Hu jesang desai - 9 books and stories free download online pdf in Gujarati

હું જેસંગ દેસાઈ.. - ભાગ ૯

ભાગ-9

એ ઔડા વિસ્તારની રૂમમાં હું એકલો સુતા સુતા વિચારોના ચકરાવે ચડ્યો હતો. ભલે મારો નવો મિત્ર વિપુલ દેસાઇ મારી સાથે હતો પણ ક્યાંક મને મારા જુના મિત્રો અન્ના અને હિતેશની ખોટ વરતાતી હતી. દરેકને પોતાના ભુતકાળ પ્રત્યે એક અલગ જ લગાવ હોય છે, એ ભુતકાળ ચાહે મિત્રતાની યાદોનો હોય કે પછી માણસ જે ક્ષણોને મનભરીને જીવ્યો હોય તેવી સોનેરી ઘડીઓનો હોય પણ યાદ આવ્યા વગર રહેતો નથી.આમ તો અન્ના અને હિતેષથી છુટ્ટા પડ્યે મને ઘણા મહિનાઓ થઇ ગયા હતા. પણ અમદાવાદના મારા કરકસરીયા જીવનમાં એ બંન્નેના સાથ અને સહયોગ હતા એટલે સ્વાભાવિક જ મને મારા સુખ-દુ:ખના ભાગીદાર બંન્ને મિત્રોની યાદ આવે જ ! આજે પહેલીવાર અમદાવાદમાં હું ખરેખર એકલો પડી ગયો હોય તેવુ મહેસુસ થયા કરતુ હતુ. અગાઉ જ્યારે હું, અન્ના અને હિતેષ સાથે રહીને જે ટોળ-ટપ્પા કે ધમાલમસ્તી કરતા તેના સંસ્મરણો આંખ સામે તરવરવા લાગ્યા ! રહી-રહીને મનમાં થયા કરતું કે એ બંન્ને સાથે હોત તો અવનવી વાતો અને રોજની ડાયરાની જમાવટની કેવી મોજ આવત ?? પણ આવા સંભારણા યાદ કરીને રાજી થઇએ ત્યાં સુધી તો બરાબર પણ એ સમય કે ક્ષણની આપણે પાછી માંગણી કરીએ તો એ શક્ય નથી હોતુ ! એટલે હવે એ બંન્નેને યાદ કરવાથી કોઇ ફાયદો પણ ન હતો.જીંદગી હંમેશા પોતાની ઇચ્છાથી જીવાતી હોત તો દુ:ખ કે એકલતા જેવા શબ્દોની પરિભાષા પણ કદાચ આપણને સમજવી મુશ્કેલ થઇ જાત.એટલે જ મે મારા વિચારોને બદલવાનું ચાલુ કર્યુ !! એરટેલ કોલ સેન્ટરમાં ત્રણ હજાર પગાર મળતો હતો પણ અહીં સાત હજાર બસ્સો હતો.બસ આટલો વિચાર જ મારા મનની ખુશી માટે પુરતો હતો. કારણ કે મારી જિંદગીમાં પહેલીવાર એક સાથે આટલા રૂપિયા પગાર આવવાનો હતો. આવા મીઠા વિચારો કરતા કરતા હું એ રાત્રે ઉંઘમાં ક્યારે સરી પડ્યો એ મને પોતાને પણ ખબર ના પડી.

બીજા દિવસથી અમારી ટ્રેનિંગ બેંચ ચાલુ થઇ. બપોરે બારથી સાંજે સાત વાગ્યા સુધીની તાલીમ બેંચમાં નિશાંત શાહ અમારા ટ્રેનર હતા. અમારી ત્રીસ જણની તાલીમી ટીમમાં અઢાર છોકરીઓ અને બાર જેવા છોકરા હતા મોટાભાગના કોલ સેન્ટરોમાં છોકરાઓ કરતા છોકરીઓ વધારે હોય છે.એનું મુખ્ય કારણ એ હોય છે કે કોલ સેન્ટરમાં નોકરીના દિવસના આઠ-દસ કલાક સતત કોલ રિસીવ કરવાના થાય ! અને તેનાથી પણ મોટો પડકાર હોય તો તે કોલ કરીને પ્રશ્નો પુછતા ગ્રાહકને સંતોષકારક જવાબ આપવાનો. કેમ કે ઘણી વાર અમુક લોકો પોતાનો સમય પસાર કરવા માટે પણ કોલ સેન્ટરમાં કોલ કરતા હોય છે. અત્યારે તો ફ્રી કોલીંગની સુવિધા થતા તેમજ સ્માર્ટ ફોનનો વપરાશ વધતા સમયના અભાવે માણસો કંપનીમાં કોલ બહુ ઓછા કરે છે પણ જ્યારે સીમકાર્ડ કંપનીઓ મિનિટના એક રૂપિયાના હિસાબે ગ્રાહક પાસેથી ચાર્જ વસુલ કરતી અને કંપનીના કોલ સેન્ટરના હેલ્પ નંબરો પર ગ્રાહકો મફતમાં વાત કરી શક્તા એટલે ઘણા કિસ્સાઓમા સમય કાઢવા માટે પણ લોકો આવા કોલ કરતા ! એ પછી તો કંપની દ્વારા ફરજિયાત મિનિટના 50 પૈસાનો દર પણ ગ્રાહક પાસેથી વસુલવા માંડેલો. બીજુ કે, કોલ સેન્ટરમાં રોજ ગ્રાહકો દ્વારા નવી નવી ફરિયાદો અને રજુઆતો કરાતી હોય છે. તે બધી સમસ્યાઓનું સમાધાન લાવવું ખુબ જ મુશ્કેલ હોય છે. હવે આ પરિસ્થિતિમાં વધારે સમય એ લોકો કોલ લઇ શકે કે જેનામાં સહનશક્તિ હોય !! હું માનુ છુ ત્યાં સુધી પુરૂષો કરતા સ્ત્રીઓમાં સહનશક્તિ વધારે હોય છે. છોકરાઓ મોટે ભાગે પુરો સમય વિનમ્રતાથી વાત નથી કરી શક્તા. એટલે તેઓ એકાદ બે મહિના કામ કરી આખરે કંટાળીને કોલ સેન્ટરની નોકરી છોડી દેતા હોય છે. પણ છોકરાઓ કરતા છોકરીઓ ખુબ જ વિનમ્ર થઇને ગ્રાહકને જવાબ આપી શકે છે. કંપનીના માલિકો પણ એવો ઉદેશ્ય રાખતા હોય છે કે ગ્રાહકને વાત કરીને આપણી કંપનીથી સંતોષ થવો જોઇએ અને કંપનીના એજન્ટને પણ તાલીમ દરમિયાન કંપની સાથે ગ્રાહક તરફથી જાણે અજાણે કરવામાં આવતી તમામ હરકતો સહન કરી વિનમ્ર ભાવે વાત કરવાનું વધારે શીખવાડવામાં આવે છે.જો કે, આ કામમાં મોટે ભાગે માનસિક તણાવનો માહોલ પણ વધારે રહેતો હોય છે.છોકરીઓ જન્મજાત કુદરતી વરદાનથી તેમજ છેકથી ટેવાઇ ચુકેલા સ્વભાવના હિસાબે બધી બાબતોમાં એડજેસ્ટ કરી લેતી હોય છે. વળી છોકરીઓ પોતાના મધુર અવાજથી ગુસ્સે ભરાયેલા ગ્રાહકને પણ એકદમ ટાઢોબોળ કરી દેવાની કળામાં માહેર હોય છે જે કારણે પણ કોલ સેન્ટરમાં છોકરાઓ કરતા છોકરીઓ વધારે નોકરી કરતી હોય છે.

અમારી આ પંદર દિવસની તાલીમ દરમિયાન અમને વોડાફોન કંપની પોતાના સીમકાર્ડ ધારક ગ્રાહકોને આપતી કોલ, SMS, ઇન્ટરનેટ તેમજ અન્ય મુલ્ય વર્ધિત સેવાઓ વિશે તેમજ ગ્રાહકને સીમ કાર્ડના વપરાશ દરમિયાન કઇ કઇ સમસ્યાઓ આવે છે અને તેનુ સમાધાન કઇ રીતે કરાવી શકાય એ તમામ બાબતો સારી રીતે શીખવેલી ! ખાસ કરીને કંપની વધુ નફો કઇ રીતે રળે તેમજ તેના માટે ગ્રાહકને કંપની તરફથી મળતી ઓફરોથી કઇ રીતે વધારે લલચાવી શકાય સહિત અનેક વસ્તુઓ શિખવાડવામાં આવી. પંદર દિવસની તાલીમ પછી છેલ્લે એક ટેસ્ટ લેવામાં આવ્યો જેમાં કંપનીના હેલ્પ નંબર પર આવતા ત્રણ કોલ લેવાના અને તેમાં ગ્રાહકની સમસ્યાનું સમાધાન કરો અથવા તો એને યોગ્ય માર્ગદર્શન આપો તો તમે પાસ ! મે પણ ત્રણ કોલ લીધા અને ત્રણેય કોલમાં પાસ થઇ આખરે કોલીંગ ફ્લોર પર કોલ લેવા માટે ટીમ લીડર નૈમેશ પંચાલની ટીમમાં મોકલ્યો. એ વોડાફોન હાઉસની તળિયે ઝગમગતી ટાઇલ્સ અને એનાથી પણ વધારે ચમકતા ત્યાંના માણસો મને પોરસ ચડાવતા હતા. મને એમ થતું હતુ કે હું સાહેબ બની ગયો છુ. હવે મારી જીંદગીના બધા પ્રશ્નો હલ થઇ જશે. જે નાનકડું ખોળિયુ મહિને ત્રણ હજારમાં ખુશ થઇ જતું હતુ તે હવે સાત હજારની માતબર રકમ જોઇ રાજીના રેડ થઇ જશે. પણ મને ખ્યાલ નહોતો કે જિંદગીને આગળ ઘણા ખેલ ખેલવાના બાકી હતા.

હવે હું કમાતો-ધમાતો થઇ ગયો હતો. માસિક 7200 રૂપિયા પગાર અને નોકરીના આઠ કલાક સિવાય જે ઓવરટાઇમ કરતો એના કંપની કલાકે રૂ. 100 ના હિસાબે માસિક ચુકવણું પણ કરતી. એટલે મહિને અંદાજિત હું 20 થી 25 હજારની રોકડ કમાણી કરી લેતો. ઘરે પણ આર્થિક રીતે સારો એવો ટેકો કરતો હતો એટલે ઘરમાં પણ અમારો માન-મરતબો વધી પડ્યા હતા. ઘરે જતો ત્યારે અગાઉનો નાણા વગરનો નાથિયો હવે નાથાલાલ થઇને ફરતો હતો. મને હવે અમદાવાદમાં રહેવાની મજા આવતી હતી. જેમ જેમ હું વધારે રૂપિયા કમાતો જતો હતો એમ મારા શોખ પણ વધતા જતા હતા. બુટકટ પેન્ટ અને શોર્ટકટ ખમીશ પહેરતો હું કમાણી વધતા જ નેરો પર ઉતરી આવ્યો હતો. રજાના દિવસે બહાર ફરવા જવુ ,દર અઠવાડીયે સિનેમા હોલની લ્હાણીની લત લાગી ગઇ હતી. એક કહેવત છે ને કે રૂપિયો બધા દુખ ભુલાવી દે છે અથવા સારા સંબંધોનું પણ મુલ્ય ઘટાડી દે છે. એટલે જ કદાચ મને હવે હિતેશ અને અન્ના વગર પણ અમદાવાદમાં ગોઠી ગયુ હતુ. આ દરમિયાન બીજા પણ ઘણા બધા અભરખા જાગવા લાગ્યા કે જે આટલા દિવસ સુધી સુષુપ્ત અવસ્થામાં હતા અથવા તો અદમ્ય ઇચ્છાઓ હોવા છતા સંજોગોને આધીન મને-કમને તેની માંડવાળ કરેલી હતી. આવા અધુરા ઓરતાઓને પુરા કરવા અમે સામ અને દામ બંન્ને વસ્તુઓનો ભરપુર ઉપયોગ કરી મનની અભેરાઇ પર ચડી ધુળ ચોટેલા ઓરતાઓને ખંખેરી ખંખેરીને પુરા કરતા પણ સ્હેજે સંકોચ કે શરમ અનુભવતા ન હતા. એકલતાથી ટેવાયેલ અમને હવે વધારે વસ્તી જોવા મળે એવી જગ્યાઓ વધારે અનુકુળ લાગવા માંડી. આજ દિવસ સુધી સજ્જનતાની કાંચળી ઓઢીને "આ સારૂ ને આ ખરાબ ધારવા"ના અમારા દ્રષ્ટિકોણમાં પણ મોટું પરિવર્તન આવ્યુ.સજ્જનતા અને સભ્યતાની વાતોથી કેળવાયેલો હું રંગીન જીંદગીના અભરખા સેવતો સેવતો અમદાવાદીયા રંગે રંગાવા લાગ્યો તેમજ સમય જતા તેવી જીંદગીમાં હું ક્યારે ગળાડુબ બની ચુક્યો એની મને ખુદને પણ ખબર ના રહી ! મિત્રો, જિંદગીની કિતાબના અમુક પાના ખોલવા કરતા વાળેલા હોય એ વધારે સારા લાગે ! અને હું પણ મારી જિંદગીના વાળેલા પાનાઓને ખોલવાનું પસંદ નહી કરૂ. પણ એટલુ તો જરૂર કહી શકું છુ કે મારો મિજાજ અને તેવર પણ બદલાઇ ગયા હતા. કહેવાય છે કે માણસ રંગ બદલે છે ત્યારે બદલાયેલો રંગ દેખાતો નથી હોતો પણ વર્તાતો હોય છે.

એ દિવસોમાં હું વેજલપુરના ઔડા વિસ્તારના મકાનોમાં રહેતો. ઔડાના મકાનો મુળ સરકારી વસાહત પણ મજુરીયા વર્ગને "ઘરનું ઘર" મળી રહે તે હેતુથી ગરીબ લોકોને ફાળવેલા. સરકારે આવા મકાનો હાઉસીંગ બોર્ડ મારફત બનાવી બિલકુલ નજીવી કિંમતે ડ્રો સિસ્ટમથી ઓછી આવક ધરાવતા વર્ગમાં વહેચણી કરેલી. આ મકાનોની રચના બ્લોક સિસ્ટમથી કરવામાં આવતી હોય છે. ચાર માળના આ બ્લોકમાં દરેક માળ પર 8 ઓરડી એમ એક બ્લોકમાં કુલ 32 ઓરડીઓ ઉભી કરવામાં આવતી હોય છે. વેજલપુરના ઔડા વિસ્તારના મકાનોમાં કુલ 100 જેટલા બ્લોક હતા તેમજ કુલ 3000 જેટલા પરપ્રાંતીય અને શ્રમિક કુટુંબો વસવાટ કરતા હતા. આટલી મોટી વસ્તી ધરાવતા ઔડા વિસ્તારમાં મજુરીયો વર્ગ વસવાટ કરતો હોવા છતા અમદાવાદના અન્ય શ્રમિક વિસ્તારો કરતા અહી ગંદકીનું પ્રમાણ ખુબ જ ઓછુ હતુ. વસ્તીથી ખદબદતા આ વિસ્તારમાં સાંજ પડ્યે દરેક બ્લોકની બહાર તેમજ છત પર વસ્તીનો ખુબ મોટો નજારો જોવા મળતો. રોજનું કમાઇને રોજ ખાવાવાળી આ વસ્તીમાં દારૂડિયા અને જુગારીઓ પણ અસંખ્ય હતા. રોજ સાંજે પોલીસની વેન અથવા તો પોલીસની ગાડી તમને અચુક અહી નજરે પડે જ ! ક્યારેક મારા-મારી તો ક્યારેક જુથ અથડામણનાં બનાવો તો વળી એક જ ઘરના સ્ત્રી-પુરૂષ એક બીજા સાથે એવા તો લડતા કે આજુબાજુની વસ્તી આ ઘટનાનો આંખ્યે દેખ્યો હાલ જોવા ટોળે વળતી ! પણ અહીં આ ઘટનાઓ રોજ બનતી એટલે અમારા માટે કંઇ નવાઇ જેવુ ન હતુ પણ એક મુક પ્રેક્ષક બની આવી ઘટનાઓનો આનંદ જરૂર લઇ લે

એ સમય લગભગ જન્માષ્ટમી આજુબાજુનો હશે જ્યારે નોકરીના શરૂઆતી સમયગાળાથી બહુ નજીકનો મિત્ર બનેલો વિપુલ દેસાઇ વોડાફોનમાંથી નોકરી છોડી પોતાનો ધંધો ઉભો કરવાના ઇરાદે પોતાના વતન ચાલ્યો ગયેલ.વિપુલના ચાલ્યા જવાથી ફરી મને નવા રૂમમેટ શોધવાની ફરજ પડી. એ સમયે ઓફિસમાં થયેલી ઓળખાણના હિસાબે અમારા બાજુના જ બ્લોકમાં ત્રીજા માળે રહેતા ધવલ પ્રજાપતિ, પ્રકાશ ચૌધરી અને મનોજ ભટોળ સાથે રહેવા હું ચાલ્યો ગયો. સમાન ઉંમરના અને સ્વભાવમાં પણ ખાસ્સી સામ્યતા ધરાવતા એ ત્રણેય મિત્રો સાથે હવે મને રહેવામાં પણ ગોઠી ગયુ હતુ. મોટે ભાગે રજાના દિવસે અમે બધા સાથે જ ફરવા જતા એટલે બધા અઠવાડીયાની રજા સાથે જ લેતા. જેથી કરીને દર અઠવાડીયે અમે અમદાવાદના અલગ અલગ સ્થળો પર ફરવા સાથે જઇ શકીએ.

હું જ્યાં રહેતો હતો એ વેજલપુરના ઔડા વિસ્તારની પાછળના ભાગે આનંદનગરનો પોશ એરિયા આવેલ હતો. મોટે ભાગે સાંજના સમયે ઓફિસથી છુટ્યા પછી મારા રૂમમેટ સાથે એની નજીકમાં જ આવેલા પ્રહલાદનગર ગાર્ડનમાં બેસવાનું હું વધારે પસંદ કરતો.કોર્પોરેશન દ્વારા આવા બાગ - બગીચાઓ શહેરીજનો તથા બાળકોના ક્રીડાંગણ માટે બનાવવામાં આવે છે પરંતુ સાર સંભાળના અભાવે આવા બગીચાઓ ક્યારેક અનૈતિક પ્રવૃત્તિઓનું ધામ બની જાય છે. વ્યસની લોકોનો અડ્ડો બની ચુકેલા આવા બગીચાઓમા ક્યારેક ક્યારેક યુવકો અને યુવતીઓ નિર્લજ્જ હાલતમાં એવી રીતે બેસતા હોય છે કે પરિવાર સાથે આવતા માણસો બગીચાની મજાને સજા સમજી ઉભા પગે પાછા નીકળી જતા ! આ હાલત અત્યારે દરેક બગીચાની છે જેવી પ્રહલાદનગર ગાર્ડનની પણ હતી. પણ સાચુ કહુ તો અમને આ બગીચાએ સદાયને માટે આનંદ જ આપ્યો છે. બગીચાના અમુક દ્રશ્યો સજ્જન માણસને શરમમાં નાખે તેવા હોવા છતા અમે તો હરહંમેશ એમાંથી જ આનંદ ઉઠાવતા રહ્યા !

ઔડા વિસ્તારના બ્લોક નં. 39 ના ત્રીજા માળની કુલ આઠ ઓરડીઓ પૈકી સાત ઓરડીઓમાં રાજસ્થાની પરિવારો રહેતા અને આઠમી ઓરડીમાં અમે ચાર જણ વસવાટ કરતા. અમારી સામેની જ ઓરડીમાં રાજસ્થાની ભવરસિંહ ચૌહાણ પોતાના કબીલા સાથે વસવાટ કરતો. એક દિવસ બહાર પડેલ કચરાને લઇને અમારી અને ભવરસિંહ વચ્ચે બોલાચાલી થયેલી. બોલા ચાલી સુધી પહોંચેલી વાત મારા-મારી સુધી પહોંચી ગઇ જેમાં ભવરસિંહ ઉતરતા સાબિત થયા. આખરે આજુબાજુના પાડોશીઓ બધા વચ્ચે પડ્યા અને મામલો શાંત પાડ્યો. ભવરસિંહે મનમાં આ વાતની દાઝ રાખી અને થોડા દિવસ પછી ફરીથી કોઇ બાબતને લઇને અમારી સાથે ઝઘડો કર્યો. મે ભવરસિંહને અગાઉની વાત ભુલી જવાની સલાહ આપી અને શાંત કરવાની કોશિશ કરી પણ તેવુ કરવા જતા તે બેબાકળો બની જેવા ને તેવા આરોપો અમારા પર કરવા માંડ્યો. અમે ભવરસિંહની રોજની આડોડાઇથી કંટાળી ગયા હતા એટલે નાછુટકે બેફિકર બની "થાય એ તોડી લેવા"ની વાત કહી દીધી. આ વાક્ય સાંભળતા જ તે વધુ ગુસ્સે ભરાયો અને "તમને બધાને જેલના સળિયા પાછળ ના નંખાવુ તો હું ભંવરસિંહ નહી" તેવુ કહી સીધો સેટેલાઇટ પોલીસ સ્ટેશન જવા નીકળી પડ્યો. ભંવરસિંહની પાડોશમાં રહેતા તેમના જ કુંટુંબના એક શાણા અને બુધ્ધિશાળી માણસે નાની વાતને મોટું સ્વરૂપ આપી રજનું ગજ ન બનાવી ફરિયાદ ફાંટાથી દુર રહેવા સલાહ આપી પણ ભંવરસિંહ ના માન્યો.અંતે તેણે પોલીસ સ્ટેશન જઇ અમારા વિરુધ્ધ ફરિયાદ અરજી કરી ! અરજીમાં અમારા માટે તેણે અસામાજિક અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો જેવા શબ્દોનો પ્રયોગ પણ ભારી-ભરખમ માત્રામાં કર્યો. પોલીસ સ્ટેશને આપેલી આ ફરિયાદ અરજીમાં તેણે અનેક મનઘડંત આરોપો પણ અમારા પર લગાવેલા જેમાં દારૂ પીને ધમાલ કરવી, આજુબાજુ વાળા સાથે મારા મારી કરવી, પાસ-પડોશમાં રહેતી સ્ત્રીઓ સાથે અણછાજતું વર્તન કરવું, કોઇના ઘર તોડીને ચોરી કરવી, ઘરમાં તલવાર, બંદુક જેવા તીક્ષ્ણ હથિયાર રાખતા હોવા સાથેના અનેક ગુનાઓનું આળ અમારા ચારેય જણ પર નાંખ્યુ, આ આરોપો અમારા માટે અસહ્ય હતા પણ હવે પોલીસ સ્ટેશનની ફરિયાદ વાળું પ્રકરણ પુરૂ થાય પછી ભમરસિંહને પાઠ ભણાવવાનું અમે ચારેય જણાએ મનોમન નક્કી કરેલું.

એ દિવસની સાંજ પડી. પોલીસની ગાડી આવી અને અમદાવાદ સેટેલાઇટ વિસ્તારના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કનકસિંહે અમારી રૂમ પર આવી અમને ચારેયને આવતી કાલે સવારે અગીયાર વાગે પોલીસ સ્ટેશન પર હાજર થવાની સુચના આપી. વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઇ હતી અને પોલીસની ગાડી આવેલી જોઇને બીજા લોકો પણ ટોળે વળવા માંડ્યા, લોકોના ટોળા વધારે ભેગા થાય અને મોટો તમાશો બની જાય તેવુ અમે ઇચ્છતા ન હતા. અટલે અમે કનકસિંહને "કાલે સવારે પોલીસ સ્ટેશન આવીને સાહેબ સમક્ષ હાજર થઇ જઇશું" એવી વાત કરી. તેમજ વધારે લોકોનું ટોળું ભેગુ થઇને સામાન્ય ઘટનાનો મોટો તમાશો બને એ પહેલા જી સા'બ ! જી સા'બ ! કરીને અમે પોલીસની ગાડીને રવાના કરી.

એ સમયે ઔડામાં લાલભાઇ ઉર્ફે લાલો કરીને એક માણસ ઔડાના માથાભારે માણસોની ગણતરીમાં આવતો. ઉંચી કદ કાઠી ધરાવતો અને તુંડ મિજાજી લાલો મોટેભાગે ઔડાના રસ્તાઓ પર શર્ટ ખભા પર નાંખી બનિયાન પહેરીને ફરતો ગમે તે સમયે નજરે પડે. બુમ- બરાડા પાડીને જ વાત કરવા ટેવાયેલો લાલો મારી રોજની બેઠકના હિસાબે મારા ખાસ સંપર્કમાં હતો. એટલે અમે ચારેય જણાએ સાથે મળીને ભવરસિંહ વાળી વાતમાં લાલાની મદદ લેવાનું નક્કી કર્યુ. પોલીસ સ્ટેશન હાજર થવાનું હતુ તેની આગળની રાત્રે અમે લાલાનો સંપર્ક કરી બનેલી ઘટના વિગતથી સમજાવી. રોજની આદત પ્રમાણે મોઢામાં કાચી પાંત્રીસનો મસાલો ચાવતા ચાવતા લાલાએ સિગારેટની કસ મારી અમારી આખી વાત સાંભળી અને પછી ક્યાંક ઉંડા વિચારવામાં ગરકાવ થઇ ગયાનો ડોળ કર્યો. થોડી વિચારણાને અંતે લાલાએ મારી સામે જોયુ અને મને સામે સવાલ કર્યો. "હું આવીશ તો માથાકુંટ મોટી બનશે !! આગળ જતા કંઇક અજુગતુ બનશે તો બધુ તમારા માથા પર"!. અમે ચારેય જણાએ હકારમાં માથુ હલાવી મુંગા મોઢે અમારી સંમતિ દર્શાવી.અમને ચારેય જણને તો ગમે તે ભોગે ભંવરસિંહને પાંસરો કરવો હતો અને અમે એમાં લાલાનો સહયોગ ઇચ્છતા હતા. તેને લલચાવવા અમે ખર્ચાપાણી જે પણ થશે એમાં પાછુ વળીને નહી જોઇએ એવી ખાતરી આપી. પૈસાની વાત હળવેકથી લાલાના કાનમાં ફુંકતા તરત જ લાલાએ અમને મદદ કરવાનું વચન આપ્યુ. અમે એ જ વખતે લાગ જોઇને તરત જ લાલાને લઇને સીધા ભવરસિંહના ઘરે ગયા ! ભંવરસિંહના ઘરે જઇને લાલાએ જોરથી દરવાજો નોક કર્યો. દરવાજાનો અવાજ સાંભળી ભંવરસિંહ બહાર આવ્યો અને લાલા સાથે એની થોડીક રકઝક થઇ. સૌ પ્રથમ લાલાએ ભંવરસિંહને અરજી પાછી ખેંચી લેવા સમજાવ્યો પણ ભંવરસિંહે લાલાને "આ મેટર અમારા અને એમના વચ્ચેની છે. તમે એમાં લેવા દેવા વગર વચ્ચે ના પડો એમાં જ તમારૂ હિત !" એમ કહી રોકડુ પરખાવ્યુ. ભવરસિંહે પોતાની વાતની આમન્યા ના રાખી એટલે લાલો તેના અસલ રૂપમાં આવી ગયો અને ગાલી-ગલોચની શુભ શરૂઆત કરી દીધી. લાલાની ધમકી અને અસહ્ય ગાળો સાંભળી ભંવરસિંહ ઢીલો પડ્યો. લાલાને તેના અસલ રૂપમાં જોતા જ ભવરસિંહના હાજા ગગડી ગયા. થોડી વાતચીત અને થોડીક લાલભાઇની ધમકીના અંતે ભવરસિંહે અમારા વિરૂધ્ધ કરેલી ફરિયાદ અરજી પાછી ખેચવાનું કહી અમારા સૌની માફી માંગી. બીજા દિવસે અમે ચાર જણ ભવરસિંહની ગાડીમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન જઇ સમાધાન અરજી આપી ઘટનાનો સુખદ નિવેડો લાવી દીધો.

લગભગ અઢી વરસ સુધી મે વોડાફોન કોલ સેન્ટરમાં નોકરી કરી. આ દરમિયાન અનેક સારા- નરસા અનુભવો થયા. બધા અનુભવો કાગળ પર કંડારી શકાતા નથી. આ સમય દરમિયાન મારી નોકરીના સ્થાન પર પણ ઘણા બદલાવ આવવા લાગ્યા. એ વખતે કંપનીના નિયમ પ્રમાણે નોકરીમાં બઢતી કે પ્રમોશન માટે સ્નાતક સુધીની લાયકાત હોવી ફરજિયાત હતી. એ વખતનો મારો અભ્યાસ ધોરણ 12 સુધીનો સિમીત હોઇ મારા પગાર ભથ્થામાં ભવિષ્યમાં પણ કોઇ ફેરફાર થવાનો ન હોઇ મે નોકરી બદલવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન ચાલુ નોકરીએ મે બીજી સારા પગારવાળી નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા માંડ્યા.આ જ સમયગાળામાં મે લેનોવો કંપનીના બ્રાન્ડ પ્રમોટર તરીકે આપેલા ઓનલાઇન ઇન્ટરવ્યુમા હું પાસ થયો અને પ્રમોટરની પોસ્ટ પર મારૂ સિલેક્શન થયુ. મે તાત્કાલીક વોડાફોન કોલસેન્ટરમાં રાજીનામું ધરી દઇને લેનોવો લેપટોપના બ્રાન્ડ પ્રમોટર તરીકે નોકરી ચાલુ કરી. (ક્રમશ:)