Aaruddh an eternal love - 26 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૨૬

છેક ગાડી સુધી અનિરુદ્ધ આર્યાને હાથ પકડીને લઈ ગયો, એણે પોતાની બાજુની સીટ પર બેસાડી. અનન્યા પગ પછાડતી રીવાની સાથે પાછળ બેસી ગઈ.

મહેલે પહોંચ્યા ત્યાં તો રિવા અને આર્યાની અનુપસ્થિતિ ની બધાને જાણ થઇ ગઇ હતી. પણ એમની સાથે અનિરુદ્ધને જોઈને કોઈએ કશો પ્રશ્ન કર્યો નહીં, કારણકે અનિરુદ્ધનો ગુસ્સો સૌ જાણતા હતા.

અનિરુદ્ધના ગયા પછી દાદી આવ્યા,

"બેટાજી, આ તમારો અનાથાશ્રમ નથી. અમારે અહીં ઘણા રીતિરિવાજો હોય છે, એનું પાલન કરવાનું કહ્યું તો એનું પાલન થવું જ જોઈએ. લગ્ન પછી મારો દીકરો કશે ભાગી જવાનો નથી, તે તમે આમ રઘવાયા થયા. અત્યારે મેં દૂર રહેવાનું કહ્યું છે તો દૂર રહેવાનું. હવે પછી આવી ભૂલ ન થવી જોઈએ."

"જી દાદીજી."

***

"બધું જ આપણા વિચાર્યા પ્રમાણે થઈ રહ્યું છે, પિતાજી! અત્યાર સુધી તો અનિરુદ્ધ બહાર જ રહ્યો છે, તેથી જ હું ઈચ્છતો હતો કે એને સાચી વાતની ખબર પડે એ પહેલાં એ જાણી લે કે આપણે બધા એને કેટલો પ્રેમ કરીએ છીએ!"

"તેથી જ મેં તારા કહ્યા મુજબ અનિરુદ્ધની બદલી અંહીં થાય એ માટે રિક્વેસ્ટ મોકલાવી. પ્રયત્નો ઘણા કરવા પડ્યા પરંતુ આખરે એની બદલી અહીં નક્કી થઈ જ ગઈ."

"આર્યા આપણા અનિરુદ્ધ માટે મને એકદમ યોગ્ય લાગી, એનામાં જે સમજણ અને ગંભીરતા છે એ અનિરુદ્ધ ના ગુસ્સા માટે એકદમ બરાબર છે. અને તમને ખબર છે પિતાજી, એ બંનેને એકબીજા માટે ખૂબ લાગણીઓ છે. બસ ડર છે તો માત્ર એટલો કે પેલી છોકરી અનન્યા એ બંને ને કશું નુકસાન પહોંચાડે નહીં."

"તારી પસંદ માટે મને જરા પણ શંકા નથી, વાત રહી પેલી છોકરીની તો સાચા પ્રેમને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી."

અનિરુદ્ધના સમજદાર વડીલોને ખબર ન હતી કે ભવિષ્યમાં શા તોફાન આવવાના છે, એ તોફાન કોને પોતાના ભરડામાં લેવાના છે અને કોને કેટલું નુકસાન કરવાના છે. એ બધા તો નિશ્ચિંત થઈ ગયા હતા એમના વહાલા અનિરુદ્ધના ભવિષ્ય માટે.

***

"આર્યા, તને ખબર છે કે ભાઈનું પોસ્ટિંગ થઈ ગયું છે. આજથી જ એ જોઈન કરવાના છે." આર્યા અને રીવાએ નક્કી કર્યું હતું કે બંને એકબીજાને નામથી જ બોલાવશે. એ બંને વચ્ચે ખુબ આત્મીયતા થ‌ઈ ગઈ હતી.

"અચ્છા!!"

"તને લાગતું નથી કે તારે જઈને એને અભિનંદન આપવા જોઈએ!"

"લાગે તો છે પણ દાદીજી...."

"પ્યાર કીયા તો ડરના ક્યા? આવી નાની નાની બાબતોમાં ડરવાનું ના હોય. એવું હોય તો ચાલ હું સાથે આવું."

રીવા આર્યાને પકડીને લઇ ગઈ, અનિરુદ્ધ જેટલી જ લાગણીઓ આર્યાને પણ બતાવવી હતી, અનિરુદ્ધની લાગણીઓનો બરાબર પડઘો એને પણ પાડવો હતો, પણ અનિરુદ્ધ જેટલી સ્પષ્ટ રીતે એ વ્યક્ત થઈ શકતી ન હતી. હજુ તો એ અનિરુદ્ધ પાસે પહોંચી પણ ન હતી ત્યાં જ ધકધક શરૂ થઈ ગયું.

અનિરુદ્ધ તૈયાર થઈ રહ્યો હતો, એની નવી પોસ્ટિંગના પહેલા દિવસ માટે. આર્યાને આવેલી જોઈ એણે અરીસામાંથી જ સ્મિત આપ્યું. રીવાએ આર્યાને ખેંચીને બેડ પર બેસાડી.

"ભાઈ તૈયાર થાય છે ત્યાં સુધી આર્યા, તને અહી લાવવાની લાંચ રૂપે એક કવિતા સાંભળી લે."

"કવિતા સુનાને સે પહેલે તુમ્હે મેરી લાશ પર સે ગુઝરના હોગા." આર્યાને જોતાં જ અનિરુદ્ધ ખુશખુશાલ થઈ ગયો હતો.

"પ્લીઝ ભાઈ..."

"સાંભળ આર્યા..

પ્યાર કી ઝનઝનાહટ ઇધર ભી હૈ, ઉધર ભી હૈ,
બેકરાર હમ ભી હૈ, તુમ ભી હો,
જુડ ગયા હૈે દિલ કા રિશ્તા,
નિભાને કે લિયે,
બેકરાર હમ ભી હૈ તુમ ભી હો....

અચાનક રીવા નું ધ્યાન ગયું, અનિરુદ્ધ કે આર્યા બંનેમાંથી એક પણ નું ધ્યાન કવિતામાં ન હતું, એ બંને એકબીજા સામે એકીટસે જોઈ રહ્યા હતા, અનિરુદ્ધ અરીસામાંથી અને આર્યા અરીસા સામે. એણે બંને ને જોઈને સ્મિત આપ્યું અને એમના તારામૈત્રક માં ખલેલ પહોંચાડવી યોગ્ય ન લાગી.

કોઈ આવી ન જાય એ માટે રીવા રૂમની બહાર ઊભી રહી.

અનિરુદ્ધ આર્યાની પાસે આવ્યો, આર્યા ઊભી થઈ.
"હું... અમે.... હું તમને બેસ્ટ ઓફ લક કહેવા આવી."

"હા, તો કહી દો."

"બેસ્ટ ઓફ લક."એટલું તો આર્યા માંડ બોલી શકી, એ બહાર નીકળવા ગઈ પરંતુ અનિરુદ્ધે એનો હાથ પકડી રાખ્યો.

"આવું ખાલી ખાલી બેસ્ટ ઓફ લક ના ગમ્યું."

"તો?"

"હું કહું તે કરશે?"

"તમે તો કંઈપણ કહેશો." આર્યા ગભરાઈ.

" રીલેક્સ... હું એક ટાસ્ક આપું, સાંજે આવે ત્યાં સુધીમાં મને ગમતી એક વાનગી શોધી કાઢજે અને બનાવી કાઢજે."

"હું તમારી રાહ જોઇશ."એટલું બોલતી આર્યા હાથ છોડાવીને ભાગી.

***
આર્યા જોતી કે મમ્મીજી અને અનિરુદ્ધ વચ્ચે ભાગ્યે જ વાતો થતી. અનિરુદ્ધ એમના પ્રત્યે કંઈક ઉદાસ રહેતો. એ વાતનું કારણ એ સમજી શકતી ન હતી. મમ્મીજી પણ જરૂર સિવાય કોઈ સાથે વાતો કરતા નહીં.

આર્યાએ મમ્મીજીને પુછીને અનિરુદ્ધને પ્રિય વાનગી શોધી કાઢી, દાળબાટી. રિવાને ચખાડી પણ ખરી.

"રીવા જોઈને કહે કે દાળબાટી કેવી બની છે?"

"માનવું પડે યાર, લાગતું જ નથી કે તે પહેલીવાર બનાવી છે. એકદમ મસ્ત."

આર્યા કીચનમાં એકલી પડી, આતુર નજરે એ અનિરુદ્ધની રાહ જોઈ રહી હતી, એને કોઈએ આવીને કહ્યું કે એને દાદી બોલાવે છે. એ ગઈ, પાછળથી અનન્યાએ આવીને આર્યા ની બનાવેલી દાલબાટીમાં ફૂડ કલર નાખી દીધો, જે ફુડ કલરની અનિરુદ્ધને એલર્જી હતી.

આર્યા આવી, અનિરુદ્ધ પણ આવ્યો.સામ સામે સ્મિત ની આપ-લે થઇ. પોતાની પ્રિય વાનગી અને આર્યાના હાથ નો સ્વાદ, અનિરુદ્ધે ધરાઈને દાળબાટી ખાધી.

અનિરુદ્ધ કંઇ બોલે એ પહેલાં જ એને ગળામાં ભરાવો થવા લાગ્યો. એ બોલી પણ શકતો ન હતો. આર્યા ગભરાઈ. એણે ચીસો પાડીને બધાને બોલાવ્યા. અનિરુદ્ધને તુરંત દવાખાને લઈ જવાયો.

આ કામ અનન્યાનું હતું એ દાદી પણ જાણતા ન હતા.

"હું કહું તો મારું કોઈ માને નહિ, મને તો આ અનાથ છોકરી આવી ત્યારથી જ એના પર શક હતો. એ તો મારા દીકરાનો જીવ લઈને જ રહેશે એવું લાગે છે. આટલો આરોપ લાગ્યા પછી કોઈ માણસ અંહી ઉભું પણ શાનું રહે?" અનિરુદ્ધ ના પિતા અને દાદાજી અનિરુદ્ધ પાસે હોસ્પિટલમાં હતા. પાછળથી દાદીએ ચલાવ્યું.

"ના દાદી, માફ કરજો પણ આર્યા આવું કોઈ દિવસ ના કરી શકે!"

"હા માતાજી, તે છોકરીની નજરો મેં જોઈ છે, એ આવું તો કોઈ દિવસ વિચારી પણ ન શકે, બની શકે કે એનાથી અજાણતા આવી ભૂલ થઈ ગઈ હોય."

"વાહ! સરસ! તમને બધાને બે દિવસથી આવેલી એ છોકરી સાચી લાગે છે અને હું ખોટી લાગું છું? એની પાછળ ઘેલા થયા છો કે તમે મોટાઓ સામે બોલવાની આમન્યા પણ ચૂકી ગયા છો? અને તું, એની માતા છે છતાં પણ એ છોકરી નો પક્ષ ખેંચે છે? માન્યુ કે તું એની સગી માતા નથી છતાં પણ તારી ફરજ બને છે એનું ધ્યાન રાખવાની!"

જવાબમાં રીવા એ મૌન થઈ જવું પડ્યું એ જ રીતે અનિરુદ્ધના મમ્મીને પણ મૌન થઈ જવું પડ્યું. આર્યા સમજી ગઈ કે હવે એને શું કરવાનું છે.

"માફ કરજો દાદીજી, હું એકદમ સાચી છું અને મેં કશું ખોટું કર્યું નથી. હું તમારો મારા પ્રત્યેનો અણગમો સમજી શકું છું. જો તમે મને તમારી પુત્રવધુ તરીકે સ્વીકારી શકતા નથી તો, હું રાજીખુશીથી અહીં જવા તૈયાર છું. કારણ કે એક વડીલ પણ જો આશીર્વાદ નહીં આપતા હોય તો હું સુખી થઇ શકીશ નહીં."

આર્યા એ જ વખતે ચાલતી થઈ ગઈ અને રીવા તથા અનિરુદ્ધ ના મમ્મી એને સજળ નેત્રે તાકી રહ્યા.

ક્રમશઃ