sagar sukay chhe books and stories free download online pdf in Gujarati

સાગર સુકાય છે! 


મધ્ય એશિયાના બે દેશ કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. આ બન્ને દેશનીએ આવરી લેતું એક સાગર સમાન વિશાળ સરોવર કે જેનું ક્ષેત્રફળ એક સમયે ૬૮૦૦૦ ચો. કિ. હતું. અરાલ સાગરના નામે જાણીતા આ સરોવરમાં સન ૨૦૦૬માં માત્ર ૧૦% ક્ષેત્રફળમાં જ જળરાશી રહેલી, અને હાલમાં તો એ પણ નષ્ટ થવાના આરે છે. એક સમયે આ સાગરમાં વિશાળ જહાજની અવર જવર રહેતી હતી,એ જ જહાજો આજે સુકા ભઠ રેતાળ રણમાં અવાવરા પડ્યાં છે. જે સાગર એક સમયે આસપાસના લોકોને રોજગારી પુરી પાડતો એ જ સાગરની ક્ષારયુક્ત રેતી લોકો માટે બિમારી અને બેકારી લઈ આવી છે. મોટા ભાગના લોકો અહીંથી પલાયન કરી ગયા છે.
કેમ આમ થયું? આ જાણવા માટે બહું દુર નહીં પણ ૮૦ વર્ષ પાછળના સમયમાં ડૂબકી મારવી રહી. અરાલ સાગર જમીનથી ઘેરાયેલો હતો અને તેમા પાણીની આવકના સ્ત્રોત બે મોટી નદીઓ હતી. બર્ફના ઓગળવાથી અને વરસાદથી સતત વહેતી આ નદીનું પાણી અરાલ સાગરના બાષ્પીભવન ભવન થયેલા પાણીની ખોટ ભરપાઈ કરી આપતી. સન્ ૧૯૬૦માં તત્કાલીન સોવિયત રશિયાએ આ બન્ને નદી પર વિશાળ ડેમ બનાવી નહેર વાટે પાણીને સિંચાઈ માટે વાળી લીધુ. પરિણામે શરુઆતમાં કપાસનું મબલક ઉત્પાદન મેળવવા લાગ્યું. પરંતુ આનું ગંભીર પરિણામ એ આવ્યું કે નદીઓનું પાણી અરાલ સાગરમાં જતું હતું એ રોકાઈ ગયું. સાગરમાં પાણીનો જે આવકનો સ્ત્રોત હતી એ નદીઓ હવે નહેર વાટે વાળી લેવાયું અને બીજી તરફ સાગરમાં પાણીનું બાષ્પીભવન સતત શરુ હતું. પાણીની આવકના પ્રમાણમાં જાવક વધી અને આજે અરાલ સાગર નામ માત્રનો રહ્યો છે. પાણીની જગ્યાએ નજરે પડે છે માત્ર સફેદ પરખ ચડેલી રેતીનું પણ. (ગુગલ મેપમાં Aral sea સર્ચ કરી આ સ્થાન જોઇ શકો છો) આ સાગરના સુકાવા સાથે અનેક મુશ્કેલીઓ અને સમસ્યા ઊભી થઈ. કુદરતના કાર્યમાં માનવીની દખલનું આ ઉદાહરણ છે.
હવે પ્રશ્ન એ થાય કે આપણે આ ઘટના સાથે શું લેવા દેવા? આપણે ક્યાં ભૂગોળની પરિક્ષા આપવી છે? પણ, જો આ જ વાતને પ્રતિકાત્મક સ્વરુપે લેવામાં આવે તો દરેક સમાજ, રાષ્ટ્ર કે સૃષ્ટિ માટે પ્રસ્તુત છે. સમાજને જ અરાલ સાગરના પ્રતિક રુપે લેવામાં આવે તો ખ્યાલ આવશે કે આપણે ધીરે ધીરે સુકાઈ રહ્યા છીએ. સમાજને સમૃદ્ધ કરતી જ્ઞાન, સંસ્કાર અને ધનની નદીઓને રોકી દેવામાં આવી છે. આપણી સંકુચિત માનસિકતા કે જેમાં આપણી મહાનતાના અને ઐતિહાસિક વારસાના મદમાં આપણે જ આપણને સમૃદ્ધ કરતી સરિતાઓને રોકી રાખી છે. યાદ રાખવું ઘટે કે જ્ઞાન - વિજ્ઞાનના યુગમાં જ્ઞાન - વિજ્ઞાનના પ્રવાહને અટકાવવાનો અર્થ એ નથી કે એ રોકાઈ જશે! આ ધસમસતો પ્રવાહ પોતાનો રસ્તો અવશ્ય કરી લેશે. અને જ્યાં એ વહેશે એ સમાજ કે રાષ્ટ્રને સમૃદ્ધ કરશે. જે સમાજ કે રાષ્ટ્ર એને અસ્વીકાર કરી રોકશે એ કાળાંતરે સુકાય જશે, નાશ પામશે.
કહેવાય છે કે એકવીસમી સદી જ્ઞાનની સદી છે. માહિતી જ સંપત્તિ છે. જેટલો ડેટા વધારે એટલી સમૃદ્ધિ વધશે. ફેસબુક એ ડેટા સમૃદ્ધિનું ઉદાહરણ છે. આવા સમયમાં એ વાતનો રંજ રહે છે કે આપણે હજી આપણી સંકુચિત અને જડ માન્યતાઓની આપણી આસપાસ ઉંચી અદ્રશ્ય દિવાલ ઉભી કરી દીધી છે. વધારે દુઃખદ એ છે કે આપણું યુવાધન પણ આમાં પાછળ નથી. અહીં કહેવાનો ભાવાર્થ એવો જરા પણ નથી કે આપણે સંપૂર્ણ આધુનિક જીવન જીવવતા થઈએ. આપણે આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને મૂલ્યોને સાથે લઈ નવા વિચારોને આવકારીએ. અન્ય ક્યાંય થી પણ હીતકારી મળે તેનો સ્વીકાર કરીએ. આપણા હ્રદયના દ્વાર હંમેશા હકારાત્મક ફેરફારોને આવકારવા ખુલ્લા રાખીએ.
સોશિયલ મિડિયા અને ટીવીને જ્ઞાનનું એક માત્ર માધ્યમ ગણવા વાળા આજના યુવાનો ભટકે છે. વોટ્સઅપ અને ફેસબુકે આજના યુગમાં વસુધૈવ કુટુંબકમની વિભાવના સાર્થક કરી છે. પરંતુ આપણે આજે પણ આપણી કુણી લાગણીઓના કારણે આ જ માધ્યમોમાં ફરતા ફેક ન્યૂઝથી આહત થઈ તકરારો કરવા લાગીએ છીએ. આપણી જાતને ધર્મ રક્ષક અને સંસ્કૃતિના પખેવાળ માનીને ઈન્ટરનેટ રુપી કુરુક્ષેત્રમાં આપણે ગાંડીવધારી બની લડવા ઝઘડવા પર ઊતરી પડીએ છીએ. શું આપણું જ્ઞાન કે સંસ્કાર એટલા છીછરા છે કે સમાજ કે ધર્મ વિરુદ્ધની કાણી કાડીની પોસ્ટ તમને અસ્વસ્થ કરી જાય? જો આપણે આવી રીતે ઉશ્કેરાઈ જઈએ તો યાદ રાખવું કે આપણો ઘડો અધુરો છે. જ્ઞાતિ - ધર્મના નામે મેસેજથી આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ, કારણ કે જ્ઞાનગંગાને આપણે રોકી રાખી છે, આપણું જુનુ જ્ઞાન બંધીયાર થઈ સુકાવા લાગે છે, ગંધાવા લાગે છે. આપણે નૂતન વિચારો અને સાંપ્રત પ્રવાહોની સરિતાને આપણા સુધી પહોંચતી રોકી રાખી છે. જો આમ જ રહેશે તો, જે સંસ્કૃતિ અને સંસ્કાર આપણા પોષક હતા એ જ આપણા સંહારક બની રહેશે. અરાલ સાગરની જેમ આપણે પણ ધીરે ધીરે સંકોચાઈ રહ્યા છીએ, લોકો ધીરે ધીરે પલાયન થઈ વિખુટા પડી રહ્યાં છે. જો આ પલાયન રોકવું હોય, તો એ કડવું સત્ય સ્વિકારવું રહ્યું કે આપણે જ્ઞાન - વિજ્ઞાનની ગંગોત્રીના વહેણને રોકી દિધા છે. આવો સાથે મળી જ્યાંથી પણ શુભ વિચાર પ્રાપ્ત થાય તેને ગ્રહણ કરવા જેટલા વિશાળ હ્રદયના બનીએ. નવું છે એ બધુ જ ખરાબ છે એવી ભ્રમણામાંથી બહાર આવી, પ્રયોગલક્ષી જીવન બનાવીએ, નવું સ્વિકારીને આગળ વધીએ. આપણા પુર્વાગ્રહોના પડદાઓ ખોલી નાખીએ. શિક્ષણ, જ્ઞાન અને સ્વાધ્યાયને જીવનના ભાગ બનાવીએ.

:: નાદબ્રહ્મ ::
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.
- મરીઝ