buskot books and stories free download online pdf in Gujarati

બુસ્કોટ

            રોજીંદા ક્રમ મુજબ. હું વર્ગમાં બાળકોની હાજરી પૂરતો હતો. રોલ નંબર 17, રાહુલે ઉભા થઈ "જય હિન્દ" કહી હાજરી પુરાવી. મારું ધ્યાન તેના પર ગયું. આજે તે મને અલગ લાગ્યો. રોજ તેના મોઢા ઉપર ઉદાસ ભાવ જોવા મળતો. તે ઓછું બોલવા વાળો અને બધાથી અલગ રહેતો હતો. વર્ગમાં તેના મિત્રો પણ ન હતા.હાજરી પૂરી ને મેં રાહુલની સામે જોયું. આજે તેણે શર્ટ સરસ પહેરેલો હતો. ગામડામાં પણ સરકારી શાળામાં યુનિફોર્મ તો હોય જ પરંતુ બાળકોના વાલીની સ્થાનિક પરિસ્થિતિથી અમે વાકેફ હોઈએ. મોટા ભાગના વાલીઓ ખેત મજૂરી પર પોતાનું ગુજરાન ચલાવતા હતા.અમુક બાળકોના વાલીઓ હીરા ઘસવાનું કામ કરતા હતા. એટલે અમુક બાળકો યુનિફોર્મ વગર આવે તો પણ અમે ચલાવી લેતા હોઈએ. રાહુલ પણ એવો જ બાળક હતો. તે ભણવામાં નિયમિત, હોશિયાર હતો. રોજ ટાઈમે શાળાએ આવી જતો હતો. બીજા બાળકો માફક તે તોફાન પણ નહોતો કરતો. તે પાંચમાં ધોરણમાં ભણતો હતો.


              તે મોટાભાગે યુનિફોર્મ પહેર્યા વગર જ આવતો હતો. જો તેણે યુનિફોર્મ પહેર્યો હોય તો પણ તે યુનિફોર્મ નું પેન્ટ સંધાવીને પહેરતો, ઉપર શર્ટ અલગ પહેરેલો લાવતો. મોટાભાગે શર્ટ સાંધેલો કે ફાટેલો જ પહેરેલો હોય. મને ખબર હતી કે તેના ઘરનું ગુજરાન તેની મમ્મી દાડી કરીને ચલાવતી હતી. પરંતુ આજે રાહુલે જે શર્ટ પહેરેલો છે તે નવો તો ન હતો પરંતુ નવા જેવો જ હતો. નવી ફેશન નો હતો. બ્લુ ને લાલ ચેક્સ ડિઝાઇન અને માથે પહેરી શકાય તેવી કેપ પણ એમાં જોડેલી હતી. તેેે ઘડીએ ઘડીએ પોતાના શર્ટ સામેે જોયા કરતો.    રાહુલ આજે ખૂબ ખુશ હતો. ઘડીક કેપ માથે લગાવે તો ઘડીક કાઢે ને હું શર્ટ ની નોંધ લવ એ માટેના પ્રયત્નો કરતો હતો.

              મેં હાજરી પૂરી ને રજીસ્ટર મૂક્યું. રાહુલ ને બોલાવ્યો. તે થોડો શરમાતો ને રાજી થતો મારી પાસે આવ્યો. મેં શર્ટ નું કાપડ જોયું, શર્ટ પર હાથ ફેરવ્યો. મેં પૂછ્યું, "રાહુલ, આજે તે શર્ટ બહુજ મસ્ત પહેર્યો છે!! કોણ લાવ્યુ તારા માટે?"એણે રાજી થતા શર્ટ ની કેપ પહેરીને કાઢી, શર્ટ ના પોકેટ નું પ્રેસ બટન ખોલ્યું ને બંધ કર્યું, શર્ટ ની  બાય ને ખંખેરી. શર્ટ પર રોમાન્સ થી  હાથ ફેરવતો બોલ્યો,         

             "સાહેબ, અમે કાલે ભાવનગર મારા માસી ના ઘરે ગયા હતા. મારા માસી ને ઈ પૈસાવાળા છે. મારા માસા બહુ પૈસા કમાય છે. મારા માસી ને ક્યાંય કામ કરવા પણ ના જવું પડે!! મારા માસી ના ભાણીયા પાસે તો કેટલાય કપડા ને બુટ એવું બધું છે. તેની પાસે કેટલા બધા બુસ્કોટ છે. સાહેબ, મારી બા ને તો આખો દિવસ દાડી એ જવું પડે. ને દાડી ના જે પૈસા આવે એમાંથી અડધા મારા બાપા દારૂ પીવા લઇ જાય. સાહેબ, અમે એટલે જ ગરીબ છીએ. હું એટલા માટે જ રોજ ફાટેલો બુસ્કોટ પહેરી લાવું છું. મારા માસી ના ભાણીયા ને આ બુસ્કોટ ટૂંકો થતો હતો. એટલે મારા માસી એ મને આપી દીધો."એમ કહી વળી તેણે શર્ટ તરફ જોઈ, શર્ટ પર ઉપરથી નીચે તરફ હાથ ફેરવ્યો. ને કેહવા લાગ્યો, "સાહેબ, બુસ્કોટ સારો છે ને? "હું સજળ આંખે તેને જોઈ રહ્યો. તેને શર્ટની કેપ પહેરાવી દીધી. પીઠ પાછળ હાથ ફેરવી કહ્યું, "બેટા, બહુ સરસ બુસ્કોટ છે. તને ખૂબ સારો લાગે છે."તે ખુશ થઈ ગયો.

              મોજમાં આવી આગળની હરોળમાં બેઠેલાં વિદ્યાર્થીઓને ઠેકતો પોતાની જગ્યા તરફ જવા લાગ્યો. હું તેને જોતો રહ્યો.

 લેખક: અશોકસિંહ ટાંક