Aaruddh an eternal love - 35 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૩૫

જોરથી કોઈ યુવતી નો અવાજ આવ્યો, ગૂંજી ઉઠ્યો. અનુષ્કા.... આર્યા.... અને એ સફાળો ઉભો થઇ ગયો.... વસીમ અને અખિલેશ બંને સાદા ડ્રેસમાં આખો દિવસ એ રસ્તે અવરજવર કરતા રહેતા હતા. અખિલેશ બરાબર એ વખતે ત્યાંથી પસાર થયો, એણે અનિરુદ્ધના મોં ના ભાવ બદલાયેલા જોયા. એ કંઈ કહે તે પહેલાં જ અનિરુદ્ધે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. ફરી એ પોતાની જગ્યાએ બેસી ગયો.

"બિચારો, કંઈક મોટો આઘાત મળ્યો લાગે છે! કેવી હાલત છે!" કહેતા બે યાત્રાળુઓ અખિલેશની આગળ થયા. એમની વાત સાંભળીને આટલા ટેન્શન વચ્ચે પણ અખિલેશને હસવું આવી ગયું. સર પણ કેવા આઈડિયા શોધી કાઢે છે.... વિચારતો એ આગળ વધ્યો.

હૃદય કહી રહ્યું હતું કે એ આસપાસ હતી, પરંતુ પોતે એને શોધવા જઈ શકે એમ ન હતો. કારણ કે દેશની સુરક્ષા પ્રથમ હતી. અનિરુદ્ધ એ ઊંડો શ્વાસ લીધો અને ફરી પાછો પોતાના કામમાં લાગી ગયો.

***

"હું નીચેના ગામમાંથી જ આવું છું, ઘણીવાર મહાદેવના દર્શન કરવા અહીં પહોંચી જાઉં છું, આ પણ મારા જ ગામનો છે. આ માણસ હમણાંથી આમ જ બેઠો હોય છે. એ કશાક આઘાતમાં છે પરંતુ કોઈને ખબર નથી કે શેનો આઘાત છે. કોઈને કશો પ્રત્યુત્તર પણ આપતો નથી." વસીમ અને અખિલેશ આવતા જતા માણસો સાથે આવી રીતે વાતો કરતા રહેતા જેથી યાત્રાળુઓ ભેગા ભળેલા આતંકવાદીઓને સંભળાય. એ બંનેની વાતો સાંભળીને આતંકવાદીઓને અનિરુદ્ધ પર શક ના પડે એ હેતુથી એ બંને આવી વાતો કરતા રહેતા.

***

"અલી.... પેલાને જો તો ખરી! કેવો બિચારો આટલી ઠંડીમાં અહીં બેઠો છે!"

"ઓહ..."આર્યાથી નિસાસો નંખાઈ ગયો. અનિરુદ્ધ મહદઅંશે નીચે મોં કરીને બેસી રહેતો. એણે પહેરેલી લાંબા વાળની વિગ આંખ અને મોં આડી આવી જતી, એનો ચહેરો દ્રશ્યમાન થતો નહીં.

"નક્કી કોઈ પાગલ પ્રેમી હશે, નહિ તો આટલી ઠંડીમાં અહીં કોણ બેસે? ભીખ માગવા માટે તો બીજી ઘણી જગ્યાઓ છે!"

" લાગે જ છે કે એને કંઈ મોટો આઘાત મળ્યો હશે!" આર્યાએ એના તરફ જોયાં વગર જ કહ્યું.

"જો ઘણા માણસોએ એની પાસે પૈસા મુક્યા લાગે છે. ચલ આપણે પણ મૂકીએ! પાંચસોની જૂની નોટ મૂકી દઈશું? અમથી પણ નકામી છે, ખબર તો પડે કે એને કેટલીક ખબર પડે છે, ઢોંગ કરે છે કે હકીકતમાં પાગલ છે!"

માધવીએ ખરેખર ત્યાં પાચસોની નોટ મૂકી, પરંતુ અનિરુદ્ધ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નહીં. એથી માધવીએ ત્યાં બીજી પચાસની નોટ મૂકી. આર્યા બાજુમાં ચૂપચાપ ઊભી હતી. 'કયા ગામના છો ભાઈસાહેબ? કપડા ભલે ચીંથરેહાલ પહેર્યા પરંતુ શરીરે તો તંદુરસ્ત લાગો છો? તમને કંઈ તકલીફ પડી હતી તે આવા સાવ દેવદાસ બની ગયા છો?'એવા કેટલાંય સવાલો માધવીએ પૂછ્યા પરંતુ અનિરુદ્ધ તરફથી કશી પ્રતિક્રિયા મળી જ નહીં. માધવી બોલવાનો કોઈ મોકો છોડતી નહીં.

"ચાલને હવે અહીંથી...."કહીને આર્યાએ માધવીને ખેંચી અને બંને ચાલવા લાગી.

આહ.... એ જ અવાજ... એ અવાજ કાનમાં થી સીધો હૃદયમાં ઉતરીને અનિરુદ્ધને હચમચાવી ગયો. એ અવાજ પોતે શી રીતે ભૂલી શકે? રણકતો... રૂપાની ઘંટડી જેવો.... એ જ અવાજ પોતાને પ્રેમ થી કલેકટર સાહેબ... કહેતો હતો. અનિરુદ્ધથી અવાજની દિશામાં સફાળું જોવાઈ ગયું. બે છોકરીઓ ચાલી જતી હતી. ઘણી દૂર પહોંચી ગઈ હતી છતાં પણ અનિરુદ્ધને ઓળખતા વાર ન લાગી કે એમાંથી એક આર્યા હતી. આર્યાને તો એ લાખો માણસો વચ્ચે પણ ઓળખી જાય.

એને દોડવું હતું એની પાછળ.... એને પકડીને મન ભરી ને જોવી હતી.... કેટલોય ઠપકો આપવો હતો... ગળે વળગાડવી હતી. કાશ.... એ આ બધું કરી શકતો. એ નજર સામે હતી પરંતુ પોતે કંઈ કરી શકે એમ ન હતો. હૃદય તો જાણે ચિરાઈ રહ્યું હતું.

મિશન પૂર્ણ થવા આવ્યું જ હતું. કશી ગાફલત ચાલે એમ ન હતી. કાશ... એ બે દિવસ મોડી આવી હોત! અનિરુદ્ધએ આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો, ગળા નીચે થૂંક ઉતાર્યું અને આર્યાની દિશામાં પહોંચેલી પોતાની નજરને પાછી વાળી.

બરાબર એ જ વખતે ત્યાંથી નીકળેલા વસીમને અનિરુદ્ધે ઈશારો કર્યો અને પોતે ઉભો થઇ બધો સંકેલો કરી ચાલતો થયો, જે દિશામાં આર્યા ગઈ હતી એ દિશાથી બિલકુલ અલગ દિશામાં. આતંકીઓના સકંજામાં સપડાયેલા દેશની વહારે...

હવે ખરાખરીનો સમય આવી પહોંચ્યો હતો, દેશ માટે કશું કરી જવાનો સમય થઈ ગયો હતો. છ મહિના જેટલા લાંબા સમયે આર્યા મળી હતી છતાં પણ અનિરુદ્ધે એની સામે દેશને પસંદ કર્યો હતો, દેશની સુરક્ષાને પસંદ કરી હતી. વ્યક્તિગત પ્રેમ કરતા દેશ પ્રેમ હંમેશા મોટો જ હોવો જોઈએ એ અનિરુદ્ધ સાબિત કરી બતાવવા જઈ રહ્યો હતો.

***

"જો આર્યા.... આ અમારો આશ્રમ. મતલબ કે અમે હંમેશા આવીએ છીએ એ ગુરુજી નો આશ્રમ."

કુદરતના ખોળે બનાવાયેલો એ આશ્રમ કુદરતી સૌંદર્યથી ભરપૂર હતો. આશ્રમનું બાંધકામ મહદઅંશે કુદરતી વસ્તુઓથી જ થયેલું હતું. બાજુમાંથી જ ખળખળ વહેતી મંદાકિની નદી આશ્રમને પોતાની છાલકોથી પવિત્ર કરતી હતી. આશ્રમની પાછળ ઉભેલા પર્વતો કદી બરફની ચાદર ઓઢી લેતાં તો કદી વાદળી રોશનીએ રંગાઈ જતા. તો વળી, કદીક સૂર્યનો પ્રકાશ પહેરીને સુવર્ણમય બની જતા.

આ બરફની દુનિયામાં કેદારનાથ મંદિર અને આ આશ્રમ બંને જાણે સદીઓથી નિસ્પૃહ જેવા થ‌ઈને બધાને અલૌકિક શાંતિ બક્ષતા હતા. માધવીની વાત ખરી હતી, આટલી શાંતિ આર્યાએ પોતાની જિંદગીમાં કોઈ દિવસ અનુભવી ન હતી. તમામ દુઃખો અને ઉદ્વેગ શાંત પડી રહ્યા હતા.

એ આશ્રમમાં માણસોની ભીડ ઘણી હતી. સાધકો પણ ઘણા હતા. એ નિસ્પૃહ સાધકોને બહારની દુનિયા સાથે કશી લેવાદેવા ન હતી, એ બધા પોતાનામાં રમમાણ હતા. પ્રભુસ્મરણ સિવાય કોઈનું ધ્યાન બીજે જતું નહીં. બહારથી આવનારાં યાત્રાળુઓ પણ પુષ્કળ પ્રમાણમાં હાજર હતા. કશો શોરબકોર હતો નહીં.

આર્યા અને માધવી ગુરુજી પાસે દર્શન માટે ગયા. એકદમ સાદા એ કક્ષમાં ભોંયતળિયું ગાયનાં છાણથી લીંપેલુ હતું. પાણીનું એક માટલું અને આગંતુકો માટે બેસવાના આસન સિવાય એ રૂમમાં કશી સામગ્રી ન હતી.

આર્યાને જોતા જ ગુરુજીની મસ્તકની રેખાઓ થોડી તંગ થઇ અને ફરી પાછી સ્થિર થઈ ગઈ. માધવી સાથે થોડી વાતચીત કર્યા પછી ગુરુજીએ સ્થિર મુદ્રાએ બેઠેલી આર્યા સામે જોયું,

"જે કંઈ પણ બન્યું હોય અથવા બની રહ્યું હોય એમાં પોતાની જાતને ન હોય છતાં પણ દોષ આપવાનું બંધ કરી દઈએ તો આપણી ઘણી તકલીફો ઓછી થઇ શકે છે! આપણી આસપાસ રહેલા માણસોની જિંદગીમાં બનનાર દરેક ઘટના માટે આપણે દોષી હોતા નથી."

આર્યા ચમકી! પોતાની માનસિક પરિસ્થિતિ ગુરુજી કેટલી સરળ રીતે સમજી ગયા!

"એકદમ નિર્દોષપણે અને એકદમ સરળતાથી કશુંક ઈચ્છ્યું હોય અને છતાં પણ એ ન મળે, જિંદગીમાં કશી ઈચ્છા ન રાખી હોય અને પહેલીવાર કશી ઈચ્છા કરી હોય એમાં જ નિષ્ફળતા મળે એટલે સંસારી માણસ તરીકે દુઃખ તો અવશ્ય થાય છે, ગુરુજી. હું મારા મન અને હૃદયને ઘણું સમજાવું છું કે બધું મિથ્યા છે, બધાથી અળગા રહેવું જોઈએ. પરંતુ બધું નિરર્થક નીવડે છે. મન અને હૃદયને વૈરાગી બનાવવાનો દરેક પ્રયત્નો નિષ્ફળ નીવડે છે જાણે!."

"તું એકદમ સંવેદનશીલ છે, બેટા! હકીકત અને ઈચ્છાઓ જ દુઃખનું મૂળ છે, પરંતુ એથી જીવને ઇચ્છાઓ કરવાનું બંધ થતું નથી. જીવનને મુઠ્ઠીમાં પકડી રાખવાની કોશિશ ના કર બેટા! એને વહી જવા દે, જે કંઇ થાય છે તે સારું જ થાય છે, વિધાતાએ જે નિહિત કર્યું છે તે યોગ્ય જ છે.

વૈરાગ એટલો બધો સરળ નથી, બેટા! મન અને હૃદયને પરાણે વૈરાગી બનાવવા નો કોઈ અર્થ નથી. એ તો આપોઆપ આવે છે. વૈરાગ્યનો અર્થ બંધન નથી. જ્યારે વૈરાગનો પણ આનંદ આવે ત્યારે જ એ સાચો વૈરાગ હોય છે. જીવન ખૂબ જ સુંદર છે, એનો આનંદ લે."

ગુરુજી બોલતા હતા અને આર્યા જાણે એમનો એક એક શબ્દ પી રહી હતી. એમની સાથે જાણે કેવા અંતરના તાર જોડાયેલા હતા કે એમનો એક એક શબ્દ આર્યાને શાંતિના સાગરમાં ડુબાડતો હતો, છ મહિનાથી ઉદ્વિગ્ન થયેલું મન તો એનું મન એકદમ શાંત થઈ ગયું હતું.

બાજુમાં ઊભેલા એક સેવક માટે પણ આ નવાઈની વાત હતી કારણ કે ગુરુજી મોટેભાગે આટલું બોલતા નહીં, આજે એ અસ્ખલિત બોલી રહ્યા હતા. એ સંન્યાસી ન હતા, માત્ર તપસ્વી હતા. પરંતુ એમના મોં પરનું તેજ અદ્વિતીય હતું.

"તમે કોઈ વ્યક્તિને પોતાનાથી દુર રાખીને એમ વિચારતા હોય કે એ વ્યક્તિને શાંતિ અને આનંદ મળશે તો એ તમારો દ્રષ્ટિકોણ છે, સામેની વ્યક્તિના દ્રષ્ટિકોણથી આખી પરિસ્થિતિ અલગ હોય છે!"

હ્રદયના ભાવોને ગુરુજી કેટલી સારી રીતે સમજે છે... એમ વિચારતી આર્યા ગુરુજીને નતમસ્તક થ‌ઈને ચાલતી થઈ. એ એકદમ પ્રફુલ્લિત થઇ ગ‌ઈ.

"હું તને કહેતી હતી ને આર્યા... સોરી અનુષ્કા..., કે તને અંહી માનસિક શાંતિ મળશે. ગુરુજીની વાતો જ એવી હોય છે કે બસ સાંભળ્યા જ કરીએ....." માનવીનું બોલવાનું હજુ વધારે ચાલુ રહે એ પહેલા જ, 'બહેન.... તમને ગુરુજી બોલાવે છે.' એમ કહીને એક સાધકે આર્યાને બોલાવી.

માધવી બહાર જ ઊભી રહી અને આર્યા નવાઈ પામતી વિચારતી ફરી અંદર ગઈ.

ક્રમશઃ