The colour of my love - 5 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 5

આ બાજુ નીતિન રિધિમાંની સામે પ્રેમથી જોઈ રહ્યો હતો અને બીજી બાજુ રિધિમાંના મનમાં નીતિન પ્રત્યે ખૂબ ગુસ્સો ભરાઈ ગયો હતો. એને વારે-વારે સપનાની વાત યાદ આવી રહી હતી. એણે પોતાના મનમાં જ જાણે નીતિન વિશેની અમુક ખોટી ધારણાઓ બાંધી દીધી હતી.
"આ માણસને મારાથી જ તકલીફ છે, મને જ બધાથી દૂર રાખવા માંગે છે જેથી હું એના વિશે વિચારું અને એ સપના પણ એની જોડે જ મળેલી હશે કે જેથી નવી આવનાર દરેક છોકરીને ફસાવી શકે. પણ હું એની વાતમાં નહીં આવુ. એમ પણ વધારે હેરાન કરશે તો હું એને બતાવી દઈશ કે હું કોઈ અબળા છોકરી નથી જે એનું આ બધું સહન કરીશ." રિધિમાં મનમાં આ વિચાર કરી રહી હતી. અને કામમાં પણ એનું મન લાગતું ન હતું.

લંચ ટાઈમ થયો અને એ પોતાનું લંચ બોક્સ લઈ બહારની બાજુના સીટીંગ એરિયા બાજુ ગઈ. ત્યાં પહેલેથી જ આદિત્ય તેની રાહ જોતો હતો. " અહીં આવો રિધિમાં, અહીં બેસો આપણે અહીં શાંતિથી લંચ કરી શકશું"
રિધિમાંનો મૂડ ખરાબ હતો. તો આદિત્યએ સહજતાથી પૂછી જ લીધું. "શુ થયું તમે પરેશાન છો?"
"ના બસ એમ જ" રિધિમાંએ વધુ વાત ટાળવા કહ્યું. એમ પણ અહીં આવ્યે એને હજુ 15 દિવસ જ થયા હતા. અને આમ કોઈને પણ થોડી પોતાના મનની વાત કહેવાય. એ ચૂપ રહી પણ આદિત્ય ઘણું બધું એના ચહેરા પરથી સમજી ગયો. અને આગળ કઈ ન કીધું. બંને સાથે લંચ કરવા બેઠા અને આજનો લંચ ટાઈમ ખાલી આમ ચૂપચાપ બેસીને ખાવામાં જ પસાર થઈ ગયો.

બસ આજનો દિવસ તો જેમ-તેમ પસાર થયો અને રિધિમાં ઘરે આવી. ઘરે આવીને જમીને મમ્મીને બધું કામ કરાવ્યું. અને વિચારતી સુઈ ગઈ. બીજા દિવસની સવાર થઈ અને પાછું એ જ રૂટિન.

કોલેજ પતાવી રિધિમાં ઓફીસ આવી. બહાર ગેટ સુધી પહોંચી અને અંદર આવતા એનું ધ્યાન પોતાનો દુપટ્ટો બેગમાં મુકવામાં હતું અને અંદર ચાલતા ચાલતા એ બહાર આવતા નીતિન સાથે અથડાઈ ગઈ.
"સોરી મારુ ધ્યાન......" રિધિમાંએ પોતાનું ધ્યાન બેગ પરથી હટાવી સામે કેન્દ્રિત કર્યું અને એ બોલતા અટકી ગઈ. સામે નીતિન ફોન પર વ્યસ્ત હતો પણ અથડાવવાને લીધે એનો ફોન નીચે પડી ગયો. અને આ બાબત સપનાએ પોતાની ટેબલ પરથી જોઈ. નીતિન ઇટ્સ ઓકે બોલી ફોન લઇને બહાર નીકળી ગયો.
"મિસ રિધિમાં, મેં જોયું સર તમને કઈ પણ બોલ્યા વગર જતા રહ્યા, પહેલા જ્યારે એમની સાથે આવી રીતે એક છોકરી અથડાઈ હતી ત્યારે એમને બહુ મોટી બબાલ ઉભી કરી હતી. લાગે છે કે સર તમને પસંદ કરે છે નહીં?" સપના રિધિમાંને પાસે બોલાવી આટલું બોલી ગઈ.

"જુઓ સપના, હું ક્યારેય તમારી આ ગોસિપનો ભાગ બનવા નથી માંગતી. બહેતર રહેશે કે હું મારા કામમાં ધ્યાન આપું અને તમે તમારા" આટલું કહી રિધિમાં પોતાના ડેસ્ક પર પહોંચી ગઈ.

પણ રિધિમાંના કહેવા માત્રથી આ વાત અહીં પુરી થાય એમ ન હતી. અને આ વાત સપનાએ જ આખી ઓફિસમાં ફેલાવી દીધી. બપોરે 4 વાગ્યા સુધીમાં તો બધાને ખબર પડી ગઈ અને ચા પીવાના સમયે આદિત્યએ રિધિમાંને એ ઘટના વિશે પૂછી જ લીધું.
"રિધિમાં મેં બધા જે આજે ગોસિપ કરે છે એ સાંભળ્યું, એમ પણ મને હંમેશા નીતિન સરનું કેરેકટર છોકરીઓ બાબતે સારું નથી લાગ્યું. એ હંમેશા કોઈ ને કોઈ છોકરી સાથે ચર્ચામાં જ રહે છે. મને લાગે છે કે આ તમને બદનામ કરવા માટે જ કર્યું હશે. એમ પણ સપના પણ એમનું જ વધારે ખેંચે છે એટલે એને પણ તમે નહીં જ ગમતા હોવ એટલે જ આ બધી આડી-અવળી વાતો કરે છે નહિ! આદિત્ય રિધિમાં પાસે આજની ઘટના વિશે બધું જાણવા માંગતો હતો પણ રિધિમાં બીજા જ વિચારોમાં ખોવાયેલી હતી.

આ બીજી વ્યક્તિ હતી જેણે રિધિમાંને નિતીનના કેરેકટર વિશે ખરાબ કહ્યું. કોઈની વાતમાં ન આવનાર રિધિમાંને હવે આ બધી વાતો પર ભરોસો થઈ રહ્યો હતો.
"આદિત્ય, હું અહી એક નોકરી કરવા આવી છું મને આ બધાની કોઈપણ વાતમાં નથી પડવું, જો હું ના પાડીશ કે એવું કંઈ નથી તો આ લોકો વધારે વહેમાશે. મારે કોઈની વાત પર ધ્યાન નથી આપવું. તમે પણ આ બધામાં ન પડો, એ જ યોગ્ય રહેશે " રિધિમાંએ આગળ વાત કરવા ટાળ્યું અને એ પોતાના ડેસ્ક પર જતી રહી.

સાંજે નીતિન આવ્યો અને એને ઓફિસનો માહોલ થોડો અજુગતો લાગ્યો. એણે જાણવાની કોશિશ કરી તો આખી વાત એની સામે આવી ગઈ. એને રિધિમાં માટે ખરાબ લાગ્યું. એણે રિધિમાં સાથે વાત કરવાનું નક્કી કર્યું. એને આ મોકો આજે તો ન મળ્યો અને એ રિધિમાંને કેબિનમાં બોલાવવા માંગતો ન હતો બધાની નજર એ બંને પર જ જશે એમ એને લાગ્યું. એણે આજનો દિવસ પૂરો થવા દિધો. સાંજે જ્યારે બધા જ ઓફિસમાંથી નીકળ્યા રિધિમાં પણ નીકળી અને એ સાથે જ નીતિન પણ એની પાછળ નીકળ્યો. પણ નીતિન પહોંચે એ પેલા જ રિધિમાં બસમાં બેસી જતી રહી.

બીજો દિવસ
કોલેજ પતાવી રિધિમાં સીધી ઓફીસ ગઈ અને આ વખતે ઓફીસ પહોંચતા પહેલા જ બસમાંથી ઉતરીને સાઈડમાં ઉભી રહીને દુપટ્ટો બેગમાં મુક્યો જેથી ગઈકાલ જેવી ઘટનાઓથી બચી શકે. અહીંથી ઓફિસનો રસ્તો પાંચ જ મિનિટનો હતો. પણ આ વખતે પણ રિધિમાં નીતિનથી બચી શકી નહીં. નીતિન કામસર આજે મોડો ઓફીસ આવ્યો હતો ને બસ સ્ટેન્ડ પર એને રિધિમાં દેખાઈ ને બાઇક એ તરફ વાળી.

રિધિમાં ઓફીસ બાજુ ચાલવાની તૈયારી જ કરતી હતી ને ત્યાં તો એક જાણીતો અવાજ આવ્યો ને રિધિમાંએ પાછળ વળીને જોયું.
"રિધિમાં હાય"
રિધિમાંએ નીતિનને જોયો અને ગુસ્સો જાણે એની આંખોમાં ઉતરી આવ્યો પણ એ કઈ બોલી નહિ.
"આઈ એમ સોરી, તમને અહીં રોક્યા પણ હું ઓફિસમાં આ વાત કદાચ તમને ન કરી શકત." નીતિન ફટાફટ બોલી ગયો.
"સર, ઓફિસમાં હું તમારી કર્મચારી છું તમારે જે કામ સોંપવું હોય તે મને ત્યાં કહી શકો છો એ માટે અહીં રસ્તામાં રોકવાની જરૂર નથી" આટલું બોલતા જ રિધિમાં જવા લાગી.
"એક મિનિટ પ્લીઝ, મને ગઈ કાલે ઓફિસમાં જે થયું એનો ખ્યાલ છે આઈ એમ સોરી મારા લીધે તમને પણ ઓફિસની ગોસિપનો ભાગ બનવુ પડ્યું. આઈ હોપ હવે તમે સમજી શકશો કે શરૂઆતમાં જ્યારે મેં તમને ઓફીસ પોલિટિક્સની વાત એમ જ ન કરી હતી" નીતિન ખૂબ દિલગીર થઈ રહ્યો હતો આ બધું બોલવામાં.
સામે પક્ષે રિધિમાંએ એટલી જ મજબૂતીથી જવાબ આપ્યો, "સર, મને આ બધી વાતોથી ફરક નથી પડતો, હું અહીં માત્ર જોબ માટે આવી છું ને એ જ કરવાની ઈચ્છા ધરાવું છું મને બીજી કોઈ પોલિટિક્સ કે ગોસિપમાં રસ નથી અને બહેતર રહેશે કે આપ મને ઓફિસમાં જ આપની કર્મચારી સમજો. રસ્તામાં આ રીતે રોકવાનો કોઈ જ મતલબ નથી. "
આટલું કહી રિધિમાં બસસ્ટોપથી ઓફીસ જવા નીકળી ગઈ.

નીતિન એને જતા જોઈ રહ્યો, નીતિનને એ તો સમજાઈ જ ગયું કે "રિધિમાંને પોતાના વિશે બહુ મોટી ગેરસમજ થઈ છે અને રિધિમાં સાથે જો વારેવારે આવા બનાવો બન્યા તો કદાચ એ ઓફીસ છોડીને પણ જતી રહી એટલે અત્યાર પૂરતું એમને એકલા મુકવા જ રહ્યા તો જ કદાચ મને સમજી શકે."
ઓફિસમાં આવ્યા બાદ રિધિમાં પોતાના કામ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને આદિત્ય સાથે પણ સીમિત વાત કરી, આદિત્યને પણ રિધિમાંનું વર્તન અજુગતું લાગ્યું પણ એણે આ વિશે બહુ વિચાર્યું નહીં. રિધિમાં કામ પતાવી સીધી જ ઘરે નીકળી ગઈ. કોઈ સાથે ઓફિસમાં ખાસ વાતચીત નહીં કે કોઈ ચર્ચા નહિ એનું વર્તન લગભગ થોડા દિવસ સુધી આવું જ રહ્યું. રિધિમાં ક્યારેક જ ઓફિસમાં સ્માઈલ કરતી પણ આ બધી ગોસિપ પછી એ પણ બંધ થઈ ગયું.

નીતિન બસ પોતાના કેબિનમાંથી ગમે ત્યારે રિધિમાંને જોઈ લેતો. એને રિધિમાં માટે બહુ ખરાબ લાગતું પણ આ પરિસ્થિતિમાં નીતિન કઇ કરી શકે એમ ન હતો.

એવામાં એક દિવસ રિધિમાં સામેથી નીતિનના કેબિનમાં આવી. નીતિનને તો જાણે આ વાત ગળે જ ન ઉતરતી હોય એમ,
"સર, મેં આઈ કમ ઇન" રિધિમાંએ પરવાનગી માંગતા કહ્યું.
"યસ" નીતિન ખુશી છુપાવતા બોલ્યો.
"સર, મારી એક્સ્ટર્નલ પરીક્ષાઓ આ સોમવારથી ચાલુ થવાની છે, હું 10 દિવસ માટે રજાની પરવાનગી માંગવા આવી છું. એ પછી બીજા ગુરુવારથી ઓફીસ જોઈન કરીશ." રિધિમાં બોલી.
"હું જોઇશ કે તમારી રજા અંગે શુ થઈ શકે છે? અને કેટલા દિવસની મળી શકે એમ છે?" નીતિન બોલ્યો.
રિધિમાં કેબિનની બહાર નીકળી ગઈ. રિધિમાંને 10 દિવસ નહીં જોઈ શકાય એ વિચારમાત્રથી નીતિન ખૂબ ચિંતામાં આવી ગયો. જ્યારથી એ ઓફિસમાં આવી ત્યારથી નીતિન ખાલી રિધિમાંને જોવા જ ઓફીસ આવતો એમ એને લાગતું હવે રિધિમાં વગર દિવસ કેમના જશે એ વિચારીને જ એનું મગજ કામ કરતું બંધ થઈ ગયુ. તો પણ રજાઓ તો મંજુર કરવી જ પડે નહીંતર રિધિમાંનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે.

રિધિમાંની રજા મંજુર થઈ અને એ પોતાની પરીક્ષાના વાંચનમાં લાગી ગઈ. આ બાજુ નિતીનની સ્થિતિ કફોડી થઈ ગઈ. માત્ર 1 મહિનાની રિધિમાંની ઓળખાણ એને વર્ષોનો સાથ જેવી લાગી અને આ 10 દિવસની રજા એને જન્મોનો ઇન્તજાર જેવી લાગી.

હું તો તારા વિચારમાં ખોવાયેલો
અને તારા જ નામની ધૂન માત્ર
આજે આમ તે એકલો મુક્યો
ને હું સમજ્યો
તારા પર કોઈ હક નથી મારો
તો પણ તું કેમ મારી લાગે?
તો પણ કેમ
દિવસોનો આ ઇન્તેજાર સદીઓનો લાગે.....

નીતિન રિધિમાંને લઈને ખૂબ ભાવુક થઈ ગયો હતો અને સામે પક્ષે રિધિમાં માટે તો જાણે આ દિવસો પીકનીક થઈ ગયા હોય, એક અણગમતા વ્યક્તિનો રોજ ચહેરો તો નહીં જોવો પડે એ વિચારમાત્રથી ખુશ હતી ને બધા રિધિમાંની આ ખુશી જોઈ પણ શક્તા હતા.

નીતિનનો વિચાર એક દિવસ, એ દિવસની એક ક્ષણ પૂરતો પણ રિધિમાંને ન આવ્યો અને અહીં નીતિન માત્ર રિધિમાંના વિચારો સાથે જ બધા દિવસો સાથે કાઢી રહ્યો હતો.

(રિધિમાંની નફરતનું કારણ જાણી ક્યારેય નીતિન એની નજીક આવી શકશે કે નહીં એ વાત જાણવા વાંચતા રહો આ કથાના આગળના ભાગમાં.....)