premnu vartud - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમનું વર્તુળ - ૭

પ્રકરણ-૭ વૈદેહીનો ગૃહપ્રવેશ
વૈદેહી અને રેવાંશ બંનેના લગ્ન ખુબ રંગેચંગે લેવાયા. ખુબ ધામધુમથી વૈદેહીના પિતા એ એના લગ્ન કર્યા. વૈદેહીના પિતા એક સારા ગાયક પણ હતા એટલે એમણે વૈદેહીના લગ્નમાં “બાબુલ કી દુઆએ લેતી જા.....” એ ગીત ખુબ પ્રેમથી પોતાની દીકરી માટે ગયું. એમને આ ગીત ગાતા સાંભળીને રેવાંશ ના પરિવારના સદસ્યોની પણ આંખો ભીની થઇ ગઈ હતી. આ કદાચ પહેલા એવા લગ્ન હતા કે, જયારે વર પક્ષ ના લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. રજતકુમાર ના અવાજમાં કદાચ દીકરીની વિદાયનું દર્દ હતું.
દીકરીની વિદાય થઇ ગઈ હતી. વૈદેહી હવે બસમાં બેસીને રેવાંશ જોડે સાસરે જવા રવાના થઇ. વૈદેહી વિચારી રહી હતી કે, “એ રેવાંશ જોડે કારમાં બેસીને સાસરે જશે. પરંતુ રેવાંશ એ તો એને બસમાં બેસાડી. રેવાંશ પોતે ગાડીનો માલિક હોવા છતાં બસમાં કેમ લઇ ગયો હશે? પોતે ડોક્ટર હોવા છતાં બસમાં બેસીને જાય એ શું એને ગમ્યું હશે? શું કારણ હશે?” એમ મનોમન એ વિચારી રહી હતી. પણ પછી એણે પોતાના મનને સમજાવ્યું, જે થયું તે ખરું.
રેવાંશ ની બાજુમાં બેઠેલી વૈદેહીની આંખો સહેજ ભીની થઇ. પોતાની વિદાય વખતે ન રડેલી વૈદેહીને મા બાપથી અલગ થયાના દુઃખ નો ક્ષણિક એહસાસ થયો. રેવાંશની નજર ત્યાં પડી એટલે એણે વૈદેહીને છાની રાખવાનો પ્રયત્ન કર્યો. એણે પોતાના રૂમાલથી વૈદેહીના આંસુ લૂછ્યા અને એનો હાથ પકડીને કહ્યું, “રડ નહિ, વૈદેહી. તું રડે તો પછી તારા માતાપિતાને કેટલું દુઃખ થાય.”
વૈદેહીએ હવે રડવાનું બંધ કર્યું. એ મનોમન રેવાંશને પામીને ધન્યતાનો અનુભવ કરવા લાગી. એ વિચારી રહી, “મારો પતિ મારું કેટલું ધ્યાન રાખે છે. એ મને કેટલું સમજે છે. એ મારા મનની વાત પણ ખુબ ઝડપથી સમજી જાય છે.
******
બસ હવે રેવાંશના ઘરે આવી પહોંચી હતી. નવી વહુના આગમનથી બધાં બહુ જ ખુશ હતા. રેવાંશ અને વૈદેહી બંને હવે બસમાંથી નીચે ઉતર્યા. વૈદેહી એ સંપુટ તોડ્યા. અને એ પછી એણે ચોખા ભરેલો કળશ ઢોળીને ગૃહપ્રવેશ કર્યો. રેવાંશ ની મમ્મીએ વૈદેહી અને રેવાંશની આરતી ઉતારી અને બંનેએ ઘરના પ્રાંગણમાં પગ મુક્યો. એ પછી લગ્ન પછીની કંકુવાળા પાણીમાંથી વીંટી શોધવાની રમતનો આરંભ થયો.
એક વખત વીંટી રેવાંશના હાથમાં આવી. બીજી વખત વીંટી વૈદેહીના હાથમાં આવી. હવે ત્રીજીવાર વીંટી શોધવાની હતી. એમાં જેના હાથમાં વીંટી આવે એનું ઘરમાં રાજ ચાલે એમ કહેવાય. એટલે ત્રીજીવારમાં વૈદેહીના હાથમાં વીંટી આવી પરંતુ રેવાંશ એ તેના હાથમાંથી વીંટી છીનવવા પ્રયત્ન કર્યો પણ વૈદેહી તરત બોલી ઉઠી, “પહેલા મારા હાથમાં આવી હતી હો. હું ચીટીંગ નહિ કરવા દઉં તમને.”
બધાં પરિવારના સદસ્યો મસ્તી કરતા બોલવા લાગ્યા, “બરાબરની ટક્કર છે ભાઈ.” આ સાંભળીને બંને થોડા શરમાઈ ગયા. હવે ખેલ પૂરો થયો પણ ખેલના અંતે એવું સાબિત થયું કે, વૈદેહી રેવાંશ ને ક્યારેય કોઈ ખોટું કામ નહિ કરવા દે અને કદાચ એ કોઈ ખોટું કામ કરવા પ્રયત્ન કરશે તો વૈદેહી એને રોકી લેશે. વૈદેહીના આવા ગુણો જોઇને રેવાંશના પરિવારના બધાં લોકો ખુશ થયા સિવાય કે, રેવાંશની મમ્મી. કારણ કે, એમના વિચારો પ્રમાણે એમને લાગ્યું હતું કે, વૈદેહી એ વીંટી રેવાંશ ને આપી દેવી જોઈતી હતી. પતિ કહે એમ જ બધું કરવું જોઈએ એવું માનસ એ એમની વહુ માટે ધરાવતા હતા. પરંતુ વૈદેહી એ એમ ન કર્યું તેથી એમને થોડું દુઃખ થયું. પણ તેઓ ત્યારે કઈ બોલ્યા નહિ.
હવે વૈદેહી ને મહેક એના રૂમમાં લઇ ગઈ. ત્યાં વૈદેહીનો સમાન ખોલવાની પ્રક્રિયાનો આરંભ થયો. ભાભી એ એક પછી એક કપડાં, દાગીના વગેરે બધો સમાન કાઢ્યો અને એ પોતાના કબાટમાં ગોઠવવા લાગી. મહેક ક્યારની રાહ જોઈ રહી હતી કે, ભાભી એને એમાંથી કોઈ વસ્તુ લેવાનું કહે અને એ એને ગમતી વસ્તુ લઇ લે. પરંતુ વૈદેહી એવું કશું જ બોલી નહિ અને એણે એનો બધો સામાન ગોઠવી દીધો. નણંદ જયારે ભાભી સમાન ખોલે ત્યારે એમાંથી એને જે વસ્તુ ગમતી હોય એ લઇ લે એવો રિવાજ છે એ વાતથી વૈદેહી બિલકુલ અજાણ હતી. જો એ આ વાત જાણતી હોત તો એ જરૂર એની નણંદને એમાંથી એને જે ગમે એ આપી દેત. પરંતુ આ વાતની તો વૈદેહીને બહુ પાછળથી ખબર પડી હતી. એનો એને હંમેશા અફસોસ થતો કે, મેં મારી નણંદને કઈ આપ્યું નહિ. મને ત્યારે ખબર હોત તો હું ત્યારે જ એને આપી દેત.
હવે લગ્નની બધી વિધિઓ પુરી થઇ ગઈ હતી. વૈદેહી હવે રેવાંશના રૂમમાં આવી. એ વિચારી રહી, “લગ્ન પછી છોકરીની જિંદગી કેવી અલગ થઇ જાય છે નહીં? અત્યાર સુધી મારા મા બાપના ઘરે એકલી રહેતી હું હવે રેવાંશની જોડે મારે મારી આખી જિંદગી શેર કરવાની છે.”
એણે હવે વિચારવાનું બંધ કર્યું અને એણે પિયરેથી લાવેલું લગ્ન ની પહેલી રાત માટે લીધેલું જાંબલી રંગનું સુંદર ગાઉન પહેર્યુ. અને એ પોતાના પલંગ પર બેસીને રેવાંશની રાહ જોવા લાગી.
થોડી વારમાં રેવાંશ એના રૂમમાં દાખલ થયો. રેવાંશ ને જોઇને વૈદેહીની છાતી ધડકી ઉઠી. એના મનમાં એક પ્રકારનો ઉમંગ છલકાતો હતો. અંતે એ ક્ષણ આવી જ પહોંચી જેની બંને જણા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
કેવી રહેશે વૈદેહી અને રેવાંશની સુહાગરાત? એની વાત આવતા અંકે....