના પણ ધામધૂમથી લગ્ન ગોઠવાયા. શ્રદ્ધા ના ઘરમાં ભાભી નું આગમન થયું. બંને નણંદભોજાઈ ને ખૂબ બનતું હતું પણ બંને ને સાથે રહેવાનો બહુ મોકો મળ્યો નહીં. લગ્ન પછી દિયા સાસરે થોડો સમય રોકાઈ પણ પછી તો એને કુશલ ની સાથે પુના જ જવાનું હતું. કુશલ અને દિયા પુના જતા રહ્યા.
સમય વીતી રહ્યો હતો. બીજું એક વર્ષ પૂર્ણ થઈ ગયું. કુશલ અને દિયા ને ત્યાં પણ એક પુત્ર નો જ્ન્મ થયો હતો.
શ્રદ્ધા નો ઈવેન્ટ મેનેજમેન્ટનો કોર્ષ પણ પૂર્ણ થઈ ગયો. એવામાં એણે છાપામાં માર્કેટીંગ એક્ઝીક્યુટિવની પોસ્ટ માટેની જાહેરાત જોઈ. એણે ઈન્ટરવ્યુ આપ્યો અને એનું એમાં સિલેક્શન પણ થઈ ગયું. અને આ નોકરીમાં જ એણે ઈવેન્ટ મેનેજમેન્ટ માં જે કંઈ શીખ્યું હતું એ હવે એને ખૂબ જ કામ લાગ્યું. એનામાં લોકો જોડે સંવાદ કરવાની કળા સારી રીતે વિકસિત થઈ ગઈ હતી. જે શ્રદ્ધા ખૂબ શાંત રહેતી હતી એ જ શ્રદ્ધા હવે લોકોને પોતાની વાતો થી મંત્રમુગ્ધ કરી દેતી હતી જેનો ફાયદો એના બોસને મળતો. અને એમનો બિઝનેસ માત્ર શ્રદ્ધાના કારણે જ જોરશોરથી ચાલી રહ્યો હતો.શ્રદ્ધા હવે નોકરીની નવી સફર પર નીકળી ગઈ હતી.
લગભગ બે વર્ષ સુધી એણે નોકરી કરી અને એ પછી એણે પોતાનો જ અલાયદો બિઝનેસ ચાલુ કર્યો. અને ટૂંક સમયમાં તો એ મોટી બિઝનેસવુમન બની ગઈ.
શ્રદ્ધા ના પરિવાર થી શરૂ થયેલી સફર એના બિઝનેસ પર આવીને પૂર્ણ થઈ.
*****
જીવન કેરી કસોટીઓને પણ શ્રદ્ધા કરી ગઈ પાર
થોડી હિંમત, થોડું સાહસને પરિવારનો સહકાર
જીવનના અહીં કેટકેટલા છે નીતનવા આકાર.
શ્રદ્ધાની આ સફર, ઝીલ્યા એણે અનેક પડકાર.
*****
(સમાપ્ત)