sachu daan books and stories free download online pdf in Gujarati

સાચું દાન

"ના.. ના.. એવું કેવી રીતે બને ??... ના.. એ શક્ય નથી..."
આમ કહી વિનોદરાય સફાળા ઉભા થઈ ગયા અને એમની આમ ઝડપથી ઉભા થવાની ઘટનાથી એમની પૈડાં વાળી ખુરશી પાછળની દીવાલને અથડાઈ પડી. આવા અણધાર્યા આઘાતભર્યા પ્રત્યુત્તરથી તો સમાચાર સંભળાવનાર એમનો સેક્રેટરી નયન પણ ચોંકી ગયો. એણે આજ પહેલા વિનોદરાયને આટલા વિહ્વળ જોયા નહોતા. નયનને સમજમાં નહોતું આવતું કે આટલા સામાન્ય સમાચાર શેઠ માટે મહત્વનાં શા માટે હતા. એણે તો પૂછી પણ લીધું., " શું થયું સેઠ ? આટલાં કેમ દુઃખી થઈ ગયા ? "
નયનનાં પ્રશ્નથી વિનોદરાય જાણે મૂર્છા માંથી જાગ્યા હોય એમ બોલ્યા... " ના.. ના..અરે... કઈ નહિ... તું જા.. તારો આભાર. "
"ભલે સેઠ." કહીં નયન બહાર જતો રહ્યો.
નયનને તો કહી દીધું કઈ નહિ પણ વિનોદરાય સામાન્ય તો નહોતા જ. આજે ૭ દિવસે એમને ધ્યાને ગયું હતું કે રોજ મંદિરનાં પગથિયે બેસતી ભિખારણ બદલાઈ ગઈ હતી. રોજ બેસતી ભિખારણનાં સ્થાને અન્ય કોઈ બેઠું હતું. વિનોદરાયએ એ ભિક્ષુક બાઈને પૂછ્યું પણ ખરા કે "અહી જે માજી બેસતા એ ક્યાં ગયા ?" એ બાઈ પાસે શેઠનાં પ્રશ્નનો જવાબ નહોતો.
એણે કહ્યું " મું તો ઓલા બુધવારની આયા જ બેસું સુ સેઠ, તમે મુને જ પૈસા દો સો."
વિનોદરાયને સમજમાં ન આવ્યું કે શું કહેવું, અને તેઓ એને દસની નોટ પકડાવીને ચાલ્યા ગયા. અને એટલે જ એમના શો રૂમ પર આવીને એમણે સેક્રેટરી નયનને આની તપાસ કરાવવાની સૂચના આપી હતી. વિનોદરાય આખા રસ્તે વિચારતા રહ્યા કે એક અઠવાડિયે થી મને અણસાર પણ ના આવ્યો ! આવું શી રીતે બને ? ના...ના... એ બાઈ જૂઠ્ઠું બોલતી હશે...
બાપ દાદાનો વારસાગત સોના-ચાંદીનો ધંધો સંભાળતા શેઠ વિનોદરાય ની ઉંમર ૪૨ વરસની, પણ લાગે હજી ૨૫ ના જ. પોતાનાં જમવાનું, પહેરવેશ, આરોગ્ય તમામનું ધ્યાન શેઠ એટલું કાળજીપૂર્વક રાખતા કે એમનો જવાબ નહિ. દરેક વસ્તુ એની જગ્યા એ જ હોવી જોઈએ એવો સ્પસ્ટ આગ્રહ. કોઈ પણ વસ્તુ સહેજ પણ આઘી પાછી થાય એટલે વિનોદરાયનો પારો ઉચો જાય. એમની પત્ની પણ પણ લગ્નનાં ૧૮ વરસથી એમને બરાબર જાણી ગઈ હતી. અને એ એમની જરૂરિયાતોનું ધ્યાન પણ રાખતાં. વિનોદરાય નો આખો દિવસ એકદમ ચોક્કસ અને ઘડિયાળનાં કાંટે ચાલતો. સવારે ૬ વાગે જાગવું, ઊઠીને પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર. સવારે ૭ નાં ટકોરે નાસ્તો અને છાપું એની જગ્યાએ જ હોવું જોઈએ. નજીકનાં મંદિરે દેવદર્શન કરી વળતા ઉતરતી વખતે સાતમા પગથિયે બેઠેલી વૃદ્ધ બાઈને દસની નોટ દાનમાં આપવી. અને બરાબર ૯.૩૫ નાં ટકોરે શો રૂમ પહોંચી જવું. બપોરે સાડા બાર વાગે જમી લેવાનું અને સાંજનાં સાત પછી એક પણ નવા રૂપિયાનો સોદો નહિ કરવાનો. દુનિયાનાં ખૂણે કેમ ના ગયા હોય , બધું પરવારીને ૧૦ વાગે એટલે સૂઈ જ જવાનું. એમ કહો કે વિનોદરાય એટલે જાણે જીવતી જાગતી ઘડિયાળ! લગ્નનાં એક જ વરસ પછી બાપુજીને હાર્ટ એટેક આવતા છેલ્લાં ૧૭ વરસથી ધંધો સંભાળતા હતાં અને નિયમ પાલનમાં સાક્ષાત્ ઘડિયાળ બની ગયા હતાં
પણ જ્યારે નયને સમાચાર સંભળાવ્યા કે શેઠ એ ભિખારણ તો ગયા અઠવાડિયે જ સ્વર્ગવાસી થઈ છે, અને એટલે જ હવે મંદિરે આવતા નથી ત્યારે શેઠ ઉપરથી નીચે સુધી આખા હલી ગયા. વિનોદરાય જ્યારે ૧૨ વરસના હતા ત્યારથી રોજ મંદિરે જવાની ટેવ દાદા જોડે પડેલી. અને વળતી વખતે દાદા બધાં ભિખારીને વિનું જોડે જ દાન અપાવતા. વિનોદરાયનાં વીસમા વર્ષે તો દાદા ટૂંકી બીમારીમાં ગુજરી ગયાં પરંતુ આં નિયમમાં વિનોદરાય પાક્કા થઈ ગયા. અને લગભગ ૧૨ વરસની ઉંમરથી જ આ સાતમા પગથિયાં વાળી આધેડ મહિલા સાથે શેઠનો બે રૂપિયાની નોટ નો સંબંધ બંધાઈ ગયો હતો.
ટાવર માં એક નો ટકોરો વાગ્યો ત્યારે નયનનું ધ્યાન ગયું કે શેઠનું જમવાનું હજી એમ જ છે. નયને ઑફિસમાં જઈને કહ્યું,
"સેઠ તબિયત તો ઠીક છે ને", પછી અચકાતા અચકાતા કહ્યું, "આજે તમારે વહેલા ઘરે જવું હોય તો...."
વચ્ચે જ વાત કાપી શેઠ ગરજ્યા.." મને શું થાય?? અને વહેલા ઘરે જઇશ તો ધંધો કોણ કરશે??"
નયને ફરી ગભરાતા કહ્યું , " ના આં તો હજી તમે બપોરનું ભાણું જમ્યા નથી એટલે કહ્યું"
"અરે હા... આ કામમાં રહી ગયું.. તું જા.. હું જમી લવ"
પણ વિનોદરાય અને નયન બંને સમજતા હતાં કે પાછલાં ૧૭ વરસથી ન તૂટેલો નિયમ કામનાં ભારણથી તૂટે એ માન્યામાં આવે એટલું સરળ નહોતું. સામાન્ય એવી ભિખારણ જેની જોડે કોઈ જ લોહીનો નાતો નહિ એના મૃત્યુનાં સમાચાર વિનોદરાયને અંદરથી હલાવી ગયા હતા. અનેક વાર યાદ કરવા છતાં વિનોદરાય ને એનો ચહેરો પણ યાદ આવતો નહોતો. ધીરે ધીરે વિનોદરાય ને બધું સમજાવા લાગ્યું હતુ. છેલ્લે ક્યારે એમણે એમની નાની ઢીંગલી જોડે રમત રમી એ પણ યાદ નહોતું. અરે એ કયા ધોરણમાં ભણે છે એ પણ યાદ નહિ.. અને ત્યારે એમને ભાન થયુ કે સમયપાલન અને સ્વાસ્થ્ય જાળવવાના પ્રયત્નમાં તો એમણે જીવવાનું જ છોડી દીધું હતું. આટલા બધા સ્વકેન્દ્રી બની ગયા કે આસપાસનું જાણે કઈ ધ્યાન જ નહિ! મનોમન એક નિર્ણય કરી, સાંજે સાડા પાંચે ઑફિસમાંથી બહાર નીકળી વિનોદરાયએ જાહેરાત કરી,
"ચાલો આજે ગલ્લો વધાવી લો.. તમામ ને રજા..."
ઑફિસમાં આવી ફોન જોડ્યો " હલ્લો પી વી આર ટોકીઝ.. આજે સાંજનાં શો ની ૩ ટિકિટ બુક કરો...હા.. નામ લખો ..વિનોદરાય.."
અને પછી ઘરે ફોન જોડ્યો..." હા.. કહું છું સાંભળે છે... તૈયાર રહેજે...હા.. ઢીંગલીને પણ તૈયાર રાખજે... અને મહારાજને જમવાની ના કરી દે જે.. હા..હા બહાર જ જમી લઈશું.."
જેવો ફોન મુકાયો કે શારદા બહેનને વિશ્વાસ નહોતો આવતો કે ખરેખર આ એમનાં પતિ બોલી રહ્યા હતાં? એમને લાગ્યું કોઈ મજાક કરી રહ્યું હતું. પણ થોડી જ વારમાં ગાડીનાં હોર્નનો અવાજ સંભળાયો. અને થોડીક જ ક્ષણોમાં ડોરબેલનો. શારદાબહેને દરવાજો ખોલ્યો તો એમની આંખોને હજી વિશ્વાસ નહોતો આવતો કે સામે સાક્ષાત્ વિનોદરાય એક હાથમાં ફૂલનો ગુલદસ્તો અને બીજા હાથમાં બનારસી સાડી લઈને ઉભા હતા.
"અરે...હજી તમે તૈયાર નથી થયા... ચાલો ચાલો ઝડપ રાખો... નહિતર સિનેમાની શરૂઆત ચૂકી જઈશું"
"હે!!! પ..પણ આમ અચા..અચાનક? ... અને ત..તમારી સાંજની ચા.."
શારદાબહેન ને આમ ગભરાટમાં થોથવાઈ ગયેલા જોઈને વિનોદરાય માત્ર મલક્યા. અને ફૂલનો ગુલદસ્તો આપતા કહ્યું કહ્યું.."મારો સમય સાચવવામાં બહુ તકલીફ વેઠી છે ને તમે? હવે હું તમારું ધ્યાન રાખીશ. ચાલો આ સાડી પહેરીને તૈયાર થઈ જાવ, આપડે સિનેમા જોવા જઈએ છીએ."
સિનેમા નું નામ સાંભળીને ઢીંગલી તો વિનોદરાય ને વળગી જ પડી. વિનોદરાય પણ ઢીંગલીને તેડીને વહાલ કરતા રહ્યા.
શો રૂમનો સ્ટાફ, નયન, અને શારદા બહેનને હજી નહોતું સમજાતું કે આં ચમત્કાર હકીકત હતી કે સપનું !
અને આ તરફ વિનોદરાય મનોમન એ ભિક્ષુક વૃદ્ધાને પોતાને જીવતદાન આપવા આભાર માની રહ્યાં. કદાચ આજે વિનોદરાય જડતાનું દાન કરવામાં સફળ રહ્યા હતા.

- Hemin patel.