jigari dost books and stories free download online pdf in Gujarati

જીગરી દોસ્ત

ધોમધખતા તડકામાં લગભગ ત્રણેક વાગ્યા હશે, હું ઊંઘતો હતો. મારો મોબાઇલ ફોન રણક્યો મેં જાગીને જોયું તો ગોપાલ નો ફોન હતો.

"હલો સર, મેં તમને તડકામાં ડિસ્ટર્બ કર્યા છે. પણ શિહોર બાજુ આવ્યો છું. તો તમને જરા મળીને જાવ એવી ઈચ્છા થઇ ગઈ.".

ગોપાલ અને મારી દોસ્તી નું માધ્યમ સંગીત. માપસરની હાઈટ, સપ્રમાણ બોડી, ક્લીન શેવ ચહેરો, અલવેસ બ્લેક ગોગલ્સ પહેરેલો. સારી પર્સનાલિટી વાળો. ઉમર માં મારી કરતા ઘણો નાનો. અમે બંને શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા. હું શિક્ષક અને એ પણ શિક્ષક. હું નોર્મલ બાળકોનો શિક્ષક અને ગોપાલ અબ નોર્મલ બાળકોનો શિક્ષક. અવારનવાર શિક્ષકોની તાલીમમાં અમારી મુલાકાત થાય. પોતે સંગીત નો કીડો, મખમલી અવાજ, જગજીત સિંઘ સાહેબ ની ગઝલો ખૂબ સારી ગાય. હું પણ જગજિત સિંઘ સાહેબ નો ફેન. ગોપાલ મને તેમની ગઝલો ગાય ને સંભળાવે. પોતે ભાવનગરમાં ગોપાલ બિટ્સ મ્યુઝિક એકેડેમી અને ગોપાલ બિટ્સ ઓરકેસ્ટ્રા પણ સરસ રીતે ચલાવે. સારેગામા ગુજરાતમાં ટોપ ફાઈનાલિસ્ટ માં જેનું નામ હતું.

આમ તો તેનું કામ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવું. તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવામાં મદદ કરવી. તેનું કામ તે ખુબ દિલથી કરે. આ કામ તે પગાર માટે નહીં પરંતુ સેવા માટે વધુ કરે છે.તેના ભાગે આવતા બાળકો કે જેમાં અમુક બોલી નથી શકતા, કોઈ સાંભળવામાં તકલીફ વાળા છે, માનસિક તકલીફ વાળા અને અમુક તો વર્ષોથી પથારીમાં જ પડ્યા છે. તેની સાથે ગોપાલ ને કામ કરવાનું. પણ બાળકો તેની વાટ જોતા હોય. તેનો એક વિદ્યાર્થી પ્રજ્ઞાચક્ષુ અને પોલિયોગ્રસ્ત છે. એ તો ગોપાલ નો અવાજ સાંભળતા જ પથારીમાં જોશ માં આવી ને જોર જોરથી બોલવા લાગે છે,

"ગોપાલભાઈ આવ્યા ગોપાલભાઈ આવ્યા..."

ગોપાલ પણ આવા બાળકો માટે સરકાર તરફથી મળતી પ્રવૃત્તિલક્ષી કીટ, ને ક્યારેક પોતાના તરફથી પણ કઈ ની કઈ વસ્તુ, કે નાસ્તો બાળકો માટે લઈ જાય. આવો જિંદાદિલ માણસ, પોતે પોતાનું સંગીત અને પોતાની પ્રવૃત્તિ. બસ, "અપની ધુન મે રહેતા હું.....".

મેં કહ્યું, "અરે દોસ્ત આવને...! "

તે પોતાની ગાડી લઈને મારા ઘેર આવી ગયો. સાથે તેમના બે દોસ્તો કમ સહકર્મચારી હરેશભાઈ ને રાજુભાઈ પણ હતા. મારા ખૂબ આગ્રહ છતાં ઘરની અંદર ના આવ્યા.કોરોના કાળ ને લીધે. મારા ઘરના આંગણામાં ચીકુડી, આંબો, બદામ જેવા મોટા ઝાડ ને લીધે મોટા ભાગે છાયો જ હોય છે. અમે ચીકુડી ના છાયડે હિંચકે બેઠા સામે બીજા બંને મિત્રો બેઠા.

આડીઅવળી વાતો કરી, સમાચાર પૂછ્યા, તડકામાં ઠંડુ લીંબુ પાણી પીધું, મેં પૂછ્યું,

"પણ આ તડકામાં ક્યાં જઈ આવ્યા?"

"સાહેબ આ લોકડાઉનમાં મને મારા બાળકો સાંભરી આવ્યા.".

મને લાગ્યું કે તેને દિવ્યાંગ બાળકો નો કોઈ સરકારી સર્વે કરવાનો આવ્યો હશે. મેં પૂછ્યું,

"શેનો સર્વે હતો? ".

"ના સાહેબ, સર્વે ન હતો. અમે તો અમારા જરૂરિયાત મંદ દિવ્યાંગ બાળકોને જીવન જરૂરિયાત ની કિટ આપવા ગયા હતા.".

ફરી મને એવું સમજાયું કે સરકાર શ્રી દ્વારા આવી કંઈક મદદ આવી હશે.

"સારુ કહેવાય આવા સમયમાં સરકાર લોકોનું કેટલું ધ્યાન રાખે છે..!!".

" ના સાહેબ, આ સરકારી સહાય ન હતી.".

"તો કોઈ સંસ્થા દ્વારા હશે નઈ? "

ગોપાલ માર્મિક સ્માઈલ આપી પછી ઘડીક નજર ખોડીને જોઈ રહ્યો. જાણે ભૂતકાળમાં ખોવાઈ ગયો.

" સાહેબ, મારો જીગરી દોસ્ત અંબરીશ ઠાકર મૂળ રાજુલા હાલ શિકાગો અને હું ચાર વર્ષ સુધી ભાવનગર એક જ રૂમમાં રહીને સાથે ભણ્યા છીએ. સાહેબ, અમે સગા ભાઈ કરતા પણ વિશેષ રીતે રહેતા હતા."

તેણે તેમના ભૂતકાળના કેટલાય સ્મરણો વાગોળ્યા. તેમાં તેણે વિશેષ વાત એ કરી કે,

" અમારા બંને મિત્રો વચ્ચે પાકીટ એક જ રહેતું. બંનેના ઘરેથી આવેલા પોકેટ મની તેમાં જ રહેતા. જેને જરૂર હોય તે વાપરે. અમારું ભણવાનું પૂરું થયું. અમે struggle કરતા હતા. તેવામાં મારા મિત્ર અંબરીશ ને અમેરિકા જવાનો ચાન્સ મળી ગયો. હાલ તે ત્યાં ખૂબ જ સારી રીતે સેટલ થઈ ગયો છે. પોતે ત્યાં હોટેલના વ્યવસાયમાં છે.પોતાની માલિકીની હોટેલ છે. ત્યાં પણ તે પોતાની હોટેલમાં આ આપત્તિ કાળ માં ગુજરાતના લોકોને રહેવા જમવાની ફ્રી સેવા કરે છે "

અમે વાતો કરતાં ગયાં અને હીંચકાને ઠેલા મારતા ગયા. વાતવાતમાં ગોપાલે આજે મુલાકાત લીધેલ બાળકોના અને તેના કુટુંબના ફોટોગ્રાફ્સ દેખાડયા. ખરેખર ખૂબ જ યોગ્ય જગ્યાએ તેણે અને તેની ટીમે આ ધૂમ ધખતા તડકામાં આજે મદદ પહોંચાડી એ હું ફોટોગ્રાફ્સને માધ્યમથી સમજી શકતો હતો. તેમાં એક બાળક તો ખૂબ દયનીય હાલતમાં હતો તેનો વિડીયો તે મને બતાવી રહ્યો હતો. તે બતાવતા ગોપાલ ની આંખમાં આંસુ આવી ગયા.

તેણે વાત આગળ ચલાવી,

"સાહેબ ભાઈબંધ નો હાથ હંમેશા ખભે હોય છે. એટલે આપણે ક્યાંય નબળા કે ઢીલા પડીએ એટલે તરત ટેકો કરી શકે. અમરીશ ભલે અમેરિકા રહ્યો પણ હજુ તેનો આ ભાઈબંધી વાળો હાથ મારા ખભે જ છે.......".

આટલું કહી તે ઘડીક કંઈ બોલ્યો નહીં. મનોમન ભાઈબંધને યાદ કરતો હોય તેમ ખોવાઈ ગયો. પછી થોડો સ્વસ્થ થઈ બોલ્યો,

" હમણાં બે દિવસ પહેલા હું મારા દિવ્યાંગ બાળકો માટે શું મદદ કરું એવો વિચાર કરતો હતો. એટલામાં અંબરીશ નો ફોન આવ્યો. આ કોરોના કાળમાં શું પરિસ્થિતિ છે તેના સમાચાર પૂછ્યા.તે હંમેશા મને મારા દિવ્યાંગ બાળકોના સમાચાર પહેલા પૂછે.આજે પણ તેણે તેની ચિંતા કરી.મને કહે આપણે તેને મદદ કરવી જોઈએ. મેં કહ્યું, હું તેનો જ વિચાર કરું છું. તે કહેવા લાગ્યો વિચાર નથી કરવો કામ ચાલુ કરી દે. સાહેબ, આ બાળકો માટે મારો દોસ્ત મને વર્ષોથી મદદ કરે છે."

આટલું બોલતા તેની નજર સામે આ બધાં બાળકો તરી આવ્યા.

"સાહેબ, બીજા દિવસે મારા ખાતામાં અંબરીશ તરત જ ટ્રાન્સફર આપી દીધા. હું જ્યાંથી મારા માટે કરિયાણું લઉં છું. તે શોપમાંથી જ ઉત્તમ કવોલીટીના મસાલા, તેલ, દાળ ભાત, ચા,ખાંડ, ચણા, કઠોળ લગભગ પંદર દિવસની કિટો તૈયાર કરી આજે સવારના દસ વાગ્યાના અમે ત્રણેય મિત્રો નીકળી પડ્યા છીએ. હવે તો પાણીની બોટલો ય ખૂટી ત્યાં તમે યાદ આવ્યા.".

આટલું બોલતા તેના મુખ પર આ 42 ડિગ્રી તાપમાનમાં કંઈક કર્યા નું સુખદ સ્મિત રમી રહ્યું હતું.

હું વિચારતો હતો કે આવા સમયમાં ફરજ પર પણ જવામાં લોકો બહાના બનાવે છે.ત્યારે આ ત્રિપુટી ઘરે ઘરે જઈને દિવ્યાંગ બાળકોને મદદ કરી રહ્યા છે.એટલું જ નહિ દિવ્યાંગ બાળકોને ચપ્પલ પણ આપે. આર્થિક જરૂરિયાત વાળાને આર્થિક મદદ કરે.કલાકાર મિત્રો કે જેઓ ને જરૂર તો હોય પણ માંગી નાં શકે તેમને પણ તેમનું સ્વમાન નાં ઘવાય તેવી છુપી મદદ કરી.મને અંબરીશભાઈ ને ગોપાલ ની મિત્રતા પર માન થઈ આવ્યું.

" સાહેબ મારું અને મારા મિત્ર નું પાકીટ આજે પણ એક જ છે હો......... એમ કહી ગોપાલ હસી પડ્યો.".

સલામ છે, આવા ગોપાલ અને તેના મિત્રને.

સલામ છે, તેની ટીમ ને.

સલામ છે, આવા સમયમાં મદદ ની સરવાણી વહેવડાવનાર આવા ફરિશ્તાઓ ને.....
ત્રણેય મિત્રો એ વિદાય લીધી. મારા કાનમાં ગોપાલા ની બંસી ની ધૂન સંભળાઈ રહી હતી......

લેખક: અશોકસિંહ એ. ટાંક (9428810621)
( સત્યઘટના પર આધારિત, ૧૯/૫/૨૦૨૦)
કથાબીજ: ગોપાલ રાવલ