Alpviram books and stories free download online pdf in Gujarati

અલ્પવિરામ

બારીમાંથી મેઘરાજાએ પાથરેલી લીલીછમ્મ ભવ્યતાને એ મન મૂકીને માણી રહી હતી. વારંવાર એના લાંબા, ભૂરા વાળ એને આ આહલાદ્ક અને કુદરતી અનુભવમાં ખલેલ પહોંચાડતા હતા,એવું લાગતું હતું.

કોઈ એક પ્રયોજનને લક્ષ્યમાં રાખીને વીજળીની ઝડપે દોડી જતા વાહનો, રસ્તામાં છૂટક-છૂટક આવતી જાણીતી હોટેલો અને રેસ્ટોરન્ટસ,ગામ નજીક છે એવા પુરાવાઓ આપતા એ પાનના ગલ્લા, ક્યારેક એક જ પળમાં અલોપ-ઝલપ થતી ચાની સુગંધ, આ બધું 'ગઝલ' ને ગમતું. ઘણું અસામાન્ય હોવા છતાં બારીમાંના આ દ્રશ્યો ઘણા વર્ષોથી એની સફરનો અવર્ણનીય અને અવિસ્મરણીય ભાગ હતા. ’ગઝલ’, શબ્દે-શબ્દે કવિતા અને વાક્યે-વાક્યે વાર્તાનો સમન્વય ધરાવતી એક અદભુત છોકરી. મુશ્કેલીઓને માત આપતી એ ભૂરી અને ચુંબકીય આંખો વાળી છોકરીને આ વિશ્વ અદભુત લાગતું. કોઈ પણ સંજોગોમાં એને સફર સહજ, સ્વીકાર્ય અને મજાની લાગતી.

મોબાઈલ પર મેસેજના વાઈબ્રેશનને લીધે એના આ 'કુદરતી શૉ' માં 'ઈન્ટરવલ' આવ્યો. વિચારોમાંથી વિરામ લઇ,વાળને ઉપર બાંધી એને મોબાઈલની સ્ક્રીન તરફ નજર કરી. એક વીજળીના ચમકારા જેમ સ્મિત મોઢા પર આવીને જતું રહ્યું.

'ગઝલ,'

કાળજીથી અલ્પવિરામ ટાઈપ થઈને આવતા આવા મેસેજીસની એ દીવાની હતી. લાગતું કે કોઈ એના હોંકારાની રાહ જોઈ રહ્યું છે! ફરી એકવાર એવા મારકણા અને નાજુક સ્મિત સાથે રિપ્લાયના વિકલ્પમાં એને પણ થોડી સાવચેતીથી ટાઈપ કર્યું.

'હા, સાવન,'

****

પોતે કંઈક અલગ છે, એવા અભિમાન સાથે નહિ પણ આત્મવિશ્વાસ સાથે જીવતી ગઝલને ખુશ થવા માટે લોકો કે વસ્તુઓની ઓછી જરૂર પડતી. પોતાની જ જનરેશનના લોકોથી એને સખત ચીડ હતી અને એટલે જ કદાચ મિત્રવર્તુળ કરતા શબ્દો અને સાહિત્યને એ પોતાનાથી અળગા થવા ન દેતી.

'સાવન, તને કેમ એવું લાગે છે કે હું છોડીને ચાલી જઈશ?'

'કારણ કે તું બંધનમાં નહિ રહી શકે ગઝલ, તું,..તું અલગ છે, તને આઝાદ પંછીની જેમ ઉડવા જોઈએ છે ને?'

ફરી-ફરી આ વાતને લીધે ગઝલ અને સાવનનો કહેવાતો ગંભીર સંવાદ મૌન રાગ બનીને હવામાં ભળી જતો. આવી કોઈ પણ હાસ્ય છીનવી લે એવી વાત ગઝલને પસંદ ન હતી. ઘણી આવી વાતોને એ ઉડાડીને આજના આનંદમાં જીવતી.

'સાવન,' મૃદુ સ્વરે બોલાયેલું આ નામ મેઘરાજાને પણ ધરતી પર આવવા મજબૂર કરી દેતું, પછી સાવનની તો શું વિસાત!

'મને ગળે લગાડી શકીશ?'

અને એક હૂંફાળા, પ્રેમભર્યા આલિંગન સાથે આ વાત પર જાણે પડદો પડી જતો.
ગઝલની આ પારદર્શકતા સાવનને ખૂબ જ ગમતી. અંતર્મુખી સ્વભાવ ધરાવતો સાવન સફળ માણસની હરોળમાં મૂકી શકાય એવો હોદ્દો ધરાવતો હતો. પોતાના કામને અને હોદ્દાને માન આપતો સાવન સંગીત સાથે, સ્વાભાવિક પણે ઊંડાણથી જોડાયેલો હતો. અને આ બાજુ ગઝલ, હરિપ્રસાદ ચૌરસિયાથી લઈને પ્રેમ જોશુઆ, ક્રિસ્ટિના પેરી, ટેલર સ્વીફ્ટ, સેલેના ગોમેઝ, એનરિકે ઇગ્લેસિસ અને પ્રસિદ્ધ ઇન્ટરનેશનલ બેન્ડ્સથી અવગત હતી. સંગીત, સાહિત્ય, કળા અને પોતાની ટવીન બહેન ગરિમા, આ ચારેયમાં એ પોતાનું વિશ્વ શોધતી રહેતી. આમ કહોતો ગઝલ પણ એક સારા એવા હોદ્દા સાથે પોતાના કામને વળગી રહેતી. પણ મોટાભાગે, આ બધી ડિગ્રીઓ અને હોદ્દાઓ એને ખાલીપણાનો અહેસાસ કરાવતા.
'આજે આપણે મળી રહ્યા છીએ', આવા અચાનક પ્રયોજન વગરના સાવનના ફોન કોલ્સ ગઝલને ગમવા લાગ્યા હતા. કોફીની ગરમ ગરમ સુગંધ સાથે વાતોના અવિરત પ્રવાહ ક્યારેય ના અટકે, એવું એ ઇચ્છતી. સાવન સાંભળતો રહેતો, ગઝલના વિચારો, વાતો, અભિપ્રાયો અને નિર્ણયો.

પરંતુ, વાત આટલેથી જ ન અટકતી, પ્રેમની જુદી-જુદી વ્યાખ્યાઓ અને સમજણ ધરાવતા બે અલગ-અલગ વ્યક્તિત્વ ગંભીર ચર્ચાને પૂર્ણવિરામ આપી, મન મૂકીને હસી પડતા.

'ગઝલ, મને ખબર છે, તું ઉડવા માટે તત્પર છે, તારા શોખ, તારા સપનાઓ, તારી મહત્વાકાંક્ષાઓ, સામે ક્યારેય કોઈ પણ નહિ ટકી શકે, હું પણ નહિ.'

'સાવન, પ્લીઝ, તને ખબર છે મને આ પાછળથી લગાવાયેલું 'પણ' ગમતું નથી.'

'હા, ગઝલ, તને નહિ રોકે કોઈ, લગ્ન સાથે આવતી જવાબદારીઓ પણ નહિ.'

'કોઈ બીજા સાથે જોડાવાથી મારુ અસ્તિત્વ ખોવાઈ જાય એનો મને ડર છે, સાવન.'

'તારી મહત્વાકાંક્ષાઓ એટલી તો નબળી નથી, કદાચ.'

'પક્ષીઓને નિશ્ચિત સ્થાને આવવા માટે એક લાંબી ઉડાન ભરવી પડે છે, એવી ઉડાન હું વારંવાર ભરવા માંગુ છું, સાવન.

'સંગીત, સાહિત્ય, અનાથ-અંધ-વૃદ્ધ વ્યક્તિઓ અને કંઈક અસાધારણ રીતે જીવવાના મારા સપના મારો સહારો છે. આમાં તને ન્યાય નહિ આપી શકું કદાચ, સાવન.

સાવનનું મૌન ગઝલને અકળાવી દેતું. નાટ્યકારને પોતાના પાત્રને ન્યાય આપવાની સાથે સાથે પોતાના ખરા વ્યક્તિત્વને પણ ન્યાય આપવો પડે છે, એવી જ રીતે ગઝલ સમજતી કે સાવન હજી પણ એના શબ્દોને ગોઠવે છે, ગઝલ સામે બોલતા પહેલા.

જયારે મન થઇ ત્યારે ઝઘડી શકાય એવી સહજતા એ બંને વચ્ચે હતી, જે ગઝલ ને ખૂબ ગમતી. 'ગઝલ,' ઘેરાયેલા અવાજે બોલાયેલા આ સ્વર ગઝલના મનને ઘેરી વળતા.

'તું મારી સાથે છે ને?!'

'કેમ નહિ, સાવન? તું આ પ્રશ્નાર્થ ચિન્હની સાથે સાથે 'ને' પ્રત્યય ને પણ કાઢી શકીશ, તો મને ગમશે.'

અને ફરી એ સૌમ્ય, ગઝલને ગમતું સ્મિત સાવનના મોઢા પર રમી રહ્યું. પણ ઊંડે ઊંડે બંનેને ખબર હતી, આ વાતની સાર્થકતા ક્યાં સુધી અને કેટલી સાબિત થઇ શકશે. લાગણીઓ એની નબળાઈ નહિ પણ તાકાત હતી અને આ જ વિચાર બધાથી અલગ તરી આવવામાં ગઝલને મદદ કરતો. સ્મરણો ફોનની ગૅલેરીમાં નહિ પણ હૃદયમાં કંડારી શકો એટલા મજબૂત હોવા જોઈએ, એવું એ દૃઢપણે માનતી અને એ જ રીતે જીવતી.

****

ફરી એકવાર સાવનના મેસેજે ગઝલને વિચારોની તંદ્રામાંથી જગાડી.

'તું ક્યારે આવે છે? હું તને લેવા આવું? ઇઝ ધેટ ફાઈન વિથ યુ?'

ગઝલની આંગળીઓ ટચ-સેન્સિબલ કી-પૈડ પર રમતી રહી.
'નો, સાવન, આઈ કેન ગો હોમ એટ માઇ ઓઉન. હજી બે કલાક થશે મને પહોંચતા.'

ક્યારેક સંબંધોની અને પ્રેમની સમજણને લઈને થતી તકરારમાં સાવન કે ગઝલ વાતોનો દોર ફરી સાંધવામાં જાણે માહિર હતા. અને ગઝલને આ વલણ એક ખાસિયત જેવું લાગતું.

ખબર હતી, આવા મેસેજનો રિપ્લાય આપવામાં સાવનને થોડું વિચારવું પડશે, બેકસ્પેસ આપવી પડશે, એક-બે વાર. અને અંતે ગઝલની ધારણા મુજબનો રિપ્લાય આપ્યો.

'ઓકે.'

કોઈ પણ પ્રકારની વાતો એકબીજાને આસાનીથી કહી શકતા ગઝલ અને સાવનના આવા સંવાદોનો સાચો અર્થ એ બંને જ સમજી શકતા. સપના અને સાવન વચ્ચે અસમંજસ અનુભવતી ગઝલને લગ્ન જેવી ઘણી સમાજ વ્યવસ્થાઓ બાધારૂપ લાગતી. પ્રશ્નોના જવાબ શોધતી રહેતી એ છોકરી દ્રઢપણે સમાજમાં એનું સ્થાન સ્થાપિત કરવા નહિ પણ, પોતાના સંતોષ માટે પ્રયત્નો કરતી રહેતી. નાના બાળક જેવો સહજ અને અવિરત પ્રેમ એ એના આસપાસના લોકોને કરી શકતી, તો સાવન માટે આટલું અલગ કેમ?


બારીમાંથી આવતી વરસાદની વાંછટે એને રોમાંચિત કરી દીધી. છેલ્લી એક કલાકમાં આ સફરની સાથે સાથે એને સાવન સાથે માણેલી એક-એક પળની સફર પણ કરી લીધી. 'ઓલ આઈ સ્વેર ટૂ યુ, આઈ વિલ બી ધેર ફોર યુ, ટ્રેઈન બેન્ડના ‘ડ્રાઈવ બાય’ના શબ્દો સાથે પોતાના પ્રશ્નોના જવાબ શોધતી ગઝલે જલ્દીથી ફોનનું લોક અનલોક કર્યું અને મેસેજીંગમાં જઈને ટાઇપ કર્યું,

'સાવન,'

થોડીવાર રહીને સાવનના મસ્ત અને આકર્ષિત અંદાજ સાથે રિપ્લાય આવ્યો,

'હા, ગઝલ, આર યુ ઓકે?'

'યસ, આઈ એમ.'

ફરી આંગળીઓ અટકી ગઈ, ગઝલને થયું, કદાચ એ એની મહત્વાકાંક્ષાઓને ન્યાય નથી આપી રહી, એક અજીબ અકળામણ અનુભવાઇ. શું જરૂર છે સાવનને કહેવાની, અત્યાર સુધી તો અચળ હતી એ,

'ગઝલ, તારા સપનાઓની ગઝલની રચના તું ખુદ કરી શકે એટલી સક્ષમ છે, પણ મને એ સપનાનો નાનો એવો ભાગ બનવાની મંજૂરી આપીશ?'

ગઝલે નહિ નહિ તો છ-સાત વાર એ મેસેજ વાંચ્યો, એક ચકડોળ જેવા રોમાંચનો અનુભવ થયો પણ સ્વસ્થ ચિત્તે એને ટાઇપ કર્યું,

'સાવન, સપનાઓ સ્વતંત્ર રીતે આકાર લેતા હોઈ છે, અને એને પૂરા કરવા માટે હિંમતની સાથે સાથે એક પ્રેરણાની જરૂર પડતી હોઈ છે.'

'ગઝલ, પ્રેરણા માટે તો તું જ કદાચ ઉત્તમ ઉદાહરણ છે, મને તો સાથી બનવું છે, સપ્તરંગી મેઘધનુષમાં સફેદ રંગને કારણે થતા રંગ પરિવર્તનની જેમ સફેદ રંગ જેવો સાથી,'

ગઝલને થયું, સાવન જો સામે હોય તો એને ચુંબનોથી નવડાવી દીધો હોય. પણ શબ્દો એની તાકાત હતા, ધ્રુજતા હાથે નાના બાળક જેવી સહજતાથી એણે પૂછ્યું,

'સાવન, તું આ સાચું કહે છે?'

'વિશ્વાસ નહિ પણ આત્મવિશ્વાસમાં માનનારી છોકરી આવા પ્રશ્નો પૂછે છે?'

'સાવન,'

'ગઝલ, તારી આંખ આમ જ સુખના આંસુઓનો સાથ નહિ છોડે,'

'સાવન, તું મને લેવા આવી શકીશ?'

સાવન આ મેસેજ વાંચીને જાણે ઝૂમી ઉઠ્યો, પોતાનું લેપટોપ બંધ કરી, એક નવી ગઝલના સ્વાગતમાં એને અરીસામાં જોઈને પોતાની આદત મુજબ કાલ્પનિક ગઝલ સાથે વાત માંડી, 'ગઝલ જે વાત માટે તારી ફરિયાદ હતી, એ જ સાવન આજે આત્મવિશ્વાસુ બની ગયો, તું કહેતી હતી ને, આજે સાવને ગઝલને એક 'ગઝલ' લખવા માટે મનાવી લીધી!'