vaak books and stories free download online pdf in Gujarati

વાંક

આજના આધુનિક યુગમાં આપણે રોજ કેટલું ચાલ્યા અને કેટલું દોડયા એ બતાવી આપતી જાતજાતની એપ્લિકેશન મોબાઈલમાં ઉપલબ્ધ છે. કાશ, એવી પણ એપ્લિકેશન આવે, જે આપણે કેટલું જીવ્યા એ બતાવી આપે, રોજ કેટલું મર્યા એનો પણ હિસાબ આપે!! આપણને ખબર તો પડે કે જીંદગી ફાયદામાં જાય છે કે ખોટમાં?? આવી જ રીતે જો કોઈ એવું એપ્લિકેશન આવે કે જેમાં ખબર પડે કે આપણે કેટલું સારું બોલ્યા?, કેટલું ખરાબ બોલ્યા?, કેટલું ન બોલવા જેવું બોલ્યા? સાથે સાથે કેવું બોલીને લોકોનો વાંક કાઢ્યો? અને વાંક કાઢવાથી કેટલા લોકોની નજીક ગયા અથવા તો દૂર થઈ ગયા એની ખબર પડે! જો આવા એપ્લિકેશનો આવી જાય તો તરત જ ખબર પડી જાય કે ખરેખર વાંક કોનો હતો ?

આજે એવા લોકોની વાત કરવી છે. જેને ક્યારેય પણ પોતાનો વાંક દેખાતો જ નથી. બધી વાતમાં બહાના તૈયાર જ હોય છે, કે આમાં આનો વાંક હતો ! ને આમાં પેલા નો વાંક હતો! કે પછી છેવટે સંજોગોનો વાંક કાઢશે! કે સંજોગો જ બરાબર નથી!! જે લોકોને પોતાની કમીઓનો અહેસાસ નથી કે પોતાની નબળાઈઓને કબૂલ કરવા નથી માંગતા, તેઓ પોતે તો સુધરવાની તક ગુમાવી દે છે. સાથે સાથે બીજાનો વાંક કાઢીને એ લોકોની જિંદગીને પણ ખતરામાં મુકી દે છે. આવી વ્યક્તિઓથી ચેતતા રહેવું જોઈએ.

કોઈના વાંક કાઢવાની આદત પડવાની શરૂઆત થાય ત્યારે જ તેને અટકાવી દેવી જોઈએ. ઘણી વાર એવું થતું હોય છે કે કોઈ નજીવી બાબતમાં આપણે કરેલી ભૂલ માટે કોઈને સહેલાઈથી દોષિત ઠેરવીને આપણે છૂટી જઈએ છીએ. એક બે વખત આવું કર્યા પછી ધીમે ધીમે આપણે થોડી વધુ ગંભીર, થોડી વધુ મોટી ભૂલો બદલ બીજાનો વાંક કાઢતા થઈ જઈએ છીએ. છેવટે આપણને એવી ટેવ પડી જાય છે કે જે કંઈ ખોટું થયું તે માટે વાંક તો બીજાનો જ!! એ માટે બીજા જ જવાબદાર છે. હું નહીં!! આમ નાની સરખી ભૂલની જવાબદારીમાંથી છટકી જઈ ને બીજા પર દોષનો ટોપલો ઢોળવાની ટેવને કારણે ક્યારેક ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાઇ શકે છે.

મિત્રો, જ્યારે પણ કોઈ ભૂલ થાય છે ત્યારે એને સુધારી લેવા ની એક તક પણ ઉધડતી હોય છે. એ તકને ઝડપી લેવાથી નવી દિશામાં જવાની પ્રેરણા મળતી હોય છે. જે બીજાનો વાંક કાઢીને બેસી રહે છે, તે જીવનમાં કંઈ જ કરી શકતા નથી અને જે ભૂલમાંથી શીખીને આગળ વધે છે તેનો પાયો મજબૂત બનતો જાય છે.ખરેખર તો ભૂલ કે ખરાબ સમય માણસને જે શીખવાડે છે એ સારો સમય ક્યારેય શીખવી શકતો નથી. કદાચ એટલા માટે જ જિંદગી થોડોક ખરાબ સમય બધાને આપતી હશે.

વાંક, આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. જેમ કે ક્યારેક આપણે કોઈ સાથે સંવાદ કરતા હોઈએ, તેમાં પણ વાંક દેખાય. જેમ કે આપણી વાતનો જો કોઈ જુદો મતલબ કાઢી લે તો, દરેક વખતે વાંક સામેવાળી વ્યક્તિનો જ હોય એવું જરૂરી નથી. આપણો પણ વાંક હોઈ શકે કે આપણે તેને વાત બરાબર સમજાવી ન શક્યા!. સંવાદમાં પણ સમજણ હોવી જોઈએ. દરેક વ્યક્તિને આપણા જેટલી સમજુ સમજી લેવી એ પણ સમજણનો જ અભાવ બતાવે છે. એમાં વાંક આપણો જ હોય છે સામેવાળાનો નહીં.

દરેક મુશ્કેલી વખતે સામેવાળી વ્યક્તિનો જ વાંક ના હોય. ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે જ ઊભી થતી હોય છે. જેને કારણે ઘણી વખત કોઈ સંબંધ એક ઝાટકે ખતમ થઇ જતો હોય છે. પછી, જ્યારે આ મરી ગયેલા સંબંધનો પોસ્ટમોર્ટમ કરીએ છીએ અને કારણો શોધીએ છીએ. ત્યારે છેલ્લે એવું કારણ મળે છે જે એવું આશ્વાસન આપે છે કે આ સંબંધ તુટવામાં વાંક મારો તો નહોતો જ. જેમ પોસ્ટમોર્ટમથી મોતનું કારણ મળે છે પણ, જીવન પાછું મળતું નથી. એવી જ રીતે સંબંધ પણ જયારે તૂટે છે પછી એ જોડાતો નથી.

એવું કહેવાય છે કે દુનિયામાં સૌથી મોટી વેદના તૂટેલા સંબંધને જીરવવામાં હોય છે. ત્યારે એવું લાગે છે કે સમય કરી ગયો એવી મજાક કે જિંદગી પણ કહે કે આમાં મારો શું વાંક? સંબંધ તૂટ્યા પછી કોઈ વ્યક્તિ રડી પડે તો એનો અર્થ એ નથી થતો કે એનો વાંક છે એટલે રડે છે. એ એટલા માટે રડે છે કે એ નાજુક સંબંધ ટકાવવા માટે કરેલ અથાગ પ્રયત્નોમાં તેને સફળતા મળતી નથી!!

ઘણી વાર આપણે સંબંધ અને મિત્રોની પસંદગીમાં ભૂલ કરી બેસીએ છીએ. જો કે કુદરત આપણને પસંદગીનો અવકાશ આપે છે. છતાં પણ મોટેભાગે આપણી આપણી પસંદગીમાં થાપ ખાઈ જતા હોઈએ છીએ. જે વ્યક્તિ આપણી ન હોય એને આપણી માની લઈએ છે. એ જાય ત્યારે પણ આપણે એ વાત સ્વીકારી જ નથી શકતા કે વ્યક્તિ આપણી હતી જ નહીં. આપણે સવાલો કરીએ છીએ કે એણે કેમ મારી સાથે આવું કર્યું? મારો શું વાંક હતો? આમાં આપણો વાંક એટલો જ હોય છે કે આપણે તેને આપણા માનીને ભરોસો મૂકી દઈએ છીએ. એ જાય પછી પણ તેને ભૂલી શકતા નથી.

છેલ્લે મિત્રો, એટલું જ કહીશ કે બીજામાં વાંક ગોતવા કરતાં પોતાની જાતને ઢંઢોળો. પોતાના વાંક શોધીએ અને સ્વીકારીએ. કોઈની વાત સાંભળવાની દરકાર રાખીએ. લોકોને મળતા રહો. સંવેદના અને લાગણીઓ માત્ર સોશિયલ મીડિયા પર લખો નહી એને જીવો. સાચા સુખની અનુભૂતિ છેલ્લે તો આપણા લોકો સાથે જ થવાની છે. એમાં કોઈ શક નથી. જો આપણે એકલા પડી ગયા હોય તો એમાં હશે કદાચ... આપણો જ વાંક !!