Preranadaayi Naari Paatr Sita - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 8

જનકસુતા સીતા તો ગુણસુંદરી છે, તે છતાં તેનો જીવન પથ કાંટાળો બની રહ્યો. તે ધરતીપુત્રી છે માટે જ જેમ ધરતીમાતા બધુ જ સહન કરીને અન્યને આધાર આપે છે તેમ સીતા પણ અનેક કષ્ટ સહન કરીને પોતાનો ધર્મ નિભાવી રહ્યાં છે. તેના ચરિત્રના પાયામાં અટલ પતિવ્રતાધર્મ રહેલો છે. સીતાજીએ મન – વચન અને બુધ્ધિથી રામ સિવાય અન્ય કોઈ પુરુષનો ક્યારેય આશ્રય લીધો નથી. તેમણે સદૈવ રામની જ આરાધના કરી છે પરંતુ પ્રજાનું મન રાખવા પોતે રાજમહેલનો ત્યાગ કરવા તૈયાર થાય છે ત્યારે રાજ ધર્મનું પાલન કરવા શ્રી રામ કઠોર બની જઈને સીતાને વનવાસ માટે સંમતિ આપે છે.

સગર્ભા સીતા ‘વનદેવી’ ના નામ સાથે વનમાં વસવાટ કરવા નીકળે છે. ઋષિ વાલ્મિકીના આશ્રમમાં આશ્રય મેળવે છે. અહીં જ ગૌતમી માતા અન્ય આશ્રમવાસીઓ સાથે હળી મળીને રહેવાનુ શરૂ કરે છે. પૂરા સમયે પ્રસવપીડા થતાં પુત્રોને જન્મ આપે છે આ સમયે યોગાનુયોગ અયોધ્યાના રાજકુમાર શત્રુઘ્ન સેના સહિત વાલ્મિકીના દર્શને આવે છે. રાજ પતાકા ફરકાવે છે. વાલ્મિકીને આ સૂર્યવંશી બાળકોના જન્મ સમયે થયેલા શુભ લક્ષણો જણાય છે. શત્રુઘ્ન પણ સૂર્યવંશી હોવાથી ઋષિ વાલ્મીકિ તેના હાથે બંને બાળકોના જાતક સંસ્કાર કરાવવાનું નક્કી કરે છે. શત્રુઘ્ન અજ્ઞાતપણે પોતાના જ ભત્રીજાઓના ‘જાતક સંસ્કાર’ કરી આશીર્વાદ આપે છે કે ‘એક દિવસ તમે પોતાના કાકાને પણ હરાવી દો તેવા બળવાન અને તેજસ્વી બનો.’સપોતાના ડોકમાંથી સુંદર મોતીની સૂર્યવંશના રાજચિન્હવાળી માળાઓ પહેરાવે છે. ઋષિ વાલ્મીકિ જોડિયા બાળકોના નામ પોતે તૃણના આગળના ભાગેથી મોટા પુત્રનું જાતક સંસ્કાર કરાવે છે માટે તેનું નામ કુશ (તૃણના આગળના ભાગને કુશ કહેવાય) રાખે છે અને નીચેના ભાગને લવ કહેવાય માટે નાના પુત્રનું નામ લવ રાખે છે. માતા સીતાને જાણ થાય છે કે અયોધ્યાના રાજકુમાર શત્રુઘ્ન દવારા તેઓના પુત્રોના જાતક સંસ્કાર થયાં છે, તેઓ સૂર્યવંશી રાજચિન્હ વાળી માળાઓ જુએ છે આનંદ સાથે આશ્ચર્ય અનુભવે છે. તે મનોમન રામને યાદ કરી આભાર માને છે. શત્રુઘ્ન પોતે જે બાળકોના જાતક સંસ્કાર કર્યા તે દેવીને નમન કરે છે ત્યારે સીતા તો શત્રુઘ્નને જાણે છે અને લવણાસુરના વધ માટે જઈ રહેલાં પોતાના દિયરને ‘વિજય ભવો’ના આશીર્વાદ આપે છે.

સીતાજી બંને પુત્રોને જોઈને પોતાના તમામ દુખ ભૂલી ગયા છે હર્ષ અને ગૌરવ અનુભવતાં પુત્રોને પિતા રામને વંદન કરાવે છે. દુર્ગાનું રૂપ ધારણ કરીને આવેલ સીતા દ્રઢ સંકલ્પ સાથે બાળકોના ઉછેર શરૂ કરે છે. સાચે જ સીતા વીરાંગના છે. સીતાનું નવું સ્વરૂપ માતા તરીકેનું હવે જોવા મળે છે. પ્રેમાળ- મમતામયી સીતા બંને પુત્રોનું ઘડતર અને ગણતર શરૂ કરે છે. પોતે આશ્રમમાં રહે છે પરંતુ ક્ષત્રાણી હોવાથી બ્રાહ્મણ કન્યાઓની સેવા લેતા નથી. જાતે જ અનાજ દળવું, જંગલમાંથી ઈંધણના લાકડા લાવવા, ચોખા છડવા, રસોઈ તેમજ આશ્રમની સફાઈ જેવા તમામ કાર્યો આ અયોધ્યાની રાજરાણી સીતા કરે છે. પોતાની સાચી ઓળખ આપી નથી.

કુશ ધીર – ગંભીર છે જ્યારે લવ ચંચળ છે. સ્વાભાવિક જ મોટો ભાઈ શાંત અને જવાબદાર હોય જ્યારે નાનો ભાઈ કે બહેન સામાન્ય રીતે અલ્લડ-ચંચળ હોય. બંને પુત્રો કુળનું ગૌરવ વધારનારા, યુગવીર, શૂરવીર બને તેવા સંસ્કાર આપવાની ઈચ્છા સીતા રાખે છે.

મહેલોના અધિકારી કુશ અને લવ વનમાં આશ્રમમાં ઉછેર પામી રહ્યાં છે. સીતા પુત્રો સસલાં સાથે રમે, લાકડાના હાથી અને ઘોડા પર બેસતાં અને ઉતરતા શીખે છે. માતા સીતા બાળકોને ધરતીમાતાના સંતાન હોવાથી વૃક્ષ –વનસ્પતિનું મહત્વ સમજાવે છે તે આપણાં ભાઈ છે તેમ કહી પ્રકૃતિની જાળવણી કરતાં શીખવે તો સાથે જ બાણ અને તીર બનાવી વાલ્મીકિ પાસે ધનુર્વિધ્યા પણ શીખે છે બંને સારા બાણાવણી બનશે તેવો સંકેત બાળપણથી જ આપી દે છે. વનદેવી (સીતા) પોતાના સંતાનોને પોતાની પ્રસંશા ન કરવી પરંતુ કર્મથી કરી દેખાડવું તેવી સમજણ આપે છે. તેઓ ક્ષત્રિય પુત્રો હોવાથી તેનું લાલન પાલન મજબૂત બની રહે તેવું કરે છે સાથે જ સંધ્યા-પુજા અને ગુરુજનના આશીર્વાદ લેવાનું, સેવા કરવાના સંસ્કાર પણ આપે છે.

મા એ દયાનું ઝરણું છે. નિસ્વાર્થ સેવિકા બની હમેશા પરગજુ બની રહેનારી હોય. પોતાના સંતાનના ઉછેર માટે સહિષ્ણુ બની વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી તેના સુખ માટે પરિશ્રમ કરી હંમેશા સફળ સમૃધ્ધ બનાવવા આતુર રહે છે. માતૃપ્રેમ અતુલ્ય છે. માટે જ તો કહેવાયું છે કે नास्ति मात्रुसमा छाया, नास्ति मात्रुसमा गति: नास्ति मातृसम त्राण, नास्ति मात्रुसमा प्रिया અર્થાત માતા સમાન કોઈ છાંયડો નથી. માતા તુલ્ય કોઈ આશરો નથી. માતા જેવું કોઈ રક્ષક નથી અને માતા સમાન કોઈ પ્રિય નથી.

ક્યારેક સંતાનના પિતા વગર માતાએ એકલપંડે બેવડી જવાબદારી ઉઠાવીને ઉછેર કરવાનો હોય ત્યારે તેણી નોકરી-વ્યવસાય સાથે તેઓનું ઘડતર કરવાનો સંજોગ આવે છે ત્યારે ભગવતી સીતાના પાત્ર પરથી શીખવાનું રહે કે સંતાનનો સર્વાંગી વિકાસ થાય અને તે આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર બની રહે તેવી કેળવણી- સંસ્કાર આપવાં સજ્જ રહેવું જોઈએ. આપણાં ગ્રંથોમાં આવી ઘટના લેવાનું એ જ કારણ હોય છે કે જેથી સ્ત્રી દરેક પ્રતિકૂળ સંજોગમાં અનુકૂળતા શોધી લઈ કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકે તેવી ‘શક્તિ’ સ્વરૂપા છે. તેણી ક્યારેય અબળા હતી જ નહીં માટે આ કળિયુગમાં પણ આવા પાત્રોની પ્રેરણા લઈ નિરાશ થયા વગર કાર્ય કરવાનું બળ મેળવતી રહે.

ક્રમશ:

પારૂલ દેસાઈ