Yog-Viyog - 20 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 20

Featured Books
Categories
Share

યોગ-વિયોગ - 20

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૦

વૈભવીએ જમીન પર પડ્યાં પડ્યાં દાંત પીસીને અભયને ગાળ આપી, ‘‘સાલો બાયલો... બૈરી પર હાથ ઉપાડે છે...હજી તો બાપ ઘરમાં નથી આવ્યો અને એનાં લક્ષણો આવી ગયાં ?’’ તે જ વખતે વસુમા રસોડામાંથી બહાર આવ્યાં...

આખેઆખું ડાઇનિંગ ટેબલ ધરતી ફાડીને શ્રીજી વિલાની જમીનમાં ઊતરી જાય તો સારું એવું લગભગ બધાના મનમાં થયું.

‘‘બેટા વૈભવી, આ ઘરમાં આ ભાષા છેલ્લાં પચીસ વર્ષમાં વપરાઈ નથી, ન વપરાય એવો મેં પ્રયાસ કર્યો છે... આજે જ્યારે તમારા સસરા પચીસ વર્ષે પાછા ફરે છે ત્યારે આટલાં વર્ષો દરમિયાન મેં શું કર્યું એનો હિસાબ આ રીતે ન આપો તો સારું !’’

‘‘આઈ એમ સોરી મા.’’ અભય ઊભો થઈ ગયો. ‘‘અમે ખ્યાલ રાખીશું મા કે બાપુની સામે કોઈ...’’

‘‘બેટા, મારે કોઈ હિસાબ આપવાની જરૂર નથી અને મેં એમને એ દેખાડવા નથી બોલાવ્યા કે મેં આટલાં વર્ષોમાં શું કર્યું છે? તેમ છતાં આપોઆપ એમની સામે જે ઊઘડી આવશે એ એમને દેખાશે જ અને બેટા, એ કંઈ ચોવીસ કલાક માટે નથી આવતા. પિતા છે તમારા. એમને પાછા બોલાવવાનું નક્કી કર્યું ત્યારથી જ મારા મનમાં કેટલીક સ્પષ્ટતાઓ તો હશે જ ને ? મને ભય નથી લાગતો કે મારો ઉછેર કાચો દેખાશે... હા, દુઃખ જરૂર થાય છે કે મેં જેમ ધાર્યું હતું એમ નથી થયું...’’

‘‘મા, તું તો ઓળખે છે ભાભીને, જ્યારે પણ આવી કોઈ તક મળે તો એ નહીં છોડે એની તને ખાતરી હોવી જોઈએ.’’ અલયના અવાજમાં જાણે કડવાશનો કોગળો હતો.

‘‘હા, હા... હું તો ખરાબ જ છું. પણ એટલી ખરાબ નથી કે ધણીએ છોડી જવી પડે...’’

‘‘વૈભવીઈઈઈઈ....’’ અભયનો હાથ ફરી ઊંચો થઈ ગયો.

‘‘માર... મારી નાખ એટલે તુંય છૂટે ને હુંય છૂટું...’’

‘‘અભય, વૈભવી, અને તમે બધા જે થઈ રહ્યું છે એ તમારા બધા જ માટે દુઃખદાયક છે એ સમજું છું હું, પણ આજનો દિવસ સાચવી લેવાની વિનંતી નથી કરતી હું. તમને જે યોગ્ય લાગે અને જેમ યોગ્ય લાગે તેમ વર્તવાની તમને છૂટ છે. આજથી, આ પળથી હું હવે તમારા પરના મારા તમામ અધિકારો ઉઠાવી લઉં છું. મને લાગે છે તમે બધા એટલા મોટા થઈ ગયા છો કે તમને માના ઉછેરની જરૂર નથી...’’

અને પછી એ પોતાના ઓરડામાં ચાલી ગયાં.

અલય સિવાય ભાગ્યે જ કોઈને સમજાયું કે વસુમાનાં પગલાં સહેજ ઢીલાં, સહેજ ભાંગેલાં હતાં...

અંજલિ અને રાજેશ બેડરૂમમાં હતાં. એકદમ ધીમા અવાજે સરોદ વાગી રહ્યું હતું. રાજેશ કોઈ ટેન્ડરની ફાઇલનું કેલ્ક્યુલેશન કરી રહ્યો હતો. અંજલિના મનમાં જાતજાતના વિચારોની ભરતી આવીને પાણી પાછાં વળતાં હતાં.

‘‘કોણ હશે આ પ્રિયાના બાળકનો બાપ ? જોકે મારે શું કામ જાણવું જોઈએ ? એ એની પર્સનલ બાબત છે... ક્યાંક ઓપરેશન ટેબલ પર એને વધારે તકલીફ થઈ ગઈ તો !?... એ છોકરી બિચારી કેમ કરતાં ફસાઈ હશે ? જેણે ફસાવી હોય એને તો મારી નાખવો જોઈએ.’’ એ છતમાં સ્થિર નજરે જોઈ રહી હતી. એના હાથમાં પકડેલું મેગેઝિન છેલ્લી દસ મિનિટથી પકડેલું હતું. એ વાત રાજેશના ધ્યાન બહાર નહોતી. આખરે રાજેશથી ના રહેવાયું. એટલે એણે હળવેકથી અંજલિના માથે હાથ ફેરવ્યો,

‘‘બેબી ! શું વિચારે છે ક્યારની ?’’

‘‘કશું નહીં.’’

‘‘બેબી, તું આટલા બધા વિચારો નહીં કર. તારી તબિયત પર અસર થશે. સૂઈ જવાનો પ્રયત્ન કર.’’ એણે અંજલિના હાથમાંથી મેગેઝિન લઈ લીધું. પ્યોર સિલ્કની ક્વિલ્ટ એને સરખી ઓઢાડી અને બેડસાઇડના લેમ્પ્સ બંધ કરી દીધા.

બાજુમાં સૂઈને એ હળવે હળવે અંજલિના માથામાં હાથ ફેરવવા લાગ્યો, ‘‘બેબી, દુનિયામાં દરેક માણસ સરખો નથી હોતો. તું તારી તબિયતનું ધ્યાન રાખ.’’

‘‘ધ્યાન તો રાખું છું...’’ અંજલિની આંખોમાંથી અનાયાસ જ બે આંસુ સરી પડ્યાં. રાજેશને એનો અવાજ ભીનો લાગ્યો એટલે એણે ખેંચીને એને પડખામાં લીધી, ‘‘આઈ લવ યુ... તારા સુખ માટે હું કંઈ પણ કરીશ અંજલિ, બસ તારી આંખમાં આંસુ ના આવવા જોઈએ.’’ રાજેશનું આ વાક્ય પૂરું થાય એ પહેલાં અંજલિનો મોબાઈલ રણકી ઊઠ્યો. અંજલિએ બેડસાઇડ પર પડેલો મોબાઈલ ઊંચકીને જોયું,

શ્રીજી વિલાનો નંબર હતો.

અંજલિને નવાઈ લાગી, ‘‘ અત્યારે ? રાત્રે પોણા બાર વાગ્યે ? કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને ?’’

એણે ફોન ઉઠાવ્યો.

‘‘હુંં જાનકી બોલું છું અંજલિબેન.’’

‘‘અરે ભાભી ! બધું બરાબર તો છે ને ?’’

‘‘હા, હા, એક ખુશખબર આપવા ફોન કર્યો છે.’’

‘‘અત્યારે ?’’

‘‘બાપુ પાછા આવી ગયા છે.’’ અંજલિને પોતાના કાન પર વિશ્વાસ ના પડ્યો. એણે ફરી પૂછ્‌યું, ‘‘શું ? કોણ ?’’

‘‘બાપુ - સૂર્યકાંત મહેતા પાછા આવ્યા છે.’’ અત્યાર સુધી આડી પડીને વાત કરતી અંજલિ ઝટકાથી બેઠી થઈ ગઈ, ‘‘ક્યારે આવ્યા ? ક્યાંથી આવ્યા ? ક્યાં હતા અત્યાર સુધી ? માને ખબર છે ? મા આવી ગઈ દિલ્હીથી ? ’’ આટલું પૂછતાં પૂછતાં તો અંજલિને ડૂમો ભરાઈ ગયો. એની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. એના અવાજના ઉશ્કેરાટથી રાજેશને પણ લાગ્યું કે કશુંક ખૂબ મહત્ત્વનું છે. એણે બેઠા થઈને લેમ્પ ઓન કર્યો. પછી અંજલિની પીઠ પર હાથ ફેરવ્યો, ‘‘રિલેક્સ બેબી... ટેક ઇટ ઇઝી...’’

‘‘ભાભી, મારે એમને મળવું છે. ક્યાં છે એ ? ત્યાં શ્રીજી વિલા આવ્યા છે ?’’

‘‘ના, કાલે સવારે આવવાના છે. માએ તમને બધાની સાથે જમવા બોલાવ્યાં છે. ’’

‘‘સવારે ?’’ અંજલિને અચાનક પ્રિયાનો વિચાર આવી ગયો. પચીસ વર્ષે પાછા ફરેલા પિતા અને એક અસહાય છોકરીની વચ્ચે કોની પસંદગી થઈ શકે !

‘‘ભાભી, હું પહોંચીશ ખરી, પણ મને થોડું મોડું થશે.’’ એણે તરત જ નિર્ણય કરીને જવાબ પણ આપી દીધો.

‘‘એ લોકો સાડા અગિયારેક વાગ્યે આવવાના છે.’’

‘‘એ લોકો !?’’

હવે જાનકી જરા ખચકાઈ ગઈ. ‘‘હા, એટલે એમની સાથે એમની દીકરી પણ છે.’’

‘‘વ્હોટ ?’’ અંજલિનો અવાજ તરડાઈ ગયો, ‘‘સૂર્યકાંત મહેતાની એક જ દીકરી છે અને એનું નામ અંજલિ છે.’’

‘‘અંજલિબેન...’’ જાનકી અટકી અટકીને, ગોઠવી ગોઠવીને બોલતી હતી, ‘‘એમણે કદાચ કોઈ પરદેશી સ્ત્રી સાથે... આઈ મીન... એમને એક દીકરી છે, વીસેક વર્ષની, લક્ષ્મી નામ છે એનું...’’

‘‘એટલે અમે અહીંયા અમારા પિતા વિના એક એક ક્ષણ તરફડી તરફડીને મોટાં થતાં હતાં અને એમણે ત્યાં બીજાં લગ્ન કરી લીધાં ? માણસો શું સમજતા હશે પોતાને, સ્ત્રી કોઈ રમકડું છે ? એમને મારી માનો વિચાર પણ ના આવ્યો ?’’ અંજલિનું ડૂસકું છૂટી ગયું, ‘‘માને ખબર છે ?’’

‘‘હા, ખબર છે.’’

‘‘અને છતાંય એણે એમને ઘરે બોલાવ્યા છે ? બધાને ભેગા કરવાનું નક્કી કર્યું છે ?’’

‘‘અંજલિબેન, શાંત થઈ જાવ. આપણે કાલે મળીએ છીએ.’’ જાનકી હવે વધુ સવાલ-જવાબમાં ઊતરવા નહોતી માગતી. એણે ફોન મૂકી દીધો. અંજલિ થોડી વાર એમ જ ફોન પકડીને ડઘાયેલી રડતી રહી અને પછી અચાનક રાજેશને ભેટી પડી... જોરથી પોક મૂકીને રડતાં એણે રાજેશને કહ્યું, ‘‘રાજેશ, બાપુ પાછા આવી ગયા છે...’’

રાજેશ એક પણ અક્ષર બોલ્યા વિના અંજલિની પીઠ પર હાથ ફેરવતો રહ્યો અને અંજલિ નાભીમાંથી નીકળતું રુદન કોઈ રીતે રોકી નહોતી શકતી !

શ્રીજી વિલાનો ગેટ ખોલીને અંદર દાખલ થતાં સૂર્યકાંત મહેતાને લાગ્યું કે જાણે એમની સામે ભૂતકાળના દરવાજા ખૂલે છે. એમનું મન ખૂબ અદ્વિગ્ન, ખૂબ સંકોચમાં હતું. ગઈ કાલે રાતે વસુમા સાથે વાત થયા પછી એમનો જીવ થોડો હેઠો બેઠો હતો, પણ છતાં અભય, અજય અને અંજલિને આટલાં વર્ષો પછી જોવાનીલાગણી એમને સમજાતી નહોતી. સપાટી ઉપર જાણે આનંદ હતો સંતાનોને મળવાનો, ઘરે પાછા ફરવાનો. પરંતુ ઊંડે ઊંડે ખૂબ વિશાદ હતો... એ વાતનો કે પોતે પચીસ પચીસ વર્ષ સુધી પોતાની કોઈ ફરજ નિભાવી નહોતા શક્યા !

એમને સવારના પહોરમાં અભયે ફોન કર્યો હતો- લેવા આવવા માટે... પરંતુ સૂર્યકાંતે જ કહ્યું કે પોતે જાતે પહોંચી જશે. એમને કદાચ એ સમય પોતાની જાતને તૈયાર કરવા માટે વિતાવવો હતો. એમણે ઘણા અઘરા છતાં મક્કમ રીતે ના પાડી અને ટેક્સીમાં જ જવાનું પસંદ કર્યું...

ટેક્સીમાં આવતી વખતે એમને વિચાર આવતો હતો, ‘‘પચીસ વર્ષ દરમિયાન તો ક્યારેય આટલો બધો વિશાદ કે અપરાધભાવ નથી જાગ્યો મને. આજે જ્યારે ખરેખર સંતાનોને મળવાનું છે ત્યારે મન કેમ પાછું પડે છે ? કેમ રહી રહીને એમ થાય છે કે મારે વહેલા આવી જવું જોઈતું હતું...’’

જાણે પિતાનો વિચાર સમજી ગઈ હોય એમ લક્ષ્મીએ ટેક્સીની સીટ પર મુકાયેલા પિતાના હાથ પર પોતાનો હાથ મૂક્યો, ‘‘શા વિચારમાં છો ડેડ ?’’

‘‘બેટા, પચીસ વર્ષે મારા ઘરે પાછો જાઉં છું, જે ઓટલાનાં પગથિયાં પચીસ વર્ષ પહેલાં ઊતરી ગયો હતો, એ ચાર પગથિયાં ચડતા મારા પગ મણ મણના થઈ જવાના છે. અભય, અજય, અંજલિ... કેવી રીતે સ્વીકારશે મને ? સ્વીકારશે કે નહીં ? અને સૌથી નાનો અલય, એને તો મેં જોયો જ નથી ! લક્ષ્મી બેટા, એક મનને આ બધું જ જોઈએ છે, અને બીજું મન ભાગી રહ્યું છે ભયથી...’’

‘‘ડેડ, કમ-ઓન ! તમને એ ભય નથી કે તમારાં સંતાનો તમને સ્વીકારશે કે નહીં, તમને ભય વસુ આન્ટીનો છે. એમને કેવી રીતે ફેસ કરશો, એનો ડર લાગે છે, ખરું ?’’

‘‘ખબર નથી !’’ સૂર્યકાંત બારીની બહાર જોવા લાગ્યા. બાપ-દીકરી ખાસ્સી વાર એ પછી ચૂપ જ રહ્યાં. માત્ર રસ્તો બતાવવા પૂરતાં સૂર્યકાંતે જે એક-બે વાક્યો બોલવા પડ્યા એ સિવાય ટેક્સીમાં વજનદાર મૌન રહ્યું.

શ્રીજી વિલાના ગેટ સામે જ્યારે ટેક્સી આવીને ઊભી રહી ત્યારે સૂર્યકાંતને એક વાર ભાગી જવાનું મન થઈ ગયું. લક્ષ્મીએ એમનો હાથ પકડી રાખ્યો અને શ્રીજી વિલાનો ગેટ ખોલ્યો...

જાણે કેટલાય દિવસો એકસામટા ખૂલી ગયા. દેવશંકર મહેતાનું ઘર છોડીને શ્રીજી વિલામાં પહેલી વાર દાખલ થતી વખતે જે કડવાશ હતી મનમાં એ ફરી ઊભરાઈ આવી હતી. ત્રણ સંતાનો અને પત્નીની સાથે જ્યારે આ મકાનમાં રહેવા આવ્યા ત્યારે સૂર્યકાંત મહેતાએ ગાંઠ વાળી હતી કે દેવશંકર મહેતાની હવેલીથી વહેંત ઊંચી હવેલી જો બરાબર એમની બાજુમાં ના બાંધું તો મારું નામ સૂર્યકાંત દેવશંકર મહેતા નહીં !

‘‘કાશ, આજે દેવશંકર મહેતા જીવતા હોત ! હું બતાવત એમને કે એમનો નકામો-કામચોર અને સટોડિયો દીકરો આજે ક્યાં પહોંચ્યો છે.’’ સૂર્યકાંત મહેતાના મનમાં શ્રીજી વિલાની શરૂઆતના એ દિવસો જાણે રહીરહીને ઊભરાવા લાગ્યા. પથ્થરની પગથી, સામેનો ઓટલો, ઓટલા પર ચઢાવેલી મની વેલ, એ પોર્ચ, ખૂણામાંની પથ્થરની બેઠક બધું એમનું એમ જ હતું.

બદલાયાં હતાં તો માત્ર મન !

‘‘માણસનું મન બદલાતા ક્યાં વાર લાગતી હોય છે ?’’ સૂર્યકાંત મહેતાના વિચારો ભટકી રહ્યા હતા, ‘‘શરીરના કયા ખૂણામાં હોય છે એ મન ? કોઈએ જોયું છે ક્યારેય ? અને તોય મન ધાર્યું કરાવે છે માણસ પાસે... મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું આમ મારાં સંતાનોને અને પત્નીને મૂકીને ભાગી જઈશ... અને તોય મને ધાર્યું કરાવ્યું... ક્યાં શ્રીજી વિલા અને ક્યાં અમેરિકા ! ક્યાંથી શરૂ થયેલી સફર ક્યાં જઈને પૂરી થઈ ! ને તોય, પેલું કહે છે ને- ધરતીનો છેડો ઘર, એમ પાછો ફર્યો છું...’’ કોણ જાણે શુંનું શુંય વિચારતા વિચારતા સૂર્યકાંત મહેતા છેક દરવાજે આવીને ઊભા અને બેલ મારવા હાથ લંબાવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે દરવાજો તો ખુલ્લો જ હતો. બલકે, ઘરના બધા જ સભ્યો એમના સ્વાગત માટે દરવાજે આવીને ઊભા હતા.

સૂર્યકાંતની આંખોમાં પાણી આવી ગયાં. આ ઘર, આ પરિવાર એ છોડી ગયા હતા !

થોડીક ક્ષણો કોઈ કશું જ બોલ્યું નહીં. સૌ સ્તબ્ધ... ગળે બાઝેલા ડૂમાઓ સાથે એમ જ ઊભા હતા. એકબીજાને જોતા. મિલનની આ અવર્ણનીય ક્ષણને અનુભવતા !

પછી વૈભવીથી ના રહેવાયું એટલે એણે એ ભીના મૌનનો ભંગ કર્યો અને કહ્યું, ‘‘આવોને પપ્પાજી, અંદર...’’ એને સૂર્યકાંત મહેતા પોતાના ફોટા પર ચડાવેલો હાર જુએ એ ક્ષણની પ્રતીક્ષા હતી.

‘‘હા...’’ સૂર્યકાંતે ચોંકીને કહ્યું અને ઘરમાં દાખલ થયા.

અભય, અજય અને વૈભવી, જાનકી, લજ્જા અને આદિત્ય એમને વારાફરતી પગે લાગ્યા. હજી અંજલિ અને રાજેશ નહોતા પહોંચ્યા. અલય કોઈ ને કોઈ બહાને વારે વારે ઉપર પોતાના ઓરડામાં જતો રહેતો હતો અને ત્યાં બને એટલો વધારે સમય ગાળવાનો પ્રયત્ન કરતો. ટેક્સીનો અવાજ સાંભળીને એ ઉપર જતો રહ્યો...

એટલે અલય પણ નહોતો.

પગે પડેલા દીકરાઓને ઊભા કરીને છાતીસરસા ચાંપતા સૂર્યકાંતનું હૃદય ભરાઈ આવ્યું. માંડ કમર સુધી આવતો અજય આજે અડધો વેંત ઊંચો થઈ ગયો હતો !

અભયને તો કાન પાસેના વાળ ધોળા થઈ ગયા હતા !

એમણે અલયને શોધવા આમતેમ જોયું.

ઘરની સજાવટ અને બીજી વસ્તુઓ પર એક સરસરી નજર નાખતા સૂર્યકાંત મહેતાની નજર હારવાળા ફોટા પર આવીને અટકી. એમનું આખુંયે અસ્તિત્વ જાણે બરફની જેમ થીજી ગયું, ‘‘વસુ !!!’’ એમનાથી આગળ બોલી ના શકાયું.

‘‘મેં કહ્યું હતું માને કે આ હાર ઉતારી લો, પણ એમણે સાંભળ્યું નહીં.’’ વૈભવીએ આજે અહીં સીન કરવાનું નક્કી કરી લીધું હતું જાણે. અભયે દાંત કચકચાવ્યા, ‘‘આજે જો ડહાપણ કરશે તો ઓટલો ઉતારી મૂકતા અચકાઈશ નહીં.’’ એણે ગાંઠ વાળી !

‘‘પપ્પાજી, આ હૃદય છે.’’ જાનકીએ વાત બદલવા પોતાના દીકરાને આગળ કર્યો, ‘‘દાદાજીને પગે લાગો...’’ હૃદય વાંકો વળીને પગે લાગ્યો. સાડા ત્રણ વર્ષના એ મીઠડા છોકરાને સૂર્યકાંતે ઊંચકી લીધો, પણ એમના મનમાંથી વાત નહોતી જતી.

‘‘તું મારું શ્રાદ્ધ કરી આવી તેમ છતાં હું કંઈ નથી બોલ્યો, પણ આ ફોટા પરનો હાર...’’

‘‘કાન્ત, ઘણી વાતો કરીશું, હમણાં તો અંદર આવીને બેસો.’’

‘‘વસુ, અહીં સુધી આવ્યો છું એટલે આવીશ તો ખરો જ, બેસીશ પણ ખરો, જમીશ પણ ખરો... પણ આ હાર ચડાવીને શું સાબિત કરવા માગે છે તું ? મારું અપમાન કરવા બોલાવ્યો છે મને ? એ કહેવા કે હું મરી ગયો છું તમારા બધા માટે ?’’

‘‘ધારી શું કામ લો છો કે હું શું કહેવા માગતી હોઈશ...’’ વસુમાના ચહેરા પર સાવ હળવું, મમતાળું સ્મિત આવી ગયું.

‘‘ધારતો નથી, પૂછું છું તને.’’ સૂર્યકાંતનો અવાજ અનિચ્છાએ સહેજ ઊંચો થઈ ગયો.

‘‘આપણાં સંતાનોએ પણ મને પૂછ્‌યું હતું, પણ મેં નક્કી કર્યું હતું કે આ વાતનો જવાબ હું બધાની વચ્ચે આપીશ.’’

‘‘વસુ આન્ટી, મારા ડેડીએ તમને દુઃખ પહોંચાડ્યું એ વાત સાચી, પણ આવું કરીને તમે પણ એમને દુઃખ જ પહોંચાડ્યું ને...! જીવતા પિતાના ફોટા પર લટકતો હાર જોઈને એનું હૃદય કકળી ઊઠ્યું હતું. લક્ષ્મીની આંખો ભીની થઈ ગઈ હતી.

વસુમા એની નજીક આવ્યાં. પોતાનાથી ત્રણેક ઇંચ ઊંચી લક્ષ્મીના માથા પર હાથ ફેરવ્યો. હાથ માથા પર થઈને ગાલ સુધી ઊતરી આવ્યો. લક્ષ્મીને જાણે એ હાથમાં એક માના સ્પર્શ સિવાય બીજું કંઈ જ અનુભવી શકાયું નહીં. એણે હળવેકથી કહ્યું, ‘‘મ... આન્ટી, તમે આ હાર ઉતારી ના લઈ શકો ?’’

‘‘એ કામ તારા પિતાએ કરવાનું છે બેટા.’’ સૌએ ચોંકીને વસુમા તરફ જોયું. સૂર્યકાંતની આંખોમાં પણ આશ્ચર્ય હતું.

‘‘વસુ, તું મને ક્યારેય નથી સમજાઈ.’’

‘‘સમજાવું !’’ વસુમાએ ખૂબ હળવેકથી કહ્યું, ‘‘મેં મારા તરફથી આ સંબંધને એક છેડો, એક અંત આપવાનો નિર્ણય કરી લીધો હતો, આપી પણ દીધો, મારે મારા તરફથી એક વાત પૂરી કરવી અનિવાર્ય હતી કાન્ત... હવે તમે આ ઘરમાં પાછા ફર્યા છો, આ ઘર, આ સંતાનો તમારાં છે. આ કુટુંબ તમારું છે અને આ ફોટો પણ તમારો જ છે. એના પર લટકતો હાર ઉતારીને આ સંબંધને એક નવી શરૂઆત આપવાનું કામ તમારે કરવાનું છે...’’

‘‘વસુ !’’ સૂર્યકાંતની આંખો પલળી ગઈ.

‘‘પચીસ વર્ષ પહેલાં જે પતિ ચાલ્યો ગયો હતો એને માટેની તમામ ફરિયાદો, પીડાઓ હું ગંગામાં વહાવીને આવી છું. એક નવા સંબંધની શરૂઆત જૂનો સંબંધ પૂરો કર્યા વિના કેમ થઈ શકે કાન્ત ? આજે જે અહીં ઊભા છે એ સૂર્યકાંત મહેતાને મારે કંઈ પૂછવાનું નથી. મારે એમને કંઈ કહેવાનું પણ નથી. આ ઘરમાં, આ કુટુંબમાં એમણે પોતાની જાતને ગોઠવી લેવાની છે.’’

‘‘મા....’’ અજયનો અવાજ ધ્રૂજી ગયો.

‘‘કાન્ત ! જાવ, ઉતારી લો એ હારને અને તમારાં સંતાનો સાથેનો એક નવો સંબંધ શરૂ કરો.’’

સૂર્યકાંત મહેતા આગળ વધ્યા. પોતાના જ ફોટા પર ચડાવેલો હાર ઉતારતા એમને અજબ જેવી લાગણી થઈ. દેવશંકર મહેતાની આંખોથી શરૂ કરીને શ્રીજી વિલા છોડીને ગયા એ રાત સુધીનો આખોય ભૂતકાળ જાણે એમની આંખો સામે સડસડાટ પસાર થઈ ગયો.

હાર ઉતારીને એમણે સંતાનો તરફ જોયું, ‘‘તમારો મરેલો બાપ આજે ફરી એક વાર પોતાની જ રાખમાંથી જીવતો થયો છે. આ ઘર સાથેના મારા સંબંધો આજથી, આ ક્ષણથી ફરી શરૂ થાય છે. તમારી માએ એક ભુલાઈ ગયેલા નામ પરથી રાખ ઉડાડીને એને ફરી ધબકતું કર્યું છે. વસુ, હું તારો આભાર માનું ?’’

‘‘મારો ? મારો આભાર શા માટે ? મેં તો કંઈ કર્યું નથી.’’

‘‘કંઈ કર્યું નથી ? તું તો મને પાછો લઈ આવી આ ઘરમાં...તારી જાહેરાતે તો મારા પાછા આવવાનાં દ્વાર ખોલ્યાં.’’

‘‘કાન્ત, જાહેરાત તો બહાનું હતું. મારા માટે પણ અને તમારા માટે પણ... હું વર્ષો પહેલાંયે આપી જ શકી હોત આવી જાહેરાત... ને તમેય વગર જાહેરાત વાંચે આવી જ શક્યા હોત... ખરેખર તો સમયે તૂટેલાં તાંતણાં જોડી દીધાં છે સંબંધોના, લાગણીઓનાં તાંતણાં તો કોણ ક્યારે જોડી શક્યું છે ?’’ પછી એક ઊંડો નિઃશ્વાસ નાખીને સાવ ગણગણતાં હોય એમ બોલ્યાં, ‘‘મન, મોતી ને કાચ...’’

‘‘વસુ, તેં મને માફ નથી કર્યો નહીં ?’’

‘‘જ્યારે ફરિયાદ જ નથી રહી, ત્યારે માફીની વાત જ ક્યાં આવે?’’

‘‘તેમ છતાં આ હાર પહેરાવીને તેં એટલું તો સાબિત કરી જ દીધું કે આપણો સંબંધ પૂરો થયો, ખરું ને?’’

‘‘એમ પૂરા કરવાથી સંબંધો પૂરા થતા હોત કાન્ત, તો એ કામ તમે પચીસ વર્ષ પહેલાં કર્યું હતું...’’

‘‘એ ભૂલ હતી મારી.’’

‘‘કાન્ત, સમય બળવાન છે. માણસ શું ઇચ્છે છે અને શું થઈ જાય છે? હું તમને દોષ નથી દેતી, દેતી હોત તો કદાચ આમ તમને શોધ્યા ય ન જ હોત....’’

‘‘મા તમે પપ્પાજીને શોધવાનો પ્રયત્ન સહેજ વહેલાં પણ કરી જ શક્યા હોત ને ? આ જ જાહેરાત તમે જો પાંચ વર્ષ-દસ વર્ષ વહેલી આપી હોત તો પપ્પાજી વહેલા ઘેર ના આવ્યા હોત ?’’ અભયે ફરી દાંત કચકચાવ્યા. ‘‘આને કોઈ પણ રીતે સીધી કરવી પડશે. બાકી પચ્ચીસ વર્ષે ઘેર પાછા ફરેલા બાપ સામે આ કાંણા પૈસાની ઇજ્જત નહીં રહેવા દે...’’

‘‘પોતાના માણસને ઘેર પાછો બોલાવવા જાહેરાત આપવી પડે, એ વાત જ મને તો ગળે નથી ઊતરતી...’’ વસુમાએ સહેજ પણ ઉશ્કેરાયા વિના વૈભવીને જવાબ આપ્યો.

‘‘વસુ, ખરું કહું મને રોજ પાછા આવવાની ઇચ્છા થતી, રોજ વિચાર આવતો કે ચાર-ચાર સંતાનો સાથે તું કેમ દિવસો કાઢતી હોઈશ? પણ પછી પગ ભારે થઈ જતો... મને વિચાર આવતો કે તું મને સ્વીકારીશ કે નહીં ? તારો જાકારો સહેવાની તૈયારી નહોતી મારી એટલે મન પાછું પડી જતું.’’ સૂર્યકાંત મહેતા કોઈ ઢાલ વિના સાવ નિખાલસ થઈને બોલી રહ્યા હતા. ‘‘ને બીજો સવાલ હતો દેવાનો. મારા ચાલ્યા ગયા પછી તો દેવું માફ થઈ ગયું હશે એમ માનીને પણ મેં પાછા આવવાની હિંમત ના કરી. હું પાછો આવું તો દટાયેલા હાડપિંજર ફરી ઊભા થઈને નાચવા લાગે...’’

‘‘દેવું ! દેવશંકર મહેતાના પરિવારનું દેવું દયાને કારણે માફ થાય? એ મને કે તમારા સદગત પિતાના આત્માને ક્યારેય રુચે ખરું ? મેં હવેલી વેચી નાખી, થોડી-ગણી જમીનો હતી તે પણ વેચી નાખી, પેઢી સંકેલી લીધી અને પાઈ પાઈ ચૂકવી દીધી. સૂર્યકાંત મહેતા, આજે તમારા માથે એક પાઈનુંય દેવું નથી.’’ વસુમાએ એમને કહ્યું, પણ એમાં ક્યાંય ફરિયાદ કે પીડા નહોતી. બસ એક વાત હતી માત્ર.

‘‘પપ્પાજી, જમવાની તૈયારી કરું ? ’’ જાનકીએ પૂછ્‌યું.

‘‘રાજેશ અને અંજલી ના દેખાયા હજી ?’’ સૂર્યકાંત મહેતાને લાડકી દીકરીને જોવાની તાલાવેલી હતી.

‘‘ફોન કરું ?’’ વૈભવીએ પૂછ્‌યું.

‘‘હું કરું છું.’’ અભયે કહ્યું અને ફોન જોડ્યો અને ઓટલા પર ચાલી ગયો. આમ પણ એ પ્રિયાના સમાચાર જાણવા તરફડી રહ્યો હતો.

‘‘અભય બોલું છું.’’

‘‘હા ભાઈ ! અમે પહોંચીએ જ છીએ.’’ અંજલી ફોન લઈને પ્રિયાના ઓરડાની બહાર નીકળી ગઈ.

‘‘પ્રિયા હજી બેભાન જ છે ?’’

‘‘ના હમણાં જ ભાનમાં આવી છે પણ વિકનેસ બહુ છે. ક્યારની રડ્યા જ કરે છે એટલે એને મૂકીને નીકળાય એમ નથી.’’

‘‘ઓહ !’’ અભયનું મન જાણે કોઈએ મુઠ્ઠીમાં લઈને નીચોવી નાખ્યું હોય એમ એને અકળામણ થઈ આવી. આ જ ક્ષણે એણે પ્રિયા પાસે પહોંચી જવું હતું.... જ્યાં એની સૌથી વધારે જરુર હતી ત્યાં હોવાને બદલે એ અહીં શું કરી રહ્યો હતો ? એને પોતાના ‘‘હોવા’’ પર નફરત થઈ આવી.... ‘‘કંઈ ચિંતા જેવું નથી ને ?’’

‘‘ના ચિંતા જેવું કંઈ નથી. અમે દસ-પંદર મિનિટમાં આવીએ છીએ.’’ અંજલીનું મન પિતાને મળવા ઉતાવળું થઈ ગયું હતું. પરંતુ આ છોકરીની અસહાયતા જોતાં ત્યાંથી નીકળવા એનો પગ ઉપડતો નહોતો.

ફોન મૂકીને અંજલી પ્રિયાના રુમમાં પાછી આવી.

‘‘તમે નીકળો’’ પ્રિયાએ કહ્યું. એની આંખોમાં હજીયે આંસુ હતા પણ હવે એણે રડવાનું કંટ્રોલ કરી લીધું હતું, ‘‘તમારા પિતા આટલા બધા વખતે આવ્યા છે. તમે અહીં રહો એબરાબર નથી. બધા તમારી રાહ જોતા હશે અને હવે મને સારું છે. તમે જેટલું કર્યું એટલું તો કોઈ પોતાના પણ ના કરે.’’

‘‘એટલે અમે પારકા છીએ ?’’

‘‘એવું નથી કહેતી. પણ તમારી જિંદગીનો આટલો મહત્ત્વનો પ્રસંગ છોડીને તમે મારી સાથે...’’

‘‘કારણ કે તને અમારી જરુર હતી.... પણ હવે જવું જ પડશે.’’ રાજેશ સામે જોઈને એણે ઉમેર્યું, ‘‘બાપુ આવી ગયા છે.’’

‘‘તમારે જવું જોઈએ.’’ પ્રિયા મુશ્કેલીથી ઊભી થઈને બેઠી.

‘‘ટેક કેર ઓફ યોર સેલ્ફ’’ અંજલીએ પ્રિયાને વ્હાલ કર્યું, પોતાની પર્સ લીધી અને બહાર નીકળી. રાજેશ પણ પ્રિયાના માથે હાથ ફેરવીને અંજલીની પાછળ બહાર નીકળ્યો.

‘‘એ લોકો આવે જ છે.’’ અભયે ઘરમાં આવીને જણાવ્યું.

‘‘તો પછી હું તૈયારી કરવા જ માંડું.’’ જાનકી રસોડા તરફ વળી.

‘‘હું આવું છું ને રસોડામાં.’’ વૈભવીએ લાડ કર્યા.

‘‘ભાભી ! તમે ને રસોડામાં ? ધન્ય ઘડી ધન્ય ભાગ...’’ સીડી ઊતરતા અલયે ફટકો માર્યો.

‘‘અ...લ...ય...’’ સૂર્યકાંત મહેતા એને નજર ભરીને જોઈ રહ્યા. અલય સીડીમાં જ ઊભો રહી ગયો. એને જાણે સૂર્યકાંત મહેતા સાથે કોઈ વાત જ નહોતી કરવી. ઊપર ચાલી ગયા પછી એને ખબર હતી કે નીચે સૂર્યકાંત મહેતા આવી પહોંચ્યા છે. પણ પોતાના મનને મનાવતા અને તૈયાર કરતાં એને ખાસ્સો સમય લાગ્યો હતો. એ માંડ માંડ નીચે ઊતરીને આવ્યો હતો.

‘‘અહીં આવ બેટા, મારે તને જોવો છે.’’ અલયે વસુમા સામે જોયું. વસુમાના ચહેરા પર કોઈ ભાવ નહોતા.

‘‘અહીં આવ અલય’’ અભયે કહ્યું. અલય અચકાતા ડગલે આગળ આવ્યો અને સૂર્યકાંત મહેતાની આગળ આવીને ઊભો રહ્યો. સૂર્યકાંત મહેતા એને ઘડીભર જોઈ રહ્યા. છ ફૂટની ઊંચાઈ, સુંદર, સુદૃૃઢ શરીર, ભાવવાહી આંખો, નમણો ચહેરો, નશખીશ વસુંધરાનો દીકરો દેખાતો હતો એ !

‘‘બેટા !’’ એમણે અલયના માથા પર હાથ ફેરવ્યો. અનિચ્છા એ પણ અલયથી માથું હલાવાઈ ગયું. હાથ ખસી જાય એમ.

‘‘હું જાણું છું. હું જાણું છું કે તને મારી સામે ખૂબ ફરિયાદો હશે તું ધિક્કારતો હોઈશ મને. જે બાપ પોતાના બાળકને માના ગર્ભમાં મૂકીને ચાલ્યો જાય...’’

‘‘એ બધો ઇમોશનલ સીન પતી ગયો ને ?’’ અલયે વચ્ચે જ વાત કાપી નાખી. ‘‘મને એ બધા લાગણીવેડામાં કોઈ રસ નથી. ત્યારે ગયા હતા અને આજે આવ્યા છો એ બે જ વાત સત્ય છે. મિસ્ટર મહેતા !’’

અચાનક સોપો પડી ગયો.

થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહીં. પછી સૂર્યકાંત મહેતા ફરી એક વાર વાત શરુ કરવાનો પ્રયાસ કરી જોયો. ‘‘શું કરે છે બેટા અભય?’’

‘‘એમનો પોતાનો બિઝનેસ છે. અને ગવર્મેન્ટમાં ઓફિસર છે.’’ વૈભવીએ રસોડાની બહાર આવીને જવાબ આપ્યો. ‘‘ખૂબ સારો ચાલે છે બિઝનેસ. ઘર અભય જ ચલાવે છે...’’

‘‘એવું કંઈ નથી. અજય વકીલ છે.’’

‘‘પણ વકીલાત ચાલતી નથી. અનાથઆશ્રમની જમીનનો કેસ લડ્યા, છાપાઓએ પ્રસિદ્ધી તો બહુ આપી પણ કેસ હારી ગયા. જોકે જાનકીને જીતી લાવ્યા એ જુદી વાત છે.’’ આખા ઘર વતી જાણે વૈભવી જ વાત કરી રહી હતી.

‘‘ને અલય ? બેટા તું...’’

‘‘અલયભાઈ...’’ વૈભવી બોલવા ગઈ પણ અલયે વચ્ચેથી જ તોડી પાડી, ‘‘મને લાગે છે સવાલ મને પૂછાયો છે ભાભી. હું જવાબ આપી દઉં છું.’’ પછી સૂર્યકાંત તરફ ફરીને ઉમેર્યું, ‘‘હું સ્ટ્રગલ કરું છું. મારી પોતાની ફિલ્મ બનાવવા માગું છું.’’

‘‘સરસ બહુ સરસ....’’ સૂર્યકાંત મહેતા જાણે બે-ત્રણ વર્ષના છોકરાનું ડ્રોંઈંગ જોઈને ખુશ થતા બાપની જેમ બોલી રહ્યા હતા, ‘‘હવે આપણી પાસે સગવડ છે. સ્ટ્રગલ કરવાની જરુર નથી બેટા. તું બજેટ બનાવ આપણે તારી ફિલ્મ પ્રોડ્યુસ કરીશું. ભારતમાં, ભારતની બહાર તારે જ્યાં શૂટિંગ કરવું હશે, જેટલો ખર્ચ કરવો હશે એ બધું જ થઈ જશે...’’

‘‘વેરી ગુડ’’ અજય ખુશ થઈ ગયો. ‘‘છેલ્લા ત્રણ વરસથી સ્ટર્રગલ કરે છે અલય પણ નવા માણસને આ ઇન્ડસ્ટ્રીમાં ચાન્સ કોણ આપે ?’’

‘‘હું આપીશ... મારા દીકરા માટે ફિલ્મ હું પ્રોડ્યુસ કરીશ.’’

‘‘થેન્ક યુ મિસ્ટર મહેતા. પણ મારે બે-ચાર પ્રોડ્યુસર્સ સાથે વાત ચાલે છે. બધું ગોઠવાઈ જશે. મને જરુર નથી તમારી હેલ્પની’’ અલયથી અનાયાસે જ વસુમા તરફ જોવાઈ ગયું. વસુમાની આંખોમાં કોણ જાણે એવું શું હતું જે જોઈને અલયને પોતાની જાત પર વ્હાલ આવી ગયું !

અંજલી અને રાજેશ ગાડીમાં બેઠા ત્યાં સુધી અંજલીનું મન પિતાને મળવા સિવાય બીજો કોઈ વિચાર કરી શકતું જ નહોતું.

નાનકડી અંજલી નવું ફ્રોક પહેરીને દાદાજીના ખોળામાંથી ઊતરીને હવેલીની પોર્ચમાં દાખલ થઈ રહેલા પિતા તરફ દોડતી હતી જાણે !

ગાડીમાં બેસીને વિચારોમાં ખોવાયેલી અંજલી તરફ જોઈને રાજેશે અચાનક જ પૂછ્‌યું, ‘‘તેં પ્રિયાને વાત કરી હતી કે બાપુ આવ્યા છે?’’

‘‘ના’’

‘‘તો એને કેવી રીતે ખબર પડી ?’’

‘‘કેવી રીતે ? આઈ ડોન્ટ નો’’ અંજલીએ કહ્યું. અને સાથે જ એના મનમાં ઝબકારો થયો, ‘‘ભાઈ તો ગઈ કાલે આવ્યા છે દિલ્હીથી. પ્રિયાના અબોર્શનની એમને કેવી રીતે ખબર ?’’

‘‘અંજુ...’’ રાજેશ એટલું બોલીને ચૂપ થઈ ગયો. જાણે આગળનું વાક્ય ગળી ગયો હોય.

‘‘એટલે... ભાઈ... અને પ્રિયા ?’’ અંજલીએ ફાટેલી આંખે, તરડાયેલા અવાજે રાજેશ સામે જોયું.

‘‘કુલ ડાઉન બેબી ! કંઈ પણ ધારી લેવાની જરુર નથી. આ તો મને વિચાર આવ્યો એટલે મેં અમસ્તુ પૂછ્‌યું. હમણાં ત્યાં બાપુ છે. જઈને રીએક્ટ નહીં કરતી, પ્લીઝ.’’

‘‘પણ ભાઈ ?’’

‘‘અંજુ...’’

એ પછી ડોક્ટર પારેખની હોસ્પિટલથી શરુ કરીને શ્રીજી વિલા સુધી રાજેશ કે અંજલી બેમાંથી કોઈ કશું બોલ્યું નહીં. બંનેના મનમાં તાણાવાણા ગૂંથાતા રહ્યા અને કેટલાય કોકડાં ઊકલતા રહ્યા ને કેટલાંય કોકડાં ગૂંચવાતા રહ્યા...

(ક્રમશઃ)